વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ખડીંગ…..
પથારીવશ કૃશકાય હેમંત ટેબલ પર કંઈક લેવા મથતો હતો. માંડ ટેબલ સુધી પહોંચેલો અશક્ત હાથ કાચના ગ્લાસ સાથે અથડાયો. ગ્લાસ જમીન પર પડ્યો અને કાચ ફૂટવાના અવાજથી તંદ્રાવસ્થામાં સરી પડેલી નર્સ ઝબકી.
“અરેરે…આ શું કર્યું? કંઈ જોઈએ તો મને કહેવાનું ને? રોજેરોજ પાણી ઢોળાયને મારે સાફ કરવાનું વળી મેડમ આવીને જોશે તો કોને ખબર કેટલું સંભળાવશે?” નર્સના બડબડાટની સામે હેમંતે ટેબલ પર પડેલી ઘડિયાળ તરફ નજર કરી. વર્ષોથી સમયપાબંદ હેમંત માટે ઘડિયાળ એની જીવનનું અભિન્ન અંગ હતી.
હેમંતનો ઈશારો સમજીને નર્સે હાથમાં ઘડિયાળ આપી. ઘડિયાળ સામે નજર કરતા હેમંતે આંખથી પ્રશ્ન કર્યો.
આમ તો આ રોજની વાત હતી. ઉચ્ચ હોદ્દા પર કામ કરતી માયા મોટાભાગે મોડી આવતી. ક્યારેક વહેલી આવે તો અલપઝલપ દેખા દઈને બહારના કામે ચાલી જતી.
આઠ વાગ્યે બીજી નર્સ આવે એ પહેલાં ડ્યુટી પરની નર્સ હેમંતને સૂપ આપીને ચાલી જતી. હેમંતના ભાગે તો શૂન્યતા જ આવતી.
છેલ્લા થોડાક સમયથી હેમંત માયાને નોકરી છોડવા સમજાવતો.
“માયા, ઈશ્વરની આપણી પર ઘણી કૃપા છે. છોકરાંઓ પોતાની રીતે ખુશ છે. બાકીનું જીવન આપણે સુખ-શાંતિથી પસાર કરી શકીએ એટલું કમાઈ લીધું છે ને હવે ઝાઝી આવશ્યકતા રહી નથી. તું પણ નિવૃત્તિ લઈ લે તો આ ભાગદોડમાંથી સાથે નિરાંતને શ્વાસ લઈને જીવી શકીએ.”
માયા મનસ્વી હતી. ગૃહિણી બનીને રહેવાનું એના માટે અસંભવ હતું.
*****
પ્રથમ પત્ની કરૂણાની યાદ આવતા હેમંતની આંખ ભીની થઈ.
કરૂણા સીધી, સાદી ગૃહિણી હતી. હેંમત અને ત્રણ સંતાનોમાં જ આખું વિશ્વ સમાઈ જતું. હેમંત જ્યારે અન્ય મહિલાઓને કામ કરતી જોતો ત્યારે એ કરૂણા પર ભારે અકળાતો.
“આ શું આખો દિવસ ઘરની જળોજથામાં ભરાયેલી રહે છે. જરા ઘરની બહાર આવીને જો તો ખબર પડે કે કામ કરવાની સાથે ઘર પણ કેવી રીતે સંભાળી શકાય?”
જેમજેમ હેમંતની પ્રગતિ થતી ગઈ એમ એનું દોષદર્શી વલણ વધતું ચાલ્યું. કરૂણાને નાનીનાની વાતે ઉતારી પાડતો હેમંત વધુ ને વધુ સમય બહાર રહેવા માંડ્યો. મમ્મી તરફ પપ્પાનું વલણ, મમ્મીની ઉદાસી છોકરાંઓ પણ જોતાં, સમજતાં પણ કશું કરવા લાચાર હતાં.
હેમંતની નફરતની કરૂણાની તબિયત પર અસર થવા માંડી ને સાવ છ મહિનાના ટૂંકા ગાળામાં એનું અવસાન થયું. કરૂણાના અવસાન સાથે હેમંતની સંયમને પાળ તૂટી ગઈ.
