૧૯૪૦માં પાકિસ્તાન અલગ રાષ્ટ્ર ન હતું તે સમયે કરાંચીમાં જન્મેલા ઈંદુ શાહને દેશના ભાગલા વખતે સાત વર્ષેની ઊંમરે જન્મભૂમિ છોડવી પડી. પાકિસ્તાનથી હિજરત કરીને એમનું કુંટુંબ ભારતમાં આવીને સ્થાયી થયું.
એ વખતના હ્રદયદ્રાવક સ્મરણો તેઓને આજે પણ યાદ છે. સંઘર્ષમય વાતાવરણ છતાં પ્રગતિની દિશા ભણી તેઓ આગળ વધતા ગયા.
ડોકટર થઈ મુંબઈ અને સુરેંદ્રનગરમાં પંદર વર્ષો સેવા આપી. લગ્નબાદ ડોકટર પતિ રમેશ સાથે ૧૯૮૪માં અમેરીકા આવ્યા. અહીં પણ આત્મબળ વડે સંઘર્ષોનો સામનો કરીને શાંતિ અને સ્થિરતા ભણી આગેકૂચ કરતા રહ્યા.
બાલ્યકાળથી ગુજરાતી સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં તેમને રસ હતો જે ફરી જાગૃત થયો. હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ નામની સંસ્થાના સભ્ય થયા બાદ ગદ્ય અને પદ્ય લખવાની શરૂઆત કરી.
વિવિધ સામાજિક પ્રવૃતિઓમાં તેઓ સક્રિય રસ લે છે અને ગુજરાતની સંસ્કૃતિનો વારસો જાળવી રહ્યા છે. સાલસ અને નમ્ર સ્વાભાવના ઈન્દુબેનની કુંટુંબભાવના વિદેશની ધરતી પર એમની આસપાસના વર્તૂળમાં વિસ્તરતી રહી છે.
તેમના બ્લોગનું એડ્રેસઃ www.Indushah.Wordpress.com છે. Email: irsdoc@gmail.com
આજે TV પર ભારતના સમાચાર જોતી હતી, દિલ્હીની શાળાઓમાં જિયાદ અને કુમકુમ વિષે ચર્ચા, મુસલમાન-હિન્દુ Anchors જોરદાર પોતાના મુદ્દા રજુ કરી રહ્યા હતા. આ સાંભળતા મારી નજર સમક્ષ ૧૯૪૭ની સાલમાં થયેલ હિન્દુસ્તાન-પાકિસ્તાન ભાગલાના ૭૫ વર્ષ પહેલાનું દ્રશ્ય.…, યાદશક્તિથી સચેત મન પહોંચ્યું કરાચી; ત્રણ બહેનો, ત્રણ ભાઈઓ અને સરખી ઉમરના પિત્રાઈ ભાઈ-બહેનો સૌ સાથે શાળાએ જઇએ, લેશન કરીએ, વાળુ કરીને આતુરતાથી પલાંઠીવાળી, કાન સરવા કરી બેસીને, એક બીજા સાથે વાતો કરીએ; ‘આજે દાદીમા રાજા-રાણીની વાર્તા કરશે’, ના ‘આજે તો હિતોપદેશની વાર્તા કરશે’; મોટીબહેન નાક પર આંગળી મુકી ઇશારાથી સૌને શાંત કરે અને કહે, દાદીની વાર્તા સાંભળો; મારા દાદીમા એ જમાનાના સિન્ધી પ્રાથમિક શાળાના મહિલા નિરક્ષક હતા, તેમને લેવા ઘરે બે ઘોડાની ગાડી આવતી. અમે સૌ ભાઈ બહેન જોઈને ખુશ થતા.
મારા દાદાએ અમારી ગાયોનું રક્ષણ કરવા “મોતી” નામનો બુલડોઝ કૂતરો પાળેલ, જેથી રાત્રે મુસલમાનો ચોરી કરીને કતલખાને ન લઈ જઈ શકે.
એક સાંજે મોટી બહેન મોતીને રોટલો ખવડાવવા ગઈ; આમ તો રોજ મોટાભાઈ દુધ-રોટલા મુકી દે અને મોતી ખાઈ લેતો. મોટીબહેન મોઢામાં મુકવા ગઇ અને મોતીએ બચકું ભર્યું !
