ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ કડીમાં વધુ એક તાલવાદ્યનો પરિચય કેળવીએ. ખોલ તરીકે જાણીતું આ લોકતાલવાદ્ય મુખ્યત્વે બંગાળ અને ઓરીસ્સાના વિસ્તારોમાં સૈકાઓથી ખાસ્સું પ્રચલિત છે. આમ તો અન્ય પરંપરાગત તાલવાદ્યો જેવી જ મૂળભૂત રચના ધરાવતા આ વાદ્યનો એક બાજુનો છેડો કે જે મોટા ભાગના વાદકો જમણા હાથ વડે વગાડે છે (દાંયા), તે સામેના છેડા (બાંયા) કરતાં પ્રમાણમાં વધારે લાંબો અને પાતળો જોવા મળે છે. લોકબોલીમાં આ પાતળા છેડાને ‘ગૌપુચ્છ’ (ગાયાના પુંછડા જેવો) કહે છે. આમ હોવાથી તસવીરમાં જોઈ શકાય છે તેમ તેનો મધ્ય ભાગ ઢોલક, મૃદંગ કે પખાવજ જેવાં તાલવાદ્યો કરતાં વધુ ઉપસી આવેલો જણાય છે. નોંધનીય છે કે બાંયા વડે નીકળતો ધ્વનિ ઘેરો હોય છે, જ્યારે એકદમ પાતળા એવા દાંયા તરીકે ઓળખાતા છેડાનો ધ્વની તીણો ઉભરી આવે છે.

ખોલની બનાવટમાં મોટા ભાગે માટીનો અથવા ટેરાકોટાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના બન્ને છેડાને ગાય, ભેંસ અથવા બકરાના ચામડા વડે મજબૂતીથી મઢી લેવામાં આવે છે. સામસામેના છેડાને ચામડાની પાતળી પટ્ટીઓથી મજબૂતીથી બાંધી લેવામાં આવે છે. હાલના વખતમાં ક્યારેક ક્યારેક ટેરાકોટાની જગ્યાએ ધાતુના અથવા ફાઈબરગ્લાસના બનેલા લંબઘન નળાકારનો ઉપયોગ કરવામાં આવે છે. એકવાર તૈયાર થઈ જાય તે પછી બન્ને છેડા ઉપર શાહી તરીકે ઓળખાતા પદાર્થની લૂગદી લગાડાય છે.
તેની લાક્ષણિક રચનાને લીધે ખોલના બોલ અન્ય તાલવાદ્યોથી એકદમ અલગ પડે છે. પ્રસ્તુત ક્લીપને માણવાથી તે જણાઈ આવશે.
સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં, બંગાળી પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મોનાં ગીતોમાં ક્યાંક ને ક્યાંક ખોલ સાંભળવા મળે છે, જે તેના બોલની વિશિષ્ટતાને લીધે તરત જ ધ્યાન ખેંચે છે. આ કડીનાં ગીતોના સંકલનમાં ખાસ નોંધનીય છે કે અનાયાસે જ વસંત દેસાઈ અને રવીન્દ્ર જૈનને બાદ કરતાં અન્ય તમામ સંગીતકારો બંગાળી છે.
હવે સાંભળીએ એવાં હિન્દી ફિલ્મી ગીતો, જેના વાદ્યવૃંદમાં ખોલ એક તાલવાદ્ય તરીકે હોય.
૧૯૪૯ની ફિલ્મ જીત માટે અનિલ બિશ્વાસે ગીતો તૈયાર કર્યાં હતાં. તેના ગીત ‘સુનો સુનો બનવારી મેરી’માં તાલવાદ્ય તરીકે ખોલનો પ્રભાવક ઉપયોગ જણાઈ આવે છે.
ફિલ્મ પરીણિતા (૧૯૫૩)નું ગીત ‘ચલી રાધેરાની અખીયોં મેં પાની’ ખોલના કર્ણપ્રિય બોલોથી સભર છે. સંગીત અરૂણકુમાર મુખરજીએ આપ્યું હતું.
