મારી પથ્થરની કાયામાં
~ અનિલ જોશી
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી
પગલીથી ચિતરાયાં ફળિયાં.
રમકડાંના મોરલા ગહેક્યા કરે
ને ઊડ્યાં વાદળાં બનીને મારાં નળિયાં.
મારા કમખામાં ચોમાસું એવું બેઠું
કે હવે સહરાના કાંઠાયે છલકે.
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
પંખા ઉપર કોઈ માળો ન બાંધશો,
પંખો ફરશે ને વિખરાશે.
રમકડાંના મોરલા ગહેકશે નહીં
અને ફળિયામાં પગલી ખોવાશે.
મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ
એનાં પાંદડાંઓ ડાળમાંથી સરકે.
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે
સાહેબ મારા મેલા કપડાં ધૂએ
– સુરેન ઠાકર ‘મેહુલ’
સાહેબ મારા મેલા કપડાં ધૂએ
તરવેણીને તીર ઊભો ઈ
આજુબાજુ ના જુએ.
મેલ ભરાયો અગમ ખૂણે ઈ
ધોતાં ધોતાં રૂએ.
ટીપે ટીપે અડસઠ તીરથ
અનરાધારે ચૂએ… સાહેબ
ફાટ્યું વસ્તર, મરમી મારો
તન તોડીને તૂને.
તપના તાપે સૂકવી વ્હાલો
નચંત થઈને સૂવે… સાહેબ
સોનલવરણી સાંજ ઢળે ને
ઝાલર ટાણે ઝગે.
સુમિરન કરતાં સત-ચિત્ત-આનંદ
હોનાર હોય સો હુએ… સાહેબ..
