ભગવાન થાવરાણી

સ્વિડિશ ફિલ્મ સર્જક ઈંગમાર બર્ગમેનની મારી પસંદગીની દસ ફિલ્મોના માસિક રસાસ્વાદનની આ શ્રેણીની શરુઆત એમની બહુ ઓછી જાણીતી ફિલ્મ SO CLOSE TO LIFE થી મે – ૨૦૨૨માં કરી ત્યારે આ પ્રસ્તાવિત દસ ફિલ્મોમાંથી માત્ર અન્ય ત્રણ ફિલ્મો વિષે લખવા માટે ચોક્કસ હતો. એ ફિલ્મો એટલે AUTUMN SONATA ( જૂન – ૨૦૨૨ ), WILD STRAWBERRIES ( જુલાઈ – ૨૯૨૨ ) અને WINTER LIGHT ( નવેમ્બર – ૨૦૨૨ ). બાકીની  ફિલ્મો વિષે નક્કી નહોતું. ત્યાં લગી મેં બર્ગમેનની વીસેક ફિલ્મો જોયેલી . ( હવે તેત્રીસ ! ). એક જ વિષય પર એમણે અલગ – અલગ સમયે સર્જેલી ફિલ્મ – ત્રયીઓ વિષે આપણે નવેમ્બર – ૨૦૨૨ના હપ્તામાં વાત કરી ગયા પરંતુ એ બાબતનો સ્હેજ પણ અંદાજ નહોતો કે એમણે માત્ર એક વિષય જ નહીં, એક જ પાત્રો અને એ પાત્રો ભજવતા એ ના એ કલાકારોને લઈને બે ફિલ્મો બનાવી હશે અને એ બન્ને એવી ઉત્કૃષ્ટ હશે કે બન્ને વિષે લખવું અનિવાર્ય થઈ પડશે ! આ બે ફિલ્મો એટલે એમની ૧૯૭૪ની SCENES FROM A MARRIAGE ( આપણે એ ઓગસ્ટ – ૨૦૨૨ ના હપ્તામાં ચર્ચી ગયા ) અને ૨૦૦૩ની એ જ ફિલ્મના ઉત્તરાર્ધરુપ ફિલ્મ SARABAND ( ઉચ્ચાર – સારુબેંડ ) જેની વાત આજે[1] . જેમણે SCENES FROM A MARRIAGE જોઈ છે અથવા એ ફિલ્મ – વિષયક આ લેખમાળાનો હપ્તો વાંચ્યો છે એમના પુનરાવર્તન અને સ્મૃતિ – સંધાન માટે અને નથી વાંચ્યો એમના ઈચ્છનીય વાચન માટે ફરીથી એની લિંક અત્રે મુકી છે :

SCENES FROM A MARRIAGE 1974

અગાઉની ફિલ્મની જેમ આજની આ ફિલ્મ SARABAND પણ મૂલત: દસ હપ્તે સ્વીડનમાં પ્રસારિત થયેલી ટીવી સિરિયલ હતી જેને પછીથી સિનેમા આવૃતિરુપે રજૂ કરવામાં આવેલી. બર્ગમેનની અન્ય એક ઉત્તમ ફિલ્મ FANNY AND ALEXANDER ( 1982 ) – જેની ચર્ચા આ લેખમાળામાં સમયાભાવના કારણે નહીં કરીએ – ને બર્ગમેને પોતાની અંતિમ ફિલ્મ જાહેર કરેલી અને એ પછીનો સક્રિય સમય એમણે ટીવી સિરિયલો અને નાટકોના દિગ્દર્શનમાં વીતાવેલો. SARABANDની સિનેમાકીય આવૃત્તિ રજૂ થતાં આ એમની અંતિમ ફિલ્મ બની રહે છે. એ રજૂ થયાના ચોથા વર્ષે ૨૦૦૭માં બર્ગમેન અવસાન પામ્યા.

અને કેવી અંતિમ ફિલ્મ ! મોટા ભાગના મહાન ફિલ્મકારોની અંતિમ ફિલ્મ ( Swan – song ) બહુધા સાવ સરેરાશ ફિલ્મ બની હોય છે. એમની કારકિર્દીને ઝેબ આપે એવી તો હરગીઝ નહીં. SARABAND અલગ છે. એમની શ્રેષ્ઠતમ ફિલ્મોની હરોળમાં માનભેર ઊભી રહી શકે એવી માતબર. એમની મોટા ભાગની ફિલ્મો સીધી કે આડકતરી રીતે પ્રેમ અથવા મૃત્યુની વાત કરે છે. એમની જે કેટલીક ફિલ્મો ઈશ્વરના અસ્તિત્વ સામે સવાલો ઊભા કરે છે એમાં પણ છેવટનું તારતમ્ય તો એ જ કે પ્રેમ જ ઈશ્વર છે. ૬૦ વર્ષ ફિલ્મોમાં સક્રિય રહ્યા પછી પણ બર્ગમેનની આ અંતિમ ફિલ્મ એમના કુશળ સર્જક હોવાની પ્રબળ દ્યોતક છે. વળી જેમના માટે પ્રેમ અત્યંત દૂરનો પ્રદેશ છે અને મૃત્યુ વિચલિત કરી દે એ હદે નિકટ, એવા ભાવકો – ભાવુકો માટે તો આ ફિલ્મ ઝકઝોરી નાંખતું દ્વંદ્વ છે.

