યુવા ડોક્ટર શોમ ભારત જઈ વૈદ્ય ભાણજી પાસે આયુર્વેદનું જ્ઞાન લઈ…એલોપથી સારવારના સમન્વયની શોધ કરવાના પ્રયત્નમાં છે.

જોષી પરિવારની ખુશી માટે ભારતીય કન્યા સાથે લગ્ન કરી પાછા હ્યુસ્ટન પાછા ફરે છે.

પ્રકરણ ૧થી આગળ વાંચો…

સરયૂ પરીખ

શોમ તેના માતા-પિતા સાથે હ્યુસ્ટન પાછો ફર્યો. શોમ અને માયાનાં ઘડિયા લગ્ન લેવાયા પણ ખાસ કોઈ લાગણીનાં બંધનમાં અટવાયા સિવાય, બંને પોત-પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયાં.

શોમ તેના મિત્રોને ઉત્સાહપૂર્વક પોતાની ભારતની મુલાકાતની વાતો કરતો હતો. મિત્ર સ્ટિવન બોલ્યો, “તારા લગ્ન થઈ ગયા, તું બહુ ખુશ હશે!”

“હાં, ઘરમાં બધા ખુશ છે. પણ સાંભળ, એકદમ ઉમંગની વાત તને કરવાની છે. હું ગોઆ જઈને વૈદ્ય ભાણજીને મળ્યો. આશા છે કે આપણને તેમના તરફથી સહકાર મળશે. શક્ય છે કે આપણી કેન્સર રિસર્ચ માટે આયુર્વેદ નિષ્ણાતોને અહીં મોકલશે. આપણે મેનેજમેન્ટ પાસેથી ડોલરની વ્યવસ્થા કરવાની છે.”

સ્ટિવન તેના મિત્ર શોમનો એકલક્ષી ઉત્સાહ જોઈ રહ્યો.

શોમનું પોતાના એપાર્ટમેન્ટ મેડિકલ સેન્ટર નજીક હતું. દર રવિવારે મમ્મીના હાથની રસોઈ અને પિતા સાથે શાસ્ત્રીય સંગીત સાંભળવા ઘેર જવાનો શિરસ્તો રાખ્યો હતો જે શોમ ક્યારેક જ ચૂકતો.

થોડા મહિનાઓમાં માયાને અમેરિકાનું ગ્રીનકાર્ડ વિઝા મળી ગયો અને આવવાની તારીખ નક્કી થઈ ગઈ. એ દરમ્યાન, નીનાને બાળક-જન્મનો સમય હોવાથી માયાનાં આગમનને દિવસે માહી કેલિફોર્નિયામાં હતી. માહીની સૂચનાઓ શોમ સાંભળતો અને ‘હા’ અને ‘અહમ’ વચ્ચે કેટલી અમલમાં મૂકશે તેની આશંકા હતી. તેનું ધ્યાન ફરીને પોતાના કામ તરફ ક્યારે દોડી જતું એ કહેવું મુશ્કેલ હતું.

શોમ લગ્નની વીંટી આંગળી પર ચડાવી, બને તેટલા આનંદિત દેખાવ સાથે માયાને એરપોર્ટથી ઘરે લઈ આવ્યો. રમેશ હોસ્પિટલથી ઘરે આવી ગયા હતા.

“બેટા માયા, તમારા ઘરે બધા કેમ છે?” અને ત્યારબાદ દાદાજીની તબિયત અને બીજા સમાચારોની

વાતચીત થઈ ગઈ.

“માયા પહોંચી ગઈ છે તેનો ફોન કરી દઉં. તારા માતા-પિતાને ફોન કરવો છે ને?”

“ના, તમે અંકલને કહી દો કે ત્યાં જણાવી દે.” માયાનો જવાબ જરા વિચિત્ર લાગ્યો.

કેલિફોર્નિયામાં માહી સાથે વાતો કરી, અને નક્કી થયું કે એ ત્રણે જણા ચાર દિવસ પછી કેલિફોર્નિયા બેબીને જોવા અને નીનાને મળવા જશે. માહીએ બનાવેલી રસોઈ, ફ્રિજમાંથી કાઢી, ગરમ કરીને ત્રણે જણા મજેથી જમ્યા.… ‘બીજા દિવસે વહેલા ક્લિનીક પર જવાનું છે’ કહી, રમેશ તેમના રૂમમાં જતા રહ્યા.

શોમ માયાની બેગ લઈ પોતાના રૂમ તરફ જવા જતો હતો, ત્યાં તેને માયાના અવાજે અટકાવ્યો.
“હું આજે થાકેલી છું, તો તમને વાંધો ન હોય તો ગેસ્ટ-રૂમમાં રહીશ.”