ઑફિસમાં કામ કરતી મુક્ત વલણ ધરાવતી માયા સાથે હેમંતની નજદીકી વધી. નિકટતા લગ્નમાં પરિણમી. કરૂણાના અવસાન પછી છ મહિનામાં માયા સાથે હેમંતે બીજા લગ્ન કર્યા. માયા હેમંત કરતાં ઉંમરમાં પંદર વર્ષ નાની હતી, મહત્વકાંક્ષી હતી.
શરૂઆતથી જ માયાને ત્રણે સંતાનો પ્રત્યે ઝાઝો સ્નેહ હતો જ નહીં. મોટી પૂજા પરણેલી હતી. મેડિકલમાં ભણતી પિંકી શહેર બહાર હોસ્ટેલમાં રહેતી. બાકી રહ્યો દીકરો- વિક્રમ. વિક્રમ તરફ માયાનું ઉપેક્ષિત વલણ હેમંતને દેખાતું નહોતું, પણ નવ વર્ષનો વિક્રમ બરાબર સમજતો. કરે તો શું કરે? જાય તો ક્યાં જાય?
મમ્મી તરફ પપ્પાનો કઠોર વ્યવહાર એણે જોયો હતો અને હવે નવી મમ્મી તરફની ઘેલછા પણ જોતો.
હેમંત માયાની માયામાં લપેટાતો ચાલ્યો. માયા એનું સર્વસ્વ હતી. હેમંતની કમજોરી માયાની તાકાત બની. સવારે ઑફિસ અને સાંજે પાર્ટીમાં માયા અને હેમંતનો દિવસ પૂરો થતો.
ઘરમાં સવારે બનેલું ખાવાનું વિક્રમ માટે મૂકી રખાતું. બંને ટાઇમ એકસરખું ખાઈને કંટાળે તો વિક્રમ બચાવેલા પૈસાથી બહાર ખાઈ આવતો ત્યારે એને મા ખૂબ યાદ આવતી. ઘરમાં હોય ત્યારે વિક્રમ રૂમમાં જ પુરાઈ રહેતો.
“વિક્રમ માટે ચિંતા થાય છે હોં..આખો દિવસ રૂમમાં જ પુરાઈ રહે છે. આમ તો ક્યાં સુધી ચાલશે? માયાએ પાસા ગોઠવવા માંડ્યાં.
“આ ઉંમર જ એવી છે. મા-બાપ કરતાં મિત્રો સાથે સમય પસાર કરવો વધુ ગમે.”
“એનો ઉપાય?”
એના ઉપાયમાં વિક્રમને હોસ્ટેલ મોકલવાનો નિર્ણય લેવાયો.
“અરે, વિક્રમની મરજી તો જાણી લો અને પૂજાને પણ પૂછી લો. એણે તો લગ્ન પછી અહીં આવવાનું જ બંધ કરી દીધું છે. કોઈ જાણશે તો કહેશે કે નવી માએ આવીને દીકરાને બહાર ધકેલ્યો.” મનોમન રાજી માયાએ ઠાવકાઈનો મુખવટો પહેરી લીધો.
વિક્રમે હોસ્ટેલ રહેવાનું પસંદ કર્યું.
મનમરજીની માલિક માયાને મનગમતું સામ્રાજ્ય મળ્યું.
સમય પાંખો પસારીને ઊડતો રહ્યો. પિંકી ડૉક્ટર બની. અસીમ સાથે પ્રેમલગ્ન કરીને વિદેશ ચાલી ગઈ. વિક્રમે ભણીને મનપસંદ યુવતી સાથે લગ્ન કરી લીધાં. માયાને મનદુઃખ ન થાય એ માટે પિંકી કે વિક્રમના જીવનસાથીનો હેમંતે સ્વીકાર ન કર્યો.
પૂજા, પિંકી અને વિક્રમે હેમંત સાથે, ઘર સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. કરૂણાએ મમતાથી પોરવેલી માળાનાં મણકા વેરવિખેર થઈ ગયા.
