પ્રીતિ શાહ-સેનગુપ્તા
પનામા નગરના, દક્ષિણ છેવાડાના, ‘જૂના શહેર’ હિસ્સામાં ખૂબ ચાલી, ને મોટાં વૃક્ષોની છાયામાં મૂકેલી બેન્ચો પર બેસતી પણ ગઈ. ફક્ત થાકને લીધે નહીં, પણ એ દરેક પ્લાઝાનું આગવું સ્વરૂપ નિરાંતે અને વિગતે માણી શકાય, તેથી પણ ખરું. ઉપરાંત, આ વિભાગની યાદો પણ આ રીતે તાજી થતી ગઈ હતી.
પાછાં જતાં કોઈ બીજી ગલીઓમાં ચાલી હોઈશ. ત્યાં હસ્તકળા વેચતી નાની માર્કેટ અને કેટલીક દુકાનો આવતી રહી. એમાં મને ઘણી વસ્તુઓ જોવા મળી – માટી પર ચીતરેલી ચીજો, નેતરની વણેલી ચીજો, સુતરાઉ કપડાં, ઑઇલ કલરમાં કરેલાં ચિત્રો, તેમજ ‘મોલા’ કામના ઘણા નમૂના, વગેરે.
ચોખ્ખો વિસ્તાર, કળાત્મક ઇમારતો, તાજગી આપતી હવા, વૃક્ષોનો છાંયડો, અને પનામા નગરનાં આધુનિક, ઊંચાં મકાનો. આવી રીતે કલાકોના કલાકો ચાલી. સૂરજ ઉગ્ર-તપ્ત હતો. જ્યંા છાંયડો ના હોય ત્યાં ઘણો તાપ, ઘણી ગરમી લાગે. પણ સમકાલીન કૌતુક જેવાં આ દૃશ્યો જોતાં જોતાં મનને આનંદ પણ ઘણો મળ્યો.
પગ ખરેખર થાકી ગયા હતા, પણ હોટેલના રૂમમાં જઈને હાથ-મોઢું ધોયા પછી થયું, કે ચાલ ને, રસ્તાની ડાબી તરફ, પાણી પાસે આંટો મારી આવું. આમ તો ટૂંકું અંતર જ હતું. તેથી ફરી બહાર નીકળી. એ દિશામાં જતાં એક મૃત-ગૃહ આવ્યું, ને નાનાં છોકરાં માટેની હૉસ્પિટલ આવી. ને પછી હતો મોટો પહોળો, ઍવનિદા બાલ્બોઆ નામનો માર્ગ.
એના પર થઈને સતત વાહનો જતાં હતાં. એને અડધે સુધી પાર કરવા માટે લાઇટ લીલી થાય તેની રાહ જોવી પડે. પછી ઢાળ પડતા જતા ઓવર-પાસ પર ચઢવાનું. બે છેડે એ ગોળ વળતો જાય છે. ચાલવું ઘણું પડે, પણ પગથિયાં વગરનું. માર્ગના બીજા અડધા ભાગમાં જતો શહેરનો ટ્રાફીક જોવા ઘડીક ઊભી રહી જાઉં છું.
પેલી બાજુ પહોંચો તે પહેલાંથી જ પનામા નગરનું અનન્ય સ્વરૂપ નજરે પડતું જાય છે. પનામા અખાત દૂર સુધી પથરાયેલો છે. વળાંક લેતા જતા કિનારા પર, અને શહેરના કેન્દ્ર ભાગમાં બનેલાં, એકદમ નવાં ને ચમકતાં ગગનચુંબી મકાનોના અવનવા ને આધુનિક આકાર કોઈ પણ આગંતુકને આશ્ચર્યચકીત કરી દે છે. એક તરફ આ દૃશ્ય, અને બીજી તરફ ‘જૂના શહેર’ની ઇમારતો.

પાણી પર રહેલાં, દુનિયાનાં ઘણાં શહેરો યાદ આવે પનામાની આ બધી આધુનિક ઇમારતોના ગુચ્છ જોઈને. ન્યૂયૉર્ક શહેર, વાનકુવર, ટોરન્ટો, દુબાઇ, હૉન્ગકૉન્ગ, સિડની. હા, બધાં પોતપોતાની રીતે આગવાં અને જુદાં જરૂર ખરાં, પણ કાચ ને સ્ટીલની બનેલી આધુનિકતામાં સામ્ય પણ ખરું જ.
ઓવર-પાસની પેલી તરફ સળંગ બનાવાયેલો પાર્ક તો અનહદ નવાઈ અને આનંદ પમાડે છે. કિનારા પર સળંગ લાંબી જગ્યાને શું અસાધારણ રીતે પરિવર્તિત કરી દીધી છે. લીલું ઘાસ, ફૂલછોડ, ઝાડ, ફુવારા, પથ્થર જડેલા પ્લાઝા, ચલન-પથ, બેસી શકાય તેવી પાણી પરની પાળી, અને સાંધ્ય-વિહાર માટે આવેલા લોકો. નવું જ લાગે છે આ બધું, અને સ્વચ્છ, સુંદર, શાંત.
