હળવા નિબંધો
માવજી મહેશ્વરી
આ લખું છું ત્યારે એ ભયાનક ઘટનાનો ત્રીજો દિવસ છે. યાદ કરું છું તો શરીર ભયથી કંપી ઉઠે છે. વિચારું છું તો બુદ્ધિ અમુક જગ્યાએ અટકી જાય છે. હું માંડવીથી નીકળ્યો ત્યારે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે ક્યાંક દૂર એક ચોક્કસ સ્થળે સમય મારા પર તરાપ મારવાની વાટ જોઈ રહ્યો છે. મને મિટાવી દેવા, મારો નાશ કરી નાખવા એક ચોક્કસ તત્વ તખતો ઘડીને બેઠું છે. અને એવી કલ્પના તો હું કરું જ શા માટે? કોઈ પણ ન કરે.
એક ક્ષણ ધીમેધીમે નજીક આવી રહી હતી. જે રસ્તા પરથી હું છેલ્લા બે દાયકાથી સ્કૂટર અને મોટર સાયકલથી જાઉં છું એ રસ્તો મારો હંમેશાનો સાથી રહ્યો છે. ક્યા વળંlક છે, રસ્તા ઉપર ક્યાં કયું ઝાડ છે એ પણ મને યાદ છે. એટલે જ હું હંમેશા આ રસ્તે નચિંત બનીને મુસાફરી કરતો રહ્યો છું. અંધારી રાતે બાઈક ચલાવવી એ મારા માટે નવું નથી. જે રસ્તા ઉપર સતત વાહનો દોડ્યા કરે છે એ રસ્તા પરથી વાહન ચલાવવું મારા માટે પહેલીવારનું નહોતું. મેં મોટાભાગની મુસાફરીઓ ટુ વહીલર ઉપર જ કરી છે. આ દ્વીચક્રિ વાહન મને અતિ પ્રિય છે. મારા બાઈક ઉપર ચડું છું ત્યારે મને અશ્વસવારીનો આનંદ મળે છે. અઢી દાયકામાં ક્યારેય ન વાહને મને પાડ્યો છે ન વાહનને મેં પાડ્યું હોય. તેમ છતાં બાઈક અથડાયું.
વવાર પાટિયું છોડ્યા પછી મારું બાઈક એક લાંબુ ચઢાણ ચડી રહ્યું હતું. એ સમયે સામેથી આવી રહેલી એક ટ્રકને ઓવર ટેઈક કરી બીજી ટ્રક આગળ થઈ. મારી આંખો ચાર હેડાઈટ્સનું અજવાળું ઝીલી શકી નહીં કે પછી હું બેધ્યાન હતો એ યાદ નથી. મને મારી જ સાઈડમાં ઉભેલી પાઇપ ભરેલી ટ્રક ન દેખાઈ. હા, મારા બાઈકની દૂરની બત્તી ચાલુ હોત તો દેખાત પણ એવું ન હતું. અને જયારે ટ્રક અને બાઈક વચ્ચે માત્ર છથી સાત ફૂટનું અંતર રહ્યું ત્યારે મારી જિંદગી સામે મોત ઉભું હતું. મને યાદ છે મેં બાઈકને અટકાવવા શક્ય એટલા જોરથી બ્રેક દાબ્યો. તે છતાં મારું બાઈક ભયંકર ધડાકા સાથે ઉભેલી ટ્રકની અંદર ઘૂસી ગયું. ટ્રકની ચેસીસના એંન્ગલ સાથે મારું હેલ્મેટ અથડાયું. માત્ર ક્ષણનો ખેલ હતો અને પૂરો થયો!
એ મોતની ક્ષણ હતી. મોત જાળ પાથરીને બેઠું હતું. છતાં કોઈકે મને બચાવી લીધો. કોણે બચાવ્યો? હા, બુદ્ધિ એમ જરૂર કહે કે હેલમેટ પહેર્યું હતું એટલે માથું બચી ગયું. પણ પેલું તોતિંગ એંન્ગલ હેલ્મેટ સાથે જ શા માટે ભટકાયું. એના કાચ સાથે અથડાઈ શકતું હતું. કોણે આદેશ કર્યો મને માથું જરા નમાવી નાખવાનું? અને શા માટે કર્યો? હું આ બે પ્રશ્નનો તાગ મેળવવા મથું છું. જે રીતે બાઈક અથડાયું એ રીતે મારા બીજા અંગોને ભયંકર ઇજાઓ થવાની શક્યતાઓ હતી, છતાં હું આઠે અંગે સલામત હતો. અરે! તે પછી હું ચોવીસ કિલોમીટર બાઈક ચલાવીને મારા ઘેર પહોંચ્યો! આજે યાદ કરું છું તો પરમતત્ત્વ સામે માથું નમી જાય છે, જેણે મને નવું જીવન આપ્યું. જીવનમાં અસ્તિત્વનો સવાલ ઊભો થાય એવી ક્ષણનો સામનો થાય ત્યારે જ આ શરીર અને જિંદગીની કિંમત સમજાય છે.
