દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

બીરેન કોઠારી

પહેલા હપ્તાનું શીર્ષક ‘ભારત માતા કી જય’  અને બીજા હપ્તાનું શીર્ષક ‘આરંભ’ છે.

પહેલા હપ્તામાં પુસ્તકની પૂર્વભુમિકા રજૂ કરાઈ છે. પંડિત નેહરૂ જ્યારે પણ કોઈ સભામાં જતા ત્યારે સમગ્ર પ્રજા ‘ભારત માતાકી જય’ ના ઘોષથી તેમનું અભિવાદન કરતી. પંડિતજી લોકોને પુછતા કે ‘ભારત માતા’ કોણ છે?. તમે લોકો કોનો ‘જય’ ઈચ્છો છો?.

અહમદનગરની જેલમાં પુસ્તક લખવાની શરૂઆત કરતાં નેહરૂના મનમાં  સવાલ થાય છે ભારતના ભૂતકાળમાં એવી તે શું શક્તિ હતી જેને કારણે ભારત એ સમયમાં મહાન સંસ્કૃતિ હતી? એવું તે શું થયું કે વર્તમાનમાં એ શક્તિ હણાઈ ગઈ છે?

તેમના આ સવાલોના મનોમંથન સ્વરૂપે સિરીયલનાં શીર્ષ ગીતનું મહત્વ રહેલું છે. તે દર્શાવવા માટે શીર્ષ ગીત ફરીથી – @૧૦.૨૭ થી  @૧૪.૧૨ સુધી – ગીતના બોલને અનુરૂપ દૃશ્યો સાથે આખું ગીત, અંતમાં  ‘હૈ કીસી કો નહીં પતા નહીં પતા’ બોલ સાથે, રજૂ થાય છે.

રેલ્વે યાત્રા કરતાં કરતાં તેઓ  સમગ્ર દેશનું પરિભ્રમણ કરતા રહે છે. એ સમગ્ર દૃશ્યો દરમ્યાન કીબોર્ડના સુરો સાથેનું પાર્શ્વસંગીત વાગતું રહે છે. યાત્રાની સમાપ્તિ સમયે નેહરૂ બોલતા સંભળાય છે કે ‘અત્યાર સુધી જે વિષય મારા માટે માત્ર બુદ્ધિગમ્ય હતો તેને હવે હું લાગણી અને વાસ્તવિક ભારતની સાચી સમજ સાથે જોવા લાગ્યો હતો. ૧૮.૨૭થી ૨૨.૪૫  સુધી બેકગ્રાઉન્ડમાં શાસ્ત્રીય આલાપની સાથે ભારતની પ્રાચીન સંસ્કૃતિનાં સ્થાપત્યોનાં દૃશ્યો આપણી નજર સામેથી પસાર થાય છે.

આ એપિસોડમાં તેઓ મધ્ય કાળમાંથી મોગલ સામ્રાજ્યના અકબરના સમય સુધી આવે છે ત્યારે નેહરૂની સામે ભારતના ઇતિહાસના ઉતારચડાવ, જયની પરાકાષ્ઠાઓ અને પરાજયની પીડાઓનું દર્શન ચારે તરફ ઉઘડવા લાગે છે. તેમનાં વિવરણના આ તબક્કાને પણ @૨૮.૩૧ થી લઈને @૩૦.૪૨ સુધી નહેરૂના સ્વગત સંવાદ અને આપણી સામે ચાલી રહેલી દૃશ્યાવલી સાથે શાસ્ત્રીય સંગીતના આલાપથી બેકગ્રાઉન્ડમાં વણી લેવાઈ છે.

પહેલા હપ્તાના અંતમાં નેહરૂનું મનન વર્તમાન પરિસ્થિતિ સુધી પહોંચે છે અને શીર્ષ ગીતના બોલ સાથે પહેલો એપિસોડ પુરો થાય છે.  દરેક એપિસોડના અંતમાં શીર્ષ ગીતના બોલ  સંભળાતા રહે એ ક્રમ પણ સિરીયલની સિગ્નેચર ઓળખ બની રહે છે.

આ હપ્તો અહીં જોઈ શકાશે.

****

મૂળ પુસ્તકની પૂર્વભૂમિકા પછી બીજા હપ્તાથી જવાહરલાલ નેહરૂએ આલેખેલા ઈતિહાસનું દર્શન શરૂ થાય છે. આ હપ્તાનું નામ છે. ‘આરંભ’.

પુસ્તકના પ્રકાશન અને ટી..વી.ધારાવાહિકના નિર્માણ વચ્ચેના લગભગ અડધી સદીના સમયગાળામાં અનેક બાબતો બદલાઈ, અને પુસ્તકમાંની અનેક વિગતો અંગે માહિતી પણ ઊપલબ્ધ થઈ શકે. શ્યામ બેનેગલે આ મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને અભિનેતા ઓમ પુરીના સ્વરમાં આ પૂરક માહિતીનું કથન  ઊમેર્યું છે. જેમકે પ્રાચીન ભારતની સંસ્કૃતિના વિકાસની અગમ્યતાનાં પંડિત નેહરૂનાં વિવરણ સાથે @૫.૦૦થી ૫.૩૮ સુધીમાં નહેરૂના મનોભાવની સાથે ઓમ પુરીના સ્વરમાં આ પૂરક માહિતીનું કથન અને તેની સાથે ઊંડો ઊંડો શંખનાદ સંભળાતો હોય તેવું પાર્શ્વસંગીત પણ સંભળાતું રહે છે.

પ્રાચીન ભારતની સિંધુ સંસ્કૃતિના તે સમયની પર્શિયા, મેસોપોટેમિયા અને ઈજિપ્ત જેવી અન્ય સંસ્કૃતિઓના રોજબરોજના જીવનવ્યવહારનો પરિચય કરાવવા માટે કોઈ વિધિની દૃશ્યાવલી સાથે @૨૫.૪૩ થી ૨૭.૦૦ સુધી લોકવાદ્ય સંગીત વાગતું રહે છે.

બીજા એપિસોડના અંતમાં મોહન જો દરો અને હડપ્પાની સંસ્કૃતિના પહેરવેશ, વિધિઓ, કળા-કારીગીરી અને રહનસહનનું વર્તમાન સાથે કેટલું સામ્ય છે તે દર્શાવવા એ ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો બતાવાઈ રહ્યા છે તેની સાથે પણ એક આલાપ @૪૧.૦૦ થી ૪૧.૫૨ સુધી મંત્રોચ્ચારની શૈલીમાં સંભળાય છે, જે તે પછીથી તરત જ કીબોર્ડ વડે સર્જાતા પાઇપતરંગના સુર જેવાં સંગીતમાં એપિસોડના અંતમાં પરિણમે છે.

આ હપ્તો નીચેની લિન્‍ક પર જોઈ શકાશે.


ક્રમશઃ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


Disclaimer:

The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.