હરેશ ધોળકિયા
આ પૃથ્વી પર મનુષ્ય જાતિને આવ્યે લગભગ વીસ લાખ વર્ષ થયા છે. આ વીસ લાખ વર્ષ દરમ્યાન મનુષ્ય ગુફાવાસીથી લઈને હવે મંગળવાસી થવા જઈ રહ્યો છે. શરૂઆતમાં તે વૃક્ષ પર રહી પોતાનો જીવ કેમ બચે તેની ફિકર કરતો હતો, તો આજે મંગળ કે ચંદ્ર પર જવાના વિચાર કરી પૃથ્વી પરના ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જથી બચવાના પ્રયાસ કરે છે. એક સમયે પાસે પડેલ પથ્થરને ઉપાડી જાનવરોને કે તેના કોઈ દુશ્મનને મારવાનો પ્રયાસ કરતો હતો, તો આજે તે પરમાણુ હથિયાર ફેંકી તેના માની લીધેલા દુશ્મનને હણવા પ્રયાસ કરે છે. વીસ લાખ વર્ષ દરમ્યાન તેનું મહત્વનું કાર્ય તો “બીજા”થી બચવાનું જ રહ્યું છે. અઢળક જ્ઞાન મેળવ્યા પછી પણ બીજી વ્યક્તિ સાથે શાંતિ અને પ્રેમથી રહેવાની કળા હજી તે શીખ્યો નથી. આ છે તેનો એક “વિકાસ” !
પણ એનો બીજો વિકાસ પર અવલોકવો રસપ્રદ છે. તે છે તેનો માનસિક વિકાસ. એનો અભ્યાસ કરાય તો તેણે એ દિશામાં પ્રગતિ કરી છે કે નહિં તેનો પણ ખ્યાલ આવે. તેના પર એક નજર કરવા જેવી છે.
પહેલા તબક્કામાં મનુષ્ય બાહ્ય જોખમોથી બચવા કોઈ “અદ્શ્ય” બળ પાસે અપેક્ષા રાખતો હતો. એમાંથી જ ધર્મનો જન્મ થયો. શરૂઆતનો ધર્મ તદન પ્રાથમિક અવસ્થાનો હતો. જાત ભાતના આકારોવાળા દેવો શોધ્યા. પછી આ દેવો આકાશમાં છે તેમ માન્યું. પછી કોઈ ચોક્કસ સ્થળમાં છે એમ માન્યું. એમાંથી ધર્મ સ્થાનો જન્મ્યા. પણ એક સમય એવો આવ્યો, ખાસ કરીને ભારતમાં,જયારે એવા સાધકો આવ્યા જેમણે ગાઢ સાધના કરી ઈશ્વર પોતામાં જ છે, અથવા પોતે જ છે, એવું શોધ્યું અને અનુભવ્યું. અહી ધર્મ અધ્યાત્મમાં ફેરવાઈ ગયો. અલબત, તે છતાં મોટા ભાગના મનુષ્ય સમૂહ માટે તો ઈશ્વર ધર્મ સ્થાનમાં જ રહ્યો-આજ સુધી. આ તબક્કાને” અધ્યાત્મનો યુગ” કહી શકાય. આ તબક્કાનો લાભ અલબત બહુ ઓછા લોકોને મળ્યો.
હજારો વર્ષ પછી વિજ્ઞાનનો વિકાસ થવો શરુ થયો. બુદ્ઠિ કલ્પનાતીત વિકસવા માંડી. હવે બધું વિચારની મધ્દથી થવા લાગ્યું. એટલે હવે “વિચાર યુગ” શરુ થયો. તેનું સૂત્ર બન્યું ” હું વિચારું છું, એટલા માટે હું છું.” અસ્તિત્વનો પુરાવો વિચાર બન્યો.