આ બીજું આશ્ચર્ય…”ઓહ, ભલે,” અને શોમ તેને ગેસ્ટ-રૂમમાં લઈ ગયો. શોમ રાતના વિચાર કરતો રહ્યો કે માયાને અજાણ્યું ન લાગે તેના માટે બધો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની જવાબદારીને કેવી રીતે અદા કરવી તેની યોજનાઓ કરી.

બીજે દિવસે સવારે રમેશ કામ પર જવા દરવાજો ખોલતો હતો ત્યાં માયા બહાર આવી અને રમેશ પાસે જઈને પગે લાગી, “અંકલ, આભાર.”

રમેશ કહે, “અરે, આવી કોઈ ઔપચારિકતાની જરૂર નથી …સાંજે મળીએ.”

શોમ ચા બનાવીને લઈ આવ્યો અને ટેબલ પર મૂકી. માયા સંકોચ સાથે બેઠી. દિવાલ પરના ટેલિફોન તરફ ફરી ફરીને જોયા કરતી હતી. જેવો ફોન રણક્યો કે એકદમ ઊભી થઈ ગઈ અને “હું લઈ શકું?” પૂછી, જવાબ મળતા પહેલા ઊંચકી લીધો.

“હા, ભલે…” કહીને માયાએ ફોન મૂકી દીધો.

માયા પાછી આવીને બેઠી, અને શોમની પ્રશ્નાર્થ ભરી નજર સાથે નજર મેળવ્યા વગર બોલી, “કેવી રીતે કહું એ ખબર નથી પડતી, પણ મેં તમારી સાથે લગ્ન… અમેરિકા આવવા માટે કર્યા હતા. મારા પ્રેમલગ્ન ભાસ્કર સાથે થઈ ગયા છે…ગયા વર્ષે. તે કાકાના આધારે અમેરિકા આવી ગયો. પણ તેના કાકા મને સ્પોન્સર કરે તેવી શક્યતા નહોતી. મારા માટે અહીં આવવાનો આ રસ્તો તમે ખોલી આપ્યો. માફ કરજો.” અવાજમાં કંપારી વધી…”મારા માતા-પિતાને આ વાતની ખબર નહોતી… ગઈકાલે મેં મુંબઈ એરપોર્ટથી તેમને કાગળ પોસ્ટ કર્યો હતો.”

માયા એક શ્વાસે બોલી ગઈ. શોમ અવાચક થઈ ગયો. આશ્ચર્યથી તેની આંખો મટકું મારવાનું ભૂલી ગઈ…

કળ વળતા શોમ બોલ્યો, “ઓહ! આ તો અમારા ભોળપણ અને વિશ્વાસની મજાક ઉડાડવાની યોજના હતી? છટ્! તમે તો ગજબના ઠગારા નીકળ્યાં.” અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.

માયા ભયથી ધ્રુજી ઊઠી, “જુઓ, ભાસ્કર હમણાં જ આવી પહોંચશે.”

એ સાંભળી શોમ વ્યંગમાં હસ્યો, “તો તમે એમ માનો છો કે હું તમને જબરજસ્તી અહીં રોકવા પ્રયત્ન કરીશ?… આવી વ્યક્તિ સાથે મારે એક પળ પણ નથી ગાળવી. મને થતું હતું કે કેમ મને આ કહેવાતી પત્ની માટે કોઈ લાગણી નથી થતી? આજે ખબર પડી.” શોમ ખુરસીને ધક્કો મારી ઊભો થઈ ગયો.

શોમે આંગળી પરથી વીંટી ઉતારી ટેબલ પર પટકી. માયા કાંપતા અવાજે બોલી, “આપણા ડિવોર્સના કાગળિયા મુંબઈથી આવશે, મહેરબાની કરી સહી કરી દેશો.”

“જરૂર…આ સામે બારણું છે, ચાલતી પકડો.” કહીને શોમ પાછલું બારણું ખોલી પુલ પાસે જઈને બેઠો. થોડી વારમાં બેગોના ખસવાનો અવાજ અને પછી કારની ઘઘરાટી…શોમના મનને ડામાડોળ કરીને નીરવ થઈ ગઈ. એ સન્નાટામાં શોમને પોતાના મસ્તિષ્કની નસનાં ધબકારા સંભળાયા…’મારી મા કેટલી ખુશ હતી! અને દાદા-દાદી…પરિવારમાં બધાને હું શું કહીશ? મને જ કેમ આવું થાય છે! શું મારા માથા પર ‘મૂર્ખ’ છપાયેલું છે?’ તેને પોતાના કરતાં વધારે ચિંતા હતી તેના વડીલોની…કાંટો વાગ્યો તેના ઋજુ રુહમાં ને વેદના  ઉભરશે સ્વજનોના ઉરમાં!!!