SARABAND કે SARABANDE એ સતરમી અને અઢારમી સદીનું હળવી ગતિનું એક સ્પેનીશ નૃત્ય છે. એ નૃત્ય સંગે વગાડવામાં આવતા સંગીતનું પણ એ જ નામ છે. એમાં બે નર્તક હોય છે. પુરુષ અને સ્ત્રી. બહુધા એમાં બન્ને પાત્રો વચ્ચે ઉત્તેજક નિકટતા હોય છે. આ ફિલ્મના દસ અલગ – અલગ પ્રકરણમાં પણ બબ્બે પાત્રો વચ્ચેનો સંવાદ – વિસંવાદ -સંઘર્ષ દેખાડાયા છે. કોઈ પણ પ્રકરણમાં બેથી વધુ પાત્રો નથી. દરેક પ્રકરણના અંતે મહાન જર્મન સંગીતકાર યોહાન બાકના પાંચમા સૂટનું સારુબેંડ સંગીત વાગે છે.

જેમણે SCENES FROM A MARRIAGE ફિલ્મ જોઈ છે અથવા એનો રસાસ્વાદ વાંચ્યો છે એમને ખ્યાલ છે કે એ મેરિયન ( LIV ULLMANN ) અને યોહાન ( ERLAND JOSEPHSON ) ની પ્રેમ – ધિક્કાર – પ્રેમકથા છે. ફિલ્મની શરુઆતથી જ એ દસ વર્ષથી પરણેલા છે અને એકંદરે સંતોષકારક સહજીવન ગુજારી ચૂક્યા છે, બન્નેની પ્રકૃતિઓ વચ્ચે આભ-જમીનનું અંતર હોવા છતાં ! યોહાનના અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે બન્ને છૂટાછેડા લે છે. બન્ને અન્ય પાત્રોને પરણે છે પણ એકમેક સાથે બંધાયેલો કોઈક અજબ નાતો એમને જોડાયેલા રાખે છે. બન્ને અવારનવાર મળતા રહે છે. એ ફિલ્મ પૂરી થાય છે બન્નેના લગ્નના વીસ વર્ષ અને છૂટાછેડાના દસ વર્ષ પછી એક મિત્રના અવાવરુ મકાનમાં એક અંતરંગ રાત વિતાવીને.

એ અંતિમ મિલનના બત્રીસ વર્ષ બાદ આ ફિલ્મ SARABAND આરંભાય છે. યોહાન હવે ૮૫ નો છે, મેરિયન ૭૫ ની. બન્નેના નવા જીવનસાથી ક્યારના આ સંસારમાંથી વિદાય લઈ ચૂક્યા છે. મેરિયન – યોહાનના લગ્નજીવનથી જન્મેલી બે પુત્રીઓ હવે પ્રૌઢ છે. એક દીકરી પતિ સાથે ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે અને બીજી માનસિક નબળાઈ અને વિસ્મૃતિનો ભોગ બનીને મનોરોગ ચિકિત્સાલયમાં. મેરિયન એકલી છે તો યોહાન પણ એક રીતે એકલો જ. એના બીજા લગ્નથી થયેલો પુત્ર હેનરીક ( BORJE AHLSTEDT ) એકસઠનો છે અને પિતા-પુત્ર વચ્ચે બાપે માર્યા વેર છે. એને ખાસ કોઈ કમાણી નથી અને એ ‘ જિંદગીમાં દરેક રીતે નિષ્ફળ રહ્યો ‘ એની યોહાનને દાઝ છે. એમ તો યોહાન પોતે પણ ખાસ સફળ નહોતો પણ એને મોટી ઉંમરે કોઈક અજ્ઞાત કાકીના મૃત્યુ પછી મોટો વારસો મળ્યો એટલે પૈસે-ટકે ન્યાલ થઈ ગયો અને હવે કુદરતને ખોળે ભવ્ય મકાન વસાવીને રહે છે. એના મકાનથી ખૂબ નજીક એના જ એક અન્ય વિશાળ મકાનમાં એનો દીકરો હેનરીક ‘ કોઈ ભાડું ચૂકવ્યા વિના ‘ એની જુવાન દીકરી કારીન ( JULIA DUFVENIUS ) સાથે રહે છે. આ બન્ને પિતા-પુત્રી સેલો ( વાયલીન જેવું વાદ્ય ) વાદક છે અને પિતા પુત્રીનું ભવિષ્ય પોતાના હસ્તે સંગીતના ક્ષેત્રમાં ઘડવા કૃતસંકલ્પ છે. એ એનો શિક્ષક અને ( ધરાર ! ) માર્ગદર્શક છે. SARABAND આ ચાર પાત્રો મેરિયન, યોહાન, હેનરીક અને કારીનની કહાણી છે, નવા ઉમેરાયેલા બેની વિશેષ ! જોકે કેંદ્રમાં તો મેરિયન અને યોહાન જ છે.

