કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

કોઇવાર ઇશ્વરદત્ત કોઠાસૂઝ કે ત્વરિત બુદ્ધિ જે કામ કરી આપે છે, તે આશ્ચર્યજનક હોય છે. કોઇ વૈચારિક આંટી પડી હોય ત્યારે તેનો ઉકેલ લાવવામાં એ જ વખતે કોઠાસૂઝ વાળાનો કરેલો ઉપાય કેવો કારગત નિવડે છે એની થોડી વાતો કરવી છે આજે.

મેં ક્યાંયે વાંચેલી વાત છે………એકવાર સુભાષચંદ્ર બોઝના મોટાભાઇ શરદચંદ્ર બોઝ રાત્રિ દરમ્યાન ટ્રેન-પ્રવાસ કરી રહ્યા હતા. બન્યું એવું કે ચાલુ ટ્રેને ટોયલેટમાં હતા એ દરમ્યાન ખબરબારી પોતાના કાંડેથી ઘડિયાળ છૂટી ગઈ અને ટોઇલેટના નાળચામાંથી નીચે પડી ગઈ ! હવે ? ઘડિયાળ હતી બહુ કીમતી. શરદચંદ્ર ઝડપથી ટોયલેટની બહાર નીકળ્યા અને તરત જ સાંકળ ખેંચી ટ્રેન ઊભી રખાવી. અધિકારીએ ટ્રેન થોભાવવાનું કારણ પૂછતાં બોઝે જણાવ્યું કે “સાહેબ, મારી બહુ કીમતી ઘડિયાળ સંડાસના નાળચામાંથી નીચે પડી ગઈ છે, એ મેળવવા મારે ટ્રેન રોકાવવાની ફરજ પડી છે.”

અધિકારીઓ તો વિમાસણમાં મૂકાયા કે “આટલા ઘનઘોર અંધારામાં હવે પાછળ જઈને ઘડિયાળ કેમ શોધશું ?” બોઝે કહ્યું, “સાહેબ, ચિંતા કરોમાં, ઘડિયાળ પડી ત્યારે હું સીગારેટ પીતો હતો. જેવી ઘડિયાળ પડી કે તરત જ પાછળો પાછળ મેં ઝગતી સીગારેટ પણ સંડાસના નાળચામાં નાખી છે. આપણે બે પાટા વચ્ચેની જગ્યામાં નજર કરતાં કરતાં પાછળ જઈશું તો સળગતી સીગારેટ તો દેખાશે જ ! અને એ સળગતી સીગારેટની આસપાસ જ મારી ઘડિયાળ હશે, સાહેબ !”

અને ખરેખર એવું જ બન્યું. બોઝની સાથે બીજા પણ બે ત્રણ જણ પાટા વચ્ચે નજર કરતાં કરતાં પાછળ ગયા તો થોડેક દૂર જતાં સળગતી સીગારેટ અને એનાથી થોડે દૂરથી જ ઘડિયાળ પણ મળી આવી. આમ ખરા ટાણે સૂઝી આવેલ નુસ્ખો એ “કોઠાસૂઝ”ની જ કમાલ ગણાય ને?

બીજું એક ઉદાહરણ: …………. 

મલ્ટીનેશનલ કંપનીના મહત્વના સ્થાન માટે યોગ્યતા પ્રાપ્ત કરી :

