ગીતવિશેષ

બીરેન કોઠારી

હિન્દી ફિલ્મોનાં ટાઈટલ સોન્ગની શ્રેણી ‘વેબગુર્જરી’ પર ચાલી રહી છે. એ શ્રેણી માટે વિવિધ ફિલ્મોનાં ટાઇટલ ગીત શોધતાં અનાયાસે આશ્ચર્યજનક બાબતો મળી આવતી હોય છે. આ ઉપક્રમ અંતર્ગત એક વખત સુરતના હરીશ રઘુવંશીએ તૈયાર કરેલી સલિલ ચૌધરીની ફિલ્મોગ્રાફી હું જોઈ રહ્યો હતો. એમાં જાણવા મળ્યું કે સલિલદાની છએક ફિલ્મો અધૂરી રહેલી છે. એક યા બીજા કારણસર તે કાં પૂરી નથી થઈ યા રિલીઝ નથી થઈ. આ ફિલ્મોમાંનાં કોઈ ગીત મળે કે કેમ એની તપાસ મેં આરંભી અને પહેલા જ પ્રયત્ને એક અદ્‍ભુત ગીત મળી આવ્યું.

‘મિટ્ટી કા દેવ’ નામની ફિલ્મનું એ ગીત મુકેશના સ્વરમાં છે અને તેના શબ્દો છે ‘શામ સે આંખ મેં નમી નમી સી હૈ’. અસલ સલિલ ચૌધરી શૈલીનું કમ્પોઝિશન અને મુકેશનો મસ્ત સ્વર. ગીત લખ્યું હતું ગુલઝારે.

‘મિટ્ટી કા દેવ’ના આ ગીતનો પાઠ આ મુજબ છે.

शाम से आँख में नमी नमी सी है,
आज फिर आप की कमी कमी सी है

अजनबी सी होने लगी है, आतीजाती सांसे,
आँसूंओंमें ठहरी हुई है, रुठी हुई सी यादें,
आज क्युं रात यूं थमी थमी सी है…शाम से आँख में…

पथ्थरों के होठों पे हमने, नाम तराशा अपना,
जागी जागी आंखों में भरके, सोया हुआ सा सपना
आंख में नींद भी थमी थमी सी है…शाम से आँख में…

જોઈ શકાય છે કે અહીં આ રચનાનું બંધારણ ગીત જેવું છે.

આ ગીત સાંભળતાં સલીલ ચૌધરી અને મુકેશનાં ‘યે દિ ક્યા આયે’ (છોટી સી બાત), ‘કઈ બાર યૂંહી દેખા હૈ’ (રજનીગંધા), ‘મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને’ (આનંદ) જેવાં ગીતો યાદ આવે. આ ગીત સાંભળવાનું શરૂ કર્યું અને થોડું સાંભળતાં લાગ્યું કે આ શબ્દો તો જાણીતા હોય એમ લાગે છે.

તરત યાદ આવ્યું કે ગુલઝાર, આશા ભોંસલે અને આર.ડી.બર્મનના ગૈરફિલ્મી આલ્બમ ‘દિલ પડોસી હૈ’માં આશાના સ્વરમાં કંઈક આવા જ શબ્દો ધરાવતું ગીત હતું, જેની પર બિલકુલ આર.ડી.ની મુદ્રા હતી. જરા તપાસ કરી તો આશ્ચર્ય! આલ્બમમાં આ ગીત શબ્દોના થોડા ફેરફાર સાથે લેવામાં આવેલું.

આ ગીતનો પાઠ આ મુજબ છે.

शाम से आँख में नमी सी है

आज फिर आप की कमी सी है
दफ़्न कर दो हमें तो साँस आए
देर से सांस कुछ थमी सी है

कौन पथरा गया है आँखों में
बर्फ़ पलकों पे क्यूँ जमी सी है

આમ, અહીં તેનું બંધારણ ગઝલના બંધારણને અનુસરે છે, જેમાં મત્લા સહિત કુલ ત્રણ શેર છે.

