બીરેન કોઠારી
‘પેરડી’ એટલે પ્રતિરચના. એ જ સૂચવે છે કે પહેલાં મૂળ રચનાનું હોવું આવશ્યક છે. કોઈ મૂળ કૃતિ પરથી, તેના માળખાને પકડીને સાવ જુદો જ અર્થ ધરાવતી રચના તૈયાર કરવામાં આવે ત્યારે તે પ્રતિરચના કહેવાય છે. જરૂરી નથી કે પેરડી કેવળ પદ્યની જ હોય. ગદ્યની પણ હોઈ શકે. આખેઆખી પદ્યરચનાને બદલે એકલદોકલ પંક્તિની પણ હોઈ શકે. તેનો હેતુ વ્યંગ્ય નિપજાવવાનો હોય, અને એ વ્યંગ્ય ક્યારેક પોતાની કોઈક વાત રજૂ કરવા માટે હોઈ શકે, યા હાસ્ય નીપજાવવા પણ હોઈ શકે.
ગુજરાતીની અનેક રચનાઓની પેરડી થઈ છે, થતી રહી છે. હિન્દી ફિલ્મોનાં ગીતો લોકપ્રિય બનીને ખૂણેખૂણે ગુંજવા લાગ્યાં એ પછી એવાં જાણીતાં ગીતોની પણ પેરડી થવા લાગી. એટલે કે પેરડીની ધૂન મૂળ ગીતની જ હોય, અને અમુક શબ્દો પણ મૂળ ગીત સાથે સામ્ય ધરાવતા હોય, પણ સમગ્રપણે એ સાવ જુદો જ, ઘણાખરા કિસ્સામાં હાસ્યપ્રેરક અર્થ પ્રદર્શિત કરતા હોય. કોઈ એક ગીતની પેરડી જોવા મળે છે, પણ એની સામે એવા અનેક દાખલા છે કે જેમાં કોઈ એક નહીં, પણ અનેક ગીતોની medley (વિવિધ ગીતોના સળંગ ટુકડા) પેરડી તરીકે ફિલ્મમાં વપરાઈ હોય. રસિયાઓને ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મની આવી પેરડી યાદ હશે.
મને વધુ રસ એ બાબતમાં પડ્યો કે ‘મેડલી’માં પ્રયોજાયેલાં ગીતોમાં કશું સામાન્ય છે કે કેમ? પ્રથમદર્શી રીતે ખ્યાલ આવ્યો કે મોટે ભાગે ‘મેડલી’માં વપરાયેલાં ગીતો જે તે ફિલ્મના સંગીતકારનાં પોતાનાં જ હોય છે. પણ આ એક સામાન્ય નિરીક્ષણ છે. બધામાં આવું હશે કે કેમ? બસ, આ એક સવાલે આ શ્રેણીની આ પ્રથમ કડી આરંભાઈ. દર વખતે આવી એક એક મેડલી વિશે વાત કરવા ઈરાદો છે.
ખાંખાંખોળા કરતાં છેક ૧૯૪૩માં રજૂઆત પામેલી ‘વાડિયા મુવીટોન’ની, જે.બી.એચ.વાડિયા દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘વિશ્વાસ’માં એક પેરડી જોવા મળે છે. સુરેન્દ્રનાથ, મહેતાબ, સુલોચના ચેટર્જી, ત્રિલોક કપૂર જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મનાં આઠ ગીતો કુલ ચાર ગીતકારો- પં.ઈન્દ્ર, ડૉ. સફદર ‘આહ’, મુન્શી શામ જિલાની અને મુન્શી આઝમ- દ્વારા લખાયેલાં છે. સંગીતકાર તરીકે પણ ફિરોઝ નિજામી, બી.એ. અને માસ્ટર છૈલા લાલનાં નામ છે.
પેરડી ગીત મુન્શી શામ જિલાની દ્વારા લખાયું છે, જેને બેબી માધુરીએ ગાયું છે.
શરૂઆત ‘ખજાનચી’ (૧૯૪૧)ના સુપરહીટ ગીત ‘સાવન કે નઝારે હૈ‘ ગીતની પેરડી ‘ભોજન કે નઝારે હૈ’થી થાય છે. તેનું માત્ર મુખડું જ છે. એ પછી તરત આ જ ફિલ્મના ગીત ‘લૌટ ગઈ પાપન અંધિયારી‘ની પેરડી ‘લૌટ ગઈ અબ ભૂખ હમારી’ છે. ‘ખજાનચી’ના સંગીતકાર ગુલામ હૈદર હતા. આના પછી તરત ‘સિકંદર’ (૧૯૪૧)ના લોકપ્રિય ગીત ‘જિંદગી હૈ પ્યાર સે, પ્યાર સે બનાયે જા‘ની પેરડી ‘જિંદગી હૈ પેટ સે, ૧૯૪૩ ‘પેટ નિભાયે જા’ આવે છે. ‘સિકંદર’ના સંગીતકાર મીરસાહબ અને રફીક ગઝનવી હતા. પેરડીમાં મુખડા ઊપરાંત એક અંતરો પણ છે. એ પછી ‘ખાનદાન’ (૧૯૪૨)ના નૂરજહાંએ ગાયેલા ચિરંજીવ ગીત ‘મેરે લિયે જહાન મેં‘ની પેરડી ‘ખાને કો ચાહતા હૈ’ છે. આના પછી ‘ખાનદાન’ના નૂરજહાંએ ગાયેલા ખ્યાતનામ ગીત ‘તૂ કૌન સી બદલી મેં મેરે ચાંદ હૈ આજા’ની પેરડી ‘તૂ કૌન સી સાડી મેં મેરી દૈયા હૈ આજા‘ છે. આમાં કેવળ ગીતનું મુખડું જ છે. ‘ખાનદાન’માં પણ ગુલામ હૈદરનું સંગીત હતું. સૌથી છેલ્લે ‘ભોજન કે નઝારે હૈ’ આવર્તિત થાય છે.
આમ, આ મેડલીમાં કુલ છ ગીતોની પેરડી સાંભળવા મળે છે, જેમાં એક ગીત ફરી વાર છે. આ તમામ ‘વિશ્વાસ’ ફિલ્મની રજૂઆતનાં આગલા એકાદ બે વરસમાં આવેલી ફિલ્મોનાં લોકપ્રિય ગીતોની પેરડી છે. એટલે કે સંગીતકાર ફિરોઝ નિજામીએ લોકપ્રિયતાના માપદંડને આધાર બનાવીને આ મેડલી તૈયાર કરી છે. મેડલીમાં ભોજનનો વિષય કેન્દ્રસ્થાને છે અને બાળકો રહેતાં હોય એવા આશ્રમનું વાતાવરણ હોય એમ લાગે છે. આ બાળકો પર ફિલ્મની, તેનાં ગીતોની પ્રબળ અસર બતાવાઈ છે. મૂળ ગીતોથી સાવ જ નોખા, એક જ વિષય પર રચાયેલી આ પેરડી આપોઆપ જ હાસ્ય નિષ્પન્ન કરે છે.
આ લીન્ક પર ‘વિશ્વાસ'(૧૯૪૩)નું આ ગીત જોઈ અને સાંભળી શકાશે.
https://www.youtube.com/watch?v=R4aEsxHlHYE
(લીન્ક: યૂ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
