આનંદ મઝગાંવકર

આજે દુનિયામાં નગ્ન-દેખીતી હિંસા છે તે તો કંઈક અંશે આપણને સમજાય છે, જોકે તે અંગે પણ જાણે સમાજ ઉત્તરોત્તર અસંવેદનશીલ બનતો જતો દેખાય છે. પરંતુ અસમાનતા, જે મહેનત કરે તે ભૂખ્યા મરે, નબળી વ્યક્તિ દબાતી-કચડાતી જાય – આ બધાંને આપણે વ્યવસ્થાની હિંસા કહીએ અને આ પ્રકારની હિંસા આપણે કલ્પના ન કરી શકીએ તેટલાં ક્ષેત્રોમાં વ્યાપ્ત થઈ ચૂકી છે. આજની દુનિયામાં જાણે ન્યાય માટે ન કોઈને નિસબત છે, ન સમય. એક તરફ પ્રકૃતિના દોહન અને શ્રમિકોના શોષણથી કોઈ દિવસ નહોતી એટલી ભૌતિક સંપત્તિ, આગળ પ્રાપ્ત ન હતી એવી ટેકનોલોજી આજે ઉપલબ્ધ છે. અને તેમ છતાં ક્યારેય ન હતી એટલી વિષમતા આજે આપણી દુનિયામાં વ્યાપ્ત છે. આવા સંજોગોમાં જો કોઈ ભૂખ્યું રહે તો એ અન્નની અછતને કારણે નહીં પરંતુ તે ન્યાયની અછત (અભાવ)ને કારણે છે !

આજે દુનિયામાં એટલાં ભયંકર યુદ્ધો ચાલી રહ્યાં છે – અને આ યુદ્ધોની બે બાજુઓ સંસાધનો અને શસ્ત્રની રીતે એટલી તો અસમાન છે દા.ત. એક તરફ મહાશક્તિ રશિયા અને નાનકડા દેશ યુક્રેન વચ્ચે ચાર વર્ષથી ચાલી રહેલું યુદ્ધ. તો બીજી તરફ ઇઝરાયેલનું ગાઝા પર આક્રમણ કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઇઝરાયેલ મળીને ઈરાન પર આક્રમણ કરે છે. કે સ્વતંત્ર સાર્વભૌમત્વ ધરાવતા રાષ્ટ્ર વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું રાતના અંધારામાં જઈને અમેરિકન સેના અપહરણ કરે છે. આવા સંજોગોમાં કોઈ પણ સંવેદનશીલ નાગરિક હતાશા, નિ:સહાયતાથી જુદું શું અનુભવી શકે ? વિકાસ, પ્રગતિ, ઉત્ક્રાંતિ, અહિંસાની ખોજ, ભૂલોમાંથી શીખવું એ જાણે કે કોઈ બીજા જ ગ્રહની વાત લાગે તેવું વાતાવરણ ચોમેર સર્જાયેલું છે.

આ વ્યાપ્ત પરિસ્થિતિની વ્યક્તિ અને સમાજ પર જે અસરો દેખાય છે તે કંઈક આવી છે :

૧. ભ્રમ : આજે માણસ એવા ભ્રમમાં જીવે છે કે આપણે આગળ વધી રહ્યા છાએ. કંઈક શીખી રહ્યા છાએ, હૃદય અને બુદ્ધિવાળા માનવ તરીકે ઉત્ક્રાંતિનો લાભ આપણને મળી રહ્યો છે. અને કૃત્રિમ બુદ્ધિ (એ.આઈ) બધા પ્રશ્નો ઉકેલી દેશો એવા ભ્રમમાં આપણે જીવીએ છીએ.

તો બીજી તરફ આપણે સાંભળીએ છીએ કે આપણે વિશ્વગુરૂ છીએ, પરિપૂર્ણ છીએ, આપણી સમજણ સર્વશ્રેષ્ઠ છે તેથી આપણે કોઈ પાસે કંઈ શીખવાની જરૂર જ નથી.

૨. અનુકરણ : એક તરફ તો આપણે વિશ્વગુરુ હોવાની ગૂરુતાગ્રંથિમાં રાચીએ છીએ અને બીજી તરફ આપણે પશ્ચિમનું આંધળું અનુકરણ દરેક બાબતમાં કરી રહ્યા છીએ – પછી તે જીવનશૈલી હોય, પહેરવેશ, ભાષા કે વિદેશનું શિક્ષણ. એટલું ઓછું હોય તેમ વિદેશ વસવાટની આકાંક્ષા તેમજ બેંકનાં ખાતાં ડોલરમાં હોય તેવા ખ્વાબો માટે જાન આપી દેનારા આપણા લોકો ! માનસશા્ત્રની ભાષામાં આને સ્ક્રીત્ઝોફેનીયા કે બાયપોલર ડીસઓર્ડર કહેવાય ને ?

