ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

જિગીષા દિલીપ

મિત્રો, આજે સંસ્પર્શની યાત્રાના અડધા મુકામે પહોંચ્યાં છીએ ત્યારે દાદાની આ નવલકથાઓમાં રજૂ થયેલ તેમની નોખી વિચારસરણીની એક સાવ જુદી જ સ્વાનુભવની વાત કરવી છે. દાદાની બધી જ નવલકથા, તેના પાત્રો, સંવાદો, ધ્રુવગીત આ બધું વાંચતાં જ અને ધ્રુવગીત સાંભળતાં જ હૃદય સોંસરવું કેમ ઉતરી જાય છે ખબર છે? તો ચાલો, મને લખતાં લખતાં થયેલા મારા અનુભવની સરસ વાત કરું.

મારા દરેક આર્ટિકલમાં હું મારા આલેખન સાથે એક ધ્રુવગીત પણ મૂકું છું. આર્ટિકલ લખાઈ જાય એટલે ધ્રુવદાદાને પણ વાંચવા અને સાંભળવાં મોકલું. એક આર્ટિકલમાં જે ધ્રુવગીત મૂકેલું તે ઈન્ટરનેટ પર કોઈએ દાદાનાં ફોટા સાથે મૂકેલું, મારી ભૂલ કે મેં વધુ તપાસ કર્યા વગર આર્ટિકલ સાથે ધ્રુવગીત માની તે ગીત મૂકી દીધું. દાદાએ સાંભળીને તરત મેસેજ કર્યો, બહેન આ મારું ગીત નથી. કારણ મને જીવનમાં આવો કોઈ માણસ મળ્યો જ નથી, તો હું આવું લખું જ કેવી રીતે?”

પંક્તિ હતી,

“કંઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદરથી બીજાનો નીકળે”

સૌથી પહેલાં તો મેં તપાસ કર્યા વગર દાદાનો ફોટો જોઈ ગીત ધ્રુવદાદાનાં નામે લખી દીધું તે પહેલી ભૂલ, એટલે કાન પકડ્યા કે પૂરતી ખાતરી વગર દાદા જેવી વ્યક્તિને નામે ગીત ન મૂકાય. તે માટે સૌ વાચકોની પણ ક્ષમા માંગું છું.

કેટલી મોટી વાત દાદાએ મને સમજાવી દીધી! તેમની લગભગ સિત્તેરથી પંચોતેર વર્ષની જીવનયાત્રામાં તેમને કોઈ આવો માણસ મળ્યો જ નહીં?

એ ગુરુપૂર્ણિમાનાં દિવસે મને દાદાએ કેટલી સુંદર શીખ આપી!

દાદાને એમની સિત્તેરથી પંચોતેર વર્ષની જીવનયાત્રામાં કોઈ એવો માણસ મળ્યો નહીં હોય કે દાદાને કોઈનાંમાં દુર્ગુણ દેખાતાં જ નહીં હોય? એમને ઓળખ્યા પછી એવું માનવાનું મન થાય છે. તેમને દરેક માનવમાંથી માત્રને માત્ર સારી વાત કે સદ્ગુણ જ દેખાય છે. આ વિચાર અને વાતે જીવનની ખૂબ મોટી શીખ મળી કે સામેની વ્યક્તિ ગમે તે હોય તેમાંથી સારામાં સારી વાત શોધતાં, જોતાં શીખવું જોઈએ એટલે જ દાદાને અકૂપારનાં ગીરવાસીઓમાં, સમુદ્રાન્તિકેનાં દરિયાનિવાસીઓમાં, અરે! તત્વમસિનાં જંગલમાં રહેતાં અભણ આદિવાસીઓમાં ઉત્તમ ઉપનિષદ,પુરાણો, વેદોની વાણીનાં ભણકારા જ સંભળાય છે.તેમનાં દરેક સ્ત્રી પાત્રો પણ કેટલાં સશક્ત,સબળ અને કૌવતસભર છે. તેમનાં સ્ત્રી પાત્રોને દાદાએ હંમેશા શક્તિ અને જગદંબા જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉપસાવીને જ નવલકથામાં નિરૂપ્યાં છે. તે અકૂપારની સાંસાઈ હોય, તત્વમસિની સુપ્રિયા હોય કે અગ્નિકન્યાની દ્રૌપદી હોય! દાદા જાણે આપણને સમજાવી રહ્યાં છે કે “કોઈના પણ અવગુણ ચિત્ત ન ધરો.”

