જયશ્રી વિનુ મરચંટ

ડિસેમ્બર ૮, ૨૦૧૬ – મારા પતિ, વિનુના, એ જાનલેવા અકસ્માતને ૨ વરસ થયાં હતાં. અમારા સહુ માટે દિવસ તો ઉદાસ ઉદાસ વીત્યો હતો. મન હજુયે માનવા તૈયાર નહોતું કે વિનુ હવે આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા છે, અને કદીયે પાછા નહીં આવે ! ઓચિંતી જ, ૨૦૧૬ની નવમી ડિસેમ્બરની વહેલી સવારેના બે વાગે ઊંઘ ઊડી ગઈ. મને એવો ભાસ થયો કે વિનુ અહીં મારી આજુબાજુ જ છે ! પછી તો. કેટલાયે પાસાં ઘસ્યાં પછી પણ ઊંઘનું નામોનિશાન નહોતું. હું મારા ક્લોઝેટમાં મૂકેલા ફોટોગ્રાફના આલ્બમ લઈ આવી. બહુ ધીમા અવાજે, સોની ટીવી ચાલુ કર્યું અને મેં, મારા બેડ પર બેસીને આલ્બમ જોવાનું ચાલુ કર્યું.

ઘરમાં તો બધાં સૂઈ ગયા હતાં. જૂના આલ્બમો, મેં અને વિનુએ વરસ પ્રમાણે ગોઠવ્યાં હતાં. મેં ૧૯૭૯ના વરસનું આલ્બમ હાથમાં લીધું. અમુક જૂના ચહેરાઓ વિસ્મરણની ગુફામાં ખોવાઈ ગયા હતાં. આજે એ બધાનાં ફોટા જોતાંજોતાં અનેક નાના-મોટા પ્રસંગો યાદ આવવા માંડ્યાં.

આમ, સ્મરણોની કેડીએ હું ફોટા જોતાં વિચારોમાં ગરકાવ હતી કે, મારી નજરે એક ફોટો પડ્યો, અને યાદ આવ્યું કે આ ફોટો એક બંગ્લાદેશી ભાઈ, વિનુ, મારો અને મારા બેઉ બાળકોનો હતો. આ ફોટો એટલાન્ટિક સિટીના બોર્ડવોક પર લીધો હતો. પાછળ એટલાન્ટિક સમંદરના ઉછળતા મોજાંના ફીણ આટલા વરસો પછી પણ અકબંધ હતાં. આજે આ ફોટો જોઈને, ઘણું બધું યાદ આવતું હતું પણ એ ભાઈનું નામ યાદ નહોતું આવતું ! હું એમનું નામ યાદ કરવાની કોશિશ કરતી હતી.

એવું ભાગ્યે જ બનતું કે હું નામ અને ફોન નંબર ભૂલી જાઉં, પણ વિનુના ગયા પછી હવે નામ ભૂલી જવાનું પણ એક જાણે રુટિન થઈ ગયું હતું. મેં ઊભા થઈ બેડરૂમની બારી ખોલી. સામે પર્વતો પર છૂટાં-છવાયાં ઘરો પથરાયેલાં હતાં. એમાં ક્યાંક-ક્યાંક રોશની હતી. હું ક્યાંય સુધી આ દૃશ્ય અપલક જોતી રહી અને એકદમ જ એ રોશની જેવો મારા મનમાં ઝબકારો થયો. યાદ આવી ગયું કે આ ફોટાવાળા ભાઈનું નામ, રોશન અહેમર હતું.

અમે સિત્તેરના દાયકામાં, અમેરિકા આવ્યા અને ફિલાડેલ્ફિયામાં વસ્યા. ૧૯૭૫માં એટલાન્ટિક સિટિનો નવો જન્મ થયો હતો. અમેરિકામાં આવેલા અમારા જેવા ઈમીગ્રન્ટો માટે અને અહીં વસતી પ્રજા માટે પણ એટલાન્ટિક સિટિની ઝાકઝમાળ અને કસીનોનું કૌતુક તથા આકર્ષણ ખૂબ હતું. આ સિટિનો ઇતિહાસ પણ જાણવા જેવો છે પણ એ વિગતો ફરી કોઈ વાર.

આજ તો, રોશન અહેમરનો ફોટો જોતાં મને એક સાવ જ સાદીસીધી વાત યાદ આવી હતી એની વાત કરવી છે.

