વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પગદંડીનો પંથી – ભાગ ૧ – (૨૩) – વધુ પડતો વિશ્વાસ કે બેદરકારી

    એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

    ડૉ.પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ

    પાસ થયા અને ડિગ્રી મળી ગઈ એટલે કોઈપણ ડૉક્ટરનું ભણવાનું, શીખવાનું બંધ નથી થઈ જતું! એટલે જ ડૉક્ટરો સેમિનાર, કૉન્ફરન્સ અને જાત મહેનતથી up to date રહેવાનો પ્રયત્ન કરતા રહે છે. આત્મશ્રદ્ધા હોવી જરૂરી છે, પણ પોતાની જાત અને આવડત પરનો વધારે પડતો વિશ્વાસ ખતરનાક સાબિત થાય છે. ચોપડી વાંચીને દરિયામાં નાવ તરાવી ના શકાય! જેમ દરેક માણસ જુદો છે, તેમ બધાનાં Appendix જુદાં હોય છે, અને દરેક Appendicitisનો રોગ પણ જુદા-જુદા સ્ટેજ વખતે પુરુષ, સ્ત્રી, બાળક અને વૃદ્ધોમાં જુદી-જુદી રીતે ડૉક્ટરની સામે આવે છે, એટલે માત્ર પુસ્તકિયા જ્ઞાન સાથે પ્રૅક્ટિસ કરવા નીકળેલા ડૉક્ટરો-સર્જનો શરૂઆતના તબક્કામાં ઘણી ભૂલો કરતા જોવા મળે, અને એટલે જ થોડો અનુભવ મેળવવા કોઈ સીનિયરના આસિસ્ટન્ટ તરીકે કામ કરવું, કે કોઈ મોટી હોસ્પિટલમાં ટ્રેઇન થવું જરૂરી હોય છે. પણ આખરે તો જ્ઞાનની પંચેન્દ્રિયો સાથે છઠ્ઠી ઇન્દ્રિય વાપરવાની આવડત અને દરેક સમયે માનસિક રીતે સક્ષમ રહેવું જરૂરી હોય છે.

    પરંતુ આવું ઘણીવાર બનતું નથી હોતું.

    ડૉક્ટર પરેશને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરવાનો અનુભવ ખૂબ કામ આવ્યો હતો. ઘણીવાર એવું બનતું, કે અન્ય સર્જન/Gynaecologistની હોસ્પિટલમાં તેને મુસીબતના સમયે બોલાવવામાં આવતો, ત્યારે તેને કહેવાનું મન થઈ જતું કે, “પહેલીવાર નવો કેસ હાથમાં લેતા હોય, ત્યારે પહેલેથી જ બીજા ડૉક્ટરની મદદ કેમ લેવામાં ના આવી?”

    ડૉ. પરેશ જમીને ત્રણેક વાગ્યે આરામથી સૂઈ ગયા હતા, ત્યાં જ ફોન રણક્યો, “ઑપરેશન થિયેટરમાં આપને અમુક ડૉક્ટર બોલાવે છે.”

    ડૉ. પરેશને સમજતાં વાર ન લાગી કે હવે કંઈક અજુગતું બની ગયું હશે. તરત તૈયાર થઈ ઓટીમાં પહોંચ્યા. ઓટી માટે જરૂરી એવાં કેપ, માસ્ક, ગાઉન ચડાવીને ડૉક્ટર સાથે જોડાયા. જોયું તો એક સ્ત્રી દર્દીને Cystocele હતું તેનું ઑપરેશન કરતાં આંતરડાં તેના પ્રાઇવેટ ભાગમાં આવી ગયાં હતાં. દર્દી ૪૫ વર્ષની આધેડ બહેન. પેશાબની કોથળીનો ફુગ્ગો થાય, જનનેન્દ્રિયમાં દેખાય એને Cystocele કહેવાય.

    ડૉ. પરેશે જોયું કે દર્દીને પેશાબની નળી નાખવી જોઈએ તે હતી નહીં. કેથેટર (ટોટી) નાખીને જોયું તો એ પણ આંતરડા સાથે જ બહાર આવતી હતી, એટલે કે પેશાબની કોથળી કપાઈ ગઈ હતી.

    ડૉ. પરેશને લાગ્યું કે હવે પેટ ચીરીને જ બધું રિપેર થઈ શકે. હવે દર્દીના સગાંને જાણ કરવી જરૂરી હતી કે બીજું મોટું ઑપરેશન કરવું પડે એમ છે. અત્યાર સુધી કમરનો નીચેનો ભાગ બહેરો કરીને (Spinal Anaesthesia)માં જ આ બધું થયેલું, હવે GA (General Anaesthesia) આપવું પડે તેમ હતું.

    ડૉ. પરેશે બહાર દરવાજા આગળ જઈને સગાંને જાણ કરી કે પેટ ચીરીને ઑપરેશન પૂરું કરવું પડશે. એટલે વાર લાગશે, અને મોટું ઑપરેશન છે. (જેણે ઑપરેશન કર્યું હતું એણે આટલી કાપકૂપ કેવી રીતે કરી એ તો એ જ જાણે!)

    ડૉ. પરેશે Exploratory Laparotomy, એટલે કે શું નુકસાન થયું છે તે જોવા પેટ ખોલ્યું. અને અરે ભગવાન, આ શું થઈ ગયું છે?

    આખું Bladder (પેશાબની કોથળી) ટુકડે-ટુકડે કાપી નખાયું હતું, બંને કિડનીઓમાંથી પેશાબ લાવતી નળીઓ છુટ્ટી હતી. આંતરડાને સામાન્ય ઈજાથી વધારે નુકસાન નહોતું, પણ આ કલ્પના બહારનું હતું કે કોઈએ Cystocoleનું ઑપરેશન કરતાં આખું Bladder જ કાઢી નાખ્યું હોય! શું કરવું?

    એક તો Urosurgeon (પેશાબના દર્દોના નિષ્ણાત) મળે એમ નહોતા, જે કંઈ કરવું પડે, એ ડૉ. પરેશે જ કરવાનું હતું.

    ખૂબ વિચાર કર્યા પછી ડૉ. પરેશને સમજાયું કે દર્દીને બચાવવો હોય તો કિડનીમાંથી નીકળતી નળીઓને બંધ કરાય નહીં. એણે બંને કિડનીઓમાં પાતળી ટ્યૂબ નાખીને બહારના પેશાબના રસ્તે કાઢી, અને બેગમાં પેશાબ એકઠો કરવાની વ્યવસ્થા ઊભી કરી.

    Bladderની કોથળીના તો ટુકડેટુકડા કાપી કાઢેલા. કોઈ સંજોગોમાં એ ફરીથી રિપેર થાય એમ નહોતું. બની શકે, કે Urosurgeon કદાચ Rectum (મોટા આંતરડાનો નીચેનો ભાગ) વાપરીને નવું બ્લેડર જેવું બનાવે. પણ એ કામ અત્યારે ડૉ. પરેશ કરી શકે નહીં. દર્દીને તાત્કાલિક Urosurgeonને જ રિફર કરવો પડે તેમ હતું.

    બે-ત્રણ કલાકની મહેનત પછી ડૉ. પરેશ ઓટીની બહાર આવ્યો, અને સીધો ઉપરી અધિકારીની જાણ માટે એમની ઑફિસે જઈ બધી હકીકતથી અવગત કરાવ્યા. તેમણે ડૉ. પરેશ પાસે સંપૂર્ણ હકીકત લેખિતમાં માગી, તે પણ તેણે સ્કેચ દોરીને લખી આપી. કોઈ પણ ના માને એવું કાર્ય એક બિનઅનુભવી, વધારે પડતા ઉત્સાહી Gynaecologistથી થઈ ગયું હતું.

    આ દર્દીને Urosurgeonને ત્યાં મોકલી અપાયો, કે બીજું કંઈ થયું, એ ડૉ. પરેશને ખબર ના પડી, કારણ કે બીજા દિવસે એને પોતાના અંગત કામે પોતાના ગામ જવાનું થયું હતું.

    આવીને તપાસ કરી તો ઑપરેશન કરનાર ડૉક્ટરે કે તેના ઉપરીએ કંઈ જ માહિતી આપી નહીં. સગાંઓ પણ કોણ હતાં તે ખબર પડી નહીં, તેઓ ક્યારેય ફરીથી જોવામાં આવ્યાં નહીં. ડૉ. પરેશને હજી સુધી ઘણીવાર એ પ્રસંગ યાદ આવે અને બેહદ દુઃખી થાય છે, કે શું બની ગયું હશે?

    એવા જ એક ડૉક્ટરે સ્ત્રી નસબંધીનું ઑપરેશન કર્યું. ત્રીજા દિવસે પેટના ઘામાંથી પેશાબ સાથે ચેપ (Infection)ની રસી આવવા માંડી. કેસ ડૉ. પરેશને રિફર થયો.

    ચોખ્ખું જ હતું, કે Fallopian Tubes (અંડકોશવાહિની)ને બંધ કરતાં Bladder (પેશાબની કોથળી)ને નુકસાન થયું હતું, અન એ પેશાબ પેટમાં ભરાતાં ચેપ થયો હતો.

    પેટ ફરીથી ચીરી જોઈને નુકસાન પામેલા Bladderને સાંધવું પડે.

    દર્દી ૩૫ વર્ષનાં બહેન અને તેનો પતિ જે સારી સરકારી નોકરીમાં હતો, તે ગભરાયાં. પણ ડૉ. પરેશ પર વિશ્વાસ મૂક્યો, અને ફરીથી ઑપરેશન માટે તૈયાર થયાં.

    ડૉ. પરેશે ફરીથી પેટ ચીરીને ઑપરેશન કર્યું. ફાટેલી પેશાબની કોથળી Watertight સીવી લીધી, અને પેશાબની ટોટી લાંબા સમય સુધી રાખવાની તાકીદ કરી, કેસ પાછો સોંપ્યો.

    એ બહેનને સારું થઈ ગયું તેના એકાદ મહિના પછી એક દિવસ બંને પતિ-પત્ની ડૉ. પરેશને ઘરે મળવા આવ્યાં.

    “સાહેબ, આપનો ખૂબ આભાર, આપે જીવનદાન આપ્યું.”

    “ભાઈ ખાસ નુકસાન નહોતું, અને મેં જે કર્યું છે તે મારા કામનો જ એક ભાગ છે.”

    “સાહેબ, એક સલાહ લેવી છે.”

    “બોલો.”

    “અમે એ ડૉક્ટર ઉપર કેસ કરીએ?”

    ડૉ. પરેશ ધર્મસંકટમાં મુકાયો. હા કહે, તો ડૉક્ટર સાથે સંસ્થાનું નામ પણ બગડે. આ કેસ રાજકીય પણ હતો, કારણ કે ‘નસબંધી’ (સ્ત્રી-પુરુષ)નું અભિયાન ચાલતું હતું.

    “ભાઈ, જે થવાનું હતું તે થઈ ગયું છે, અને એનાથી બહેનને કંઈ તકલીફ થવાની નથી. આવા સ્ત્રી નસબંધીના ઑપરેશનમાં કોઈવાર અજાણતાં આમ થાય છે. આવા ઘણા કેસ નોંધાયેલા છે, એટલે કોર્ટમાં પણ કદાચ તમારી ફેવરમાં નિર્ણય ના આવે. બને તો એમાં ના પડો તો સારું.”

    “ભલે સાહેબ, આપની વાત સાચી. આપનો ફરીથી આભાર માનીએ છીએ.”

    ડૉ. પરેશે આથી વધારે શું કરી શકે?


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મતદાર ઓળખપત્ર અને આધારકાર્ડનું જોડાણ : ફરજિયાત કે મરજિયાત ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    ચૂંટણી સુધારાની દિશામાં નોંધપાત્ર મનાતું ચૂંટણી કાયદો(સુધારા) વિધેયક ૨૦૨૧ સંસદમાં ચર્ચા વિના અને સંસદ બહાર વ્યાપક લોકપરામર્શ વિના પસાર થયું હતું. એટલે તે કાયદો બન્યા પછી પણ વિવાદ અને રાજકીય ચર્ચાનો વિષય છે. ૧૯૫૦ના લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૨૩માં સુધારો કરતો આ કાયદો કેટલીક મહત્વની જોગવાઈઓ ધરાવે છે. કાયદામાં પત્નીને બદલે વપરાયેલો જીવનસાથી શબ્દ, અઠાર વરસ પૂર્ણ કરનારા નવા મતદારની વરસમાં એક જ  વાર પહેલી જાન્યુઆરીએ નોંધણીને બદલે વરસમાં ચાર વાર(જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓકટોબર) નોંધણી,  જેવી સારી જોગવાઈઓ કરતાં આ કાયદો મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડના જોડાણ અને તેની અસરો બાબતે વધુ ચર્ચામાં છે.

    ભારતના લોકો રેશનકાર્ડ, વોટરકાર્ડ, પાનકાર્ડ અને આધારકાર્ડ જેવા ઓળખ, રહેઠાણ અને નાગરિકતાના સરકારી દસ્તાવેજો ધરાવે છે. તે સૌમાં ૨૦૦૯માં અવતરિત આધારકાર્ડ વધુ વિશ્વસનીય અને વ્યાપક છે. ડિસેમ્બર ૨૦૨૧માં ૯૯.૭ ટકા પુખ્ત ભારતીયો પાસે આધારકાર્ડ હોવાનો દાવો કરાયો હતો. આધારકાર્ડ સાથે બેન્ક એકાઉન્ટ, રેશનકાર્ડ, પાનકાર્ડ પછી હવે મતદાર ઓળખપત્રનું જોડાણ કરવાનું નક્કી થયું છે. ચૂંટણી પંચ, સરકાર અને સુપ્રીમ કોર્ટ સુધ્ધાં આધાર અને વોટર આઈડીનું લિંકેજ સ્વૈચ્છિક હોવાનું તો જણાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જોડાણ મરજિયાત છતાં ફરજિયાત જેવું છે.

    બાયોમેટ્રિક ડેટાના આધારે ફાળવેલી બાર આંકડાની વિશિષ્ટ ઓળખનું બનેલું આધારકાર્ડ સબ દુ:ખોં કી એક દવા જેવું બની ગયું છે. ચૂંટણી સુધારા માટે પણ આધાર સાથે મતદાર યાદી અને મતદાર ઓળખપત્રનું જોડાણ થઈ રહ્યું છે. એક તરફ આ જોડાણનો વિરોધ થઈ રહ્યો છે તો ૨૦૨૧માં ૨૦ કરોડ મતદારોએ જોડાણ કરાવી  દીધું હતું.

