ચિરાગ પટેલ
उ. १७.१.९ (१६२५) किमित्ते विष्णो परिचक्षि नाम प्र यद्ववक्षे शिपिविष्टो अस्मि । मा वर्पो अस्मदप गूह एतद्यदन्यरुपः समिथे बभूथ ॥ (वसिष्ठ मैत्रावरुणि)
કિરણોયુક્ત હું છું એ પ્રમાણે સર્વવ્યાપી ભાવવાળું આપનું સ્વરૂપ નિઃસંદેહ પ્રખ્યાત છે. એવા સ્વરૂપને અમારાથી છુપાવી ના દો, કારણ કે, સંગ્રામમાં અન્ય રૂપ ધારણ કરવા છતાંય તમે અમારા સંરક્ષક બની રહો છો.
उ.१७.१.१० (१६२६) प्र तत्ते अद्य शिपिविष्ट हव्यमर्यः शँसामि वयुनानि विद्वान् । तं त्वा गृणामि तवसमतव्यान्क्षयन्त मस्य रजसः पराके ॥ (वसिष्ठ मैत्रावरुणि)
હે કિરણોવાળા વિષ્ણુ! આપના પૂજ્ય નામવાળા સ્વરૂપની શ્રેષ્ઠ સત્કર્મ પરાયણ અમે પ્રશંસા કરીએ છીએ. અત્યંત બળશાળી રજોલોકથી દૂર રહેનારા અમે આપના નાના ભાઈના રૂપમાં આપની સ્તુતિ કરીએ છીએ.
उ.१७.१.११ (१६२७) वषट् ते विष्णवास आ कृणोमि तन्मे जुषस्व शिपिविष्ट हव्यम् । वर्धन्तु त्वा सुष्टुतयो गिरो मे यूयं पात स्वस्तिभिः सदा नः ॥ (वसिष्ठ मैत्रावरुणि)
હે વિષ્ણુ! આપની પાસે અમે વષટપૂર્વક આહુતિ અર્પણ કરીએ છીએ. હે પ્રકાશથી વ્યાપ્ત! આપ અમારી આહુતિને ગ્રહણ કરો. શ્રેષ્ઠ સ્તુતિઓ યુક્ત અમારી વાણી આપની ગરિમા વધારે. આપ સર્વે કલ્યાણકારી શક્તિઓ સાથે સદૈવ અમારા સંરક્ષક બનો!
ઉપરોક્ત ત્રણ સામમાં ઋષિ વસિષ્ઠ મૈત્રાવરુણિ વિષ્ણુ સંબોધન સર્વવ્યાપી સૂર્ય માટે પ્રયોજે છે. સૂર્યના કિરણો સમગ્ર પૃથ્વી પર વ્યાપ્ત છે અને કિરણોયુક્ત એટલે કે પ્રકાશિત એવું સૂર્યનું આ એક સ્વરૂપ છે. જ્યારે રાત્રીનો અંધકાર હોય ત્યારે ચંદ્રમા અને નક્ષત્રો દ્વારા સૂર્ય અન્ય સ્વરૂપે ઉપસ્થિત હોય છે. આ સ્વરૂપમાં પણ સૂર્ય પોતાની રક્ષા કરે એમ ઋષિ ઈચ્છે છે.
વિષ્ણુ શબ્દનો અર્થ સર્વત્ર વ્યાપ્ત કે સર્વને ધારણ કરનાર છે. ઋષિને સૂર્યનું આ નામ વધુ પ્રિય છે; અને પોતાને વિષ્ણુના રજોલોકથી દૂર એટલે કે પૃથ્વી પર સૂર્યના નાના ભાઈ સમાન યજ્ઞના અગ્નિને વિષ્ણુ માની પૂજતા હોવાનું કહે છે. યજ્ઞમાં સ્વાહા શબ્દથી આહુતિ અપાય છે. આ સામમાં ઋષિ વષટ શબ્દથી આહુતિ પોતે આપતાં હોવાનું જણાવે છે.
उ.१७.३.२ (१६४०) व्यरुन्तरिक्षमतिरन्मदे सोमस्य रोचना । इन्द्रो यदभिनद्वलम् ॥ (गोषूक्ति अश्वसूक्ति काण्वायन)
સોમપાનથી પ્રસન્ન ઇન્દ્ર પ્રકાશવાન અંતરિક્ષને વિશેષ પ્રકાશ સંપન્ન કરે છે તથા વાદળોને છિન્ન ભિન્ન કરે છે.
उ.१७.३.३ (१६४१) उद् गा आजदङ्गिरोभ्य आविष्कृण्वन्गुहा सतीः । अर्वाञ्चं नुनुदे वलम् ॥ (गोषूक्ति अश्वसूक्ति काण्वायन)
ઈન્દ્રે ગુફામાં રહેલી ગાયોને પ્રગટ કરીને અંગિરાઓ સુધી પહોંચાડી. એને રોકી રાખનાર નીચું મોં કરીને પલાયન થઈ ગયા.
उ.१७.४.५ (१६५२) वि चिद् वृत्रस्य दोधतः शिरो बिभेद वृष्णिना । वज्रेण शतपर्वणा ॥ (वत्स काण्व)
સંસારને ભયભીત કરનાર વૃત્રના માથાને શક્તિ સંપન્ન ઇન્દ્રએ પોતાના તીક્ષ્ણ પ્રહારવાળા વજ્રથી કાપી નાખ્યું.
ઉપરોક્ત ત્રણ સામમાં ઋષિઓ ઇન્દ્ર એટલે કે સૂર્યને લગતી પ્રાચીન કથાનો નિર્દેશ કરે છે. અહિ ઇન્દ્ર એટલે સૂર્ય, ગાયો એટલે પ્રકાશ કિરણો, ગુફામાં રહેલા એટલે કે અપ્રગટ, અંગિરાઓ એટલે શરીરધારીઓ, રોકી નાખનાર અથવા વૃત્ર એટલે બળ કે પ્રકૃતિ, વજ્ર એટલે આકાશી વીજળી એમ સ્થૂળ અર્થ લઈએ. ૧૨,૯૦૦ વર્ષ પૂર્વેના લગભગ બે હજાર વર્ષના છેલ્લા હિમયુગના અંત સમયે, પૃથ્વી પર વ્યાપેલા ગાઢ અંધકારરૂપી ઘનઘોર વાદળોમાં વીજળીઓથી વર્ષા ચક્રનો પુનઃ પ્રારંભ થયો હતો અને સૂર્ય પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયો હતો. આ ભૌગોલિક/ખગોળીય ઘટના અંગે સામવેદ કાળના ઋષિઓને જાણકારી હતી એમ ચોક્કસ કહી શકાય.
આદ્યાત્મિક અર્થ લઈએ તો, ઇન્દ્ર એટલે મન, ગુફામાં રહેલ ગાયો એટલે આત્માની પ્રેરણા, અંગિરા એટલે શરીર, વૃત્ર એટલે મનની અડચણરૂપ વૃત્તિઓ, વજ્ર એટલે ચૈતન્ય શક્તિ. એ અર્થમાં આત્મા મનને કેવી રીતે પ્રેરણા આપે છે એનું વર્ણન ઋષિ અહી કરે છે.