ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કોઈ બીમારીથી બાળકનું મૃત્યુ થાય ત્યારે નજર સહજ રીતે એ બીમારી તરફ જાય છે. પરંતુ એક જ વિસ્તારમાં એક પછી એક બાળકોનાં મોત થવા લાગે, ત્યારે બીમારી કઈ છે એનાથી આગળ વિચારવું પડે. મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના બૈગા આદિવાસી વિસ્તારમાં થયેલાં બાળકોનાં મૃત્યુની ઘટના આવો જ સવાલ ઊભો કરે છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે અહીં ઓછામાં ઓછાં ૩૧ બાળકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. મોટા ભાગનાં બાળકો બૈગા સમુદાયનાં અને બૈહર તથા બિરસા બ્લૉકનાં દૂરનાં ગામોમાં રહેતાં હતાં. શરૂઆતમાં મૃત્યુઆંકડો ૨૫ જેટલો હતો, જે પછી વધ્યો.
આ ૩૧ બાળકોનાં મોત માટે કોઈ એક જ બીમારીને સત્તાવાર રીતે જવાબદાર ઠેરવવામાં આવી નથી. કેન્દ્રની તપાસમાં ઓરી, મેલેરિયા, ઓરી-મેલેરિયાનો એકસાથે ચેપ, શ્વાસ લેવામાં તકલીફ, ડિહાઇડ્રેશન, કુપોષણ, એનિમિયા જેવી જુદી જુદી તબીબી પરિસ્થિતિઓ જણાવવામાં આવી છે. કેટલાક બાળકો હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામ્યા હોવાથી તેમના કેસમાં તબીબી માહિતી પણ મર્યાદિત હતી.
બૈગા સમુદાયને ભારત સરકારે પી.વી.ટી.જી. (પર્ટીક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગૃપ્સ) એટલે કે ‘અતિ નબળા આદિવાસી સમૂહ’માં મૂક્યો છે. બિમારીનો પ્રકાર અને સમુદાયની આવી ઓળખ પહેલી નજરે એવો અભિપ્રાય બાંધવા પ્રેરી શકે કે આ લોકો પછાત છે, તેમની પોતાની માન્યતાઓ છે, તેઓ રસી લેવામાં સંકોચ અનુભવે છે, સારવાર માટે તબીબી નહીં, પણ પરંપરાગત ઉપચાર તરફ વળે છે અને તેથી આવી દુર્ઘટનાઓ બને છે. પરંતુ વાત એટલી સરળ નથી.
આ વિસ્તારમાં ઓરી અને મેલેરિયા બંને ચિંતાનો વિષય છે. ઓરીથી બચવા રસી ઉપલબ્ધ છે, જ્યારે મેલેરિયાની સમયસર તપાસ અને સારવાર થઈ શકે છે. છતાં કોઈ બીમારી વધારે ઘાતક ત્યારે બની શકે, જ્યારે બાળક પહેલેથી જ કુપોષિત હોય, તેને એનિમિયા હોય, ડિહાઇડ્રેશન હોય અને સારવારસ્થળ સુધી પહોંચવામાં મોડું થાય. બાલાઘાટના કિસ્સામાં આ બધાં પરિબળો એકબીજા સાથે જોડાયેલા હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગની તપાસમાં મોટી સંખ્યામાં બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ હજારો બાળકોની તપાસ કરી છે અને ગંભીર કુપોષણ ધરાવતા બાળકોને પોષણ પુનર્વસન કેન્દ્રોમાં દાખલ પણ કરવામાં આવ્યા છે. એટલે આ ઘટનાને માત્ર ચેપી રોગના પ્રકોપ તરીકે જોવાથી આખું ચિત્ર સમજાશે નહીં. આરોગ્યસેવા સુધી પહોંચવાનો સવાલ પણ એટલો જ મહત્વનો છે.
બૈગા વિસ્તારોનાં કેટલાક ગામો ખૂબ દૂર અને જંગલ વિસ્તારમાં છે. રસ્તા અને વાહનની મુશ્કેલીને કારણે ગંભીર રીતે બીમાર બાળકને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવામાં સમય લાગે છે. કેટલાક કિસ્સામાં બાળકો હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામ્યાં હોવાની વાત તપાસમાં નોંધાઈ છે. એટલે ‘હોસ્પિટલ હતી કે નહીં?’ને બદલે ‘બાળકને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા હતી કે નહીં?’ એ સવાલ વધુ અગત્યનો બને છે.
