વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
હજુ તો ઈપ્સિતા મા અને પિતાજી સાથે ઘરનો ઉંબરો ઓળંગે ત્યાં કાળી બિલાડીએ રસ્તો ચાતર્યો.
“બિલાડી આડી ઊતરી છે. પાછાં અંદર ચાલો, થોડીવાર પછી વાર પછી જઈશું.” પિતાજીએ નીકળવાની મનાઈ ફરમાવી.
ઈપ્સિતા આવી અંધશ્રદ્ધામાં માનતી નહીં. વળી, આ તો આખો દિવસ ઘરમાં પડી રહેતી પાળેલી બિલાડી જેવી. એનાથી અપશુકન હોય?
ઈપ્સિતા પરીક્ષા માટે નીકળતી હતી એટલે એ સિવાય બીજો કોઈ વિચાર કરવો નહોતો છતાં, ક્ષણવાર માટે મનમાં શંકા થઈ કે આજે મનોજ સાથે મુલાકાત નહીં થાય કે શું?
ઘરમાં ઈપ્સિતા અને મનોજના પ્રેમસંબંધની સાથે કોર્ટમાં લગ્ન માટે મનોજે કરાવેલા રજીસ્ટ્રેશનની જાણ થઈ કે એની આસપાસ મા, પિતાજી, ભાઈ-બહેનની નજરોની અદૃશ્ય દીવાલ રચાઈ ગઈ. ઈપ્સિતાએ એ નજરકેદ નીચે બે મહિના પરાણે પસાર કર્યા. બહારની દુનિયાથી એનો સંપર્ક જ તૂટી ગયો. મનોજે લખેલા પત્રો પણ પિતાજી જ લઈ લેતા. પિતાજીની નજરે ન ચઢે એવો માંડ એકાદો પત્ર એના સુધી પહોંચતો.
હવે આ કેદમાં જ એનું જીવન જશે એવા વિચારે ઈપ્સિતાને હતાશા ઘેરી વળતી.
કૉલેજની અંતિમ પરીક્ષા આપવા મળશે કે નહીં એ માટે શંકા હતી,પણ મોટાભાઈની સલાહથી ઈપ્સિતાને પરીક્ષા આપવાની મંજૂરી મળી ખરી.
પરીક્ષા હૉલ માસીના ઘરની નજીક હોવાથી ઈપ્સિતા મા સાથે માસીના ઘેર રહેશે એવું નક્કી થયું.
‘હાશ, કમ સે કમ પરીક્ષા હૉલ સુધી તો એ જઈ શકશે. ત્યાં ગમે તેમ કરીનેય એ મનોજને મળી લેશે.’
ઈપ્સિતાના ઘરમાં આ સંબંધ સામે વાંધો હતો, બાકી મનોજના ઘરનાં સૌ આ સંબંધથી ખુશ હતાં.
મનોજની યોજના મુજબ પરીક્ષા દરમ્યાન જ એની સાથે ચાલી નીકળવાનું હતું. ઈપ્સિતાને મનોજ પર વિશ્વાસ હતો, પણ આજે આડી ઊતરેલી બિલાડીએ એનું મન આશંકિત કરી દીધું.
છતાં, ઘરથી નીકળતાં પહેલાં એણે થોડી તૈયારી કરી લીધી. કોઈનેય જાણ ન થાય એમ બેગમાં એને ગમતી સાચા રેશમની સાડીઓ મૂકી. ઘરમાંથી માલ લઈને ગઈ છે, એવું કોઈને કહેવાનો મોકો આપવો નહોતો એટલે કાનમાં પહેરેલાં સોનાનાં ભારે ઝૂમકાં કાઢીને નાના ટોપ્સ અને ગળામાં પહેરેલી સોનાની ભારે માળા કાઢીને પાતળી ચેન પહેરી લીધી. હાથની બંગડીઓ બદલીને કાચની બંગડી ચઢાવી દીધી.
આજ સુધી આ ઘર એનું હતું. ઘરની કેટલીય ચીજો એની હતી. પુસ્તકો, ભગવાનનો ફોટો, શોખથી ભેગાં કરેલાં પેન્ટિંગ અને ગ્રીટિંગ કાર્ડ્સ. કાશ, એ લઈ જઈ શકતી હોત !
નીકળવાની આગલી સાંજે એણે અગાશી પર જઈને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી એનું શહેર મન ભરીને જોઈ લીધું. અતીતની કેટલીય યાદો અહીં મૂકીને જવાનું હતું. આ શહેર, અહીંની ગલીઓ, રસ્તાઓ, દુકાનો ફરી જોવા મળે કે ન મળે એ વિચારે એનું મન ભારે થઈ ગયું હતું. લગ્ન પછી વિદાય લેતી કન્યા રડે, એમ એ રડી પડી.
ઘરમાંથી નીકળતી વખતે પિતાજીની સામે જોતાં એનું મન અપરાધ બોજથી ભારે થઈ ગયું, પણ, મા અને ઈપ્સિતાને બસમાં બેસાડીને પિતાજી પાછા વળ્યા ત્યારે એણે અત્યંત હળવાશ અનુભવી. કેટલાય દિવસો પછી એ ઘરની બહાર નીકળી હતી. પ્રાકૃતિક હવામાં શ્વાસ લેતા સારું લાગ્યું. રસ્તા પરનાં વૃક્ષો, પર્વતની હારમાળા, ખુલ્લું આસમાન જોઈને એ ખુશ થઈ ગઈ.