મારી નજર સામે અતીતની ઈસ્ટમેન કલર ફિલ્મના દૃશ્યો કોઈ પણ એડિટિંગ વગર તાદ્રશ થવા માંડ્યાં.

રોશન અહેમર! માંડ સવા પાંચ ફૂટની ઊંચાઈ, એકવડો બાંધો, નાની ચાર્લી ચેપ્લિન જેવી મૂછો, શામળો રંગ, સાદા પેન્ટ-શર્ટ, કોઈ ખાસ એવી વાત નહોતી પણ એમના મુખ પર સતત રહેતું સ્મિત, આવતાં-જતાં સહુને એકવાર એમની નોંધ લેવડાવતું હતું. ૧૯૭૯માં એટલાન્ટિક સિટિના “સેન્ડ” કસિનોની બહાર બોર્ડવોક લેતાં હતાં.  હું અને વિનુ, અમારા સંતાનો સાથે પહેલીવાર આ શહેરમાં આવ્યાં હતાં, એટલે અમારા સહુની નજરો પોતપોતાની શક્તિ પ્રમાણે, જેટલું પણ સંઘરી શકાય અંતર-મનના સરોવરમાં, એટલું ભરી રહી હતી.

બપોરના બે વાગી ગયા હતાં. લંચ ટાઈમ થઈ ચૂક્યો હતો અને બાળકો પણ ભૂખ્યાં થયાં હતાં. અમે લંચ માટે અમારા લિમિટેડ બજેટને પરવડે અને વેજીટેરિયન ફૂડ મળે એવી જગા શોધતાં હતાં. વિનુએ એક નાની ફૂડકાર્ટના હેન્ડ-રિટન કાર્ડબોર્ડ પર, “વેજીટેરિયન સૅન્ડવિચ વિથ ડ્રિન્ક એન્ડ ચિપ્સ – $૪.૫૦” વાંચ્યું અને અમે ત્યાં નવાઈથી અટકી ગયા હતાં. ફૂડકાર્ટની અંદર, એક દેશી લાગતા ભાઈ ઓર્ડર લઈને, એ પ્રમાણે સર્વ કરી રહ્યા હતા. એ સમયે બે ચીજોથી અમે નવાસવા દેશીઓ ખૂબ જ ઉત્સાહિત થતાં. એક, વેજીટેરિયન ફૂડ મળી જાય ને બીજું, ક્યાંક જો કોઈ “દેશી” મળી જાય, (એ સમયે, ભારતીય, પાકિસ્તાની, સિલોનીઝ, નેપાલી કે બંગ્લાદેશી, બધા જ “દેશી”માં ગણાતાં) અને અમને એની સાથે ભારતીય ભાષામાં વાત પણ કરવા મળી જાય તો તે દિવસ અમને તો સોનાનો લાગતો હતો!

વિનુએ ઉત્સાહથી કહ્યું, “ચાલ જોઈએ, શું છે ત્યાં!” મારી આઠ વરસની દીકરીએ કહ્યું, “ધેર ઈઝ અ દેશી એલર્ટ, વોટ એલ્સ!” અને હસતાં, હસતાં, અમે રસ્તો ક્રોસ કરીને ત્યાં પહોંચ્યાં. આગળ, ત્રણ જણ પોતાના ઓર્ડરની રાહ જોતાં હતાં. રોશનભાઈ એકલા જ ઓર્ડર લઈ, પોતે જ સૅન્ડવિચ બનાવીને આપતાં હતાં. અમે શાંતિથી ઊભાં રહ્યાં. તડકો સારો એવો હતો.

રોશનભાઈ કાર્ટની બારીમાંથી માથું બહાર કાઢીને કહે, “સા’બ, પાંચ-દસ મિનિટ હો જાયેગી. ભાભીજી ઔર બચ્ચોંકો યહાં બાજુ કી બેન્ચ પર બૈઠનેકો બોલો. થક ગયે હોંગે.”

વિનુએ કહ્યું, “થેંક યુ ભૈયા.” પછી, મારા તરફ અને બાળકો તરફ ફરીને કહે “તમારે બેસવું હોય તો બેસો.” અમે ના કહી અને ત્યાં જ ઊભા રહ્યાં.

