વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ
એમ.ડી.(મનોચિકિત્સક)

 તમારી સાથે શું થયું એ મહત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો તેમ છો તે મહત્વનું છે

 

ભૂતકાળમાં તમારી સાથે થયેલ અન્યાયનો તમે ક્યારેક ઉલ્લેખ કરો એ વ્યાજબી છે પરંતુ એના ઓઠા હેઠળ ભૂતકાળને મારી, મચડી વિકૃત બનાવી તમે તમારી વર્તમાન પરિસ્થિતિ માટે બીજાઓ પર દોષનો ટોપલો નાંખી જાતને છેતરતા રહો એ વ્યાજબી નથી. કારણ આવું કરી તમે તમારી નબળાઈ, નિષ્ક્રિયતા અને બેજવાબદાર વલણ પર તમે ઢાંકપિછોડો કરો છો જેથી  તમે તમારી ”સેલ્ફ ઈમેજ” ‘આત્મછબિ’ને નબળી કે નિર્માલ્ય બનાવતા રહો છો. ભૂતકાળના બનાવોથી છેડો ફાડવો મુશ્કેલ છે.

ભૂતકાળની ઘટનાઓના ઉઝરડા પ્રત્યેક વ્યક્તિના મનમાં રહી જાય છે. ભૂતકાળના જખ્મો તાજા થઈ જાય અને તમે તેનો અફસોસ સાથે ઉલ્લેખ કર્યા વિના ન રહી શકો તો નીચેની બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખો.

૧. માત્ર બહાનાબાજી તરીકે ભૂતકાળના અન્યાયનો ઉલ્લેખ ન કરશો. તમે વર્તમાનમાં જે છો જેવા છો એ માત્ર ભૂતકાળના બનાવોને કારણે જ છો એવું પણ ઘુંટયા ના કરતા. હું તો એક પ્રભુની મૂર્તિ બનવા લાયક અવતાર હતો પણ મને લોકોએ એક પથ્થર જેમ લાતો જ માર્યા કરી છે, એવું ગાણુ ગાઈ તમારા આત્મસન્માનને સાવ તળીયે ન જવા દેશો.

૨. તમે તમારા મનનો ઉભરો ઠાલવવા ભૂતકાળની વાતો કરતા હો ત્યારે તેમાં નકારાત્મક લાગણી ઘૂંટયા ન કરશો. ”હું બિચ્ચારો… બાપડો… સહાય… આવા અન્યાયને લાચારીથી સહન કર્યા સિવાય બીજું કરી પણ શું શકું?…” એવું વિચારી તમારી જાતને દિન-હીન અને લાચાર પુરવાર કર્યા કરશો તો તમારી આત્મછબિ હંમેશાં નબળી જ રહેશે.

૩. તમારા ભૂતકાળના બનાવોનું વર્ણન કરતા હોવ ત્યારે જેમણે મને અન્યાય કર્યો છે. તેમના પ્રત્યે ધિક્કાર કે નફરત ઓકતા રહેશો નહીં. કારણ એમ કરવાથી તમારા ભૂતકાળને તમે જીવંત રાખશો અને મનની કડવાશને સતત પોષ્યા કરશો. યાદ રાખો જ્યાં સુધી તમે મનમાં કડવાશ અને ધૃણા રાખશો ત્યાં સુધી તેઓ તમારા મન પર નકારાત્મક પ્રભાવ પાડશે, અને તમારી ‘સેલ્ફ ઈમેજ’ને નિસ્તેજ અને નિર્માલ્ય બનાવતા રહેશે.

૪. તમારી સાથે ભૂતકાળમાં શું શું બની ગયું તે મહત્ત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો તેમ છો તેનું મહત્ત્વ છે.

જાતની જવાબદારી ટાળવા લોકો કેવી બહાનાબાજી ભર્યા વિધાનો કરે છે અને તમારી તંદુરસ્ત ”સેલ્ફ ઈમેજ” બનાવવા તમે આવાં વિધાનોનો કેવો જડબાતોડ જવાબ આપી શકો છો તેનાં કેટલાંક દ્રષ્ટાંતો આપું છું.

