પુસ્તક પરિચય

રીટા જાની

આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ વર્ષ. ૨૦૨૨ની વિદાય અને નવલા વર્ષ ૨૦૨૩નું આગમન. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું.
વેબ ગુર્જરી પર મુનશી સાહિત્ય પરની મારી લેખમાળાને આજે બે વર્ષ પૂર્ણ થયા અને તૃતીય વર્ષમાં પ્રવેશ નિમિત્તે મારે વાત કરવી છે મુનશી સાહિત્ય પર મારી લેખનયાત્રાની. જ્યારે દિલનો ઉમંગ અને મનનો તરંગ શબ્દની પાંખે ઉડી સાહિત્ય ગગનમાં વિહરે, ઉરની લાગણીઓના બંધ તૂટે અને કલ્પનાના મેઘધનુષમાં નિખરે વિવિધ રંગો. આ રંગો લેખમાળા સ્વરૂપે પ્રગટ થયા અને આજે એ વિચારયાત્રા અને સાહિત્યની સ્મરણ યાત્રાના પ્રસંગો યાદ કરતાં લાગે છે કે ઉર્મિઓના અવિરત પ્રવાહે સોનામાં સુગંધ ભળી, શબ્દોનો સાથ અને કલમનો ઠાઠ મળી સર્જાઈ મારી શબ્દયાત્રા.
ભર્તૃહરિ નીતિશતકના 24 મા શ્લોકમાં કહે છે :
जयंति ते सुकृतिनो रससिद्धा: कविश्वरा: ।
नास्ति येषां यश: काये जरामरणजं भयं ।।
એટલે કે મહાન કવિઓ, જેમની કૃતિ રસપ્રચૂર હોય તેઓ હંમેશા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. તેમના દેહવિલય બાદ પણ તેમની કીર્તિ અને યશ લોકોનાં મન અને હૃદયમાં કાયમ રહે છે. આ વાત મુનશીજીને પણ એટલી જ લાગુ પડે છે. ભલે તેઓ કવિ નથી પણ રસપ્રચુર સાહિત્યના રચયિતા છે.
આજે ગુજરાતની અસ્મિતા જ્યારે વિશ્વસ્તરે છવાઈ જતી હોય ત્યારે ગુજરાતની અસ્મિતાનું સ્વપ્ન જોનાર સૌ પ્રથમ વ્યક્તિવિશેષ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ભારતીય વિદ્યાભવન એ માત્ર ઈમારત નથી. તેની ઈંટ ઈંટમાં સ્વપ્નદૃષ્ટા મુનશીના મૂર્તરૂપ બનેલા વિચારબીજ છે. આજે મારું પણ એક સ્વપ્ન તેમાં સામેલ છે.
મારા સાહિત્યપ્રેમી સાથીઓ, કેવો સંયોગ રચાયો છે – એને હું અદ્ભુત યોગાનુયોગ કહું કે મુનશીજીની મરજી, મુનશીજી પરના મારા પુસ્તકનું પ્રાગટ્ય તેમના જન્મદિને, તેમની જ સ્થાપેલી સંસ્થા ભારતીય વિદ્યાભવનની ભૂમિ પર તારીખ 30 ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ થયું. આથી વધુ સૌભાગ્યની ક્ષણ કઈ હોઈ શકે? મારા પ્રથમ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં ભારતીય વિદ્યાભવન અમદાવાદના ચેરમેન શ્રી મુકેશ પટેલ, પ્રખ્યાત લોકપ્રિય કવિ શ્રી કૃષ્ણ દવે, લેખક, પત્રકાર, કોલમ રાઈટર અને બીજું ઘણું બધું એવા મારા પરમ મિત્ર શ્રી પ્રદીપ ત્રિવેદી, દેશ વિદેશના સાહિત્યકારો, સર્વે મિત્રો અને પરિવારજનો, વિશેષરૂપે મારા બેંકના સાથીઓ, યોગના સાથીઓ ઉપસ્થિત રહ્યા.
મુનશી ભગવાન કૌટિલ્યની પ્રસ્તાવનામાં ખૂબ સુંદર વાત કરે છે કે તેઓ પાત્રો સર્જતા નથી. પાત્રો પોતે જ બળજબરીથી સર્જાવા માંગે છે. તેઓ તો ફક્ત એ પાત્રના સર્જનના નિમિત્ત બને છે. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું એમ કહું તો એમાં અતિશયોક્તિ નથી. એક વહેલી સવારે બેઠક, કેલિફોર્નિયાના આયોજક પ્રજ્ઞાબેન ફોન પર રણક્યા. તમારા પ્રિય લેખક કોણ? સવાલ અણધાર્યો હતો, પણ જવાબ ખૂબ સહેલો હતો. મિત્રો, તેથી જરા પણ સમય લીધા વગર પ્રજ્ઞાબેનને મારો જવાબ હતો -ઐતિહાસિક નવલકથાના કિંગમેકર, ગુજરાતની અસ્મિતાના ઉદગાતા, અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિખ્યાત અને સમર્થ સર્જક.