પ્રાસ્તાવિક
શ્રીમતી સરયૂ દિલીપ પરીખ, ઓસ્ટિન, ટેક્સાસમાં રહે છે. ભાવનગરથી વાર

સામાં મળેલ સાહિત્યને અમેરિકામાં પચાસ વર્ષ રહ્યા પછી પણ, શુદ્ધ ગુજરાતીમાં સર્જી રહ્યાં છે. તેમણે છ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ગુજરાતી અને અંગ્રેજીમાં સત્યકથાઓ, કાવ્યો. તેમણે બે નવલકથા અંગ્રેજીમાં, ‘Moist Petals’ ‘Flutter of wings’ પ્રકાશિત કરી છે.
સરયૂ પરીખના કાવ્યો આધ્યાત્મિક અને ગહન વિચારો સાથે સ્નેહરસ ભર્યા હોય છે.
ઊર્મિલ સંચાર, સરયૂ પરીખની પોતાની અંગ્રેજી નવલકથા, Flutter of Wingsની કથાવસ્તુ પર આધારિત છે. ઓગણીસો એસીમાં મુંબઈથી જોષી પરિવારના હ્યુસ્ટન આવીને વસેલાં માતા-પિતાના મેધાવી પુત્ર સોમની જીવનસફર. સોમ ભારતીય અને અમેરિકન સંસ્કૃતિનો કઈ રીતે સફળ સમન્વય કરે છે તે જાણીએ. સરળ, મધુર અને મનપ્રસન્ન વાર્તાના ૧૧ પ્રકરણની રજુઆત…
જાન્યુઆરી ૨૦૨૩થી દર બીજા અને ચોથા રવિવારે એક એક પ્રકરણના હિસાબે આ નવલિકા વેબ ગુર્જરી પર પ્રકાશિત કરીશું.
ઊર્મિલ સંચાર
આવી એક ચિઠ્ઠી, મેં મોતીએ વધાવી, લીટીનાં લખાણે મેં આરસી મઢાવી.
જત કાગળ લઈ લખવાને બેઠી, મારી યાદોને અક્ષરમાં ગોઠવી.
આજ અવનીને સાગરની રાહ, લહેર આવે, આવે ને ફરી જાય.
રૂપ ચાંદનીને આમંત્રી બેઠી, મારી યાદોને રેતીમાં ગોઠવી.
મારી ધડકનને પગરવની જાણ, નહીં ઉથાપે એ મીઠેરી આણ.
કૂંણા કાળજામાં હઠ લઈને બેઠી, મારી યાદોને નયણોમાં ગોઠવી.
સૂના સરવરમાં ઊર્મિલ સંચાર, કાંઠે કેસૂડાનો ટીખળી અણસાર.
ખર્યાં ફૂલોને લઈને હું બેઠી, મારી યાદોને વેણીમાં ગોઠવી.
મારા કેશ તારા હાથની કુમાશ, ઝીણી આછેરી ટીલડીની આશ.
શુભ સ્વસ્તિક ને કંકુ લઈ બેઠી, મારી યાદોને આરતીમાં ગોઠવી.
——– સરયૂ પરીખ
પ્રકરણ ૧. ભારતની સફર
સરયૂ પરીખ

શોમ અને તેના માતા-પિતા હ્યુસ્ટન પાછા ફરી રહ્યાં હતાં. Yellowstone National Park, Wyomingમાં એક સપ્તાહની રજાઓ પછી શોમનો ભણવાનો થાક ઉતરી ગયો લાગતો હતો. એ ઉન્નત શિખરો, દરિયા જેવા દેખાતા તળાવ અને ધરતીમાંથી ફૂટતા ઊનાં પરપોટા…! કુદરતની ભવ્યતા શોમની વિચારધારા બદલી ગયા. વિમાનની સફર દરમ્યાન મોકાનો સમય જોઈ માહીએ વાત છેડી…
“જો બેટા શોમ, તું ડોક્ટર તો થઈ ગયો. આગળ ભણવું છે તે બરાબર, પરંતુ લગ્ન વિશે વિચાર કરવાનો સમય આવી ગયો છે.”
“મોમ! હજુ તો હું છવ્વીસનો જ છું.” શોમ હસીને બોલ્યો.