       એક મલ્ટીનેશનલ કંપનીમાં મહત્વના સ્થાન પર યોગ્ય વ્યક્તિની નિમણૂક થવાની હોઇ, ઉમેદવારોની લાઈન લાગી હતી. અભ્યાસમાં તો બધા એકબીજાને આંટે તેવા ક્વોલીફાઈડ હતા. દરેક ઉમેદવારના હાથમાં એક નોટબૂક અને પેન આપી કહેવામાં આવ્યું હતું, “તમને સૌને એક પ્રશ્નપત્ર આપીએ છીએ, જેમાં જુદા જુદા દાખલાઓ આપવામાં આવ્યા છે, જે વ્યક્તિ આ દાખલાઓના સાચા જવાબો ઓફિસના દરવાજા સામે આવી બોલી જશે, એ જવાબો જો સાચા હશે તો દરવાજો આપમેળે ખુલી જશે. ખોટા જવાબોથી દરવાજો ખુલશે નહીં. દરવાજો ખોલવામાં સૌથી પહેલાં સફળ થનાર વ્યક્તિની આ સ્થાન પર નિયુક્તિ થશે”

       બધા ઉમેદવારોને ઘડીભર વિચાર તો આવી ગયો કે આ દાખલાના સાચા જવાબોને સંભળાવવા- અને ઓફિસના દરવાજાનું ખુલવું – એકબીજાને કેવું અનુસંધાન ? શું ઓડિયો પાસવર્ડથી એકબીજાને સેટ કર્યા હશે ? પણ પછી આગળ વધુ વિચારવાનું પડતું કરી, પ્રશ્નપત્ર મળતાં સૌ ફટાફટ દાખલા ગણવા લાગી ગયા. અને જેને જેને જવાબ મળતા ગયા તેઓ રાજી થતા થતા દરવાજા સામે ઊભા રહી જવાબો બોલતા ગયા, પણ દરવાજાનું તાળું તો લટકતું જ રહ્યું ! કોઇથી ઓફિસના દ્વાર ખુલ્યાં નહી. તેથી એ બધા “મારો જવાબ ખોટો હશે” એમ માની પોતપોતાના જવાબો સુધારવાના કામે લાગી ગયા.

     જ્યારે એક ઉમેદવારે એવું વિચાર્યું “ દરવાજો ખૂલવાને અને દાખલાના જવાબોને વળી શી લેવાદેવા ? ચાલ જોઉં તો ખરો કે દરવાજાનો લોક કેવોક છે ? એ તો દાખલા ગણવાનું બાજુ પર રાખી સીધો જ દરવાજા પાસે પહોંચ્યો અને ઘડીભર પૂરી ચોક્કસાઇથી દરવાજાનું નિરીક્ષણ કર્યું તો દરવાજા પરનું તાળું તો એમનામ સાવ ખુલ્લું જ લટકતું જોઇ પોતે સાચી વાત પામી ગયો કે ઓહો ! આ તો ભ્રમણામાં નાખી સૌને ગોટે ચડાવવાની જ વાત લાગે છે “ એવું મનમાં બોલી બારણાને પોતાના હાથથી માર્યો ધક્કો તે દરવાજો ફટ કરતો ખુલી ગયો ! અને એ માણસ કંપનીના મહત્વના સ્થાન પર નિયુક્તિ પામ્યો !

જોયું ને, બીજા માણસો કરતાં થોડીક વધારે વિચાર-સૂઝ, અને થોડાક ઝીણવટભર્યા નિરીક્ષણની ટેવે જ એને સફળતા અપાવીને ?

હવે શુરતાભરી તુર્તબુદ્ધિનો એક ચમકારો જુઓ :

એક રાજવીએ રાજ્યમાં ઢંઢેરો પીટાવેલો કે પોતાને એક બહાદુર અંગરક્ષકની જરૂર છે. તો જેમણે આમાં ગોઠવાવું હોય તેણે અમૂક દિવસે મહેલના બગીચામાં ગોઠવાએલ ઇંટર્વ્યુમાં હાજર રહેવું.

        નક્કી કરાએલા દિવસે ચકચકતા હથિયાર ધારી ક્ષત્રિઓની લાઇન લાગી ગઈ. અને એક પછી એકે પોતાના પરાક્રમના બણગાં ફુંકવા શરૂ કર્યાં. પણ ઓચિંતાનો કાર્યક્રમમાં ભયાનક સોપો પડી ગયો ! સૌએ જોયું કે…..