૩. દ્વિધા : ગાંધીના ભારતમાં કે વિશ્વમાં જે લોકો સત્ય, અહિંસા અને ન્યાય પ્રત્યે નિસબત ધરાવે છે તેમને માટે આજની રાજકીય – આર્થિક – સામાજિક પરિસ્થિતિ એક મોટી દ્રિધા ઊભી કરે છે. જ્યારે વિશ્વમાં આટલી અસમાનતા હોય – આર્થિક, શસ્રબળ અને સૈન્યની રીતે – યુદ્ધો મોટે ભાગે એકતરફી બની ચૂક્યાં હોય ત્યારે યુદ્ધ તો જ અટકે જો યુ.એસ. અને ઈઝરાયેલને કોઈ મોટું નકસાન થાય – એમના થોડા સૈનિકો મરે તો પોતાના દેશની જનતાની બીકથી યુ.એસ. અને ઇઝરાયેલની સરકારને યૂદ્ધ સમેટવાની ફરજ પડે. પરંતુ આવું વિચારવું એ એક મોટી દ્રિધા એટલા માટે છે કે ગાંધીની હિંસા તો સામેનાનુંયે બૂરું ઇચ્છવા પર પ્રતિબંધ મૂકે છે.

૪. જાણી જોઈને અજાણ રહેવું : આટલી વિષમતા, ભૂખમરો અને હિંસા જ્યારે દુનિયામાં વ્યાપ્ત હોય ત્યારે કોઈ પણ સામાન્‍ય વ્યક્તિ-નાગિરક પોતાની માનસિક સ્વસ્થતા (sanity) જાળવવા આંખ બંધ કરી દે છે અને આ બધી વસ્તુઓથી અજાણ રહે છે. અંગ્રેજીમાં કહેવાય છે Ignorance Is Bliss (શાંતિ માટે અજાણ રહેવુ).

 પ. નિર્લેપ રહેવું / સંવેદનાને બૂઠી કરી દેવી : જોવા છતાં ન જોવું, પોતાની જિંદગી રાબેતા મુજબ જીવવા – business as usual – ચલાવતા રહેવા પોતાની જાતને મનાવી લેવી – કંઈક અંશે છેતરવી પડે તો તેમ કરવું કે કોઈ પ્રશ્ન નથી. ભલે આપણી આજુબાજુ આગ લાગી હોય છતાં ‘સબ ચંગા સી’ એવું માન્યા કરવું. અને પછી એ વસ્તુ આપણે માટે નોર્મલ બની જાય. એવી રીતે વિચારવાની લઢણ પડી જાય. પરિણામે વ્યક્તિના સંવેદનાના તાર હલવાના બંધ થઈ જાય. આપણે પોતાના કોચલામાં રહેતાં શીખી જઈએ. આ યાત્રા આજના સમયમાં જોવા મળતી સામાન્‍ય (નોર્મલ) કહેવાતી વ્યક્તિની છે. તેને કોઈ ડ’ળાંળ્યાં (જીવતા રહેવા) માટેની પદ્ધતિ પણ કહી શકે !

૬. ખોટો પ્રચાર – (વૃત્તાંત) ઊભો કરવો : આવી વિકટ પરિસ્થિતિ વધુ વિકૃતિયુક્ત ત્યારે બને છે જ્યારે જેઓ સ્થાપિત હિત ધરાવતા હોય છે તેવા બળૂકા લોકો પોતાના નિહીંત સ્વાર્થ માટે હિંસા, અત્યાચાર આચરતા અચકાતા નથી. વાતાવરણ વધુ વકરે તો તેમાંથી સરવાળે તેમને લાભ થતો હોય છે. અને પોતાની વિકૃત વાતને સાચી ઠરાવવા, ન્યાયી ઠરાવવા વ્યવસ્થા તેમજ પ્રચારતંત્રનો એવો ઘોંઘાટ ઊભો કરે, એક વૃત્તાંત બનાવે (narrative); દા.ત. યુ.એસ. કહે છે કે અમે આ યુદ્ધ આતંકવાદ દૂર કરવા, લોકશાહી બચાવવા અને ઈરાનની બહેનોની સ્વતંત્રતા માટે કરી રહ્યા છીએ. આંખ બંધ કરીને જીવતા, પોતાનું માનસિક સંતુલન જાળવવા મથતા નાગરિકો આ ઘોંઘાટના શિકાર સહેલાઈથી બની જતા હોય છે ને વળી તેના પક્ષકાર પણ બની જાય છે.

