હરેશ ધોળકિયા

આપણી આસપાસ એવા કેટલાય મુદાઓ છે જેને જાણીએ ત્યારે તે માનવા કે ન માનવા તેની મૂંઝવણ થતી હોય છે. અને તે મુદા જયારે ધાર્મિક કે પૌરાણિક સંદર્ભ ધરાવતા હોય, ત્યારે તો ભારે મૂંઝવણ થાય છે. કારણ એ હોય છે કે આ મુદાઓ બાબતે એટલી વિચિત્ર ચર્ચાઓ થતી હોય છે અને તેને એવી તો વિચિત્ર રીતે સમજાવવામાં આવે છે કે, વૈજ્ઞાનિક ચિત્ત હોય તો, માનવાનું મન ન જ થાય. ધાર્મિક ઉપદેશકો અગડંબગડ રીતે, મારી મચડીને, સમજાવતા હોય છે જે લગભગ અવેજ્ઞાનિક હોય છે. અતિ શ્રધ્ધાળુઓ કે મૂઢો માની શકે, શિક્ષિત તો ન જ માની શકે. શિક્ષિતને તો ‘ પૂરાવા” જોઈએ.
આવો એક મુદો છે “પુનર્જન્મ.” મૃત્યુ પછી પુનર્જન્મ થાય છે કે નહીં તે હજારો વર્ષોથી ચર્ચાતો મુદો રહ્યો છે- સમગ્ર વિશ્વમાં. આમ તો એ મુદો ધર્મ સંબંધી મનાય છે. એટલે અન્ય શાસ્ત્રો તેમાં રસ ન લે તે સ્વાભાવિક છે. પૂર્વમાં તો પરંપરાગત માની લેવાય છે, પણ પશ્ચિમમાં તો ‘ પૂરાવા’ વિના ન જ માને. પણ થોડા વર્ષોથી ત્યાં પણ આ વિષયમાં રસ લેવાનું શરુ થયું છે અને તેનો ” પેરાસાઈકોલોજી” અથવા તો ” એકસ્ટ્રા સેન્સરી પાવર્સ” શીર્ષક હેઠળ અભ્યાસ કરાય છે. જબરા અભ્યાસો થાય છે. જિજ્ઞાસુઓને આનંદ આવે તેવા. તેમાં પણ થોડાં વર્ષો પહેલાં ડો. બ્રાયન વીસ નામના એક મનોચિકિત્સકે જયારે આ વિષય પર ” મેની લાઈવ્સ મેની માસ્ટર્સ” નામે પુસ્તક પ્રકાશિત કર્યું, ત્યારે તો વિચાર જગતમાં, ખાસ કરીને મેડિકલ જગતમાં,
હડકંપ મચી ગયો. એ પુસ્તકમાં તેમણે પોતાની એક એવી દર્દની વાત કરી છે જેણે સારવાર દરમ્યાન, હિપ્નોસીસમાં, પોતાના અનેક જન્મોનું આબેહૂબ વર્ણન કર્યું છે. શરુઆતમાં તો ડો. બ્રાયને પણ ન માન્યું, પણ પછી એવી એવી વિગતો બહાર આવવા માંડી કે તે પણ ચકિત થતા ગયા અને માનવાની ફરજ પડી. એ મુદો બહુ મોટો છે. કયારેક વાત કરશું, પણ આ પુસ્તક બહાર પડ્યા પછી જગત ખળભળી ગયું અને અનેક અભ્યાસો શરુ થયા છે. આવા, માની ન શકાય તેવા, અનેક બનાવો નોંધાવા લાગ્યા છે.
ડો. બ્રાયને આ પુસ્તક પછી બીજું પુસ્તક પ્રગટ કર્યું-” થ્રુ ટાઈમ ઈન ટુ હીલીંગ.” આમાં તેમણે આગળના જન્મમાં લઈ જવાની જે ટેકનીક છે ( પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી) તે વિશે વિગતવાર ચર્ચા કરી છે. તેમાં જવાની જરુર નથી, પણ તેમાં થોડા આવા દાખલાઓ આપ્યા છે જેનો સામાન્ય લોકો અજાણતાં અનુભવ કરતા હોય છે,પણ કહેતાં ડરતા હોય છે, એ નોંધવા યોગ્ય છે. રસ પડે તેવા છે.
