હરેશ ધોળકિયા

ગુજરાતમાં પુષ્કળ યુનીવર્સીટીઓ છે. પુષ્કળ મોંઘી છે. દરેક પોતાને “ગ્લોબલ” ગુણવતાની માને છે ! અને છતાં આ યુનીવર્સીટીઓમાં કેટલું સંશોધન થાય છે તે તપાસ કરવામાં આવે, તો નવ્વાણું ટકા તેમાં નાપાસ થાય છે. ભારતીય ઉત્તમ યુનીવર્સીટીઓમાં કોણ ઉત્તમ છે તે યાદીઓમાં ( આઈ.આઈ.એમ.ને બાદ કરતાં ) કોઈ નથી દેખાતી. વિશ્વનો તો સવાલ જ નથી !! છતાં ગુજરાત શિક્ષણમાં ઉત્તમ છે તેવા બણગા રોજ ફૂંકાય છે.

આ બધા સામે એક વ્યક્તિ એવી ઊભી છે જે બધી યુનીવર્સીટીઓ મળી જે સંશોધન ન કરી શકે, તેનાથી વધારે સંશોધન કરે-કરાવે છે, એકલે હાથે ! આજે કલાના ક્ષેત્રમાં ગુજરાતમાં જે કામ થાય છે, તેનું ઉત્તમ દસ્તાવેજીકરણ આ વ્યક્તિ પોતા સાથે અનેક લોકોને જોડીને કરે છે. પોતે પણ કલાકાર છે, પણ પોતાનું કામ ગૌણ કરીને ગુજરાતના કલાકારોને કેમ આગળ લાવવા અને ગુજરાતમાં કલાનું ધોરણ કેમ ઉત્તમ કરવું તે કામ રાત-દિવસ કરે છે. પુષ્કળ સાધારણ યુનીવર્સીટીઓ સામે આ વ્યક્તિ “ વન મેન યુનીવર્સીટી” જેમ પગ ખોડીને ઊભી છે.

આ વ્યક્તિ એટલે શ્રી રમણીકભાઈ ઝાપડીઆ. સુરતના વતની. એક ઉત્તમ ચિત્રકાર. પણ તેમનું ધ્યેય છે ગુજરાતના કળા જગતની ગુણવતા શ્રેષ્ઠ કરવી. જેઓ આ ક્ષેત્રમાં કામ કરે છે, તેમને પોષવા અને પ્રોત્સાહિત કરવા અને તેમનાં કામને ગુજરાત સામે મુકવું. આ કામ તેઓ “કલાતીર્થ ટ્રસ્‍ટ” ના નેજા હેઠળ કરી રહ્યા છે. આજ સુધી આ ટ્રસ્‍ટ હેઠળ તેમણે વિવિધ વિષયોના ૩૮ કળા ગ્રંથો પ્રકાશિત કર્યા છે અને બે સંશોધન ગ્રંથો પ્રકાશિત કર્યા છે જે જોઇને માત્ર ગુજરાતના જ નહિ, પણ વિશ્વના વિવેચકો અને સંશોધકો મોમાં આંગળી નાખી ગયા છે. આ એક એક ગ્રંથ પોતે ડોકટરેટનો ગ્રંથ જેવો છે. અનેક વ્યક્તિઓ મળી એક ગ્રંથ તૈયાર ન કરી શકે, તેવા ગ્રંથો રમણીકભાઈએ તૈયાર કર્યા છે. કહો કે ૩૮ ઉતમોતમ ડોકટરેટના ગ્રંથો છે. આ ગ્રંથો તૈયાર કરનારાઓમાં ભાગ્યે જ કોઈ ડોકટરેટ છે ! પણ જેમણે આ ગ્રંથ તૈયાર કર્યા છે, તેઓ ઉત્તમ સંશોધકો અને અભ્યાસીઓ છે. તેમના આ ગ્રંથો જોઇને જ સાચા કેળવણીકાર તેમને ડોકટરેટ આપી જ દે.  રમણીકભાઈ જો વિદેશમાં હોત, તો તેમને નોબેલ નજીકનું કોઈ ઇનામ ચોક્કસ મળ્યું હોત.