“તારે આ દેશમાં કોઈ કન્યામાં રસ હોય તો કહે, નહીંતર ભારત જઈને પસંદ કરી શકાય.” ડોક્ટર પિતા રમેશે સ્નેહપૂર્વક કહ્યું. “ચોઈસ મેરેજ સફળ થઈ શકે છે.”
માહી અને ડો.રમેશ જોષી ભલે દૂર આવ્યા પણ દેશનું સ્નેહબંધન મજબૂત હતું. શોમનો જન્મ અમેરિકામાં થયો તો પણ ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતનો લગાવ હતો. શોમથી ત્રણ વર્ષ મોટી બહેન નીના, જે કેલિફોર્નિયામાં હતી, તે કહેતી, ‘ના…રે મને તો મુંબઈમાં મૂંઝારો થાય.’ અને ભારત જવાનું ટાળતી.
“નીનાનાં લગ્ન તો રૉકી સાથે થઈ ગયાં અને આપણને નાના-નાની પણ બનાવી દેશે.” રમેશ વિચાર કરતા બોલ્યા. “…પણ ભારતમાં લગ્ન કરવામાં કદાચ સરળતા ન લાગે. હજી ઘણા લોકો, વ્યક્તિ કરતા નાતજાતને વધુ મહત્વ આપે છે.” એર હોસ્ટેસ સફેદ નેપકિન પાથરી અને લાલ ગુલાબ મૂકી ગઈ. એ સાથે જાણે કોઈ ચિત્ર દોરાયું અને માહી આંખ બંધ કરી ભૂતકાળમાં જોઈ રહી.
એ યુવાનીના દિવસો…મુંબઈમાં રમેશ, ડોક્ટરની ડિગ્રી મેળવ્યા પછી એક સંસ્થામાં સાંજે સેવા આપવા જતા. Social worker માહી, એક દર્દી સાથે ત્યાં આવી. માહીનો ચહેરો પરિચિત લાગ્યો તેથી રમેશ તેની સાથે વાત કરવા ઉત્સુક હતા અને તક મળતાં જ તેણે પૂછી લીધું હતું,
“નમસ્તે. તમારા નામનો ખ્યાલ નથી, પણ હું જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે તમે પહેલા વર્ષમાં ભણતા હતા? વાળમાં લાલ ગુલાબ જોઈ યાદ આવ્યું…”
“હાં, મારું નામ માહી…તમારું નામ રમેશ, મને ખ્યાલ છે.” કહેતાં માહીનો ચહેરો ગુલાબી થઈ ગયો હતો. પછી તો સેવા સંસ્થામાં મળવાનું અને સાથે કામ કરવાનું આકર્ષણ અબાધ્ય થઈ ગયું. પ્રેમના માર્ગમાં મોટી બાધા હતી કે, માહી મુસલમાન હતી. રમેશના પરિવારમાં ચુસ્ત હિંદુ ધર્મનું પાલન થતું. રમેશ-માહીના અડગ નિર્ણય સાથે બન્નેના પરિવારે કચવાતા મનથી સંમતિ આપી હતી. રમેશના માતાએ વહુને આવકારી હતી, પણ તેના હાથનું પાણી કે ભોજન લેવાનું ટાળતાં. હા, એ ચોખવટ કરેલી કે ભગવાનના મંદિરમાં માહીને નહીં અડવાનું…જાણે ભગવાનને રક્ષણની જરૂર હોય!
સમય સાથે, માહીના માન અને પ્રેમભર્યા વર્તનથી પરિવારને જીતવામાં પક્ષીય સફળતા મળી હતી. લગ્ન પછી એકાદ વર્ષમાં રમેશને હ્યુસ્ટન મેડિકલ સેન્ટરમાં નોકરી મળતા, ૧૯૬૫માં રમેશ અને માહી અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા. પુત્રી નીના અને પુત્ર શોમના જન્મ પછી જોષી પરિવારમાં માહી માટે પરાયાપણાની રેખા અદ્રશ્ય તો નહીં… પણ આછી થઈ હતી.