    આધારના વોટર આઈડી સાથેના જોડાણથી ચૂંટણીઓ વધુ સ્વતંત્ર, તટસ્થ અને તૃટિરહિત બનશે એવો સરકારનો દાવો છે. મતદાનના દિવસે મતદાર યાદીમાં નામ ન હોવાની ફરિયાદો ઉઠે છે અને રાજકીય પક્ષો મતદારયાદીમાં ઘાલમેલ થયાના આરોપ લગાવે છે. આધારના જોડાણથી આ ફરિયાદ દૂર થવાનો ઉદ્દેશ છે.  ઉપરાંત લિંકેજથી સ્થળાંતરિત મતદારોને તેમના કામના સ્થળે મતદાનનો લાભ મળી શકે છે. બેવડા મતદારો અને બેવડા ઓળખપત્રો અટકશે. પ્રોક્સી મતદાન સરળ બનશે.બોગસ મતદાન અને નકલી મતદારો પર રોક લગાવી શકાશે. ભવિષ્યમાં ઈલેકટ્રોનિક કે ઈન્ટરનેટ આધારિત મતદાનમાં સહાયરૂપ થશે. ટૂંકમાં આધારકાર્ડ સાથેના જોડાણથી સમગ્ર ચૂંટણીપ્રક્રિયા આસાન બનશે.

    જોકે જોડાણના વિરોધીઓ ફાયદાના દાવા સ્વીકારતા નથી. આધારકાર્ડની વ્યાપકતા સ્વીકારનારા પણ તે પૂર્ણ વિશ્વસનીય હોવાનું માનતા નથી. માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલી માહિતીમાં દેશમાં આઠ કરોડ નકલી આધારકાર્ડ હોવાનું જણાવાયું છે. ‘કેગ’ના એક રિપોર્ટમાં પાંચ લાખ ડુપ્લીકેટ આધારકાર્ડ હોવાનું કહેવાયું હતું.આધારની અધિકૃતતાની ચકાસણીમાં બાર ટકા ક્ષતિ માલુમ પડી છે. આધારકાર્ડ નાગરિકતાનો પુરાવો નથી, જ્યારે મતદાર ઓળખપત્ર છે. એટલે  બંને કાર્ડ સમાન ન હોઈ જોડાણ થઈ શકે નહીં. આધારકાર્ડ અને વોટર આઈડી લિંક કરવાનો કોઈ લાભ ન હોવાની વિરોધીઓની આ બધી દલીલોમાં વજુદ લાગે છે.

    આધાર સાથેના બીજા કાર્ડના જોડાણમાં જે એક સામાન્ય મુશ્કેલી જણાઈ છે તે વ્યક્તિના અંગ્રેજી નામની જોડણી છે. અંગ્રેજી નામના સ્પેલિંગમાં નજીવા ફેરથી પણ લિંકેજ થતું નથી. લિંકેજ ઓફલાઈન અને ઓનલાઈન થઈ શકશે તેવા વહીવટીતંત્રના દાવા છતાં નામના અંગ્રેજી શબ્દની જોડણીમાં સુધારો કરાવવાનું કામ વ્યક્તિ માટે સમય અને નાણાની દ્રષ્ટિએ ખર્ચાળ છે.

    લિંકેજની મુશ્કેલી હલ થયા પછી જોડાણના ઉદ્દેશો પાર પડે છે કે કેમ અને આ કામમાં નિર્દોષ ગરીબો તો દંડાતા નથી ને? તે વિચારવાનું રહે છે. રેશનકાર્ડનો આધાર  લિંકેજનો હેતુ જાહેર વિતરણ વ્યવસ્થાની ખામીઓ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો હતો. પરંતુ અનુભવે જણાયું છે કે રેશન અને આધારકાર્ડનું લિંકેજ ના થવાનો ભોગ ગરીબો બન્યા છે  અને તેઓ અનાજ વગરના રહ્યા છે. લિંકેજના અભાવે રદ થયેલા ૯૦ ટકા કાર્ડ સાચા હોવાનું પુરવાર થયું છે. ભૂતિયા રેશનકાર્ડ તો દૂર ના થયા પણ સાચા રેશનકાર્ડધારકોને સહન કરવું પડ્યું છે. જાહેર વિતરણ વ્યવસ્થાની ખામી કે ભ્રષ્ટાચાર માત્ર ભૂતિયા કાર્ડ જ  નથી પરંતુ  દુકાનદાર સમયસર અનાજ ના આપે, વજનમાં ઓછું આપે અને હલકી ગુણવત્તાનું આપે તે છે. જોડાણથી આ ખામી દૂર થતી નથી.

    એક અભ્યાસ પ્રમાણે એક મતવિસ્તારમાં લગભગ ૨૫ હજાર સંદિગ્ધ મતદારો હોય છે. જો તેમના આધારકાર્ડનું મતદારયાદી અને ઓળખપત્ર સાથે લિંકેજ થઈ ગયું હોય તો તેમને મતદાન કરતા રોકી શકાતા નથી. ઓછા અંતરથી ઉમેદવારની હારજીતમાં આવા મતદારોની મોટી ભૂમિકાને આધારકાર્ડ સાથેના જોડાણથી અટકાવી શકાતી નથી. તેટલે અંશે ચૂંટણી પ્રક્રિયા દૂષિત જ રહે છે.ચૂંટણીપંચે વધુ ચોક્સાઈભરી અને અધ્યતન મતદાર યાદી તૈયાર કરવાની પોતાની જવાબદારીથી  હાથ ખેંચી લઈને ચૂંટણી સુધારાના નામે જોડાણનો તુક્કો લડાવ્યો છે. જે ભાગ્યે જ ઉદ્દેશો પૂરા કરશે.

    મતદારની પ્રાઈવસીના અધિકારને સુપ્રીમ કોર્ટે મૂળભૂત હક ગણ્યો છે. જોડાણના કારણે મતદારની ઘણીબધી માહિતી સત્તાપક્ષને પહોંચી શકે છે અને તેની નિજતા જોખમાય છે. આધાર સાથે લિંક ના થવાથી મતદારનો મતદાનનો હક છીનવાશે નહી અને જોડાણ સ્વૈચ્છિક છે, તેવી ખાતરી એટલે પણ બોદી લાગે છે કે જે મતદાર આધાર સાથે લિંકેજ ન કરાવે તેણે તેના પર્યાપ્ત કારણો આપવાના હોય છે. આ નિયમને કારણે તથા લિંકેજની કામગીરી કરતા કર્મચારીઓને ફાળવેલા સો ટકા કામગીરીના લક્ષ્યાંકો પરથી  જોડાણ કરાવવું ફરજિયાત બને છે.

    જોડાણ કરાવવાની સમયમર્યાદા ચૂંટણીપંચે માર્ચ ૨૦૨૩ની ઠરાવી છે. એટલે આ બાબત તેના માટે તાકીદની હોવાનું અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી તેના આધારે કરાવવાની તૈયારી લાગે છે. પાનકાર્ડધારકોની મર્યાદિત સંખ્યા છતાં તેના આધાર સાથેના જોડાણની સમયમર્યાદા સતત વધારાઈ છે. પરંતુ વોટર આઈડી સાથેનું જોડાણ જે ઝડપે થઈ રહ્યું છે તે જોતાં ઝાઝો મુદત વધારો મળશે નહીં.

    વ્યાપક સંસદીય અને લોકપરામર્શ વિનાનો  આ કાયદો અને તેનું અમલીકરણ  ગરીબો માટે નુકસાનકારક બની શકશે. એ જ  લોકતંત્ર સાર્થક ગણાય જેમાં કાયદા, સુધારા અને વ્યવસ્થા છેવાડાના માનવી માટે સુગમ, સરળ અને સહજ હોય. આ માપદંડે જોતાં આધારકાર્ડનું વોટર આઈડી સાથેનું જોડાણ ગરીબોને કનડનારું બની શકે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નારાયણ આશ્રમ પહોંચ્યાં

    નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

    આશા વીરેન્દ્ર

    અમારા લોહાઘાટ પહોંચવા સુધીમાં, રમેશ, વિનોદ, સુનીલ અને આનંદ એમ ચારેય ગાડીના ડ્રાઈવરોને ખબર મળી ચુક્યા હતા કે બીજે દિવસે પીઠોરાગઢમાં ટેક્સીની હડતાળ પડવાની છે. એનો અર્થ એ કે જો સવારે સાડા છ પહેલાં જો એ વિસ્તાર પસાર ન કરી લઈએ તો હડતાળીયાઓ હેરાન પરેશાન કરે એવી શક્યતાઓ પુરેપુરી. અને સવારે સાડા છ પહેલાં ત્યાંથી આગળ નીકળી જવું હોય તો લોહાઘાટથી મળસ્કે ૪ વાગ્યે તો નીકળી જ જવું જોઈએ ! પ્રતિભાવમાં સૌએ એકી અવાજે જણાવી દીધું કે અમે અમારો સામાન પોતપોતાના રુમોની બહાર સવારે સાડા ત્રણ પહેલાં  મુકી દઈશું. નિધાર્યા મુજબ બધાં સમયસર તૈયાર થઈને સરહદ પર જવા તૈયાર શિસ્તબદ્ધ યોદ્ધાઓની જેમ ગાડીઓમાં ગોઠવાઈ પણ ગયાં.

    નક્કી કર્યા મુજબ સાડા છ સુધીમાં પીઠોરાગઢ તો પહોંચી ગયાં. પરંતુ એનાથી આગળ જતાં બે એક વખત તોફાની તત્ત્વોએ અમને રોકીને પૈસા કઢાવવાની કોશિશ તો કરી જ હતી. પરંતુ દ્રૌપદીની વિપતિની વેળાએ શ્રીકૃષ્ણ હાજર થઈ ગયા હતા તેમ અમને નડેલાં વિઘ્નો સમયે બરાબર અણીના સમયે પોલીસ પ્રગટ થઈ અને અમને સહાય કરી.

    અમારાં ટોળાનાં લોકો આમ તો શાણાં હતાં, પણ ખળખળ વહેતાં ઝરણાંઓને જોતાંવેંત એ શાણપણ હવા થઈ જઈને એવું શુરાતન ચઢતું કે  અખાના છપ્પાની યાદ આવી જાય. જેમ ‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ની તેમ અમારા આ ‘શાણા’ પ્રકૃતિપ્રેમીઓને જેવુ  ઝરણું નજરે પડે એટલે ગાડી ઊભી રખાવીને પાણીમાં ઝંપલાવ્યે જ છૂટકો કરે. પછી તો એ ચેપ ધીમે ધીમે  અમારા બધામાં પણ ફેલાતો ગયો. એટલે એ લોકો સાથે ‘ચાલો આપણે પણ પાણીમાં જરાતરા છબછબીયાં કરી લઈએ’ કહીને બધાં જ તરવૈયાઓની જમાતમાં સામેલ થઈ જતાં. આમ લહેરીલાલાઓ અને લહેરીલાલીઓની અમારી દડમજલ આગળ વધતાં વધતાં બરાબર બાર કલાકે નારાયણ આશ્રમ પહોંચી.

    સવારે ચાર વાગ્યે નીકેળેલાં અમે નારાયણ આશ્રમ ભલે સાંજે ચાર વાગ્યે પહોંચ્યાં, પણ બધાંનાં હૈયા આનંદ અને ઉત્સાહથી એવાં છલછલતાં હતાં કે   કોઈના ચહેરા પર થાકનું નામનિશાન નહોતું.


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : સારુબેંડ – SARABAND ( 2003 )

    ભગવાન થાવરાણી

    સ્વિડિશ ફિલ્મ સર્જક ઈંગમાર બર્ગમેનની મારી પસંદગીની દસ ફિલ્મોના માસિક રસાસ્વાદનની આ શ્રેણીની શરુઆત એમની બહુ ઓછી જાણીતી ફિલ્મ SO CLOSE TO LIFE થી મે – ૨૦૨૨માં કરી ત્યારે આ પ્રસ્તાવિત દસ ફિલ્મોમાંથી માત્ર અન્ય ત્રણ ફિલ્મો વિષે લખવા માટે ચોક્કસ હતો. એ ફિલ્મો એટલે AUTUMN SONATA ( જૂન – ૨૦૨૨ ), WILD STRAWBERRIES ( જુલાઈ – ૨૯૨૨ ) અને WINTER LIGHT ( નવેમ્બર – ૨૦૨૨ ). બાકીની છ ફિલ્મો વિષે નક્કી નહોતું. ત્યાં લગી મેં બર્ગમેનની વીસેક ફિલ્મો જોયેલી . ( હવે તેત્રીસ ! ). એક જ વિષય પર એમણે અલગ – અલગ સમયે સર્જેલી ફિલ્મ – ત્રયીઓ વિષે આપણે નવેમ્બર – ૨૦૨૨ના હપ્તામાં વાત કરી ગયા પરંતુ એ બાબતનો સ્હેજ પણ અંદાજ નહોતો કે એમણે માત્ર એક વિષય જ નહીં, એક જ પાત્રો અને એ પાત્રો ભજવતા એ ના એ કલાકારોને લઈને બે ફિલ્મો બનાવી હશે અને એ બન્ને એવી ઉત્કૃષ્ટ હશે કે બન્ને વિષે લખવું અનિવાર્ય થઈ પડશે ! આ બે ફિલ્મો એટલે એમની ૧૯૭૪ની SCENES FROM A MARRIAGE ( આપણે એ ઓગસ્ટ – ૨૦૨૨ ના હપ્તામાં ચર્ચી ગયા ) અને ૨૦૦૩ની એ જ ફિલ્મના ઉત્તરાર્ધરુપ ફિલ્મ SARABAND ( ઉચ્ચાર – સારુબેંડ ) જેની વાત આજે[1] . જેમણે SCENES FROM A MARRIAGE જોઈ છે અથવા એ ફિલ્મ – વિષયક આ લેખમાળાનો હપ્તો વાંચ્યો છે એમના પુનરાવર્તન અને સ્મૃતિ – સંધાન માટે અને નથી વાંચ્યો એમના ઈચ્છનીય વાચન માટે ફરીથી એની લિંક અત્રે મુકી છે :

    SCENES FROM A MARRIAGE 1974

    અગાઉની ફિલ્મની જેમ આજની આ ફિલ્મ SARABAND પણ મૂલત: દસ હપ્તે સ્વીડનમાં પ્રસારિત થયેલી ટીવી સિરિયલ હતી જેને પછીથી સિનેમા આવૃતિરુપે રજૂ કરવામાં આવેલી. બર્ગમેનની અન્ય એક ઉત્તમ ફિલ્મ FANNY AND ALEXANDER ( 1982 ) – જેની ચર્ચા આ લેખમાળામાં સમયાભાવના કારણે નહીં કરીએ – ને બર્ગમેને પોતાની અંતિમ ફિલ્મ જાહેર કરેલી અને એ પછીનો સક્રિય સમય એમણે ટીવી સિરિયલો અને નાટકોના દિગ્દર્શનમાં વીતાવેલો. SARABANDની સિનેમાકીય આવૃત્તિ રજૂ થતાં આ એમની અંતિમ ફિલ્મ બની રહે છે. એ રજૂ થયાના ચોથા વર્ષે ૨૦૦૭માં બર્ગમેન અવસાન પામ્યા.

