વેબ ગુર્જરી પર ” સુશ્રી જીનાબેન શેઠનાં પુસ્તક “જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો” પર આધારિત નવી લેખમળા શરૂ કરી રહ્યાં છીએ.

લેખિકાઃ જીના શેઠ
પહેલી આવૃતિ, પૃષ્ઠ : 16+448
પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, અમદાવાદ ૩૮૦૦૧
સુશ્રી જીનાબેન શેઠ પોતા વિશે કહે છે કે “ન તો હું કલાકાર છું, ન તો કોઈ સંશોધક, ન લેખક.” તેઓ અન્ય કોઈ સંદર્ભમાં તેમનો પરિચય જણાવવા તેમનો વ્યવસાય જણાવે તો “ગૃહિણી” એમ જ લખે. જ્યાં સુધી જીનાબેનના અન્ય શોખ અને રસ વિશે વધારે જાણવા ન મળે ત્યાં સુધી કોઈ પણ એવું જ માને. જીનાબેનનાં વ્યક્તિત્વમાં જે સંશોધક કે લેખક છુપાયેલ હતાં તેને તેમણે પોતાની ગૃહિણી તરીકેની વ્યસ્તતામાંથી બહુ સહજ, અને સભાન,પણે બહાર આવવાં દીધા. તેમનાં રૂપાંતરણની આ અનુભૂતિની વાત તેમના જ શબ્દોમાં જાણીએ.
અનુભૂતિની એરણે…
ભારતમાં ગીતગંગા તો અનાદિ કાળથી વહેતી આવી છે. કોઈ કાંઠે બેસી એનાં નિર્મળ નીરને નીરખ્યાં કરે છે, કોઈ એનું પાન કરે છે, તો કોઈ એ રસસરિતામાં ડૂબકી મારી એનો આહ્લાદક રસાનંદ લે છે. મને પણ બાળપણથી જ ગીતો ખૂબ ગમતાં. તેમાં આવતું સંગીત, તેના શબ્દો, સૂર, લય, તાલ મનને જકડી રાખતાં. નવાં ગીતો લખવા જેટલી તાકાત તો હતી નહીં, પણ પ્રમાણમાં થોડી મોટી ઉંમરે ગીતનું સંગીત જેમ ગમતું તેમ તેના શબ્દો અને ભાવને સમજવાનું પણ ગમવા લાગ્યું. શાળામાં આ પ્રવૃત્તિને લીધે ભાષાના વિષયોમાં સારા માકર્સ મળતા તો પછીથી આ જ આવડતને થોડી મઠારી “ગુજરાતી કથાગીતો’ પુસ્તક પણ તૈયાર થયું.
આ પુસ્તક વખતે શ્રી હસમુખભાઈ મહેતાએ વિનયકાંત દ્વિવેદી દ્વારા સંપાદિત “મીઠા ઉજાગરા? પુસ્તક આપ્યું હતું. જે ખૂબ ગમ્યું હતું. તે વખતે તો તેનાં ગીતોનો કોઈ ખાસ ઉપયોગ નહોતો કર્યો, પણ તેમાં થોડી નોંધો કરી રાખી હતી જે થોડા સમય પછી ફરી હાથમાં આવી ત્યારે ફરી મન ખેંચાયું. આ પુસ્તકમાં જૂની રંગભૂમિનાં ગીતો છે. સાથે બે સી.ડી. પણ છે. જે જોઈ-માણી. ખૂબ મજા આવી, પણ આ વિષય અંગે કોઈ જ જાણકારી ન હતી. થોડાં પુસ્તકો મેળવ્યાં. વાંચ્યાં. ગીતો જેટલી જ એની વાતો પણ રસપ્રદ હતી.
