નિસબત

ચંદુ મહેરિયા

ચૂંટણીઓ લોકતંત્રને ટકાવવા અને દ્રઢાવવાનું મહત્વનું ઓજાર છે. પણ આજકાલ ચૂંટણીઓ અતિ મોંઘી અને ખર્ચાળ બની ગઈ છે. તેમાં અધધધ રૂપિયો ખર્ચાય છે. ચૂંટણીઓ લોકશાહીનું લોકપર્વ મટીને નાણાંની રેલમછેલ કરતી ઘટના  ( કે દુર્ઘટના) બની ગઈ છે.સેન્ટરફોર મીડિયા સ્ટડીઝના અનુમાન પ્રમાણે હાલની લોકસભા ચૂંટણીમાં ૧.૨ લાખ કરોડથી વધુ ખર્ચ થશે. જે અમેરિકી રાષ્ટ્રપતિની ગત ચૂંટણી કરતાં વધુ છે. તો આ ખર્ચ પાકિસ્તાનના વાર્ષિક બજેટનો ૧/૩ કરતાં વધુ ભાગ છે.

ભારતનો પ્રત્યેક નાગરિક પછી તે અમીર હોય કે ગરીબ ચૂંટણી લડી લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ બની શકે તે માટે ચૂંટણી લડતા ઉમેદવારો માટે ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી એકલા ધનપતિઓ ધનબળના જોરે ચૂંટાઈ ન જાય.પણ વાસ્તવમાં ઉમેદવારો માટેની ચૂંટણી ખર્ચની સીમા એક પાખંડ લાગે છે. સીધા કે આડા માર્ગે કાળા નાણાના બળે આર્થિક સામર્થ્ય ધરાવતા ઉમેદવારોનું ચૂંટાવાનું પ્રમાણ વધ્યું છે. હજુ દાયકા પૂર્વે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૫૮ ટકા કરોડપતિ  ઉમેદવારો ચૂંટાયા હતા  દસ વરસ પછીની ૨૦૧૯ની ચૂંટણીમાં તેમાં ત્રીસ ટકાનો વધારો થયો હતો અને ૨૦૧૯ થી ૨૦૨૪ની લોકસભામાં ૮૮ ટકા કરોડપતિ સાંસદો હતા.

સરકાર, રાજકીય પક્ષો અને ઉમેદવારો  એમ ત્રણ લોકો ચૂંટણીમાં નાણા ખર્ચે  છે. તેમાં સરકારી ખર્ચ તો કુલ ખર્ચમાં પંદર ટકા જ છે. ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નિર્ધારિત કરી છે. રાજકીય પક્ષો માટે ખર્ચની મર્યાદા હોતી નથી એટલે રાજકીય પક્ષો બેફામ નાણું વાપરે છે.  ઉમેદવારો હાથીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે તેમ સરકારી ચોપડે જુદો ખર્ચ બતાવે છે પણ વાસ્તવમાં તો અનેક ઘણા રૂપિયા વાપરે છે. ઈલેકશન વોચ અને એસોસિએસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનું ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના વિજેતા ૫૧૪ સભ્યોના ઈલેકશન કમિશન સમક્ષ રજૂ થયેલા ખર્ચના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે ૫૩ સાંસદોએ નિર્ધારિત રૂ. ૭૦ લાખ કરતાં અડધા જ ખર્ચમાં ચૂંટણી લડી હતી ! માત્ર બે જ સાંસદોએ રૂ.૭૦ લાખથી વધુ ખર્ચ કર્યો હતો. ૫૧૪ સાંસદોએ નિર્ધારિત રકમના સરેરાશ ૭૩ ટકા રકમ જ ખર્ચી હતી.. ભાજપના ૨૯૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૩૧ લાખ અને કોંગ્રેસના ૫૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૭૨ લાખ જ ખર્ચ કર્યો હતો. આ હકીકતો પરથી ખર્ચની મર્યાદા, તેના નિરીક્ષણ માટેનું તંત્ર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા ખર્ચના પત્રકો લોકોની આંખોમાં ધૂળ નાંખવા બરાબર લાગે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

૧૯૫૧-૫૨માં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારના ખર્ચની સીમા પચીસ હજાર રૂપિયા  હતી. આજે આઝાદીના અમૃત કાળમાં ૨૦૨૪માં તે વધીને રૂ. પંચાણું લાખ થઈ છે. ચૂંટણી પંચ ખર્ચની સ્વીકાર્ય રકમ નક્કી કરે છે તેમાં વિસ્તાર પ્રમાણે ચૂંટણી અધિકારી ફેરફાર કરી શકે છે. ઝંડા થી ડંડા, ચા થી ચવાણુ, મંડપ થી માચીસ અને હેલિકોપ્ટર થી હવન માટેની રકમ ઠરાવે છે. ઈલેકશન કમિશને એક બાય દોઢના કપડાંના ઝંડાની સ્વીકાર્ય કિંમત ૭ રૂ, ત્રણ ફુટના ડંડાના ૧૫ રૂ.,ગળાના ખેસના ૭રૂ., એક હજાર મલ્ટિકલર  પત્રિકાના રૂ.૪૫૦૦, ફુલહારના રૂ.૧૨, અડધા કપ ચાના રૂ.૧૦, કોફીના રૂ. ૨૦, હવન માટે પંડિતની દક્ષિણાના રૂ.૧૨૦૦ અને નાડાછડીના રૂ.૪ નક્કી કર્યા છે. મતવિસ્તાર દીઠ અલગ સ્વીકાર્ય કિંમત પ્રમાણે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રે અડધા કપ ચા કે કોફીના રૂ.૬ ,મિષ્ટાન વગરની ગુજરાતી થાળીના રૂ. ૯૦ અને ૧૦૦ ગ્રામ ભજીયા કે દાળવડાના રૂ.૩૦ ઠરાવ્યા છે , એ જાણીને નવાઈ લાગે છે. કદાચ સબસિડાઈઝ રેટવાળી સંસદની કેન્ટિનનું તો આ ભાવપત્રક  નથી ને ? એવો પ્રશ્ન મતદારોને થાય છે.

