એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ

પાસ થયા અને ડિગ્રી મળી ગઈ એટલે કોઈપણ ડૉક્ટરનું ભણવાનું, શીખવાનું બંધ નથી થઈ જતું! એટલે જ ડૉક્ટરો સેમિનાર, કૉન્ફરન્સ અને જાત મહેનતથી up to date રહેવાનો પ્રયત્ન કરતા રહે છે. આત્મશ્રદ્ધા હોવી જરૂરી છે, પણ પોતાની જાત અને આવડત પરનો વધારે પડતો વિશ્વાસ ખતરનાક સાબિત થાય છે. ચોપડી વાંચીને દરિયામાં નાવ તરાવી ના શકાય! જેમ દરેક માણસ જુદો છે, તેમ બધાનાં Appendix જુદાં હોય છે, અને દરેક Appendicitisનો રોગ પણ જુદા-જુદા સ્ટેજ વખતે પુરુષ, સ્ત્રી, બાળક અને વૃદ્ધોમાં જુદી-જુદી રીતે ડૉક્ટરની સામે આવે છે, એટલે માત્ર પુસ્તકિયા જ્ઞાન સાથે પ્રૅક્ટિસ કરવા નીકળેલા ડૉક્ટરો-સર્જનો શરૂઆતના તબક્કામાં ઘણી ભૂલો કરતા જોવા મળે, અને એટલે જ થોડો અનુભવ મેળવવા કોઈ સીનિયરના આસિસ્ટન્ટ તરીકે કામ કરવું, કે કોઈ મોટી હોસ્પિટલમાં ટ્રેઇન થવું જરૂરી હોય છે. પણ આખરે તો જ્ઞાનની પંચેન્દ્રિયો સાથે છઠ્ઠી ઇન્દ્રિય વાપરવાની આવડત અને દરેક સમયે માનસિક રીતે સક્ષમ રહેવું જરૂરી હોય છે.

પરંતુ આવું ઘણીવાર બનતું નથી હોતું.

ડૉક્ટર પરેશને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરવાનો અનુભવ ખૂબ કામ આવ્યો હતો. ઘણીવાર એવું બનતું, કે અન્ય સર્જન/Gynaecologistની હોસ્પિટલમાં તેને મુસીબતના સમયે બોલાવવામાં આવતો, ત્યારે તેને કહેવાનું મન થઈ જતું કે, “પહેલીવાર નવો કેસ હાથમાં લેતા હોય, ત્યારે પહેલેથી જ બીજા ડૉક્ટરની મદદ કેમ લેવામાં ના આવી?”

ડૉ. પરેશ જમીને ત્રણેક વાગ્યે આરામથી સૂઈ ગયા હતા, ત્યાં જ ફોન રણક્યો, “ઑપરેશન થિયેટરમાં આપને અમુક ડૉક્ટર બોલાવે છે.”

ડૉ. પરેશને સમજતાં વાર ન લાગી કે હવે કંઈક અજુગતું બની ગયું હશે. તરત તૈયાર થઈ ઓટીમાં પહોંચ્યા. ઓટી માટે જરૂરી એવાં કેપ, માસ્ક, ગાઉન ચડાવીને ડૉક્ટર સાથે જોડાયા. જોયું તો એક સ્ત્રી દર્દીને Cystocele હતું તેનું ઑપરેશન કરતાં આંતરડાં તેના પ્રાઇવેટ ભાગમાં આવી ગયાં હતાં. દર્દી ૪૫ વર્ષની આધેડ બહેન. પેશાબની કોથળીનો ફુગ્ગો થાય, જનનેન્દ્રિયમાં દેખાય એને Cystocele કહેવાય.

ડૉ. પરેશે જોયું કે દર્દીને પેશાબની નળી નાખવી જોઈએ તે હતી નહીં. કેથેટર (ટોટી) નાખીને જોયું તો એ પણ આંતરડા સાથે જ બહાર આવતી હતી, એટલે કે પેશાબની કોથળી કપાઈ ગઈ હતી.

ડૉ. પરેશને લાગ્યું કે હવે પેટ ચીરીને જ બધું રિપેર થઈ શકે. હવે દર્દીના સગાંને જાણ કરવી જરૂરી હતી કે બીજું મોટું ઑપરેશન કરવું પડે એમ છે. અત્યાર સુધી કમરનો નીચેનો ભાગ બહેરો કરીને (Spinal Anaesthesia)માં જ આ બધું થયેલું, હવે GA (General Anaesthesia) આપવું પડે તેમ હતું.

ડૉ. પરેશે બહાર દરવાજા આગળ જઈને સગાંને જાણ કરી કે પેટ ચીરીને ઑપરેશન પૂરું કરવું પડશે. એટલે વાર લાગશે, અને મોટું ઑપરેશન છે. (જેણે ઑપરેશન કર્યું હતું એણે આટલી કાપકૂપ કેવી રીતે કરી એ તો એ જ જાણે!)

ડૉ. પરેશે Exploratory Laparotomy, એટલે કે શું નુકસાન થયું છે તે જોવા પેટ ખોલ્યું. અને અરે ભગવાન, આ શું થઈ ગયું છે?

આખું Bladder (પેશાબની કોથળી) ટુકડે-ટુકડે કાપી નખાયું હતું, બંને કિડનીઓમાંથી પેશાબ લાવતી નળીઓ છુટ્ટી હતી. આંતરડાને સામાન્ય ઈજાથી વધારે નુકસાન નહોતું, પણ આ કલ્પના બહારનું હતું કે કોઈએ Cystocoleનું ઑપરેશન કરતાં આખું Bladder જ કાઢી નાખ્યું હોય! શું કરવું?

