પ્રવાસી યુ. ધોળકિયા

ઓશો રજનીશ કહે છે કે વિશ્વની અન્ય ધાર્મિક પરંપરાઓ ઈશ્વર કેન્દ્રિત છે, પરંતુ પ્રથમ વખત જ મહાવીર સ્વામીએ શ્રમણ પરંપરાના માર્ગેથી મોક્ષ કેન્દ્રિત ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાની વિશ્વને ભેટ આપી. રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે સંબોધિ પામીને ગૌતમ બુદ્ધ બન્યા ત્યારે તેઓએ, માનવ કેન્દ્રિત અતિ ઉજ્જવળ આધ્યાત્મિક જ્યોતિ પ્રગટાવીને, સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવી દીધું.

બૌદ્ધ પરંપરા

આજથી લગભગ ૩,૮૦૦ વર્ષ પહેલાં આપણા દેશમાં મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધના સ્વરૂપમાં બે ભવ્ય જ્ઞાનજ્યોતિઓનું પ્રાગટ્ય થયું. બન્ને સમકાલીન હોવા છતાં, મહાવીર સ્વામીની જ્યોતિ પ્રથમ પ્રગટી. મહાવીરથી વયમાં થોડા નાના સિદ્ધાર્થે જોયું કે મહાવીર સ્વામી દ્વારા પ્રગટેલી જ્ઞાનજ્યોતિ કદાચ થોડા સમયમાં ઝાંખી પડી જશે. તેથી શ્રમણ પરંપરાની આ જ્યોત સર્વદા પ્રગટી રહે તે માટે પોતાનું રાજકાજ, પત્ની અને બાળક સહિત આ સંસારનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. પ્રારંભમાં તેઓએ પણ કઠોર તપશ્ચર્યા અને અતિ દેહદમનનો માર્ગ સ્વીકાર્યો. પરંતુ આમ કરવાથી તેમને કોઈ આધ્યાત્મિક અનુભૂતિ ન થઈ, એટલે તેઓએ મધ્યમ માર્ગનો સ્વીકાર કર્યો અને ટૂંક સમયમાં આત્મબોધિ પ્રાપ્ત કરી.

આત્મબોધિ પ્રાપ્ત થયા પછી ગૌતમ બુદ્ધે તરત જ સારનાથથી શરૂ કરીને પહેલાં ભારતમાં અને પછી વિશ્વમાં પોતાના ઉપદેશોનો પ્રસાર કર્યો. બુદ્ધના પરિત્રાણ પછી, સમ્રાટ અશોકે સમગ્ર ભારતમાં હજારો સ્તૂપો, વિહારો, ચૈત્યો અને શિલાલેખોની રચના કરીને વૈદિક ધર્મને બદલે બૌદ્ધ ધર્મની અત્રે સ્થાપના કરી. તે પછી, સમ્રાટ કનિષ્ક અને પ્રકાંડ બૌદ્ધ સાધુઓએ મધ્ય એશિયા, ચીન, કોરિયા, જાપાન અને સમગ્ર દક્ષિણ – પૂર્વ એશિયામાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. કાળક્રમે, દક્ષિણ ભારતના સંતોએ બૌદ્ધ ધર્મ પર વળતો ફટકો  મારી અત્રેથી તેનું લગભગ નામોનિશાન મિટાવી નાખ્યું. તેથી, વિશ્વની લગભગ ૬% વસ્તી આજે બૌદ્ધ ધર્મ પાળે છે, પણ તેમાંથી ભારતીયોનું પ્રમાણ નહિવત છે. આજે વિશ્વનું બૌદ્ધ મંદિર ભારતનું નહી પણ ઇન્ડોનેશિયાનું બુરૂ – બૌદરનું મંદિર સંકુલ સૌથી વિશાળ છે.

