પારુલ ખખ્ખર

‘આ ઉનાળાને તો ભડાકે દેવો જોઇએ’- કહીને પરસેવો લૂછતા મનેખ બળાપો કાઢતા રહે છે અને ઉનાળો દસ માથાળા રાવણની જેમ અટ્ટહાસ્ય કરતો  હાહાકાર બોલાવતો રહે છે. દિવસો દ્રૌપદીના ચીરની જેમ લાંબા ને લાંબા જ થતાં જાય અને રાતો મખમલના તાકા જેવી ઉકેલો ન ઉકેલો ત્યાં તો ખતમ! આ ઉનાળો ચ્યુંગમની જેમ આટલો ખેંચાતો કેમ જાય છે? જાન્યુઆરીથી શરુ કરીને છેક જૂનના અંત સુધી જળોની જેમ વળગેલો રહે છે. મન તો મોર બનીને નાચવા થનગનતું હોય, ચાતકની જેમ તરસ્યું હોય, કોયલની જેમ ટહુકી ટહુકીને વર્ષાને નોતરું દેતું હોય પણ ઉનાળો જાય તો ને!

એપ્રિલ-મેના આકરા તાપ વેઠ્યા પછી જૂન બેસે ત્યારે આશા બંધાય કે ‘હાશ… હવે સુખના દા’ડા આવશે!’ પણ જૂન તો સૌથી વધુ કવરાવે. કાળઝાળ તડકાની આણ જરા ઓછી થઈ હોય પણ બફારો તો બાપરે… કેમેય જીવવા ન દે! ગમે એટલી વાર નહાઓ પણ પરસેવો જનમ જનમની પ્રીત હોય તેમ દૂર જ ન થાય! હાં, એટલું ખરું કે રાત્રે બાર વાગ્યા સુધી પણ ન ડોકાતો એ વાયરો હવે નવ વાગતાં સુધીમાં વિંઝણો લઈને હાજર થઈ જાય છે. પણ સાચી ઠંડક તો વરસાદની! એ ન આવે ત્યાં સુધી વાયરા-બાયરા તો માર્યા ફરે! .

જૂનનું છેલ્લું અઠવાડિયુ શરુ થાય અને પડોશીના બાળકોની જેમ વાદળા હાઉકલી કરવા લાગે. આવે નહીં પણ મોઢું બતાવીને ચલ્યાં જાય! કેરી તો હજુ ધરાઈને ખાધી ય ન હોય ત્યાં તો મોંઘેરા મહેમાનની જેમ ચાલતી થઈ જાય. પરંતુ ગોટલા તો ફળિયામાંથી ઓસરીમાં અને ઓસરીમાંથી ફળિયામાં એમ અહિંથી તહિ હડિયાપાટી કરતાં રહે. વરસાદનો જાસો આવ્યો હોય તેમ કામઢી ગૃહિણીઓ માળિયા પરથી છત્રીઓ ઉતારી લે, ફાટી-તૂટી હોય તો સંધાવી લે.. કેરીનાં ખાલી બોક્ષ અને તેલના ખાલી ડબ્બા યાદ કરીને ભંગારીયાને વેચી દે, અને જો એકાદ ઝાપટું એના પર પડી ગયું હોય તો કોઈપણ ભાવે ફૂંકી મારે. હજુ તડકાનું સામ્રાજ્ય વિલિન ન થયું હોય ત્યાં જ આ હુતિયણો  યાદ કરી કરીને તડકાનો કસ કાઢવામાં લાગી પડે. ચાનો મસાલો મીક્સરમાં ઘરઘરાટી બોલાવતો બોલાવતો હવાચુસ્ત ડબ્બામાં કેદ થવા લાગે. વડીલો માટેના સુંઠ-પીપરીમૂળ ધબાધબ ખાંડણિયામાં ખંડાવા લાગે અને મોટા અક્ષરે સ્ટીકર મારેલી બોટલોમાં જીનની જેમ પૂરાઈ જાય! આગલા વર્ષના હળદર-મરચામાંથી કાઢેલા હિંગના ગાંગડાનું ભુક્કામાં રુપાંતર થવા લાગે. તલ,વરિયાળી અને અજમો ધમધમાટ શેકાવા લાગે અને પછી ‘હાશ’ કરતી પેલી ગૃહિણી અગાશીએ આંટો મારવા જાય. એના કપાળે બાઝેલા પરસેવાનાં ટીપા વર્ષારાણીને નોતરું મોકલે પણ એમ એ રાણીસાહેબા રીઝે ખરા?