પછી તો વિજ્ઞાન અતિ ઝડપથી વિકસવા માંડ્યું અને યંત્રોની શોધ થવા માંડી. ઔધોગીકરણ શરુ થયું. તેના પ્રભાવે જે વિચારસરણી વિકસી તેને પરિણામે “ મૂડીવાદ” સર્જાયો. હવે ઈશ્વર નહિં, પૈસાનું મહત્વ વધવા લાગ્યું. પૈસો જ ઈશ્વર બનવા લાગ્યો. હવે નવું સૂત્ર આવ્યું કે “ મારા પાસે છે, માટે હું છું. આગળ “ હું છું” મહત્વનું હતું, હવે “ મારા પાસે છે” મહત્વનું બન્યું. મૂડીવાદ સામે બાકીના બધા વિચારો ગૌણ બન્યા.
વાત ત્યાં જ ન અટકી. વિજ્ઞાને ટેકનોલોજીને જન્મ આપ્યો. ટેકનોલોજીનો હેતુ માનવને શ્રમમાંથીબચાવી આરામ આપવાનો હતો. તે હેતુ તો સફળ થયો, પણ તેણે નવી સમસ્યા ઊભી કરી. આજ સુધી જે ઉત્પાદન થતું હતું તે હાથની મધથી થતું હતું. એટલે તે ધીમું અને જરૂરિઆત પ્રમાણેનું હતું. પણ હવે ટેકનોલોજીએ તો ભયંકર ઝડપથી અને જથ્થાબંધ ઉત્પાધ્ન કરવાનું શરુ કર્યું આ મબલખ ઉત્પાદન જો તરત વેચાય નહિં, તો અર્થકારણ ભાંગી પડે. એટલે આ ઉત્પાદન ઝડપથી ખપે માટે “જાહેરાત” વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તે લોકોનાં મનમાં એમ ઠસાવતી હતી કે જો તેઓ આ વસ્તુઓ નહિં ખરીદે તો તેમનું વ્યક્તિત્વ નહિં વિકસે અને તેઓ બીજાઓથી પાછળ રહી જશે. વિકાસનો આધાર બુદ્ઠિ નથી, પણ વસ્ત્રો કે ફેશનની વસ્તુઓ છે. આ રીતે છૂપી રીતે તેણે મનુષ્યોના મગજ પર કાબૂ મેળવવા માંડ્યો. એટલે હવે જે મહતમ વસ્તુઓ ખરીદે અને તેનો ઉપયોગ કરે, તે સામાજિક રીતે “ઉચ્ચ વર્ણ”નો મનાય. એટલે ફરી હવે નવું સૂત્ર આવ્યું કે “ હું ઉપભોગ કરુ છુ, માટે છું.”
આમ ‘ હું છું’ થી શરુ થઇ “ હું વિચારું છું’, થી ‘ મારા પાસે છે! અને ‘ હું ઉપભોગ કરુ છું’ સુધી વિકાસ (?) થતો ગયો.
પણ આ અમર્યાદિત વિકાસ અને ઉપભોગે પૃથ્વીને અસંતુલિત કરી નાખી છે. પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. વિજ્ઞાને મનુષ્યનું આયુષ્ય તો લાંબુ કર્યું, પણ પ્રદૂષણ જેવી સમસ્યાઓએ આ આયુષ્યને બીમાર બનાવી દીધું છે. સગવડોએ માણસને સ્વસ્થ અને શાંત બનાવવા બદલે અશાંત અને તાણયુક્ત કરી નાખ્યો છે. ટેકનોલોજીએ માણસને આરામથી રહેવા બદલે અણુ-પરમાણુ બોમ્બના ભય હેઠળ જીવવા મજબૂર કર્યો છે. ટેકનોલોજીના આક્રમણે માણસને વધારે વિચારક બનાવવા બદલે મૂઢ અને બેભાન બનાવી દીધો છે. પરિણામે હવે ફરી માનવ જાત વિચારવા લાગી છે કે શું ઉત્તમ છે- “હું છુ” તે કે “ હું ઉપભોક્તા
છુ” તે! હું છુ માં અસ્તિત્વનો આનંદ મળે છે અને હું ઉપભોક્તામાં સતત તાણનો અનુભવ થાય છે. “હું છુ” માં પરમ સ્વાતંત્ર્યની અનુભૂતિ છે, તો “હું ઉપભોક્તા છું “માં વસ્તુઓની સતત ગુલામી છે. શેને
પસં કરવું ?