આ વાત કોઈને કહેવા માટે બહુ સહેલી છે પણ જીવનમાં જીવવા માટે બહુ અઘરી છે. પરતું દાદા તેને સતત જીવતા હોય તેવું અનુભવાય છે કારણ તેમનાં આ જ વિચારોની છાયા તેમની બધી નવલકથામાં અને ધ્રુવગીતોમાં દેખાય છે અને અનુભવાય છે.

દાદાને નાનામાં નાના માણસની સામાન્ય વાતમાં પણ જીવન જીવવાની જડીબુટ્ટીઓ જ દેખાય છે. તત્વમસિનો લક્ષ્મણ મધપૂડાનાં મધ ઉતારવાની સેવા કરતો હતો ,તે પોતાનાં ગયા જન્મની વાત કરી કેવી રીતે મધમાખીઓની સેવાનાં વ્યવસાયમાં પડ્યો તેની વાત કરે છે. ત્યારે નાયક, લક્ષ્મણને ,તે ગયા જન્મમાં માને છે ?તેમ પૂછ છે. જવાબમાં લક્ષ્મણ પૂછે છે,” તમે આ જન્મમાં માનો છો?”અને આ પ્રશ્ન ભલે નવલકથાનાં નાયકનાં સંવાદમાં છે ,પણ તે પોતાના મનના વિચારને દાદાએ સુંદર રીતે દર્શાવ્યો છે.

લક્ષ્મણનો આ પ્રશ્ન નાયકનાં હૃદયને ખળભળાવી મૂકે છે. તે પોતાની જાતને પૂછે છે,હું આ જન્મમાં માનું છું? અચાનક એને નવો જ અનુભવ થાય છે. ઝરણાં જાણે થંભી ગયાં છે.હવા જાણે સ્થિર થઈ છે. પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે.આ ખીણ નથી.આ પર્વતો નથી. આ અરણ્યો નથી તો ,આ શું છે?અને નાયકનાં મનમાં પ્રશ્ન ઉદ્દભવે છે.

હું કોણ છું? કદાચ આ પ્રશ્ન ,આ પ્રશ્નનો જવાબ શોધવાની વૃત્તિ ,આ દેખાય છે તેશું છે તે સમજવાની, પામરમાં અપરમમાં માને છે કે નહીં ? માને છે ,તો તે સત્ય છે કે નહીં તે શોધવાની વૃત્તિ જ આ દેશની ભાતીગળ પ્રજામાં સંતાઈને રહેલું પેલું સામ્ય છે? આ માટીમાં જન્મ લેનારના લોહીમાં ,ધર્મ અને ધર્મથી ઉપરની અવસ્થા વચ્ચેની ભિન્નતાની સાદીસીધી સમજ ઉતારતું તત્વ પણ આ પ્રશ્ન જ છે.કોઈક જન્મમાં કરેલાં કર્મો ,નામ ઋણ સાથે લઈને જન્મતી ,જીવતી – આ પ્રજા હજારો વર્ષોથી એકધારી ટકી રહી છે તેનું રહસ્ય પણ શું આ પ્રશ્ન જ હશે?

આમ કહી દાદાએ ભારતનાં નાના ગ્રામવાસી લોકોનાં મનોજગતનું પણ અતિ ઉમદા વર્ણન કર્યું છે.કે દરેક ભારતવાસી તે અભણ કે નાના ગામનો કે જંગલવાસી આદિવાસી કેમ નહોય! પણ તેનામાં આ માણસાઈ ભારોભાર ભરેલી છે. અને બીજા કોઈને દેખાય કે ન દેખાય , દાદાને તો તે દેખાય જ છે. કારણ તેમને દરેક માણસનું ઊજળું પાસું જ દેખાય છે.

આવા ઉમદા વિચારો સાથેનું જ એક ઉમદા ધ્રુવગીત જે બંગાળી બાઉલ પરંપરાનાં ઢાળમાં ખૂબ સુંદર રીતે ગવાયું છે. જીવનની બધી જંજાળમાંથી મુક્ત થઈ ક્યારેક પ્રકૃતિની ગોદમાં જઈને મુક્તજીવન જીવવાની મોજ લેવાની વાત છે.

કદી તું ઘર તજીને રે….ઓ ..
વગડે લીલાં ઘાસમાં ઊગ્યા ફૂલમાં ઊડેલી ધૂળમાં તારી જાતને ખોને રે….
સુખ મોટું કે નામ નથી કાંઈ રે, બાગ બગીચા ગામ નથી કાંઈ રે,

આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ;
અમે છંઈં એમ તું હોને રે..કેટલા સૂરજ કેટલા ચાંદા, ગણવા તારે કેટલા દહાડા,ઓ રે..
સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા મા ટેકરા ખાડા રે;
જાગ્યો ‘તો એમ તું સોને રે….


સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.