ગુસ્સાથી બળતા ચિત્તને શાંત કરવા શોમે શર્ટ-પેન્ટ ફેંકી દઈ સ્વિમિંગ પુલમાં ઝંપલાવ્યું. કેટલો સમય તરતો રહ્યો એ ભાન નહોતું. થાકીને વિવશ થઇ ગયો ત્યારે પરાણે બહાર આવી તેના પ્રિય ઓકના ઝાડ નીચે આરામ-ખુરશીમાં અઢેલીને ઊંઘી ગયો. એકાદ કલાકમાં શોમની નીંદર ખુલી અને ‘શું મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું?’ પણ ના, તે હકીકત છે! એવા વિચાર સાથે દિલમાં ડંખ વાગ્યો.

સૂમસાન ઘરમાં દાખલ થયો અને કપડાં બદલી તેણે ફોન જોડ્યો, “ડેડી, તમે જલ્દી ઘેર આવશો?”

“કેમ દીકરા, તારો અવાજ કેમ બરાબર સંભળાતો નથી? તું અને માયા ઠીક છો ને?”

“હાં…” શોમ આગળ કશું બોલી શક્યો નહીં. ડો.રમેશને લાગ્યું કે શોમે કોઈ દિવસ તેને આ રીતે ‘જલ્દી ઘેર આવો’ તેમ કહ્યું નથી. કોઈ ગંભીર વાત હોવી જોઈએ તેમ સમજીને કહ્યું,

“હું દરદીઓને જોઈને લંચ પહેલા આવી જઈશ”

શોમ ઠંડુ પાણી લેવા ગયો અને ટેબલ પર વીંટી, દાદીએ આપેલ ચેઇન, બંગડી વગેરેની ઢગલી પડેલી જોઈ નફરતથી નજર ફેરવી લીધી. વ્યવસ્થિત રીતે ગોઠવેલા, શોમના ખાસ મિત્રો, પુસ્તકોની તરફ અનાયાસ ખેંચાયો. વર્ષો પહેલાં પિતાએ ભેટ આપેલ પુસ્તક જે. કૃષ્ણમૂર્તિનું પુસ્તક હાથમાં લઈ ઉદાસિનતાથી પાનાં ફેરવવા લાગ્યો. એક વાક્ય પર નજર અટકી ગઈ…”જેને આપણે સત્ય, ઇશ્વર કે તથ્ય તરીકે જાણીએ છીએ તે સનાતન છે. તેને પરિસ્થિતિ, વિચાર કે માનવ છલ-કપટ, વિક્ષિપ્ત ન કરી શકે.”

આગળ વધારે વાંચતો ગયો અને આવી પરિસ્થિતિ સર્જાવા વિષે તેના મનમાં પ્રકાશ પડ્યો…’અશ્રદ્ધા અને ભય’. દાદા-દાદી નિરાશ થશે તો! બીજી ઉમેદવાર નહીં મળે તો! આવા નિર્બળ વિચારો સાથે લગ્ન કર્યા. જે કાર્ય પાછળ સ્વાર્થી હેતુ હોય તેનું પરિણામ આવું આવે ત્યારે આશ્ચર્ય કેમ? … શોમ આત્મનિરીક્ષણ કરવા મજબૂર થઈ ગયો. પુસ્તક અને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયો.

ગરાજડોર ખૂલવાના અવાજથી શોમ જાગૃત થઈ ગયો અને રમેશ ઘરમાં દાખલ થતાં જ શોમ પિતાને લાગણીવશ ભેટ્યો. રમેશે આજુબાજુ માયાને શોધવા નજર નાખીને સવાલ પૂછ્યો, “શું થયું?” માયાની કપટી યોજના વિશે સાંભળીને જાણે તેમને તમ્મર આવી ગયા. આશ્ચર્ય અને ન માની શકાય તેવી ઘટના ઘટી હતી. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયેલ સમજદાર પિતાને પણ કળ વળતા જરા વાર લાગી. પિતા પુત્ર એ વિષય પર થોડી વાતચીત કરી. કલાકો પહેલાની શોમની મનઃસ્થિતિથી તે ઘણો ઉપર હતો. શોમે પ્રામાણિકતાપૂર્વક પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો.

ત્યાં જ ફોનની ઘંટડી વાગી અને માહીએ અતિ ઉત્સાહથી જણાવ્યું, “હલો, નાનાજી, પૌત્રને આવકારવા અહીં આવી જાવ. નીના અને બેબી બરાબર છે.”

“અભિનંદન…માહી! નીનાને વ્હાલ કહેજે.” પછી અટકીને બોલ્યા, “અને તું જ આ ખુશખબર ભારતમાં આપી દઈશ?”

“ઓકે. તમને ત્રણેને જલ્દી મળીએ! આવજો.”

શોમે પોતાના અંગત મિત્રોને હકીકત જણાવી પણ નીનાના બાળકની ખુશખબરની ઓઢણી તળે માયાના કુરૂપ સમાચાર ઢંકાઈ રહ્યા.

નીનાને ઘરે જતાં પહેલાં શોમે ફોન પર રૉકીને વાત ખાનગી રાખવાનું કહી, માયા વિષે જણાવી દીધું હતું. નીનાના ઘરની ઘંટડી રમેશે વગાડી. માહી સિલ્કની સાડીમાં સજ્જ, મોટો ચાંદલો અને પ્રફુલ્લિત ચહેરા સાથે બારણું ખોલી બોલી. “રમેશ, તમે અંદર આવી જાવ. હમણાં રૉકી અને તેના મમ્મી, હોસ્પિટલથી નીના અને બેબીને લઈને આવશે તે પહેલા, વર-વધૂનું સ્વાગત કરું.”

ડોક લંબાવી, ઉમંગભર્યા અવાજે બોલી, “શોમ! માયાને લઈને આવ, સ્વાગતની થાળી તૈયાર છે.”

શોમ સૂટકેસ ખેંચતો આવીને, જરા નમન કરીને, અંદરના રૂમમાં જવા લાગ્યો.

“અરે, આમ કેમ અંદર જતો રહ્યો?” માહીએ આશ્ચર્યથી રમેશને પૂછ્યું. “માયા ક્યાં?”

“તું અહીં બેસ. તારી સાથે વાત કરવાની છે.” રમેશે બારણું બંધ કર્યું.

માહીને માટે આ સમાચાર સહન કરવા ઘણા અઘરા હતા. હોસ્પિટલથી આવતી વખતે રૉકીએ માયાની લુચ્ચાઈ વિશે નીનાને જણાવ્યું. પ્રયત્નપૂર્વક, દિલ કઠણ કરીને નીના ઘરે આવતા પહેલાં સ્વસ્થ થઈ ગઈ. રૉકીની કારનો અવાજ સંભળાતા જ પોતાની વહાલી બહેન અને ભાણજાને આવકારવા શોમ દોડ્યો અને તેની પાછળ તેના માતા-પિતા.

પોતાના નાના ભાઈને દૂભવવા માટે માયા તરફનો નીનાનો ગુસ્સો અમાપ હતો. જેવા તેની સાસુ બેબીને લઈને અંદર ગયા, તે રડમસ ચહેરે શોમને ભેટી પડી.

“મને એટલું ખરાબ લાગે છે. એ માયા છોકરીની સામે કાનૂની પગલાં લેવા જોઈએ. મારી સામે આવી હોત તો સીધી કરી દેત.” નીના ઉગ્ર થઈને બોલતી હતી. શોમે તેને સોફામા બેસાડી વ્હાલથી ખભે હાથ મૂકીને બોલ્યો, “ઓ મારી પ્યારી ગુસ્સાભરી બહેના…શાંત થઈ જા. જો હું દુઃખી લાગું છું?”

માહીની આંખો આંસુથી છલકાઈ ગઈ. તે પણ નીનાની જેમ જ વિચારતી હતી.

રૉકી કહે, “માયાએ ગઝબનું પગલું ભર્યું કહેવાય! તેના પક્ષમાં એક જ વસ્તુ અગત્યની બની રહી કે, શોમ એક સજ્જન વ્યક્તિ છે. નહીંતર તેની દશા બહુ કફોડી થઈ જાત!”

રમેશ કહે, “સો વાતની એક વાત, આપણા મનની શાંતિ માટે શું જરૂરી છે?…અને જીવનમાં તે મુજબ જ આપણું વર્તન રાખશું. શોમનું લક્ષ ઘણું ઊંચું છે, તે એની શક્તિ આવા પ્રસંગો પર વેડફશે નહીં.”

કબીરા આપ ઠગાઈએ, ઓર ન ઠગીએ કોઈ,
આપ ઠગે સુખ ઉપજે, ઓર ઠગે  દુઃખ હોઈ.


—— ક્રમશઃ પ્રકરણ ૩ 


Rangoli by Ila Mehta
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com