બૌદ્ધ ધર્મના ઉપદેશો અને સિધ્ધાંતો

ભગવાન બુદ્ધે પણ તેમના ઉપદેશો પ્રાકૃત – પાલિ ભાષામાં આપ્યા. તેમના આ ઉપદેશો વિનયપિટ્ટક, સુત્તપિટ્ટક અને અભિધર્મપિટ્ટક એવા ત્રિપિટ્ટક – ત્રણ ટોકરીઓ – માં સમાવાયા છે.

૪ આર્ય સત્ય

૧) આ સંસાર દુઃખમય છે.

૨) દુઃખનાં કારણો પણ છે.

૩) દુઃખોનો અંત શક્ય છે.

૪) આ દુઃખોનું નિવારણ બુદ્ધે ચીંધેલા અષ્ટાંગ  માર્ગનું પાલન કરીને કરી શકાય છે.

ભગવાન બુદ્ધ પોતાના સિધ્ધાંતો સમજાવતાં કહે છે કે દરેક જીવને દુઃખ થાય છે તેનું કારણ તૃષ્ણા છે. આ તૃષ્ણાનો નિરોધ કરવામાં આવે તો દુઃખોનું નિવારણ શક્ય બને છે. દુઃખ અને તૃષ્ણાથી મુક્તિ પામવા માટે તેઓ બહુ સરળતાથી પાળી શકાય એવા અષ્ટાંગ માર્ગનું નિરૂપણ કર્યું છે.

અષ્ટાંગ માર્ગ

૧) સમ્યક દૃષ્ટિ – દરેક વસ્તુના યથાર્થ સ્વરૂપને યોગ્ય રીતે જાણવું.

૨) સમ્યક સંકલ્પ – આસક્તિ અને હિંસામુક્ત વિચાર

૩) સત્ય વાક્ – સર્વદા સત્ય તથા મૃદુ વાણીનો પ્રયોગ

૪) સમ્યક કર્મ – સારાં કાર્યો કરવાં અને ખરાબ કામોથી દૂર રહેવું.

૫) સમ્યક આજિવિકા – વિશુદ્ધ રૂપથી સદાચારમય જીવન વ્યાપન

૬) સમ્યક વ્યાયામ – અકુશળ ધર્મનો ત્યાગ તથા કુશળ ધર્મનો સ્વીકાર

૭) સમ્યક સ્મૃતિ – વસ્તુના સ્વરૂપ વિશે જાગૃતતા

૮) સમ્યક સમાધિ – સમગ્ર ચિત્તની એકાગ્રતા કેળવી જીવનની જાગૃતિ જગાવવી.

બુદ્ધનું દર્શન

બુદ્ધનાં નિર્વાણ બાદ તેમના દર્શન વિશે નીચે મુજબની માહિતી મળે છે

૧)  પ્રતીત્ય સમુત્પાત – સામાન્ય ભાષામાં ઉપરોક્ત સિધ્ધાંતનો અર્થ કાર્યકારણવાદ અને શુન્યવાદ તરીકે ઓળખાવાય છે. કોઈ પણ ઘટના કાર્યકારણના સિધ્ધાંત વિના શક્ય નથી. દરેક મનુષ્યે જન્મ લેતાંની સાથે કર્મનું આચરણ કરવું ઘટે છે. અહીંથી તેની અનેક તૃષ્ણાઓનો પ્રારંભ થાય છે અને તે જીવન – મરણના ચક્રમાં ફસાતો જાય છે. બુદ્ધે આ બધાંમાંથી છૂટકારો મેળવવા માટે પ્રથમ તો અષ્ટાંગ માર્ગમય જીવન જીવવાનો અને વિપશ્યના ધ્યાન પદ્ધતિને અપનાવી નિર્વાણ પામવાનો માર્ગ સૂચવ્યો છે.

૨) જગતમાં કશું પણ સ્થિર કે શાશ્વત નથી. સમગ્ર જીવનસૃષ્ટિ ક્ષણભંગુર છે અને તેનું કોઈ મહત્ત્વ નથી.