- કનૈયાલાલ મુનશી -અને ત્યારે 30 /12/ 2019 ના રોજ મુનશી જન્મદિન સમારોહમાં મેં હાજરી આપી.. અને મનોમન નિર્ણય લેવાઈ ગયો. મુનશીના એ શબ્દ વૈભવ, સંસ્કાર વૈભવ ને સંસ્કૃતિ વૈભવની અનુભૂતિ જે મેં કરેલી તેના ઘુંટડાઓનું રસપાન સૌને કરાવી આજના ફાસ્ટ ફોરવર્ડના યુગમાં પણ મુનશીના સાહિત્ય વારસાની ઝલક આજની પેઢીને મળે એમ વિચારી આરંભ થયો મારી લેખમાળાનો- કલમના કસબી : કનૈયાલાલ મુનશી, અને જોતજોતામાં જેના 51 હપ્તા પણ થઈ ગયા. જે પહેલા બેઠક પર પ્રકાશિત થઈ અને હાલમાં વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ રહી છે જે હવે પુસ્તક રૂપે પ્રકાશિત થઇ.
મુનશીના ખ્યાતનામ પુસ્તકોનો રસાસ્વાદ એટલે બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન. ઇતિહાસ, પુરાણ અને પૌરાણિક વાતો સાથે વર્તમાનને સાંકળી લઇ ઇતિહાસને જીવંત કરવાનો કસબ એ મુનશીની વિશેષતા છે. મુનશીએ ભૂતકાળમાંથી જીવંત ઇતિહાસના પ્રસંગો લીધા, વર્તમાન સમયને અનુરૂપ રસપ્રચુર ઢાળ્યા અને ભવિષ્યની પેઢી માટે સંસ્કૃતિવારસાનું સર્જન કર્યું. પણ મારે આપ સૌ સાહિત્ય રસિકો સાથે એ ક્ષણોની વાત કરવી છે જેને પ્રસ્તુત કરતા મેં અનુભવેલ હર્ષ અને રોમાંચ આજે તમારા સુધી પહોંચે.
 સાહિત્યના અદ્ભુત સર્જક, કલમના કસબી, શબ્દના શિલ્પી, ગુજરાતની અસ્મિતાના આરાધક એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી મારા પ્રિય લેખક. શાળા જીવન દરમિયાન તેમને એક નહિ પણ અનેક વખત વાંચતી. પણ આજે ફરીને એક નવી નજરે મુનશીને વાંચવાનું શરૂ કર્યું. એ ઉંમરે એક વાચક તરીકે વાંચવું અને આ ઉંમરે એક લેખક તરીકે વાંચવું તેમાં જમીન આસમાનનો ફેર છે. આજે જ્યારે હું મુનશી વિશે લખું તો હવે એક એવી દ્રષ્ટિ છે કે વાચકને શું ગમશે, આજના સમયમાં વાચકોની અપેક્ષા શું છે સાહિત્ય પાસેથી, એવી કઈ વાતો છે જે વર્તમાન સમયમાં પણ પ્રસ્તુત છે, એવી કેટલીક જાણી અજાણી વાતોને ઉજાગર કરવી જે આ સાહિત્યના લેખનનો ભાગ હોય. લેખક વિશેની એવી માહિતી જેમાં વાચકને પણ રસ પડે. માટે જ આ પુસ્તકમાં વાચકને મુનશીજીના સર્જનના તમામ સાહિત્ય પ્રકારો – ઐતિહાસિક નવલકથા, પૌરાણિક ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા, નવલિકા, નાટક, આત્મકથા – તમામની ઝાંખી મળી રહેશે.
એક ઝરણાને જેમ માર્ગ મળી જાય વહેવાનો તેમ મને પણ મારી અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે જેના માટે વિશેષ જરૂરિયાત છે ફક્ત આત્મચિંતન અને આત્મ મંથનની. ક્યારેક એવું બને કે મહાસાગર પાર કરવાની ક્ષમતા હોય અને એવામાં કોઈ નૌકા દેખાય અને થાય કે બસ હવે પાર ઉતરવું કોઈ મોટી વાત નથી. પણ ઝંખના અને ઉત્સાહને પણ જરૂર હોય છે કોઈ અનુભવી સુકાનીની. લેખક અને વાચક વચ્ચે એક અદ્રશ્ય કડી હોય છે તેનું જોડાણ લેખક માટે આનંદનો વિષય છે.

મારી લેખમાળાના તમામ વાચકોનો તેમના પ્રેમ, પ્રોત્સાહન અને પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. મુનશીના સર્જનો પરનું આ અભ્યાસપૂર્ણ પુસ્તક સાહિત્યરસિકોને અને અભ્યાસુઓને ઉપયોગી થઈ પડશે એવી આશા. ફરી મળીશું અદ્ભુત રંગોના આસમાનમાં મોરપિચ્છની કલમને સાહિત્યમાં ઝબોળીને… ફરી કોઈ નવી રસ ગાથા સાથે…


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com