આ ગ્રંથો પર નજર કરીએ તો તેમનું વૈવિધ્ય આપણને ચકિત કરે છે. તેમાં શ્રેષ્ઠ ચિત્રકારો કે શિલ્પીઓની કલાના પરિચય આપતા ગ્રંથો છે, કલાની ઊંડી સમજ આપતા ગ્રંથો છે, લોક સંસ્કૃતિઓની કલાને સમજાવતા ગ્રંથો છે. વિસરાતી વિરાસતોના ગ્રંથો છે, હસ્તકલાને લગતા ગ્રંથો છે, ગુજરાતના એક સદી જુના ઉત્તમ સામયિક “કુમાર”ના સારરૂપ પાંચ ગ્રંથો છે, કેટલાક ઈતિહાસ ગ્રંથો છે, મૂર્તિ કળા, કાસ્ટ કળા વગેરેને સમજાવતા ગ્રંથો છે, વિશિષ્ઠ મંદિરોની કલાને સમજાવતા ગ્રંથો છે. આમ કળા વિષયક લગભગ દરેક મુદાને સમજાવતા આ ગ્રંથો કલાનું એક વિશિષ્ઠ પુસ્તકાલય બની ગયું છે. કોઈ પણ ગ્રંથ પર માત્ર નજર પણ ફરે, તો વ્યક્તિની આંખો સૌન્દર્યથી છલકાઈ જાય છે. તેના સામે એક નવું જ, અદ્‍ભુત, સૌન્દર્યમંડિત વિશ્વ ખડું થાય છે. પોતા આસપાસ કેવી અને કેટકેટલી કલાઓ પથરાઈને પડી છે તેનો તેને ખ્યાલ આવે છે, પોતાની આસપાસ કેવા કેવા ઉત્તમ કલાકારો વસે છે, જેને આપણે જાણતા પણ નથી, તે સમજાય છે ! ને ગ્લાની જન્માવે છે. પોતા આસપાસ કેવા કેવા શિલ્પો છે જે જોવાનો તેના પાસે સમય પણ નથી. ત્યારે ખ્યાલ આવે છે કે કેવળ ઇટાલીના વેટિકનમાં જ સૌન્દર્ય નથી, આપણી આસપાસ રહેલ અનેક સ્થળો, ઘરો, હવેલીઓ, ધર્મ સ્થાનો, વગડાઓમાં પણ તેમના જેટલું જ સૌન્દર્ય પથરાયેલ છે.

આ ગ્રંથો તે જોવા માટે કે આપણા આસપાસ રહેતા કલાકારોને મળવા માટેની જિજ્ઞાસા જન્માવે છે. આપણને એ બાબતે પણ સભાન કરે છે કે મોબાઈલ, ટી,વી. કે કુટુંબ બહાર પણ એક વિશાળ જગત છે જેને આપણે આજીવન માણવાનો કલ્પનાતીત મોકો ચુકી જઈએ છીએ. દરેક ગ્રંથ પોતે જ એક ચિત્ર છે, શિલ્પ છે, કળા છે, ઈતિહાસ છે, સંસ્કૃતિ છે. દરેક ગ્રંથ આપણને એક અનોખા વિશ્વમાં પ્રવાસ કરાવે છે અને બધા ગ્રંથોનો સત્સંગ થાય તો તો માનવજાતના સમગ્ર સમય ખંડમાં આપણે યાત્રા કરીએ છીએ. આ બધા ગ્રંથોનો અભ્યાસ કરવો હોય તો ઓછામાં ઓછા બે ત્રણ જીવન તો જોઈએ જ.