૭. એકલતાનો અનુભવ : જ્યારે આવું સ્પષ્ટ ધ્રુવીકરણ વ્યાપ્ત હોય, માન્યતાઓ, મત સતત વહેંચાયેલાં હોય, દરેકની લાગણી તંગ હોય. પોતાની મુશ્કેલીઓ માટે દોષનો ટોપલો અન્યને માથે નાંખવાની – બલિનો બકરો બનાવવાની – વૃત્તિ જન્મ લે એટલું જ નહીં તે સમાજમાં સ્વીકાર્ય અને સામાન્‍ય બની જાય – ત્યારે હકીકતમાં વ્યક્તિ એકલી પડેલી હોય છે. આ પરિસ્થિતિમાં પોતાનો પ્રામાણિક મત પોતાના પડોશી કે મિત્રને જણાવવામાં અથડામણની બીક લાગે ત્યારે એક ભયંકર એકલાપણું ઊભું થાય છે. આવી પરિસ્થિતિમાં ભીંડમાં પણ વ્યક્તિ એકલતા અનુભવે છે.

૮. સમાજમાં એક્યનો અભાવ (વિચ્છિન્તતા) : ભૌતિક રીતે પડોશમાં રહેતા હોવા છતાં વિચાર, સમજણ, લાગણીઓની મોટી દીવાલ આજે ઊભી થઈ ગઈ છે. પાડોશી સાથે કોઈ સેતુ નથી – જાણતા પણ નથી, અંતર વધતું જાય છે, દરેક પોતાનામાં મસ્ત છે, નિસબતના વિષયો પણ એક નથી, ભાષા (સમજણની) પણ એક નથી. આમ પણ શહેરોમાં આજે લોકો મોટા મોટા એનકલેવ્સ્માં વસવાટ કરે છે. સોસાયટીની દીવાલો ઊંચી થતી જાય છે, વાડા વધતા- જુદા થતા જાય છે.

૯. વ્યક્તિ તરીકે વ્યક્તિને અનુભવાતી વ્યર્થતા : આજે વ્યક્તિને પરિસ્થિતિ ઉપર, પ્રવાહો ઉપર મીડીયા, લોકશાહી, ન્યાયતંત્ર – કશા ઉપર પોતાનો કોઈ જ પ્રભાવ પડતો દેખાતો નથી. પ્રશ્નો એટલા જટીલ તેમજ વ્યાપક અને આંતરસંબંધો ધરાવનારા છે કે જાગૃત, સંવેદનશીલ, કંઈક કરી છૂટવાની ભાવના કે ઇચ્છા ધરાવનાર વ્યક્તિ પણ નિસહાયતા અનુભવે છે, જે માણસને વધુ નિરાશા અને એકલતા ભણી ધકેલે છે.

૧૦. ટાપુ પર ભાગી જવું ? : આગળ લખ્યું છે કે આંખ બંધ કરીને જીવવું. પરંતુ, હિંસા, તિરસ્કાર, ભેદભાવ, અન્યાયના પ્રશ્નો એટલા બળૂકા અને કાન ફાડે તેવા તીવ્ર છે કે માત્ર આંખ કાન બંધ
કરીને ચાલે તેમ નથી. કયાંક કોઈ ટાપુ પર ભાગી જવું પડે – જેથી દુનિયાના પ્રશ્નોથી પોતાને બચાવી શકાય (?) – એવી પરિસ્થિતિમાં આજે આપણે મુકાયા છીએ. પછી એ પાણીની કે ગેસની અછત, ક્લાઈમેટ ચેન્જને કારણે ડૂબતો સમૃદ્રકિનારો હોય, પહાડોમાં થતું ભૂસ્ખલન હોય કે ધર્મ-જાતિ-વર્ગને આધારે થતી હિંસા. આજનો રસ્તો એ છે કે પોતે સુરક્ષિત જગ્યાએ ભાગી જવું. પોતે પોતાનો ઉપાય કરી લેવો. બાકીની દુનિયા જખ મારે. દા.ત. જાહેર વાહનવ્યવહારની હાડમારીથી બચવા કાર ખરીદી લેવી, વગેરે.

