પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ
હર્ષદ ત્રિવેદી વિવિધ પ્રકારો અને વિષયો પર સતત હાથ અજમાવતા રહ્યા છે. 17 જૂલાઇ 1958ના રોજ ખેરાળી (જિ, સુરેન્દ્રનગર)માં જન્મેલા હર્ષદ ત્રિવેદીનું કાવ્ય ‘જો તમે સાંભરી આવો કોઇ વાર’ પહેલીવાર પ્રકાશિત થયું એ પછી તો તેમણે ‘એક ખાલી નાવ’ (1984) નામે આખો કવિતાસંગ્રહ આપ્યો. આ સંગ્રહને કવિ શ્રી જયંત પાઠક પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તેમણે કેટલાંક કવિતાસંગ્રહો ઉપરાંત વાર્તાસંગ્રહ, નવલકથા, બાળવાર્તા, નિબંધલેખન તેમજ ઘણાં સંપાદનો કર્યા છે. ‘કુમાર’માં લોકગીત આસ્વાદ કરાવતી લેખમાળા ‘કંકુચોખા’ને 2017નો કુમારચંદ્રક પણ મળ્યો છે. તેઓ ઘણા સાહિત્યકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હતા. એ દરેકની તેમના મનમાં કોઈ ને કોઈક રીતે અંકિત થયેલી છબી હતી. આ મનોછબીની આગવી શબ્દછબીમાં રજૂઆત એટલે હર્ષદ ત્રિવેદીનું પુસ્તક ‘સરોવરના સગડ’.
‘સરોવરના સગડ’માં ઉમાશંકર જોશી, કવિ રાજેન્દ્ર શાહ, ઉશનસ, ચંદ્રકાંત બક્ષી, દિલીપ રાણપુરા, વિનોદ ભટ્ટ સહિત કુલ ઓગણીસ સાહિત્યકારોનાં શબ્દચિત્રો છે. આ બધાં સાહિત્યકારોનું લેખકે નજીકથી દર્શન કર્યું છે. કેટલાંક સાથે અંગત ઘરોબો પણ કેળવાયો. આ દરમ્યાન પોતાના ચિત્તમાં ઉપસી આવેલી છબીને તેમણે શબ્દોમાં ઢાળી છે. શબ્દછબી ઉપસાવવા લેખકે આંતરિક ગુણોનાં, તો ક્યાંક બાહ્ય પહેરવેશનાં ઝીણવટભર્યાં વર્ણનનો સહારો લીધો છે. ક્યારેક વ્યક્તિની કથનશૈલી, તો ક્યાંક તેના વિશિષ્ટ ઉચ્ચારણોની વાત કરી છે. કોઇક સ્થળે વિશિષ્ટ કિસ્સા કે અનુભવો, તો ક્યારેક તેમના રહેઠાણનાં કે આસપાસના વર્ણનોની મદદથી લીધી છે.
સ્વજનનું મૃત્યુ હંમેશાં પીડે છે. આ પુસ્તકમાં આલેખન પામેલા કેટલાક સાહિત્યકારોના બુઝાવાને આરે આવેલા યા બુઝાઇ ચૂકેલા જીવનદીપના સાક્ષી બનવાનું લેખકના નસીબમાં આવ્યું છે. આવાં લખાણોમાં લેખકે અનુભવેલી વ્યથા વાચકને પણ સ્પર્શે છે. એ જ રીતે મિત્રભાવે કરેલી મજાક કે મસ્તીના કિસ્સાઓ વાચકને હસાવી જાય છે. આ રીતે ક્રમશ: આગળ વધવાની સાથે જે તે વ્યક્તિની લાક્ષણિકતા પણ ઉજાગર થતી જાય છે. લેખકે નોંધ્યું છે કે તેમણે જે-તે સાહિત્યકારને પોતાની પંચેન્દ્રિયોથી જોયા અને અનુભવ્યા છે અને તેમનાં હૈયાએ જે પ્રતિભાવ આપ્યો તેને આધારે કોઇ રાગદ્વેષથી અંતર જાળવીને જ આ આલેખન કરાયાં છે.
પુસ્તકમાં સમાવાયેલા ઓગણીસે સાહિત્યકારો વિશેનાં લેખન અંગત અનુભવો પર આધારિત હોવાથી શક્ય છે કે કોઇ વાચકને કોઇ સાહિત્યકારના સંપર્કમાં આવવાનું બન્યું હોય અને તેમને જુદો અનુભવ પણ થયો હોય! પરંતુ એવા કિસ્સામાં લેખકે છબી જે ‘ખૂણે’થી ઝીલી છે, એ ખૂણો જે-તે વાચકને નસીબ નહીં થયો હોય એમ કહી શકાય. આ બાબતે ખુદ રતિલાલ બોરીસાગરે ઉપોદ્ઘાતમાં સહર્ષ લખ્યું કે ઓગણીસમાંથી છ સિવાયનાં સહુને તે નજીકથી ઓળખે છે, છતાં લેખકના સગડનો આધાર લઇ જોતાં દરેકને જાણે પહેલી જ વાર મળ્યાનો અનુભવ થતો હતો!
