વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
દુબઈ જતું પ્લેન ટેક ઓફ કરી ચૂક્યું હતું. શહેર પાછળ છૂટતું જતું હતું અને મન પણ. ઘણાં લાંબા સમય પછી અમ્મીને મળવાના સંયોગ ઊભા થયા હતા. જ્યારે જવાનું થાય ત્યારે અમ્મી તો રોકાઈ જ જવાનો આગ્રહ કરતી. આ વખતે અબ્બાની વરસીના નામે છેવટે રોકી જ લીધો.
ધીમે ધીમે દૂર થતાં જતાં શહેરના મકાનોની લાઇટો નાની, વધુ ને વધુ નાની થતી જતી હતી. પ્લેનમાં એર હૉસ્ટેસ એના સ્મિત મઢ્યા ચહેરા સાથે યુ.ડી.કૉલનના ટિસ્યૂ આપી ગઈ. ચહેરો તો સાફ કર્યો પણ એનાથી મનમાં છવાયેલી ઉદાસી સાફ ન થઈ. આ ઉદાસી માત્ર અમ્મીને એકલી મૂકીને આવવા માટે હતી? દરેક વખતે અમ્મીને એકલી મૂકીને એ આવતો જ હતો પણ આ વખતે અમ્મીની સાથે આલાંની યાદ પણ કેડો મૂકતી નહોતી.
આલાં.
શરારતી આંખો, સહેજ અમસ્તી સાંવલી પણ તીખી સૂરત, કોઈનીય સાડાબારી રાખ્યા વગર, કશું પણ વિચાર્યા વગર મનમાં જે આવે એ બોલી નાખવામાં શૂરી. આલાંને પહેલાં ક્યારેય મળવાનું બન્યું નહોતું અને એટલે જ આલાં પણ મને ઓળખી શકી નહોતી.
નાનપણમાં આલાંની મા મરી ગઈ અને એક વર્ષ પહેલાં બાપ. હવે આલાં એની જાતે, એની રીતે જીવતા શીખી ગઈ હતી.
એ અમ્મી સાથે વાતો કરતી રહેતી અને હું એની તસવીર લેતો રહેતો. આ ક્ષણે પણ જાણે મારા હાથમાંની તસવીરોમાંથી એની બોલકી આંખો મારી સાથે વાત કરી રહી હતી. એનું ઘાટીલું દેહાતી બદન, બેસે ત્યારે સહેજ ઊંચે ચઢી ગયેલા પહોળા પાયજામામાંથી દેખાતી એની સુડોળ પીંડીઓ, તસવીરમાં સજીવ થઈને જાણે અજબનું આકર્ષણ ઊભું કરી રહ્યાં હતાં. એ વાતો કરતી ત્યારે મુંડી મરોડીને, ડોકને ઝાટકો આપીને જે રીતે મારી સામે જોતી એ અદા એક તસવીરમાં ઝીલાઈ હતી. મારા હાથમાં પકડેલી તસવીરમાંથી બહાર આવીને એ મારી સાથે વાત કરતી હોય એવું આ ક્ષણે હું અનુભવી રહ્યો.
“તસવીરોનું શું કરશો? એણે એક દિવસ પૂછ્યું હતું.
“મારી સાથે લઈ જઈશ.” જવાબ તો મેં આપ્યો પણ તીરછી નજરે જોતા એ બોલી, “એનાં કરતાં મને જ સાથે લઈ જાવ તો?”
હું એવો અબૂધ હતો કે એ સમયે મને એની વાત સમજાઈ નહોતી. પણ બંને વચ્ચે કદાચ કોઈ આકર્ષણ જન્મી રહ્યું હતું એવું તો હું અને એ બંને સમજી ચૂક્યાં હતાં. બંનેને નજીક રહેવાના કારણો જોઈતા હતા. એકબીજાના સ્પર્શની ઇચ્છા જાગતી હતી. આલાં એની હેસિયતથી અજાણ નહોતી પણ અમે બંને લાગણીના એક એવા ઉંબરા પર ઊભા હતાં જેને ઓળંગીને એકબીજા સુધી પહોંચવાની, એકબીજાને પામવાની ઇચ્છા જાગ્યા કરતી હતી. દેખીતી રીતે એ ઉંબરો અમે ઓળંગ્યો નહોતો પણ પ્રયત્નપૂર્વક જાતને રોકવા છતાં મનથી એ ઓળંગ્યા વગર પણ ક્યાં રહી શકયાં હતાં?