વિધાન : કોલેજમાં ખરાબ દોસ્તોએ મને દારૃના રવાડે ચડાવ્યો હતો. હાલમાં હું મારો બિઝનેસ જમાવવા માટે ઓફીસરો, વેપારીઓ અને વગદાર લોકો સાથે મારે શરાબની પાર્ટી તો યોજવી જ પડે ને? હું શું કરું? શરાબ પીવો એ મારી ઈચ્છા નહીં લાચારી છે.

જડબાતોડ જવાબ : ખોટી વાત. આજ સુધી કોઈ પણ વ્યક્તિએ મારી મરજી વિરૃધ્ધ પરાણે મારા મોઢામાં દારૃ રેડયો નથી. મને દારૃ પીવો ગમે છે એટલે હું પીવું છું. મારી આ આદત માટે હું જ જવાબદાર છું અને હું જ તેને બદલી શકું તેમ છું.

વિધાન : મારે પણ સવારે વહેલા ઉઠી વાંચવા બેસવું જ છે અને દિવસમાં દસ-બાર કલાક એકાગ્રતાથી વાંચવું જ છે, પણ હું શું કરી શકું? …અત્યારની તીવ્ર ઠંડીમાં ઉઠાતું નથી. દિવસ દરમ્યાન ઘરમાં ઘણાં ગેસ્ટ આવે છે. પાડોશીઓ આખો દિવસ ”તારક મહેતા કે ઉલ્ટે ચશ્મે” સિરીયલ ચલાવે છે પછી હું એકાગ્રતા કેવી રીતે લાવું?

જડબાતોડ જવાબ : હકીકતમાં મને ભણવા બેસવામાં રસ નથી. મારી જ્વલંત કારકીર્દી બનાવવાની કોઈ મહત્વકાંક્ષા જ નથી. બાજુવાળા નવરા છે એટલે સિરીયલ જુએ છે. એ લોકો મને જોવા આવવાનો આગ્રહ કરતા નથી. ઠંડીમાં મારે ઉઠવું હોય તો હું ઉઠીને વાંચી શકું છું પણ હું આળસુ થઈ ગયો છું. વાંચવાનો નિર્ણય મારે જ કરવો પડશે અને એ માટે મારે કઠોર પરિશ્રમ કરતા શીખવું પડશે.

વિધાન : મને પ્રમોશન ક્યાંથી મળે? ઉપરી સાહેબોને મસ્કા મારતા મને ક્યાં આવડે છે?

જડબાતોડ જવાબ : હું ક્યારેય ઓફીસે સમયસર પહોંચ્યો ખરો? કોઈપણ બહાનું બતાવી હું વહેલો છટકી નથી જતો? મને સોંપેલા કામ હું પાછા ઠેલ્યા કરું છું. પછી મારા પ્રમોશનની ભલામણ સાહેબ કેવી રીતે કરે? મને પ્રમોશન નથી મળતું તેમાં મારો જ વાંક છે.