દસેક મિનિટમાં અમારો નંબર આવ્યો. ખૂબ જ welcoming and infectious smile સાથે રોશનભાઈએ અમને પૂછ્યું, “ક્યા સા’બજી, આપ હમારે વતનસે હો? ક્યા લેંગે આપ, ભાભીજી ઔર બચ્ચે? બડે હી પ્યારે હૈં, બેટા ઓર બિટીયા.” અમારી પાછળ કોઈ નહોતું. વિનુએ કહ્યું, “હાં, હમ ઈન્ડિયાસે હૈં. ભાઈ, ચાર વેજીટેરિયન સૅન્ડવિચ, ચિપ્સ ઓર કોકોકોલા દીજિયે.” વિનુ બહુ જ ઓછું બોલતા અને જરુર ન હોય તો ન બોલતા. મેં વાત ઉપાડી લીધી. “આપ ભી હમવતન લગતે હો. કહાંસે આયે હો ભાઈસાબ? કબસે હો ઈસ કન્ટ્રીમેં હો? આપકે બીવી-બચ્ચે ઓર પરિવાર કહાં હૈ?”

રોશનભાઈની આંખોમાં થોડી ભીનાશ તરવરી જે આટલા તડકામાં પણ પોતાના અસ્તિત્વની સાહેદી ડોકિયું કરીને પૂરાવી રહી હતી. સૅન્ડવિચ બનાવતાં ગળગળા અવાજે કહ્યું, “હમ તો બંગ્લાદેશસે હૈં. વહાં કોઈ કામ થા નહીં રોજીરોટીકા. પાકિસ્તાન કી લડાઈ મેં હુઈ બમ્બબારી મેં હમારી છોટીસી કુટિયા ભી રાખ હો ગઈ. હમ બચ ગયે. અબ્બુ-અમ્મી કે સાથ, મૈં જબ ૧૭ સાલકા થા, તબ રેફ્યુજીકે ક્વોટામેં ઈન્ડિયા આયે. હમેં કોઈ ઢંગકા રોજગાર નહીં મિલા. બડી જિલ્લત કી જિંદગી ગુજારતે રહે. અબ્બુ-અમ્મી કો ઈસ તરહ નાઉમ્મીદ દેખ, બહુત બુરા લગતા થા. અમ્મી-અબ્બુ કે સાથ, હમ ભી જહાં ભી મિલે વહાં મજદૂરી કરતે રહે, સાત કક્ષાસે જ્યાદા પઢે-લિખે નહીં હૈં. ખુદકા ઓર અમ્મી-અબ્બુ કા પેટ મુશ્કિલસે ભર સકતે હૈં. બીવી ઓર બચ્ચે કો ક્યું ઈસ જહાંમેં લાયેં?” વાતો કરતાં અમારી સૅન્ડવિચ તૈયાર થઈ ગઈ હતી. એમણે ચીપ્સ અને કોકોકોલા સાથે ચાર બ્રાઉન બેગો ભરીને આપી.

વિનુએ $૨૦ની નોટ આપી તો રોશનભાઇએ $૧૧ પાછાં આપ્યાં. વિનુએ કહ્યું, “અરે, ભાઈસાબ, આપને ગલતીસે જ્યાદા પૈસે દે દિયે. $૧૮ હુએ તો સિર્ફ દો ડોલર વાપસ દેને હૈં.” અમારી પાછળ કોઈ નહોતું, અઢી વાગી ગયા હતાં. લંચનો સમય લગભગ જતો રહ્યો હતો.

રોશનભાઈએ ગળગળા અવાજે કહ્યું, ‘ભાઈજી, આપ તો હમસે બડે હો. પર બચ્ચોંસે તો હમ બડે હૈં ન? તો, ચાચા કે હિસ્સે મેં ઈતના હક તો આતા હી હૈં કિ બચ્ચોં કો હમ સૅન્ડવિચ દે સકે!”

વિનુ કહે, “ભાઈસા’બ, ઐસે મત કિજીયે. હમ આપકી કદર કરતેં હૈં લેકિન…”

રોશનભાઈએ વિનુનો હાથ પકડી લીધો અને ભારે અવાજે કહ્યું, “આજ ચાર સાલસે ઈસ કન્ટ્રીમેં ગૈર-કાનુની તરીકે સે રહતા હું. મેરા યહાં કોઈ નહીં. યે કાર્ટ ભી કિસી ઓર કી હૈ! આપને ઓર ભાભીજાનને ઈતને પ્યારસે હમેં ઈન્સાન સમજકર બાત કી. બહુત અચ્છા લગા. મુઝે બચ્ચોં કે લિયે ઈતના કરને દિજિયે, પ્લીઝ!”

