ગિરિમા ઘારેખાન
એક હતી બતક. એનું નામ બાબી. બાબી એક તળાવમાં રહેતી હતી. એ તો આખો દિવસ પાણીમાં તર્યા કરે અને .ભૂખ લાગે ત્યારે પાણીમાં મોં નાખીને માછલીઓ ખાય. એના પગની નીચે બીજા પંખીઓને હોય છે એવા પંજા જ હતા. એટલે એ બહુ ઝડપથી પાણીમાં તરી શકતી ન હતી. થોડું તરે અને થાકી જાય. માછલીઓ તો બહુ ઝડપથી તરે. એટલે બતક માછલીને પકડવા પાણીમાં મોં નાખે, પણ ચપળ માછલી ઝડપથી દૂર જતી રહે અને બતકના મોં માં આવે નહીં. પંજાવાળા પગથી તરતી તરતી એ કેવી રીતે માછલીની પાછળ ભાગી શકે? પરિણામે બાબી બતકને બિચારીને ભૂખ્યું રહેવું પડે અને ક્યારેક તો ભૂખ્યા જ સૂઈ જવું પડે.
એક સવારે બતકે જોયું કે એના તળાવમાં રાત દરમ્યાન થોડી જળકૂકડીઓ રહેવા આવી ગઈ હતી. એ પણ બતક જેવી સફેદ પણ નાની. બતકને થયું કે આ નાની નાની જળકૂકડીઓ માછલીઓને કેવી રીતે પકડશે? પણ એણે જોયું કે એ બધી તો ઊડી શકતી હતી. એ તો પાણીની થોડેક જ ઉપર ઊડ્યા કરે. જેવી પાણીમાં માછલી દેખાય કે ચાંચ અંદર નાખીને માછલીને પકડી લે. એ ભલે બાબી બતકથી નાની હતી, પણ માછલીઓ પકડવામાં બહુ હોશિયાર હતી.
એમને જોઇને બાબીને બહુ અફસોસ થયો કે મને ભગવાને પાંખો આપી છે, પણ નાની નાની. એ પણ પાછી જાડી અને થોડી અણીદાર. એટલે મારામાં ઊડવાની શક્તિ પણ નથી. જેમણે મને આવી બનાવી એમને હું ફરિયાદ જરૂર કરીશ. આવી રીતે ભૂખ્યા રહીને તો કેવી રીતે જીવી શકાય?
બાબી બતકે તો આંખો મીંચીને ભગવાનને પ્રાર્થના કરવા માંડી. એ કહેવા માંડી, ‘હે ભગવાન, તમે મને પંખી બનાવી હોય તો આવી અધૂરી કેમ બનાવી? મને ઉડવાની શક્તિ કેમ ના આપી?’
ભગવાને એને જવાબ આપ્યો, ‘મેં તો તને પાણીમાં તરવા માટે બનાવી છે, ઉડવા માટે બનાવી જ નથી. તારે પાણીમાં રહેવાનું પછી ઉડવાની કેમ જરૂર પડે?’
‘તો પછી ભગવાન મને માછલી જેવી કેમ ના બનાવી કે હું સરસ રીતે પાણીમાં તરી શકું?’
‘અરે પણ તને તો માછલીઓથી પણ સારી બનાવી છે. તને તો મેં પાંખો આપી છે.’ ભગવાને બટાકાને સમજાવી.
‘પણ ભગવાન, જળકૂકડી તો સહેલાઈથી તરી પણ શકે છે અને ઊડી પણ શકે છે !’ બતકે દલીલ કરી.
ભગવાને હસીને જવાબ આપ્યો, ‘અરે બતક, જળકૂકડી તો તારી પાસે કંઈ જ નથી. તું પાણીમાં તરતી હોય ત્યારે કેટલી સુંદર લાગે છે ? બધાં માણસો તારી સામે જોયાં જ કરે છે ને? તું હોય ત્યારે કોઈ જળ કૂકડી સામે જુએ પણ નહીં.’
હવે બાબીને તો રડવું આવી ગયું. એણે કહ્યું, ‘ભગવાન, ભૂખ્યા રહીને સુંદર લાગવાનો શું અર્થ? મારા કરતાં તો પેલા નાના નાના ભૂખરાં દેડકાં વધારે ખુશ છે કે એમના પગના પંજા એવાં છે કે એ ઝડપથી કૂદી શકે છે. તેઓ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલાં ઝડપથી પહોંચી જાય છે ! અરે પેલા કદરૂપા, બિહામણા, મગરની જિંદગી સારી કે આટલા ભારે શરીર સાથે પાણીમાં ઝડપથી તરી શકે છે.’
ભગવાને બતકને પૂછ્યું, ‘તો પછી બાબી, તું પણ કેમ એમની જેમ ઝડપથી તરતી નથી ? તું પણ તર અને માછલીઓ પકડ ને! ‘
‘ભગવાન, આવા પંજા સાથે હું કેવી રીતે ઝડપથી તરી શકું?’ બાબીએ પોતાના પગનો પંજો ઊંચો કરીને ભગવાનને બતાવ્યો.
હવે ભગવાન વિચારમાં પડ્યા. બતકની વાત તો સાચી હતી. એને પાંખો આપી હતી એટલે જમીન ઉપર ચાલવાના પંખીઓ જેવા પગ સાથે એમણે બતકને પાણીમાં મોકલી દીધી હતી. એણે તરવાનું જ છે એમ વિચારીને ઊડવાને યોગ્ય પાંખો પણ ન હતી આપી. ભૂલ થઇ ગઈ હતી.
એમણે બતકને એના પગના પંજા વારાફરતી ઊંચા કરવાનું કહ્યું. પછી એમણે એની પગની આંગળીઓને એક પાતળી ચામડીથી જોડી દીધી. હવે બાબી બતકના પંજા દેડકાં, મગર અને બીજાં જળચર પ્રાણીઓની જેમ હલેસાં જેવા થઇ ગયા. એમણે બાબીને કહ્યું, ‘ઓ બતક, મારી જ ભૂલ થઇ ગઈ હતી. હું તારા પગની નીચે આ ચામડી મૂકવાનું ભૂલી ગયો હતો. જા, હવે તું મોજથી પાણીમાં રહે. હવે તું ઝડપથી પાણી કાપી શકીશ અને સરસ રીતે ઝડપથી તરી શકીશ.’
બતકે પોતાના નવા બનેલા પંજા જોયાં અને એ ખૂબ ખુશ થઇ ગઈ. ભગવાનનો આભાર માનીને એ ઝડપથી તરતી તરતી પાણીમાં આગળ જતી રહી.
હવે બતક હલેસાંની જેમ પગ હલાવીને પાણીમાં ઝડપથી તરી શકે છે અને ખોરાક શોધી શકે છે. હવે બતક ખુશ રહે છે.
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