નિઃસંતાન માયાએ પોતાની વિધવા ફોઈના દીકરા રમેશને જાણે દત્તક જ લઈ લીધો. ભણવાની સાથે ઘરનાં નાનાંમોટાં કામ કરતો રમેશ ઘરનું અનિવાર્ય અંગ બની ગયો. ઘરની આર્થિક વ્યવસ્થા પણ રમેશને સોંપી દીધી. માયાએ પોતાની મનપસંદ યુવતી સાથે પરણાવીને ઘર જાણે એ બંનેના હવાલે કરી દીધું.
હેમંતની અકળામણ સામે માયા પાસે જવાબ તૈયાર હતો,
“કેમ આપણો દીકરો હોત તો એ ઘર, ઘરની વ્યવસ્થા સંભાળતો હોત તો તમને ગમત ને? માની લો કે રમેશ તમારો જ દીકરો છે.”
માયાનું મન સાચવવા હેંમતે રમેશને પણ ખુશ રાખવો પડતો. નિવૃત્તિ પછી હેમંત પાસે સમય જ સમય હતો. માયા વગર ઘરમાં એનું મન ગોઠતું નહીં. માયાને નોકરી છોડવા સમજાવતો રહ્યો, માયાને ઘરમાં બંધાઈ રહેવું પસંદ નહોતું.
“હવે આટલા વર્ષે મને સમજાવવાની માથાકૂટ કરવાનું બંધ કરો. ઘરમાં રમેશ તો છે જ ને. સાથે રહે એ જ સાચો સગો. પૂજા, પિંકી કે વિક્રમ ક્યાં તમારી સામે જોવાય તૈયાર છે? હા, સમય આવશે ત્યારે હક લેવા જરૂર દોડી આવશે.”
માયાનાં ઉદ્દંડ વર્તન અને ઉપેક્ષાથી હેંમત નાસીપાસ થતો ચાલ્યો. માયા પ્રત્યે મોહનાં આવરણ વચ્ચે હવે એને કરૂણા યાદ આવતી.
‘કરૂણા સાથે પોતે કેટલો અનુચિત વ્યવહાર કર્યો હતો ને છતાં કરૂણા? ક્યારેય ઊંચા સાદે એણે જવાબ આપ્યો નહોતો. માયાના મોહમાં પોતે પૂજા, પિંકી અને વિક્રમની પણ પરવા કરી નહીં !?
‘માયા પારકી હતી. સાવકી મા હતી, પણ પોતે તો એમનો પિતા હતો ને? કેમ…કેમ..એણે છોકરાંઓને વિસારે પાડ્યાં? મા ગઈ એની સાથે એમનાં માથેથી પિતાનું છત્ર પણ ખેસવી લીધું? હવે અતીતને ક્યાં પાછો વળાશે?’
ઉચાટ, પશ્ચાતાપની મન પર અસર થવા માંડી. મન પર બોજો વધતાં તન ખોરવાયું. પૅરાલિસિસ થતા પૂરેપૂરો અન્ય પર નિર્ભર બની ગયો.
માયાએ એની દેખભાળ માટે નોકરચાકર, ડૉક્ટર-નર્સની ફોજ ખડકી દીધી.
સમાચાર મળતાં છોકરાંઓ પોતાની સગવડે આવીને હેમંતને મળી ગયાં. માયાના રાજમાં આથી વિશેષ કરી પણ શું શકે?
અને હેમંત પણ હવે શું કરે? કોને કહે, કહે તો કેવી રીતે કહે ?
છોકરાંઓની, કરૂણાની માફી માંગવા માટે શબ્દો તો ઘણા છે. વ્યકત કરવા વાચા નથી.
ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. હજુ કેટલાં પસાર થશે એની હેમંતને ખબર નથી. માયા આવશે એવી અપેક્ષાથી થોડીથોડી વારે એ બારણાં તરફ નજર માંડે છે.
ખુલ્લા બારણાં સાથે ખાલી નજર અફળાઈને પાછી ફરે છે ત્યારે એમાં કરૂણાનો કરૂણાસભર ચહેરો દેખાય છે. ખાલી નજર અને શૂન્યતા જ હવે એના જીવનની વસમી વાસ્તવિકતા છે.
મંજુલા જોશી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