૩) આત્માનું કોઈ અસ્તિત્વ નથી. પ્રાણીમાત્ર મન અને શરીરથી બનેલાં છે. આમ આ દર્શન અનાત્મવાદી છે.

૪) આ જગત કોઈ ઈશ્વરે નથી બનાવ્યું. સૃષ્ટિચક્ર અનાદિ છે. તેનો કોઈ નિયામક નથી. મનુષ્ય પોતે જ પોતાનો નિયામક છે.

૫) જીવનનું અંતિમ સત્ય શુન્યતા છે. આપણે જેમ દીવાને ફૂંક મારીને ઓલવી નાખીએ છીએ તેમ દરેક વ્યક્તિએ સ્વયં પુરુષાર્થથી મહાશુન્યમાં ઓલવાઈ જઈને વિલય પામવાનું છે.

બૌદ્ધ ધર્મના દર્શન અને ચિંતન વિશે બીજી કેટલીક માહિતી પણ જાણવા જેવી છે. બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ, ભિક્ષુણીઓ અને શ્રાવકો માટે પણ પંચશીલના નીચે મુજબના સિધ્ધાંતો છે.

૧) અહિંસા

૨) અસ્તેય (ચોરી ન કરવી)

૩) અપરિગ્રહ

૪) સત્ય, અને

૫) બધા પ્રકારના નશાઓના સેવનનો નિષેધ.

તે ઉપરાંત, બૌદ્ધ ધર્મની જાગૃતિ – બુદ્ધત્વના પણ ત્રણ તબક્કાઓ છે. બધા પ્રકારની તૃષ્ણાઓનો ત્યાગ, લોભ, અવિદ્યા, હિંસા અને આત્મા તથા ઈશ્વરમાં અશ્રદ્ધા કેળવી વિપશ્યના ધ્યાન દ્વારા શ્રાવક શ્રાવક બોધિ, પ્રત્યક્ષ બોધિ અને સમ્યક બોધિ પ્રાપ્ત કરીને બુદ્ધ બની શકે છે. તેથી જ ઓશો રજનીશ જણાવે છે કે શ્રમણ પરંપરાના મોક્ષ કે નિર્વાણ પામવાના માર્ગો પ્રારંભમાં  અતિકઠણ જણાય છે, પરંતુ પછીથી શ્રમણ માર્ગ એક રાજમાર્ગ બની જાય છે. તેના દ્વારા આધ્યાત્મ યાત્રી પોતાના ગંતવ્ય પર સરળતાથી પહોંચી શકે છે. તેમાં પણ મધ્યમ માર્ગના સ્વીકારને કારણે બૌદ્ધ ધર્મ વિશ્વભરમાં વધારે સ્વીકાર્ય બન્યો છે.

ઘણા વિચારકો બૌદ્ધ ધર્મને નિરાશાવાદી અને અસ્તિત્વનો વિરોધી માને છે.. પરંતુ, જેમ જેમ તેના ગહન ચિંતન અને મનનમાં ઊંડાં ઉતરતા જઈએ છીએ તેમ તેમ સમજાય છે કે આ ધર્મ જેવો યથાર્થવાદી બીજો કોઈ ધર્મ નથી. બુદ્ધ હંમેશાં ઉપદેશે છે કે ભવિષ્ય આપણા હાથમાં નથી તેથી તેની ચિંતા છોડી દઈ, ભૂતકાળને પણ ભૂલી જઈ દરેક વ્યક્તિએ વર્તમાનમાં અને તત્ક્ષણમાં જાગૃત બનીને જીવવું જોઈએ.

બૌદ્ધ સંપ્રદાય

કાળક્રમે બૌદ્ધ ધર્મ નીચેના સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો.

૧) હિનમાન અથવા થેરવાદ – આ સંપ્રદાય ભગવાન બુદ્ધે પ્રબોધેલા ઉપદેશો અને સિધ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરે છે.

