ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કરુણાંત દુર્ઘટનાનું વધુ એક વાર પુનરાવર્તન થઈ રહ્યું છે અને એ પણ ઝડપભેર! નવેમ્બર, ૨૦૨૨માં આ કટારમાં ગામ્બિયા નામના આફ્રિકન દેશ અને ઈન્‍ડોનેશિયામાં કફ સિરપને કારણે થયેલાં બાળકોનાં મૃત્યુ વિશે જણાવવામાં આવ્યું હતું. આ કફ સિરપનું ઉત્પાદન એક ભારતીય કંપની દ્વારા થયેલું હોવાની વાત શરૂઆતમાં થઈ, પણ પછી ગામ્બિયાએ ફેરવી તોળ્યું.

નેટ પર પ્રકાશિત થતા અહેવાલો પરથી આ તસ્વીર સાભાર લીધેલ છે.

હવે ઉઝબેકિસ્તાનમાં બિલકુલ આવી જ દુર્ઘટના બની છે, જેમાં ઓછામાં ઓછાં અઢાર બાળકોનાં મૃત્યુ થયાં હોવાની ભીતિ છે. ઉઝબેક સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વિગત જાહેર કરવામાં આવી છે. એ અનુસાર નોઈડાસ્થિત ‘મેરીઅન બાયોટેક’ નામની કંપની દ્વારા ઉત્પાદિત ‘ડૉક-1 મેક્સ’ કફ સિરપને કારણે આમ બન્યું છે. લેબોરેટરીના ટેસ્ટમાં ‘ઈથીલિન ગ્લાયકોલ’ની ઉપસ્થિતિ હોવાનું માલૂમ પડ્યું છે અને તેને પગલે તમામ ફાર્મસીમાંથી આ કફ સિરપને પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

ગામ્બિયામાં તેમજ ઉઝબેકિસ્તાનમાં વેચાતા આ કફ સિરપમાં પણ ઈથિલીન ગ્લાયકોલ કે ડાઈઈથિલીન ગ્લાયકોલ હોવાનું જણાયું હતું, જે ઔદ્યોગિક રસાયણો છે, અને કફ સિરપમાં તેમનું હોવું એટલે મોતને નિમંત્રણ. આ સિરપ બાળકોને કોઈ ડૉક્ટરની ભલામણ વિના, ઘરમેળે આપવામાં આવ્યાં હતાં. દવાખાને દાખલ કરાયેલાં બાળકોએ બેથી લઈને સાત દિવસ સુધી તેનું સેવન અઢીથી પાંચ મિ.લી.ની માત્રામાં દિવસના ત્રણથી ચાર વખત કર્યું હતું. બાળકોનાં મૃત્યુ બે મહિના જેટલા સમયગાળામાં થયાં હતાં.

ગામ્બિયાની દુર્ઘટનાને પગલે ભારત સરકારે તેમજ હરિયાણા સરકારે ઉત્પાદક ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ને પ્રતિબંધિત કરી હતી. આ  દુર્ઘટનાની ગંભીરતાને કારણે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા’ (હુ) પણ સક્રિય બની ગઈ હતી. અલબત્ત, ભારતીય સત્તાવાળાઓએ એ પછી ‘હુ’ની મૂલ્યાંકન પદ્ધતિ અંગે શંકા વ્યક્ત કરી હતી. ‘ડ્રગ કન્‍ટ્રોલર જનરલ ઑફ ઈન્‍ડિયા’ (ડી.સી.જી.આઈ.) દ્વારા ‘હુ’ને લખાયેલા એક પત્રમાં જણાવાયું હતું કે ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ દ્વારા ચકાસવામાં આવેલા નમૂનાઓમાં કશી ભેળસેળ માલૂમ પડી નહોતી. એથી આગળ વધીને ‘ડી.સી.જી.આઈ.’ અને સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ગામ્બિયાનું કૌભાંડ ફાર્માસ્યુટિકલ સામગ્રી પૂરા પાડનાર તરીકેની ભારતની છબિને નુકસાન કરવાનું કાવતરું છે.

આ વખતે પણ ભારત ‘મેરીઅન બાયોટેક’ના એક્સપોર્ટ લાઈસન્‍સને રદ કર્યું છે અને તેની ઉત્પાદન ગતિવિધિઓને સ્થગિત કરાવી દીધી છે. પણ હજી ‘હુ’ દ્વારા કશી ગતિવિધિ થઈ ન હોવાને કારણે આગળનાં પગલાં માટે તેણે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી છે.