          ઉપરના ઝાડ પરથી એક લાંબો સાપ રાજવીની બેઠકની સામે જ લપસી પડ્યો છે. આખી મેદની ભયભીત બની ગઈ ! હથિયાર ધારી ઉમેદવારો બબ્બે ડગલાં પાછા હઠી ગયા. પણ વિજળીવેગે આ શું બની ગયું ? પ્રેક્ષકોની પહેલી લાઇનમાં બેઠેલ એક ગામડિયા પગીનો જુવાન દિકરો કુદ્યો અને પોતાના ખરબચડા જાડા ડંડાથી રાજવી તરફ ધસી રહેલા સાપની ફેણ દબાવી દીધી અને પછી ધીરેથી એની પૂંછડી પકડી દૂર કાંટાળી વાડમાં ફગાવી દઈને પોતાની જગ્યાએ આવીને શાંતિથી બેસી ગયો !

       રાજવીએ એને પોતાની પાસે બોલાવ્યો. જુવાન પગમાં પડ્યો તો રાજવીએ ઉઠાવી લઈ હદયે ચાંપ્યો ! સૌને વિખરાઇ જવાનું ફરમાન થયું. રાજવીને જોઇતો અંગરક્ષક મળી ગયો હતો.   

હવે વાત કરું….અમારા જ અનુભવના કેટલાક ઉદાહરણોની : 

[૧]….. ……. રડતામાંથી હસતો કરી દીધો:

         મારું જૂનું ગામ ચોસલા હતું સાવ નાનકડું. શાળામાં ધોરણ માત્ર ચાર જ. પાંચમાં ધોરણમાં દાખલ થયો માલપરાની છાત્રાલય વાળી શાળામાં. મન લાગે નહીં. ઘર બહુ સાંભરે ! અરે, રીતસરનું રોવાઇ જ જવાય ! દાખલ થયાના ચોથે દિવસે શ્રમકાર્યમાં જવાનું થયું નદીકાંઠે કૂવો બાંધવાનું કામ ચાલે ત્યાં કડિયાને પથરા અંબાવવાનું. અને માળું જમીન પરથી પથ્થર ઉપાડતાં હાથની આંગળીએ વીંછી ટચકાર્યો ! એક તો મન ઉદ્વેગમાં હતું જ, એમાં વીંછીએ માર્યો આંકડો ! રાડારાડ ને બોકાહા ! “મારે ઘરે જવું છે…..ઘરે જવું છે !” ઉપલા ધોરણમાં ભણતાં પ્રેમજીભાઇ ભીંગરાડિયા અને જેઠીરામભાઇ લશ્કરી બન્નેએ ટીંગાટોળી જેવું કરી છાત્રાલયે પહોંચાડ્યો. અને માટલિયાભાઇ [માટલિયાભાઇ એટલે વાત્સલ્યધામ લોકશાળાના સ્થાપક અને શિક્ષણ દ્વારા ગ્રામોત્થાનનો સફળ પ્રયોગ કરનાર સમર્થ વ્યક્તિત્વ] ને ખબર કર્યા. તેઓ દોડતા આવ્યા. “ક્યાં આંકડો માર્યો બતાવ જોઉં !” કહી, મને ઝટ ઝટ વીંછીની વેદના ભૂલાવી રડતો બંધ કેમ કરવો એવું વિચારી, મારો પીડાતો પંજો જમીન પર મૂકાવી, હળવે હાથે પંપાળી, આંખો મીંચી, કંઇક હોઠ ફફડાવવા મંડી પડ્યા ! ચાર પાંચ વાર આવું કરતાં જઇ, પંજાને જરા ખંખેરી, જમીન પર પછાડાવી વીંછીનું ઝેર ઉતારવાનો નુસ્ખો અજમાવી મને માનસિક શાતા અપાવી. એક જણને વાટકામાં ઘી-ખાંડ લેવા મોકલી, ગુદગુદી કરે એવા ટુચકાઓ કહી સૌને એવા હસાવ્યા કે એ બધાની સાથમાં વીંછીની વેદના ભૂલી-રડવાનું પડતું કરી હું યે ક્યારે હસવામાં ભળી ગયો એની મને યે ખબર ના રહી ! એમની કોઠાસૂઝે ઘડીકવારમાં મને રડતામાંથી હસતો કરી દીધો હતો બોલો !              