અમે નાના ભાઇ-બેનો ગભરાઈ ગયા, રડવા લાગ્યા. મારા દાદીએ તુરત મોટીબહેનના હાથ પર હળદરની લુગ્દી લગાડીને ત્રાંબાનો પૈસો બાંધી દીધો. મોટીબહેનનો હાથ થોડા દિવસમાં રૂઝાઈ ગયો. બધા ખુશ!
આ સુખી સંયુક્ત કુટુંબની જાણે વિધાતાને ઈર્ષા આવી.
૧૯૪૭ની ગોઝારી સાલ! હિન્દુસ્તાન–પાકિસ્તાન ના ભાગલા થયા, પૂજ્ય ગાંધીબાપુના ઉપવાસ વ્યર્થ ગયા, સંયુક્ત કુટુંબ વેર વિખેર થઈ ગયું, મુસલમાનો હિન્દુ સ્ત્રીઓના કાન-નાક-કાંડા કાપીને ઘરેણા લુંટતા. નસીબ જોગે, મારી મા, કાકી, માસી, મામી એ મોટાકાકાની સલાહ અનુસાર મોહ છોડી દાગીના વગર જીવ બચાવવા બાળકો સાથે જે છેલ્લી ટ્રેન કરાચીથી મહેસાણા જતી હતી તેમાં ધક્કા-મુક્કી સાથે, થોડું ખાવાનું ભાખરી, થેપલા અથાણું વગેરેના ડબ્બા ભર્યા હતા તે લઈને માંડ માંડ મુસલમાનોની નજર ચુકાવી ચડ્યા, ત્રણ દિવસ ટ્રેનમાં કાઢવાના હતા. નાના બાળકોને ખવડાવીને મોટા ભાઈ-બહેન પણ મા-બાપ સાથે ભૂખ્યા રહીને મહેસાણા પહોંચ્યા. સૌએ હાશનો શ્વાસ લીધો. સ્ટેશન ની પરબ પર સૌએ ધરાઇને પાણી પીધું. મા, કાકી, માસીએ સાડલાના છેડે બાંધેલ પૈસાથી મોટા ભાઈ-બહેનને પરોઠા-શાક ખવડાવ્યા. મહેસાણાથી અમારા ગામની મીટર ગેઈજ ટ્રેન પકડી લીંબડી (સૌરાષ્ટ્ર) પહોંચ્યા. દાદા-દાદી અને નાના-નાની એક મહિના પહેલા આવીને બંગલો નોકર પાસે સાફ કરાવી રાખેલ. મોટા સંયુક્ત કુટુંબનો ખ્યાલ રાખી મારા પિતાશ્રીએ બીજા વિશ્વયુધ્ધ પછી આ બંગલો ફર્નિચર ખરીદી લીધેલ જેમાં બે રસોડા, બે બેઠક રૂમ,ચાર સુવાના રૂમ તથા આગળ પાછળ બે લાંબી પરસાળ હોવાથી બે-ત્રણ કુટુંબ આરામથી રહી શકે. મારા પિતાશ્રીની અગમ બુદ્ધિ હંમેશા આખા કુટુંબને ઉપયોગી થતી. મારા મામાએ પણ મારા પિતાશ્રીની સલાહ માની “દવેનિવાસ” નામનું મકાન લીંબડીમાં ખરીદી લીધેલ જેથી સૌ સાથે રહી શકે.
ખેર, થોડો સમય સાથે રહી શકાયું. મોટાકાકાની સરકારી નોકરી હતી તેથી તેમને બે દેશના કરાર મુજબ રાજકોટ શહેરમાં સરકારી નોકરી સાથે રહેવાનું ઘર મળી ગયુ, તેઓને નિયમ મુજબ કુટુંબ સાથે જવું જ પડે, વિલંબ કરે તો ઘર જતું રહે, મારા ૭ પિત્રાઇ ભાઈ-બહેન છૂટા પડ્યા. અમે ૯ ભાઈ-બહેન લીંબડીની શાળામાં દાખલ થયા. હું અને નાના કાકાની દીકરી કમલ બીજા ધોરણમાં, મારા મોટાભાઈ–મોટીબહેન હાઈસ્કુલમાં, મારી નાનીબહેન બાળપોથીમાં અને નાનોભાઈ એકડામાં એ સમયે Kinder Garden શબ્દ વ્યવાહરમાં નહીં આવેલ. ૪ વર્ષની નીચેના ઘેર રહે. મારા નાના-નાનીનું ઘર અમારા બંગલાથી થોડું દુર હતું. મારા નાનીમા કરાચીમાં મહિલા શિક્ષક હતા તેથી તેમને લીંબડીની પ્રાથમિક શાળામાં નોકરી મળી ગઈ. મારા દાદા-દાદીએ ૧૯૪૭ એપ્રિલ મહિનામાં નિવૃત્તિ લઈ લીધેલ.