જ્યારે આ તમામ કલાકારો વિશે જાણ્યું ત્યારે રંગભૂમિ પ્રત્યેની તેમની અપ્રતિમ નિષ્ઠા, સમર્પણ અને પ્રેમ જોઈને હું દંગ રહી ગઈ. ગુજરાતી રંગભૂમિના વિકાસ અર્થે આ કલાકારોએ કેવું અભૂતપૂર્વ કામ કર્યું છે તે મને ત્યારે સમજાયું. મનમાં વિચાર આવ્યો કે શું આ વિષયમાં થોડું કામ કરી શકાય ? પણ મારી શી લાયકાત ? ન તો હું કલાકાર છું, ન તો કોઈ સંશોધક, ન લેખક…. કયા રૂએ આ કામ થાય ? પણ ખબર નહીં કોઈક ધક્કો મારી રહ્યું હતું !
આ સમય દરમિયાન જૂની અને નવી રંગભૂમિના ઉત્તમ કલાકાર ઉત્કર્ષ મજુમદાર અમદાવાદ આવ્યા હતા. એમના મોઢે એ રસમય વાદો… એમની રંગયાત્રાની વાતો સાંભળી ત્યારે જલસો પડી ગયો. એ આનંદે પણ થોડો ચેપ લગાડયો અને આ દિશામાં પ્રેરિત કરી. પછી તો યૂ-ટ્યૂબ પર સરિતા જોશીની વાતો પણ સાંભળી અને એમના અનુભવો પણ માણ્યા અને જેમ “વેણુ વાંસળી વાગે ને સૂતાં જાગે’ એમ ફરી મનમાં સળવળાટ થયો. આમ આ બધાં જ પરિબળોએ પોતાનું કામ કર્યું
મેં તો મોજ ખાતર આ માહિતી ભેગી કરી છે. થોડા મારા વિચારો છે, થોડા અન્યોના. દસ્તાવેજીકરણનો કે કડીબદ્ધ ઇતિહાસનો કોઈ દાવો નથી. બસ માણ્યું તેનો ગુલાલ જ છે આ! રસ પડે તો તમે પણ મારી સાથે ભીંજાજો…
આ વિષયે એક ગૃહિણીની બીબાઢાળ જિંદગીને રસમય બનાવી છે. એની આંખોમાં રોમાંચ અને રોચકતા આંજી છે. એની કલા અને કલાકારો પ્રત્યે જોવાની દષ્ટિ બદલી નાખી છે. અરે! જીવન પ્રત્યે જોવાની દષ્ટિ પણ બદલી નાખી છે. કલા, કલાની કદરદાની, કલાકારોની મહેનત અને લગન પ્રત્યે ભાગ્યે જ એણે ધ્યાન આપ્યું હતું કે એ રીતે એની તરફ જોયું હતું. નાનપણથી જ એ અભિનયકારોને જાદુગરની જેમ જોતી. ને હંમેશાં એ વિસ્મય થતું કે કઈ રીતે એક જ વ્યક્તિ આટલા જુદા-જુદા રોલ સફળતાથી ભજવી શકતી હશે! એના એ વિસ્મયે અને એના મનમાં ધરબાયેલી એ જિજ્ઞાસાએ જ કદાચ એની પાસે આ કામ કરાવડાવ્યું હશે !
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘરના વડીલો સાથે પણ જ્યારે-જ્યારે વાત થતી ત્યારે એમની આંખોની ચમક, એમની યાદોની તાજગી, એમના મોઢે એ ગીતોનો ગણગણાટ સાંભળી મનમાં થતું કે ચોક્કસ એ સમય રંગભૂમિનો સુવર્ણકાળ જ હશે !!!