ગામ્બિયા, ઈન્‍ડોનેશિયા અને હવે ઉઝબેકિસ્તાનમાં એક જ પ્રકારની દુર્ઘટના સમયાંતરે બને અને એ આ હદે ગંભીર હોય ત્યારે એ મામલે યોગ્ય તપાસ કરવાને બદલે પોતાની વિરુદ્ધ કાવતરું હોવાનું કહેવું કદાચ દેશની છબિને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

દરમિયાન ભારતના રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા, માર્ચના અંતથી ઈથીલીન ગ્લાયકોલના વેચાણ પર નિયંત્રણ મૂકતો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. બીજી તરફ ઉઝબેકિસ્તાનમાં આ મામલાસાથે સંકળાયેલા ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર પૈકીના બે લોકો સાયન્ટિફિક સેન્ટર ફોર સ્ટાન્‍ડર્ડાઈઝેશન ઑફ મેડિસીન્‍સના વરિષ્ઠ કર્મચારીઓ છે, જેમણે આ કફ સિરપને યોગ્ય ટેસ્ટિંગ વિના ફરતું કર્યું. બાકીના બે લોકો ક્વૉરામેક્સ મેડિકલ કંપનીના એક્ઝિક્યુટિવ છે, જેમણે ભારતની ‘મેરીઅન બાયોટેક’માંથી આ દવાને આયાત કરી હતી.

સેન્‍ટ્રલ ડ્રગ્સ સ્ટાન્‍ડર્ડ કન્‍ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઉત્તર ક્ષેત્ર) અને ઉત્તર પ્રદેશ ડ્રગ્સ કન્‍ટ્રોલિંગ એન્‍ડ લાયસન્‍સિંગ ઑથોરિટીની ટીમ દ્વારા સંયુક્ત તપાસ પણ થઈ રહી છે અને તેમાં જે પરિણામ આવે એ અનુસાર આગળનાં પગલાં લેવાશે એમ કેન્‍દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યું છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઑથોરિટીના પૂર્વ નિદેશક રાજેશ અગ્રવાલે એક ટી.વી. મુલાકાતમાં જણાવ્યું હતું કે આવા કિસ્સામાં જવાબદારી ઉત્પાદક દેશ અને આયાતી દેશની બને છે. કોઈક ઔષધને નિકાસ માટે તૈયાર કરવામાં આવે ત્યારે તેની નિકાસ કરવાની હોય એ દેશનાં ધોરણોને અનુસરવાના હોય છે.

આ અગાઉ ગામ્બિયામાં થયેલી દુર્ઘટનાને પગલે ભારતના ડ્રગ્સ કન્‍ટ્રોલર જનરલ વી.જી.સોમાણીએ જણાવ્યું હતું કે ગામ્બિયામાં કફ સિરપની નિકાસ કરનાર ‘મેઈડન’નાં ઉત્પાદનોને પ્રયોગશાળામાં ચકાસવામાં આવ્યાં હતાં અને તેઓ ધારાધોરણ મુજબનાં જણાયાં હતાં. તેમાં કોઈ ઝેરી પદાર્થ જણાયો નહોતો.

આ ઘટનાનો રાજકીય વિવાદ ધીમા સૂરે થઈ રહ્યો છે. આમ પણ, વિરોધ પક્ષના અવાજ જેવું કશું રહ્યું નથી. છતાં કૉંગ્રેસના જેરામ રમેશે ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે મોદી સરકારે ભારત સમગ્ર વિશ્વની ફાર્મસી હોવાની બડાશ મારવી બંધ કરવી જોઈએ અને સખત પગલાં લેવાં જોઈએ. આના જવાબમાં ભા.જ.પ.ના અમીત માલવીયાએ કહ્યું છે કે ગામ્બિયામાં થયેલાં બાળકોનાં મૃત્યુને ભારતમાં બનેલા કફ સિરપ સાથે કશો સંબંધ નથી. ગામ્બિયન સત્તાવાળાઓ તેમજ ડ્રગ કન્‍ટ્રોલર જનરલ ઑફ ઈન્‍ડિયા દ્વારા એ બાબતે સ્પષ્ટતા થઈ ગઈ છે.

આમ, અત્યારે જોઈએ તો આ ઘટનાના તમામ છેડા લટકતા છે. સૌ પોતાનો પક્ષ યોગ્ય હોવાનું જણાવે છે. આમ છતાં, ઈથિલીન ગ્લાયકોલ કે ડાઈઈથિલીન ગ્લાયકોલ મળી આવ્યો એ હકીકત છે અને મૃત્યુનું કારણ પણ એ જ છે એ હકીકત અફર જણાય છે. ગામ્બિયા, ઈન્‍ડોનેશિયા અને હવે ઉઝબેકિસ્તાનમાં જે થયું એમાં ભારતીય કંપની દ્વારા નિર્મિત કફ સિરપનું હોવું કેવળ યોગાનુયોગ ન હોઈ શકે, કેમ કે, ત્રણે કિસ્સે ઘણી બધી બાબતો સામાન્ય જણાય છે.

ક્યાંક, કોઈનાથી કશીક ચૂક થઈ છે એ નક્કી છે. એની પર ઢાંકપિછોડો થઈ રહ્યો છે કે કેમ એ કહી શકાય એમ નથી, પણ આ બાબતે ફોડ પાડીને સ્પષ્ટ શબ્દોમાં તપાસની વિગતો જાહેર કરવામાં નહીં આવે તો હજી કયા દેશમાં કેટલાં બાળકોનો ભોગ એ લેશે એ કહી શકાય એમ નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)