મારા પિતાશ્રી કરાચીમાં આવક અને વેચાણ-કરની પ્રેકટીસ કરતા હતા, તેમના ભાગીદાર મુસલમાન હતા, સંયુક્ત કુટુંબના જમાનાનો રિવાજ પ્રમાણે…અમારા પિતાશ્રીને અમે કાકા કહેતા. (હવે પછીના લખાણમાં ‘કાકા’ સંબોધન મારા પિતાશ્રી માટે સમજવું.) મારા કાકાએ આખા કુટુંબને સહી સલામત દેશમાં પહોંચાડયા, પોતે પાછળ રહ્યા. એક માલ-સામાનનું વહાણ કરાચીથી કંડલા બંદર જઈ રહ્યું હતું તેમાં મોટા અને નાના કાકાનો બધો સામાન મોકલાવ્યો પરંતુ, પોતાનો ફક્ત એક લોખંડનો કબાટ જ.
વહાણ કંડલા આવ્યું, સામાન છોડાવવા ડ્યુટી ભરવાની હતી, નાના કાકા, મોટાકાકા કોઈ પાસે રોકડ રકમ ન હતી, મારી માએ તેની પાસે થોડી ચાંદી જે દાદી સાથે મોકલાવેલ તે નાના કાકાને આપી, લીંબડીની બજારમાં વહેંચીને, રોકડા પૈસા લઈને નાના કાકાએ કંડલાથી સામાન ટ્રકમાં ભરી લીંબડી આવ્યા.
સામાન જોઈને, અમને બધાને આશ્ચર્ય થયું, બહેન બોલી, નાના કાકા અમારા ભણવાના ટેબલ -ખુરશી નથી આવ્યા? તમારો અને મોટા કાકાનો તો બધો સામાન છે! બધા પિત્રાઇ ભાઈ-બહેનોના બધા રમકડા-આવ્યા અમારું એક પણ રમકડું નહી! અમે નાના ભાઈ-બહેન રડવા લાગ્યા. નાનાકાકા શું બોલે? મા બોલી, બેટા વહાણ ભરાઇ ગયું હશે તેથી આપણો સામાન રહી ગયો હોય, તમારા ટેબલ-ખુરશી-રમકડાં બધુ તમારા કાકા આવશે ત્યારે લેતા આવશે. અમે બધા ભાંડુડા શાંત થયા.
ત્યારબાદ અમે રોજ માને પૂછીએ કે મારા કાકા ક્યારે આવશે? મા સાંત્વન આપે, બેટા થોડા દિવસમાં આવી જશે. દાદા-દાદીને હવે ચિંતા થવા લાગી, રોજ પૂજા કરે, ગાયત્રી પાઠ કરે. અમે નાના ભાઈ-બહેન તેમની પાસે બેસીએ ભગવાનને પ્રાર્થના કરીએ મારા કાકાને જલ્દી અહીં મોકલ.
મારા કાકાના મુસલમાન ભાગીદારે અસીલની જમા થયેલ ફી અને ઓફિસ ખર્ચ નો હિસાબ એપ્રિલ મહિનામાં કરી ત્રણે ભાગીદાર ના ભાગ પાડવા જોઇએ તે કર્યો જ નહી, બહાના કાઢ્યા કરે, ક્યા જલ્દી હૈ? હો જાયગા…આમ કરતા જુલાઇ મહિનો આવ્યો. છાપામાં સમાચાર આવે-હિન્દુસ્તાન-પાકિસ્તાન ભાગલા થશે, વાઈસરોય સાથે મિટીંગ થઈ, ગાંધીજી, ઝિણા(Jinnah) અને જવાહરલાલની મિટીંગ થઈ. ઝિણાએ જીદ કરી કે પાકિસ્તાન જ જોઇએ. સત્તાની લાલચ-મોહમાં માણસ બધું ભૂલી જાય!