તમે મીરાંનાં ગીત ગાઓ, ગાલિબની ગઝલ સાંભળો કે ગરબાને ગળે લગાડો, છેવટે તો હૃદય સોંસરવું ઊતરે એ જ સર્જન સાચું. જેમ ગુજરાતી લોકસંગીત પછી અવિનાશ વ્યાસના સુગમસંગીતનાં ગીતો આખાય ગુજરાતમાં ગવાતાં રહ્યાં છે, એ જ રીતે ગીત તરીકે સાહિત્યિક ગુણવત્તા ગુમાવ્યા વગર ટકી શકે એવાં થોડાં ગીતો જૂની રંગભૂમિએ પણ આપ્યાં છે. એને સજાવવા પાછળ કરેલી કલાકારોની અથાગ મહેનતને લીધે એ જીવ્યાં. ચિરંજીવ બન્યાં. એની વય કેટલી ? એક-બે-ચાર મહેફિલ પૂરતી નહીં, સિત્તેર-એંસી અરે સો વર્ષ પછી પણ તરોતાજા ! હિતેન આનંદપરા લખે છે તેમ.
એક મહેફિલ પૂરતી મહેનત નથી
કાવ્યને પોતાની વય છે, લે કલમ!
કેવા હશે એ ગીતકાર, સ્વરકાર કે જેમના શબ્દો, જેમના સૂર આજે પણ લીલાછમ છે!
કોઈ ગીત એના શબ્દોને લીધે ગમી જાય, કોઈ એની સરળતાને લીધે, કોઈ એના સંગીતને લીધે તો કોઈ એની ગાયકીને લીધે. અહીં રજૂ થયેલાં ગીતો પૈકી કદાચ કોઈ ગીત થોડું અપરિચિત હશે, પરંતુ આ તમામ ગીતો અત્યંત મધુર અને ગમી જાય એવાં છે. ઘણાં ઉત્તમ ગીતો રહી પણ ગયાં હરો, કારણ આવાં તો સેંકડો ગીતો છે જૂની રંગભૂમિનાં, જે માણવાલાયક છે. આ તો પાશેરામાં પહેલી પૂણી છે. સો-સવાસો વર્ષનો જૂની રંગભૂમિનાં ગીતોનો ઇતિહાસ… એમાં પ્રગટતી સ્ત્રી-સંવેદનાની, લાગણીઓની તથા ગુજરાતી સમાજ, પરંપરા તથા સંસ્કૃતિની હજારો રંગ છટાઓ છે આ ગીતોમાં ! આ ગીતો સાંભળ્યાં ત્યારે અજાણપણે જ આ ગીતો સાથે એક ભાવસેતુ બંધાયો અને એણે મારી ચેતનામાં ઊંડે સુધી પ્રભાવ જન્માવ્યો હશે એવું મને લાગે છે, નહીંતર મારો અને નાટકનો વળી શો સંબંધ ? હા, સંબંધ માત્ર એટલો જ કે હું નાટક કે અન્ય કલા સાથે હોઉં છું ત્યારે હું મારી જાત સાથે હોઉં એવો અહેસાસ મને ઘણી વાર થાય છે. આ જ અસ્તિત્વનો આનંદ છે એમ મોડે-મોડે પણ સમજાવા લાગ્યું છે.
સો-સવાસો વર્ષ સુધી ગુજરાતના કલારસિક પ્રેક્ષકોને કલાના રસાનુભવનો આનંદ કરાવીને રંગભૂમિએ રંગ રાખ્યો છે. ગુજરાતી રંગભૂમિએ પોતાનાં નાટકો દ્વારા પ્રજાને જે ઉત્સાહ અને પ્રેરણા આપી છે તે ખરેખર સ્તુત્ય છે. એ નાટકોમાં ગીત, સંગીત, પ્રહસન (કૉમેડી), નૃત્યો આજે જેને આપણે “ટોટલ થિયેટર’ કહીએ છીએ તે બધાં જ તત્ત્વો હતાં. એનો વિષય-વિસ્તાર તો વિરાટ સાગર જેવો છે, તેને ઉલેચવો દુર્ગમ છે. ગાગરમાં સાગર સમાવવા જેવું આ દુઃસાધ્ય કાર્ય ગણી શકાય. આ તો મહાસાગર છે. અહીં તો માત્ર મહાસાગરની એક નાનકડી છાલક જ છે.