ડો. બ્રાયન એક મહિલા મંડળના કાર્યક્રમમાં ગયા હતા. આ મહિલાઓ બૂક કલબ ચલાવતી હતી. દર મહિને નવાં પુસ્તક વિશે ચર્ચાઓ કરતી. એક વખત તેમણે ડો. બ્રાયનનું આ ‘ મેની માસ્ટર્સ મેની લાઈવ્સ’ પુસ્તક પસંદ કર્યું અને ડોકટરને જ તે વિશે વાત કરવા બોલાવ્યા. ડોકટરે વાત કર્યા પછી મહિલાઓને પૂછયું કે તેમને આવા કોઈ અનુભવો થયા હતા. તો, નવાઈ વચ્ચે, લગભગ બધી જ બહેનોએ આવા અનુભવોની વાત કરી. તે અનુભવો આવા હતા…..
એક બહેને કહ્યું કે તેને એક વાર સ્વપ્નામાં તેની નાની આવી. તે વૃધ્ધ હતાં, પણ સ્વસ્થ હતાં. સ્વપ્નમાં તેણે જોયું કે તેના ચહેરા પર પકાશ હતો. તેણે પોતાની દોહિત્રીને કહ્યું, ” હું બરાબર છું. મારી ચિંતા ન કરતી. પણ હવે મારે તારી રજા લેવી પડશે. તારું ધ્યાન રાખજે.” બીજા દિવસે તેને સમાચાર મળ્યા કે દૂરનાં શહેરમાં તેની નાની મૃત્યુ પામી હતી.
બીજી મહિલાએ કહ્યું કે તેને સ્વપ્નામાં એક દૂરના સંબંધી આવ્યા. તેમના વિશે તે વિચારતી પણ ન હતી કે લાંબા સમયથી તેનો સંપર્ક પણ ન હતો. સ્વપ્નામાં એ સંબંધીની છાતી લોહીથી ખરડાયેલી હતી. પાછળથી તેને ખબર મળ્યા કે સ્વપ્નના આગળના દિવસે એ સંબંધીનું ઓપન હાર્ટ સર્જરીનું ઓપરેશન થયું હતું.
ત્રીજી એક મહિલાએ કહ્યું કે તેને પોતાના પુત્રનું વારંવાર સ્વપ્ન આવતું હતું. તેમાં તે તેને, હકીકતે સ્વસ્થ હોવા છતાં, ઘાયલ દેખાતો હતો. તે પોતાને હોસ્પિટલ રુમમાં જોતી જયાં તેને એક અજ્ઞાત અવાજ સંભળાતો હતો કે ” તે સાજો થઈ જશે.” પણ તેને નવાઈ એ લાગતી હતી કે સ્વપ્નામાં તેના પુત્રના વાળ વધારે કાળા હતા, જે હકીકતે ન હતા. એક મહિનો સતત આ સ્વપ્ન આવ્યું. મહિનાને અંતે તેના પુત્રની સાઈકલ એક કાર સાથે અથડાઈ અને તે ગંભીર ઘાયલ થયો. હોસ્પિટલમાં ડોકટર નક્કી કરી શકતા ન હતા કે તેનું શું થશે, ત્યારે માએ વિશ્વાસથી કહ્યું કે તે સાજો થઈ જશે. પેલો અવાજ તેને યાદ આવતો હતો. છોકરાના માથાં પર પુષ્કળ પાટા હતા. સાજા થવામાં તકલીફ હતી. પણ ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયો. જયારે માથાં પરથી પાટા દૂર કરવામાં આવ્યા, પછી મસ્તક મૂંડું કરવામાં આવેલ ત્યાં સમય જતાં ગાઢ કાળા વાળ આવ્યા. પછી મહિલાને ક્યારે આ સ્વપ્ન ન આવ્યું.