ફિલ્મ એના ચાર પાત્રો વચ્ચે અલગ-અલગ દસ અધ્યાયમાં ફેલાયેલા દ્વંદ્વરૂપે છે. એ બધા જ ટકરાવ પરિપક્વ અને અધિકૃત છે. દરેક પ્રકરણમાં કેવળ બે ચરિત્રો જ છે. આમેય બર્ગમેન બે માણસો સામસામે હોય ત્યારે એમના તુમુલને મૂર્તિમંત કરવાના માહેર કસબી છે. દરેક પ્રકરણ સંક્ષેપમાં :।

૧. પ્રસ્તાવના  –  એકલી મેરિયન

ટેબલ પર પથરાયેલો બ્લેક એંડ વ્હાઈટ ફોટાઓના ઢગલા સામે મેરિયન. ફોટાઓ ઉથલાવતી એ જાણે વીતેલી જિંદગીમાંથી પસાર થાય છે. એ ઢગલામાંથી એ પોતાના ચાલીસ વર્ષ પહેલાંના પતિ યોહાનનો ફોટો ઉપાડી દર્શકોને દેખાડે છે. પોતે પણ ધારી-ધારીને જુએ છે. એમનો સંપર્ક વર્ષોથી તૂટી ગયો છે. એ પોતાની હાલની નિતાંત એકલતાનો અછડતો ઉલ્લેખ કરે છે અને યોહાનને એક વાર મળી લેવાનો ઈરાદો વ્યક્ત કરે છે.

 

૨. પ્રકરણ એક  – મેરિયન અને યોહાન

મેરિયન. એ યોહાનના વનરાજી વચ્ચે આવેલા કોટેજ પર ૩૦૦ કિ.મી નો પ્રવાસ ખેડીને પહોંચી છે. એના ઘરનો દરવાજો ચુપચાપ ખોલી, પોતાની આરામખુરસીમાં અર્ધનિદ્રામાં પોઢેલા વયોવૃદ્ધ યોહાનને હેતથી જુએ છે. ઘડીભર વિચારે છે ‘ એને ‘ જોઈ લીધો, હવે પરત જતી રહું ત્યાં યોહાન જાગી જાય છે, તરત મેરિયનને ઓળખી ઉમળકો વ્યક્ત કરે છે. મેરિયન ‘ મળી લીધું, હવે જઉં ‘ નો ઉપક્રમ કરે છે પણ યોહાન આગ્રહપુર્વક કહે છે કે આટલે દૂરથી આવી છો તો જમીને જજે. ઘરના રખરખાવ અને રસોઈ માટે કામવાળી છે જે કામ આટોપીને પોતાના ઘરે જતી રહે છે.

યોહાન ઘડપણ ઉપરાંતની કેટલીયે શારીરિક તકલીફોનો ભોગ બનેલો છે. એના જ શબ્દોમાં ‘ માણસને સાઠે છ તકલીફો હોય તો સિત્તેરે સાત ‘. મેરિયન એકંદરે તંદુરસ્ત છે. બન્ને પરસાળમાં બેસી દૂર સુધી ફેલાયેલી વનરાજી અને સરોવર નીરખે છે. યોહાન બાજુમાં રહેતા દીકરા હેનરીક, બન્ને બાપ – દીકરા વચ્ચેના તંગ સંબંધો અને હેનરીકની વ્હાલૂડી દીકરી કારીનની વાત કરે છે. એ હેનરીકની બે વર્ષ પહેલાં કેંસરથી મૃત્યુ પામેલી સૌમ્ય પત્ની અન્નાનો પણ ઉલ્લેખ કરે છે. પોતાની અને મેરિયનની બન્ને દીકરીઓના ખબરઅંતર પૂછે છે. પોતાની નરકથી યે બદતર જિંદગી અને એમના બન્નેના નિષ્ફળ ગયેલા લગ્નજીવનની પણ !

મેરિયનને પ્રશ્ન થાય છે કે અહીં આવીને ભૂલ તો નથી કરી ને !

૩. પ્રકરણ બે  – મેરિયન અને કારીન

મેરિયન યોહાનને ત્યાં રોકાઈ ગઈ છે. પોતાનું જ ઘર છે એવું માનીને ! યોહાનની પૌત્રી કારીન દાદાને મળવા આવે છે. મેરિયન એને પોતાની ઓળખ આપે છે . ‘ હું તારા દાદાની ભૂતપૂર્વ પત્ની છું.

કારીન સુયોગ્ય અને સહૃદય શ્રોતા મળતાં પોતાની રામકહાણી સુણાવે છે. મેરિયન સહાનુભૂતિ અને સમજદારીનો દરિયો છે જાણે ! એ કારીનને ખૂલવાની મોકળાશ આપે છે. કારીન પોતાના પિતાની સારપની વાત સાથે એમની જોહુકમી અને કડકાઈની વાત કરે છે. પોતે એમની સેલો વગાડવાની ચોક્કસ રીતની જિદ્દથી ત્રાસી ગઈ છે. એમના રિયાઝના આગ્રહને એ સતામણી કહે છે. એ એમની હિંસક રીતભાતથી તંગ આવી ઘરેથી ભાગીને અહીં આવી છે.

દરેક ધૈર્યવાન શ્રોતાની પોતાની પણ એક કહાણી હોય છે જે પેલા કહેનાર કરતાં પણ કરુણ હોય ! કારીન  ‘ મારે હવે કશુંય કરવું નથી, કશુંય બનવું નથી.’ મેરિયનને એવું લાગે છે કે વહાલસોયી દીકરીથી ઠુકરાવાયેલો પિતા હેનરીક કશુંક અઘટિત કરી ન બેસે ! દીકરીને પિતા તરફ પ્રેમ પણ છે કારણકે એ પણ એની સ્વર્ગસ્થ માને એના જેટલી જ ઉત્કટતાથી ચાહતા હતા.

કારીન પોતાની કથની કોરાણે મૂકી મેરિયનને એના દાદા સાથેના સહજીવન અને એમની પ્રકૃતિ વિષે કુતૂહલથી પૂછે છે. ‘ તારા દાદા સ્વભાવે જ બેવફા હતા. પણ તોય હું એમને ચાહતી . એ સરળ પણ હતા. આસાનીથી આઘાત પહોંચાડી શકાય એવા. ‘ મેરિયન ભૂતકાળમાં ઝાંકે છે અને રડી પડે છે પણ એને પોતાની કથની આ બાલિકાને કહેવી નથી.  ‘ તું શું કરીશ હવે ? ‘ ‘ પપ્પા પાસે પરત જઈશ

મેરિયનને કારીન પર દીકરી જેવું વહાલ ઉપજે છે.

૪. પ્રકરણ  ત્રણ  –  હેનરીક અને કારીન

કારીન પિતા પાસે પાછી ફરે છે. બન્ને પિતા – પુત્રીના સંબંધો પવિત્ર કરતાં ‘ વિશેષ ‘ છે. રાત્રે એક જ પથારીમાં સૂતેલા બન્ને અન્નાને યાદ કરે છે. બન્નેની વાતચીતમાં અન્નાના પ્રેમાળ સ્વભાવ અને હેનરીકના પિતા પ્રત્યેના ધિક્કારનો ઉલ્લેખ થાય છે. આ પ્રેમ અને ધિક્કારના પણ ઊંડા મૂળિયાં અને ઈતિહાસ છે. પિતા – પુત્રીના સંવાદ દરમિયાન બાજુમાં મૂકેલી અન્નાની તસવીર જાણે બન્ને વચ્ચે સાક્ષી હોય તેમ બન્નેને નીરખ્યા કરે છે. હેનરીકની પિતા પ્રત્યેની ઘોર નફરતના કારણે એક તબક્કે અન્નાએ એને છોડીને જતા રહેવાનું વિચારેલું પણ પછી પ્રેમ આગળ હારી ગયેલી. હેનરીક  ‘ એ સ્થૂળ રીતે ભલે મને છોડીને ન ગઈ પણ એની આંખો કહેતી હતી કે એ મને છોડીને જઈ ચૂકી છે. ( અદ્ભૂત વાત ! ) ‘ અને  ‘ મેં અન્નાની માફી પણ માંગી . જાણે એક બાળક માને કહેતું હોય કે ફરી આવું નહીં કરું. ‘ પછી કારીનને સંબોધી ‘ તું મને છોડી જઈશ તો હું ભાંગી પડીશ . હું જાણું છું, તારી સ્વતંત્ર જિંદગી તારી રાહ જુએ છે. ‘ આ કહેતી વખતે હેનરીક એટલે અભિનેતા BORJE AHLSTEDT નો અભિનય બન્ને મુખ્ય કલાકારોથી પણ ઉત્કૃષ્ટ સાબિત થાય છે. ‘ મને લાગે છે જાણે એક મોટી સજા મારી રાહ જોઈ રહી છે. ‘  એ પોતાનો ભય વ્યક્ત કરે છે.

કારીન ચુપ છે પણ બધું સાંભળે અને સમજે છે. એ માની તસવીરની આરપાર જોઈ એની ગેરહાજરીને સંવેદે છે.

૫. પ્રકરણ ચાર  – યોહાન અને હેનરીક 

૮૫ નો યોહાન અને ૬૧ નો એનો પુત્ર હેનરીક. જીવનના દરેક તબક્કે નિષ્ફળ રહેલા પુત્રને પિતા ક્યારેય માફ કરી શક્યા નથી. બન્નેનો ધિક્કાર પારસ્પરિક છે. આપણને થાય, કેટલાક લોકોને હાથે કરીને જીવનમાં કડવાશ અને દુખને નોતરું આપવાનું ઘેલું હોય છે. નહીંતર જીવનની સંધ્યાની પણ સંધ્યાએ સાઠે પહોંચી ચૂકેલા પુત્રની ‘ નિષ્ફળતા ‘ નો પૈસે-ટકે સદ્ધર એવા પિતાને શેનો અફસોસ !