ઈલેકશન કમિશન ચૂંટણી ખર્ચ પર  નજર રાખવા માટે ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારીઓની ખર્ચ નિરીક્ષકો તરીકે નિમણૂક કરે છે. તેઓ ઉમેદવારના ચૂંટણી પ્રચાર અને અન્યમાં વપરાયેલા નાણાનો હિસાબ રાખવા વીડિયોગ્રાફી પણ કરે છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પરિણામના ૩૦ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીને ખર્ચની વિગતો આપવાની હોય છે. જે ઉમેદવારો ખર્ચની વિગતો આપતા નથી તેને પંચ ત્રણ વરસ માટે ઉમેદવારી માટે અયોગ્ય ઠેરવે છે. જો મર્યાદાથી વધુ ખર્ચ કર્યો હોય તો પણ સજા થઈ શકે છે. જો કોઈ નાગરિકને લાગે કે ઉમેદવારે ખર્ચેલા નાણા કરતાં ઓછો ખર્ચ દર્શાવ્યો છે તો તે આધાર-પુરાવા સાથે ઈલેકશન પિટીશન કરી શકે છે. ગાંધીનગર મહાનગરપાલિકાના બીજેપીના વર્તમાન એકતાળીસ   નગર સેવકોએ એકસરખો રૂ. ૧,૩૩,૩૮૦ ખર્ચ દર્શાવ્યો હતો. જે પહેલી નજરે જ શંકાસ્પદ લાગતાં તેમની સામે ફરિયાદ થઈ છે. ૨૦૦૯ની ચૂંટણીમાં  મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક ચવાણ સામે અખબારમાં આપેલી ચૂંટણીની જાહેરાતનો ખર્ચ ઓછો બતાવવા બદલ ફરિયાદ થયેલી છે.  આ બંને અને એવી બીજી ચૂંટણી ખર્ચની ફરિયાદોનો ભાગ્યે જ સમયસર નિવેડો આવે છે.

ચૂંટણી પંચને બેનામી કે બેહિસાબી રોકડ અને બીજી વસ્તુઓ જપ્ત કરવાનો અધિકાર છે. જેથી ચૂંટણીમાં ગેરકાયદે થતા ખર્ચાઓ રોકી શકાય. ૨૦૧૯ની સમગ્ર ચૂંટણી કરતાં ૨૦૨૪માં પહેલા તબક્કાના મતદાન પૂર્વેના એકાદ માસમાં જ પંચે રૂ. ૪૬૫૦ કરોડની જપ્તી કરી છે. ભારતની ચૂંટણીઓ પર બેનામી અને કાળા નાણાનો કેટલો પ્રભાવ છે તેનું આ ધ્યોતક છે. રૂ. ૪૬૫૦માં સૌથી વધુ રૂ. ૧૧૪૩ કરોડની કિંમતની મફત વહેંચણીની વસ્તુઓ પકડાઈ છે. તે સાબિત કરે છે કે ઉમેદવારોની સાથે મતદારો પણ ભ્રષ્ટ છે કે તેમને ભ્રષ્ટ કરવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૨માં તેલંગાણાના મુનુગોડે મતવિસ્તારની પેટાચૂંટણીમાં રૂ.૬૨૭ કરોડ ખર્ચાયા હોવાની ફરિયાદ ફોરમ ફોર ગુડ ગવર્નન્સે કરી છે. આ ચૂંટણીમાં ઉમેદવારે મતદારોને ૧૦૦ ગ્રામ સોનું આપ્યાની પણ ફરિયાદ થઈ હતી.

રાજકીય પક્ષોના ખર્ચની કોઈ મહત્તમ મર્યાદા નક્કી ના થઈ હોવાથી તેના ખર્ચ પર કોઈ નિયંત્રણ નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે રૂ. ૧૨૬૪ કરોડ અને કોંગ્રેસે રૂ. ૮૨૦ કરોડ ખર્ચ્યા હોવાનું ઈલેકશન કમિશન સમક્ષ સબમિટ કરેલ હિસાબોમાં જણાવ્યું હતું. સૌ જાણે છે કે વાસ્તવિક ખર્ચ તેના કરતાં અનેકગણો થયો હશે. પરંતુ પોલિટિકલ પાર્ટીઝના ખર્ચની અસલિયત જાણી શકાતી નથી અને જે જાણીએ છીએ તે પણ અધધધ છે. રાજકીય પક્ષોના ખર્ચ પર નિયંત્રણના મુદ્દે તમામ રાજકીય પક્ષો એક્સંપ થઈને નકાર ભણે છે. રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને રાજકીય પક્ષોની ગાંધી –વૈદ્યનું સહિયારુંની નીતિને કારણે ચૂંટણીઓમાં થયા અનિયંત્રિત ખર્ચનો આજે તો કોઈ ઉકેલ જણાતો નથી.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.