બફારો દિવસે દિવસે વધતો જાય. ખેડૂતો ભીમ-અગિયારસનાં મુહર્ત સાચવીને વાવણી પણ કરી લે અને પછી નેણ પર હથેળીનું નેજવું કરી વરસાદની રાહ જોયા કરે. ક્યારે મારો મહારાજ પધારે ને ક્યારે મારા બી કોળાય! મહારાજ તો વળી માનમોંઘો તે એકાદ ઝાપટું નાંખીને પાછો અંતર્ધ્યાન થઈ જાય. જગતનો તાત બીચારો રંક થઈને ઝૂર્યા કરે. પણ એમ ઉનાળો જાય ખરો? એ તો ટહેલિયાની જેમ આમથી તેમ ટહેલ્યા કરે અને પોતાની હાજરી પુરાવતો રહે. તમારે ના છૂટકે એની નોંધ લેવી પડે. માણસો તો ઠીક ધરતી ય ચકલીના પોટાની જેમ મોઢું ખોલીને વરસાદને ઝંખતી રહે. એ છાના છાના નિસાસા નાંખતી રહે અને એની ઊંડી ઊંડી તિરાડોમાંથી વરાપ નીકળ્યે રાખે. આમ ચારે બાજુથી હડે હડે થાતા માંદલા શ્વાન જેવો જૂન રવાના થાય અને જુલાઈ બેસે! સૌના હૈયે હાશ થાય કે ચાલો…સારા દિવસો બેઠાં. જુલાઇ-ઓગસ્ટમાં તો વરસ્યે પાર!

શરુઆત હોય એટલે જુલાઇનુ માન રાખવા રોજ શાસ્તર મુજબ શુકનનાં કુંકુ છાટણા કરી જાય. પણ બંદો મન મુકીને વરસે જ નહીં ને! સૂકવવા મૂકેલાં ગોટલાને ભેજ અડે એટલે કાળા પડવા લાગે, એના પર માખીઓ બણબણે અને કીડીઓ તો ન જાણે ક્યાંથી પહોચી જાય! અંતે કંજુસની જેમ સાચવી સાચવીને ભેગા કરેલા ગોટલાનો મોહ જતો કરવો પડે. અને કચરાનો ડબ્બો એનું મોક્ષધામ બની જાય! સાંજ પડે એટલે પાંખોવાળા મંકોડાનો ઉપદ્રવ શરુ થાય. આયખુ તો માંડ ચોવીસ કલાકનું હોય પણ ઉપાડો તો એવો લ્યે ને કે જાણે આજરામર થઈને ન આવ્યા હોય! ખેતરાઉ કીડી દિવસ-રાત જોયા વગર ઊંધે માથે ખોરાકનો જથ્થો એકઠો કરવા દોડતી રહે. એને જોઈ પેલી ગઝલ યાદ આવ્યા કરે…ઇસકી ફિતરત ભી આદમી સી હૈ… જમીન આ બધી ચહલ-પહલ ચુપચાપ જોતી રહે અને એની છાતીમાંથી વરાળ નીકળતી રહે.

રસ્તાની બન્ને બાજુએ વાવેલા વૃક્ષો પર નજર પડે અને ચકિત થઈ જવાય. અરે…આ ગરમાળા પર છેક જુલાઈમાં નવો ફાલ કેમ બેઠો? પછી ખબર પડે કે ઉનાળો લંબાયો એટલે ગરમાળો ફરી ખીલ્યો. પ્રકૃતિ તો પોતાની ચાલમાં જ રમતી હોય છે. આપણે જ ઉફરા ચાલવા લાગ્યા છીએ. પીળો સાફો પહેરીને ગરમાળો   ઠાઠમાઠથી ફરી એકવાર વરઘોડે ચડ્યો હોય એવો સોહામણો લાગે છે. ગરમાળાની વાદે વાદે એનો ભાઈબંધ ગુલમહોર પણ લાલચટ્ટાક અચકન પહેરી ફરીવાર મંડપમાં બેઠેલા વરરાજા જેવું છાનુ છાનુ મલક્યા કરે છે. બેય દોસ્તરને જોઈને મનમાંથી આપોઆપ શબ્દો સરી પડે ’ખમ્મા તમારી ભાઈબંધીને!’ ટાણે-કટાણે પવન ફૂંકાય, ધૂળની ડમરી ચડે અને પેલા ગરમાળાની પાંદડીઓ ખરવા લાગે. ગુલમહોર પોતાનો લાલઘુમ વૈભવ રસ્તા પર પાથરી દે. રસ્તો તો જાણે ‘હલ્દી-કંકુ મિલન’માંથી પાછી ફરેલી સ્ત્રી જેવો લાલપીળો થઈને મલકતો રહે. મીઠા લીમડા પર કાળા ફળ બેસે. જાણે કાળી દ્રાક્ષનું ઝુમખું જ જોઈ લ્યો! કડવા લીમડાની લીંબોળીઓ પાકીને પીળીપચ્ચ થઈ જાય અને અંતે ખરી પડે. રસ્તા પરની આવનજાવનને લીધે એ કચડાય અને એક અણગમતી કડૂચી ગંધ વાતાવરણને બગાડી નાંખે. લીંબોળીની સાથોસાથ લીમડાના પાંદડા અને પાતળી સળી જેવી નાની નાની ડાળીઓ પણ સૂકાઈને ખરતી રહે. શિરીષને મોટીમોટી પાપડી બેસે. હમણાં જ જાણે બધા બીજ ખરી પડશે અને ખાલી ખોખા હવા સાથે ખખડવા લાગશે એવું થયાં કરે.

આજકાલ ફળિયમાં કૂણો કૂણો કલરવ સંભળાયા કરે છે. આંગણાનાં પેલ્ટાફોરમમાં ધારીને જોયું તો બુલબુલ પરિવારમાં બે નવા સભ્યોનો ઉમેરો થયો છે. પેલો કાળિયોકોશી તો વરસાદની એંધાણી કળી ગયો હોય તેમ અનોખા ખંતથી માળો બાંધવા મચી પડ્યો છે. કુદરતે કેવી ઘડિયાળ બેસડી હશે કે રોજ સવારે સાડા ચારથી સાડા પાંચ સુધી એ એકધારો થાક્યા વગર બોલે છે. બરાબર સાડા પાંચના ટકોરે તો એ પોતાની નાદલીલા સંકેલીને ચાલતો થાય.પેલાં નનકુડાં બુલબુલિયા એમને સાથ આપવા લાગ્યા હોય એ પણ ચુપ થઈ જાય . સવાર ઉગે ન ઉગે ત્યાં તો ઝાડવામાં હો-દેકીરો શરુ થઈ જાય  પ્રવાસે ઉપડતાં બાળકોની જેમ બધા પક્ષીઓ એકસાથે કલબલ કરવા લાગે અને અડધી કલાકમાં તો બધા પોતપોતાના આકાશમાં ઊડી જાય.

આંગણનું પેલ્ટાફોરમ બેફામ વધ્યું છે. વનપ્રવેશ કરેલા કોઈ ગુજરાતી પુરુષની ફાંદ જેવું એ ગોળાકારે ઘેઘૂર થયુ છે. આ વર્ષે તો થોડુ થોડુ કપાવી જ નાંખવુ છે. વરસાદ તોળાઈ રહ્યો છે. વરસાદ ઝીલ્યા પછી તો એ ઝાલ્યું નહીં રહે. એનાં કરતાં વહેલું કપાવી લેવું સારું. કઠિયારાને બોલાવ્યો છે. આજકાલમાં જ આવશે. પણ સાલું… આ ચકલાં, બુલબુલિયા, પતરંગા, લેલાં, ખિસકોલા સભા ભરીને સમગ્ર માનવજાતિ જેવી મને પણ નિર્દય ધારી લેશે તો?- એ દહેશતથી કઠિયારાને પછી ક્યારેક આવવાનું કહી દીધું. આ કહ્યું ત્યારે ખિસકોલાએ મને ધારીધારીને જોઈ હતી. અને પછી ફટાફટ આ શુભ સમાચાર આખા ઝાડવામાં ફેલાવી દીધા. મને થાય છે કે આજે તો એમના ચૂલે લાપસીનાં આંધણ મૂકાયા હશે ને!

રોજ એકાદુ ઝાપટું આવી જાય છે અને કચકાણ કરીને ચાલ્યું જાય છે. ઠેર ઠેર નાનાનાના ખાબોચિયા ભરાઈ રહે છે. વાહનોની અવરજવરને કારણે એમાંથી ઉડતા કાદવનાં છાંટા કમ્પાઉન્ડવોલને ચિતરી નાંખે છે. ભલે ને ચિતરે… એકવાર મારો વાલિડો ધોધમાર આવશે ને બધાય ચિતરામણ ભૂંસી નાંખશે. વરસાદની આગમચેતી રૂપે ગુલાબને કાપીને બોડો કરી નાંખ્યો છે. જો કે એને કૂંપળો ફૂટી છે, બે ચાર પાંખડીનાં ફૂલ પણ બેસે છે. પણ ચાર પાંખડીના ગુલાબ તે કંઈ ગુલાબ કહેવાય! વરસાદ પડવા દો ને… ગોટા જેવા ગુલાબ ન બેસે તો કહેજો મને! તડકા સામે લડી લડીને શો-પીસના નાજુક છોડવાઓએ તો જાતે જ કેસરિયા કરી લીધા છે. બચી ગયેલા એકએક પાંદડાને શેઇપમાં કટીંગ કરવું પડ્યુ છે. કુંડા-ક્યારાને વાળી-ચોળીને ચોખ્ખા કરી નાંખ્યા છે. કટીંગ કરેલા છોડવાઓ સ્કૂલે જવા તૈયાર થયેલા આજ્ઞાંકિત બાળકો જેવા ડહ્યાં-ડમરાં લાગે છે.

બફારો વધતો જાય છે. રાતોની બેચેની બેવડાતી જાય છે. પવન સાવ પડી ગયો છે. સ્તબ્ધ જળાશયો ભેંકાર દીસે છે. ડેમમાં પાણીની બદલે કાંકરા ઉડે છે. ગરમીને કારણે વારંવાર સાપ દર્શન દેવા નીકળી પડે છે. સમગ્ર સૃષ્ટિ સ્થિર થઈ ગઈ છે. સૌની અભિલાષાને વાચા આપતો હોય તેમ મોરલો નાનકડી વાદળીને જોઈને બોલી પડે છે ‘મે..આવ…’ ‘મે…આવ….’. બધા જ જીવ ચાતકનું રૂપ લઈને રાહ જોઈ રહ્યાં છે અને આવામાં ચોમાસું આવું આવું થાય છે.


સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.