ફિર દેખો યારોં
બીરેન કોઠારી
એ હકીકત હવે અજાણી રહી નથી કે એ.આઈ. (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ/કૃત્રિમ બુદ્ધિમતા) નો ઊપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, અને તેના માટેનાં ડેટા સેન્ટર દ્વારા પ્રચંડ ગરમીનું ઉત્સર્જન થાય છે. આને કારણે તેના માટે પુષ્કળ પાણીની જરૂરિયાત રહે છે. તેનું આ પાસું એવું છે કે તેને ધ્યાનમાં રાખવું જ પડે. ત્રણેક મહિના અગાઉ આ કટારમાં તેના વિશે વાત કરવામાં આવી હતી. આ એક માત્ર કારણસર અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકા અને અગ્નિ એશિયાના દેશોમાં આવાં ડેટા સેન્ટરો ઊભાં કરવાનો વિરોધ થઈ રહ્યો છે. તેમના દ્વારા ઉત્સર્જિત કરાતી ગરમી ઊપરાંત તેના માટે જરૂરી વીજપુરવઠાની પ્રચંડ માત્રા અને વિશાળ જમીનની જરૂરિયાત પણ આ વિરોધ પાછળનાં પરિબળો ખરાં.
બીજી તરફ ફેબ્રુઆરી, ૨૦૨૬ માં દિલ્હી ખાતે ભરાયેલા એ.આઈ.ના સંમેલનમાં, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં એ.આઈ.સેન્ટર સ્થાપિત કરવા ઈચ્છનાર સૌને આવકાર્યા અને ભારતને એ.આઈ.સેન્ટરનું વૈશ્વિક કેન્દ્ર (હબ) બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ કેન્દ્રો રોજગારજનક બની રહેશે એમ પણ કહેવાયું. આવી ઘોષણા વડાપ્રધાને કશું જોયાજાણ્યા વિના ન કરી હોય! વિશ્વના અન્ય દેશોમાં એ.આઈ.સેન્ટરોનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, એ બાબત આપણા જેવા સામાન્ય નાગરિકોને ખબર હોય તો માહિતી માટેનું વિશાળ માળખું ધરાવતા વડાપ્રધાન કાર્યાલયને એની જાણ ન હોય એ શક્ય નથી.
આ આખા મામલે મૂળ મુદ્દો એ છે કે ભારત જળતંગી ધરાવતો દેશ છે. વીજતંગી પણ અહીં કાયમી સ્થિતિ હોય છે. અધૂરામાં પૂરું જળવાયુ પરિવર્તનને કારણે ગરમીનો પ્રકોપ વરસોવરસ વધી રહ્યો છે, જે જળ અને વીજળી બન્નેની માંગમાં પ્રચંડ વધારો કરે છે.
આ કેન્દ્રો થકી પેદા થતા રોજગારની વાત કરીએ કે જે મુદ્દાને આગળ કરવામાં આવ્યો છે, અને મહત્ત્વનો ગણાવાયો છે. ડેટા સેન્ટરને જુદી જાતનાં ગોદામ કહી શકાય. સેંકડો કે હજારો ચોરસ ફીટ વિસ્તારમાં તે પથરાયેલાં હોય છે. એક વાર તે કાર્યરત થઈ જાય એ પછી મુઠ્ઠીભર ટેક્નિશ્યન અને ઈજનેરો થકી તેનું સંચાલન કરવામાં આવે છે. અન્ય ઉદ્યોગોની જેમ આ સ્થાને કોઈ ટેક્નોલોજીને વિકસાવવામાં આવતી નથી કે જેમાં લોકોને તાલીમ આપવામાં આવે. વિશાળ વિસ્તારમાં પથરાયેલાં આ કેન્દ્રોમાં રાક્ષસી કદનાં એ.આઈ.મોડેલનું સંચાલન થાય છે, જે સુપર કમ્પ્યુટરની જેમ ડેટા એટલે કે વિગતોને સંઘરે છે. આપણા દેશના પાટનગરમાં સુધ્ધાં જનસામાન્યને પીવાના પાણીની અને વીજળીની તંગી છે, અને પૂરતો પુરવઠો મળે એવી વ્યવસ્થા દેશની આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ગોઠવી શકાઈ નથી, ત્યાં બીજા નગરો, શહેરો કે રાજ્યોની વાત જ ક્યાં કરવી! આ સંજોગોમાં એ.આઈ.સેન્ટરો દ્વારા ઓહિયાં થઈ જતો જંગી માત્રામાં પાણી અને વીજપુરવઠો કોના ભાગેથી છીનવાઈને ત્યાં પહોંચશે એની કલ્પના કરવાની જરૂર ખરી?