આપણે સહુએ “ગાંધી” ફિલ્મમાં જોયું છે કે સરહદ નક્કી થઈ, હિન્દુ મુસલમાનની ખુન ખરાબી શરુ થઈ, ઓગષ્ટ ૧૫-૧૯૪૭ ભાગલા થયા. મારા કાકા અને ભાગીદાર (વાડીકાકા) મુંઝાયા. મુસલમાન હિન્દુ મંદિર અને શીખ ગુરુદ્વારામાં તોડ-ફોડ લુંટ-ફાટ કરી રહ્યા હતા. મારા કાકા અને વાડીકાકા થોડો સમય મુસલમાનવેશ પહેરી રહ્યા, ને પોતપોતાના મકાન વેહેંચવા મુક્યા. પરંતુ મકાન તો ક્યાંથી વહેંચાય? મુસલમાનોને ખબર હતી, મકાન જમીન તેમને જ મળવાના છે કારણકે હિન્દુ શાકાહારી અહીં નથી રહેવાના.
છેવટે મકાન ઓફિસ બધુ છોડી સ્વામીનારાયણ મંદિરમાં આશરો લીધો, એ એક જ મંદિર હતું જ્યાં બધા હિન્દુઓ સહીસલામત રહી શકતા. ત્યાંથી મંદિરની બસમાં હવાઈમથકે પહોંચ્યા, વિમાન માર્ગે અમદાવાદ આવ્યા. ત્યાંથી ટેક્ષી કરી લીંબડી આવ્યા. ચાર મહિને કાકાને મુસલમાનવેશમાં દાઢી- મુછ સાથે જોઈને અમે નાના ભાઈ બહેન હેબતાઇ ગયા. દાદા- દાદીએ સમજાવ્યા; દેશ તેવો વેશ કરવો પડે. થોડા દિવસ કાકા સાથે આનંદ કર્યો. કાકા ઓફિસ શરૂ કરવા મુંબઈ ગયા. અમારે બે વરસ લીંબડી રહેવાનું નક્કી થયું.
કાકા, વાડીકાકા અને ત્રીજા ભાગીદાર જગદીશકાકાએ મુંબઈમાં ગિરગાંવ વિસ્તારમાં ઓફિસની શરુઆત કરી, કહેવાય છે ને કે; ‘મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે’. પરંતુ, કાકાએ વિલેપારલે પુર્વમાં ઘર ભાડે લીધુ. કહેવાની જરૂર નથી, બે વરસ કાકાએ કેવી રીતે કાઢ્યા હશે?…ઓફિસમાં સુવાનું, સામેની હોટેલમાં એક વખત જમવાનું, સાંજે દુધ/ફ્રુટથી ચલાવી લેવાનુ.
સૌરાષ્ટ્ર મેલમાં અમે બધા મુંબઈ આવ્યા. બોમ્બે સેન્ટ્રલથી લોકલ ટ્રેનમાં વિલેપારલે સ્ટેશન ઉતરીને ૨૦મિનીટ ચાલીને ઘેર પહોંચ્યા. લીંબડીના મોટા બંગલાથી આવી ગયા એક રૂમ રસોડું અને સળંગ ચાલી વાળા ઘરમાં! છતાં આનંદ હતો કાકા સાથે રહેવાનો. એક વરસ ત્યાં રહ્યા પછી ચાર રૂમના ફ્લેટમાં અને ત્યાંથી વિલેપારલે પશ્ચિમમાં મોટા ઘરમાં આવ્યા. અમે ભાઈ-બહેન વિલેપારલેની પ્રખ્યાત શાળા ગોકળીબાઇ પૂનમચંદ પિતાંબર માં દાખલ થયા. ધોરણ ૪થી ધોરણ ૧૧ (મેટ્રીક) સુધીનો અભ્યાસ કર્યો. હંમેશા પેલા પાંચમાં ઊતિર્ણ થતી, સાથે શાળાની ઈતર પ્રવૃતિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતી. શિક્ષક રમણીકભાઈ સર અને શુકલ સર મને હંમેશા પ્રોત્સાહન આપતા.
