રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

અલ્પા શાહ
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.
કવિવરે તેમની રચનાઓમાં માનવ મનની દરેક સ્તિથિ અને સંવેદનાઓને આવરી લીધેલા છે અને આ મન:સ્તિથિનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરેલું છે. કવિવરનું બાળપણ વેદ-ઉપનિષદના સાનિધ્યમાં વીત્યું હતું. તેમના પિતાશ્રી દેવેન્દ્રનાથ ઉપનિષદના પ્રખર અભ્યાસી હતા. તેઓ દ્રઢપણે માનતા કે आनन्दरूपामृतं जाद्विभाति એટલેકે આનંદરૂપી અમૃત સતત વહે છે જે પ્રત્યેક આત્માની સર્જનાત્મક ચેતનાનો સ્ત્રોત છે. ગુરુદેવ પર પણ આ વિચારધારાનો ગહન પ્રભાવ હતો. आनन्दरूपामृतं जाद्विभाति એટલેકે આનંદરૂપી અમૃત સમગ્ર બ્રહ્માંડમાં સતત વહે છે જે પ્રત્યેક આત્માની સર્જનાત્મક ચેતનાનો સ્ત્રોત છે. ગુરુદેવ પર પણ આ વિચારધારાનો ગહન પ્રભાવ હતો. તેમની અનેક રચનાઓમાં નિરંતર વહેતી આનંદધારા એટલેકે stream of bliss or joy ના મહિમાને ઉજાગર કરેલ છે.
આ આનંદધારાનો અજવાસ ફેલાવતી એક અતિ પ્રખ્યાત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1894માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আনন্দধারা বহিছে ভুবনে (aanadodhara bohiche bhubone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આનંદધારે…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ મિશ્ર માલકૌંસમાં કર્યું છે અને તેને ત્રિતાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. આ રચનાની બંગાળી પંક્તિઓની ગોઠવણ કવિવરે શાસ્ત્રીય સંગીતની દ્રુપદ શૈલી પ્રમાણે કરી છે જેમાં ચાર ટુંક (parts)નો સમાવેશ થાય છે. સ્થાયી, અંતરા, સંચરી અને આભોગ. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે પૂજા વિભાગમાં વર્ગીકૃત કરી છે.
આનંદધારે…
પ્રગટી રહ્યું છે સઘળે આનંદનું અજવાળું
અત્ર, તત્ર, સર્વત્ર બસ હરિ કૃપા નિહાળું
ચાલતું રહે છે ચક્ર રાત–દિવસનું અવિરત
વરસી રહ્યું અમૃત જીવન તણું અહીં સતત
અસીમ આકાશ સૂર્ય–ચંદ્રને ખોળે સમાવે
એના દિવ્ય પ્રકાશે જગ ઝળહળે એકધારે
શાને છે ચિંતિત તું,શાને તારું હૈયું વલોવાય?
તારા વિચારોના જંગલમાં શાને તું અટવાય?
ખોલ આતમના નેત્ર,ત્યજી દે બધા બંધ–નિબંધ
રેલાવી સર્વે પ્રેમામૃત, જાણી લે સત–ચિત્ત–આનંદ
ભીંજાઈ આનંદધારે, માણી લે પળે પળે પરમાનંદ
©અલ્પા શાહ
આનંદધારા એટલે કે eternal flow of bliss or joy. કવિવર આ અતિ પ્રિય રચનામાં આપણને સૌને અવિરતપણે વહેતી આ અનંત આનંદધારામાં ભીંજાવાનું આહવાન કરે છે. પરમ દિવ્ય શક્તિ એ આપણી આસપાસ તેમની અગણિત કૃપા રૂપે સમગ્ર પ્રકૃતિની અને સમગ્ર જીવશ્રુષ્ટિની લ્હાણી કરી છે જે એક આનંદધારા નથી તો બીજું શું છે? અને એવાજ ભાવ કવિવરે આ રચનામાં વહેતા મૂક્યા છે. મોટેભાગે આપણે આપણી વિચારોની જંજાળમાં એવા અટવાયેલા હોઈએ છીએ કે આખું જીવન પસાર થઇ જાય પણ આપણે આ આનંદધારામાં ભીંજાયા વગરના કોરાધાકોર રહી જઈએ છીએ…
વૈદિક વિચારધારા પ્રમાણે આત્માની મૂળભૂત સ્તિથિ સત-ચિત્ત-આનંદની છે. અહીં, સત એટલે પરમ સત્ય (eternal truth), ચિત્ત એટલે ચૈતન્ય (consciousness or awareness) અને આનંદ એટલેકે bliss or joy. સત-ચિત્ત-આનંદની વિચારધારા ઉપનિષદના કેન્દ્રસ્થાને છે. એ દિવ્યશક્તિ કે પરમ ચૈતન્ય જે સત-ચિત્ત-આનંદનો સ્તોત્ર છે અને આપણા સૌનો આત્મા એ પરમ આત્માનો જ અંશ છે. Our soul is part and parcel of that supersoul. અને એ સદ્દચિદાનંદ સ્વરૂપ પરમ ચૈતન્યની કૃપા આપણી આસપાસ વહેતી જ રહે છે. આપણી અજ્ઞાનતા(ignorance)ના પડળ હેઠળ દબાયેલ આપણું મન અને બુદ્ધિ મોટેભાગે આ કૃપાનો અહેસાસ કરવામાં અસમર્થ ઠરે છે. અને એટલે જ કદાચ કવિવર આ રચનામાં આતમના નેત્રો ખોલવાની વાત કરે છે જેના દ્વારા આ આનંદધારાનો અનુભવ આપણે કરી શકીએ.
તો ચાલો, આ સતત વહેતી આનંદધારામાં ભીંજાવાનો સભાન પ્રયત્ન કરવાના વિચાર સાથે હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,