યોહાનની લાયબ્રેરી આપણા બાબુ સુથાર જેવી સમૃદ્ધ છે. પુત્ર હેનરીક એમની કને પોતાના વારસા-હક્કની રકમમાંથી ઉપલક રકમ ‘ ઊછીની ‘ લેવા આવ્યો છે. બન્ને વચ્ચે સંધાનનો કોઈ તંતુ બચ્યો નથી. હેનરીકને પૈસા પોતાની પુત્રી કારીન માટે એક પુરાણું પણ કીમતી સેલો ખરીદવા જોઈએ છે. એને એમ છે કે દાદા પણ કારીનને ચાહે છે એટલે એમની પાસેના લખલૂટ પૈસામાંથી આટલી નાની રકમ આપવામાં કશી તકલીફ નહીં પડે. પિતા એને કોઈ રાહત આપવા તૈયાર નથી. એક પછી એક કટાક્ષની પરાકાષ્ઠા  પછી યોહાન ‘ તારે પૈસા દીકરીને લાંચ આપવા જોઈએ છે જેથી એ તને છોડી ન જાય. ‘ અને ત્યારબાદ દીકરાને બિરદાવતો હોય તેમ ‘ તારા નાટકમાં ઘૃણાનું તંદુરસ્ત પ્રમાણ છે. ‘ બાપ દીકરા વચ્ચેની આ આપસી નફરત હેનરીકના બચપણથી ઉદ્ભવેલી છે. યોહાન કબૂલે છે કે નફરતમાં પણ જો ઈમાનદારી હોય તો એને ગમે. યોહાન પોતાનો નિર્ણય જાહેર કરે છે કે કારીન માટે સેલોની વ્યવસ્થા એ જાતે કરી આપશે. હેનરીક પિતા પર જાણે થૂંકતો હોય તેમ ગુસ્સાથી સળગતો ચાલ્યો જાય છે.

૬.  પ્રકરણ  પાંચ  – મેરિયન અને હેનરીક

પિયાનો પર ચર્ચમાં ઓર્ગન વગાડતા હેનરીકને મેરિયન મળવા આવી છે. હેનરીકને એ ઓર્ગન વગાડવામાં એટલે રસ છે કે એ પુરાણું અને દુર્લભ છે ! મેરિયન એની સાથે કારીનની વાત કરે છે . જવાબમાં એ અન્ના અને કારીનની પ્રકૃતિઓની સરખામણી કરી કારીન એના માટે કેટલી અનિવાર્ય છે એ કહે છે. એ મેરિયનને ઘરે ભોજન માટે આવવા નિમંત્રણ આપે છે પણ યોહાનનો ઉલ્લેખ આવતાં જાણે ઝાળ લાગે છે હેનરીકને ! ‘ તમે પણ પૈસા લેવા આવ્યા છો એમની પાસે ? ‘ અને એ પ્રકારની બીજી સસ્તી વાત કરે છે. એ પિતા તરફની નફરત જતાવતાં કહે છે કે એ એમને કોઈ ભયાનક રોગથી મૃત્યુ પામતા પોતાની આંખે જોવા ઈચ્છે છે !

મેરિયન વિચારતી રહે છે, કેવા – કેવા સંબંધો છે દુનિયામાં ! 

૭. પ્રકરણ  – ૬   યોહાન અને કારીન

દાદા યોહાને પ્રિય પૌત્રી કારીનને વાત કરવા બોલાવી છે. બન્ને એમની પ્રિયપાત્ર અન્નાને યાદ કરે છે. યોહાન એને પોતાના અંગત સંગીતકાર મિત્રના પત્ર વિષે કહે છે. એણે કારીનના વાદન – કૌશલ્યથી પ્રભાવિત થઈ એને પોતાની સંગીત અકાદમીમાં હેલસિંકી ખાતે જોડાવાનું નિમંત્રણ મોકલ્યું છે. એમના મતે સંગીતમાં કારીનનું ભવિષ્ય ઉજ્જવળ છે. એમણે આ જ ઓફર કારીનના પિતા હેનરીકને પણ કરેલી પણ એણે તોછડાઈપૂર્વક એ ફગાવી દીધેલી !

દાદા કારીનને એના પિતાએ પસંદ કરેલું સેલો અપાવવા પણ તૈયાર છે, જો એ હેલસિંકી અકાદમીમાં જોડાવા તૈયાર થાય તો ! કારીન અસમંજસ અનુભવે છે. એક બાજુ પિતા છે જે એના વિના જીવી નહીં શકે અને બીજી બાજુ કારકિર્દી ! એ મનોમન કશું નક્કી કરે છે.

પ્રકરણના અંતિમ બેહતરીન અને કશુંક સાંકેતિક સૂચવતા દ્રષ્યમાં સેલો વગાડતી કારીન ધીમે ધીમે નાની થતી – થતી બિંદુવત્ બની જાય છે.