શાળામાં મારી ખાસ સહેલી નલિની સાથે વાંચીએ, સવાલ જવાબ કરીને વાંચેલું યાદ કરીએ, આનો લાભ અમે બન્ને મેટ્રીકમાં પ્રથમ વર્ગમાં ઊતિર્ણ થયા. નલિની સાથે વિલેપારલેમાં બંગાળી શીખવા પણ જતી, ત્યાં અચિનદા સાથે ઓળખાણ થઈ, અચિનદા બંગાળી શીખવતા, અમે બન્ને તેમની સાથે બંગાળી સિનેમા જોવા પણ જતા. અચિનદાની ઓળખાણથી હું બંગાળી નવલકથાના ગુજરાતી અનુવાદ વાંચતી થઈ. બંગાળી ક્લાસનો સમય અચિનદાની અનુકુળતાએ રાતના સાતથી શરુ થયા, તેથી મારે માટે પારલા વેસ્ટથી ઇસ્ટમાં જવાનું શક્ય ન હોવાથી મારા બંગાળીના લેશન બંધ થયા. નલિની અને અચિનદાની મિત્રતા પ્રેમમાં પરિણમી.
૧૯૫૮ થી ૧૯૬૦ સુધી અમને બન્નેને Science માટે વખણાતી જયહિન્દ કોલેજમાં અને ત્યારબાદ નલિનીને જી. એસ. મેડીકલ કોલેજ (કે. ઇ. એમ. હોસ્પિટલ)માં અને મને ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજ (નાયર હોસ્પિટલ)માં પ્રવેશ મળ્યો.
નલિની ડો. (M.D.-Pediatrician) થયા પછી સાદાઈથી લગ્ન થયા. આજે નલિની ઘાટકોપરમાં રહે છે અને મુલુંડમાં પ્રેકટિસ કરે છે. અચિનદા બંગાળી મીઠાઇ અને મિસ્ટી દહીના શોખીન જીવ હતા. નલિનીના બે ડો. બાળકો અને ડો.પત્નિ અચિનદાની મિઠાઈ છોડાવી ન શક્યા! ડાયાબિટિસની બિમારીમાં પ્રભુને પ્યારા થઈ ગયા!
મેં મુમ્બાઈ યુનિવર્સિટીની (M.B.B.S.; D.G.O.; D.A.) ઉપાધી મેળવી.
મેડીકલ કોલેજમાં સાથે ભણતા રમેશ શાહ સાથે મૈત્રી થઈ. મિત્રતા પ્રણયમાં પલટાઈ…બ્રાહ્મણ અને જૈન વાણિયા આંતરજ્ઞાતીય લગ્ન એ જમાનામાં શક્ય નહોતા. માતા-પિતાને વાત કરવાની પણ હિંમત ન હતી. પત્ર લખી કાકાના કોટના ખિસ્સામાં મુક્યો. ત્રણ દિવસ ગયા. સવારના ૭ વાગે હું નાયર હોસ્પિટલ જવા તૈયાર થઈ ત્યારે કાકાએ બોલાવીને કહ્યું; આજે તારે મારી સાથે ગાડીમાં આવવાનું છે, હું તને નાયર ઉતારી દઈશ. ગાડીમાં કાકા અને મોટાભાઈ સાથે વાત થઈ;
કાકાઃ “રમેશના પિતાને શું કામકાજ છે?”
“તેઓ લીંબડી હાઇસ્કુલમાં શિક્ષક છે”
“કેટલા ભાઈ-બહેન છે?”
“એક મોટા બહેન ડોકટર છે અને ડોકટર-પતિ સાથે અમદાવાદમાં રહે છે.”
“તારા લગ્નથી તારા નાના ભાઇ-બહેન માટે યોગ્ય ઘર શોધવાની તકલીફ પડશે એનો વિચાર કર્યો છે?”
“અમને કોઇ ઉતાવળ નથી. તમે મને ભણાવી છે, હું એકલી રહેવા માટે સક્ષમ છું”
વાત કરતા કરતા નાયર હોસ્પિટલ આવી ગઈ. મારા માતા-પિતા અને મોટાભાઈને આટલી વાતથી સંતોષ ન થયો. તેઓ લીંબડી રમેશના પિતાનું ઘર જોવા ગયા. લીંબડીથી આવ્યા બાદ મારા મોટાભાઈએ મને પુછ્યું; “તને ત્યાં ગમશે? તેમના ઘેર એક બેસવાની ખુરશી પણ નથી” !
મારો જવાબ; “મોટાભાઈ, હું ખુરશીને નથી પરણવાની, તેમના ડોકટર દીકરાને પરણવાની છું!”
