ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન જેવી બાબતો એવી છે કે એમના વિશે થાય એટલી વાત ઓછી પડે, કેમ કે, તેના થકી આપણા રોજિંદા જીવન પર થતી વિપરીત અસરો બાબતે સભાનતા કેળવવી જરૂરી છે. આપણી આસપાસના વાતાવરણ અને પર્યાવરણને સૌએ મળીને એ હદે પ્રદૂષિત કરી દીધું છે કે ભાગ્યે જ કોઈ એવું પાસું બાકી રહ્યું હશે કે જે આપણને, આપણા જીવનને ન સ્પર્શે. પ્રદૂષણની વાત નીકળે ત્યારે હજી ઘણા બધાને એમ હોય છે કે એ તો નદી-દરિયા, ખીણ કે લેન્ડફીલ જેવાં સ્થળોએ જ હોય. પોતાના જીવનમાં, અરે, છેક પોતાના ઘર સુધી એ પહોંચી ચૂક્યું છે એનો અહેસાસ તેમને ભાગ્યે જ થાય છે.
મોટા કદના પ્લાસ્ટિકના વિઘટનને લઈને પરિણમતું માઈક્રોપ્લાસ્ટિક, એટલે કે પાંચ મિ.મી.કરતાં ઓછો વ્યાસ ધરાવતા, લગભગ તલના દાણા જેવડા, પ્લાસ્ટિકનાં સૂક્ષ્મ કણો સર્વવ્યાપી બની રહ્યા છે. ક્યાં ક્યાં એ છે? પ્લાસ્ટિકની પાણીની બોટલોથી લઈને સસ્તન પ્રાણીઓની લાદમાં, માનવરક્તમાં અને અંગમાં, આપણે શ્વસીએ છીએ એ હવામાં, અને છેક એવરેસ્ટ શિખર પાસે સુધ્ધાં એ જોવા મળ્યા છે. જો કે, આમાં કંઈ નવાઈ નથી, કેમ કે, આ હકીકત ઘણા સમય પહેલાંથી વિવિધ અહેવાલો થકી જાણીતી બની ચૂકી છે.
હવે જે નવો અહેવાલ રજૂ કરાયો છે એમાં પ્લાસ્ટિકના એવા સ્રોત દર્શાવાયા છે કે જેને અત્યાર સુધી નજરઅંદાજ કરાતા રહ્યા છે યા નવા ધ્યાનમાં આવ્યા છે. નેધરલેન્ડ્સની એક સંસ્થા ‘પ્લાસ્ટિક સૂપ ફાઉન્ડેશન’ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં ૩૫૦ કરતાં વધુ અભ્યાસને વિવિધ નિષ્ણાતોએ ચકાસીને તેને જાહેર કર્યા છે. માઈક્રોપ્લાસ્ટિક માટે જવાબદાર પદાર્થોને આમાં પાંચ શ્રેણીમાં વિભાજીત કરાયા છે: ઘરની બહારના સ્રોત, ઘરની અંદરના સ્રોત, બાળકો માટેનાં ઉત્પાદન, સ્વાસ્થ્ય તેમજ વ્યક્તિગત સારસંભાળ માટેની ચીજો અને ખાવાપીવાની ચીજો. આ અહેવાલમાં માઈક્રોપ્લાસ્ટિકને ‘સર્વવ્યાપી, પ્રચૂર, અદૃશ્ય, રાસાયણિક મિશ્રણ ધરાવતાં પ્રદૂષકો’ ગણાવાયાં છે, જે આપણા જીવનના એકે એક ખૂણે, જન્મથી પણ પહેલાં છુપાયેલા છે.
આમાંના કેટલાક સ્રોત દેખીતા અને પ્રગટ છે, જેમ કે, પ્લાસ્ટિકનું પેકેજિંગ ધરાવતા ખોરાક અને પીણાં. પણ બીજા ઘણા નજરઅંદાજ થતા રહ્યા છે.જેમ કે, દવાખાનામાં જીવનરક્ષણ માટે વપરાતાં ઉપકરણો થકી શરીરમાં જાણબહાર પ્લાસ્ટિક દાખલ થાય છે. અભ્યાસ અનુસાર ઓપરેટિંગ રૂમમાં એક પાળી દરમિયાન પ્રતિ ચોરસ મીટરે ૯,૨૫૮ કણો મળી આવે છે. આવશ્યક તબીબી ઊપકરણો, કાર્ડિઆક કેથેટર, ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટ, સીલીકોન ઈમ્પ્લાન્ટ, ઈન્ટ્રાવીનસ ફ્લુઈડ બેગ વગેરે સહિત અનેક સાધનો પોલિમર પ્લાસ્ટિકમાં વીંટળાયેલા આવે છે, અને ઓપરેટિંગ રૂમમાં વ્યાપક રીતે વપરાશમાં લેવાતા રહે છે.