સ્વાભાવિક છે કે “ હું છું” ને જ પસંદ કરાય. એટલે વર્તમાનમાં “તે” અનુભવવા ધ્યાન, વિપશ્યના,માઈન્ડફૂલનેસ, યોગ જેવી પદતિઓનું મહત્વ વષતું જાય છે. માત્ર કામ કામને બદલે કામ સાથે આરામ અને સર્જનાત્મકતાની ભલામણ થાય છે. પણ, એમાં તકલીફ એ થઇ છે કે, મન મૂડીવાદ અને ઉપભોક્તાવાધમાં ફસાઈ ગયું હોવાથી આ બધામાં પણ મૂડીવાદ અને ઉપભોક્તાવાધનો પ્રભાવ રહે છે. આ બધું સાદાઈથી નહિ, પણ પંચતારક રીતે રજુ કરાય છે. અને તે તો મોંઘુ જ હોય. આ પદ્ધતિઓ કરાવનારા પણ જાણે છે કે તો તેઓ સરળ અને સાદગીથી કરાવશે તો કોઈ નહિ આવે. “ સાદું કે સસ્તું બરાબર ગુણવત્તા વિનાનું” એવું વિચારાય છે. જેટલું મોંધુ તેટલું મહત્વનું એવી વિચારસરણી કામ કરે છે. પરિણામે દુનિયાની મહતમ વસ્તી આ ઉપાયોથી વંચિત રહે છે.
આ બધાને કારણે વર્તમાન જગત ગૂંચવણમાં જીવે છે. બધી સગવડો પણ જોઈએ છીએ. અને સાદગી પણ જોઈએ છીએ. વાત અપરિગ્રહની કરાય છે, પણ રહેવાય છે વૈભવમાં. બ્રહ્મચર્ય આકર્ષે છે,
પણ વિલાસ છૂટતો નથી. હૂંફ જોઈએ છીએ, પણ સાથે રહેવાની તૈયારી નથી. પ્રેમ જોઈએ છીએ, પણ લગ્નમાં બંધાવું નથી. સ્વદેશીનું મહત્વ સમજાય છે, પણ વિંદેશી વસ્તુઓનો મોહ છૂટતો નથી. મૂલ્યોનું
મહત્વ સમજાય છે, પણ “ગમે તેમ કરીને” પૈસાદાર થવું છે. સારા નેતાઓ જોઈએ છીએ, પણ તેઓ એવા હોવા જોઈએ જે તેમના સ્વાર્થને પોષે. જૂની ભાષામાં કહીએ તો “દહીં-દૂધ બંને”માં પગ રાખવો
છે. પરિણામે સમગ્ર સમાજ એક વ્યાપક દંભમાં ફસાઈ ગયો છે. જો તેમાંથી બહાર નીકળવા જાય છે, તો, સમાજ ની દૃષ્ટિએ, “વ્યક્તિત્વ” રહેતું નથી અને પોતાની કીમત ઘટી જતી લાગે છે. અને તેમાં રહે છે
તો જોઈએ છીએ તે શાંતિ અને આનંદ નથી મલતા . સમગ્ર માનવજાત પેલા પૌરાણિક “ત્રિશંકુ” રાજા જેવી હાલતમાં જીવે છે. નથી પૃથ્વી પર કે નથી સ્વર્ગમાં.
દૂર ઊભા રહી જોવાની મજા આવે છે !
( કચ્છમિત્ર : તા: ૩-૫-૨૦૨૬ : રવિવાર )
૦૦૦૦૦
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