વિનુએ પણ થોડા ભીના અવાજે કહ્યું, “અરે, આપ ભી ભૈયા,… ઐસી ભી ક્યા બાત હૈ! આપકા શુક્રિયા. કભી ભી હોમ-સિકનેસ લગે તો ફિલાડેલ્ફિયા હમારે ઘર આઈયેગા.” અને એમણે એમના ઓફિસના કાર્ડની પાછળ અમારા ઘરનું સરનામું અને ફોન નંબર લખી આપ્યો.

રોશનભાઈ વિનુને ભેટી પડ્યા. એમની આંખોમાંથી આંસુ વહેતા હતા. વિનુ વધુ કંઈ બોલ્યા વિના એમની પીઠ પર હાથ પસવારતા રહ્યા. એકાદ મિનિટમાં રોશનભાઈ સ્વસ્થ થયા.

મેં એમને સૅન્ડવિચ ખાતાં પૂછ્યું, “આપ ઈન્ડિયા આયે કૈસે?”

રોશનભાઈ કહે, “હમેં જબ રેફ્યુજી ક્વોટામેં ઈન્ડિયા કે સિટિઝન હો કર વહાં જાને કો મિલા તો ઐસા લગા કિ હમ અપને લોગોં મે હી જા રહેં હૈં, ઐસા સમજકર ઈન્ડિયા બસને કો આયે. દિલ્હી, આગ્રા, જમશેદપુર, ઓર ફિર કલકત્તા..! હર જગહ, જિલ્લત હી મિલી, કોઈ કહેતા, “સાલે બંગ્લા-દેશી, હરામ કા ખાના હૈ, રેફ્યુજી હૈં,” ઔર ઐસી ઐસી ગાલીયાં સહી હૈં કિ ભાભીજાન, આપ કે સામને હમ બોલ ભી નહીં સકતે! બકાયદા, ઈન્ડિયા કે હોકર ભી, હમ રેફ્યુજી કે રેફ્યુજી હી રહેં!”

મારી આંખોમાં ભીનાશ અને ભોંઠપ એક સાથે ડોકિયાં કરી રહી હશે અને એ જ જોઈને, હું કશું બોલું એ પહેલાં તો રોશનજી જ બોલી ઊઠ્યાં, “ અરે, ભાભીજી, આપ ફિકર મત કરો. મુઝે અમેરિકામેં ગ્રીન-કાર્ડ ભી મિલ જાયેગા, મૈં અમેરિકન ભી હો જાઉંગા! ઠીક હૈ, હમેં બંગ્લાદેશસે ભી ખદેડ દિયા ગયા ઓર ઈન્ડિયા મેં ભી કભી અપના સમજા ન ગયા! ચલો, ખુદાકી મરજી સે હમારી જિંદગી મેં ભી ‘વો સુબહ કભી તો આયેગી’ જબ હમારે વતન કે લોગ હમેં અપના સમજેંગે!”

એટલીવારમાં, એક અમેરિકન કપલ સૅન્ડવિચ લેવા આવ્યું. રોશનભાઈએ વિનુને કહ્યું, “ભાઈજાન, બસ મેરે લિયે, પાંચ મિનિટ ઠહેર જાઓ, પ્લીઝ.”

વિનુએ કહ્યું, “હાં ભાઈ, હમ રુકતે હૈં.

રોશનભઈ કાર્ટની અંદર ગયા. અમે કાર્ટની બાજુની બેન્ચ પર બેસી લંચને ન્યાય આપતાં હતાં.

પેલા અમેરિકન કપલે ઓર્ડર આપ્યો અને રોશનભાઈને પૂછ્યું, “વ્હેર આર યુ ફ્રોમ?” સેવન્ટીસ અને એઈટીસ માં જેટલું સાનંદાશ્ચર્ય અમને કોઈ દેશીને મળીને થતું, એવું જ એ સમયે, રોજિંદી જિંદગીમાં, અમેરિકનોને દેશીઓને જોઈને થતું!

રોશનભાઈ પોતાનું કામ કરતાં, હસીને બોલ્યાં, “ફ્રોમ ઈન્ડિયા.” બ્રાઉનબેગ તૈયાર થઈ ગઈ. પૈસા આપતાં અમેરિકને કહ્યું, “વેલકમ ટુ અમેરિકા. ગુડલક.” અને પોતાની લંચબેગ લઈ જતાં રહ્યાં.