૨) મહાયાન – આ સંપ્રદાય પ્રમાણમાં લચીલો અને મધ્યમમાર્ગી છે.તે બુદ્ધ ઉપરાંત બોધિસત્વમાં પણ શ્રદ્ધા ધરાવે છે. બોધિસત્વ બનવા માટે બુદ્ધે પ્રબોધેલી દસ પારમિતાઓ, આજ્ઞાઓ,નું પાલન કરવાનું રહે છે. આ બોધિસત્વો પણ બુદ્ધત્વ – નિર્વાણ પ્રાપ્ત કરી શક્યા હોત. પરંતુ, સમગ્ર માનવ જાતનાં કલ્યાણ અર્થે તેઓ વિશ્વમાં રોકાઈ ગયા અને અનેક શ્રાવકોને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કરાવડાવ્યો.

બૌદ્ધ સાહિત્ય લગભગ ૨૫ બોધિસત્વોનાં નામો ગણાવે છે, જેમાંના અવલોકીતેશ્વર, મહાસ્થમપ્રાપ્ત, સમંતભદ્ર, ધર્મેશ્વર, સિંહનાદ, ગુણધર્મ, વજ,અમિતાભ અને મૈત્રેય જેવાં થોડાં નામો જાણીને આપણે સંતોષ માનીશું.

૩) વજ્રયાન – આ તંત્ર માર્ગ છે. તિબેટમાં તંત્ર માર્ગનું પ્રચલન પદ્મસંભવે ૮મી કે લ્મી સદીમાં કર્યું. આપણા સદ્‍ભાગ્યે ચીની સામ્યવાદીઓના આતંકને કારણે તિબેટના દલાઈ લામાને ઇ. સ. ૧૯૫૯માં ભારતમાં આશ્રય લેવો પડ્યો. પરિણામે આ ધર્મનાં સારાં પાસાં સચવાઈ ગયાં. જોકે, વજ્રયાન માર્ગમાં મધ્ય યુગમાં અતિશય વામાચાર ફેલાઈ ગયો હતો. પરિણામે, બૌદ્ધ પરંપરાને ભારે નુકસાન થયું.

૪) નવયાન માર્ગ –  આ માર્ગનું પ્રચલન ૨૦મી સદીમાં ડૉ. બી આર આંબેડકરે કર્યું. તેના કારણો ધાર્મિક કરતાં રાજકીય અને સામાજિક વધારે છે. છતાં પણ આજે મહારાષ્ટ્ર, ગુજરાત, અને ભારતના અનેક પ્રદેશોમાં નવયાન માર્ગનો ભારતીય સમાજની ઘણી જાતિઓએ સ્વીકાર કર્યો છે.

બૌદ્ધ યાત્રાધામોમાં લુમ્બિની, બોધગયા, સારનાથ અને કુશીનારા પરંપરાગત મહત્ત્વ ધરાવે છે. તે ઉપરાંત, હાલમાં ગુજરાતમાં વડનગર અને સોમનાથ તેમ જ મહારાષ્ટ્ર તથા અન્ય પ્રદેશોમાં બૌદ્ધ ધર્મનાં અનેક સ્થાનકો મળી આવ્યાં છે. આ રીતે ભારતની સનાતન ધર્મની પરંપરાના જૈન અને બૌદ્ધ ધર્મનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે.

સિદ્ધાર્થના જન્મ અને તેમનાં બુદ્ધત્વની પ્રાપ્તિ સમયે કેટલાક મહત્ત્વના બનાવો બન્યા હતા.-

૧) સિદ્ધાર્થનો જન્મ માયાદેવીની કૂખે સાલ વૃક્ષની નીચે થયો હતો. આપણી પરંપરામાં સાલ વૃક્ષ નવસર્જનનુ પ્રતીક મનાય છે. એટલે તેમનો જન્મ નવા યુગનો પ્રવર્તક બનશે એવો સંકેત મળ્યો હતો.

