ફિર દેખો યારોં

બીરેન કોઠારી

પહેલી નહીં, બીજી કે ત્રીજી નજરે પણ ગતકડું લાગે એવી એ ચેષ્ટા છે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર એની પૂરતી મજાક પણ ઊડાવાઈ છે. આમ છતાં, એ ચેષ્ટા કરનારનો પક્ષ જાણવા જેવો છે. વાત ફ્રાન્‍સની છે. ફ્રાન્‍સના એક નગર ‘પેન્‍ટીન’(Pantin)ના નામની જોડણીમાં તેના મેયર બર્ટ્રાન્‍ડ કર્ને મામૂલી ફેરફાર કર્યો છે અને છેવાડે ‘e’ ઉમેર્યો છે. આને કારણે આ નગરના નામના ઉચ્ચારમાં પણ ‘પેન્‍ટાઈન’ જેવો મામૂલી ફેરફાર થયો છે. કર્નના જણાવ્યા અનુસાર આ નામ એક વરસ સુધી અમલી રહેશે. ક્યાંય પણ, એકે બૉર્ડ પર કે અધિકૃત પત્રવ્યવહારમાં આ ફેરફાર નહીં થાય. ફક્ત એક નહેર પાસે મોટા અક્ષરે મૂકાયેલા આ નગરના નામમાં જ વધારાનો અક્ષર ઉમેરાશે.

આમ કરવા પાછળનું કર્ન દ્વારા જણાવાયેલું કારણ રસપ્રદ છે ને તેને લીધે એ મજાકને પાત્ર બની રહ્યા છે. કર્નના કહેવા અનુસાર આ રીતે વધારાનો અક્ષર ઉમેરવાથી નામ સ્ત્રૈણ લાગશે. પણ આ અક્ષર અંગ્રેજી ‘ઈ’ જ કેમ? અંગ્રેજી શબ્દ ‘ઈક્વેલિટી’નો અર્થ થાય છે ‘સમાનતા’. એ રીતે આ અક્ષર ‘સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમાનતા’ સૂચવે છે. અંગ્રેજી શબ્દ ‘એન્‍ડ‘નો અર્થ ‘અંત’ થાય છે. આ અંગ્રેજી શબ્દનો પણ ‘ઈ’ પ્રથમાક્ષર છે, જે ‘મહિલાઓ પર થતા અત્યાચાર’નો ‘અંત’ સૂચવે છે. આવી ઉટપટાંગ વાત સાંભળીને હસવું આવ્યા વિના રહે નહીં, કેમ કે, આપણને થાય કે આવાં ગતકડાં કરવાથી કંઈ સ્ત્રી- પુરુષ વચ્ચે સમાનતા સ્થપાઈ જવાની છે કે મહિલાઓ પરના અત્યાચારનો અંત આવી જવાનો છે? એના માટે બીજા અનેક ઉપાયો વિચારી શકાય.

બર્ટ્રાન્‍ડ કર્ન પણ કંઈ એવા ભ્રમમાં નથી કે નામમાં ફેરફાર કરવાથી આવું બધું રાતોરાત થઈ જાય. તેમની વાત સ્પષ્ટ છે કે હજી એકવીસમી સદીમાં પણ આપણું જગત પુરુષપ્રધાન, બલકે પુરુષકેન્‍દ્રી રહ્યું છે. તેઓ કહે છે કે હજી પણ પુરુષની સરખામણીએ મહિલાઓને વેતન ઓછું ચૂકવવામાં આવે છે, કેટલાય વ્યવસાયો મહિલાઓ માટે પ્રતિબંધિત છે. આટલું ઓછું હોય એમ જાહેર સ્થાન પર મહિલાના હોવાને પુરુષો ઝટ સ્વિકારી શકતા નથી. ફ્રાન્‍સની જ વાત કરીએ તો, મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વૃદ્ધિ થવા છતાં લિંગભેદ સામાન્ય બાબત છે અને કાચની એ દિવાલ વાસ્તવિકતા છે. ફ્રેન્‍ચ સરકારની ‘હાઈ કાઉન્‍સિલ ફૉર ઈક્વેલિટી’ના એક અહેવાલ અનુસાર દસ પૈકીની છ ફ્રેન્‍ચ મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ જાતીય સતામણી કે શેરી યા જાહેર પરિવહનમાં અપમાનનો ભોગ બને છે. ૪૬ ટકા મહિલાઓ કાર્યસ્થળે અને ૪૬  ટકા મહિલાઓ ઘરમાં જાતીય સતામણી વેઠે છે, જ્યારે ૫૭ ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ ‘રમૂજ’ના ઓઠા હેઠળ જાતીય ટીપ્પણીનો ભોગ બને છે. ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન, ત્રણ હજાર ફ્રેન્‍ચ લોકોની મોજણીનાં આ પરિણામ હતાં.

આ નગરના નામમાં ફેરબદલ એ બાબતને પ્રતિબિંબીત કરવાની તક છે કે આપણી પ્રણાલિઓ, સ્થળો, ટેક્નોલોજિ અને માળખાકીય સુવિધાઓ પુરુષો દ્વારા અને પુરુષો માટે જ તૈયાર કરવામાં આવે છે. કારની સલામતિનાં પરીક્ષણ સુદ્ધાં પુરુષના કદનાં પૂતળાં થકી કરવામાં આવે છે. અવાજ પારખતાં સોફ્ટવેર મહિલાઓના અવાજની સરખામણીએ પુરુષનો અવાજ સરળતાથી પારખી લે છે.

આવી વિગતો જણાવનાર કર્ન પોતાની આ હરકત બદલ ભરપૂર મજાકને પાત્ર બન્યા. લોકોએ જાતભાતની ટીપ્પણીઓથી તેમને નવાજ્યા. પણ પોતાના આ નિર્ણયમાં તેઓ મક્કમ રહ્યા. તેમનું એ જ કહેવું હતું કે એક વર્ષ પૂરતું નામ બદલવાથી કોઈ નારીવાદી ક્રાંતિ થઈ જવાની નથી. પણ આ હરકત કેવળ એ બાબત નીચે ગાઢ લીટી દોરવાની છે કે હજી એકવીસમી સદીમાં પણ કેટલીય ચીજોમાં પરિવર્તનની જરૂર છે. હજી આપણું વિશ્વ પુરુષપ્રધાન છે.

ફ્રાન્‍સના આ નગરની વાત ઘડીક બાજુએ મૂકીને ઘરઆંગણે ભારતમાં શી સ્થિતિ છે એ જોઈએ. આપણી સંસ્કૃતિમાં માતૃત્વનો અનોખો મહિમા કરવામાં આવ્યો છે, પણ વ્યાવસાયિક કારકિર્દીના ક્ષેત્રે માતૃત્વ અભિશાપ સમું બની રહે છે. ખાસ કરીને ઉડ્ડયન, શિક્ષણ, રીઅલ એસ્ટેટ, ઈન્ફર્મેશન ટેક્નોલોજિ, ઈ-કૉમર્સ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં! સગર્ભાવસ્થા દરમિયાન મહિલામાં શારિરીક ઉપરાંત ભાવનાત્મક પરિવર્તન પણ આવતાં હોય છે, પણ તેને સહજતાથી સ્વિકારી શકાય એવું વાતાવરણ મોટા ભાગનાં કાર્યસ્થળે જોવા મળતું નથી. પ્રસૂતિ માટે મહિલાને રજા અપાય છે, પણ રજા પરથી આવ્યા પછી તેણે ત્યાંથી જ શરૂ કરવાનું હોય છે, જ્યારથી તે રજા પર ઊતરી હતી. ‘સીસ્કા’ જૂથનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જ્યોત્સ્ના ઉત્તમચંદાણીના જણાવ્યા અનુસાર મોટા ભાગનાં કાર્યસ્થળે એવી જ માન્યતા પ્રવર્તે છે કે પ્રસૂતિ પછી આવતી કે માતા હોય એવી મહિલા ઓછી સક્ષમ અને પ્રતિબદ્ધ હોય છે. ‘મોદીકેર’ના મેનેજિંગ ડિરેક્ટર સમીર મોદી કહે છે, ‘કાર્યક્ષેત્રોમાં લોકોની માનસિકતાને જ બદલવાની જરૂર છે.’ ‘કૅશકરો’નાં સહસ્થાપક સ્વાતિ ભાર્ગવ માને છે કે બાળક હોવું એ કોઈ પણ રીતે અવરોધક ન હોવું જોઈએ. લોકોના દૃષ્ટિકોણને બદલવાની જવાબદારી કંઈ એકલી મહિલાની નથી. મહિલાઓનો જે સામાજિક પરિસ્થિતિમાં ઉછેર થાય છે એમાં પણ પરિવર્તન આવવું જોઈએ.

આ બાબત મહિલાની વ્યાવસાયિક કારકિર્દીના ક્ષેત્રે પ્રવર્તી રહેલી પરિસ્થિતિને અમુક અંશે ઉજાગર કરે છે. આવું ફક્ત આપણા દેશમાં જ છે એમ માનવાની જરૂર નથી. ‘પ્રગતિશીલ’ ગણાતા દેશોમાં એ કદાચ દેખીતી પ્રતિકૂળ નહીં હોય, પણ ‘કાચની દિવાલ’ જેવી હશે.

આવા માહોલમાં બર્ટ્રાન્‍ડ કર્નની ‘ચેષ્ટા’ ભલે દેખીતી રીતે હાસ્યાસ્પદ લાગે, પણ એનો હેતુ એકદમ સુયોગ્ય અને મહદ અંશે બધા જ દેશો માટે લાગુ પડે છે એ સ્વીકારવું રહ્યું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)b