આલાં એક સાવ ગરીબ મોચીની છોકરી હતી, આવી ખૂબસૂરતી લઈને એણે ગરીબના ખોરડામાં જન્મ નહોતો લેવા જેવો. ચક્કીમાં પીસાતા આટાની જેમ એની યુવાનીય ગરીબીમાં પીસાતી હશે પણ એનો રંજ ક્યાંય એનામાં દેખાતો નહોતો. એ તો એની મસ્તીમાં રાચતી. મોચીની દીકરી હોવા છતાં એક મોચીકામ છોડીને એને ઘણું બધું આવડતું હતું. આજે એ આટો પીસી આપતી તો કાલે પાણી ભરી આપતી, છત લીંપવાનું, ગાય માટે બારીક ચારો કરવાનું, ગાય દોહવાનું, બધું જ એને આવડતું અને એમાંથી એની રોજી-રોટી કમાઈ લેતી.
અમ્મી માખણ વલોવતી અને માખણ તારવ્યા પછી નીચે રહી જતી છાશ લેવા આલાં આવતી.. એક ક્ષણ ચૂપ રહે તો એ આલાં નહીં. દરેક સવાલોના એની પાસે એની રીતના જવાબ હતા જે ત્યારે તો મારી સમજમાં નહોતા આજે હવે સમજાય છે ત્યારે હું એનાથી ઘણે દૂર નીકળી ગયો છું.
એટલામાં એર હૉસ્ટેસ આવીને વાઇનની નાની બૉટલ અને વાઇનનો ગ્લાસ મૂકી ગઈ. પાણી વગર સૂકાતા ગળાને શરબત કે શરાબ ભીનું કરી શકવાના નહોતા એના માટે તો સાવ સાદું પાણી જ ખપે ને? પણ એવી જ એક તરસ સાથે લઈને હું આવ્યો હતો એનું શું?
અમ્મી કહેતી, આલાંનો મિજાજ તીખા મરચાં જેવો છે, કોઈની હિંમત નહોતી કે એની મરજી વિરુદ્ધ એની પાસે પણ ફરકી શકે. એનો મતલબ એ કે મારું એની નજીક હોવું એની મરજી હતી અને પછી તો અબ્બાની વરસી નિમિત્તે ઘરમાં કેટલીય એવી નાની મોટી ઘટના બનતી ગઈ કે અજાણતાંય અમે બંને એકબીજાની સામે આવી જતાં. અમ્મીની મદદમાં ખડે પગે ઊભી રહેતી આલાંએ મારા મનમાં, મારા વિચારોમાં પણ પગદંડો જમાવા માંડ્યો હતો.
ઘરમાં અબ્બાની વરસીના લીધે દિવસભર ચાલેલી ચહલપહલ પછી મહેમાનો, કામ કરવાવાળાં સૌને મેં વિદાય આપી આપી હતી પણ આલાં કે એની યાદને હું ક્યાં વિદાય આપી શક્યો હતો? એ સન્નાટાભરી રાતમાં હું એને શોધતો હતો.
કદાચ અમ્મી પાસે હશે એમ વિચારીને હું અમ્મીના રૂમમાં ગયો. ત્યાંય નહોતી. અમ્મી કહેતી હતી કે આખા દિવસનું કામ પૂરું કર્યા પછી આલાંએ મારા કપડાંની સુટકેસ તૈયાર કરી હતી. બીજી દિવસે નીકળવા માટે ટાંગાની વ્યવસ્થા કરવાનું પણ ભૂલી નહોતી.
“તો પછી અત્યારે ગઈ ક્યાં?” અમ્મીને મેં પૂછી લીધું.
