પ્રીતિ શાહ-સેનગુપ્તા
અનંત અવકાશમાં ઘુમતી આ પૃથ્વી. એની ઉપરના મહાસાગરો ઍટલાન્ટિક અને પૅસિફિકના કિનારાઓની વચ્ચે આવેલો મહાખંડ ઉત્તર અમેરિકા. એમાંનાં અનેક શહેરોમાં અનન્ય મહાનગર તે ન્યૂયોર્ક સિટી.
આ એક શહેરનું નામ, અને એને માટે આ એક વિશેષણ. બસ, વાત અહીં પૂરી થઈ જઈ શકે છે. અરે, વાત જ નહીં, પ્રાર્થના, પ્રશંસા, ને નામસ્મરણ. બધું યે. ન્યૂયોર્ક-પ્રેમીની હેસિયતથી હું તો એમ પણ કહી શકું કે ન્યૂયોર્ક શહેરનું નામ એક વાર લો, ને તે સહસ્ર નામ લીધા બરાબર છે. ન્યૂયોર્ક શહેર એક એવું સ્થાન છે જે ક્શણે ક્શણે નવ્ય બનતું રહે છે, જે દરેક પ્રહરે વિકસતું, વિલસતું જાય છે.
દૂર જઈને કરાતો પ્રવાસ જ વિશિષ્ટ નથી બનતો. ન્યૂયોર્ક જેવા સ્થાનમાં તો સહેજ આમથી આમ જાઓ ત્યં, એ ગમન, એ સમય વિશિષ્ટ બની જતો હોય છે. સાવ સાધારણ રીતે કહીએ તો પણ, આ શહેરમાં જોવા ને જાણવા જેવી નવી નવી બાબતો ઉમેરાતી જ રહેતી હોય છે. નગરપાલિકા તથા નગર-પોષકો નવાં નવાં વિરચન ઘડતાં જ રહે છે. ન્યૂયોર્કમાં વસનારને માટે પણ એને પહોંચી વળવું શક્ય નથી હોતું. ક્યાંક રસ્તા પર ધ્યાનાકર્ષક જાહેર શિલ્પ, તો ક્યાંક કોઈ નવા પ્રદર્શન માટે ભેગું થયેલું ટોળું. કોઈ નગર-ચૉકમાં બપોરે-સાંજે જાહેર સંગીત, તો કોઈ ઉદ્યાનની વિશાળ લૉનમાં શેક્સપિયરના નાટકની મૌલિક રજુઆત.
શહેરની એક બાજુએ જમાના-જૂની રેલવેના ઊંચા, લાંબા પાટા પડતર રહેલા હતા, તો ત્યાં બધું ચોખ્ખું ને વ્વવસ્થિત કરીને નગરજનોને માટે એકદમ કુદરતી, સહજ વિહાર માટેનું, જાહેર સ્થાન બનાવી દીધું. નામ પાડ્યું “હાઈ લાઈન”. બે માઈલ લાંબો, ઊંચો બાગ હોય તેમ એના પર ચાલો, નીચેથી અવિરત જતો મહાનગરનો ટ્રાફિક જુઓ, ને બે બાજુ પરની ઇમારતોને જાણે હાથ લંબાવીને સ્પર્શો.
એ પછી, મૅનહૅતનની પશ્ચિમ તરફ વહેતી, ન્યૂયોર્ક શહેરની સુંદર મહાનદી હડસન – અહીં અમારી તો ગંગા -ના કિનારે એક જગ્યાએ, સાવ નવા જ એક ટાપુનું કલ્પન સંપન્ન થયું. નગર-કેન્દ્ર મૅનહૅતન, કે જે પોતે જ એક ટાપુ છે (એની ફરતે હડસન, હાર્લેમ અને ઈસ્ટ નામની નદીઓ છે), એને વળી સાવ પોતાનો એવો ટાપુ જાણે ભેટ મળ્યો. એનું નામ જ પાડ્યું છે “લિટલ આઈલૅન્ડ”. એવો તો નાનકડો, કે એને ટાપુ શું, એક ‘ટપકું’ જ કહી શકાય!

હડસન નદી ખાસ્સી ઐતિહાસિક છે. સદીઓથી વહાણવટા અને વેપાર માટે એ ઉપયોગમાં આવતી રહી છે, અને એના આ કિનારા પર સદીઓ પહેલાં, દેશમાં હજી મોજુદ છે એવી અસંખ્ય તળ-જાતિઓમાંની એક, લેનાપિ તળ-ઇન્ડિયન જાતિનો વસવાટ રહ્યો હતો. આધુનિક સમયમાં તો હડસનની આ ઓળખાણ રહી નથી. હવે તો એનું દર્શન જાણે ન્યૂયોર્ક શહેરના રહેવાસીઓના નેત્રાનંદ માટે જ છે. ને તેથી જ એમાં ઉમેરાયું એક વધારે આનંદનું કારણ – આ “લિટલ આઇલૅન્ડ”.
