શૈલા મુન્શા

કિઆના પાંચ વર્ષની આફ્રિકન છોકરી. વર્ષના અંતમાં અમારા ક્લાસમાં આવી. પહેલે દિવસે એની મમ્મી જ્યારે એને લઈને આવી તો એ સ્ટ્રોલર(બાળકોની બાબાગાડી) માં હતી. અમને પહેલો વિચાર એ આવ્યો કે આ બાળકીને ચાલતાં આવડે છે કે નહિ? જ્યારે મમ્મીને સવાલ કર્યો તો જવાબમાં મમ્મીએ એને નીચે ઉતારી અને એક ક્ષણમાં એ દડબડ દોડવા માંડી. સમન્થા એ સવાલ કર્યો કે એને શા માટે સ્ટ્રોલરમાં રાખી છે? તો મમ્મીએ જવાબ આપ્યો કે એ થાકી જાય તો? હવે આનો કોઈ જવાબ અમારી પાસે ન હતો. મમ્મીને જોતાં એવું લાગી રહ્યું હતું કે મમ્મીની માનસિક અવસ્થામાં પણ કાંઈ તકલીફ છે. કિઆનાના પપ્પા વિશે પૂછ્યું તો મમ્મીનો જવાબ એવો હતો કે ખબર નહિ ક્યાં છે? પતિ તો જીવનમાં હતો જ નહિ પણ બે દિકરીને એક દિકરાની મા પચીસ વર્ષની ઉમ્મરે હતી અને ચોથું આવવાની તૈયારી હતી.
અમેરિકાની એક વિટંબણા છે, જાતીય સુખ કે સંભોગ સામાન્ય વસ્તુ છે, નાની ઉંમરે માતા બનવું સહજ છે, પણ બાળઉછેરનુ જ્ઞાન હોતું નથી. ડ્રગ્સ કે શરાબના અતિસેવનની અસર બાળક પર પડે છે અને બાળક માનસિક રીતે પછાત કે શારીરિક ખામી સાથે જન્મે છે.

અમેરિકામાં ખાસ સ્પેસીઅલ નીડ બાળકોના ક્લાસને PPCD (pre-primary children with disability) કહે છે. બાળકો ત્રણ વર્ષે આ ક્લાસમાં દાખલ થઈ શકે, પણ કિઆના લગભગ ચાર વર્ષ પુરા થવા આવ્યા ત્યારે આવી. શરૂઆતમાં અડધા દિવસ માટે આવતી, તેમા પણ એક દિવસ આવે અને ચાર દિવસ ગેરહાજર. મમ્મીને ફોન કરીએ તો જાતજાતના બહાના ન મોકલવા માટે. પિતાને કદી જોયા નહોતા અને હશે કે નહિ તે ખબર નહોતી. કિઆનાને જોઈને સહાનુભૂતિની લાગણી મનમાં જાગે, ગુસ્સો પણ આવે કે આ બાળકીની શી દશા છે! ફક્ત ખાવા સિવાય કશાની ગતાગમ નહિ. માનસિક પંગુતા તો હતી પણ આ બાળકો પણ ઘણુ શીખી શકે જો થોડી જહેમત લેવામાં આવે, અને એ માટે શિક્ષકો સાથે ઘરની વ્યક્તિઓનો પણ પુરો સહકાર જોઈએ. ઘરમાં તો કિઆનાને આખો દિવસ સ્ટ્રોલરમાં બાંધી રાખે. કેમ? તો એ ઝપટ મારી ખાવાનુ ઝુંટવે અને આખો કોળિયો મોઢામાં ઠોંસે પછી અંતરસ જાય અને જાણે હમણા જીવ નીકળી જશે એમ આકળ વિકળ થાય. મમ્મીને પોતાની જાત સિવાય કશામાં રસ હોય એવું લાગે નહિ. એ વર્ષ તો પુરૂં થયુ અને અમને પણ વિશેષ કાંઈ કરવાનો મોકો મળ્યો નહિ.