સાહિત્યકારોને નજીકથી જાણવા-માણવાનું નસીબ સૌને પ્રાપ્ત થતું નથી. તેથી ક્યારેક જે તે લેખમાં હર્ષદ ત્રિવેદીએ આપેલા કેટલાંક સંદર્ભો ન સમજાય તે શક્ય છે. પરંતુ, ઉપોદ્ઘાતમાં રતિલાલ બોરીસાગરે વિસ્તૃત વિવરણ આપ્યું છે. આ વિવરણ દ્વારા એક રીતે તેમણે વાચકોની આંગળી પકડીને દોરવાનું શુભ કાર્ય કર્યું છે અને એ કસર પૂરી કરી દીધી છે. ઉપોદ્ઘાતનું લખાણ પુસ્તક માણવામાં ખાસું મદદરૂપ નીવડે છે એ નોંધનીય છે. જે-તે સાહિત્યકાર વિશેનાં વિવિધ લેખોનાં મથાળાં ઘણાં અર્થપૂર્ણ છે.
આ પુસ્તકમાં હર્ષદ ત્રિવેદીની લેખનશૈલીનો બરાબર અંદાજ મળે છે. તેમનાં લખાણમાં અજાણ્યા લાગે તેવાં પણ ઉંડાણવાળા શબ્દો વાંચવાની સાથે કેટલીક અર્થસભર શબ્દરમતો પણ વાંચવા મળી રહે છે. કેટલાંક ઉદાહરણો;
- (મનુભાઇ પંચાળી) મનુદાદા જાણીને છેતરાતા અને છેતરનારાને જાણતા.
- …જો કે ત્યારના નિરીક્ષકમાં અત્યારને મુકાબલે પ્રાવીણ્ય ઓછું અને પ્રામાણ્ય વધુ.
- …પણ, ઇનામોની બાબતમાં કાવ્યબળ કરતાં ઘણી વખત કાળબળ મહત્વનું બની રહેતું હોય છે!
- (રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત બાબતે) બંનેની તાસીર અને કવિતસવીર જુદી.
- (અપરિણીત નિરંજન ભગતના સંદર્ભે) આગ અને રાગ બંનેને એ જાણતા હતા.
લેખકે ઝીલેલી જે-તે સાહિત્યકારની છબી બાબતે સ્વયં કબૂલ્યું છે કે તે આખરી કે સંપૂર્ણ નથી જ. તેમણે સભાનતાથી લખ્યું છે કે ખાસ કરીને સર્જકોની હયાતીમાં લખવા જતાં સામા પક્ષે ન્યાયના અને પોતાના પક્ષે પ્રામાણિકતાના પ્રશ્નો ઊઠે. રતિલાલ બોરીસાગરે પણ તેને તંગ દોરડા પર સમતુલા જાળવીને ચાલવા જેવું અઘરું કાર્ય ગણાવ્યું છે. જો કે તેમણે આલેખનોમાં લેખક ઉત્તીર્ણ થયા હોવાનું સહર્ષ નોંધ્યું છે; એટલું જ નહીં, તેમની સરાહના કરતાં આ આલેખનોને રજનીકુમારનાં ‘ઝબકાર’ શ્રેણી, રઘુવીર ચૌધરીનાં ‘સહરાની ભવ્યતા’ કે વિનોદ ભટ્ટનાં ‘વિનોદની નજરે’ની પંગતમાં બેસે એવાં સક્ષમ ગણાવ્યા છે. આ પુસ્તક વાંચીને એટલું ચોક્કસ કહી શકાય કે લેખક હર્ષદ ત્રિવેદીએ વિવિધ સાહિત્યકારોને પોતાની આંખોથી જોવાની સાથે હૃદયથી અનુભવ્યા છે. આ લાગણીને લેખકે શબ્દોમાં સચોટતાથી વ્યક્ત કરી છે. એટલી સચોટ કે વાચક પોતાની સજ્જતાને અનુરૂપ એ ‘શબ્દછબી’ને ‘મનોછબી’માં પલટો કરાવી શકે! આ તદ્દન સંભવિત છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
સરોવરના સગડ – લેખક: હર્ષદ ત્રિવેદી
પૃષ્ઠસંખ્યા : 231
કિંમત : રૂ. 220
પ્રથમ આવૃત્તિ, 15 જુલાઇ 2018
પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ
મુદ્રણ : યુનિક ઑફસેટ, અમદાવાદ
વિજાણુ સંપર્ક: divinebooksworld@gmail.com
વિજાણુ સરનામું :www.divinepublications.org
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com