નદીના કિનારાને અડીને જ હોય તેવો લાગતો આ નાનકડો ટાપુ અઢી એકરનો જ બનેલો છે, એટલેકે બનાવાયેલો છે. કૃત્રિમ છે, ને ન્યૂયોર્ક-પ્રેમી દાનવીરોની ઈચ્છા તેમજ સહાયને કારણે જ જન્મ પામ્યો છે. પણ એ માટે વિરોધ થયો, મતભેદ થયા, કામ અમુક વર્ષ માટે બંધ રહ્યું, ને છેવટે, બાર વર્ષે એ નગરવાસીઓ માટે ખુલ્લો મૂકાયો. ત્યાં સુધીમાં અંદાજે જેટલો ધાર્યો હતો તેનાથી બમણો ખર્ચ થઈ ગયો હતો. કુલ બસો સાઠ મિલિયન ડૉલર. ને આથી, ન્યૂયોર્ક રાજ્ય સરકારની સહાય પણ લેવી પડી. આ એની વાસ્તવિકતા.
છતાં, આ દ્વીપ-વિરચન કરવા પાછળ મુખ્ય કારણ હતું ન્યૂયોર્કનાં નાગરિકોને એક સુંદર, હર્ષદાયક અને ઉત્સાહપ્રેરક નવું સ્થાન પ્રદાન કરવાનું. એ માટે આ ‘ટાપુ-ટપકા’ ને ખૂબ કલ્પના અને કાળજીપૂર્વક બાંધવામાં આવ્યું છે. હડસન વાટે, ન્યૂયોર્ક રાજ્યમાંથી દૂર દૂરથી ઘણો ઘણો સામાન લાવવામા આવ્યો. પછી, સૌથી પહેલાં તો, હડસન નદીમાં બસો ફીટ ઊંડે ૨૮૦ જેટલા કોન્ક્રિટ થાંભલા ખોડવામાં આવ્યા. એમના ઉપર, મોટામસ વાટકા કે પ્યાલા જેવાં, કે ટ્યુલિપ ફૂલ જેવા આકારનાં ૧૩૨ સિમેન્ટ-સ્ટ્રક્ચર એવી રીતે ગોઠવવામાં આવ્યાં કે બિલકુલ હાલે નહીં, તેમજ પાણીથી ૧૫થી ૬૨ ફીટ ઊંચા રહે, કે જેથી નદીમાં પૂર આવે તોયે આ ‘ટાપુ-ટપકા’ને નડે નહીં. છેલ્લે, એ બધાં સ્ટ્રક્ચરમાં માટી, પથરા, ખાતર વગેરે ભરીને જમીન બનાવવામાં આવી.
એ પછી આ આખી જગ્યાને નૈસર્ગિક શોભાથી એવી રીતે શણગારવામાં આવી, કે એમાં ફૂલોના બાગ દેખાય, શહેરની વચમાં ઝાડપાનથી ભરેલા સરસ વનનો આભાસ મળે, ને નદી પરથી ઊઠતા ઝડપી પવનથી એ સુરક્શિત પણ રહે. માહિતી પ્રમાણે, અહીં ૩૫ જાતનાં ઝાડ, અને ૬૫ જાતના છોડ વાવ્યાં છે. જુદી જુદી ૨૭૦ જાતનાં તો ઘાસ ઉગાડવામાં આવ્યાં છે, ( થાય કે આહા, ઘાસની યે એટલી બધી જાતો હશે?), ને ફૂલો? અરે, ફૂલોના તો ૬૬,૦૦૦ રોપા લાવી મૂકાયા છે – ને તે વળી રંગ અને ડિઝાઇનના બહુ વિચારપૂર્વકના ખ્યાલ સાથે. ને તેથી જ એ સૂક્શ્મ-સુંદર ફૂલોની જજમોને પણ ધ્યાનપૂર્વક જોવી પડે. સાથે જ, ક્યાંક લીલીછમ લૉન છે, તો ક્યાંક બાળકોને રમવાની મોકળાશ છે ; નાની નાની ટેકરીઓ પર, ક્યાંક કેડીઓ થઈ છે, તો ક્યાંક પગથિયાં. આ નવીન જગ્યા બની તો છે માનવીય સર્જન-કૌશલ્ય દ્વારા, પણ દેખાય છે એટલી સહજ-કુદરતી કે એ નથી કૃત્રિમ લાગતી, કે નથી સાવ નાનકડી લાગતી.