કટકના બસ-સ્ટેશને પહોંચતાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. જેવી બસ ઊભી રહી કે સામે એક દુકાન પાસે ઊભેલો મનોજ નજરે ચઢ્યો. એને મનોજ પર ગુસ્સો આવ્યો. ‘અહીં કેમ આવ્યો હશે?’
જો મા મનોજને જોઈ જશે તો જે બખેડો થશે અને એને પરીક્ષા સુદ્ધાં આપવા નહીં જવા દે એ કલ્પનાથી એ કાંપી ઊઠી.. મનોજ પર ઉતાવળી નજર નાખીને એણે બસ-સ્ટેશનથી માસીના ઘેર જવા રિક્ષા ઊભી રાખી. ભાડું નક્કી કર્યા વગર જ હાથ ખેંચીને માને રિક્ષામાં બેસાડી દીધી.
માસીના ઘેર પહોંચીને શ્વાસ હેઠો બેઠો. માસીનું ઘર મોટું હતું. માસી અને માસા સિવાય હાલ આ ઘરમાં કોઈ નહોતું. શહેરની વચ્ચોવચ્ચ આવેલા આ ઘરમાં ખામોશી હતી ! ઉનાળામાં કે પ્રસંગોપાત દીકરો-પુત્રવધૂ અને પોતરાંઓ આવે એ સિવાય અન્ય રૂમનો વપરાશ ઓછો હોવાના લીધે એ બંધ જેવા હતા. આવું ખાલી મોટું ઘર એને ખાવા ધાતું હોય એવું લાગ્યું. આખી રાત પડખાં ઘસતી રહી, પણ ઊંઘ એનાથી આઘી જ રહી. મનોજ સાથે જવા એ માનસિક રીતે તૈયાર હોવા છતાં આ ક્ષણે શું થશે એ વિચારે એને બધું જ આકરું અને અકારું લાગવા માંડ્યું.
સવારે ઊઠીને બારી બહાર ફરી મનોજને ઊભેલો જોયો.
“આ શું માંડ્યું છે એણે? શા માટે આમ સામે આવીને ઊભો રહેતો હશે? એને મારી દશાનો વિચાર સુદ્ધાં નહીં આવતો હોય?”
કોઈ બહાને બહાર જઈને મનોજને મળવા માંગતી હોય તો એ શક્ય નહોતું. જાણતી હતી કે મા એની સાથે આવશે જ. મા મનોજને જાણતી હતી. એને ઈપ્સિતાની પસંદ સામે વાંધો નહોતો, પણ પિતાજીની મરજી નહીં હોય તો મા સાથ નહીં જ આપે એ ઈપ્સિતા જાણતી હતી.
પરીક્ષા આપવા જતી ઈપ્સિતાને મા બારણાં સુધી મૂકવા આવી. સાંજે ક્યારે પાછી આવશે એ પણ પૂછી લીધું. પરીક્ષાના ચારેચાર દિવસ સમયસર એની આવનજાવન રહી.
આ ચાર દિવસમાં એણે મનોજને ક્યાંય ન જોયો. એને ચિંતા થઈ. પહેલાં દિવસે એને મળવા બહાર ન ગઈ એનાથી એ ગુસ્સે થયો હશે?
ઈપ્સિતાને કટક આવેલું વ્યર્થ લાગ્યું. પરીક્ષા માટે મળેલી આઝાદી એળે ગયેલી લાગી.
આજે પરીક્ષાનો અંતિમ દિવસ હતો. આજે પણ મનોજ નહીં આવે તો શું? મન મક્કમ કરીને પેપર લખવામાં મન પરોવ્યું.
પેપર આપીને બહાર નીકળી તો સામે મનોજ.
મનોજ એને લેવા આવ્યો હતો. એને ખાતરી હતી કે, કોઈ કાળે ઈપ્સિતાના ઘેરથી આ લગ્ન માટે મંજૂરી નહીં મળે. જો આજે ઈપ્સિતા પાછી ઘેર જશે તો પ્રેમ પ્રકરણનો અંત નિશ્ચિત.
ઈપ્સિતાને પણ આ વાસ્તવિકતાની જાણ હતી.
એ મનોજ સાથે ચાલી નીકળી. ગોઠવણ મુજબ કોર્ટમાં લગ્ન સંપન્ન થયા. ન શરણાઈ, ન આતશબાજી, ન મંત્રોચ્ચાર, ન યજ્ઞવેદિ .
એનાં નામ સાથે એક બીજું નામ જોડાયું. મનોજ.
અને અચાનક એનાથી કેવોય મોટો અપરાધ થઈ ગયો હોય એમ એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.
ઈપ્સિતાને એની કુશળતા માટે ભગવાનને પ્રાર્થનાઓ કરતી મા યાદ આવી. ભોળી એવી એની મા જમવા માટે રાહ જોતી ઘરની અંદર-બહાર આંટા મારતી હશે. ઈપ્સિતાને ન જોઈને ઘરમાં પાછી જશે ત્યારે માસીના, ઘેર જશે ત્યારે પિતાજીના સવાલોના કેવી રીતે જવાબ આપશે? ઈપ્સિતાનાં આ પગલાં માટે પિતાજી માને જવાબદાર ઠેરવશે?
‘ઓ ભગવાન, આ એણે શું કર્યું?’
ઈપ્સિતાને થયું, કાશ એ પાછી વળી જાય. ભલે પછી એ ન રહે ઘરની કે ન રહે બહારની. ભલે ને માત્ર ઘર અને બહારની વચ્ચેનો ઊંબરો બનીને રહી જાય, પણ એ પાછી વળી જાય.
સરોજિની સાહુ લિખિત દિનેશ કુમાર માલી અનુવાદિત ઉડિયા વાર્તા ઓતરંગને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