૮.  પ્રકરણ  –  ૭  –  મેરિયન અને કારીન

યોહાનના ઘરે રોકાઈ ગયેલી મેરિયનને મળવા આવી છે કારીન. કારીનને અચાનક એક પત્ર મળી આવ્યો છે જે એની મા અન્નાએ એના પિતા હેનરીકને મૃત્યુના થોડાક દિવસો પહેલાં લખ્યો છે. એને ખબર પડી ગયેલી કે એની પાસે હવે ઝાઝો સમય નથી. પત્રમાં અન્ના હેનરીકને ચેતવે છે કે એણે પ્રેમ અને ભણતરના ઓઠા હેઠળ જે રીતે દીકરી કારીનને જકડી રાખી છે એ એના વિકાસમાં અવરોધક છે. એ કારીનના પ્રેમનો પોતાની સુરક્ષિતતા માટે ઉપયોગ કરી રહ્યો છે. અન્ના સલાહ આપે છે કે કારીનને વહેલી તકે મુક્ત કર. મેરિયન સાક્ષાત સહાનૂભુતિથી કારીનને પત્ર વાંચતી સાંભળે છે. કારીન આ અંગત વાત મેરિયનને કહેવા એટલા માટે આવી છે કે એ પોતાના ભૂતપૂર્વ પતિની પૌત્રી માટે અસીમ નિસબત જતાવે છે અને દરેક રીતે એનું ભલું ઈચ્છે છે. કારીન એને પિતાના એના પ્રત્યેના જીવલેણ લગાવની વાત કરે છે.

‘ માનો આ પત્ર મારા પ્રત્યેનો મૂર્તિમંત પ્રેમ છે મારે મન.

૯.  પ્રકરણ  – ૮  –  હેનરીક અને કારીન

પિતા – પુત્રી. પુત્રીએ કશોક મક્કમ નિર્ણય લઈ લીધો છે. પિતાને કહેવાનું બાકી છે. હેનરીક ઈચ્છે છે કે પિતા – પુત્રી મળી એક જાહેર કોંસર્ટ કરે. કારીનને એ ફાવતું નથી. દરઅસલ એનો મિજાજ વ્યક્તિગત નહીં પરંતુ સમૂહ – વાદનને અનુકુળ છે. સાવ અજાણ્યા લોકો એના કૌશલ્ય વિષે ટીકા કરે એ એને ગમતું નથી. એ પિતાને શબ્દો ભેળવ્યા વિના સાફ – સાફ કહે છે કે મારા નિર્ણયો મને મારી રીતે લેવા દો. હેનરીકને શંકા છે કે એ દાદાનું પઢાવેલું બોલે છે. દાદાએ પોતાનાથી છૂટી પડવા ભરમાવી છે એને ! કારીન એને પોતાની માએ લખેલો પત્ર દેખાડે છે અને સ્પષ્ટ કહે છે કે આવતા અઠવાડિયે એ પોતાના ભવિષ્ય માટે હેલસિંકી જતી રહેવાની છે. ‘ મારે મારી માની અવેજીમાં જીવવું નથી. જે હું છું નહીં એ બનવું નથી.

અંદરથી ભાંગી પડેલો હેનરીક પરિસ્થિતિ પામી જાય છે. ‘ આપણા સંબંધ પૂરા કરતાં પહેલાં છેલ્લી વાર પાંચમો સારુબેંડ વગાડ. ‘ હેનરીક મોઢું ફેરવી દીકરીને સેલો વગાડતી સાંભળી રહે છે. છેલ્લી વાર !

૧૦.  પ્રકરણ  નવ  – યોહાન અને મેરિયન

મેરિયન વ્યગ્ર છે, યોહાન નિર્લેપ. હેનરીકે હાથ અને ગળાની નસો કાપી નાંખી આપઘાતનો પ્રયત્ન કર્યો છે. એ હોસ્પીટલમાં છે. મેરિયનનું મંતવ્ય છે કે કારીનને ગમે ત્યાંથી શોધીને એના પિતાની હાલત વિષે જણાવવું જોઈએ . જવાબમાં યોહાન ઠંડી ક્રૂરતાથી કહે છે કે હેનરીકને આપઘાત કરતાં પણ ન આવડ્યું ! મેરિયન સમસમી જાય છે. માણસ આટલો ક્રૂર બની શકે ? યોહાન ખુલાસો કરે છે કે આ બધી વસ્તુત: મારી મારા તરફની નફરત છે. હેનરીક બચપણથી કેવી રીતે એના પર આશ્રિત હતો એની વાત એ કરે છે. ‘ સાવ પાલતુ કૂતરા જેવો. હું એને લાત મારી ભગાડી મૂકતો. ‘ મેરિયનને કારીનની ચિંતા છે. આવી દુખદ પરિસ્થિતિઓમાં પણ યોહાન આશ્ચર્ય વ્યક્ત કરે છે કે અન્ના જેવી સંવેદનશીલ સ્ત્રીએ હેનરીક જેવા લબાડને કેમ પસંદ કર્યો હશે ! મેરિયન માંડ રડવું રોકી હસવાનો ઉપક્રમ કરે છે. યોહાન કારણ પૂછે છે તો કહે છે ‘ કારણ છે પણ તને નહીં સમજાય !