મારી નાની બહેનના લગ્ન-આમંત્રણને માન આપી રમેશના માતા-પિતા મુંબઈ આવ્યા, ૬ દિવસના રોકાણ દરમ્યાન રમેશના બા રસોડામાં મારા ભાભીને મદદ કરતા, તેના બાપૂજી પણ સૌ મહેમાન સાથે આનંદથી વાતો કરતા. મારી નાની બહેનના સસરા અને જેઠ-જેઠાણી અમરેલીમાં શિક્ષક હતા. સરખા વ્યવસાયના હોવાથી એકબીજાના અનુભવની વાતોનો આનંદ માણતા.
રમેશના માતાને પોતાના એકના એક દીકરા માટે જૈન-વહુ લાવવાની તીવ્ર ઈચ્છા, રમેશના માતાના શબ્દો “મુંબઈ ભણવા મોકલ્યો ત્યારથી મે ધારેલુ એવું જ થયું કે દીકરો ખોયો, ૧૨ વર્ષ મુંબઈમાં રહેલાને દેશમાં રહેવું ન ગમે.” શિક્ષક સસરા સમજે… બન્નેના માતા-પિતાની ઉદારતા અને આશીર્વાદ સાથે ૧૯૬૭ મે મહિનામાં અમારા લગ્ન થયા. મને મુંબઈમાં ગાંધી હોસ્પિટલમાં Anesthesiologist ની નોકરી સાથે બે બેડરૂમના ક્વાટર્સ માં રહેવા ગયા. એપ્રિલ ૧૯૬૮ માં રમેશ પ્રથમ પ્રયાસે M.S. General Surgery પાસ થયા. આ સમાચાર ઝાલાવાડ પત્રિકામાં છપાયેલ તે લઈ કાકા મારે ઘેર આવ્યા, મારા સસરાએ વાંચ્યું, ખૂબ ખુશ થયા. મારા કાકાની ઈચ્છા હતી કે અમે મુંબઈમાં તબીબી વ્યવસાય શરુ કરીએ. રમેશના બોસ (Boss) મુંબઈના પ્રખ્યાત જનરલ સર્જન ડો.વસંત શેઠની ઈચ્છા પણ રમેશ ઇંગલેન્ડ જઈને એફ. આર. સી એસ.ઉપાધિ મેળવે અને તેઓની સાથે વ્યવસાયમાં જોડાય.
નવેમ્બર ૬૮માં દીકરી (પારુલ) નો જન્મ થયો. રમેશના માતા-પિતાની ઇચ્છાને માન આપી ૧૯૭૦માં સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)ની છોટાલાલ જમનાદાસ હોસ્પિટલમાં અમે બન્નએ નોકરી સ્વીકારી. ડો. શેઠ સાહેબે વિદાય પહેલા અમને બન્નેને તેમના મલબાર હીલના રહેઠાણ પર ડીનરનું આમંત્રણ આપ્યું. વાતો કરતા સાહેબે મને પૂછ્યું; “ઇન્દુ તું શા માટે રમેશને રોકતી નથી ? તું મુંબઈમાં મોટી થઈ છે, કહી દે તને સુરેન્દ્રનગરમાં નહી ફાવે.” પરંતુ મને મારા સાસુના શબ્દો “દીકરો ખોયો”, યાદ આવ્યા, મારે તેમના નિસાસા નહોતા લેવા. મારો જવાબ “સાહેબ, રમેશ એકના એક દીકરા છે, મારા સાસુ- સસરાની ઇચ્છા રમેશ વતનમાં સેવા આપે તેનો મારે વિરોધ નથી કરવો, ભવિષ્યમાં તેઓ માનશે તો અમે ઇંગલેન્ડ જઈશું.”