આવું મારી સાથે જ બન્યું છે એવું નથી. બીજા અનેકો સાથે બન્યાનો હું સાક્ષી છું. ભૂકંપ વખતે આખુંય ઘર ધસી પડ્યું હોય, પરિવારમાં પાંચ-સાત જણના મૃત્યુ થયાં હોય, છતાં ઘોડિયામાં સૂતેલાં બાળકને કાંકરીય ન વાગી હોય એવા દાખલા મેં નજરે જોયા છે. ૨૨ જાન્યુઆરી ૧૯૮૪ મનમાડ(મહારાષ્ટ્ર )થી આવી રહેલા વ્હોરા પરિવારને કુકમા ફાટક પાસે અકસ્માત નડ્યો. પરિવારના છ જણ મૃત્યુ પામ્યા અને એની સાથે રહેલા એક વૃદ્ધ અને એક બાળકને ઉજરડોય નહોતો પડ્યો. એ મેં મારી સગી આંખે જોયું હતું. આજે એ બાળક યુવાન હશે. શું એ પણ બચી જવાનો અર્થ શોધતું હશે? જેમ હું શોધી રહ્યો છું.
કુદરત અથવા જેને આપણે ઈશ્વર કહીએ છીએ તે આપણને પેદા કરે છે અને આપણને સતત મોતથી બચાવતા રહે છે. આપણી પડખે જ હોય છે. છતાં એની પ્રતિતિ ત્યારે થાય જયારે મોત આપણને સામે આવી ઊભેલું દેખાય. હા, આવી ક્ષણ આપણને જો કોઈ શીખવાડે નહીં કે આપણે કાંઈ શીખીએ નહીં તો એ તો એ ઘટના માત્ર માત્ર દુર્ઘટના જ હોઈ શકે છે. આવે છે અને પસાર થઈ જાય છે. એ મહત્વની ક્ષણનું કોઈ મહત્વ રહેતું નથી.
આજે હું વિચારું છું કે મને બચાવી લેવા પાછળ કુદરતનો આશય શું હશે? શા માટે મને મરવા ન દીધો? હા, કદાચ કુદરત મારા હાથે હજુ કોઈ એવું કાર્ય કરાવવા ઈચ્છે છે જે મારે જ કરવાનું છે. એ કાર્ય કયું હોઇ એ મારે વિચારવાનું છે. વળી કુદરત આવી ક્ષણ આપીને ચેતવવા પણ માંગે છે કે અટલીવાર લાગે! આ તારું- મારું, આ અહમ્ આ ગુસ્સો આ માલિકીભાવની દોડ બધું એક ક્ષણમાં પૂરું થઈ જાય તેમ છે. યાદ કરું છું તો ગદગદ થઈ જાઉં છું ઈશ્વરની અપાર કૃપા જોઈને! હા, હું સર્જક છું, વિચારક છું, જો આવા સમયે હું વિચારું નહીં તો આ લખવાનો કશો અર્થ નથી. મને ગીતાજીમાં ભગવાન કૃષ્ણે કહેલું વાક્ય યાદ આવે છે. એમણે સમગ્ર માનવજાતને ધરપત આપી છે. યોગ:ક્ષેમમ્ વ્હામ્યહમ્: તારા યોગક્ષેમની, તારી સલામતીની ચિંતા હું કરું છું. જો ભગવાન આપણી સલામતીની બાંયધારી આપતો હોય તો પછી એય મારા નાથ, લે હું રહ્યો તારા શરણે! ઈશ્વરનું જ શરણ આપણું અંતિમ લક્ષ્ય છે. જો કે, એની આપણને ખબર હોતી નથી!!
લ્યો ત્યારે આવજો. રામ રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
