પૂર્વી મોદી મલકાણ
તારીખ : ૨ ડિસેમ્બર, ૨૦૨૫
ભારત તરફની અમારી યાત્રાનો આરંભ થઈ ચૂક્યો હતો. બહારથી જોતા તે એક સામાન્ય પ્રવાસ લાગતો હતો, પરંતુ મારા અંતરમાં એકસાથે અનેક યાત્રાઓ ચાલી રહી હતી. પરંતુ મનની યાત્રા તો કંઈક જુદી જ હતી… તેનો પ્રારંભ તો જાણે અજાણતા જ થઈ ગયો હતો.
મારા હાથમાં ત્રણ મોટા પ્રોજેક્ટ હતા. પહેલું—પરિવારના શુભ પ્રસંગોમાં હાજરી, બીજું—મારા સ્વપ્ન સમાન ગંગા પ્રોજેક્ટનું સંશોધન, અને ત્રીજું—રોજ લખવાનો હિન્દી લેખ (કોલમ). અઠવાડિયામાં એકવાર નહીં, પરંતુ દરરોજ આખા દિવસના અનુભવને શબ્દોમાં ઉતારવાનો અનોખો પડકાર. આ બધાની વચ્ચે મારી તબિયત પણ નાજુક હતી. શરીર દરેક ક્ષણે પોતાની મર્યાદા યાદ અપાવતું હતું, છતાં મન હાર માનવા તૈયાર નહોતું.
મને વારંવાર લાગતું કે હું પણ એક સૈનિક જ છું. ફરક માત્ર એટલો હતો કે અમારા મોરચા અને શસ્ત્રો જુદા હતા. જ્યાં સૈનિકના હાથમાં બંદૂક હોય છે, ત્યાં મારા હાથમાં કલમ હતી. તેમનું યુદ્ધ મેદાન સરહદ હોય છે, મારું યુદ્ધ મેદાન મન અને સમય હતા.
હિન્દી બોલવામાં મને ક્યારેય અડચણ નહોતી, પરંતુ લખવા બેસું ત્યારે મારી અંદરની ગુજરાતણ વીજળીના ચમકારાની જેમ વારંવાર ઝબકી ઊઠતી. વિચારો હિન્દીમાં વહેવા માંગતા, પરંતુ ક્યાંક કોઈ ગુજરાતી શબ્દ સહજ રીતે આવીને બેસી જતો. ભાષા અને ભાવ વચ્ચે ચાલતો આ સંવાદ રોજનો સંઘર્ષ બની ગયો હતો.
હું વિમાનમાં બેઠી હતી, પરંતુ મન ક્યાંય સ્થિર નહોતું. દર થોડા પળે એક નવો વિચાર જન્મતો અને પહેલો વિચાર ક્યાંક ઓગળી જતો. પ્લેનની બારીમાંથી અનંત આકાશને જોતાં જોતાં મને સમજાયું કે ક્યારેક મનમાં શબ્દોનો સૌથી મોટો ઘોંઘાટ હોય છે, ત્યારે હોઠ સૌથી વધુ મૌન થઈ જાય છે.
પણ એ મૌન વચ્ચે પણ વિચારો શબ્દરૂપે જન્મ લઈ ચૂક્યા હતા—કસાચ કોલમના રૂપમાં, તો કદાચ અછાંદસના રૂપમાં? આજે એ કહેવું મુશ્કેલ છે કે એ કઈ શૈલી હતી, કારણ કે એ શબ્દો નહોતા—એ એક લેખકના મનમાં ચાલતા સંઘર્ષ, અવ્યક્ત શબ્દોનું મૌન અને તેની અભિવ્યક્તિના સાક્ષી હતા. ને અત્યારે ચાલી રહેલી આ યાત્રા પણ તેની જ સાક્ષી હતી.
મારી અંદર કશું ચૂપ રહેતું નથી,
ને મૌનમાં વસવું મને ફાવતું નથી.
હૃદયમાં ઉછળે શબ્દોના વાવાઝોડા,
પણ હોઠો પર અચાનક શાંતિ છવાઈ જાય છે.
કહેવા માટે શબ્દો છે અઢળક,
દરેક પોતાનું સ્થાન માગે છે.
છતાં કલમ હાથમાં આવતાં જ
પાનું એટલું વિશાળ લાગે છે
કે શબ્દો પણ પોતાનો રસ્તો
ક્યાંક ભૂલી જાય છે.
કલમ પણ જાણે પૂછે છે—
“ખરેખર શું લખવું છે?”
અને હું
જવાબ શોધતી શોધતી
મારી અંદર જ ઉતરી જાઉં છું.
ક્યારેક ડર છે કે લખાઈ જશે તો
હું ખુલી જઈશ પૂરી રીતે.
શાયદ આ ખોવાઈ જવું જ
મારું સાચું કહેણું છે.
અને હું ચૂપ રહીને પણ
પાનાં પર
ધીમે ધીમે
વહેતી રહું છું…
ક્યાંક અંદરથી.
🌿 અંતિમ નોંધ
આ માત્ર શબ્દો નથી—
એક યાત્રામાંથી જન્મેલા વિચારોની ધડકન છે જેને આ સમયે કેવળ હું જ મહેસૂસ કરી રહી હતી. જે જેટ ✈️ ની ગતિએ આગળ આગળ વધતા હતા વગર પાછળ જોયા વગર.
©️ 2026 પૂર્વી મોદી મલકાણ ( હવાઈ)