એક છેડે મરીના છે, જ્યાં શહેરના ધનિક લોકોની પ્રાઇવેટ નૌકાઓ નાંગરેલી હતી. એક ફૅન્સી ક્લબ પણ છે પાસે. વળી, શિલ્પો અને સ્મારકો પણ છે. હું અહીં બધે પણ ચાલી. ખસવાનું મન જ ના થાય. આકાશમાં હવે સૂર્યાસ્તના રંગ ખેંચાઈ આવ્યા હતા. મને થાય, પનામાના લોકો માટે શું સુંદર સ્થાન છે આ. હું થાકેલી હતી, છતાં કેવું સારું થયું કે હું પણ આવી અહીં.
હોટેલની નાની રૅસ્ટૉરાઁમાં શાકાહારી ભાત મળતો હતો, તેથી નિરાંત થઈ. બીજે કશે ખાવાનું શોધવા જવાની શક્તિ બચી નહતી. પણ દિવસ કેવો સરસ ગયો હતો. પનામાનું જૂનું-નવું, ગરીબ-તવંગર, અને સાધારણથી માંડીને અસાધારણ જેવાં બધાં પાસાં મને જોવા મળ્યાં હતાં. આજે નગર જોયું, આવતી કાલે દેશનું નિસર્ગ જોવા મળવાનું હતું.
એ કાલ પડી ત્યારે સવારે જલદી બ્રેકફાસ્ટ ખાઈ લીધો, રૂમ ખાલી કર્યો, સૂટકેસને હોટેલમાં રાખવા આપી, ખભા પર રહે તેવી નાની બૅગ સાથે રાખી, અને હું બહાર નીકળી ગઈ. સદ્ભાગ્યે, મૅટ્રો’ કહેવાતી ભૂગર્ભ રેલનું લૉટેરિયા સ્ટેશન બે-ત્રણ મિનિટ જ દૂર હતું. સ્ટેશનની અંદરના મશિનમાંથી મૅટ્રોની ટિકિટ માટેનું કાર્ડ ખરીદ્યું, અને પ્રવેશ-સ્લૉટમાંથી એને પસાર કરીને, ટ્રેન લેવા માટે નીચે ગઈ.
એકદમ ચોખ્ખું, અજવાળિયું, ને શાંત સ્ટેશન હતું. આવતી ને જતી ટ્રેનો માટેની સંજ્ઞાઓ સ્પષ્ટ હતી. આ બધું તદ્દન નવું છે. ગયા વર્ષે જ મૅટ્રો શરૂ થઈ છે. આલબ્રૂક બસ ટર્મિનલ જતી ટ્રેન બે મિનિટમાં આવી લાગી. ટાઇમસર અને ફાસ્ટ. ને ત્યાં પહોંચતાં પાંચ જ મિનિટ થઈ.
વાર તો લાગી મૅટ્રોમાંથી ઊતરીને બસ ટર્મિનલ પર જતાં. એક બ્રિજ ચઢવાનો હતો. ત્યાં સુધી હું બહુ ખુશ થતી હતી, કે વાહ, શું સ્માર્ટ ને પર્ફેક્ટ છે બધું. જેવી ટર્મિનલમાં પ્રવેશી કે બધું બદલાઈ ગયું – મારો મત પણ.
ટર્મિનલ ખૂબ મોટું હતું, અને ભીડ પણ ખૂબ હતી. કેટલીક બસોના કન્ડક્ટરો પ્રવાસીઓને માટે બૂમ-બરાડા પાડતા હતા. મેં ટિકિટબારી તરત શોધી કાઢી. એ બધું બરાબર હતું, પણ આખા ટર્મિનલમાં પાણી નહતું -કોઈ કારણસર.એ અગવડ હતી. વળી, બસની પાસે જવા માટે એક કાર્ડ હોવું જોઈએ. પણ એ મેળવવું ક્યાંથી?
આ બાબતે ગોટાળો હતો. સ્થાનિક લોકો પાસે તો રોજને માટે આ કાર્ડ હોય જ, પણ કોઈ પ્રવાસીનું શું? પછી એક કન્ડક્ટરે પોતાનું કાર્ડ વાપરીને મને બસ તરફ મોકલી આપી. આમેય થતા હતા તો પાંચ જ પૈસા.
બસો પર કોઈ સ્થળનાં નામ નહતાં. આમતેમ દોડીને, પૂછી પૂછીને મેં બસ શોધી. ભરાઈ ગયેલી. માંડ એક જગ્યા બાકી હતી, તે મને મળી. ત્યાં સુધીમાં હું પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. દેશ ગરમ, ને હું અજંપ.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