રમણીકભાઈ માત્ર ગ્રંથો પ્રકાશિત કરીને અટકી નથી ગયા. તેમને માત્ર ભૂતકાળ કે વર્તમાન કલાકારોમાં જ રસ નથી, તેમને તો એક ભાવિ ઉત્તમ સંશોધકો અને કલાકારોની પેઢી ઊભી કરવી છે. કલાનો આ શાશ્વત વારસો ચાલુ રાખવો છે. નવા કનુ દેસાઈઓ, નવા વાસુદેવ સ્માર્ત, નવા પ્રાણલાલ પટેલો ગુજરાત અને દેશને આપવા છે. એટલે આ ગ્રંથો પ્રકાશિત કરવાની સાથે સાથે હવે તેમણે “ સંશોધન કાર્યક્રમ “ શરુ કર્યો છે. આ હેઠળ તેઓ ગુજરાતની બધી જ યુનીવર્સીટીઓમાં અભ્યાસ કરતા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને આવા બધા વિષયો પર સંશોધન કરી પેપર્સ તૈયાર કરવાનો પડકાર ફેંકે છે અને તેમને પુરસ્કારે પણ છે. આ નવોદિતોનાં સંશોધન પેપર્સ જોઈએ તો આશા જાગે છે કે ચાલો, સંશોધનનાં વ્યાપક રણ વચ્ચે આ લોકો રણદ્રીપો જેવા દેખાય છે. યુનીવર્સીટીઓ પાસે તો આજે આશા રાખી શકાય તેમ નથી, પણ આ સંસ્થામાં તૈયાર થયેલા યુવા સંશોધકો કલાના અને સંશોધન જગતને ચોક્કસ જીવંત અને ઉજ્જવળ રાખશે.

છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં આ નવા યુવા સંશોધકોનાં સંશોધનો વાંચીએ છીએ તો તૃપ્તિનો ભાવ થાય છે. રમણીકભાઈનું આ કામ પણ તેમને એક વિશિષ્ઠ ગૌરવ પ્રદાન કરે છે.

આ સાથે તેઓ આ કલાકારો પાસે ઉત્તમ ચિત્રો દોરાવી વિવિધ સંસ્થાઓને ભેટ આપે છે. અનેક મ્યુંઝીયમો આવા ચિત્રોથી સમૃદ્ધ થયા છે અને થઇ રહ્યા છે. તેના કારણે કલાકારોને પણ પ્રોત્સાહન મળે છે. નવા નવા કલાકારો આવે છે. કળા જગત સમૃદ્ધ થાય છે.

હવે તેમણે એક નવું પગલું પણ ભર્યું છે. આ બધા ગ્રંથો ગુજરાતીમાં પ્રકાશિત થાય છે. પરિણામે તેમનો વ્યાપ કેવળ ગુજરાત રહે છે. આ ગ્રંથોના વિષયો અને ગુણવતા આંતરરાષ્ટ્રીય છે , પણ ભાષાની મર્યાદાને કારણે બાકીનું જગત તેના લાભથી વંચિત રહી જાય છે. એટલે હવે રમણીકભાઈ હવે જે ગ્રંથો પ્રકાશિત કરે છે, તે ગુજરાતી અને અંગ્રેજી-એમ બને ભાષાઓમાં પ્રકાશિત કરે છે. પરિણામે હવેથી આ ગ્રંથોનો લાભ સમગ્ર જગતના જિજ્ઞાસુ અભ્યાસીઓ અને સંશોધકોને મળશે.

એક ખાસિયત એ પણ જોવા મળે છે કે વર્ષે એકાદ ગ્રંથ નથી પ્રકાશિત કરતા. થોડા થોડા સમયે નવા નવા ગ્રંથો આવતા રહે છે. અમે ઘણી વાર તેમને ફરિયાદ કરીએ છીએ કે આગલો ગ્રંથ હજી પુરો જોયો પણ નથી, ત્યાં નવો ગ્રંથ હાજર થઇ જાય છે. એક ગ્રંથનો અભ્યાસ કરતાં પણ છ માસ લાગે, ત્યાં આ 3૮ ગ્રંથો વાંચવા માટે ખાસ સમય કાઢવો પડે. પણ તે તો સાંભળતા જ નથી.  બસ. સતત ગ્રંથો મોકલ્યા જ કરે છે.