એક મહિલાનો મિત્ર જે દાંતનો ડોકટર હતો, તેના પાસે અકસ્માત ટાળવા બાબતે જબરી આવડત હતી. એક સાંજે જ્યારે તે પોતાની મિત્રો સાથે એક હોટેલ બહાર ઊભો હતો અને બધાં રસ્તો પસાર કરવા જતાં હતાં, ત્યાં અચાનક તેણે બૂમ મારી કે કોઈએ રસ્તો ક્રોસ કરવાનો નથી. તેણે હાથ લાંબા કરી બધાને રોકી લીધાં. તેને પોતાને પણ ખબર ન હતી કે તે આમ શા માટે કરતો હતો. થોડી પળો બાદ ખૂણામાંથી એક કાર ખૂબ ઝડપથી આવી અને આ બધાની પાસેથી ઝૂ….મ કરતી પસાર થઈ ગઈ. બધાં તો ચકિત થઈ ગયાં. આગળ વધ્યાં હોત તો મોટો અકસ્માત થાત. આ બનાવના થોડા દિવસ પછી ડોકટર કારમાં જતો હતો. તેની પત્ની કાર ચલાવતી હતી. તે પાછળ ઝોકાં ખાતો હતો. પત્નીએ કાર અટકાવી, તો બંધ આંખ  સાથે જ અચાનક તે બોલ્યો, ” ટ્રાફિકની લાઈટ બદલે ત્યારે આગળ ન વધજે. કોઈક રેડ લાઈટ છતાં કાર દોડાવશે.” પત્નીએ તેનું માન્યું. લાઈટ ગ્રીન થઈ કે તરત એક કાર સૂસવાટા કરતી પસાર થઈ ગઈ. બન્ને સ્તબ્ધ થઈ ગયાં, પણ બચી ગયાં.

એક મહિલા ઘર કામ કરતી હતી ત્યારે તેને અચાનક જ વિચાર આવ્યો કે તેની એક બહેનપણીએ હમણાં જ આપઘાત કર્યો છે. આ બહેનપણી વિશે તેણે તો મહિનાઓથી કોઈ વિચાર કર્યો ન હતો કે તેને કોઈ તેની તકલીફની પણ ખબર ન હતી. છતા આ વિચાર ખૂબ જ સ્પષ્ટ રીતે આવ્યો હતો અને જાણે તે સાચો જ હતો. પાછળથી તેને ખબર મળ્યા કે તે દિવસે જ તેની બહેનપણીએ આપઘાત કર્યો જ હતો.
ડો. બ્રાયન લખે છે કે આમાંથી કોઈ જ મહિલાને પેરાસાઈકોલોજી કે એકસ્ટ્રા સેન્સરી પાવર્સ બાબતે કશી જ જાણકારી ન હતી, બીજી મહત્વની બાબત એ હતી કે આ જૂથ બાર વર્ષથી સાથે મળતું હતું, પણ તેમના અનુભવો તેમણે કયારે પરસ્પર કહ્યા પણ ન હતા. તેઓ માનતી હતી કે આવી વાત કરશે તો તેઓ ગાંડી ગણાઈ જશે. વળી, આ બધી બહેનો તદન નોર્મલ સ્ત્રીઓ હતી. તેમના પાસે કોઈ વિશિષ્ટ શકિતઓ પણ ન હતી. તેમને પુનર્જન્મ કે સ્વપ્નશાસ્ત્ર વિશે પણ કોઈ જ ખ્યાલ ન હતા. પણ તેમને આ અનુભવો થયા તો હતા જ.
ડો. બ્રાયન કહે છે કે આવા અનુભવો હજારો લોકોને જાણે અજાણ્યે થતા હોય છે. માત્ર નોંધાતા નથી. એટલે પુનર્જન્મ છે કે નહીં, સ્વપ્નાં સાચાં પડે છે કે નહીં, એ ચર્ચાનો મુદો તો છે જ, પણ જયારે એક સંશોધક આ બાબતે કોઈ ચર્ચા કરે, ત્યારે ચોકકસ ધ્યાન ખેંચાય અને વિચાર કરવાની ફરજ પડે. આ સંશોધકો કોઈ શાસ્ત્રને આંધળી રીતે માનતા નથી હોતા. તેઓ સેંકડો પ્રયોગો કર્યા પછી, તેનું ઊંડાણથી પૃથ્થકરણ અને અભ્યાસ કર્યા પછી, જ પોતાનું સંશોધન બહાર પાડતા હોય છે. તેને પણ અંતિમ માનતા નથી હોતા. તેઓ શ્રધ્ધાળુ નથી હોતા. જબરા શંકાશીલ અને સંશયવાદી હોય છે.
એટલે જયારે તેઓ આવી બાબતો વિશે લખે, ત્યારે ચોકકસ ધ્યાન ખેંચાય અને વિચારપૂર્વક નોંધ લેવી પડે.
તેમની ” મેની લાઈવ્સ મેની માસ્ટર્સ” અવશ્ય વાંચવા જેવી છે. એક મગજ કેટકેટલું – જન્મોના જન્મો- સંઘરી રાખે છે તે તેને વાંચી ખ્યાલ આવે છે.
માનવું કે ન માનવું તે આપણી સ્વતંત્રતા છે.