૨) સિદ્ધાર્થ જ્યારે ઉગ્ર અને કષ્ટદાયક તપ કરી રહ્યા હતા ત્યારે તેઓ લગભગ બેહોશ બની ગયા હતા. આ સમયે સુજાતા નામની દલિત કન્યાએ સિદ્ધાર્થને દૂધનું પાન કરાવ્યું હતું. આ ઘટના પ્રતિપાદિત કરે છે કે બૌદ્ધ ધર્મમાં ઉચ-નીચ, પુરુષ-સ્ત્રી જેવા વર્ણ કે જાતિના ભેદને કોઈ સ્થાન નહિં રહે. વળી દૂધના સેવન પછી તેમનામાં નવું ચેતન આવ્યું ત્યારે સિદ્ધાર્થે તપ અને ધ્યાન માટે મધ્યમ માર્ગનો સ્વીકાર કર્યો.

૩) સિદ્ધાર્થને જ્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે મારા નામની બે બહેનો તેમની હત્યા કરવા પાછળ દોડી, પણ નિષ્ફળ ગઈ. આ મારા બહેનો માનવ જીવનમાં  રહેલી તૃષ્ણા, લાલચ અને વાસનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના પર વિજય મેળવીને બુદ્ધે સિદ્ધ કર્યું કે તેમના નૂતન ધર્મનો સ્વીકાર કરનાર મનુષ્યો આવાં પ્રલોભનો જીતી શકશે.

૪)  તે પછી બુદ્ધ વૈશાલી આવે છે. ત્યારે ત્યાંની વિખ્યાત નગરવધુ આમ્રપાલી પોતાના ઉપવનમાં તેમને ભોજન કરાવે છે અને લલચાવે છે. જોકે, અંતમાં આ મહાજ્ઞાની પાસે તેનું કશું ચાલતું નથી. બુદ્ધના પ્રભાવમાં આવીને આમ્રપાલી પણ સાધ્વી બનીને બૌદ્ધ સંઘમાં જોડાઈને પોતાનું શેષ જીવન વ્યતીત કરે છે.

૫) બુદ્ધના જીવનની જ્યારે અંતિમ ક્ષણો આવી લાગી ત્યારે તેઓ પોતાના પ્રધાન શિષ્ય, આનંદ,ને શોક ન કરવાનું સમજાવતાં ઉપદેશ આપે છે કે, ‘આત્મદીપો ભવઃ’.

બુદ્ધના પ્રધાન શિષ્યો

૧) સારિપુત્ત

૨) મોગ્ગલાન

૩) બુદ્ધના ભાઈ આનંદ, જેઓ જીવનનો ૨૦થી વધારે વર્ષનો સમય બુદ્ધની સાથે પડછાયાની જેમ સાથે રહ્યા. તેમણે બુદ્ધના ઉપદેશો કંઠસ્થ કરી લીધા હતા. તેઓની સામે અન્ય બૌદ્ધ ભિક્ષુઓને ભારે વિરોધ હતો કેમકે તેમણે ક્યારે પણ દિક્ષા ગ્રહણ કરી ન હતી. પરંતુ બુદ્ધના ઉપદેશોને સાચવી શકે એવી વ્યક્તિ માત્ર આનંદ જ હતા એટલે તેમનો બચાવ થઈ રહ્યો.

૪) મહાકશ્યપ, બૌદ્ધ સંઘના પ્રથમ મહાગુરુ હતા.

૫) સ્ત્રી શિષ્યોમાં ખેમા અને મહાપ્રજાપતિ. આ બન્નેને બૌદ્ધ સંધમાં પ્રવેશ મળ્યો હતો.

૬) આજથી લગભગ ૧,૪૦૦ વર્ષ પહેલાં, બુદ્ધના ધ્યાનમાર્ગના મહાધ્યાનવેતા બોધિધર્મનો જન્મ ભારતમાં થયો હતો. તેઓ બુદ્ધના નવપલ્લવિત ધ્યાનમાર્ગેને ભારતમાં ફેલાવવા માગતા હતા. પરંતુ જડ માનસ બની ગયેલા ભારતીયોએ તેમનો અસ્વીકાર કર્યો. તેથી તેઓ ચીન ગયા અને ત્યાં લાઓત્સેના સમર્થકોએ તેમના ધ્યાનમાર્ગને સ્વીકાર્યો. તે આજે જાપાનમાં વિકસેલ ઝેન માર્ગ તરીકે વિશ્વપ્રસિદ્ધ થયેલ છે.