રોશનભાઈએ વિનુને ખૂબ જ ભાવવિભોર અવાજે, વિનંતી કરતાં પૂછ્યું, “આપકે હાથોંમેં યહ કેમેરા હૈ, તો, આપકે ફેમિલી કે સાથે ક્યા મૈં મેરી એક તસવીર નિકાલને કી ગુજારીશ કર સકતા હું? મેરે અબ્બુ-અમ્મી કો બહુત હી ફિકર રહતી હૈ કિ યહાં કિસી ભી પરિવારવાલેં હમવતનોં સે મેરા ઊઠના-બૈઠના હૈ કિ નહીં. મૈં અગર યહ તસવીર ઉન્હેં ભેજુંગા તો ઉન્હેં તસલ્લી હો જાયેગી!”

વિનુએ કહ્યું,”બિલકુલ. ઈસ ફોટોંકી એક ઓર કોપી બનાકર આપ કો ભેજ ભી દૂંગા” અમે પાછળ ઉછળતા સમંદરના બેક્ગ્રાઉન્ડમાં આ ફોટો આવતાં-જતાં કોઈ અમેરિકનને વિનંતી કરીને લીધો હતો.

વિનુએ પૂછ્યું, “આપ કહાં રહેતે હો?”

રોશનભાઈએ પોસ્ટબોક્ષ નંબરવાળું એડ્રેસ આપતાં, હસીને કહ્યું, “જહાં ભી કમ સે કમ પૈસે રહેને કો લગે વહાં પેઈંગગેસ્ટ બન કર, યહીં, એટલાન્ટિક સિટીમેં હી રહતા હું. સિર્ફ એક-દો મન્થ કે લિયે હી પેઈંગગેસ્ટ બનકર રહેને કો મિલતા હૈ. એક મેક્સિકનને મદદ કર દી ઓર પોસ્ટબોક્ષ નંબર લે લિયા હૈ. યહાં મુશ્કિલસે પંદરા-બીસ દેશી પરિવાર રહેતે હૈં. બાકી સબ દેશી લોગ યહાં કામ કરને બહારસે હી આતે હૈં.” પછી મારી અને વિનુ તરફ જોયું. બાળકોના માથા પર હાથ ફેરવતાં, એમણે આંખના આંસુ લૂછ્યાં. પછી બેઉ બાળકોને ઊંચકીને વ્હાલ કર્યું અને “અલવિદા” કહી વિદાય લીધી.

અમારા બેઉ સંતાનો ભારતમાં જન્મ્યા હતાં. મારી દીકરી-દીકરો, છ અને પાંચ વરસના હતાં. ત્યારના નિયમ અનુસાર, થર્ડ પ્રેફરન્સમાં ગ્રીનકાર્ડ લઈને અમે અમેરિકા આવ્યાં હતાં. મારાં સંતાનોને, નાનપણથી હિન્દી અને ગુજરાતી બોલતાં આવડે છે. અમે રોશનભાઈ સાથે વાતો કરતાં હતાં ત્યારે અમારું ધ્યાન નહોતું રહ્યું કે બેઉ બાળકો પણ અમારી વાત સાંભળે છે!

અમે અમારી કાર તરફ, પાછા ફરતાં હતાં, ત્યારે, મારી દીકરાએ પૂછ્યું, “પપ્પા, અંકલ તો આપાણા જેવા જ લાગે છે, આપણી જ ભાષા બોલે છે, તો, આપણા જ દેશમાં, લોકો એમને કેમ રેફ્યુજી છે, એવું કહેતાં હતાં?”

મારી દીકરી બોલી, “પપ્પા, અંકલને અમેરિકન લોકોએ વેલ્કમ ટુ અમેરિકા કહ્યું, તો ઈન્ડિયામાં એમને કોઈએ વેલકમ ટુ ઈન્ડિયા નહોતું કહ્યું, એટલે અહીં આવ્યા?”

વિનુ કે મારી પાસે એના આ સવાલનો કોઈ જવાબ નહોતો. વાત બદલતાં મેં કહ્યું, “જુઓ, સામે એટલાન્ટિક મહાસાગરમાં સૂરજનો પડછાયો કેવો તપી રહ્યો છે..?”

“ધેટ ઈઝ સો કુલ…!” મારી દીકરી અને દીકરો, બેઉ એકસાથે બોલી ઊઠ્યાં.

પાણીની અંદર ધગધગતો સૂરજ બેઉ માસૂમ બાળકો માટે “કુલ” હતો…!


સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.