નસીબની બલિહારી; કરાચીથી લીંબડી, લીંબડીથી મુંબઈ અને મુંબઈથી સુરેન્દ્રનગર! ૧૯૭૦થી જુલાઈ૧૯૭૩ સુધી સુરેન્દ્રનગરની છોટાલાલ જમનાદાસ હોસ્પિટલ (સી.જે.હોસ્પિટલ)માં મેં સ્ત્રી બાળકોના વિભાગમાં અને રમેશે જનરલ સર્જન તરીકે નોકરી કરી. ૧૯૭૩ના નવેમ્બરમાં અમારું પોતાનું ૨૫ બેડનું આધુનિક સુવિધા સાથેનું “સર્જિકલ મેટર્નિટી નર્સિંગ હોમ” મારા સસરાના સહકારથી શરુ કર્યુ. ૧૪વર્ષ સુરેન્દ્રનગરમાં વ્યવસાય તેમજ સામાજિક ક્ષેત્રે ખૂબ ખ્યાતિ મેળવી. સુરેન્દ્રનગર હું ફિયાટ ગાડી ચલાવતી તે જમાનામાં કોઈ સ્ત્રી ગાડી નહોતી ચલાવતી, મારી ગાડી પાછળ નાના છોકરાઓ દોડે;, ‘એ બાયડી ગાડી હાકે’, આ મારા માટે અજાણ્યું હતું’. સુરેન્દ્રનગરમાં વ્યવસાય દરમ્યાન એ જમાનાના સાસુ-વહુના સંબંધ અને રીત-રિવાજ વિષે ઘણું જાણવા મળ્યું; સગર્ભા વહુથી પાણી ભરેલ માટલા ઊપાડી ના શકાતા હોય તો પણ સવારના માટલામાં પાણી વહુએ જ ગાળવાનું. વહુ આ વાત સાસુને કે પોતાના પતિને ના કહી શકે, મને કહે બહેન તમે મારા સાસુને કહોને મારે વજન નહીં ઉપાડવાનું, મારાથી માટલા નથી ઊપાડાતા. હું તેના સાસુને કહું ખરી, પણ મને મનમાં થતું સાસુ વહુને દીકરી ક્યારે માનશે?
૧૯૮૦માં મારી નાનીબહેન અમેરિકાથી ભારત આવી ત્યારે પુછ્યું; તમારે અમેરિકા આવવું હોય તો હું અરજી ફાઈલ કરું? પાછી અનિશ્ચિતા?! મારી ૧૨વર્ષની અને ૯ વર્ષની દીકરીઓ, અમેરિકામાં ૧૦થી ૨૦ વર્ષના બાળકો જે કિશોર –અવસ્થા (Teenagers)થી ઓળખાય, તેઓ જો ખરાબ સોબતમાં આવી જાય તો? સમાચાર પત્રોમાં આના વિષે અવાર નવાર વાંચેલ યાદ આવ્યું; એક સમાચાર જે વાંચી મારા રુંવાટી ફરકવા લાગેલ; થેંક્સ ગિવીંગના આગલા દિવસે પતિ-પત્ની બે મહિનાની દીકરી ને બેબી સીટર પાસે ઘેર રાખી, ખરીદી કરવા ગયેલ. બેબી સીટરે તેના બોય ફ્રેન્ડને બોલાવ્યો, તેમણે કેફી પદાર્થના નસામાં નાનકડી દીકરીને ટરકી(Turkey) સમજીને ઓવનમાં મુકી દીધી…બન્ને સોફા પર કઢંગી હાલતમાં પકડાયા, બન્નેને સજા થઇ. પરંતુ મા-બાપે બાળકી ગુમાવી.
મેં રમેશને American Immigration વિષે બન્ને દીકરીની તથા અમારા વ્યવસાયની વિટંબણા વ્યક્ત કરી; “આપણે ત્યાં આપણો તબીબી વ્યવસાય આ રીતે ચાલુ રાખી શકીશું?” મારા પતિને હંમેશા નવું કરવું ગમે. રમેશે બહુ ઉત્સાહ દાખવ્યો; “આપણી દીકરીઓને કોઈ સોબત નહી નડે. હા પાડી દે, આપણે ફરી વખત Residency કરવી પડે તો કરીશુ.” જરૂરી કાર્યવાહી શરુ કરી દીધી, અમારી અરજી ફાઈલ થઇ ગઈ. ૪વર્ષે (૧૯૮૪માં) અમને ચારેયને Immigration Visas (Green Cards) મળી ગયા.
મારા સાસુ સસરાને જણાવ્યું અમે બે ચાર વર્ષ વધુ અભ્યાસ અર્થે અમેરિકા જઈએ છીએ.૧૯૮૪ના ફેબ્રુઆરીમાં વિસા કોલ આવ્યો. બન્ને દીકરીએ એપ્રિલમાં પરીક્ષા આપી, ત્યાર બાદ અમે એપ્રિલ ૩૦ ના બોસ્ટન-અમેરિકા ઊતર્યા.
ક્રમશઃ