[૨]………જમણવારની પંગતને કૂતરાથી રક્ષણ આપ્યું.:

થોડા વરસો પહેલાંની વાત છે. અમારા ગામમાં માધવજીભાઇ ભીંગરાડિયા અમારા કુટુંબી ભાઇ છે. તે દિવસોમાં એમની ભર જુવાની. પાણીનો ભર્યો હાંડો દાંતમાં પકડી દોડ્યા જાય અને પાછળવાળાને આંબવા ન દે એવું તો એનું ડીલ હાથ્ય ! એકવાર એમને ઘેર એક શુભ પ્રસંગે સૌને જમવા બોલાવેલા. પોતાના એ વખતના નીચા એવા દેશી નળિયાંવાળા સામસામા બે ઘર વચાળેના સાંકડા ફળિયામાં વચ્ચે પીરસણિયા હરીફરી શકે એટલી જગ્યા રાખી સામસામે બે હારમાં જમણવારની પંગત પાડેલી. બધા જમવા બેસી ગયેલા અને થાળીઓ પણ પીરસાઈ ગયેલી. સૌ જમવાનું શરૂ કરે કરે ત્યાં ઓચિંતાનું એક કૂતરું દોડતું દોડતું પંગત વચાળે ઘૂસી ગયું ! હવે ? હડ..હડ..કર્યે કોઇની થાળીમાં પડ્યું હોય તો ?  સૌ મુંઝાયા. ક્યાંય બહાર નીકળવાનો રસ્તો ન જડતાં કૂતરું યે મુંઝાયું, ને ભૂરાયું થઈ આમતેમ ઘુમરિયું મારવા મંડી ગયું ! ત્યાં માધવજીભાઇનું એ તરફ ધ્યાન ગયું. અને એમણે રોટલીનું એક બટકું નીરી,“ગલુ…ગલુ..તૂ…તૂ…તૂ..એમ બુચકારી ધીરું પાડ્યું અને હળવે હળવે કરતા પાસે જઈ થોડીકવાર માથાપર હાથ ફેરવ્યો, કૂતરાનો પણ શ્વાસ હેઠો બેઠો. એમ કરતા કરતા માથેથી ડીલે, ને પગે હાથ ફેરવતા ફેરવતા એક હાથમાં આગલા બન્ને પગ અને બીજા હાથમાં પાછલા બન્ને પગ ભેગા પકડી કૂતરાને ઉંચું કરી એવું જોરદાર રીતે ફંગોળ્યું કે કૂતરું એક બાજુના મકાનના છાપરા ઉપર ભફ દઈને પડ્યું અને બાંઉ..બાંઉ…કરતું દૂર ખેંતાળી ગયું. જોયુંને ? માધવજીભાઇની કોઠાસૂઝે ત્વરીત એવો ઉકેલ શોધી કાઢ્યો કે  જેથી કૂતરાને એ સાંકડી જગ્યામાં ભાગંભાગ કરી કોઇની જમણવારની થાળી બગાડવાનો ગાળો જ ના રહેવા દીધો !