    અને કેવી અંતિમ ફિલ્મ ! મોટા ભાગના મહાન ફિલ્મકારોની અંતિમ ફિલ્મ ( Swan – song ) બહુધા સાવ સરેરાશ ફિલ્મ બની હોય છે. એમની કારકિર્દીને ઝેબ આપે એવી તો હરગીઝ નહીં. SARABAND અલગ છે. એમની શ્રેષ્ઠતમ ફિલ્મોની હરોળમાં માનભેર ઊભી રહી શકે એવી માતબર. એમની મોટા ભાગની ફિલ્મો સીધી કે આડકતરી રીતે પ્રેમ અથવા મૃત્યુની વાત કરે છે. એમની જે કેટલીક ફિલ્મો ઈશ્વરના અસ્તિત્વ સામે સવાલો ઊભા કરે છે એમાં પણ છેવટનું તારતમ્ય તો એ જ કે પ્રેમ જ ઈશ્વર છે. ૬૦ વર્ષ ફિલ્મોમાં સક્રિય રહ્યા પછી પણ બર્ગમેનની આ અંતિમ ફિલ્મ એમના કુશળ સર્જક હોવાની પ્રબળ દ્યોતક છે. વળી જેમના માટે પ્રેમ અત્યંત દૂરનો પ્રદેશ છે અને મૃત્યુ વિચલિત કરી દે એ હદે નિકટ, એવા ભાવકો – ભાવુકો માટે તો આ ફિલ્મ ઝકઝોરી નાંખતું દ્વંદ્વ છે.

    SARABAND કે SARABANDE એ સતરમી અને અઢારમી સદીનું હળવી ગતિનું એક સ્પેનીશ નૃત્ય છે. એ નૃત્ય સંગે વગાડવામાં આવતા સંગીતનું પણ એ જ નામ છે. એમાં બે નર્તક હોય છે. પુરુષ અને સ્ત્રી. બહુધા એમાં બન્ને પાત્રો વચ્ચે ઉત્તેજક નિકટતા હોય છે. આ ફિલ્મના દસ અલગ – અલગ પ્રકરણમાં પણ બબ્બે પાત્રો વચ્ચેનો સંવાદ – વિસંવાદ -સંઘર્ષ દેખાડાયા છે. કોઈ પણ પ્રકરણમાં બેથી વધુ પાત્રો નથી. દરેક પ્રકરણના અંતે મહાન જર્મન સંગીતકાર યોહાન બાકના પાંચમા સૂટનું સારુબેંડ સંગીત વાગે છે.

    જેમણે SCENES FROM A MARRIAGE ફિલ્મ જોઈ છે અથવા એનો રસાસ્વાદ વાંચ્યો છે એમને ખ્યાલ છે કે એ મેરિયન ( LIV ULLMANN ) અને યોહાન ( ERLAND JOSEPHSON ) ની પ્રેમ – ધિક્કાર – પ્રેમકથા છે. ફિલ્મની શરુઆતથી જ એ દસ વર્ષથી પરણેલા છે અને એકંદરે સંતોષકારક સહજીવન ગુજારી ચૂક્યા છે, બન્નેની પ્રકૃતિઓ વચ્ચે આભ-જમીનનું અંતર હોવા છતાં ! યોહાનના અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે બન્ને છૂટાછેડા લે છે. બન્ને અન્ય પાત્રોને પરણે છે પણ એકમેક સાથે બંધાયેલો કોઈક અજબ નાતો એમને જોડાયેલા રાખે છે. બન્ને અવારનવાર મળતા રહે છે. એ ફિલ્મ પૂરી થાય છે બન્નેના લગ્નના વીસ વર્ષ અને છૂટાછેડાના દસ વર્ષ પછી એક મિત્રના અવાવરુ મકાનમાં એક અંતરંગ રાત વિતાવીને.

    એ અંતિમ મિલનના બત્રીસ વર્ષ બાદ આ ફિલ્મ SARABAND આરંભાય છે. યોહાન હવે ૮૫ નો છે, મેરિયન ૭૫ ની. બન્નેના નવા જીવનસાથી ક્યારના આ સંસારમાંથી વિદાય લઈ ચૂક્યા છે. મેરિયન – યોહાનના લગ્નજીવનથી જન્મેલી બે પુત્રીઓ હવે પ્રૌઢ છે. એક દીકરી પતિ સાથે ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે અને બીજી માનસિક નબળાઈ અને વિસ્મૃતિનો ભોગ બનીને મનોરોગ ચિકિત્સાલયમાં. મેરિયન એકલી છે તો યોહાન પણ એક રીતે એકલો જ. એના બીજા લગ્નથી થયેલો પુત્ર હેનરીક ( BORJE AHLSTEDT ) એકસઠનો છે અને પિતા-પુત્ર વચ્ચે બાપે માર્યા વેર છે. એને ખાસ કોઈ કમાણી નથી અને એ ‘ જિંદગીમાં દરેક રીતે નિષ્ફળ રહ્યો ‘ એની યોહાનને દાઝ છે. એમ તો યોહાન પોતે પણ ખાસ સફળ નહોતો પણ એને મોટી ઉંમરે કોઈક અજ્ઞાત કાકીના મૃત્યુ પછી મોટો વારસો મળ્યો એટલે પૈસે-ટકે ન્યાલ થઈ ગયો અને હવે કુદરતને ખોળે ભવ્ય મકાન વસાવીને રહે છે. એના મકાનથી ખૂબ નજીક એના જ એક અન્ય વિશાળ મકાનમાં એનો દીકરો હેનરીક ‘ કોઈ ભાડું ચૂકવ્યા વિના ‘ એની જુવાન દીકરી કારીન ( JULIA DUFVENIUS ) સાથે રહે છે. આ બન્ને પિતા-પુત્રી સેલો ( વાયલીન જેવું વાદ્ય ) વાદક છે અને પિતા પુત્રીનું ભવિષ્ય પોતાના હસ્તે સંગીતના ક્ષેત્રમાં ઘડવા કૃતસંકલ્પ છે. એ એનો શિક્ષક અને ( ધરાર ! ) માર્ગદર્શક છે. SARABAND આ ચાર પાત્રો મેરિયન, યોહાન, હેનરીક અને કારીનની કહાણી છે, નવા ઉમેરાયેલા બેની વિશેષ ! જોકે કેંદ્રમાં તો મેરિયન અને યોહાન જ છે.

    ફિલ્મ એના ચાર પાત્રો વચ્ચે અલગ-અલગ દસ અધ્યાયમાં ફેલાયેલા દ્વંદ્વરૂપે છે. એ બધા જ ટકરાવ પરિપક્વ અને અધિકૃત છે. દરેક પ્રકરણમાં કેવળ બે ચરિત્રો જ છે. આમેય બર્ગમેન બે માણસો સામસામે હોય ત્યારે એમના તુમુલને મૂર્તિમંત કરવાના માહેર કસબી છે. દરેક પ્રકરણ સંક્ષેપમાં :।

    ૧. પ્રસ્તાવના  –  એકલી મેરિયન

    ટેબલ પર પથરાયેલો બ્લેક એંડ વ્હાઈટ ફોટાઓના ઢગલા સામે મેરિયન. ફોટાઓ ઉથલાવતી એ જાણે વીતેલી જિંદગીમાંથી પસાર થાય છે. એ ઢગલામાંથી એ પોતાના ચાલીસ વર્ષ પહેલાંના પતિ યોહાનનો ફોટો ઉપાડી દર્શકોને દેખાડે છે. પોતે પણ ધારી-ધારીને જુએ છે. એમનો સંપર્ક વર્ષોથી તૂટી ગયો છે. એ પોતાની હાલની નિતાંત એકલતાનો અછડતો ઉલ્લેખ કરે છે અને યોહાનને એક વાર મળી લેવાનો ઈરાદો વ્યક્ત કરે છે.

     

    ૨. પ્રકરણ એક  – મેરિયન અને યોહાન

    મેરિયન. એ યોહાનના વનરાજી વચ્ચે આવેલા કોટેજ પર ૩૦૦ કિ.મી નો પ્રવાસ ખેડીને પહોંચી છે. એના ઘરનો દરવાજો ચુપચાપ ખોલી, પોતાની આરામખુરસીમાં અર્ધનિદ્રામાં પોઢેલા વયોવૃદ્ધ યોહાનને હેતથી જુએ છે. ઘડીભર વિચારે છે ‘ એને ‘ જોઈ લીધો, હવે પરત જતી રહું ત્યાં યોહાન જાગી જાય છે, તરત મેરિયનને ઓળખી ઉમળકો વ્યક્ત કરે છે. મેરિયન ‘ મળી લીધું, હવે જઉં ‘ નો ઉપક્રમ કરે છે પણ યોહાન આગ્રહપુર્વક કહે છે કે આટલે દૂરથી આવી છો તો જમીને જજે. ઘરના રખરખાવ અને રસોઈ માટે કામવાળી છે જે કામ આટોપીને પોતાના ઘરે જતી રહે છે.

    યોહાન ઘડપણ ઉપરાંતની કેટલીયે શારીરિક તકલીફોનો ભોગ બનેલો છે. એના જ શબ્દોમાં ‘ માણસને સાઠે છ તકલીફો હોય તો સિત્તેરે સાત ‘. મેરિયન એકંદરે તંદુરસ્ત છે. બન્ને પરસાળમાં બેસી દૂર સુધી ફેલાયેલી વનરાજી અને સરોવર નીરખે છે. યોહાન બાજુમાં રહેતા દીકરા હેનરીક, બન્ને બાપ – દીકરા વચ્ચેના તંગ સંબંધો અને હેનરીકની વ્હાલૂડી દીકરી કારીનની વાત કરે છે. એ હેનરીકની બે વર્ષ પહેલાં કેંસરથી મૃત્યુ પામેલી સૌમ્ય પત્ની અન્નાનો પણ ઉલ્લેખ કરે છે. પોતાની અને મેરિયનની બન્ને દીકરીઓના ખબરઅંતર પૂછે છે. પોતાની નરકથી યે બદતર જિંદગી અને એમના બન્નેના નિષ્ફળ ગયેલા લગ્નજીવનની પણ !

    મેરિયનને પ્રશ્ન થાય છે કે અહીં આવીને ભૂલ તો નથી કરી ને !

    ૩. પ્રકરણ બે  – મેરિયન અને કારીન

    મેરિયન યોહાનને ત્યાં રોકાઈ ગઈ છે. પોતાનું જ ઘર છે એવું માનીને ! યોહાનની પૌત્રી કારીન દાદાને મળવા આવે છે. મેરિયન એને પોતાની ઓળખ આપે છે . ‘ હું તારા દાદાની ભૂતપૂર્વ પત્ની છું. ‘

    કારીન સુયોગ્ય અને સહૃદય શ્રોતા મળતાં પોતાની રામકહાણી સુણાવે છે. મેરિયન સહાનુભૂતિ અને સમજદારીનો દરિયો છે જાણે ! એ કારીનને ખૂલવાની મોકળાશ આપે છે. કારીન પોતાના પિતાની સારપની વાત સાથે એમની જોહુકમી અને કડકાઈની વાત કરે છે. પોતે એમની સેલો વગાડવાની ચોક્કસ રીતની જિદ્દથી ત્રાસી ગઈ છે. એમના રિયાઝના આગ્રહને એ સતામણી કહે છે. એ એમની હિંસક રીતભાતથી તંગ આવી ઘરેથી ભાગીને અહીં આવી છે.

    દરેક ધૈર્યવાન શ્રોતાની પોતાની પણ એક કહાણી હોય છે જે પેલા કહેનાર કરતાં પણ કરુણ હોય ! કારીન  ‘ મારે હવે કશુંય કરવું નથી, કશુંય બનવું નથી.’ મેરિયનને એવું લાગે છે કે વહાલસોયી દીકરીથી ઠુકરાવાયેલો પિતા હેનરીક કશુંક અઘટિત કરી ન બેસે ! દીકરીને પિતા તરફ પ્રેમ પણ છે કારણકે એ પણ એની સ્વર્ગસ્થ માને એના જેટલી જ ઉત્કટતાથી ચાહતા હતા.

    કારીન પોતાની કથની કોરાણે મૂકી મેરિયનને એના દાદા સાથેના સહજીવન અને એમની પ્રકૃતિ વિષે કુતૂહલથી પૂછે છે. ‘ તારા દાદા સ્વભાવે જ બેવફા હતા. પણ તોય હું એમને ચાહતી . એ સરળ પણ હતા. આસાનીથી આઘાત પહોંચાડી શકાય એવા. ‘ મેરિયન ભૂતકાળમાં ઝાંકે છે અને રડી પડે છે પણ એને પોતાની કથની આ બાલિકાને કહેવી નથી.  ‘ તું શું કરીશ હવે ? ‘ ‘ પપ્પા પાસે પરત જઈશ ‘

    મેરિયનને કારીન પર દીકરી જેવું વહાલ ઉપજે છે.