સામે નદીનો ખુલ્લો પટ હોય, ને પાછળ નગરની ઈમારતો નજર માંડી રહી હોય, તેવી રીતે એક તરફ, ગ્રીક શૈલીનું એક અર્ધગોળ થિયેટર પણ બનાવાયું છે. એમાં સાતસો જેટલાં જણ બેસી શકે, ને ત્યાં ઉનાળાના મહિનાઓ દરમ્યાન નૃત્ય અને સંગીતની તદ્દન મૌલિક, અને નવી જ તૈયાર કરાયેલી કૃતિઓ રજૂ થતી હોય છે. આ મહાનગર એવી રીતે વર્તે છે કે જાણે દરેક દિવસ ઉજવણીનો જ ના હોય.
આ ન્યૂયોર્ક નગરમાં ‘ દૂર શું, ને નજીક શું’ ની સારી એવી છલના પણ છે. જેમકે, આ લિટલ આઇલૅન્ડ શહેરનો જ ભાગ છે, ને લાગે છે સાવ નજીક, બરાબર? પણ ત્યાં પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડે. છેક ઘેરથી નીકળીને ત્યાં સુધી પહોંચવાની પ્રક્રિયા તો બહુ કષ્ટપ્રદ લાગશે, તેથી શહેરના કેન્દ્રમાં આવી ગયા પછી ત્યાં કઈ રીતે પહોંચાય તે જ કહું. ભૂગર્ભ રેલમાંની ‘એ’ અથવા ‘ બિ’ નામની ટ્રેન જ લેવી પડે. ચૌદમી સ્ટ્રીટ અને આઠમા ઍવન્યૂ પર ઊતર્યા પછી છેક હડસન નદી સુધી જવા માટે ક્યાંતો બસની રાહ જુઓ, નહીં તો ચાલવા માંડો -પગમાં જોમ હોય તો. છેવટે, દોઢ-બે માઈલ ચાલીને “ટાપુ-ટપકા” પર પહોંચો ત્યારે ઘડીક બેસવાની જરૂર પડી ગઈ હોય.
પણ ન્યૂયોર્કના નાગરિકોને એમ કાંઈ ગભરાવી કે અટકાવી શકાય તેમ નથી હોતા. આ ટાપુ પર સામટી હજારેકની સંખ્યા થાય ત્યાં સુધી લોકો જઈ શકે. રજાઓના દિવસોમાં જો વધારે ભીડ થવા માંડે તો રાહ જોવી પડે, ને એ માટે બધા, વારો આવે ત્યાં સુધી, હારબદ્ધ ઊભા રહી જાય. વર્ષમાં પંદર-વીસ લાખ લોકો આ ‘ટાપુ-ટપકા’ પર જવાનો અનુભવ લેવા માગતા હોય છે. પ્રવેશનું કોઈ મૂલ્ય રાખવામાં નથી આવ્યું, પણ ત્યાં ગાળેલો સમય ઘણો મૂલ્યવાન બનેલો લાગે છે.
જેની ચેતના સજાગ હોય તેવી વ્યક્તિ માટે, આ ‘ટાપુ-ટપકા’ પરનો સમય બે જુદા જ અનુભવ શક્ય બનાવે છે. એક તો, એના પરિસરમાં ફરતાં નૈસર્ગિક અને વન્ય સ્થાનનો સહજ, સુંદર, ચમત્કૃત સ્પર્શ મળતો રહે છે; જીવથી સ્થિર થઈને મનની અંદર ઊતરી જઈ શકાય છે. ઊંડા શ્વાસ લીધા પછી આંખો ખોલીએ, ને આસપાસ જોઈએ તો, જેને પાછળ મૂકીને આ નાનકડા ટાપુ પર પહોંચ્યાં હતાં તે, સ્તબ્ધ-ચિત્રિત જેવું મહાનગર સાદૃશ્ય થાય છે. ત્યારે મનમાં બીજો અનુભવ થાય છે – શહેરનાં ચમકતાં, પ્રકાશતાં ગગનચુંબી સ્થાપત્યોનું દર્શન કરતાં જ, જાણે નવેસરથી, વિસ્મય-મુગ્ધ થવાનો; મનના એકાંતમાંથી નીકળીને ચેતના ઉપર ન્યૂયોર્ક શહેરના સર્જન-મહિમ્નને પ્રતિબિંબિત થવા દેવાનો. જાણે અખિલ બ્રહ્માંડમાં એક આ મહાનગર, ને બસ, એ જ, હંમેશાં અનન્ય ભાસે છે.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