જૂની રંગભૂમિ – એમાં જે તન્મયતા, લાલિત્ય, શિષ્ટતા, વિશિષ્ટતા અને જે ભાવાભિનય દેખાતાં હતાં તે અજોડ હતાં. સંઘર્ષો છતાંય ગુજરાતી રંગભૂમિને ટકાવી રાખનારા એ તમામ કલાકારો અને પ્રેક્ષકોને તમે પણ મારી સાથે સલામ મારો એ માટે મારું ઇજન છે. પ્રજાજીવનને સંસ્કારવામાં, સુધારવામાં, શિષ્ટ મનોરંજન પૂરું પાડવામાં કેટલીય શક્તિશાળી નાટકમંડળીઓ, કેટલાય ખ્યાતનામ નાટયલેખકો, કુશળ કલાકારો, કવિઓ, કસબીઓએ કોઈ કસર બાકી રાખી નથી. એની નોંધ તો લેવાવી જ જોઈએ.
“ગુજરાતી રંગભૂમિ’ ઉપર અનેક શ્રદ્ધેય પુસ્તકો લખાઈ ચૂક્યાં છે અને હું આ વિષયની કોઈ તજજ્ઞ નથી એટલે સંભવ છે કે ક્યાંક કદાચ કોઈ ત્રુટિ રહી ગઈ હોય, તેને મારી મર્યાદા ગણી ક્ષમ્ય કરશો. અહીં રજૂ થયેલી વાતોને વાચકો જે-તે સમય અને પરિસ્થિતિના સંદર્ભમાં જાણશે – સમજશે એવી આશા રાખું છું.
રંગભૂમિની નાટચસંપદા અને ગીતસંપદાનું અનેરું મહત્ત્વ છે. નવી પેઢી પણ આ ગીતમાધુર્યથી વંચિત ન રહી જાય તો સારું. સર્વ સુધી એની મહત્તા અને સંવેદનશીલતા વિસ્તરો એ જ અભ્યર્થના.
કલાદેવીની કુપા આપણા સૌ ઉપર હો અને આપણે બધાં કલા થકી વધુ ઊજળાં બનીએ એવી ભાવના સાથે વિરમું છું.
આમાંનાં ઘણાં ગીતો સોશિયલ મીડિયા પર પણ મળી જશે. સમય ફાળવીને જરૂર સાંભળજો.
તેમના આ શોખને તેમણે જે વ્યવસ્થિત રૂપે દસ્તાવેજ કર્યો તેના પરિપાક રૂપે તેમણે જૂની રંગભૂમિનાં ગીતોને ઉજાગર કરતું પુસ્તક “જૂની રંગભૂમિના લોકપ્રિય ગીતો” આપ્યું. આ ઉપરાંત તેમણે ‘ગુજરાતી કથાગીતો’ પરનું પુસ્તક લખ્યું છે અને ‘વહાલનું અક્ષયપાત્ર’ પુસ્તકમાં હરેશભાઈ ધોળકિયા વિશે તેમનાં સ્વજનો, મિત્રો, સમકાલીનો અને સાહિત્યકારો વગેરે એ જે સંસ્મરણો લખ્યાં તેનું સંકલન કર્યું છે.
“જૂની રંગભૂમિની રોમાંચક દુનિયા “ વિશે જીનાબહેને ગુજરાતી વિશ્વકોષની ભગિની સંસ્થા ‘વિશ્વા’ના ઉપક્રમે તાજેતરમાં એક વ્યાખ્યાન પણ કર્યું જે અહીં જોઈ / સાંભળી શકાશે:
“જૂની રંગભૂમિની રોમાંચક દુનિયા” પુસ્તકને પ્રકરણ ક્રમાનુસાર વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાની સહમતી આપવા બદલ વેબ ગુર્જરી સુશ્રી જીનાબહેન શેઠનો હાર્દિક આભાર માને છે.
પ્રસ્તુત લેખમાળા જૂન ૨૦૨૬ થી દર મહિને બીજા સોમવારે વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાનું આયોજન છે.
સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com