આટલી પ્રતિકૂળ પરિસ્થિતિ છે છતાં પ્રવાહ વિરૃદ્ધ તરનારા વીરલાઓ તો મળી જ આવે છે – દુનિયાનો ઇતિહાસ પણ એ બતાવે છે અને વર્તમાન પણ – રેચલ કોરી જે બુલડોઝર સામે ગાઝામાં ઊભી રહી અને પોતાની જાન ગુમાવી. ઈરાનનો સંગીતકાર અલી ધમસારી જે શાંતિ માટે વીજળીમથક સામે જઈને પોતાનું સંગીત વગાડતો બેઠો, ઉમર ખાલીદ, શરજીલ ઇમામ, ગુલ્ષીશાં ફાતિમા, પરોંજય ગુહા ઠાફુરતા, રવિ નાયર, મહમદ દીપક અને આવા અસંખ્ય બીજા લોકો જે પોતાને માટે નહીં પરંતુ ન્યાય માટે, શાંતિ માટે, લોકશાહી માટે પોતાની જાન ફના કરવા તૈયાર થઈ જાય છે.

અત્યાર સુધી આપણે જે વાત કરી તે એક વ્યક્તિ તરીકેના અનુભવની હતી. હવે આપણે જોઈએ કે સમાજમાં આ બધાં પરિબળોનું શું પ્રતિબિંબ પડે છે અથવા આનું સામાજિક સ્વરૂપ કેવું હોય :

૧. પે એન્ડ યુઝની સંસ્કૃતિ : જેની પાસે પૈસા છે તેને જ જાણે કે ઉપભોગનો અધિકાર હોય એવી માનસિકતા ચારે તરફ વ્યાપ્ત છે અને તે સ્વીકાર્ય બનતી જાય છે. તેને વિશે કોઈ પ્રશ્ન ઊઠતો નથી. સહુને યાદ હશે કે આજથી થોડાં વર્ષો પહેલાં જ રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર મા-દીકરી માટલું લઈને પાણી વેચવા આવતાં ને આપણે તે નિરાંતે પીતાં. પણ આજે હવે આપણને આપણા આરોગ્ય તેમજ સ્ટેટસની સલામતી ‘બીસલેરી’ કે ‘એકવાફીના’ની બોટલમાં જ સાંપડે છે. રસ્તો વાપરવો હોય તો પણ હવે ટોલ ભરવો પડે છે. ફક્ત એટલું જ નહીં, વિશ્વમાં હવા એટલી પ્રદૂષિત થઈ ચૂકી છે કે તેના ઉકેલ તરીકે હવે ઓક્સિજન પાર્લર ઊભાં કરવાની નોબત આવી છે. પાણી અને હવા પણ ખરીદવાં પડે એવી દુનિયામાં આપણે જીવીએ છીએ અને જેની પાસે તેને માટે પૈસા નથી તેને કોઈ ગટરના કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં પોતાનો જીવનગુજારો કરવાની ફરજ પડે છે.

૨. સમાજનું મધ્યમ વર્ગીકરણ : આપણાં સપનાં, આકાંક્ષાઓ, જીવનશૈલી, જીવનના સ્તરનું મધ્યમ વર્ગીકરણ જોવા બહુ દૂર નજર નહીં નાંખવી પડે. એકબીજાના ઘરમાં રહેવું, એકબીજા માટે ઘસાવું સાવ સ્વાભાવિક હતું. પરંતુ આજે એ બધું તૂટતું જાય છે. હોટેલોમાં રહેવાનો શિરસ્તો વધતો જાય છે. સામૂહિક જગ્યાઓ (public places) આપણે સાથે મળીને વાપરતાં તેનું સ્થાન વ્યક્તિગત જુદી, પોતાની અંગત જગ્યાઓએ લેવા માંડ્યું છે. ઘરમાં વપરાતી એક લેન્ડલાઈનનું સ્થાન દરેકના હાથમાં રમતા સ્માર્ટફોને લીધું છે. ફળિયામાં, ગામમાં, શહેરની પોળોના ઓટલે બેસીને ગપ્પાં મારવાં એ જાણે કે ભૂતકાળની ઘટના બની ગઈ છે. મિત્રો-સગાંને મળવાનાં સ્થાનો હવે રેસ્ટોરાં – હોટેલ અને સુરક્ષા કવચવાળી ઊંચી દીવાલવાળી સોસાયટીઓનાં ડ્રોઈંગરૂમ કે કલબ હાઉસ બની ગયાં છે. કારણ કે હવે આપણા સ્ટેટસને એ વધુ માફક આવે છે અને તેમાં જ આપણે સુરક્ષિતતા પણ અનુભવવા માંડયા છીએ.