    ૪. પ્રકરણ  ત્રણ  –  હેનરીક અને કારીન

    કારીન પિતા પાસે પાછી ફરે છે. બન્ને પિતા – પુત્રીના સંબંધો પવિત્ર કરતાં ‘ વિશેષ ‘ છે. રાત્રે એક જ પથારીમાં સૂતેલા બન્ને અન્નાને યાદ કરે છે. બન્નેની વાતચીતમાં અન્નાના પ્રેમાળ સ્વભાવ અને હેનરીકના પિતા પ્રત્યેના ધિક્કારનો ઉલ્લેખ થાય છે. આ પ્રેમ અને ધિક્કારના પણ ઊંડા મૂળિયાં અને ઈતિહાસ છે. પિતા – પુત્રીના સંવાદ દરમિયાન બાજુમાં મૂકેલી અન્નાની તસવીર જાણે બન્ને વચ્ચે સાક્ષી હોય તેમ બન્નેને નીરખ્યા કરે છે. હેનરીકની પિતા પ્રત્યેની ઘોર નફરતના કારણે એક તબક્કે અન્નાએ એને છોડીને જતા રહેવાનું વિચારેલું પણ પછી પ્રેમ આગળ હારી ગયેલી. હેનરીક  ‘ એ સ્થૂળ રીતે ભલે મને છોડીને ન ગઈ પણ એની આંખો કહેતી હતી કે એ મને છોડીને જઈ ચૂકી છે. ( અદ્ભૂત વાત ! ) ‘ અને  ‘ મેં અન્નાની માફી પણ માંગી . જાણે એક બાળક માને કહેતું હોય કે ફરી આવું નહીં કરું. ‘ પછી કારીનને સંબોધી ‘ તું મને છોડી જઈશ તો હું ભાંગી પડીશ . હું જાણું છું, તારી સ્વતંત્ર જિંદગી તારી રાહ જુએ છે. ‘ આ કહેતી વખતે હેનરીક એટલે અભિનેતા BORJE AHLSTEDT નો અભિનય બન્ને મુખ્ય કલાકારોથી પણ ઉત્કૃષ્ટ સાબિત થાય છે. ‘ મને લાગે છે જાણે એક મોટી સજા મારી રાહ જોઈ રહી છે. ‘  એ પોતાનો ભય વ્યક્ત કરે છે.

    કારીન ચુપ છે પણ બધું સાંભળે અને સમજે છે. એ માની તસવીરની આરપાર જોઈ એની ગેરહાજરીને સંવેદે છે.

    ૫. પ્રકરણ ચાર  – યોહાન અને હેનરીક 

    ૮૫ નો યોહાન અને ૬૧ નો એનો પુત્ર હેનરીક. જીવનના દરેક તબક્કે નિષ્ફળ રહેલા પુત્રને પિતા ક્યારેય માફ કરી શક્યા નથી. બન્નેનો ધિક્કાર પારસ્પરિક છે. આપણને થાય, કેટલાક લોકોને હાથે કરીને જીવનમાં કડવાશ અને દુખને નોતરું આપવાનું ઘેલું હોય છે. નહીંતર જીવનની સંધ્યાની પણ સંધ્યાએ સાઠે પહોંચી ચૂકેલા પુત્રની ‘ નિષ્ફળતા ‘ નો પૈસે-ટકે સદ્ધર એવા પિતાને શેનો અફસોસ !

    યોહાનની લાયબ્રેરી આપણા બાબુ સુથાર જેવી સમૃદ્ધ છે. પુત્ર હેનરીક એમની કને પોતાના વારસા-હક્કની રકમમાંથી ઉપલક રકમ ‘ ઊછીની ‘ લેવા આવ્યો છે. બન્ને વચ્ચે સંધાનનો કોઈ તંતુ બચ્યો નથી. હેનરીકને પૈસા પોતાની પુત્રી કારીન માટે એક પુરાણું પણ કીમતી સેલો ખરીદવા જોઈએ છે. એને એમ છે કે દાદા પણ કારીનને ચાહે છે એટલે એમની પાસેના લખલૂટ પૈસામાંથી આટલી નાની રકમ આપવામાં કશી તકલીફ નહીં પડે. પિતા એને કોઈ રાહત આપવા તૈયાર નથી. એક પછી એક કટાક્ષની પરાકાષ્ઠા  પછી યોહાન ‘ તારે પૈસા દીકરીને લાંચ આપવા જોઈએ છે જેથી એ તને છોડી ન જાય. ‘ અને ત્યારબાદ દીકરાને બિરદાવતો હોય તેમ ‘ તારા નાટકમાં ઘૃણાનું તંદુરસ્ત પ્રમાણ છે. ‘ બાપ દીકરા વચ્ચેની આ આપસી નફરત હેનરીકના બચપણથી ઉદ્ભવેલી છે. યોહાન કબૂલે છે કે નફરતમાં પણ જો ઈમાનદારી હોય તો એને ગમે. યોહાન પોતાનો નિર્ણય જાહેર કરે છે કે કારીન માટે સેલોની વ્યવસ્થા એ જાતે કરી આપશે. હેનરીક પિતા પર જાણે થૂંકતો હોય તેમ ગુસ્સાથી સળગતો ચાલ્યો જાય છે.

    ૬.  પ્રકરણ  પાંચ  – મેરિયન અને હેનરીક

    પિયાનો પર ચર્ચમાં ઓર્ગન વગાડતા હેનરીકને મેરિયન મળવા આવી છે. હેનરીકને એ ઓર્ગન વગાડવામાં એટલે રસ છે કે એ પુરાણું અને દુર્લભ છે ! મેરિયન એની સાથે કારીનની વાત કરે છે . જવાબમાં એ અન્ના અને કારીનની પ્રકૃતિઓની સરખામણી કરી કારીન એના માટે કેટલી અનિવાર્ય છે એ કહે છે. એ મેરિયનને ઘરે ભોજન માટે આવવા નિમંત્રણ આપે છે પણ યોહાનનો ઉલ્લેખ આવતાં જાણે ઝાળ લાગે છે હેનરીકને ! ‘ તમે પણ પૈસા લેવા આવ્યા છો એમની પાસે ? ‘ અને એ પ્રકારની બીજી સસ્તી વાત કરે છે. એ પિતા તરફની નફરત જતાવતાં કહે છે કે એ એમને કોઈ ભયાનક રોગથી મૃત્યુ પામતા પોતાની આંખે જોવા ઈચ્છે છે !

    મેરિયન વિચારતી રહે છે, કેવા – કેવા સંબંધો છે દુનિયામાં ! 

    ૭. પ્રકરણ  – ૬   યોહાન અને કારીન

    દાદા યોહાને પ્રિય પૌત્રી કારીનને વાત કરવા બોલાવી છે. બન્ને એમની પ્રિયપાત્ર અન્નાને યાદ કરે છે. યોહાન એને પોતાના અંગત સંગીતકાર મિત્રના પત્ર વિષે કહે છે. એણે કારીનના વાદન – કૌશલ્યથી પ્રભાવિત થઈ એને પોતાની સંગીત અકાદમીમાં હેલસિંકી ખાતે જોડાવાનું નિમંત્રણ મોકલ્યું છે. એમના મતે સંગીતમાં કારીનનું ભવિષ્ય ઉજ્જવળ છે. એમણે આ જ ઓફર કારીનના પિતા હેનરીકને પણ કરેલી પણ એણે તોછડાઈપૂર્વક એ ફગાવી દીધેલી !

    દાદા કારીનને એના પિતાએ પસંદ કરેલું સેલો અપાવવા પણ તૈયાર છે, જો એ હેલસિંકી અકાદમીમાં જોડાવા તૈયાર થાય તો ! કારીન અસમંજસ અનુભવે છે. એક બાજુ પિતા છે જે એના વિના જીવી નહીં શકે અને બીજી બાજુ કારકિર્દી ! એ મનોમન કશું નક્કી કરે છે.

    પ્રકરણના અંતિમ બેહતરીન અને કશુંક સાંકેતિક સૂચવતા દ્રષ્યમાં સેલો વગાડતી કારીન ધીમે ધીમે નાની થતી – થતી બિંદુવત્ બની જાય છે.

    ૮.  પ્રકરણ  –  ૭  –  મેરિયન અને કારીન

    યોહાનના ઘરે રોકાઈ ગયેલી મેરિયનને મળવા આવી છે કારીન. કારીનને અચાનક એક પત્ર મળી આવ્યો છે જે એની મા અન્નાએ એના પિતા હેનરીકને મૃત્યુના થોડાક દિવસો પહેલાં લખ્યો છે. એને ખબર પડી ગયેલી કે એની પાસે હવે ઝાઝો સમય નથી. પત્રમાં અન્ના હેનરીકને ચેતવે છે કે એણે પ્રેમ અને ભણતરના ઓઠા હેઠળ જે રીતે દીકરી કારીનને જકડી રાખી છે એ એના વિકાસમાં અવરોધક છે. એ કારીનના પ્રેમનો પોતાની સુરક્ષિતતા માટે ઉપયોગ કરી રહ્યો છે. અન્ના સલાહ આપે છે કે કારીનને વહેલી તકે મુક્ત કર. મેરિયન સાક્ષાત સહાનૂભુતિથી કારીનને પત્ર વાંચતી સાંભળે છે. કારીન આ અંગત વાત મેરિયનને કહેવા એટલા માટે આવી છે કે એ પોતાના ભૂતપૂર્વ પતિની પૌત્રી માટે અસીમ નિસબત જતાવે છે અને દરેક રીતે એનું ભલું ઈચ્છે છે. કારીન એને પિતાના એના પ્રત્યેના જીવલેણ લગાવની વાત કરે છે.

    ‘ માનો આ પત્ર મારા પ્રત્યેનો મૂર્તિમંત પ્રેમ છે મારે મન. ‘

    ૯.  પ્રકરણ  – ૮  –  હેનરીક અને કારીન

    પિતા – પુત્રી. પુત્રીએ કશોક મક્કમ નિર્ણય લઈ લીધો છે. પિતાને કહેવાનું બાકી છે. હેનરીક ઈચ્છે છે કે પિતા – પુત્રી મળી એક જાહેર કોંસર્ટ કરે. કારીનને એ ફાવતું નથી. દરઅસલ એનો મિજાજ વ્યક્તિગત નહીં પરંતુ સમૂહ – વાદનને અનુકુળ છે. સાવ અજાણ્યા લોકો એના કૌશલ્ય વિષે ટીકા કરે એ એને ગમતું નથી. એ પિતાને શબ્દો ભેળવ્યા વિના સાફ – સાફ કહે છે કે મારા નિર્ણયો મને મારી રીતે લેવા દો. હેનરીકને શંકા છે કે એ દાદાનું પઢાવેલું બોલે છે. દાદાએ પોતાનાથી છૂટી પડવા ભરમાવી છે એને ! કારીન એને પોતાની માએ લખેલો પત્ર દેખાડે છે અને સ્પષ્ટ કહે છે કે આવતા અઠવાડિયે એ પોતાના ભવિષ્ય માટે હેલસિંકી જતી રહેવાની છે. ‘ મારે મારી માની અવેજીમાં જીવવું નથી. જે હું છું નહીં એ બનવું નથી. ‘

    અંદરથી ભાંગી પડેલો હેનરીક પરિસ્થિતિ પામી જાય છે. ‘ આપણા સંબંધ પૂરા કરતાં પહેલાં છેલ્લી વાર પાંચમો સારુબેંડ વગાડ. ‘ હેનરીક મોઢું ફેરવી દીકરીને સેલો વગાડતી સાંભળી રહે છે. છેલ્લી વાર !

    ૧૦.  પ્રકરણ  નવ  – યોહાન અને મેરિયન

    મેરિયન વ્યગ્ર છે, યોહાન નિર્લેપ. હેનરીકે હાથ અને ગળાની નસો કાપી નાંખી આપઘાતનો પ્રયત્ન કર્યો છે. એ હોસ્પીટલમાં છે. મેરિયનનું મંતવ્ય છે કે કારીનને ગમે ત્યાંથી શોધીને એના પિતાની હાલત વિષે જણાવવું જોઈએ . જવાબમાં યોહાન ઠંડી ક્રૂરતાથી કહે છે કે હેનરીકને આપઘાત કરતાં પણ ન આવડ્યું ! મેરિયન સમસમી જાય છે. માણસ આટલો ક્રૂર બની શકે ? યોહાન ખુલાસો કરે છે કે આ બધી વસ્તુત: મારી મારા તરફની નફરત છે. હેનરીક બચપણથી કેવી રીતે એના પર આશ્રિત હતો એની વાત એ કરે છે. ‘ સાવ પાલતુ કૂતરા જેવો. હું એને લાત મારી ભગાડી મૂકતો. ‘ મેરિયનને કારીનની ચિંતા છે. આવી દુખદ પરિસ્થિતિઓમાં પણ યોહાન આશ્ચર્ય વ્યક્ત કરે છે કે અન્ના જેવી સંવેદનશીલ સ્ત્રીએ હેનરીક જેવા લબાડને કેમ પસંદ કર્યો હશે ! મેરિયન માંડ રડવું રોકી હસવાનો ઉપક્રમ કરે છે. યોહાન કારણ પૂછે છે તો કહે છે ‘ કારણ છે પણ તને નહીં સમજાય ! ‘

    ૧૧.  પ્રકરણ  દસ   – યોહાન અને મેરિયન  – છેલ્લું પ્રભાત

    યોહાન રડે છે. ધ્રુસ્કે – ધ્રુસ્કે અને એકલો. વહેલું પરોઢ. એ બંધ કમરામાં સૂતેલી મેરિયનને જગાડે છે. એ પોતે સાવ અશક્ત અને બીમાર છે. એનું શર્ટ ઝાડાથી પલળી ગયું છે. ‘ મારા શરીરના છિદ્રેછિદ્રમાંથી પીડા ઝરે છે. ‘ મેરિયન પહેલાં એની આત્મગ્લાનિનો ઉપહાસ કરે છે પણ પછી કરુણા ઊભરાતાં એને પોતાની સાથે સુઈ જવા આમંત્રણ આપે છે. યોહાન પથારીમાં જગ્યા ન હોવાનું કહે છે તો જવાબમાં  ‘ આપણે તો આનાથી યે નાની પથારીઓમાં સૂતા છીએ ‘ કહી એને બાજુમાં સૂવાડે છે. વૃદ્ધત્વને પામી ચૂકેલું યુગલ ફરી એક વાર સાથે. ‘ જિંદગીના અંતિમ પડાવમાં હવે યોગ્ય – અયોગ્ય શું વિચારવાનું ? ‘ બન્ને એકમેકના કરચલિયાળા દેહને ધારી – ધારીને જુએ છે. રજાઈ ઓઢે છે. મેરિયનને બાથમાં લેવાનો ક્ષણિક ઉપક્રમ કરી યોહાન તુરંત માંડી વાળે છે. પડખું ફેરવી પૂછે છે ‘ તું અહીં કેમ આવી ? ‘  ‘ મને એવું લાગ્યું કે તું મને બોલાવે છે. ‘  ‘ મને સમજાતું નથી. ‘  ‘ તારું ન સમજવું મને સમજાય છે. ‘ મેરિયન યોહાનને સાંગોપાંગ ઓળખે છે.