યાદ રહે તમારી વર્મતાન પરિસ્થિતિ માટે ભૂતકાળનો આશરો લઈ અન્ય પર દોષારોપણ કે બહાનાબાજી કરવાથી તમારો વર્તમાન સુધરવાનો નથી કે તમારી સેલ્ફ ઈમેજ મજબૂત બનવાની નથી. અત્યાર સુધી ખોટી દલીલો અને બહાનાબાજીથી તમે તમારો વિકાસ અટકાવ્યો હોય તો હજી પણ સમય છે. તમે તમારી જાત સાથે જડબાતોડ દલીલો કરી તમારો અભિગમ બદલી શકો છો. આ અંગે હું સુપ્રસિધ્ધ પાર્લામેન્ટરીયન અટલ બિહારી બાજપાઈનો દાખલો આપું છું. અટલજી વિરોધપક્ષમાં બેસતા હતા ત્યારે તેમના ધારદાર વક્તવ્યો માટે જાણીતા હતા. એક દિવસ લોકસભામાં તેમને સરકારની નબળી આંતરિક સુરક્ષા અને આર્થિક નીતિ પર બોલવાનું હતું. વ્યસ્ત અટલજીને હોમવર્ક કરવાનો સમય ન હતો. આથી તેમના આસીસ્ટન્ટોએ તેમને આંકડા તથા દલીલ લખી આપ્યા. અટલજીએ તેમની આગવી છટામાં વક્તવ્ય શરૃ કર્યું. પરંતુ એનાથી તો સામેના પક્ષના લોકો પાટલી થબથબાવા માંડયા. જ્યારે અટલજીની પાર્ટીના મોઢાં છોભીલાં થયાં અટલજીને અણસાર આવી ગયો કે કંઈક બફાય છે. તેમણે પોતાના વક્તવ્યમાં થોડો પોઝ આપ્યો અને સતર્કતાથી બાજી સંભાળી લેતાં કહ્યું. આ બધી સામા પક્ષની બહાનાબાજી છે. તેનો જડબાતોડ જવાબ આ રહ્યો. આમ કરીને સામા પક્ષની દલીલો કેટલી વાહિયાત છે અને ખરેખર સાચું શું છે એવું કહી તેમણે સામેના પક્ષના છક્કા છોડી નાંખ્યાં.

અટલજી જેવી જ સતર્કતા તમે પણ તમારા જીવનમાં રોજબરોજ અજમાવી શકો છો. અત્યાર સુધી તમારી નિષ્ફળતા કે અણઆવડત પર ઢાંક પિછોડો કરવા તમે આતશબાજી કરીને જાતને છેતરતા રહ્યા છો. પરંતુ આનાથી ફાયદો થવાને બદલે તમને નુકસાન થયું છે. એટલે હવે પછી તમારી બહાનાબાજીને સતર્કતાથી જડબાતોડ જવાબ આપી તમારી ‘સેલ્ફ ઈમેજ’ તમારે સુધારી પ્રગતિ કરવાની છે. પરંતુ જેટલી આસાની અને સતર્કતાથી અટલજીએ બાજી પલટાવી તેટલું તમારા કિસ્સામાં કરવું સહેલું ન પણ બને. કારણ તમને અત્યારની પરિસ્થિતિ માફક આવી ગઈ હોય. હવે કોઈ પ્રકારની મહેનત કરવા કરતાં આ જે છે એજ શું ખોટું છે? નાહકનું ટેન્શન વધારવું અને કાયાને કષ્ટ આપવું? બીજું તમને અત્યારની પરાવલંબી પરિસ્થિતિ અનુકૂળ આવી ગઈ હોય તો તમારે શું કરવું કે શું ન કરવું એ બીજું કોઈ નક્કી કરતું હોય તમે નિર્ણય લો એ ખોટો પડે તો તેની જવાબદારી લેવી પડે. એના કરતાં કંઈક ખોટું થાય તો બીજા પર દોષનો ટોપલો નાંખી ચિંતામુક્ત રહી જાતને બિચ્ચારી… લાચાર… નિર્દોષ… અન્યાય સહન કરનાર પુરવાર કરતા રહો અને નફીકરાઈથી સરળ જિંદગી જીવતા રહો.

આ વલણ બાલ્યાવસ્થાનું છે પરંતુ નબળી ‘સેલ્ફ ઇમેજ’વાળી વ્યક્તિ પુખ્ત થયા પછી પણ બાળક જેવા નાના રહી પોતાના જીવનની કોઈ જ જવાબદારી લઈ શકતા નથી કે પછી તેમ કરવાનું ટાળે છે. કારણ આવા લોકો એમ વિચારતા હોય છે કે પોતે નિર્ણય લે અને ખોટા પડે તો શું? એમ વિચારી તેઓ હંમેશાં છટકબારી શોધતા રહે છે અને પલાયનવાદી થઈ જાય છે.


ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com