૩. બદલાતી ભાષા, ન બદલાનારી હકીકતો : સરકારી દસ્તાવેજો હોય કે વિશ્વસ્તરે થતી વાટાઘાટો, આજકાલ તેમાં ફેશનેબલ પરિકલ્પનાઓનો ઉપયોગ અતિપ્રચલિત છે જેમ કે, ‘ચિરંજીવી વિકાસ’, “લોક ભાગીદારી’, “પારદર્શિતા’, ‘લોકશાહી’, ‘સહિયારી માલિકી’ વગેરે શબ્દો ઉછાળવામાં આવે છે. પરંતુ હકીકતમાં કરારો, નીતિ નિર્ધારણ, યોજનાઓ કે કાયદાઓ બનાવવામાં સામાન્‍ય માણસનો વિચાર, તેમની જરૂરિયાતોનો અંદાજ કે ભાર્ગાદારી માત્ર નામ ખાતર કે રાજકીય ફાયદો ઉઠાવવા-સસ્તી લોકપ્રિયતા મેળવવા જ કરવામાં આવે છે.

૪. સંવેદદનહીનતા : જો જીતા વહી સિકંદર ! હરીફાઈમાં વધુ મેરીટ વાળો જ જીતે. મેરીટ જ બધું ભવિષ્ય નક્કી કરે એવા ભ્રમમાં આપણે જીવીએ છીએ. આગળ વધવા માટે બીજાના ખભા પર પગ મૂકવો પડે તેમાં ખોટું નથી. સફળ થવા માટે આ જરૂરી છે. અને સફળ થવું તે જ પ્રગતિ-વિકાસ છે તેવી માન્યતા હવે સમાજમાં સારા પ્રમાણમાં સ્વીકાર્ય બની ગઈ છે. તેથી સૌ એ જ દોટમાં લાગેલા છે.

સફળતાના દાખલા (success stories) જ દુનિયાને આગળ લઈ જશે એવું ઠસાવી દેવાય છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ૭ અબજ એટલે કે ૭૦૦૦ કરોડ (પૃથ્વીની વસ્તી) લોકોમાંથી ૭૦૦૦ કે ૭૦,૦૦૦ લોકો જ “સફળ’ થઈ શકે. એટલે ૬,૯૯,૯૯,૩૦,૦૦૦ લોકોને શું જીવવાનો અધિકાર નથી? એમણે શું નિષ્ફળતાનું પાટિયું ગળામાં લટકાવીને બાકીની જિંદગી ‘સફળ’ લોકોની ગુલામી કરવાની ? અથવા તેમણે શું હંમેશાં દુય્યમ દર્જાના નાગરિક બનીને જીવન ગુજારવું ? સમાજનો વિકાસ માત્ર મેરીટ અને હરીફાઈથી થાય એ બાબત આજની આપણી શિક્ષણવ્યવસ્થા અને સમાજનાં પ્રચલિત મૂલ્યો પ્રસ્‍થાપિત કરી રહ્યાં છે. અને અહીં જ હિંસાનાં બીજ રોપાય છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય.

આવા વાતાવરણમાં “સૌના ભલામાં આપણું ભલું છે’ એ સિદ્ધાંત હવે વેવલાપણામાં કે જુનવાણી વિચારમાં ખપાવી દેવાય છે.

પ. લોક વિરૃદ્ધ લોક : ‘વેપાર-ધંધાના વિકાસ માટે શ્રમિકોનું શોષણ તો કરવું જ પડે. દેશ અને સંપત્તિના વિકાસ માટે આદિવાસીઓની જમીન ડૂબે કે ખનિજના ખોદકામ માટે તેમને વિસ્થાપિત કરવા પડે તો તેમાં કાંઈ ખોટું નથી’ એ પ્રચલિત મૂલ્ય છે. આખરે ‘વિકાસ માટે કોઈકે તો ભોગ આપવો જ પડે ને ? અને ભોગ તો હંમેશ ગરીબ-પછાત લોકોએ જ આપવાનો હોય ને ?’

ઉદ્યોગના વિકાસ માટે શ્રમિકોનું શોષણ, શહેરના વિકાસ માટે ગામડાનું શોષણ, ગામના વિકાસ માટે ખેડૂત-મજૂરનું શોષણ, વ્યાવસાયિક ખેતી માટે આદિવાસી જીવનપદ્ધતિનું શોષણ, કુટુંબના વિકાસ માટે સ્રીનું શોષણ – આવી એક જટીલ-ગૂંચવણભરી સાંકળ બનેલી છે, જેને કારણે ટ્રીકલ ડાઉનને બદલે હકીકતમાં ‘ફલશીંગઅપ’ની પ્રક્રિયા થઈ રહી છે. સંપત્તિ નીચે સુધી પહોંચાવાને બદલે ઉપર કેન્દ્રિત થઈ રહી છે. અને આ મોડેલમાં હકીકતમાં જુદા જુદા વર્ગ, વ્યવસાયના લોકો એકબીજાની સામસામે આવીને ઊભા રહે છે.