૧૧.  પ્રકરણ  દસ   – યોહાન અને મેરિયન  – છેલ્લું પ્રભાત

યોહાન રડે છે. ધ્રુસ્કે – ધ્રુસ્કે અને એકલો. વહેલું પરોઢ. એ બંધ કમરામાં સૂતેલી મેરિયનને જગાડે છે. એ પોતે સાવ અશક્ત અને બીમાર છે. એનું શર્ટ ઝાડાથી પલળી ગયું છે. ‘ મારા શરીરના છિદ્રેછિદ્રમાંથી પીડા ઝરે છે. ‘ મેરિયન પહેલાં એની આત્મગ્લાનિનો ઉપહાસ કરે છે પણ પછી કરુણા ઊભરાતાં એને પોતાની સાથે સુઈ જવા આમંત્રણ આપે છે. યોહાન પથારીમાં જગ્યા ન હોવાનું કહે છે તો જવાબમાં  ‘ આપણે તો આનાથી યે નાની પથારીઓમાં સૂતા છીએ કહી એને બાજુમાં સૂવાડે છે. વૃદ્ધત્વને પામી ચૂકેલું યુગલ ફરી એક વાર સાથે. ‘ જિંદગીના અંતિમ પડાવમાં હવે યોગ્ય – અયોગ્ય શું વિચારવાનું ? ‘ બન્ને એકમેકના કરચલિયાળા દેહને ધારી – ધારીને જુએ છે. રજાઈ ઓઢે છે. મેરિયનને બાથમાં લેવાનો ક્ષણિક ઉપક્રમ કરી યોહાન તુરંત માંડી વાળે છે. પડખું ફેરવી પૂછે છે ‘ તું અહીં કેમ આવી ? ‘  ‘ મને એવું લાગ્યું કે તું મને બોલાવે છે. ‘  ‘ મને સમજાતું નથી. ‘  ‘ તારું ન સમજવું મને સમજાય છે. ‘ મેરિયન યોહાનને સાંગોપાંગ ઓળખે છે.

‘ મારો ઘરે પાછા ફરવાનો સમય થયો છે. ‘

૧૨.  ઉપસંહાર  – ફરી એકલી મેરિયન

એ જ શરુઆતનું દ્રષ્ય . ફોટાઓના ઢગલા આગળ મેરિયન. એના મન:ચક્ષુ આગળ વધુ એક કાલ્પનિક ફોટો છે – એ અને યોહાન છેલ્લે સાથે પથારીમાં હતાં એ ફોટો. શરુઆતની જેમ મેરિયન ફરી ભૂતકાળને વાગોળે છે પણ હવે એ ભૂતકાળ માત્ર યોહાન અને એના પરિવાર સાથે તાજેતરમાં વિતાવેલા સમય પૂરતો છે. એકમેકના સંપર્કમાં રહેવાના કોલનો અમલ પણ નથી થઈ શક્યો અને હવે તો યોહાન ફોન પર વાત કરવા જેટલો સક્ષમ પણ નથી રહ્યો. એના કોઈ સમાચાર નથી.

પોતે બીજા કરતાં વધુ એકલી છે એનો માત્ર આછેરો ઉલ્લેખ કરી એ ફરી સ્મૃતિઓમાં સરી પડે છે. એ અન્નાને યાદ કરે છે અને પછી ‘ થોડીક મારી વાત ‘ કહી પોતાની મોટી દીકરી માર્ટાને સેનેટોરિયમમાં મળવા ગયેલી એ યાદ કરે છે. ફ્લેશબેકમાં એ ઘડીઓ તાદ્રશ થાય છે. મેરિયન વૃદ્ધ થઈ ચૂકેલી દીકરીના ચહેરે હાથ ફેરવે છે. દીકરીનો ચહેરો પત્થર સમાન છે. એ દરેક પ્રકારની સંવેદનાઓ અને સ્મૃતિ ગુમાવી બેઠી છે. એ માને ઓળખતી નથી.

ફરી વર્તમાન. મેરિયનના ચહેરા પર દર્દ અને આછેરું સ્મિત. ‘ કેવી અજબ વાત કે મારી જ દીકરીને હું જાણે પહેલી વાર સ્પર્શી રહી હતી.

મેરિયનની સજળ આંખો. હળવું ડુસકું. 

સારાબેંડ સંગીત.

સમાપન.

સૌને સમજતી, સૌને સધિયારો આપતી, સૌ પ્રત્યે સહાનૂભુતિ દાખવતી મેરિયન દરેક પરિપ્રેક્ષ્યમાં પહેલાં પણ એકલી હતી, હવે પણ એકલી છે. રહી વાત બીજા ‘ એકલાઓ ‘ ની, તો એ બધાએ પાોતાની બિનજરૂરી જિદ્દ અને પૂર્વગ્રહોથી હાથે કરીને એકલતા વહોરી લીધેલી છે. ફિલ્મનો વિષય જ આ છે. લોકો પોતાના અહમ કાજે સુખનો ભોગ આપીને સ્વયં અને અન્ય માટે કરુણતા સર્જે છે. અહીં પિતા – પુત્ર યોહાન અને હેનરીક કદાચ એકબીજાની પડોશમાં રહે છે જ એટલા માટે કે એકબીજાને ધિક્કારી શકે ! બન્ને નોખા પડે તો જીવવાનો હેતુ જ ગુમાવી બેસે ! એ બન્ને વચ્ચેના વૈમનસ્યનો ભોગ બને છે કારીન . 

