નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

આશા વીરેન્દ્ર

અમારા લોહાઘાટ પહોંચવા સુધીમાં, રમેશ, વિનોદ, સુનીલ અને આનંદ એમ ચારેય ગાડીના ડ્રાઈવરોને ખબર મળી ચુક્યા હતા કે બીજે દિવસે પીઠોરાગઢમાં ટેક્સીની હડતાળ પડવાની છે. એનો અર્થ એ કે જો સવારે સાડા છ પહેલાં જો એ વિસ્તાર પસાર ન કરી લઈએ તો હડતાળીયાઓ હેરાન પરેશાન કરે એવી શક્યતાઓ પુરેપુરી. અને સવારે સાડા છ પહેલાં ત્યાંથી આગળ નીકળી જવું હોય તો લોહાઘાટથી મળસ્કે ૪ વાગ્યે તો નીકળી જ જવું જોઈએ ! પ્રતિભાવમાં સૌએ એકી અવાજે જણાવી દીધું કે અમે અમારો સામાન પોતપોતાના રુમોની બહાર સવારે સાડા ત્રણ પહેલાં  મુકી દઈશું. નિધાર્યા મુજબ બધાં સમયસર તૈયાર થઈને સરહદ પર જવા તૈયાર શિસ્તબદ્ધ યોદ્ધાઓની જેમ ગાડીઓમાં ગોઠવાઈ પણ ગયાં.

નક્કી કર્યા મુજબ સાડા છ સુધીમાં પીઠોરાગઢ તો પહોંચી ગયાં. પરંતુ એનાથી આગળ જતાં બે એક વખત તોફાની તત્ત્વોએ અમને રોકીને પૈસા કઢાવવાની કોશિશ તો કરી જ હતી. પરંતુ દ્રૌપદીની વિપતિની વેળાએ શ્રીકૃષ્ણ હાજર થઈ ગયા હતા તેમ અમને નડેલાં વિઘ્નો સમયે બરાબર અણીના સમયે પોલીસ પ્રગટ થઈ અને અમને સહાય કરી.

અમારાં ટોળાનાં લોકો આમ તો શાણાં હતાં, પણ ખળખળ વહેતાં ઝરણાંઓને જોતાંવેંત એ શાણપણ હવા થઈ જઈને એવું શુરાતન ચઢતું કે  અખાના છપ્પાની યાદ આવી જાય. જેમ ‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ની તેમ અમારા આ ‘શાણા’ પ્રકૃતિપ્રેમીઓને જેવુ  ઝરણું નજરે પડે એટલે ગાડી ઊભી રખાવીને પાણીમાં ઝંપલાવ્યે જ છૂટકો કરે. પછી તો એ ચેપ ધીમે ધીમે  અમારા બધામાં પણ ફેલાતો ગયો. એટલે એ લોકો સાથે ‘ચાલો આપણે પણ પાણીમાં જરાતરા છબછબીયાં કરી લઈએ’ કહીને બધાં જ તરવૈયાઓની જમાતમાં સામેલ થઈ જતાં. આમ લહેરીલાલાઓ અને લહેરીલાલીઓની અમારી દડમજલ આગળ વધતાં વધતાં બરાબર બાર કલાકે નારાયણ આશ્રમ પહોંચી.

સવારે ચાર વાગ્યે નીકેળેલાં અમે નારાયણ આશ્રમ ભલે સાંજે ચાર વાગ્યે પહોંચ્યાં, પણ બધાંનાં હૈયા આનંદ અને ઉત્સાહથી એવાં છલછલતાં હતાં કે   કોઈના ચહેરા પર થાકનું નામનિશાન નહોતું.


સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.