જમીનના મુદ્દાને પણ અવગણવા જેવો હરગીઝ નથી. ગૂગલ, અમેઝોન અને મેટા જેવી રાક્ષસી કદની કંપનીઓએ, ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં જમીન મેળવવા માટે અદાણી જૂથ અને રિલાયન્સ જૂથ સાથે હાથ મિલાવ્યા છે. આમાંની ઘણી બધી જમીન પર્યાવરણની રીતે સંવેદનશીલ પ્રદેશોમાં છે, પણ બીજી તરફ સરકાર લીલીછમ વાડીઓ અને ખેતીની જમીન પર કબજો વધારી રહી છે. આમ કરવામાં તેમના માર્ગમાં આવતી ઝૂંપડપટ્ટીઓનો નિર્દયતાપૂર્વક સફાયો કરાઈ રહ્યો છે. કેમ કે, કરોડો ડોલરનું રોકાણ આ રીતે ઠલવાઈ રહ્યું છે. મહિલા પત્રકાર લતા જિષ્ણુએ ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં આ હકીકતને ઊજાગર કરી છે. અહેવાલમાં જણાવાયા અનુસાર આ પૈકીનો સૌથી મોટો પ્રકલ્પ દસ હજાર કરોડ ડોલરનો છે, જે અદાણી જૂથનો છે. આ પ્રકલ્પ અંતર્ગત ૨૦૩૫ સુધીમાં પાંચ ગીગાવૉટની ક્ષમતા ધરાવતાં એ.આઈ.ડેટા સેન્ટર બનાવવાની યોજના છે. એમાંથી ગૂગલ કંપનીના સહયોગમાં સ્થપાનારું વિશાખાપટણમ ખાતેનું બે ગીગાવૉટની ક્ષમતા ધરાવતું એ.આઈ.ડેટા સેન્ટર સૌથી વધુ ક્ષમતા ધરાવતું સેન્ટર હશે. તેના માટે ગૂગલને ૪૮૦ એકર જેટલી વિશાળ જમીન દરિયાકાંઠાના વિસ્તારમાં ફાળવવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર પર્યાવરણની રીતે અતિ સંવેદનશીલ છે, અને પહેલેથી જ પર્યાવરણને લગતા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે.
એ યાદ રાખવું રહ્યું કે અનેક દેશોમાં થઈ રહેલો એ.આઈ.સેન્ટરો સામેનો વિરોધ એ.આઈ.ની સામાજિક અસરો અંગેનો નહીં, પણ પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો અંગેનો છે. વિવિધ ભૌગોલિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ તેમજ વિભિન્ન રાજકીય વિચારધારા ધરાવતા દેશોમાં થઈ રહેલો પ્રચંડ વિરોધ એ બાબતનું પ્રમાણ છે કે સૌ આ બાબતે સમાન રીતે ચિંતિત છે.
વડાપ્રધાને એ.આઈ.સેન્ટરોને આવકાર્યાં છે, તો રાજ્ય સરકારો તેમને માટે પાણી અને વીજળીના વપરાશ પર સબસિડી આપી રહી છે. સામાન્ય નાગરિકો વીજળીના કમરતોડ દર ચૂકવે અને આવી કંપનીઓને સબસિડી!
પર્યાવરણ ક્ષેત્રના કર્મશીલો તેમજ વિવિધ નાગરિક સંગઠનો ઘણા સમયથી આનો વિરોધ કરી રહ્યાં છે, પણ એની ખાસ અસર નથી. પરિસ્થિતિ એવી છે કે વાજબી કારણોસર વિરોધ કરનાર રાષ્ટ્રદ્રોહીમાં ખપી જાય છે. એ.આઈ.સેન્ટરના આવા પ્રચંડ પ્રકલ્પોથી ભવિષ્યમાં સંબંધિત વિસ્તારની પર્યાવરણીય સ્થિતિ કઈ હદે કથળશે એની કલ્પના જ કરવી રહી.
સરકારની તરફેણમાં કામ કરતા સત્તાતંત્ર પાસે કોઈ ન્યાયી પગલાંની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એમાંય ખુદ વડાપ્રધાને નોંતરું આપીને લાલ જાજમ બિછાવડાવી હોય પછી કયા અધિકારીની મગદૂર છે કે સામો હરફ કાઢે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