૬. ઉપગ્રહ અર્થતંત્ર : “પહેલા વિશ્વ (યુરોપ, અમેરિકા વ.)ના ઉપગ્રહો એ આફ્રિકા અને એશિયાના દેશો છે. ‘ત્રીજા વિશ્વ’ના દેશોનાં અર્થતંત્ર જાણે કે “પ્રથમ વિશ્વ’ના અર્થતંત્રના ઓઈલીંગ માટે વપરાતાં હોય તેવી પરિસ્થિતિ છે.

જ્ઞાનસંપદા (intellectual property) ટેકનોલોજી અને પાકો માલ “પ્રથમ વિશ્વ’માંથી ‘ત્રીજા વિશ્વ’માં આવે છે. અને આજે પણ કાચો માલ અને શ્રમિકો ‘ત્રીજા વિશ્વ’ માંથી ‘પ્રથમ વિશ્વ’માં જાય છે. એનો અર્થ એ થયો કે મહેનત કરનારા અને ગરીબોએ શ્રીમંતોના ફેકેલા ટુકડા ઉપર નભવાનું એવી વ્યવસ્થા છે. આ જૂના સમીકરણમાં આજે ૨૧મી સદીમાં પણ ખાસ ફેર પડતો નથી એ હકીકત છે.

૭. રોગ કરતાં દવા વધુ જોખમી : ગરીબી, ભૂખમરો, સંસાધનોની અછત, વેડફાટ – પછી તે ખનીજની હોય કે પાણીની – જેવા પ્રશ્નોના  ઉકેલ તરીકે નિર્ણયકર્તાઓને જે યોગ્ય લાગે છે તે છે ખાનગીકરણ.

વિશ્વભરના ખાનગીકરણના અનુભવો વિશે વાત કરી શકાય પણ આપણા દેશની પરિસ્થિતિની વાત કરીએ. સેવાઓનું ખાનગીકરણ થયું તો પરિણામ શું આવ્યું ? સરકારી શાળાઓ બંધ થઈ, સરકારી શાળાઓની ગુણવત્તા ઉત્તરોત્તર બગડતી ગઈ (અથવા આપણે એવું માની લીધું) – પરિણામ ? આજે દરેક બાળકને દોઢથી બે લાખની ફી ભરીને પ્રાઈવેટ શાળામાં ભણાવવાની ફરજ પડે છે. મધ્યમવર્ગ આટલો ખર્ચ કરે તો તેનું શું થાય ? આરોગ્યની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. રેફરલ હૉસ્પિટલોનું મોટા પાયે ખાનગીકરણ થઈ રહ્યું છે એનો ચોખ્ખો અર્થ એવો કે ગરીબોને માટે સાદી સારવાર પણ તેમની પહોંચની બહાર થતી જાય છે. એટલે કે જેની પાસે પૈસા છે તેને જ ખરીદીનો, ઉપભોગનો, પોતાની જરૂરિયાત પૂરી કરવાનો – પછી તે ખોરાકની હોય, શિક્ષણની હોય કે આરોગ્યની – અધિકાર છે.

૮. સરકારની બદલાતી ભૂમિકા : એક સમયે ગરીબી હટાવવી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની જવાબદારી, કલ્યાણકારી યોજનાઓ સુચારૂ રીતે ચાલે તેની જવાબદારી સરકારની ગણાતી. પરંતુ, આજે હવે સરકારની જવાબદારી ઉદ્યોગોને અનુકૂળ માળખું તેમજ વ્યવસ્થાઓ ઊભી કરવાની બની ગઈ છે. એટલું જ નહીં, સહેલાઈથી ઉદ્યોગો ચાલી શકે તેને માટે કાયદા પણ બદલાય છે જેમાં પર્યાવરણનાં ધારા-ધોરણો નવે મૂકી દેવાય છે – જેનું નુકસાન દેરાને અને હાંસિયા પર જીવતા લોકોને સૌથી વધુ ભોગવવવું પડે છે. જે મૂળભૂત જરૂરિયાતોની જવાબદારી સરકારે ઉપાડવાની હતી, જે સામાન્‍ય નાગરિકો માટે હતી તેની પૂર્તિ બજાર દ્વારા થઈ જશે એવું ગૃહિત ધારી લેવાય છે. પરંતુ શું એવું થાય છે ખરું ?

૯. ટેકનોલોજી એ જ ઉકેલ : મોટા ઉદ્યોગો, પ્રદૂષણ, જલવાયુ પરિવર્તન, અતિ ઉપભોગ – આ બધાને લીધે જે વિકરાળ પ્રશ્નો પૃથ્વી, સૃષ્ટિ અને માનવના અસ્તિત્વ સામે ઊભા થયા છે એ દરેક પ્રશ્નનો ઉકેલ ટેકનોલોજી આપી દેશે તેવી માન્યતા છે. આને અંધશ્રદ્ધા નહીં તો શું કહીએ ? (અંધશ્રદ્રાનો સંબંધ તો અજ્ઞાન, ભણતરનો અભાવ, પછાતપણા સાથે નહોતો ?)