મહેમાનોથી માંડીને સૌને મેં રૂખસદની ભેટ આપી પણ એને પૂછવાનું, કહેવાનું ભૂલી ગયો હતો એટલે એ મારાથી એ નારાજ હતી એવું અમ્મીએ કહ્યું સાથે અમ્મીએ એ પણ ઉમેર્યું હતું કે આ વાત આલાંએ હસવામાં કહી હતી પણ એ સમયે એની આંખ ભીની થઈ ગઈ હતી. અમ્મી કહેતી હતી કે જેને હસવાની આદત હોય છે એનું હ્રદય અંદરથી સતત રડતું હોય એ વાતની કોઈને ખબર નથી હોતી, મને પણ ક્યાં ખબર પડી હતી કે આટલી ખુશમિજાજ દેખાતી આલાંના હ્રદયમાં કેવા વલોપાતનું વલોણું ઘૂમતું હશે?
હું ચાવલની પોટલી લઈને એને આપવા એના ઘેર ગયો. થોડી ખુશ પણ થઈ. ચાવલની પોટલી લઈને એ ઘરમાં દોડી અને વળતી ક્ષણે પાછી આવી. એના હાથમાં એક પેકેટ હતું.
“આરિફ મિયાં, તમારી બેગમાં આના માટે જગ્યા થશે?” એ કશીક અપેક્ષા સાથે મારી સામે જોઈ રહી હતી.
પેકેટ ખોલી જોયું તો એમાં મારા માટે આલાંએ જાતે સીવેલો ઝભ્ભો હતો જેની પર એણે ઝીણાં વેલબુટ્ટાનું ભરત કર્યું હતું. આલાંએ સાચે જ દિલથી સરસ કામ કર્યું હતું. આલાં આ પણ કરી શકતી હતી? આલાં કેટલું બધું કરી શકતી હતી?
“પસંદ આવ્યો?” એની લાગણીઓને કાબૂમાં રાખવાનો વ્યર્થ પ્રયાસ કરતી વખતે એના અવાજનું કંપન મને સ્પર્શતું હતું. ઝભ્ભો મારા માપનો છે કે નહીં એ ચકાસવા એ મારી પાસે આવી, ખૂબ પાસે. એ ક્ષણે એના શ્વાસની ગરમી હું અનુભવી શકતો હતો.
આલાં ઘરનું કામ, ગમાણનું કામ બધું જ કરી શકતી હતી એ મેં જોયું હતું પણ આવું નાજુક સ્ત્રી સહજ કામ પણ એ કરી શકતી હશે એવી મને કલ્પના નહોતી.
“તું આ પણ કરી શકે છે આલાં? કેટકેટલું તું કરી શકે છે?” ઝભ્ભો જોઈને મારાથી પૂછાઈ ગયું.
એ ઘડીભર ચૂપ થઈ ગઈ પણ એની નજર ક્યાં ચૂપ રહી શકે એમ હતી? એ નજર પણ ઘણું કહી જતી હતી. બંને વચ્ચે વ્યક્ત ન કરી શકાય એવો ભાર હું અનુભવી રહ્યો, કદાચ એ પણ અનુભવતી હશે. થોડી ક્ષણો માટે પણ મૌનની દીવાલ એનાથી ક્યાં સહન થવાની હતી!
એ હસી પડી. બરાબર અમ્મી કહેતી હતી એવું જ હસી પડી. એ ક્ષણે એના હસવા પાછળનું રૂદન હું સમજી, અનુભવી શક્યો હતો.
એક ઊંડો શ્વાસ લઈને એ બોલી,
“હા આરિફ મિયાં, હું બધું જ કરી શકું છું, પ્રેમ પણ…….જે તમે ક્યારેય જોયો જ નહીં.”
એના ગળામાં ડૂમો બાઝ્યો. એ ક્ષણે એના અવાજમાં રૂદનની છાંટ ભળી. એ તરત મારાથી ઊંધી દિશામાં ફરી ગઈ. કદાચ આજ સુધી કોઈએ ન જોયેલા અને અજાણતાં છલકાઈ આવવાની અણી પરના આંસુ મને પણ નહીં બતાવવા હોય.
આ ક્ષણે એણે એની આંખમાં સમાવી લીધેલા આંસુ મારી આંખમાંથી છલકાવાની અણી પર હતા. એના ગળામાં બાઝેલો ડૂમો મારા ગળામાં અટક્યો હતો.
અને હું દૂર, એનાથી ઘણો દૂર જઈ રહ્યો હતો.
એહમદ નદીમ કાસિમિની વાર્તા ‘આલાં’ પર આધારિત ભાવાનુવાદ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.