નિસબત

ચંદુ મહેરિયા

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ, અસમ અને પુડુચેરી એ પાંચ રાજ્યોમાં આ મહિને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પૈકી કેરલમ , અસમ અને પુડુચેરીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ ત્રણ રાજ્યોમાં આ વખતે લોકોએ વિક્રમી મતદાન કર્યું છે. કેરલમમાં થયેલું  ૭૮.૦૩ ટકા મતદાન છેલ્લા પચાસ વરસો પછી થયું છે. તો અસમ અને પુડુચેરીમાં અનુક્રમે ૮૫.૩૮ ટકા અને ૮૯.૩૩ ટકા મતદાન અત્યાર સુધીનું સર્વાધિક મતદાન છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૯૮ કરોડ મતદારો હતા પરંતુ મતદાન ૬૫ કરોડે કર્યું હતુ. અગાઉ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં  ૬૭.૨૧ ટકાની સરખામણીએ ૨૦૨૪માં ઓછું (૬૬ ટકા) મતદાન થયું હતું. ત્યારે અસમ, કેરલમ અને પુડુચેરીમાં જે છપ્પરફાડ કે જેન-ઝેડની ભાષામાં ‘ભયંકર’ મતદાન થયું છે તે ક્યા રાજકીય પક્ષની તરફેણ કે વિરુધ્ધમાં છે તેની ચર્ચા રાજકીય પંડિતો પર છોડીએ. જોકે એટલું તો ચોક્કસ છે કે મતદાનમાં આ અસાધારણ વધારો ભારતીય લોકતંત્ર માટે નવી આશા જગાડે છે અને મતદારોએ તેમને મળેલા મતના અધિકાર સામે રેકોર્ડ મતદાન કરીને દાયિત્વ નિભાવ્યાનો સંતોષ થાય છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર બંધારણ નિર્માતાઓએ ભારતીયોને આપેલી અણમોલ ભેટ છે. રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, સ્ત્રી હોય કે પુરુષ, વનવાસી હોય કે નગરવાસી સૌને એક મતનો સમાન અધિકાર અને અને સૌના મતનું મૂલ્ય એક સમાન. એક વ્યક્તિ, એક મતનો આ સિધ્ધાંત ભારતીય લોકશાહીને વિરલ બનાવે છે. જ્યારે અમેરિકા જેવા આમેરિકામાં આરંભે માત્ર શ્વેત પુરુષોને જ મતનો અધિકાર હતો અને શ્વેત મહિલાઓ મતવિહોણી હતી, અશ્વેત પણ મતનો અધિકાર ધરાવતા નહોતા કે ભારે અંતરાયો હતા ત્યારે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ દીર્ઘ ગુલામીમાંથી ઉભા થયેલા દેશના તમામ નાગરિકોને એક સમાન ગણી મતનો અધિકાર આપ્યો અને આજે આઝાદીની  પોણી સદીએ તે સાર્થક બન્યો છે. તમામને સમાન મતના હક પાછળ સમાવેશી દ્રષ્ટિકોણ હતો. દરેક નાગરિક તેના સામાજિક, આર્થિક દરજ્જાની તમા રાખ્યા વિના સમાન ધોરણે મત આપે  અને લોકતાંત્રિ ક્પ્રક્રિયાનો હિસ્સો બને તે વ્યક્તિ અને રાષ્ટ્ર બેઉને સશક્ત બનાવે છે.

બંધારણના અનુચ્છેદ ૩૨૬માં જણાવ્યું છે તે પ્રમાણે ધર્મ, જ્ઞાતિ, લિંગ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ૧૮ વરસથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક કે જે બંધારણ અને કાયદા હેઠળ અયોગ્ય નથી તે મતદાર તરીકે નોંધણી કરાવવાને હક્કદાર છે અને તે ચૂંટણીમાં મતદાન કરી શકે છે. કેટલીક અયોગ્યતાની શરતોને આધીન લોકપ્રતિનિધિત્વ ધારો ૧૯૫૧ની ધારા ૬૨ મુજબ મતદારયાદીમાં સામેલ વ્યક્તિને મતદાનનો અધિકાર છે. બંધારણના અનુચ્છેદ ૧૯માં  પ્રત્યેક નાગરિકને અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતાનો  હક છે તે અંતર્ગત પણ મતનો અધિકાર આવે છે.,

ભારતના લોકોને મળેલો મતનો અધિકાર મૂળભૂત અધિકાર છે, બંધારણીય અધિકાર છે કે વૈધાનિક અધિકાર તેની ચર્ચા અને વિવાદ સતત ચાલે છે. સર્વોચ્ચ અદાલતે પણ વખતોવખત આ બાબતે તેના ચુકાદા આપ્યા છે. ૧૯૫૨માં સુપ્રીમ કોર્ટે તેને વૈધાનિક(STATUTORY) અધિકાર ગણાવ્યો હતો. ૧૯૮૨માં ન્યાયાલયે પુન: તેને કાનૂની અધિકાર ગણાવ્યો અને કહ્યું કે તેને કાયદાકીય મર્યાદાઓ લાગુ પડે છે. ૨૦૦૩માં પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીના કેસમાં જસ્ટિસ પી.વી .રેડ્ડીએ મતદાનનો અધિકાર ભલે મૂળભૂત અધિકાર નથી પણ તે બંધારણીય અધિકાર તો છે જ તેમ જણાવ્યું હતું.  ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે મતદાનના અધિકારને વૈધાનિક જ ગણાવ્યો હતો. ૨૦૧૫માં ફરી તેને બંધારણીય હક્ક અને ૨૦૨૩માં બહુમતી ચુકાદાએ તેને વૈધાનિક ગણાવ્યો હતો. જોકે જસ્ટિસ અજય રસ્તોગીએ તેમના અલગ ચુકાદામાં મતદાનના અધિકારને અનુચ્છેદ ૧૯(૧)( એ)   અભિવ્યક્તિની આઝાદીનો હિસ્સો અને બંધારણની મૂળ સંરચના સાથે જોડાયેલો માન્યો હતો. તાજેતરના(એપ્રિલ ૨૦૨૬ના)  એક ચુકાદામાં જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે મતદાન કરવું અને ચૂંટણી લડવી તે મૂળભૂત અધિકાર નથી પણ કાનૂની અધિકાર છે તેમ જણાવ્યું છે.