આજે અગાઉ ન હતા એવા ટેકનોલોજીકલ જાયન્ટસ્‌ ઊભા થઈ ગયા છે, જેમાં નાણાંનું ભયંકર કેન્દ્રીકરણ છે. અને એમાંથી નવા ડીજીટલ ઉપનિવેશોનું નિર્માણ થઈ રહ્યું છે.

૧૦. શું સમગ્રતાવાળું ચિંતન શક્ય નથી ? : સમાજ અને વિશ્વ આટલા ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. તેવે સમયે પણ આપણે ખંડિત ચિંતન (piecemeal) અને ટૂંકા ગાળાના સીમિત ઉકેલોથી ઉપર કેમ ઊઠી શકતા નથી ? શું એકવીસમી સદીમાં સમગ્રતાપૂર્ણ ચિંતન કરવું શક્ય નથી ? આજે જ્યારે માનવી કૃત્રિમ બુદ્ધિથી લઈને દુનિયાભરના જ્ઞાનનાં બણગાં ફૂંકે છે, જ્ઞાન હવે તેને એક ક્લીક કરતાં હાથવગું છે ત્યારે પણ તેની આ પરિસ્થિતિ છે ?

૧૧. સત્ય અને અહિંસા : પર્યાવરણીય, રાજકીય, આરોગ્ય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રે પણ જ્યારે માણસ જાણે તૂટી જવાની કગાર ઉપર ઊભો છે ત્યારે કોઈ સત્ય અને અહિંસાનું ‘ઠૂંઠું’ પકડીને બેસે તો તે મૂરખ જ કહેવાય ને ?! આવી વિચારધારા આજે આમસમાજમાં પ્રવર્તે છે. વ્યવસ્થાની તેમજ આ દરેક ક્ષેત્રમાં વ્યાપ્ત હિંસાને નજર-અંદાજ કરીને માનવજાત આગળ વધી શકશે ખરી ?

ઉકેલની દિશામાં :

આજે જેટલાં માહિતી અને જ્ઞાનનાં ભંડોળ માનવજાત પાસે છે તેટલાં કોઈ દિવસ તેની પાસે ન હતાં અને તેમ છતાં આપણી સાથેના પ્રશ્નો વધુ ને વધુ વિકટ અને વિકરાળ થતા જાય છે. આવા મહાકાય પડકારોનો ઉકેલ કોઈ પ્રાચીન ગ્રંથોમાં શોધે, કોઈ માફર્સમાં શોધે, કોઈ ગાંધીમાં શોધે, કોઈ બજારવાદમાં શોધે, કોઈ એ.આઈ.- કૃત્રિમ બુદ્ધિમાં શોધે તો કોઈ ધર્મગ્રંથમાં શોધે. પરંતુ, કોઈ એક વાદ, કોઈ પણ આત્યંતિક કે એકાંગી વિચારમાંથી આજના બહુઆયામી અને ગંભીર પ્રશ્નોનો ઉત્તર નહીં મળી શકે.

જેમ માત્ર પ્રાચીન ગ્રંથમાં ઉકેલ નથી તેમ માત્ર અઘતન ટેકનોલોજીમાં પણ ઉકેલ નથી. આ પ્રશ્નોના રેડીમેડ ઉકેલ ન હોઈ શકે. પ્રાચીન ગ્રંથમાંની કથામાંથી ગુરુબાબાઓ પંથ-સંપ્રદાય ઊભા કરે જે સમાજને નવી દિશા નથી આપતા. પ્રગતિશીલ નથી બનાવતા – તેમનો રસ પોતાના પંથ-સંપ્રદાયનો વિસ્તાર કરવામાં હોય છે. તેવી જ રીતે ટેકનોલોજીનો માલિક કોણ છે, તેના બનાવનારા કોણ છે, તે કોના હિતમાં છે, નફો કોને મળે છે એ મહત્ત્વની બાબતો છે. કારણ કે તે એક પ્રોડક્ટનું લોન્ચિંગ કરે છે તેનાથી લોકહિત પણ સધાય છે કે નહીં એ સવાલનો જવાબ જ નક્કી કરશે કે ટેકનોલોજી કોને માટે છે. અહીં એ પણ યાદ રાખીએ કે, ટેકનોલોજી તમામ પ્રકારની વિવિધતાઓનો અંત લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
તો શું કરીશું ?