    ‘ મારો ઘરે પાછા ફરવાનો સમય થયો છે. ‘

    ૧૨.  ઉપસંહાર  – ફરી એકલી મેરિયન

    એ જ શરુઆતનું દ્રષ્ય . ફોટાઓના ઢગલા આગળ મેરિયન. એના મન:ચક્ષુ આગળ વધુ એક કાલ્પનિક ફોટો છે – એ અને યોહાન છેલ્લે સાથે પથારીમાં હતાં એ ફોટો. શરુઆતની જેમ મેરિયન ફરી ભૂતકાળને વાગોળે છે પણ હવે એ ભૂતકાળ માત્ર યોહાન અને એના પરિવાર સાથે તાજેતરમાં વિતાવેલા સમય પૂરતો છે. એકમેકના સંપર્કમાં રહેવાના કોલનો અમલ પણ નથી થઈ શક્યો અને હવે તો યોહાન ફોન પર વાત કરવા જેટલો સક્ષમ પણ નથી રહ્યો. એના કોઈ સમાચાર નથી.

    પોતે બીજા કરતાં વધુ એકલી છે એનો માત્ર આછેરો ઉલ્લેખ કરી એ ફરી સ્મૃતિઓમાં સરી પડે છે. એ અન્નાને યાદ કરે છે અને પછી ‘ થોડીક મારી વાત ‘ કહી પોતાની મોટી દીકરી માર્ટાને સેનેટોરિયમમાં મળવા ગયેલી એ યાદ કરે છે. ફ્લેશબેકમાં એ ઘડીઓ તાદ્રશ થાય છે. મેરિયન વૃદ્ધ થઈ ચૂકેલી દીકરીના ચહેરે હાથ ફેરવે છે. દીકરીનો ચહેરો પત્થર સમાન છે. એ દરેક પ્રકારની સંવેદનાઓ અને સ્મૃતિ ગુમાવી બેઠી છે. એ માને ઓળખતી નથી.

    ફરી વર્તમાન. મેરિયનના ચહેરા પર દર્દ અને આછેરું સ્મિત. ‘ કેવી અજબ વાત કે મારી જ દીકરીને હું જાણે પહેલી વાર સ્પર્શી રહી હતી. ‘

    મેરિયનની સજળ આંખો. હળવું ડુસકું. 

    સારાબેંડ સંગીત.

    સમાપન.

    સૌને સમજતી, સૌને સધિયારો આપતી, સૌ પ્રત્યે સહાનૂભુતિ દાખવતી મેરિયન દરેક પરિપ્રેક્ષ્યમાં પહેલાં પણ એકલી હતી, હવે પણ એકલી છે. રહી વાત બીજા ‘ એકલાઓ ‘ ની, તો એ બધાએ પાોતાની બિનજરૂરી જિદ્દ અને પૂર્વગ્રહોથી હાથે કરીને એકલતા વહોરી લીધેલી છે. ફિલ્મનો વિષય જ આ છે. લોકો પોતાના અહમ કાજે સુખનો ભોગ આપીને સ્વયં અને અન્ય માટે કરુણતા સર્જે છે. અહીં પિતા – પુત્ર યોહાન અને હેનરીક કદાચ એકબીજાની પડોશમાં રહે છે જ એટલા માટે કે એકબીજાને ધિક્કારી શકે ! બન્ને નોખા પડે તો જીવવાનો હેતુ જ ગુમાવી બેસે ! એ બન્ને વચ્ચેના વૈમનસ્યનો ભોગ બને છે કારીન . 

    આ ફિલ્મ સ્વાર્થી સંબંધો અને નિષ્ફળ માબાપોની ફિલ્મ છે. ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રોને એમના સંતાનો માટે અલગાવ છે. જાણે અધૂરા વેર ! ફિલ્મની મુખ્ય હકીકત છે સમય પ્રત્યેની સભાનતા. જૂના સમયને વીત્યે બત્રીસ વર્ષ થયા છે આ વર્ષો બર્ગમેન માટે પસાર થયા છે તો ફિલ્મના મુખ્ય કલાકારો લીવ ઉલમાન અને અરલેંડ જોસેફસન માટે પણ અને આપણા સૌ માટે પણ ! બર્ગમેને કહેલું પણ કે ફિલ્મમાં આ બે કલાકારોને પુનરાવર્તિત કરવાનું મુખ્ય કારણ એ હતું કે બન્ને પોતાની ઉંમર અનુસાર લાગતા હતા, જિંદગી જીવ્યાની સાબિતી રૂપે ! 

    દર્શક તરીકે, એક દીર્ઘ જીવનના ઉતાર – ચડાવ અને બન્ને મુખ્ય પાત્રોની સમાંતરે જીવ્યાના સંતોષ સહિત આપણા મનમાં જાણે એક ઈચ્છા અધૂરી રહી જાય છે કે કાશ ! છેવટ લગી મેરિયન અને યોહાનની સાથે રહ્યા હોત ! અને આપણા મનની નેપથ્યે પેલું ગીત વાગતું રહે છે. ‘ યે જીવન હૈ, ઈસ જીવનકા, યહી હૈ રંગ – રૂપ ‘ 

    પ્રસ્તાવના અને ઉપસંહાર ઉપરાંત લગભગ બે કલાકની આ ફિલ્મ દસ અધ્યાયમાં વહેંચાયેલી છે. શરુઆત અને અંતમાં મેરિયન એકલી માત્ર છે તો ત્રણ પ્રકરણમાં યોહાન અને મેરિયન, બબ્બેમાં હેનરીક – કારીન, મેરિયન – કારીન અને એક – એકમાં યોહાન – કારીન, મેરિયન – હેનરીક અને યોહાન – હેનરીક છે. આ દરેક પ્રકરણનો સંવાદ – વિસંવાદ કથાને નવો વળાંક આપે છે.

    જેમ અગાઉની ફિલ્મનું નામ SCENES FROM A MARRIAGE હતું, આને SCENES FROM A LIFETIME કહી શકાય. આ અંતિમ ફિલ્મ દ્વારા બર્ગમેન પોતાનું ખાતું સરભર કરી ચોપડો વધાવે છે. એવું લાગે જાણે ૮૭ વર્ષની વયે પહોંચેલો એક સર્જક પોતાની સમગ્ર કૃતિઓમાંથી પસાર થતો ઝઝૂમે છે કે એમણે જે પસંદ કર્યું એમાં શું સાચું હતું અને શું ખોટું ! જે હોય તે, આ માણસ જિદ્દપૂર્વક માનવીની પીડા અને એના મનના અંધારિયા ખૂણાને વાચા આપવાના લક્ષ્યને વળગી રહે છે ! ભલે એ છેવટ લગી સ્વયંને આશ્વાસન આપે એવું કશું પામી ન શક્યા પરંતુ આ અંતિમ ફિલ્મમાં પણ એ પીડાને એક એવી તીવ્રતાથી નીરખી શક્યા છે જે સિનેમા માટે અદ્વિતીય છે ! એ વાળુ પછીનો મુખવાસ છે જાણે, જેમાં જૂના અને જાણીતા ચરિત્રોના જીવન પર લગભગ ત્રણ દાયકા બાદ પુન: દ્રષ્ટિપાત છે. એ પાત્રોનો જુસ્સો કંઈ રીતે ઓસરી ગયો અને કઈ રીતે એ અનુગામી પેઢીઓમાં ઉતર્યો એની વાત છે. એવું લાગે જાણે ફિલ્મના ચારેય મુખ્ય ચરિત્રો વારાફરતી તરવાનો – તરતા રહેવાનો પ્રયત્ન કરે છે અને અન્ય ચરિત્રોમાંથી કોઈ એક એના પગને વળગી આશરો ઝંખે છે !

    બર્ગમેનના અભિન્ન સાથી અને એમની અઢાર જેટલી ફિલ્મોમાં સિનેમાટોગ્રાફી કરનાર અને એમની બે ફિલ્મો (  CRIES AND WHISPERS તેમજ FANNY AND ALEXANDER ) માટે ઓસ્કરથી સન્માનિત SVEN NYKVIST આ ફિલ્મમાં નથી. બર્ગમેનથી એક વર્ષ પહેલાં એ પણ અવસાન પામ્યા. બર્ગમેન માટે એમનું મહત્વ શું હતું એ કહેવા એટલું પર્યાપ્ત છે કે એમની જગ્યાએ આ ફિલ્મમાં પાંચ સિનેમાટોગ્રાફર છે !

    દ્રષ્યે – દ્રષ્યે પાત્રોના આત્માના એક્સ – રે ઝડપનાર બર્ગમેન જેવું કોઈ થાશે નહીં અને એમની આ અંતિમ કૃતિ ફિલ્મરુપી એક સમગ્ર કલા – વિધામાં રહેલી સંભાવનાઓ વિષે દર્શકોને પુનર્વિચાર કરવા પ્રેરે એવી છે.


    [1]


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • શામ સે આંખ મેં નમી નમી સી હૈ….

    ગીતવિશેષ

    બીરેન કોઠારી

    હિન્દી ફિલ્મોનાં ટાઈટલ સોન્ગની શ્રેણી ‘વેબગુર્જરી’ પર ચાલી રહી છે. એ શ્રેણી માટે વિવિધ ફિલ્મોનાં ટાઇટલ ગીત શોધતાં અનાયાસે આશ્ચર્યજનક બાબતો મળી આવતી હોય છે. આ ઉપક્રમ અંતર્ગત એક વખત સુરતના હરીશ રઘુવંશીએ તૈયાર કરેલી સલિલ ચૌધરીની ફિલ્મોગ્રાફી હું જોઈ રહ્યો હતો. એમાં જાણવા મળ્યું કે સલિલદાની છએક ફિલ્મો અધૂરી રહેલી છે. એક યા બીજા કારણસર તે કાં પૂરી નથી થઈ યા રિલીઝ નથી થઈ. આ ફિલ્મોમાંનાં કોઈ ગીત મળે કે કેમ એની તપાસ મેં આરંભી અને પહેલા જ પ્રયત્ને એક અદ્‍ભુત ગીત મળી આવ્યું.

    ‘મિટ્ટી કા દેવ’ નામની ફિલ્મનું એ ગીત મુકેશના સ્વરમાં છે અને તેના શબ્દો છે ‘શામ સે આંખ મેં નમી નમી સી હૈ’. અસલ સલિલ ચૌધરી શૈલીનું કમ્પોઝિશન અને મુકેશનો મસ્ત સ્વર. ગીત લખ્યું હતું ગુલઝારે.

    ‘મિટ્ટી કા દેવ’ના આ ગીતનો પાઠ આ મુજબ છે.

    शाम से आँख में नमी नमी सी है,
    आज फिर आप की कमी कमी सी है

    अजनबी सी होने लगी है, आतीजाती सांसे,
    आँसूंओंमें ठहरी हुई है, रुठी हुई सी यादें,
    आज क्युं रात यूं थमी थमी सी है…शाम से आँख में…

    पथ्थरों के होठों पे हमने, नाम तराशा अपना,
    जागी जागी आंखों में भरके, सोया हुआ सा सपना
    आंख में नींद भी थमी थमी सी है…शाम से आँख में…

    જોઈ શકાય છે કે અહીં આ રચનાનું બંધારણ ગીત જેવું છે.

    આ ગીત સાંભળતાં સલીલ ચૌધરી અને મુકેશનાં ‘યે દિ ક્યા આયે’ (છોટી સી બાત), ‘કઈ બાર યૂંહી દેખા હૈ’ (રજનીગંધા), ‘મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને’ (આનંદ) જેવાં ગીતો યાદ આવે. આ ગીત સાંભળવાનું શરૂ કર્યું અને થોડું સાંભળતાં લાગ્યું કે આ શબ્દો તો જાણીતા હોય એમ લાગે છે.

    તરત યાદ આવ્યું કે ગુલઝાર, આશા ભોંસલે અને આર.ડી.બર્મનના ગૈરફિલ્મી આલ્બમ ‘દિલ પડોસી હૈ’માં આશાના સ્વરમાં કંઈક આવા જ શબ્દો ધરાવતું ગીત હતું, જેની પર બિલકુલ આર.ડી.ની મુદ્રા હતી. જરા તપાસ કરી તો આશ્ચર્ય! આલ્બમમાં આ ગીત શબ્દોના થોડા ફેરફાર સાથે લેવામાં આવેલું.

    આ ગીતનો પાઠ આ મુજબ છે.

    शाम से आँख में नमी सी है

    आज फिर आप की कमी सी है
    दफ़्न कर दो हमें तो साँस आए
    देर से सांस कुछ थमी सी है

    कौन पथरा गया है आँखों में
    बर्फ़ पलकों पे क्यूँ जमी सी है

    આમ, અહીં તેનું બંધારણ ગઝલના બંધારણને અનુસરે છે, જેમાં મત્લા સહિત કુલ ત્રણ શેર છે.

    હજી ત્રીજું આશ્ચર્ય બાકી હતું. ગુલઝાર અને જગજીતના આલ્બમ ‘મરાસીમ’માં જગજીતે પણ આ ગાયું હતું અને એ પણ પોતાના આગવા અંદાજમાં.

    આ રચનાનો પાઠ આ મુજબ છે.

    शाम से आँख में नमी सी है
    आज फिर आप की कमी सी है

    दफ़्न कर दो हमें कि साँस मिले
    नब्ज़ कुछ देर से थमी सी है

    वक़्त रहता नहीं कहीं टिक कर
    आदत इस की भी आदमी सी है

    कोई रिश्ता नहीं रहा फिर भी
    एक तसवीर लाजमी सी है

    આ રચના પણ ગઝલના બંધારણને અનુસરે છે અને તેમાં મત્લા સહિત કુલ ચાર શેર છે.

    Rekhta.org  પર આ ગઝલનો સંપૂર્ણ પાઠ આપેલો છે, જે આ મુજબ છે:

    शाम से आँख में नमी सी है
    आज फिर आप की कमी सी है
    दफ़्न कर दो हमें कि साँस आए

    नब्ज़ कुछ देर से थमी सी है
    कौन पथरा गया है आँखों में
    बर्फ़ पलकों पे क्यूँ जमी सी है

    वक़्त रहता नहीं कहीं टिक कर
    आदत इस की भी आदमी सी है
    आइए रास्ते अलग कर लें
    ये ज़रूरत भी बाहमी सी है

    એટલે કે, આર.ડી.બર્મન અને જગજિતની રચનામાં લેવાયેલા શેર આ મૂળ ગઝલમાંથી લેવાયેલા છે.