મતનો અધિકાર ભારતના લોકતંત્રનો આધાર છે. હાલમાં તે વૈધાનિક અધિકાર મનાય છે પરંતુ તે બંધારણના વિવિધ અનુચ્છેદો સાથે ગહન રીતે જોડાયેલો હોઈ ભવિષ્યમાં બંધારણીય અધિકાર પણ ગણાવાની શક્યતા છે. લોકતંત્રનો પાયો તેવો મતનો અધિકાર નાગરિકોને સરકાર બનાવવાનો , ચૂંટવાનો હક અને તક આપે છે. . મતનો હક કાનૂની કે સંવૈધાનિક હકની સાથે નાગરિકનું દાયિત્વ અને કર્તવ્ય પણ છે.  નાગરિકો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને સરકાર બદલી શકે છે અને નવી સરકાર બનાવી શકે છે. ૧૯૮૮ના ૬૧મા બંધારણીય સુધારાથી ૧૯૮૯થી ભારતમાં મતદારની ઉમર ૨૧ વરસથી ઘટાડીને ૧૮ કરવામાં આવી છે તેના કારણે યુવાઓને મતદાન કરવાની તક મળી છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ ૨૫મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિન તરીકે મનાવાય છે અને મતદાન માટેની જાગ્રતિ વધે તથા મતદાનની ટકાવારી વધે તેવા અભિયાનો ચલાવાય છે. ગુજરાતમાં હાલમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી નિમિત્તે દૈનિક ‘સંદેશ’ દ્વારા MY VOTE-MY GUJARAT  અભિયાન થકી મતદારોમાં મતદાન પ્રત્યે જાગ્રુતિ વધારવા, મોટા પ્રમાણમાં મતદાન થાય, સો ટકા મતદાન થાય તેની જાગ્રુતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માધ્યમો અને સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ આવા પ્રયાસો કરે છે તે આવકાર્ય અને નોંધનીય છે.

એ સાચું કે જો સો ટકા મતદાન થાય તો લોકશાહીમાં બહેતર પ્રતિનિધિત્વની પસંદગી થઈ શકે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દર ત્રણે એક મતદારે મતદાન કર્યું નહોતું. એટલે મતદાન માટે કોઈ સખત રીત અપનાવવા, મતદાનને ફરજિયાત કે અનિવાર્ય કરવાની ચર્ચાઓ પણ થાય છે. ઓસ્ટ્રેલિયા અને બીજા લોકશાહી દેશોમાં ફરજિયાત મતદાનનો કાયદો છે અને મતદાન ન કરવું તે દંડનીય અપરાધ મનાય છે.

જોકે ભારતમાં મતદાનનો અધિકાર છે પણ તે કાનૂની રીતે મતદારનું દાયિત્વ નથી. હા નૈતિક કર્તવ્ય જરૂર છે. જેમ મતનો અધિકાર છે તેમ મત નહીં આપવાનો,  મતપત્રકમાં સામેલ તમામ ઉમેદવારોને પસંદ નહીં કરવાનો અર્થાત નકાર કે ‘નોટા’ ( NOTA) નો અધિકાર પણ છે. એટલે મતદાનને ફરજિયાત કરવાને બદલે મતદાનની ટકાવારી વધે,  સ્વૈચ્છિક રીતે વધે, મતદારો તેને પોતાનું દાયિત્વ માનતા થાય, મતદાન આડેના આતરાયો ઘટે, લોકોને મત આપવાનું મન થાય તેવા રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોય તો મતનો અધિકાર અને મતદાનનું દાયિત્વ બંને કોઈ જાગૃતિનો વિષય ન રહેતાં મતદાર માત્રની અનિવાર્ય ફરજ બની રહેશે. કેરલમ, અસમ, પુડુચેરી પછી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ મતદારોએ વિક્રમી મતદાન કર્યું છે. તેનું એક કારણ એસ આઈ આર(special intensive revision- S I R ) છે. S I R ને કારણે મોટાપાયે મતદારોના નામો રદ થયા છે એટલે પોતાનો મતનો હક રદ  ન થાય એવા ડરથી લોકોએ મત આપ્યા છે તે પણ વિક્રમી મતનું કારણ બન્યું છે. એટલે પાંચ રાજ્યોમાં થયેલ ભારે  મતદાનમાં મતદારની જાગ્રતિ અને દાયિત્વનું પ્રમાણ કેટલું અને મતદાનનો અધિકાર ઝૂંટવાઈ જવાનો ભય કેટલો તે તો આવનારો સમય જ બતાવશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.