બૌદ્ધ ધર્મના અન્ય વિખ્યાત તત્ત્વજ્ઞાનીઓમાં નાગાર્જુન, વસુબંધુ, દિઙનાગ અને કુમારજીવનો સમાવેશ થાય છે.

ઉપસંહાર

બૌદ્ધ ધર્મના મહાગ્રંથ, ધર્મપદ, પરનાં ઓશો રજનીશના પ્રવચનો, એસ ધમ્મો સનંતનો[1], શીર્ષક હેઠળ સાત ભાગમાં ગ્રંથસ્થ થયાં છે. આ લેખનો ઉપસંહાર તેના ઉલ્લેખથી કરવો યોગ્ય ગણાશે અને આ લેખમાં આવી ગયેલ વિશ્લેષણનું પુનરાવર્તન પણ થશે.

રજનીશ જણાવે છે કે બૌદ્ધ ધર્મ વર્તમાન સમયમાં પણ એટલો જ પ્રાસંગિક છે, કારણકે આજે વિશ્વમાં દરેક વ્યક્તિને કંઈક બની જવાની અતિઉતાવળ છે. ધર્મપદ માનવીને સ્થિર થવાનું –  થોભી જવાનું – કહે છે.  કોઈ દર્શન, વિચારધારા કે ગ્રંથમાં અંધશ્રદ્ધા ધરાવવાનું બુદ્ધ નથી કહેતા. તેઓ ગહન વિચાર, ચિંતન, મનન અને ધ્યાન કરીને જીવન જીવવાની કળા શીખવે છે.  માનવને તેના કુષિત મનોવિશ્વમાંથી બહાર નીકળીને નિર્વાણ પામવાનો માર્ગ બુદ્ધ દર્શાવે છે, જેથી મહાશુન્યમાં વિલન થઈ જવું શક્ય બને. આ શુન્યતા પણ સચ્ચીદાનંદની અનુભૂતિ કરાવે છે. બૌદ્ધ ધર્મ એકવીસમી અને તે પછીની આવનારી સદીઓનો વિશ્વધર્મ બનશે તેમાં પણ જરા શંકા નથી.

બુદ્ધનું એક નામ તથાગત છે. તથાગત એટલે જે આવેલ પણ છે (તથ – આગત) અને ગયેલા પણ છે (તથા – ગત), એટલે કે તે સર્વદા છે. રજનીશ તથાગતને ‘તથાતા’ કહે છે.

લેખનું સમાપન બુદ્ધના કેટલાક મહામંત્રોનાં શ્રવણ અને રટણથી કરવું યોગ્ય ગણાશે.

ૐ મણિ પદ્મે હૂમ્ ।

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ ।

ધમ્મં શરણમ્ ગચ્છામિ ।

સંઘં શરણમ્ ગચ્છામિ ।


હવે પછીના મણકામાં આપણે ભક્તિ માર્ગ – સંત પરંપરા વિષે ચર્ચા કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


[1] बुद्ध का विज्ञान – “विज्ञान से भी कठिन काम बुद्ध ने किया। क्योंकि विज्ञान तो कहता है, वस्तुओं के प्रति निरपेक्ष भाव रखना। वस्तुओं के प्रति निरपेक्ष भाव रखना तो बहुत सरल है, लेकिन स्वयं के प्रति निरपेक्ष भाव रखना बहुत कठिन है। बुद्ध ने वही कहा। विज्ञान तो बहिर्मुखी है, बुद्ध का विज्ञान अंतर्मुखी है। धर्म का अर्थ होता है, अंतर्मुखी विज्ञान।” – ओशो