    આખો તાળો એવો બેઠો કે મૂળ તો ગુલઝારે આ ગીત ‘મિટ્ટી કા દેવ’ માટે લખેલું, જેમાં સંજીવકુમારની ભૂમિકા હતી. એવું જાણવા મળ્યું કે લતા અને મુકેશ આ ફિલ્મથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે આ ફિલ્મના વિતરણના મહારાષ્ટ્ર અને રાજસ્થાનના હક ખરીદવાની તૈયારી દેખાડેલી. કમનસીબે સ્ટુડિયોમાં લાગેલી આગમાં આ ફિલ્મ બળીને ખાખ થઈ ગઈ. તેની સાઉન્ડટ્રેક પણ! તેમણે આ મુખડાને મત્લા તરીકે રાખીને બીજા શેર લખ્યા હશે એમ લાગે છે.

    ગીતકાર યોગેશના જણાવ્યા અનુસાર આ ‘મિટ્ટી કા દેવ’નાં ત્રણેક ગીતો રેકોર્ડ થઈ ગયાં હતાં. સલિલદા માટે યોગેશે પહેલવહેલું ગીત આ ફિલ્મ માટે લખેલું, જેના શબ્દો હતા, ‘કોઈ પિયા સે કહ દે અબ જાઓ ના’. બીજું એક ગીત પ્રેમ ધવને લખેલું, જે મહમ્મદ રફી અને સુમન કલ્યાનપુરના સ્વરમાં રેકોર્ડ કરાયેલું.

    આ બધું જ રાખ થઈ ગયું. અલબત્ત, મુકેશના સ્વરે ગવાયેલું એક ગીત કોઈક રીતે ઉપલબ્ધ બની શક્યું.

    ગુલઝારે લખેલા આ એક ગીતના શબ્દો થોડા ફેરફાર સાથે એના એ જ છે, છતાં ત્રણે સંગીતકારોએ એને પોતાની શૈલીથી જે રીતે શણગાર્યા છે એ સાંભળવાનો જલસો પડે એવું છે.


    (તસવીરો નેટ પરથી અને ગીતની લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્‍યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જૂનું ઘણું ખાલી કરતાં…

    દેવિકા ધ્રુવ

    ખૂબ ચકડોળે ચડેલા સમયની વચ્ચે કંઈ કેટલાય વિચારો અને અનુભવોની આવનજાવન ચાલી. આ સમયરેખાને સ્થળ સાથે જોડવાથી એક સંપૂર્ણ ચિત્ર તમામ દૄશ્યોની સાથે તૈયાર થઈ નજર સામે ઊભું થાય છે.

    કેટલાં મકાનો બદલાયાં! કેટલી વખત સુસજ્જ માળાઓ સજાવ્યા અને સંકેલ્યા! જૂનું ઘણું ખાલી કર્યું. વિશ્વના મંચનો મહાન દિગદર્શક ક્યારે, શું કરાવે છે? કંઈ ખબર પડે છે!!!

    ત્રીસીની શરૂઆતમાં વિદેશગમન અને ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ૩+૨૧ વર્ષ પસાર થઈ ગયાં.

    વળી પાછાં ૧૮ વર્ષ હ્યુસ્ટનના ‘સિએના પ્લાન્ટેશન’ વિસ્તારના ‘પોએટ કોર્નર’માં ગાળ્યાં. સાચા અર્થમાં ત્યાં જ વધુ સાહિત્યિક કામ (૧૧ પુસ્તકો) થયું. પોઍટ કોર્નર હતો ને?!!

    અને… હવે આ લગભગ પોણી સદીની પાળે, વળી પાછાં Fulshear (હ્યુસ્ટનની દક્ષિણ દિશાનો વિસ્તાર)ના, એક નાનકડા તળાવને કાંઠે, તદ્દન નવાં મકાનમાં મુકામ.

    પાછું વળી જોતાં થાય છે કે ઓહોહોહો કેટલું બધું ચાલ્યાં?!!!!….અત્યાર સુધી જુદે જુદે રસ્તે ફંટાતો, સરળ-કઠણ લાગતો રસ્તો હવે એક શાંતિભર્યા રહેઠાણ પર આવીને ઊભો.. વળી એક ઑર નવો અને જુદો અનુભવ.  એક નવી સવાર…

    વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો એટલે જ જિંદગી. માનવ માત્રને પ્રત્યેક નવે તબક્કે અજબનાં આશ્ચર્યો અને ગજબના પડકારો મળતા રહે છે. અંધાર-ઉજાસના આ ખેલને શું કહેવાય? હારજીત તો આમાં છે જ નહિ. બસ, એક વર્તુળાકાર ગતિ છે, ચક્ડોળ છે અને તે પણ સતત છે. સમય નામ તો માણસે આપ્યું. બાકી નિયતિનો આ ક્રમ તો કુદરતમાં પણ છે જ, છે.

    આ બધાંની વચ્ચે આમ જોઈએ તો સંવેદનાએ પડકારો ઝીલ્યા છે. અતિશય નાજુક એવું આ ભીતરનું તંત્ર કેટકેટલી વાર અને કેવી કેવી રીતે ખળભળ્યું હશે! ક્યારેક સવાલો ઊઠે છે કે વિરાટના હિંડોળે ઝુલીને કે ઝીલીને, આ કોમલ સંવેદનાઓ ધારદાર બને છે કે પછી બુઠ્ઠી થઈ જાય છે?  એક સ્થાયી ભાવની જેમ નિર્લેપ અને સ્થિર થતી હશે? ઘણી મિશ્ર લાગણીઓ વચ્ચે અંદર કંઈક આવું સળવળે છે.

    ગઝલઃ 

    જૂનું ઘણું ખાલી કરતાં…

    જે ગયા હતા, મધુરા હતા, જે મળ્યા તે સારા પડાવ છે…
    છે વિરક્તિ ને જરી હાશ પણ હૃદયે જુદો જ લગાવ છે..      

    ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ.
    અહીં તો સવાઈ નિરાંત છે, સખે જો આ શાંત ઠરાવ છે.

    અહીં નીકળ્યાં ભ્રમણે હતાં, ને હવે સફર તો સફળ થઈ.
    જે લકીર હાથ મહીં હતી, તેનો તો જવાનો સ્વભાવ છે.

    જે મળી સુગંધ ભરી કરે, તે કલમ થકી જ વહી રહી
    પમરાટ હો, દિનરાત હો, ન હવે જરાય તણાવ છે.     

    સરે શ્વાસના અણુએ અણુ, અને રોમરોમમાં નામ એ
    પછી તો સદાનો વિરામ છે, કહો ક્યાં કશોય અભાવ છે!!   


    સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
    ઇ-મેલ ddhruva1948@yahoo.com

  • આલાં

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    દુબઈ જતું પ્લેન ટેક ઓફ કરી ચૂક્યું હતું. શહેર પાછળ છૂટતું જતું હતું અને મન પણ. ઘણાં લાંબા સમય પછી અમ્મીને મળવાના સંયોગ ઊભા થયા હતા. જ્યારે જવાનું થાય ત્યારે અમ્મી તો રોકાઈ જ જવાનો આગ્રહ કરતી. આ વખતે અબ્બાની વરસીના નામે છેવટે રોકી જ લીધો.

    ધીમે ધીમે દૂર થતાં જતાં શહેરના મકાનોની લાઇટો નાની, વધુ ને વધુ નાની થતી જતી હતી. પ્લેનમાં એર હૉસ્ટેસ એના સ્મિત મઢ્યા ચહેરા સાથે યુ.ડી.કૉલનના ટિસ્યૂ આપી ગઈ. ચહેરો તો સાફ કર્યો પણ એનાથી મનમાં છવાયેલી ઉદાસી સાફ ન થઈ. આ ઉદાસી માત્ર અમ્મીને એકલી મૂકીને આવવા માટે હતી? દરેક વખતે અમ્મીને એકલી મૂકીને એ આવતો જ હતો પણ આ વખતે અમ્મીની સાથે આલાંની યાદ પણ કેડો મૂકતી નહોતી.

    આલાં.

    શરારતી આંખો, સહેજ અમસ્તી સાંવલી પણ તીખી સૂરત, કોઈનીય સાડાબારી રાખ્યા વગર, કશું પણ વિચાર્યા વગર મનમાં જે આવે એ બોલી નાખવામાં શૂરી. આલાંને પહેલાં ક્યારેય મળવાનું બન્યું નહોતું અને એટલે જ આલાં પણ મને ઓળખી શકી નહોતી.

    નાનપણમાં આલાંની મા મરી ગઈ અને એક વર્ષ પહેલાં બાપ. હવે આલાં એની જાતે, એની રીતે જીવતા શીખી ગઈ હતી.

    એ અમ્મી સાથે વાતો કરતી રહેતી અને હું એની તસવીર લેતો રહેતો. આ ક્ષણે પણ જાણે મારા હાથમાંની તસવીરોમાંથી એની બોલકી આંખો મારી સાથે વાત કરી રહી હતી. એનું ઘાટીલું દેહાતી બદન, બેસે ત્યારે સહેજ ઊંચે ચઢી ગયેલા પહોળા પાયજામામાંથી દેખાતી એની સુડોળ પીંડીઓ, તસવીરમાં સજીવ થઈને જાણે અજબનું આકર્ષણ ઊભું કરી રહ્યાં હતાં. એ વાતો કરતી ત્યારે મુંડી મરોડીને, ડોકને ઝાટકો આપીને જે રીતે મારી સામે જોતી એ અદા એક તસવીરમાં ઝીલાઈ હતી. મારા હાથમાં પકડેલી તસવીરમાંથી બહાર આવીને એ મારી સાથે વાત કરતી હોય એવું આ ક્ષણે હું અનુભવી રહ્યો.

    “તસવીરોનું શું કરશો? એણે એક દિવસ પૂછ્યું હતું.

    “મારી સાથે લઈ જઈશ.” જવાબ તો મેં આપ્યો પણ તીરછી નજરે જોતા એ બોલી, “એનાં કરતાં મને જ સાથે લઈ જાવ તો?”

    હું એવો અબૂધ હતો કે એ સમયે મને એની વાત સમજાઈ નહોતી. પણ બંને વચ્ચે કદાચ કોઈ આકર્ષણ જન્મી રહ્યું હતું એવું તો હું અને એ બંને સમજી ચૂક્યાં હતાં.  બંનેને નજીક રહેવાના કારણો જોઈતા હતા. એકબીજાના સ્પર્શની ઇચ્છા જાગતી હતી. આલાં એની હેસિયતથી અજાણ નહોતી પણ અમે બંને લાગણીના એક એવા ઉંબરા પર ઊભા હતાં જેને ઓળંગીને એકબીજા સુધી પહોંચવાની, એકબીજાને પામવાની ઇચ્છા જાગ્યા કરતી હતી. દેખીતી રીતે એ ઉંબરો અમે ઓળંગ્યો નહોતો પણ પ્રયત્નપૂર્વક જાતને રોકવા છતાં મનથી એ ઓળંગ્યા વગર પણ ક્યાં રહી શકયાં હતાં?

    આલાં એક સાવ ગરીબ મોચીની છોકરી હતી, આવી ખૂબસૂરતી લઈને એણે ગરીબના ખોરડામાં જન્મ નહોતો લેવા જેવો. ચક્કીમાં પીસાતા આટાની જેમ એની યુવાનીય ગરીબીમાં પીસાતી હશે પણ એનો રંજ ક્યાંય એનામાં દેખાતો નહોતો. એ તો એની મસ્તીમાં રાચતી. મોચીની દીકરી હોવા છતાં એક મોચીકામ છોડીને એને ઘણું બધું આવડતું હતું. આજે એ આટો પીસી આપતી તો કાલે પાણી ભરી આપતી, છત લીંપવાનું, ગાય માટે બારીક ચારો કરવાનું, ગાય દોહવાનું, બધું જ એને આવડતું અને એમાંથી એની રોજી-રોટી કમાઈ લેતી.

    અમ્મી માખણ વલોવતી અને માખણ તારવ્યા પછી નીચે રહી જતી છાશ લેવા આલાં આવતી.. એક ક્ષણ ચૂપ રહે તો એ આલાં નહીં. દરેક સવાલોના એની પાસે એની રીતના જવાબ હતા જે ત્યારે તો મારી સમજમાં નહોતા આજે હવે સમજાય છે ત્યારે હું એનાથી ઘણે દૂર નીકળી ગયો છું.

    એટલામાં એર હૉસ્ટેસ આવીને વાઇનની નાની બૉટલ અને વાઇનનો ગ્લાસ મૂકી ગઈ. પાણી વગર સૂકાતા ગળાને શરબત કે શરાબ ભીનું કરી શકવાના નહોતા એના માટે તો સાવ સાદું પાણી જ ખપે ને? પણ એવી જ એક તરસ સાથે લઈને હું આવ્યો હતો એનું શું?

    અમ્મી કહેતી, આલાંનો મિજાજ તીખા મરચાં જેવો છે, કોઈની હિંમત નહોતી કે એની મરજી વિરુદ્ધ એની પાસે પણ ફરકી શકે. એનો મતલબ એ કે મારું એની નજીક હોવું એની મરજી હતી અને પછી તો અબ્બાની વરસી નિમિત્તે ઘરમાં કેટલીય એવી નાની મોટી ઘટના બનતી ગઈ કે અજાણતાંય અમે બંને એકબીજાની સામે આવી જતાં. અમ્મીની મદદમાં ખડે પગે ઊભી રહેતી આલાંએ મારા મનમાં, મારા વિચારોમાં પણ પગદંડો જમાવા માંડ્યો હતો.

    ઘરમાં અબ્બાની વરસીના લીધે દિવસભર ચાલેલી ચહલપહલ પછી મહેમાનો, કામ કરવાવાળાં સૌને મેં વિદાય આપી આપી હતી પણ આલાં કે એની યાદને હું ક્યાં વિદાય આપી શક્યો હતો? એ સન્નાટાભરી રાતમાં હું એને શોધતો હતો.

    કદાચ અમ્મી પાસે હશે એમ વિચારીને હું અમ્મીના રૂમમાં ગયો. ત્યાંય નહોતી. અમ્મી કહેતી હતી કે આખા દિવસનું કામ પૂરું કર્યા પછી આલાંએ મારા કપડાંની સુટકેસ તૈયાર કરી હતી. બીજી દિવસે નીકળવા માટે ટાંગાની વ્યવસ્થા કરવાનું પણ ભૂલી નહોતી.