ખેર! નવા વર્ષે જ્યારે સ્કૂલ શરૂ થઈ તો શરૂઆતમાં થોડા દિવસ કિઆનાની હાજરી જવલ્લે જ રહી. મમ્મીને ફોન કરીએ તો એ જ બહાનુ કે એને શરદી થઈ જાય તો, એ માંદી પડે તો? કિઆનાની નાનીને કિઆનાની ઘણી ચિંતા.
છેવટે સ્કૂલના રજિસ્ટારનો ફોન ગયો કે “કિઆના જો રોજ નહિ આવે તો એનુ નામ સ્કૂલમાંથી થી કાઢી નાખવામાં આવશે. આ ફોનની અસર થઈ અને નાનીએ કિઆનાનો કબ્જો લીધો, તરત જ અમને કિઆનામાં ફરક દેખાયો. સહુ પ્રથમ નાનીએ એને સ્પેસીઅલ નીડ બાળકો માટેની ખાસ સ્કૂલ બસમાં મોકલવા માંડી એટલે એની હાજરી નિયમિત થઈ. નાનીની કાળજી દેખાઈ આવતી, ચોખ્ખા કપડાં અને સરસ રીતે વાળ ગુંથેલા. કિઆનાનો તો જાણે દેખાવ જ ફરી ગયો.

અમારા દિવ્યાંગ બાળકોને પણ અમે જમવા માટે કાફેટેરિઆમાં લઈ જઈએ. એના બે કારણો, એક તો આ બાળકોને પણ સામાન્ય બાળકો સાથે હળવા મળવાનો મોકો મળે અને સામાન્ય બાળકો પણએમની સાથે બેસી મદદરુપ થતાં શીખે. એ વર્ષે બાળકો વધારે અને નવા આવેલા બધાં લગભગ ત્રણ વર્ષના, એટલે અમે એક રબરનુ દોરડું જેમા રબરની રીંગ હોય એ વાપરીએ. દરેક બાળકનો હાથ એમાં પરોવી માળાના મણકાની જેમ એક લાઈનમાં ચલાવવાનો પ્રયાસ કરીએ. સમન્થા કે હું એક જણ આગળ અને એક પાછળ રહીએ. એ દોરડું જાણે અમારી લાઈફલાઈન. કાફેટેરિઆ, રમતના મેદાનમાં જવા એમ બધે અમે એનો ઉપયોગ કરીએ. અને સ્કૂલમાં પણ બધા નવાઈ પામે કે “વાહ! આ બાળકો કેવા લાઈનમાં ચાલે છે.”

જે વાત અમને નવાઈ પમાડી ગઈ તે  તમને કહેવી છે. લગભગ અઠવાડિઆ પછી અમારો કાફેટેરિઆમાં જવાનો સમય થવા આવ્યો અને હજી અમે ઊભા થઈ પેલું દોરડું લેવા જઈએ, એ પહેલા કિઆના ઊઠીને ખાનામા રાખેલું દોરડું ખેંચી લાવી.

હું ને સમન્થા જોતા જ રહી ગયા. કિઆના કે એના જેવા કોઈપણ બાળકમાં ભલે એનો માનસિક વિકાસ પુરો ના થયો હોય પણ સતત પ્રયત્ન અને ધીરજ આ બાળકોને પણ ઘણુ શીખવાડવામાં મોટો ભાગ ભજવે છે. દરેક બાળકમાં શિખવાના ગુણ હોય જ છે, એ સામાન્ય હોય કે માનસિક રીતે વિકલાંગ. કિઆનાને બીજી કોઈ સમજ હજી પડે કે નહિ પણ એના પેટે અને મગજે સિગ્નલ આપી દીધું કે જમવાનો સમય થઈ ગયો છે!

“Persistence will get you there
Consistency will keep you there”

અમારો સતત પ્રયત્ન અને પ્રાર્થના કે કિઆના જેવા બાળકોને વધુ ને વધુ પ્રેમ આપીએ અને એમના જીવન પંથમાં પ્રગતિના સોપાનનુ એક પગથિયું બની શકીએ!!

અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

બ્લૉગ: www.smunshaw.wordpress.com