[૩]…..પડકા [સાપની એક જાતિ] ના દંશમાંથી ઉગારો કરાવ્યો :

પ્રાર્થનામાં ગાંધીબાપુની ઓઢેલી ચાદર પર રાવજીભાઇએ સાપ જોયો. તેમણે ગભરાઇને બુમાબૂમ ન કરી, ઝડપથી ઊભા થઈ, ચારે છેડેથી ચાદરમાં વીંટી દૂર નાખી આવેલા. મારે પણ એવું જ થયેલું, તે વાત કરું તો…. નામ તો હતુ એનું “વિઠ્ઠલ” પણ અમે એને “કાળુ” કહીને બોલાવતા. કાળુ અમારી વાડી પંચવટીબાગનું કામ સંભાળતો. એક વાર પડામાંથી સુકાએલી જુવારની કડબને બળદગાડામાં ભરી ઘેર લઈ જવાનું કામ હાલે. કાળુ પૂળિયાં અંબાવે અને હું ભરોટા ઉપર એને ખડકું. એમાં કાળુ મને કહે, “ભાઈ, ખમજો હમણાં, આ મેં નાખ્યો ઇ પૂળાને ઘડીક હાથ અડાડશોમા ! અને ત્યાં ને ત્યાં ઊભા રહો, બહુ આઘા પાછા થાશો નહીં.” કાળુ આવું શુંકામ કહેતો હશે ? એવું હું પૂરું વિચારી રહુ રહુ ત્યાં થોડે દૂર “ભફાંગ” જેવો જમીન પર કશુક પડ્યાનો ભફાકો મેં સાંભળ્યો ! “અરે કાળુ, આ શું થયું ?” તો કહે “કંઇ નહીં ભાઇ ! તમને અંબાવેલ પૂળામાં જીવડાની લટકતી પૂંછડી હું ભાળી ગયો, અને પકડી, પૂળામાંથી આખેઆખા ને ખેંચી કાઢીને ફગોળી દીધું છે તે જૂઓ પણે પડ્યું પડ્યું વળ ખાય !” મેં એ બાજુ નજર કરી તો સાચ્ચે જ બે ત્રણ ફૂટ લાંબું કરકાબરું-લોંદિયું પડકું ગોટો વળીને પડેલું ભાળ્યું ! હું કાળુને વઢ્યો,”અરે ગાંડિયા ! આવું એની પૂંછડી પકડવાનું જોખમ વહોરાય ? ક્યાંક તને બચકું ભરી લીધું હોત તો ?” “અરે, બચકું તો મેં ટાણાહર એને પૂળિયામાંથી ખેંચી ન લીધું હોત તો તમને જ ભરી જાત !“

કોઠાસૂઝ એ માત્ર ભણેલાઓનો ઇજારો નથી, કાળુ તો કંઇ ભણેલો નહોતો ! છતાં પોતાની કોઠાસૂઝના બળે જ કાળુએ પળ પારખી લઈ, ત્વરીત લીધેલ સાહસભર્યા નિર્ણયે જ મને પડકાના દંશમાંથી બચાવી લીધો હતો.

 [૪]…..બળદિયાને માર ખાવામાંથી બચાવ્યો :

કોઠાસૂઝ એ કંઇ શીખવ્યે શીખાતી નથી, કેમ એનું શિક્ષણ પણ કોઇ શાળા-મહાશાળામાં નથી અપાતું. ! એમ પાછી નાણું ખરચેય વેચાતી નથી મળતી, એ તો ભાઇ કુદરતે આપેલી બક્ષીસ જ ગણાય.જેમને જેમને આ ભેટ મળી હોય તે ભાગ્યશાળી ગણાય. આપણ ખેડૂતોને બળદો-ગાયો-ભેંશો અને ગાડાં-ટ્રેકટર સાથે હોય વધુ વ્યવહાર. એટલે મોટાભાગના પ્રશ્નો તો એ બધા વિશેના જ હોવાના.