નવજાત શિશુઓ માટેના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં આ મુદ્દો વધુ ગંભીર બને છે, કેમ કે, અહીં એવાં બાળકો તેના સંપર્કમાં આવે છે, જેમણે હજી તો આ પૃથ્વી પર શ્વાસ લેવાની શરૂઆત કરી છે. સોય દ્વારા જરૂરી પોષક દ્રવ્યો દાખલ કરવામાં આવે છે એવાં, સમય કરતાં વહેલાં જન્મેલાં બાળકો ૭૨ કલાકમાં માઈક્રોપ્લાસ્ટિકનાં ૧૧૫ કણો ‘ગળી જતા’ હોવાનો અંદાજ છે. એમાંય ખાસ કરીને ‘બેબી ફોર્મ્યુલા’ એટલે કે બાળકો માટેનો આહાર, તેના પેકેજિંગ અને બનાવટની પદ્ધતિ અનુસાર માઈક્રોપ્લાસ્ટિકનું ઓછુંવત્તું, પણ નિશ્ચિત પ્રમાણ ધરાવે છે. એ જ રીતે બાળકો માટેનાં વિવિધ ઉત્પાદનોમાંથી પણ પી.વી.સી.(પોલિ વિનાઈલ ક્લોરાઈડ), પોલિપ્રોપીલીન, પી.ઈ.ટી. (પોલિઈથીલીન ટર્ફ્થેલેટ)નાં કણો સતત હવામાં છૂટા પડતા રહે છે. પોતાના શરીરના વજનને કારણે બાળકો પ્રમાણમાં વધુ હવા શ્વસે છે અને ઠરેલી રેતી સાથે વધુ સમય સંપર્કમાં આવે છે. આથી વયસ્કોની સરખામણીએ તેમનો સંપર્ક વધુ હોય છે.
આવા, બંધબારણે રહેલા પ્લાસ્ટિકની હાજરીમાં વૃદ્ધિ થાય છે ઘરેલુ રંગોથી, જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક બાઈન્ડર હોય છે. હવામાનના સંપર્કમાં આવતાં કે નવો રંગ કરતી વખતે જૂનો રંગ ઊખાડતાં તેમાંથી પુષ્કળ પ્રમાણમાં પોલિમર પ્લાસ્ટિક છૂટું પડે છે. સો ચો.મી.માં લગાડેલા રંગના એક હાથમાં ૧૭ થી ૬૮ લાખ કરોડ પોલિમર પ્લાસ્ટિકના કણો હોવાનો અંદાજ છે. અને ઘરઘરમાં રહેલા, પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવતા માઈક્રોપ્લાસ્ટિકના આવડા મોટા સ્રોત પર ખાસ ધ્યાન જતું નથી.
આના વિશે વાત કરતાં એ યાદ રાખવું રહ્યું કે આવી તો કેટલીય બાબતો આપણી જાણબહાર હશે. એકાદની વાત કરીએ. જેમ કે, સ્ટ્રેટસ્ફેરિક એરોસોલ ઈન્જેક્શન. સૌર જીઓ એન્જિનિયરીંગની આ એક સૂચિત પદ્ધતિ છે, જે આપણા ગ્રહના તાપમાનને ઝડપથી ઠંડું કરવા માટે તૈયાર કરાઈ રહી છે. તેમાં પૃથ્વીની સપાટીથી દસથી વીસ કિ.મી. ઊપર આવેલા સમતાપમંડળ(સ્ટ્રેટસ્ફિયર)માં કણો છોડવામાં આવશે. આ કણોમાં માઈક્રોપ્લાસ્ટિકના પુષ્કળ પ્રમાણને પણ નજરઅંદાજ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

વરસાદમાં સુધ્ધાં ટાયર, સિન્થેટીક વસ્ત્રો વગેરેમાંથી છૂટું પડતું માઈક્રોપ્લાસ્ટિક હોય છે. એક અંદાજ અનુસાર માણસો વરસેદહાડે ચાલીસ કરોડ ટન પ્લાસ્ટિકકચરો પેદા કરીએ છીએ, જે પૈકીનો સાઠ ટકા કચરો આપણા પર્યાવરણમાં જ ભળે છે. તે બીજે ક્યાં જાય? આપણને ન દેખાય એનો અર્થ એવો તો નહીં ને કે તેનું વિઘટન થઈ ગયું?
ઘણી વાર એવી ચિંતા વ્યક્ત થતી રહે છે કે આપણે આપણી ભાવિ પેઢીને કેવી પૃથ્વીનો વારસો આપીને જઈશું? આ અહેવાલ વાંચીને એમ થાય કે ભાવિ પેઢી તો છોડો, વર્તમાન પેઢી કેટકેટલા પ્રદૂષણ વચ્ચે જીવી રહી છે અને પોતાની જાણબહાર કેટલું પ્લાસ્ટિક ગ્રસી અને શ્વસી રહી છે એનો એને અંદાજ છે ખરો? અને વર્તમાન પેઢી એટલે બીજું કોઈ નહીં, આપણે સૌ.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮-૬– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