આગળ વધીએ ફિલ્મ બિરાજ બહુ (૧૯૫૪)ના ગીત ‘મેરે મન ભૂલા ભૂલા’ તરફ. સલીલ ચૌધરીના સંગીતનિર્દેશનમાં બનેલા અને તેમના જ કંઠે ગવાયેલા આ ગીત સાથે મુખ્ય તાલવાદ્ય તરીકે ખોલનો ઉપયોગ થયો છે.
https://www.youtube.com/watch?v=ABxfu2fYtSM&list=RDABxfu2fYtSM&start_radio=1
૧૯૫૫ની સાલમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેમાં સંગીતનિર્દેશક હતા વસંત દેસાઈ. આ ફિલ્મના ગીત ‘જો તુમ તોડો પિયા’ સાથે ખોલના બોલ તાલ પુરાવે છે. પરદા પર રજૂ થઈ રહેલા આ ગીતને માણવા સાથે મશહૂર નૃત્યકાર ગોપીકૃષ્ણના અદ્ભૂત નૃત્યનો પણ લાભ મળે છે.
https://www.youtube.com/watch?v=xA5z1UR1PZU&list=RDxA5z1UR1PZU&start_radio=1
હવે માણીએ ફિલ્મ પ્યાસા (૧૯૫૭)નું સચીનદેવ બર્મન દ્વારા સ્વરાંકિત થયેલું ખોલના બોલ ધરાવતું ગીત ‘આજ સજન મોહેં અંગ લગા લો’. પરદા પર ખોલ વગાડી રહેલા એક કલાકાર દેખાય છે.
https://www.youtube.com/watch?v=1h816N9qTh4&list=RD1h816N9qTh4&start_radio=1
ફિલ્મ સુજાતા (૧૯૫૯)નું સચીનદેવ બર્મને સ્વરબદ્ધ કરેલું અને ખોલના તાલ વડે સજાવાયેલું એક ગીત ‘સૂન મેરે બંધુ રે’ માણીએ.
૧૯૬૧ની સાલની ફિલ્મ કાબૂલીવાલાની સફળતામાં રવીન્દ્રનાથ ટાગોરની મૂળ મજબૂત કથા અને સલીલ ચૌધરીએ સ્વરબદ્ધ કરેલાં ગીતોનો મોટો ફાળો હતો. પ્રસ્તુત ગીત ‘ગંગા આયી કહાં સે’ સાથે તાલવાદ્ય તરીકે ખોલનો પ્રયોગ થયો છે, જેના બોલ સ્પષ્ટપણે પારખી શકાય છે.
ફરી એકવાર હેમંતકુમારના નિર્દેશનમાં બનેલું એક ગીત માણીએ. ફિલ્મ સાહિબ બીબી ઔર ગુલામ (૧૯૬૨)ના ગીત ‘કોઈ દૂરસે આવાઝ દે ચલે આઓ’માં ગાયકી સાથે તાલ પુરાવતા ખોલના કર્ણપ્રિય બોલ સાંભળી શકાય છે.
૧૯૬૯ની ફિલ્મ આરાધના માટે સચીનદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ગીતોએ તે ફિલ્મના નાયક રાજેસ્શ ખન્નાની કારકીર્દિને નવી ઊંચાઈએ પહોંચાડી દીધી હતી. સચીનદેવ બર્મને જાતે ગાયેલાં ફિલ્મી ગીતો પૈકીનું એક ‘સફલ હોગી તેરી આરાધના’ આ ફિલ્મમાં સમાવાયું હતું. લાક્ષણિક બંગાળી ધૂન સાથે તાલવાદ્ય તરીકે ખોલનો પ્રયોગ થયો છે.
https://www.youtube.com/watch?v=1y23s6lQ5iM&list=RD1y23s6lQ5iM&start_radio=1
ફિલ્મ સૌદાગર (૧૯૭૩)નું એક ખોલના તાલ ધરાવતું ગીત ‘દૂર હૈ કિનારા’ સાંભળીએ. સંગીત રવીન્દ્ર જૈનનું છે.
ફિલ્મ બાલિકા બધુ (૧૯૭૬)નું ખોલના બોલથી સભર એવું એક ગીત ‘જગત હૈ મુસાફીરખાના’ માણીએ. સંગીતનિર્દેશન રાહુલદેવ બર્મનનું છે.
https://www.youtube.com/watch?v=RQf80Ld7mKQ&list=RDRQf80Ld7mKQ&start_radio=1
આજની કડીની આખરમાં સાંભળીએ ૧૯૮૦માં પરદા પર રજૂ થયેલી ફિલ્મ અપને પરાયેનું ગીત ‘શ્યામ રંગ રંગા રે’. પરદા પર નાયકને ગાયકીની સાથે સાથે ખોલ વગાડતા જોઈ શકાય છે.
https://www.youtube.com/watch?v=UxP7iaTk5ng&list=RDUxP7iaTk5ng&start_radio=1
આવતી કડીમાં એક અન્ય તાલવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