અમારો એક બળદ જીવડું અડી જવાથી મરી જતાં,બીજો કાબરો બળદ ખરીદ્યો. જોયો હોય તો લોહીએ લથબથ ! કામે જોતરીએ એટલે હળવા કામે વાંધો નહીં, પણ બેડિયા બળદે રજકાવાયુ ખેડવા લોઢાના હળે જોડ્યો ને માળો એક, બે અને ત્રીજી ઉથલે અધવચ્ચે જ રહ્યો ઊભો ! પરોણી ઉગામી ડારો કર્યો તો બેહી પડ્યો ! હવે ? બાપો..બાપો..ઊઠ… ભાઇ… ઊઠ કહી ઘડીક ફોહલાવ્યો, પણ વ્યર્થ ! અમારા સાથી ગોવિંદભાઇએ તો લીધો પરોણો ! ફડૂહ..ફડૂહ વાંહામાં ને બરડે માંડ્યા દેવા ! પરોણાના સળ ઊઠી આવ્યા પણ એતો લાંબી ડોક ભોંયે અડાડી,આંખો મીંચી, ઠોઠડો થઈ ગયો ! મારવો કેટલોક ? થાક્યા અમે તો ! ત્યાં વાડીએ બેઠેલા અમારા કાકા આ ધમાલ જોઇ ગયા અને હાંકલો કર્યો અમને, “એલા મારોમા, …મારોમા …હું આવું છું, કંઇક રસ્તો કાઢીએ” ઉતાવળે આવી પહોંચ્યાં. આવીને જોયું તો બધાના હાંકલા-પડકારા અને મારથી બીય ગયેલો જોઇ કહે કહે, “ બુદ્ધિના બારદાન જ બધા ભેળા થયા લાગો છો ! મારી મારીને બળદિયાને મુંઝવીને હેબતાવી દીધો છે. એલા ગોવિંદા, એની રાશ ઢીલી મૂક અને એ કાળિયા ! તું એની ડોકે જોડેલ તરેલાની સંબેલ ખેંચી લઈ ધરમાંથી છૂટો કરી મેલ્ય એને, પછી જોઉં છું કેવોક નથી ઊભો થતો તે !’ અને કાકાએ કીધું એમ કર્યા ભેળું માળો હફડાક દઈ ઊભો થઈ બાજુમાં ખસી ગયો બોલો ! જે કામ બળથી ન થયું તે કાકાની કોઠાસૂઝના પ્રયોગે ફટ કરતું થઈ ગયું !

અંતે :  કહેવાનું એટલું જ કે ખેતી એ તો સજીવો અને કુદરતી પરિબળો સાથે ગુંથાયેલ વ્યવસાય છે મિત્રો ! એમાં ડગલે ને પગલે કોઇને કોઇ બાબતે સ્વપ્નેય ન વિચાર્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી જાય ત્યારે ભલભલાના મન મુંઝારે ચડી જતાં હોય છે. હા, એવું ખરું કે કેટલાક મુંજારાના ઉકેલ શોધવામાં નિરાંત રાખીએ તો ચાલે એવાય હોય, પણ કેટલીક ઓચિંતાની આવી પડેલ ઉપાધીઓ એવીયે હોય છે કે જેનો તાત્કાલિક નિર્ણય લઈ, એમાંથી ઝટ ઝટ ઉગારો કરવામાં ન આવે તો કેટલીક વાર બહુ મોટું નુકશાન વહોરવાનું પણ આવી પડતું હોય છે. એટલે પ્રશ્ન ખડો થયો ? ફટાફટ પરિસ્થિતિનો તાગ મેળવી એના ઉકેલ અર્થે હાજરમાં જડ્યો એવો યોગ્ય નુસ્ખો-તરકીબ કે ઉપાય જે સૂઝી આવે એનો વિના વિલંબે અમલ એ જ ધ્યેય રહેવું ઘટે. અને આવા તાત્કાલિક સફળ ઉપાયો જેની ‘કોઠાસૂઝ” સોળે કલાએ ખીલેલી હોય એ જ અમલમાં મૂકી શકે ! આપણે સૌ વિચારવલોણું ચલાવીએ કે આ બાબતે આપણા ટકા કેટલા ?


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com