    “તો પછી અત્યારે ગઈ ક્યાં?” અમ્મીને મેં પૂછી લીધું.

    મહેમાનોથી માંડીને સૌને મેં રૂખસદની ભેટ આપી પણ એને પૂછવાનું, કહેવાનું ભૂલી ગયો હતો એટલે એ મારાથી એ નારાજ હતી એવું અમ્મીએ કહ્યું સાથે અમ્મીએ એ પણ ઉમેર્યું હતું કે આ વાત આલાંએ હસવામાં કહી હતી પણ એ સમયે એની આંખ ભીની થઈ ગઈ હતી. અમ્મી કહેતી હતી કે જેને હસવાની આદત હોય છે એનું હ્રદય અંદરથી સતત રડતું હોય એ વાતની કોઈને ખબર નથી હોતી, મને પણ ક્યાં ખબર પડી હતી કે આટલી ખુશમિજાજ દેખાતી આલાંના હ્રદયમાં કેવા વલોપાતનું વલોણું ઘૂમતું હશે?

    હું ચાવલની પોટલી લઈને એને આપવા એના ઘેર ગયો. થોડી ખુશ પણ થઈ. ચાવલની પોટલી લઈને એ ઘરમાં દોડી અને વળતી ક્ષણે પાછી આવી. એના હાથમાં એક પેકેટ હતું.

    “આરિફ મિયાં, તમારી બેગમાં આના માટે જગ્યા થશે?” એ કશીક અપેક્ષા સાથે મારી સામે જોઈ રહી હતી.

    પેકેટ ખોલી જોયું તો એમાં મારા માટે આલાંએ જાતે સીવેલો ઝભ્ભો હતો જેની પર એણે ઝીણાં વેલબુટ્ટાનું ભરત કર્યું હતું. આલાંએ સાચે જ દિલથી સરસ કામ કર્યું હતું. આલાં આ પણ કરી શકતી હતી? આલાં કેટલું બધું કરી શકતી હતી?

    “પસંદ આવ્યો?” એની લાગણીઓને કાબૂમાં રાખવાનો વ્યર્થ પ્રયાસ કરતી વખતે એના અવાજનું કંપન મને સ્પર્શતું હતું. ઝભ્ભો મારા માપનો છે કે નહીં એ ચકાસવા એ મારી પાસે આવી, ખૂબ પાસે. એ ક્ષણે એના શ્વાસની ગરમી હું અનુભવી શકતો હતો.

    આલાં ઘરનું કામ, ગમાણનું કામ બધું જ કરી શકતી હતી એ મેં જોયું હતું પણ આવું નાજુક સ્ત્રી સહજ કામ પણ એ કરી શકતી હશે એવી મને કલ્પના નહોતી.

    “તું આ પણ કરી શકે છે આલાં?  કેટકેટલું તું કરી શકે છે?” ઝભ્ભો જોઈને મારાથી પૂછાઈ ગયું.

    એ ઘડીભર ચૂપ થઈ ગઈ પણ એની નજર ક્યાં ચૂપ રહી શકે એમ હતી? એ નજર પણ ઘણું કહી જતી હતી. બંને વચ્ચે વ્યક્ત ન કરી શકાય એવો ભાર હું અનુભવી રહ્યો, કદાચ એ પણ અનુભવતી હશે. થોડી ક્ષણો માટે પણ મૌનની દીવાલ એનાથી ક્યાં સહન થવાની હતી!

    એ હસી પડી. બરાબર અમ્મી કહેતી હતી એવું જ હસી પડી. એ ક્ષણે એના હસવા પાછળનું રૂદન હું સમજી, અનુભવી શક્યો હતો.

    એક ઊંડો શ્વાસ લઈને એ બોલી,

    “હા આરિફ મિયાં, હું બધું જ કરી શકું છું, પ્રેમ પણ…….જે તમે ક્યારેય જોયો જ નહીં.”

    એના ગળામાં ડૂમો બાઝ્યો. એ ક્ષણે એના અવાજમાં રૂદનની છાંટ ભળી. એ તરત મારાથી ઊંધી દિશામાં ફરી ગઈ. કદાચ આજ સુધી કોઈએ ન જોયેલા અને અજાણતાં છલકાઈ આવવાની અણી પરના આંસુ મને પણ નહીં બતાવવા હોય.

    આ ક્ષણે એણે એની આંખમાં સમાવી લીધેલા આંસુ મારી આંખમાંથી છલકાવાની અણી પર હતા. એના ગળામાં બાઝેલો ડૂમો મારા ગળામાં અટક્યો હતો.

    અને હું દૂર, એનાથી ઘણો દૂર જઈ રહ્યો હતો.


    એહમદ નદીમ કાસિમિની વાર્તા ‘આલાં’ પર આધારિત ભાવાનુવાદ.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૫) – કળવાદ્યો : પિયાનો [૧]

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    પિયાનો એક વિશિષ્ટ વાદ્ય છે. તેને વગાડવા માટે ચાંપોનો ઉપયોગ થતો હોવાથી પ્રાથમિક દૃષ્ટીએ તેનો સમાવેશ ચાંપ/કળવાદ્યોની શ્રેણીમાં કરવો યોગ્ય ગણાય. પણ, તેની આંતરિક રચના એવી છે કે જે તે કળ દબાવવાથી તેની સાથે જોડાયેલા તાર વડે વાદ્યની અંદરની રચનાના ધાતુથી બનાવેલા ઘન નળાકાર પર પ્રહાર થાય છે અને એ રીતે ચોક્કસ સ્વર ઉત્પન્ન થાય છે. આ કારણથી જાણકારો તેને કળવાદ્ય અને તારવાદ્યની ખૂબીઓ ધરાવતા સંકર વાદ્ય તરીકે ઓળખવાનું પસંદ કરે છે. આ વાદ્યની રચના અને તેની કાર્યપધ્ધતિ બન્ને અતિશય સંકિર્ણ છે તેથી આ શ્રેણીમાં તેનો વિશેષ ઉલ્લેખ અસ્થાને છે.

    પિયાનોનું જોનારને પહેલી જ નજરે પ્રભાવિત કરી દે તેવો ભવ્ય દેખાવ ધરાવે છે. આ કારણથી તેને ‘ગ્રાન્ડ પિયાનો’ તરીકે ઓળખવામાં આવે છે. તેના ભવ્ય દેખાવને લીધે દૃશ્ય વધુ સીનેમેટીક બની શકે છે. આથી અસંખ્ય ફિલ્મી ગીતોમાં પિયાનોને ગીતના એક મહત્વના હિસ્સા તરીકે દર્શાવવામાં આવે છે. સમયના વહેણની સાથે સાથે આ વાદ્યની રચંના અને દેખાવમાં નાનામોટા ફેરફારો થતા રહ્યા છે. એક વિશિષ્ટ રચના ધરાવતા પિયાનોની છબી પ્રસ્તુત છે.

    હવે તો મૂળ પિયાનો ભાગ્યે જ જોવા/સાંભળવા મળે છે. ઈલેક્ટ્રોનીક વાદ્ય વડે પિયાનોનો અસલથી ખુબ જ નજીક એવો અવાજ નીપજાવી શકાતો હોવાથી કેટલીયે જગ્યાઓએ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

    પિયાનો મૂળભૂત રીતે પાશ્ચાત્ય ધૂનો વગાડવા માટેનું વાદ્ય છે. તેના સૂર તૂટક તૂટક વાગતા હોય તેમ લાગે. અલ્બત્ત, તે બન્ને હાથથી વગાડવામાં આવતો હોવાથી તેમાં સૂર સતત ચાલુ રહી શકે છે. આ ઉપરાંત તેનો અવાજ ઘેરો છે. વળી તેમાં થોડેઘણે અંશે સૂર પડઘાય છે. આથી ગીતમાં તેનો ઉપયોગ સાચવીને કરવો પડે. નહીંતર તે કાં શબ્દોને ઢાંકી દે કે પછી અન્ય વાદ્યો ઉપાર હાવી થઈ જાય. પાશ્ચાત્ય વાદ્ય હોવા છતાં અનેક કલાકારોએ તેની ઉપર હિંદુસ્તાની શાસ્ત્રીય રાગો પણ વગાડ્યા છે.

    યુરોપના એક કલાકારે ગ્રાન્ડ પિયાનો ઉપર વગાડેલી સુખ્યાત સંગીતકાર બીથોવને સર્જેલી ‘મૂનલાઈટ સોનાટા’ તરીકે જાણીતી  ધૂન સાંભળીએ.

    ઉત્સવ લાલ નામના યુવાને ગ્રાન્ડ પિયાનો ઉપર છેડેલી રાગ ભીમપલાસીની ધૂનની એક ઝલક માણીએ.

    હિન્દી ફિલ્મી ગીતોમાં પિયાનોનું ચલણ શરૂઆતના તબક્કાથી જ રહ્યું છે.

    ૧૯૩૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘કપાલ કુંડલા’ના આજે પણ જાણીતા એવા પંકજ મલિકે ગાયેલા અને તેમણે પોતે જ સ્વરબદ્ધ કરેલા ગીતમાં સુસ્પષ્ટ પિયાનોવાદન સાંભળી શકાય છે.

    ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૫૦)ના સુરૈયાએ ગાયેલા પ્રસ્તુત ગીતમાં પણ પિયાનોના કર્ણપ્રિય ટૂકડા છે. આ ગીતને નૌશાદે સ્વરબદ્ધ કર્યું હતું.

    તલત મહમૂદે ગાયેલા ફિલ્મ ‘અનહોની’ (૧૯૫૨) ના ગીતમાં વાદ્યવૃંદનું નિયોજન એ રીતે કરાયું છે, જેથી પિયાનોના સ્વરો ઉપસી આવે છે. સંગીત રોશને તૈયાર કર્યું હતું.

    તિમીર બરન નામના હિન્દી ફિલ્મી દુનિયામાં પ્રમાણમાં ઓછા જાણીતા સંગીતકારે ફિલ્મ ‘બાદબાન(૧૯૫૪)માં એક અસાધારણ પિયાનોવાદન ધરાવતું સ્વરનિયોજન તૈયાર કર્યું હતું. આ ગીત તેમણે ગીતા દત્ત અને હેમંતકુમાર પાસે અલગ અલગ રેકોર્ડ કરાવ્યું હતું. અહીં ગીતા દત્તના અવાજમાં તે ગીત અને તેમાં સાથ આપી રહેલા પિયાનોના સ્વરને માણીએ.

    ફિલ્મ ‘મીટ્ટી મેં સોના’(૧૯૬૦)માં સંગીતકાર ઓ પી નૈયરે આશા ભોંસલેના સ્વરમાં એક યાદગાર ગીત તૈયાર કર્યું હતું. સમગ્ર ગીત દરમિયાન પિયાનોના સ્વર કાને પડતા રહે છે.

    ૧૯૬૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ના પ્રસ્તુત યુગલગીતને સંગીતકાર ખય્યામે પિયાનોના યાદગાર અંશો વડે સજાવ્યું છે.

    સંગીતકાર હેમંતકુમારે ૧૯૬૬ની ફિલ્મ ‘અનુપમા’ના ગીતમાં પ્રયોજેલ પિયાનોવાદન વડે ગીત ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે.

    ૧૯૭૦ના દાયકાની આસપાસ  હિન્દી ફિલ્મી વાદ્યવૃંદોમાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનો પ્રવેશ થયો. આના સીધા પરિણામે આદિવાદ્યોનો ઉપયોગ ઘટતો ચાલ્યો. તેમ છતાં પણ અમુક રચનાઓ માટે સંગીતકારો આવાં વાદ્યોની અનિવાર્યતા સમજતા હતા. ૧૯૭૧ની સાલમાં આવેલી બે ફિલ્મો – ‘કટી પતંગ’ અને ‘લાલ પથ્થર’નાં નીચેનાં ગીતોમાં સંગીતકારો અનુક્રમે રાહુલદેવ બર્મને અને શંકર-જયકિશને મૂળ પિયાનોનો ઉપયોગ કર્યો છે.

    https://youtu.be/hV7EAqGy5y8

    ૧૯૮૬ની ફિલ્મ ‘દિલવાલે’ના આ ગીત માટે સંગીતકાર બેલડી નદીમ-શ્રવણે પિયાનોના કર્ણપ્રિય અંશો તૈયાર કર્યા છે.

    ૨૦૦૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘પરીણિતા’માં સંગીતકાર શાંતનુ મોઈત્રાએ મૂળ વાર્તામાં રજૂ થયેલ પોણી સદી પહેલાંના માહોલને જીવંત કરતું સંગીત તૈયાર કર્યું હતું. તેમાંનું પિયાનોવાદન ધરાવતું યાદગાર ગીત માણીએ,

    આવતી કડીમાં પિયાનોવાદન ધરાવતાં કેટલાંક વધુ ગીતો માણીશું.

    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ‘આવારા’ શબ્દવાળા ફિલ્મીગીતો

    નિરંજન મહેતા

    આવારા શબ્દ સાંભળતા જ એક જ ગીત ધ્યાનમાં આવે અને તે છે ૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’નું જગપ્રસિદ્ધ ગીત જેને ન કેવળ ભારતમાં પણ વિદેશોમાં પણ ધૂમ મચાવી હતી અને આજે પણ તેના તાલે લોકો નાચે છે.

    आवारा हु, आवारा हु
    या गर्दिश में हु या आसमान का तारा हु

    રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે મુકેશનો.

    ૧૯૫૮ની ફિલ્મ ‘સોલવા સાલ’નું ગીત એક નફિકરા યુવાનની મનોભાવના વ્યક્ત કરે છે.

    है अपना दिल तो आवारा
    न जाने किस पे आयेगा

    ટ્રેનમાં મુસાફરી કરતા દેવઆનંદ સાથી સુંદર આગળ આ ગીત ગાય છે જે હકીકતમાં વહીદા રહેમાનને ઉદ્દેશીને ગવાયું છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દો છે અને સંગીત છે સચિનદેવ બર્મનનું. ગાયક છે હેમંતકુમાર.

    ૧૯૬૧ની ફિલ્મ ‘છાયા’ના આ ગીતમાં બે પ્રેમીઓનો સંગીતમય સંવાદ રજુ થાય છે

    इतना ना मुज से तू प्यार बढ़ा
    के मै एक बादल आवारा
    कैसे किसी का सहारा बनू की
    मै खुद बेघर बेचारा

    આશા પારેખ અને સુનીલદત્ત પર આ ગીત રચાયું છે જેના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત છે સલીલ ચોંધરીનું. ગીતની શરૂઆતનું સલીલ દાનું સંગીત કર્ણપ્રિય છે. ગાયકો છે લતાજી અને તલત મહેમુદ

    આ જ ગીતનું વ્યથિત રૂપ પણ છે જે તલત મહેમુદના સ્વરમાં છે

    https://youtu.be/0OblBifWzUs
    ૧૯૬૨ની ફિલ્મ ‘ડો. વિદ્યા’નું આ ગીત પ્રેમિકાને મળવા જનાર પ્રેમીના મનોભાવને વ્યક્ત કરે છે જેમાં પોતાના દિલને આવારા માને છે.

    एई दिले आवारा चल
    फिर वही दुबारा चल

    મનોજકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપૂરી અને સંગીત છે સચિનદેવ બર્મનનું. ગાયક છે મુકેશ. ગીતનો વિડીઓ નથી એટલે ઓડીઓ મુક્યો છે.

    ૧૯૬૩ની ફિલ્મ ‘આવારા અબ્દુલ્લાહ’ના નામ પરથી જ સમજાઈ જશે કે એકાદ ગીતમાં આવારા શબ્દને આવરી લીધો હશે. આ ફિલ્મનું શિર્ષકગીત જ આવું છે.

    हो आवारा अब्दुल्लाह हो आवारा अब्दुल्लाह
    ये प्यार का हल्ला गुल्ला

    ફિલ્મના મુખ્ય કલાકાર છે દારાસિંઘ. અસદ ભોપલીના શબ્દો અને એન.દત્તાનું સંગીત. ગાયકો રફીસાહેબ અને ગીતા દત્ત.

    ૧૯૬૩ની અન્ય ફિલ્મ ‘બનારસી ઠગ’માં બે પ્રેમીઓનું આ ગીત છે

    एक बात पूछता हु मै

    આગળ બીજા અંતરામાં શબ્દો છે

    बेदिल तुम्हे बनाकर
    खुद हो गया आवारा

    મનોજકુમાર અને વિજયા ચોંધરી પર રચાયેલ આ ગીતના શબ્દો છે અખ્તર વરસીના અને સંગીત આપ્યું છે ઇકબાલ કુરેશીએ. સ્વર છે મુકેશ અને ઉષા મંગેશકરનો.

    ૧૯૬૭ની ફિલ્મ ‘રાત ઔર દિન’નું આ ગીત ફિલ્મમાં બે વાર આવે છે.

    आवारा एई मेरे दिल
    जाने कहा है तेरी मंजिल

    પ્રથમ ગીત પાર્શ્વગીત છે. કેબ્રે નૃત્ય દ્વારા ગવાતા આ ગીતના કલાકાર છે લક્ષ્મી છાયા. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. ગાયિકા લતાજી.

     

    આ જ ગીત ધીમી ગતિએ મુકાયું છે જેની વિગતો ઉપર મુજબ.

    ૧૯૭૨ની ફિલ્મ ‘જંગલ મેં મંગલ’નું ગીત કોલેજિયનો પર રચાયું છે. પીકનીક પર ગયેલા યુવાન યુવતીની સ્પર્ધામાં યુવાનોની હાર થવાને કારણે યુવતીઓ ગાય છે

    आवारा भवरो कुछ शरम करो कुछ शरम करो

    ગીતના મુખ્ય કલાકારો છે રીના રોય અને કિરણકુમાર. હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વર આપ્યો છે ઉષા મંગેશકર અને આશા ભોસલેએ.

    ૧૯૭૭ની ફિલ્મ ‘અનુરોધ’નું ગીત છે

    आते जाते खुबसूरत आवारा सडको पे
    कभी कभी इत्तेफाक से
    कितने अनजान लोग मिल जाते है

    આગલે દિવસે રસ્તે મળેલા અજાણી યુવતીના રૂમાલના સંદર્ભમાં રાજેશ ખન્ના રેડીઓ પર આ ગીત ગાય છે જે હકીકતમાં સિમ્પલ કાપડીયાનો હોય છે. આનંદ બક્ષીના ગીતોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે કિશોરકુમારનો.

    https://youtu.be/lEnh1p6-Y7A
    ૧૯૮૦ની ફિલ્મ ‘સાહેબ બહાદુર’નું આ ગીત પ્રેમ વ્યક્ત કરાતું ગીત છે

    राही था मै आवारा
    फिरता था मारा मारा

    પ્રિયા રાજવંશને ઉદ્દેશીને દેવઆનંદ એક પાર્ટીમાં આ ગીત ગાય છે જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત છે મદન મોહનનું. સ્વર આપ્યો છે કિશોરકુમારે

    ૧૯૮૯ની ફિલ્મ ‘ત્રિદેવ’નું ગીત છે જે એક પાર્ટી ગીત છે.

    गली गली में फिरता है क्यों बन के बंजारा
    आ मेरे दिल में बीस जा बनके आशिक आवारा

    અનેક કલાકારો વચ્ચે સંગીતા બિજલાની આ નૃત્ય કરે છે જેમાં જેકી શ્રોફ પણ દેખાય છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકારો અલકા યાજ્ઞિક અને મનહર ઉધાસ.

    ૧૯૯૭ની ફિલ્મ ‘સપને’નું આ ગીત એક અનન્ય પ્રકારનું છે.

    आवारा भंवरे जो हौले हौले गाये
    फूलो के तन पे हवाए जो सरसराये

    શાળાના વર્ગમાં દિવાસ્વપ્નમાં રાચતી કાજોલ આ ગીતની કલાકાર છે જેમાં અન્ય વિદ્યાર્થીનીઓ તેને સાથ આપે છે. જાવેદ અખ્તર આ ગીતના રચયિતા છે જેને સંગીત આપ્યું છે એ.આર.રહેમાને. ગાયકો છે હેમા સરદેસાઈ અને મલયેસિયા વાસુદેવન.

    ૨૦૧૫ની ફિલ્મ ‘કારવાં’નું ગીત જોઈએ.

    आवारा ख़याल हु मै
    लौटे ना बहार हु मै

    ગીતકાર પિંકી પૂનાવાલા, સંગીતકાર અંજાન ચક્ર્બોર્તી અને ગાયિકા કૌશિકા ચક્ર્બોર્તી. ગીતનો ઓડીઓ પ્રાપ્ત છે એટલે કલાકારની જાણ નથી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • બાળ ગગન વિહાર – મણકો ૨૦ – વાત અમારી કિઆનાની

    શૈલા મુન્શા

    કિઆના પાંચ વર્ષની આફ્રિકન છોકરી. વર્ષના અંતમાં અમારા ક્લાસમાં આવી. પહેલે દિવસે એની મમ્મી જ્યારે એને લઈને આવી તો એ સ્ટ્રોલર(બાળકોની બાબાગાડી) માં હતી. અમને પહેલો વિચાર એ આવ્યો કે આ બાળકીને ચાલતાં આવડે છે કે નહિ? જ્યારે મમ્મીને સવાલ કર્યો તો જવાબમાં મમ્મીએ એને નીચે ઉતારી અને એક ક્ષણમાં એ દડબડ દોડવા માંડી. સમન્થા એ સવાલ કર્યો કે એને શા માટે સ્ટ્રોલરમાં રાખી છે? તો મમ્મીએ જવાબ આપ્યો કે એ થાકી જાય તો? હવે આનો કોઈ જવાબ અમારી પાસે ન હતો. મમ્મીને જોતાં એવું લાગી રહ્યું હતું કે મમ્મીની માનસિક અવસ્થામાં પણ કાંઈ તકલીફ છે. કિઆનાના પપ્પા વિશે પૂછ્યું તો મમ્મીનો જવાબ એવો હતો કે ખબર નહિ ક્યાં છે? પતિ તો જીવનમાં હતો જ નહિ પણ બે દિકરીને એક દિકરાની મા પચીસ વર્ષની ઉમ્મરે હતી અને ચોથું આવવાની તૈયારી હતી.
    અમેરિકાની એક વિટંબણા છે, જાતીય સુખ કે સંભોગ સામાન્ય વસ્તુ છે, નાની ઉંમરે માતા બનવું સહજ છે, પણ બાળઉછેરનુ જ્ઞાન હોતું નથી. ડ્રગ્સ કે શરાબના અતિસેવનની અસર બાળક પર પડે છે અને બાળક માનસિક રીતે પછાત કે શારીરિક ખામી સાથે જન્મે છે.

    અમેરિકામાં ખાસ સ્પેસીઅલ નીડ બાળકોના ક્લાસને PPCD (pre-primary children with disability) કહે છે. બાળકો ત્રણ વર્ષે આ ક્લાસમાં દાખલ થઈ શકે, પણ કિઆના લગભગ ચાર વર્ષ પુરા થવા આવ્યા ત્યારે આવી. શરૂઆતમાં અડધા દિવસ માટે આવતી, તેમા પણ એક દિવસ આવે અને ચાર દિવસ ગેરહાજર. મમ્મીને ફોન કરીએ તો જાતજાતના બહાના ન મોકલવા માટે. પિતાને કદી જોયા નહોતા અને હશે કે નહિ તે ખબર નહોતી. કિઆનાને જોઈને સહાનુભૂતિની લાગણી મનમાં જાગે, ગુસ્સો પણ આવે કે આ બાળકીની શી દશા છે! ફક્ત ખાવા સિવાય કશાની ગતાગમ નહિ. માનસિક પંગુતા તો હતી પણ આ બાળકો પણ ઘણુ શીખી શકે જો થોડી જહેમત લેવામાં આવે, અને એ માટે શિક્ષકો સાથે ઘરની વ્યક્તિઓનો પણ પુરો સહકાર જોઈએ. ઘરમાં તો કિઆનાને આખો દિવસ સ્ટ્રોલરમાં બાંધી રાખે. કેમ? તો એ ઝપટ મારી ખાવાનુ ઝુંટવે અને આખો કોળિયો મોઢામાં ઠોંસે પછી અંતરસ જાય અને જાણે હમણા જીવ નીકળી જશે એમ આકળ વિકળ થાય. મમ્મીને પોતાની જાત સિવાય કશામાં રસ હોય એવું લાગે નહિ. એ વર્ષ તો પુરૂં થયુ અને અમને પણ વિશેષ કાંઈ કરવાનો મોકો મળ્યો નહિ.

    ખેર! નવા વર્ષે જ્યારે સ્કૂલ શરૂ થઈ તો શરૂઆતમાં થોડા દિવસ કિઆનાની હાજરી જવલ્લે જ રહી. મમ્મીને ફોન કરીએ તો એ જ બહાનુ કે એને શરદી થઈ જાય તો, એ માંદી પડે તો? કિઆનાની નાનીને કિઆનાની ઘણી ચિંતા.
    છેવટે સ્કૂલના રજિસ્ટારનો ફોન ગયો કે “કિઆના જો રોજ નહિ આવે તો એનુ નામ સ્કૂલમાંથી થી કાઢી નાખવામાં આવશે. આ ફોનની અસર થઈ અને નાનીએ કિઆનાનો કબ્જો લીધો, તરત જ અમને કિઆનામાં ફરક દેખાયો. સહુ પ્રથમ નાનીએ એને સ્પેસીઅલ નીડ બાળકો માટેની ખાસ સ્કૂલ બસમાં મોકલવા માંડી એટલે એની હાજરી નિયમિત થઈ. નાનીની કાળજી દેખાઈ આવતી, ચોખ્ખા કપડાં અને સરસ રીતે વાળ ગુંથેલા. કિઆનાનો તો જાણે દેખાવ જ ફરી ગયો.

    અમારા દિવ્યાંગ બાળકોને પણ અમે જમવા માટે કાફેટેરિઆમાં લઈ જઈએ. એના બે કારણો, એક તો આ બાળકોને પણ સામાન્ય બાળકો સાથે હળવા મળવાનો મોકો મળે અને સામાન્ય બાળકો પણએમની સાથે બેસી મદદરુપ થતાં શીખે. એ વર્ષે બાળકો વધારે અને નવા આવેલા બધાં લગભગ ત્રણ વર્ષના, એટલે અમે એક રબરનુ દોરડું જેમા રબરની રીંગ હોય એ વાપરીએ. દરેક બાળકનો હાથ એમાં પરોવી માળાના મણકાની જેમ એક લાઈનમાં ચલાવવાનો પ્રયાસ કરીએ. સમન્થા કે હું એક જણ આગળ અને એક પાછળ રહીએ. એ દોરડું જાણે અમારી લાઈફલાઈન. કાફેટેરિઆ, રમતના મેદાનમાં જવા એમ બધે અમે એનો ઉપયોગ કરીએ. અને સ્કૂલમાં પણ બધા નવાઈ પામે કે “વાહ! આ બાળકો કેવા લાઈનમાં ચાલે છે.”

    જે વાત અમને નવાઈ પમાડી ગઈ તે  તમને કહેવી છે. લગભગ અઠવાડિઆ પછી અમારો કાફેટેરિઆમાં જવાનો સમય થવા આવ્યો અને હજી અમે ઊભા થઈ પેલું દોરડું લેવા જઈએ, એ પહેલા કિઆના ઊઠીને ખાનામા રાખેલું દોરડું ખેંચી લાવી.

    હું ને સમન્થા જોતા જ રહી ગયા. કિઆના કે એના જેવા કોઈપણ બાળકમાં ભલે એનો માનસિક વિકાસ પુરો ના થયો હોય પણ સતત પ્રયત્ન અને ધીરજ આ બાળકોને પણ ઘણુ શીખવાડવામાં મોટો ભાગ ભજવે છે. દરેક બાળકમાં શિખવાના ગુણ હોય જ છે, એ સામાન્ય હોય કે માનસિક રીતે વિકલાંગ. કિઆનાને બીજી કોઈ સમજ હજી પડે કે નહિ પણ એના પેટે અને મગજે સિગ્નલ આપી દીધું કે જમવાનો સમય થઈ ગયો છે!

    “Persistence will get you there
    Consistency will keep you there”

    અમારો સતત પ્રયત્ન અને પ્રાર્થના કે કિઆના જેવા બાળકોને વધુ ને વધુ પ્રેમ આપીએ અને એમના જીવન પંથમાં પ્રગતિના સોપાનનુ એક પગથિયું બની શકીએ!!

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

    બ્લૉગ: www.smunshaw.wordpress.com