એક તો Urosurgeon (પેશાબના દર્દોના નિષ્ણાત) મળે એમ નહોતા, જે કંઈ કરવું પડે, એ ડૉ. પરેશે જ કરવાનું હતું.

ખૂબ વિચાર કર્યા પછી ડૉ. પરેશને સમજાયું કે દર્દીને બચાવવો હોય તો કિડનીમાંથી નીકળતી નળીઓને બંધ કરાય નહીં. એણે બંને કિડનીઓમાં પાતળી ટ્યૂબ નાખીને બહારના પેશાબના રસ્તે કાઢી, અને બેગમાં પેશાબ એકઠો કરવાની વ્યવસ્થા ઊભી કરી.

Bladderની કોથળીના તો ટુકડેટુકડા કાપી કાઢેલા. કોઈ સંજોગોમાં એ ફરીથી રિપેર થાય એમ નહોતું. બની શકે, કે Urosurgeon કદાચ Rectum (મોટા આંતરડાનો નીચેનો ભાગ) વાપરીને નવું બ્લેડર જેવું બનાવે. પણ એ કામ અત્યારે ડૉ. પરેશ કરી શકે નહીં. દર્દીને તાત્કાલિક Urosurgeonને જ રિફર કરવો પડે તેમ હતું.

બે-ત્રણ કલાકની મહેનત પછી ડૉ. પરેશ ઓટીની બહાર આવ્યો, અને સીધો ઉપરી અધિકારીની જાણ માટે એમની ઑફિસે જઈ બધી હકીકતથી અવગત કરાવ્યા. તેમણે ડૉ. પરેશ પાસે સંપૂર્ણ હકીકત લેખિતમાં માગી, તે પણ તેણે સ્કેચ દોરીને લખી આપી. કોઈ પણ ના માને એવું કાર્ય એક બિનઅનુભવી, વધારે પડતા ઉત્સાહી Gynaecologistથી થઈ ગયું હતું.

આ દર્દીને Urosurgeonને ત્યાં મોકલી અપાયો, કે બીજું કંઈ થયું, એ ડૉ. પરેશને ખબર ના પડી, કારણ કે બીજા દિવસે એને પોતાના અંગત કામે પોતાના ગામ જવાનું થયું હતું.

આવીને તપાસ કરી તો ઑપરેશન કરનાર ડૉક્ટરે કે તેના ઉપરીએ કંઈ જ માહિતી આપી નહીં. સગાંઓ પણ કોણ હતાં તે ખબર પડી નહીં, તેઓ ક્યારેય ફરીથી જોવામાં આવ્યાં નહીં. ડૉ. પરેશને હજી સુધી ઘણીવાર એ પ્રસંગ યાદ આવે અને બેહદ દુઃખી થાય છે, કે શું બની ગયું હશે?

એવા જ એક ડૉક્ટરે સ્ત્રી નસબંધીનું ઑપરેશન કર્યું. ત્રીજા દિવસે પેટના ઘામાંથી પેશાબ સાથે ચેપ (Infection)ની રસી આવવા માંડી. કેસ ડૉ. પરેશને રિફર થયો.

ચોખ્ખું જ હતું, કે Fallopian Tubes (અંડકોશવાહિની)ને બંધ કરતાં Bladder (પેશાબની કોથળી)ને નુકસાન થયું હતું, અન એ પેશાબ પેટમાં ભરાતાં ચેપ થયો હતો.

પેટ ફરીથી ચીરી જોઈને નુકસાન પામેલા Bladderને સાંધવું પડે.

દર્દી ૩૫ વર્ષનાં બહેન અને તેનો પતિ જે સારી સરકારી નોકરીમાં હતો, તે ગભરાયાં. પણ ડૉ. પરેશ પર વિશ્વાસ મૂક્યો, અને ફરીથી ઑપરેશન માટે તૈયાર થયાં.

ડૉ. પરેશે ફરીથી પેટ ચીરીને ઑપરેશન કર્યું. ફાટેલી પેશાબની કોથળી Watertight સીવી લીધી, અને પેશાબની ટોટી લાંબા સમય સુધી રાખવાની તાકીદ કરી, કેસ પાછો સોંપ્યો.

એ બહેનને સારું થઈ ગયું તેના એકાદ મહિના પછી એક દિવસ બંને પતિ-પત્ની ડૉ. પરેશને ઘરે મળવા આવ્યાં.

“સાહેબ, આપનો ખૂબ આભાર, આપે જીવનદાન આપ્યું.”

“ભાઈ ખાસ નુકસાન નહોતું, અને મેં જે કર્યું છે તે મારા કામનો જ એક ભાગ છે.”

“સાહેબ, એક સલાહ લેવી છે.”

“બોલો.”

“અમે એ ડૉક્ટર ઉપર કેસ કરીએ?”

ડૉ. પરેશ ધર્મસંકટમાં મુકાયો. હા કહે, તો ડૉક્ટર સાથે સંસ્થાનું નામ પણ બગડે. આ કેસ રાજકીય પણ હતો, કારણ કે ‘નસબંધી’ (સ્ત્રી-પુરુષ)નું અભિયાન ચાલતું હતું.

“ભાઈ, જે થવાનું હતું તે થઈ ગયું છે, અને એનાથી બહેનને કંઈ તકલીફ થવાની નથી. આવા સ્ત્રી નસબંધીના ઑપરેશનમાં કોઈવાર અજાણતાં આમ થાય છે. આવા ઘણા કેસ નોંધાયેલા છે, એટલે કોર્ટમાં પણ કદાચ તમારી ફેવરમાં નિર્ણય ના આવે. બને તો એમાં ના પડો તો સારું.”

“ભલે સાહેબ, આપની વાત સાચી. આપનો ફરીથી આભાર માનીએ છીએ.”

ડૉ. પરેશે આથી વધારે શું કરી શકે?


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.