સૌથી અદ્‍ભુત બાબત એ છે કે તેઓ આ ગ્રંથો બધા જીજ્ઞાસુઓને તદન વિના મૂલ્યે આપે છે. દરેક ગ્રંથની ઓછામાં ઓછી રૂ. ૫૦૦ જેટલી કીમત હોઈ શકે, પણ તેઓ તો બધાને ‘ફ્રી’ આપે છે. એક પૈસો પણ લેતા નથી કે ઉઘરાવતા નથી. દાતાઓ પાસે દાન લઇ આ ગ્રંથો પ્રકાશિત કરે છે. એટલે, આ દાતાઓ પણ આભારને પાત્ર છે કે તેઓ આવી પ્રવૃતિને પ્રોત્સાહિત કરી સંસ્કૃતિ જાળવણીમાં ઉપયોગી થાય છે. નકરા મુડીવાદી સમયમાં આવી બીનનફાકારક પ્રવૃતિને ઉતેજન આપવું એ પણ નાનું કાર્ય નથી.

કળા સંસ્કૃતિનું રખોપું કરવાનું કામ કઠીન છે. તે સમય અને શક્તિનો ભોગ માગે છે. રમણીકભાઈ જાણે ભેખ લઈને આ ધૂળધોયું કામ કરવાની હાથ લઈને બેઠા છે. તેમની સતત સક્રિય રહેવાની અને વિવિધ કાર્યો કરવાની શક્તિ બધાને આશ્ચર્યચક્રિત કરે છે. સાથે પ્રેરણા પણ આપે છે.

આ કાર્ય બહુ મોટું છે, હિમાલય પર્વત ઉપાડવા જેવું છે. સંસ્થાઓ પણ તે કરતાં ખચકાય ત્યારે રમણીકભાઈ તે એકલે હાથે કરી રહ્યા છે તે કલ્પનાતીત છે. આજના સ્વાર્થી જમાનામાં માની ન શકાય તેવું. ત્યારે કળા અને સંશોધન જગતના બધા જ લોકોએ તેમના પડખે ઊભા રહીને તેમને હાર્દિક સહકાર આપવો જોઈએ. સંસ્કૃતિ એટલે કઈ ધાર્મિક રીવાજો કે પરંપરાઓ જાળવવી તે નથી, પણ સમાજની અને દેશની સંસ્કૃતિનાં વિવિધ પાસાઓને જાળવવા અને તેનું સંવર્ધન કરવું એ છે. આ કામ જે કોઈ કરતુ હોય તેમને બિનશરતી મદદ કરાવી જોઈએ. આપણા સામે અત્યારે વન મેન યુનીવર્સીટી જેવા આ રમણીકભાઈ આ કામ કરી રહ્યા છે. તેમના પડખે ઊભા રહેવાશે તો આ કાર્ય વર્ષો સુધી ચાલુ રહેશે અને સંસ્કૃતિ સમૃદ્ધ થતી રહેશે.

આજથી એક સદી પહેલા ગુજરાતના કળાગુરુ રવિશંકર રાવળે તેમના સામયિક “કુમાર” દ્વારા કળા સંવર્ધનની જે ઝુંબેશ ઉપાડી હતી, તેને આજે રમણીકભાઈ નવીન સ્વરૂપે કરી તેમને યોગ્ય અંજલી આપી રહ્યા છે.

આ સંસ્કૃતિ પુરુષ વંદનને પાત્ર છે.


( કચ્છમિત્ર : તા: ૨૫-૧૦-૨૬: રવિવાર)

૦૦૦૦૦

હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com