હજી ત્રીજું આશ્ચર્ય બાકી હતું. ગુલઝાર અને જગજીતના આલ્બમ ‘મરાસીમ’માં જગજીતે પણ આ ગાયું હતું અને એ પણ પોતાના આગવા અંદાજમાં.

આ રચનાનો પાઠ આ મુજબ છે.

शाम से आँख में नमी सी है
आज फिर आप की कमी सी है

दफ़्न कर दो हमें कि साँस मिले
नब्ज़ कुछ देर से थमी सी है

वक़्त रहता नहीं कहीं टिक कर
आदत इस की भी आदमी सी है

कोई रिश्ता नहीं रहा फिर भी
एक तसवीर लाजमी सी है

આ રચના પણ ગઝલના બંધારણને અનુસરે છે અને તેમાં મત્લા સહિત કુલ ચાર શેર છે.

Rekhta.org  પર આ ગઝલનો સંપૂર્ણ પાઠ આપેલો છે, જે આ મુજબ છે:

शाम से आँख में नमी सी है
आज फिर आप की कमी सी है
दफ़्न कर दो हमें कि साँस आए

नब्ज़ कुछ देर से थमी सी है
कौन पथरा गया है आँखों में
बर्फ़ पलकों पे क्यूँ जमी सी है

वक़्त रहता नहीं कहीं टिक कर
आदत इस की भी आदमी सी है
आइए रास्ते अलग कर लें
ये ज़रूरत भी बाहमी सी है

એટલે કે, આર.ડી.બર્મન અને જગજિતની રચનામાં લેવાયેલા શેર આ મૂળ ગઝલમાંથી લેવાયેલા છે.

આખો તાળો એવો બેઠો કે મૂળ તો ગુલઝારે આ ગીત ‘મિટ્ટી કા દેવ’ માટે લખેલું, જેમાં સંજીવકુમારની ભૂમિકા હતી. એવું જાણવા મળ્યું કે લતા અને મુકેશ આ ફિલ્મથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે આ ફિલ્મના વિતરણના મહારાષ્ટ્ર અને રાજસ્થાનના હક ખરીદવાની તૈયારી દેખાડેલી. કમનસીબે સ્ટુડિયોમાં લાગેલી આગમાં આ ફિલ્મ બળીને ખાખ થઈ ગઈ. તેની સાઉન્ડટ્રેક પણ! તેમણે આ મુખડાને મત્લા તરીકે રાખીને બીજા શેર લખ્યા હશે એમ લાગે છે.

ગીતકાર યોગેશના જણાવ્યા અનુસાર આ ‘મિટ્ટી કા દેવ’નાં ત્રણેક ગીતો રેકોર્ડ થઈ ગયાં હતાં. સલિલદા માટે યોગેશે પહેલવહેલું ગીત આ ફિલ્મ માટે લખેલું, જેના શબ્દો હતા, ‘કોઈ પિયા સે કહ દે અબ જાઓ ના’. બીજું એક ગીત પ્રેમ ધવને લખેલું, જે મહમ્મદ રફી અને સુમન કલ્યાનપુરના સ્વરમાં રેકોર્ડ કરાયેલું.

આ બધું જ રાખ થઈ ગયું. અલબત્ત, મુકેશના સ્વરે ગવાયેલું એક ગીત કોઈક રીતે ઉપલબ્ધ બની શક્યું.

ગુલઝારે લખેલા આ એક ગીતના શબ્દો થોડા ફેરફાર સાથે એના એ જ છે, છતાં ત્રણે સંગીતકારોએ એને પોતાની શૈલીથી જે રીતે શણગાર્યા છે એ સાંભળવાનો જલસો પડે એવું છે.


(તસવીરો નેટ પરથી અને ગીતની લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્‍યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)