નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

અત્યંત લોકપ્રિય ધર્મગુરુ શ્રી ચૌદમા દલાઈ લામાને સાંભળવા અમેરિકાના “તિબેટી બૌદ્ધ-ધર્મ અભ્યાસ-કેન્દ્ર”માં છ હજારથી વધારે લોકો ભેગા થયેલા. એમાંના દરેક જણ બૌદ્ધ ધર્મ પાળનારા નહતા, પણ એ દરેકને એ ધર્મના આચરણમાંની રીતિની જાણ હતી. એ રીતિનાં મુખ્ય અંગો ધ્યાન, શાંતિ અને માનસિક સમતુલન છે. પશ્ચિમના દેશોનાં શીઘ્રગતિ અને ભૌતિકવાદી જીવન જીવનારાં અસંખ્ય પ્રજાજનો આ પ્રકારની જાણકારીની શોધ આજ-કાલ કરી રહેલાં જણાય છે. ધીમાં પડી જવામાં, સ્થિર થઈ જવામાં જે ગુણ છે, તેનાથી એ બધાં વધારે ને વધારે માહિતગાર થતાં જાય છે.
ધ્યાન ઉપરાંત રેઇકી, સ્પર્શીતિરિકૃત ઉપચાર, યોગ જેવી પ્રથાઓ પણ પ્રચલિત થઈ રહી છે. કુદરતી ઉપચાર, હોમિઓપથી, આયુર્વેદિક દવાઓ વગેરેથી પણ પ્રજાઓ હવે અજાણ નથી. તબીબી ક્ષેત્રમાં પણ અચાનક શરીર તેમજ મનની ચિકિત્સા પર ભાર મુકાવા માંડ્યો છે. ઊલટું, હવે એ પ્રશ્ન પુછાય છે કે આટલું સમજતાં આટલી વાર કેમ થઈ? હૃદયની શસ્ત્ર-ક્રિયા પછી બેભાનાવસ્થામાં રહેલા દરદીને પણ મધુર સંગીત સંભળાવવામાં આવે છે, કારણકે એનાથી એને સાજા થવામાં ઘણી મદદ મળે છે. ધ્યાન, યોગ અને પ્રાણાયામ તો ઘણો જ પ્રચાર પામી ચૂક્યાં છે. આ બધી અ-સામાન્ય ચિકિત્સા-રીતિઓને વિવાદાસ્પદ માનનારાં પણ છે જ, છતાં એમાં વિશ્વાસ ધરાવનારાંની સંખ્યા ઘણી વધારે છે.
કુટુંબ વગરની એકલવાયી જિંદગી જીવતાં અસંખ્ય પ્રજાજનો સમૃહ-બેઠકોમાં એકમેક સાથે વાતો કરીને પોતપોતાનાં દરદ અને પીડાની ચર્ચા કરીને પણ ઘણો આધાર પામે છે. આવી વ્યવસ્થા હૉસ્પિટલોમાં જ નહીં, પણ વ્યફ્તિગત રીતે ખોલાયેલાં સામાજિક સ્થાનો દ્વારા પણ કરાતી  હોય છે. બિન-તબીબી ઉપચાર-પદ્ધતિઓની અગત્ય હવે એટલા બધા પ્રમાણમાં મનાય છે કે ન્યૂયોર્કની એક મોટી હૉસ્પિટલમાં યોજાનારી “યૂરોલોજી એન્ડ ન્યૂરો-સર્જરી”ની મહત્ત્વપૂર્ણ કૉન્ફરન્સમાં શ્રી દલાઇ લામાને ખાસ આમંત્રણ આપવામાં આવેલું, અને દેહ-મન વચ્ચેના રહસ્યમય સૂત્ર વિષે વાત કરવા, પ્‌વીય પરિપ્રેકષ્યથી ઉચ્ચ સ્તરીય ધ્યાનનો સંદર્ભ સમજાવવા, તથા અંતે, તિબેટી ઉપચારના અભિગમો અપનાવવાના પ્રયાસોને આશીર્વાદ આપવા માટે એમને વિનંતી કરવામાં આવેલી.
માનસિક શાંતિ અને સ્વ-ચિકિત્સાના જ ઉદ્દેશથી એક બીજી પણ ધૂન અમેરિકાને લાગી છે, અને એ છે ભુલભુલામણીનાં વર્તુળો પર ચાલવાનો અનુભવ. અત્યારે એ અભિગમ પ્રાચીન પ્રથા અને નવ્ય નિસર્ગ-પ્રીતિ, પૂર્વીય ધર્માચાર અને ખ્રિસ્તી કર્મકાંડ જેવા વિરોધાભાસી તત્ત્વોના મિશ્રણ જેવો લાગે છે, પણ ભુલભુલામણીના વર્તુળાકારો દુનિયાનાં અનેક સ્થાનોમાં, વિભિક્ન રીતે, ઈ.પૂ.ના કાળથી દેખાતા આવ્યા છે – ક્યાંક સિક્કાઓ અને માટીનાં વાસણો ઉપર, તો ક્યાંક પાષાણ પર કોતરેલા. આ વર્તુળો યુરોપનાં ખ્રિસ્તી દેવળોની દીવાલો અને ફર્શ પર ચિતરાયેલાં જોવા મળે છે, તો અમુક દેશોમાં ભૂમિ પરનાં ખેતરોમાં ચાસથી પડાયેલાં પણ દેખાય છે. અમેરિકાની પ્રજાનો કેટલોક અંશ આજે આધ્યાત્મિક અનુભવ અને સાંત્વન માટે પાદરીના વ્યાખ્યાનથી જુદું કંઈક ઝંખી રહ્યો છે, ને ત્યારે ભુલભુલામણીનાં ચોક્કસ પ્રકારનાં આલેખન પ્રાર્થના, આંતર્નિરીક્ષણ અને માનસિક સ્વસ્થતા તરફ જતો પથ બની રહે છે.
