ચેલેન્જ.edu
રણછોડ શાહ
મનુષ્યના જન્મથી મૃત્યુ સધીની યાત્રા પ્રત્યેક વ્યક્તિ માટે ફરજિયાત છે. જન્મથી મરણ સુધીનો સમય એક લાંબા અંતરાલ જેવો છે. આ સમય દરમિયાન અનેક ઘટનાઓ ઘટે છે. કેટલીક પૂર્વ આયોજિત અને સંચિત હોય છે તો કયારે અચાનક અને આકસ્મિક, ન કલ્પી હોય તેવી પરિસ્થિતિઓ ઊભી થઈ જતી હોય છે. પરંતુ કેટલીક વાતો તો જીવનમાં નિશ્ચિત જ હોય છે. શિક્ષણ, જીવનનિર્વાહ, કૌટુંબિક વિકાસની જવાબદારીઓ, સામાજિક કાર્યો, વ્યાવસાયિક પ્રગતિ કે અધોગતિ જેવી કેટલીક બાબતો જીવનના અવિભાજય અંગ જેવી હોય છે.
શિક્ષણ પ્રત્યેક વ્યક્તિના જીવનનું એક અભિન્ન પાસું છે. કયારેક વિધિવત શિક્ષણ નહીં લઈ શકતી વ્યક્તિ પણ સમાજમાંથી કંઈક તો જરૂરથી શીખે જ છે. શૈક્ષણિક સંસ્થાના માઘ્યમથી જ શિક્ષણ પ્રાપ્ત થાય તેવું જરૂરી નથી. લખતાં-વાંચતાં આવડે એ જ માત્ર શિક્ષણ નથી. જે શિક્ષણથી ધનપ્રાપ્તિ થાય તેને જ શિક્ષણ કહેવાની ભ્રમણામાંથી પણ બહાર આવવાની જરૂ૨ છે. શિક્ષણ અને કેળવણી એક સિક્કાની બે બાજુ છે. શિક્ષણ જીવન જીવવા માટે ઉપયોગી જરૂર બને છે પરંતુ તે એક માત્ર રસ્તો નથી. જયારથી આપણે શિક્ષણને અર્થકારણ સાથે જોડી દીધું ત્યારથી શિક્ષણમાંથી તત્ત્વ અને સત્વ દૂર થઈ ગયું. જે વ્યકિત શિક્ષણ પ્રાપ્ત કરે તેને જ રોજગારી પ્રાપ્ત થાય તેવી ખોટી માન્યતા આપણા સમાજમાં અને સ્વભાવમાં ઘર કરી ગઈ છે. ઉપાધિ (Degree) અને રોજગારને પરસ્પર સાંકળી લીધા હોવાથી શિક્ષણ માત્ર અર્થોપાર્જન માટેનું સાધન બની ગયું. આ સંબંધ જેટલો જલદી તૂટી જશે તેટલો સમાજ વ્યકિતઓની શકિતઓને વધારે ઉપયોગમાં લઈ શકશે.
શિક્ષણ તો વ્યક્તિને પ્રસંગે પ્રસંગે ઉપસ્થિત થતી પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધવું તે શીખવે છે. જીવનમાં આવતી સમસ્યાઓના ઉકેલમાં શિક્ષણ સહાયરૂપ બને છે. શિક્ષણ વ્યકિતને જીવનની ઘટમાળમાં આવતી ઘટનાઓનો સુખદ અને જનહિતાય ઉકેલ કેવી રીતે લાવી શકાય તે શીખવે છે. જિંદગી અને સમસ્યા એક સિક્કાની બે બાજુ જેવાં છે. બાળપણમાં શાળાકીય ભણતર સમસ્યા ઉકેલનું શિક્ષણ આપે છે તો વ્યવસાયિક કારકીર્દિમાં પણ વિવિધ પ્રશ્નો વ્યકિતને ઉકેલવા પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય જ છે. જે વ્યકિત યોગ્ય શિક્ષણ પામે છે તે પ્રત્યેક સમસ્યાનો ઉકેલ શક્ય છે જ તેવો નિર્ધાર પ્રગટ કરી શકે છે. એ વાત ચોક્કસ જ છે કે આ વિશ્વમાં કોઈ પ્રશ્ન એવો નથી કે તેનો ઉકેલ ન હોય. દરેક સવાલનો જવાબ હોય જ છે. કયારેક તો એક સમસ્યાના અનેક ઉકેલ હોય છે. આ જીવનપદ્ધતિ જ શિક્ષણને કેળવણી તરફ લઈ જાય છે. જે વ્યક્તિ પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ અન્ય પરિસ્થિતિમાં પણ કરી શકે તેને સફળતા સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે. જ્ઞાન કરતાં જ્ઞાનનો ઉપયોગ જીવનમાં વધારે જરૂરી છે.
જ્ઞાનનો ઉપયોગ આપણા જીવનમાં પાયાના આધાર તરીકે હોય છે. આ ઉપયોગ આપણને પ્રાપ્ત તાલીમમાં પરિવર્તન લાવી જીવનને વધારે સુખરૂપ કેવી રીતે બનાવી શકાય તે શીખવે છે. આ આધાર જેનો જેટલો મજબૂત, સુદૃઢ અને સ્પષ્ટ તેટલી તે વ્યકિતની પ્રગતિ વધારે થાય. કોઈપણ મજબૂત ઈમારતની મજબૂતાઈનો આધાર માત્ર અને માત્ર તેના પાયા-આધાર ઉપર જ હોય છે. તેથી તો બાંધકામ નિષ્ણાતો પાયા ઉપર સૌથી વધારે ઘ્યાન આપે છે. કોઈ પણ મહાન વ્યકિતના જીવનને તપાસીએ તો તેના પાયામાં રહેલા બાળપણના દિવસોમાં તેમને કેવું, કેવી રીતે અને કોના દ્વારા શિક્ષણ પ્રાપ્ત થયું છે તેના ઉપરથી તેની પ્રગતિનું માપ નીકળે છે. કયારેક વ્યક્તિ પોતે પણ પોતાની ગુરુ બની હોય તેવાં ઉદાહરણો પણ ઈતિહાસમાં છે.
જે વ્યકિતના જીવનનો પાયો (આધાર) મજબૂત હોય તેનો નિર્ધાર અકલ્પનીય શકિતશાળી હોય છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અનેક તકો પ્રાપ્ત થાય છે. પરંતુ બહુ ઓછી વ્યક્તિઓ તકને અવસરમાં પલટી સફળતાના શિખરો સર કરી શકે છે, કારણ કે તેનો નિર્ધાર ડગમગતો હોય છે. ‘આ હું કરી જ શકીશ’વાળો નિર્ધાર જ પ્રગતિના પંથે લઈ જઈ શકે. મજબૂત, તાકાતવાન અને અવિચળ નિર્ધાર કોઈને પ્રગતિના પથ ઉપર આગળ વધતાં અટકાવી શકતો નથી. જેની પાસે જેટલી નિર્ધારશક્તિ વધારે તેટલો તેની સફળતાનો ગ્રાફ ઊંચો.
આધાર અને નિર્ધાર જ વ્યક્તિના આર્થિક વિકાસને પણ સુદૃઢ બનાવે છે. જીવનના આ બે મહત્વના અંગો જ વ્યકિતને રોજગારીમાં આગળ વધવામાં ઉપયોગી બને છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અથવા ઉત્તમ સંસ્થાઓના સર્જકોમાં તેમનામાં રહેલી નિર્ધારશક્તિએ જ અદ્ભુત ભાગ ભજવ્યો હોવાનું આપણને સ્પષ્ટ નજરે પડે છે. આપણે ‘રોજગાર’ને માત્ર અને માત્ર નાણાંકીય વાતો સાથે જોડવાને બદલે વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમાજ માટે ઉપકારક કાર્યો કરનારાઓ પણ પોતાનાં કાર્યો બાબતે ખૂબ ચોક્કસ નિર્ધાર કરીને જ આગળ વઘ્યા હોય છે.
શિક્ષણના પાયામાં રહેલાં આ ત્રણ તત્ત્વો પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. આધાર, નિર્ધાર અને રોજગાર જીવનમાં આગળ વધવામાં વ્યક્તિગત રીતે અને સામૂહિક સફળતા બક્ષવામાં, સમાજને સુખી અને પ્રગતિકારક કરવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. આ ત્રણે પાયાના ગુણો શીખવા અને વિકસાવવામાં શિક્ષણ અત્યંત મહત્વનો ફાળો આપે છે. આ ત્રણ બાબતો જ જીવનસાફલ્યની ગુરુચાવી છે.
આચમન:
મને એવી ક્યાં ખબર હતી
કે ‘સુખ અને ઉંમર’ને બનતું નથી,
પ્રયત્ન કરીને સુખ લાવ્યો,
પણ ઉંમર રીસાઈને ચાલી ગઈ.
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)