રસીકરણનો મુદ્દો પણ છે. ઓરી સામેના રસીકરણમાં ખામી હોવાની વાત અહેવાલોમાં થઈ છે. રોગચાળો ફાટી નીકળ્યા પછી આરોગ્ય વિભાગે રસીકરણ અભિયાન વધાર્યું અને એક થી દસ વર્ષની ઉંમરનાં ૧૪,૬૦૦થી વધુ બાળકોને વધારાનો ઓરી-રૂબેલા રસીનો ડોઝ આપવામાં આવ્યો. આ આંકડો દર્શાવે છે કે રસીકરણ અહીં તપાસનો મહત્વનો મુદ્દો છે. પરંતુ રસીકરણમાં ખામી હોય તેનો અર્થ માત્ર એટલો નથી કે લોકો ‘રસી લેતા નથી’. આરોગ્યસેવા ગામ સુધી કેટલી નિયમિત રીતે પહોંચે છે, લોકોને રસી અને બીમારી વિશે તેમની ભાષામાં કેટલી સમજ આપવામાં આવે છે અને આરોગ્ય વ્યવસ્થા પર તેમનો કેટલો વિશ્વાસ છે-આ સવાલો પણ પૂછવાના થાય છે.
બૈગા લોકો ઓરીને ‘છોટી માતા’ કહે છે. કેટલાક પરિવારો પરંપરાગત ઉપચાર તરફ પણ વળે છે. પરંતુ એના આધારે સમગ્ર સમુદાયને આધુનિક સારવારનો વિરોધ કરતો ગણવો યોગ્ય નથી. કોઈ પણ સમુદાયની પરંપરાને સમસ્યાનું મૂળ કારણ માની લેતાં પહેલાં એ જોવું જરૂરી છે કે સરકારી આરોગ્યવ્યવસ્થા પોતે કેટલી પહોંચે છે. ખોરાકનો પ્રશ્ન પણ અહીં જોડાય છે. બૈગા લોકોના પરંપરાગત ખોરાકમાં કોડો અને કુટકી જેવા અનાજનો ઉપયોગ થતો આવ્યો છે. ખોરાકમાં ફેરફાર થાય ત્યારે પોષણ પર તેની અસર પડી શકે છે.
આ આખી ઘટના વચ્ચે પત્રકારો સાથે જે બન્યું તે પણ ધ્યાન ખેંચે છે. આ બાળકોનાં મૃત્યુની તપાસ કરવા બાલાઘાટ પહોંચેલા કેટલાક સ્વતંત્ર પત્રકારોએ તેમનો પીછો કરવામાં આવતો હોવાનો, સાદાં કપડાંમાં રહેલા લોકો દ્વારા તેમની હિલચાલ પર નજર રાખવામાં આવતી હોવાનો અને તેમની પૂછપરછ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો. કેટલાક પત્રકારોએ જણાવ્યું કે તેમને હોટેલ છોડીને ચાલ્યા જવાનું દબાણ કરવામાં આવ્યું અને આખરે તેમને બાલાઘાટ છોડવું પડ્યું. દરમિયાન જિલ્લા પ્રશાસને હોસ્પિટલોમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકતો આદેશ પણ બહાર પાડ્યો હતો. થોડા કલાકોમાં આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે આદેશ ઉતાવળમાં બહાર પડ્યો હતો અને તેનો હેતુ મીડિયા કવરેજ રોકવાનો નહોતો, પરંતુ હોસ્પિટલોમાં વિરોધ-પ્રદર્શન રોકવાનો હતો.
આનો અર્થ એ પણ ખરો કે સરકાર નથી ઈચ્છતી કે આ બાબતની બહારના લોકોને જાણ થાય. સરકારે આરોગ્યવ્યવસ્થા મજબૂત કરવા નવા તબીબી અધિકારીઓની નિમણૂક, નવા આરોગ્ય કેન્દ્રો અને મોબાઇલ મેડિકલ યુનિટ જેવી વ્યવસ્થાઓ કરવાની જાહેરાત પણ કરી છે.
બૈગા લોકોની પરંપરાઓને દોષ આપીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. રસીકરણ, પોષણ, સમયસર સારવાર અને દૂરનાં ગામો સુધી આરોગ્યસેવા પહોંચાડવાની જવાબદારી સરકારની છે. કેમ કે, સવાલ માત્ર બાળકોને કયો રોગ થયો એનો નથી; સવાલ એ પણ છે કે તેમને સમયસર સારવાર કેમ ન મળી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨- ૧૦– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