ભુલભુલામણી પર ચાલનારા લોકો એકલાં કે સાથી સાથે, ઝડપથી કે ધીરે ધીરે, વિચારોમાં મનને કે પરિસરને માણતા- પોતપોતાની રીતે- એને માણે છે. શાંતિ તો બધાં જ પામે છે, મન હળવું થઈ જતું પણ ઘણાંને લાગે છે, અને કેટલાંક પોતાની પીડા અને સમસ્યાઓનો સામનો કરવાની હિંમત પામે છે. આશ્ચર્યજનક જ નહીં, વિચિત્ર પણ લાગે છે આ વાત, પણ જરા વિચાર કરીએ તો સમજી શકાય કે આવાં સારાં પરિણામ કેમ આવે છે આટલી નાની વાતથી.
મોટા ભાગના લોકોનાં જીવન ખૂબ ઉતાવળાં, વ્યસ્ત, ક્લાંત અને અશાંત હોય છે. વાહનો અને લાંબાં લાંબાં અંતર છોડીને વ્યફિત જ્યારે જમીન પર પગ મૂકે છે, બધી જ ઝડપ અને દોડાદોડને જતી કરે છે, ત્યારે ગતિહીનતા આપોઆપ એને શારીરિક શાંતતા આપી દે છે. એ પછી વ્યફ્તિ જ્યારે વિચરણ શરૂ કરે છે, ત્યારે આકારની તેમજ ચલનની નિયમિતતા એને આંતરિક શાંતિનું સુખદ સંવેદન બક્ષવા માંડે છે. આવાં સંવેદનોથી પાશ્ચાત્ય પ્રજા અજાણ હોય છે, ને તેથી આ અનુભવે એને ઉત્સાહિત કરી દીધી છે. અમેરિકાનાં કેટલાંક દેવળો, હૉસ્પિટલો અને ખુલ્લાં મેદાનોમાં અગિયાર કે બાર –
દોરીને, રંગીને, પથ્થર જડીને, ચાસ પાડીને વર્તુળો બનાવાયાં હોય તેવાં સવાસો-દોઢસો સ્થાન આજે આ દેશમાં થઈ ગયાં છે. શરૂ શરૂમાં તો લોકો ભય અને સંદેહ પામીને આ વર્તુળોથી દૂર રહ્યાં, ક્યાંક તો વિરોધ પણ થયો, ને કેટલાકે એને કોઈ પિશાચી પંથનું પ્રતીક પણ માન્યું.
પણ બીજી બાજુ, એની લોકપ્રિયતા અને એનાં સારાં પરિણામોમાં શ્રદ્ધા વધતાં પણ ગયાં છે. સ્થાયીની સાથે જાડા કાપડ પર ચિતરાયેલી ભુલભુલામણીઓ પણ વપરાવા માંડી છે. ઘણાં દેવળો અને હૉસ્પિટલોમાં એ ચિત્રિત આલેખન ખુલ્લાં મુકાય છે. લોકો અને દરદીઓ એનો લાભ લે છે. કેટલાંક મહાવિદ્યાલયોમાં પરીક્ષા પહેલાં એમને પાથરવાની પ્રથા શર્‌ થઈ છે, કે જેથી વિદ્યાથી-ગણ એના પર ચાલી શકે, ને ઉદ્વેગ-ચિંતાને ખંખેરી શકે. અરે, ચિત્રિત ભુલભુલામણીઓને જેલોમાં પણ લઈ જવામાં આવે છે કે જેથી કેદીઓ પણ એનાં ગુણાત્મક પરિણામોનો લાભ લઈ શકે.

આ વિરચન માટે અગ્રેજીમાં બે શબ્દો જોવા મળે છે – “લૅબિરિન્થઃ, એટલે ભુલભુલામણી. એમાં વર્તુળો ઘણાં હોય, પણ પ્રવેશવાનો અને બહાર નીકળવાનો રસ્તો એક જ હોય, તેથી કોઈ ગુંચવણ કે ગભરાટ નથી થતા. બીજો શબ્દ તે “મેઝ” – એટલે સમસ્યા, ઉલઝન, ચક્રવ્યૂહ. ઊંચી દીવાલ કે વાડને લીધે એમાં પ્રવેશનારાં ગુંચવાઈ જાય, ગભરાઈ જાય. ચિકિત્સાર્થે વપરાય તેવી આ રચના નથી. પણ ભુલભુલામણીનો ઉપયોગ તો અવશ્ય મૌલિક જ છે.


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે


નોંધ: સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર