વ્યંગ્ય કવન

રમેશ પારેખ 

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો

ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને કાંવ… કાંવ… કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
You.. stop… stop… stop… now કાગડો મરી ગયો

રમેશ પારેખની આ રચના ખાસી પ્રસિદ્ધ થઈ છે. પહેલી નજરે એ સામાન્ય સ્તરની લાગે પણ બીજી નજરે જોતાં જ એમાં કવિની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો. મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય. એનો કાળો રંગ, કર્કશ અવાજ અને જમાત જમાવીને મડદાં ચૂંથવાની વૃત્તિને કારણે કાગડો આપણે ત્યાં હંમેશા અપ્રિય પક્ષી જ બની રહ્યો છે. પણ રમેશ પારેખે એ આ ગઝલમાં કાગડાની વાત જ કરી નથી. અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે…

સૌજન્ય : લયસ્તરો