આ ફિલ્મ સ્વાર્થી સંબંધો અને નિષ્ફળ માબાપોની ફિલ્મ છે. ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રોને એમના સંતાનો માટે અલગાવ છે. જાણે અધૂરા વેર ! ફિલ્મની મુખ્ય હકીકત છે સમય પ્રત્યેની સભાનતા. જૂના સમયને વીત્યે બત્રીસ વર્ષ થયા છે આ વર્ષો બર્ગમેન માટે પસાર થયા છે તો ફિલ્મના મુખ્ય કલાકારો લીવ ઉલમાન અને અરલેંડ જોસેફસન માટે પણ અને આપણા સૌ માટે પણ ! બર્ગમેને કહેલું પણ કે ફિલ્મમાં આ બે કલાકારોને પુનરાવર્તિત કરવાનું મુખ્ય કારણ એ હતું કે બન્ને પોતાની ઉંમર અનુસાર લાગતા હતા, જિંદગી જીવ્યાની સાબિતી રૂપે ! 

દર્શક તરીકે, એક દીર્ઘ જીવનના ઉતાર – ચડાવ અને બન્ને મુખ્ય પાત્રોની સમાંતરે જીવ્યાના સંતોષ સહિત આપણા મનમાં જાણે એક ઈચ્છા અધૂરી રહી જાય છે કે કાશ ! છેવટ લગી મેરિયન અને યોહાનની સાથે રહ્યા હોત ! અને આપણા મનની નેપથ્યે પેલું ગીત વાગતું રહે છે. ‘ યે જીવન હૈ, ઈસ જીવનકા, યહી હૈ રંગ – રૂપ ‘ 

પ્રસ્તાવના અને ઉપસંહાર ઉપરાંત લગભગ બે કલાકની આ ફિલ્મ દસ અધ્યાયમાં વહેંચાયેલી છે. શરુઆત અને અંતમાં મેરિયન એકલી માત્ર છે તો ત્રણ પ્રકરણમાં યોહાન અને મેરિયનબબ્બેમાં હેનરીક – કારીન, મેરિયન – કારીન અને એક – એકમાં યોહાન – કારીન, મેરિયન – હેનરીક અને યોહાન – હેનરીક છે. આ દરેક પ્રકરણનો સંવાદ – વિસંવાદ કથાને નવો વળાંક આપે છે.

જેમ અગાઉની ફિલ્મનું નામ SCENES FROM A MARRIAGE હતું, આને SCENES FROM A LIFETIME કહી શકાય. આ અંતિમ ફિલ્મ દ્વારા બર્ગમેન પોતાનું ખાતું સરભર કરી ચોપડો વધાવે છે. એવું લાગે જાણે ૮૭ વર્ષની વયે પહોંચેલો એક સર્જક પોતાની સમગ્ર કૃતિઓમાંથી પસાર થતો ઝઝૂમે છે કે એમણે જે પસંદ કર્યું એમાં શું સાચું હતું અને શું ખોટું ! જે હોય તે, આ માણસ જિદ્દપૂર્વક માનવીની પીડા અને એના મનના અંધારિયા ખૂણાને વાચા આપવાના લક્ષ્યને વળગી રહે છે ! ભલે એ છેવટ લગી સ્વયંને આશ્વાસન આપે એવું કશું પામી ન શક્યા પરંતુ આ અંતિમ ફિલ્મમાં પણ એ પીડાને એક એવી તીવ્રતાથી નીરખી શક્યા છે જે સિનેમા માટે અદ્વિતીય છે ! એ વાળુ પછીનો મુખવાસ છે જાણે, જેમાં જૂના અને જાણીતા ચરિત્રોના જીવન પર લગભગ ત્રણ દાયકા બાદ પુન: દ્રષ્ટિપાત છે. એ પાત્રોનો જુસ્સો કંઈ રીતે ઓસરી ગયો અને કઈ રીતે એ અનુગામી પેઢીઓમાં ઉતર્યો એની વાત છે. એવું લાગે જાણે ફિલ્મના ચારેય મુખ્ય ચરિત્રો વારાફરતી તરવાનો – તરતા રહેવાનો પ્રયત્ન કરે છે અને અન્ય ચરિત્રોમાંથી કોઈ એક એના પગને વળગી આશરો ઝંખે છે !

બર્ગમેનના અભિન્ન સાથી અને એમની અઢાર જેટલી ફિલ્મોમાં સિનેમાટોગ્રાફી કરનાર અને એમની બે ફિલ્મો (  CRIES AND WHISPERS તેમજ FANNY AND ALEXANDER ) માટે ઓસ્કરથી સન્માનિત SVEN NYKVIST આ ફિલ્મમાં નથી. બર્ગમેનથી એક વર્ષ પહેલાં એ પણ અવસાન પામ્યા. બર્ગમેન માટે એમનું મહત્વ શું હતું એ કહેવા એટલું પર્યાપ્ત છે કે એમની જગ્યાએ આ ફિલ્મમાં પાંચ સિનેમાટોગ્રાફર છે !

દ્રષ્યે – દ્રષ્યે પાત્રોના આત્માના એક્સ – રે ઝડપનાર બર્ગમેન જેવું કોઈ થાશે નહીં અને એમની આ અંતિમ કૃતિ ફિલ્મરુપી એક સમગ્ર કલા – વિધામાં રહેલી સંભાવનાઓ વિષે દર્શકોને પુનર્વિચાર કરવા પ્રેરે એવી છે.


[1]


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.