  • વાસ્તવિકતા વિશે માહિતગાર રહેવું, સભાન થવું એ આજના સમયની માંગ છે. આ સમાનતા અસંતોષમાં પરિણમે અને આ અસંતોષ તેની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે કંઈક હિલચાલ થાય છે. એક ડાળ પર ૯૯ વાંદરાઓ બેઠા હોય ત્યાં સુધી એ ડાળ સુરક્ષિત હોય પણ જે ઘડીએ ૧૦૦મું વાંદરું એના પર બેસે છે ત્યારે એ ડાળ પડી ભાંગે છે (100th monkey effect 1 ).
  • ભડકો થવા માટે એક નિમિત્ત (trigger)ની જરૂર હોય છે. જેવું ટુનિસિયા દેશમાં બન્યું. એક ફળવાળો રોજની હેરાનગતિથી ત્રાસીને રસ્તા પર આત્મહત્યા કરે છે – તેમાંથી ‘આરબ સ્પ્રીંગ’
    આંદોલનનો દ્‍ભદ્ભવ થયો જેમાં કેટલાય દેશોની સરકાર કાં તો બદલાઈ અથવા હલી ગઈ.
  • જનતા તરફથી આવા પડકાર ઊભા થાય ત્યારે સ્વાભાવિકપણે જ જે-તે સત્તા તેને ડામવાનો પ્રયત્ન કરે – જેવું છેલ્લાં કેટલાંક વર્ષોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં જોવા મળ્યું. પરંતુ આવું દમન વિરોધને મજબૂત કરવાનું ને વધારવાનું જ કામ કરે છે.
  • આમ થાય તો તેમાંથી પ્રાપ્ત થશે પરિવર્તન માટે પ્રતિબદ્ધ એવા લોકોનું પૂરતી ઊર્જા સાથેનું ચાલકબળ.
  • આવા ચાલકબળમાં એ શક્તિ પણ હશે કે તે વિભીષણ ઈફેક્ટ ઊભી કરે. એટલે કે સ્થાપિત વ્યવસ્થાને ટકાવી રાખનારાં તત્ત્વો પાટલી બદલીને પરિવર્તનના પક્ષમાં આવી જાય. પરિણામત: સ્થાપિત વ્યવસ્થામાં તિરાડો પડવાની શરૂઆત થાય.
  • પરિવર્તન ઇંચ્છનારાં તત્ત્વોનું સંખ્યાબળ જેમ વધતું જાય તેમ ધ્યેય, હેતુ અને તાત્કાલિક હાંસલ કરવા જેવાં લક્ષ્યો વિશે સર્વસંમતિ ઊભી કરવી પડે. અને જ્યાં સર્વસંમતિ સધાય ત્યાં અચૂક પરિવર્તનની શરૂઆત થતી જોવા મળે છે.

પરિવર્તન જો ટકાઉ બને એવું ઇચ્છતા હોઈએ તો પરિવર્તનકારીઓમાં લાંબા ગાળાનું દર્શન અને દૂરદષ્ટિ હોવાં જરૂરી છે. સાથેસાથે પરિવર્તન માટેનું વૈકલ્પિક દર્શન પણ હોવું જોઈએ.

આવી પૂર્વશરતોની પૂર્તિ જ્યાં, જે દેશમાં, વિસ્તારમાં, જે સમયે થાય ત્યાં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે.

પરિવર્તન માટે દુનિયામાં અસંખ્ય પ્રયોગો થયા છે, લોહી વહ્યું છે, લોકોએ બલિદાન આપ્યાં છે. પરંતુ, ઉપર જણાવેલાં પરિબળોમાંથી પૂરતાં પરિબળો કોઈ સંજોગોમાં ભેગાં ન થાય ત્યારે પરિવર્તનના પ્રયાસો નિષ્ફળ પણ ગયા છે. આમ છતાં પરિવર્તન માટે પ્રયાસો તો સતત ચાલુ જ રાખવા પડે – કોઈ વાર બે કદમ આગળ અને એક કદમ પાછળ તો કોઈ વાર એક કદમ આગળ અને બે કદમ પાછળ એવી યાત્રા ચાલ્યા કરશે.


(મો.: +૯૧ ૯૯૮૭૪૨૬૪૦૦) – આનંદ મઝગાંવકર


(૨૮.૩.૨૦૨૬ના રોજ ‘ગાંધી વિચાર સંવાદ’ના ઉપક્રમે સુરતમાં આપેલ પ્રવચન મઠારીને)


ભૂમિપુત્ર:  ૧-૬-૨૦૨૬


1 The 100th monkey effect explained