વિમાન હ્યુસ્ટનથી નજીક આવી રહ્યું હતું. અંતે શોમે પોતાનો નિર્ણય જણાવ્યો. “ભલે. હું arranged marriage, અથવા તમે કહો છો તેમ choice-marriageને તક આપીશ. પણ એક શરત, આપણે ભારત જઈએ ત્યારે દસ દિવસ મારે વૈદ્ય ભાણજીના આયુર્વેદ-આશ્રમમાં ગોઆ જવું છે. મારે કેન્સર રીસર્ચમાં તેમના આયુર્વેદિક જ્ઞાનનું માર્ગદર્શન લેવાનું છે.”
“મંજૂર,” રમેશ અને માહી આનંદથી બોલી ઊઠ્યાં અને યોજનાઓ શરૂ થઈ ગઈ.
શોમને હ્યુસ્ટનમાં કેન્સર રિસર્ચ માટે ફેલોશીપ મળી હતી. તેની પાસે આયુર્વેદ અને એલોપથી અને એકત્ર કરી કેન્સરના દર્દીઓને સાજા કરવાનો વિશિષ્ટ પ્રોજેક્ટ હતો. શોમ જેવા તેજસ્વી ડોક્ટરને મેળવવા માટે હોસ્પિટલ વ્યવસ્થાપકો ગૌરવ લેતા અને તેના કામને ઘણી સગવડતાઓ આપવામાં આવતી. કામ શરૂ કરતા પહેલા, ભારતની
સફર તેના પ્રોજેક્ટ માટે પણ આવશ્યક હતી.
ભારતની ઘણી મુલાકાતો પછી આ વખતની મુલાકાત વિશેષ અગત્યની હતી…દાદાજીની તબિયત અને શોમના લગ્ન. મુંબઈ આવીને શોમનું અગત્યનું કામ દાદાજી સાથે સમય ગાળવાનું હતું. રાષ્ટ્રકવિ તરીકે સન્માનિત જાજરમાન વ્યક્તિત્વવાળા દાદાનો શોમ ખૂબ લાડકો પૌત્ર હતો.
“દાદાજી! મને એ દિવસ એકદમ સ્પષ્ટ યાદ છે…તમે મંચ પર હતા અને તમારું રાષ્ટ્રકવિ તરીકે સન્માન હતું. મમ્મીએ કહ્યું હતું કે તમે વક્તવ્યની શરૂઆતમાં ભવિષ્યની આશાસ્પદ પેઢી વિષે કોઈ કવિતા બોલ્યા હતા, જે મને સમજાઈ નહોતી. ત્યારબાદ તમે મારી સામે જોઈને કહ્યું કે ‘આ માન સ્વીકારવામાં મને મદદ કરવા હું મારા પાંચ વર્ષના પૌત્ર, શોમને બોલાવું’ અને હું મમ્મીનો હાથ છોડાવી દોડતો મંચ પર આવીને તમને વળગી પડ્યો હતો. કેવો અત્યંત ખુશખુશાલ માહોલ હતો?” દાદાજીની અનુભવ રેખાઓ પર હાસ્ય ઝળકતું હતું. પૌત્ર સામે અમિદ્રષ્ટિથી જોઈ રહ્યા…
પેઢી દર પેઢીનું પુણ્ય કામ,
આજે આ પૌત્રમાં પ્રકાશમાન.
ઉગતા અરુણ શો દૈદિપ્યમાન,
શીતળતા સ્નેહ ચાંદની સમાન.
દાદાજીની નેવું વર્ષની ઉંમરના હિસાબે આરોગ્ય ઠીક હતું. દાદા-દાદીને પૌત્ર શોમના લગ્ન જોવાની પ્રબળ ઇચ્છા હતી. તરત હિંદુ કન્યાઓને મળવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. છોકરીઓ જોવા જવાનો અનુભવ શોમને બહુ જ વિચિત્ર લાગતો હતો. શોમને કોઈ સાથે મેળ પડતો લાગ્યો નહીં. ઉમેદવારની મુસલમાન માતા…, એમ સાંભળીને અમુક લોકો તો આ દેખાવડા અને મેધાવી ડોક્ટરનો પરિચય પણ કરવા માંગતા નહોતા. આમ જ દસ દિવસ નીકળી ગયા. પરિવારમાં વડીલો નિરાશ થઈ રહ્યાં હતાં. આ તરફ માહીનું કુટુંબ અકળાતું હતું, “આ તે કેવું? આપણે આપણા નાતી માટે મુસ્લિમ છોકરીનું સૂચન પણ ન કરી શકીએ!”
એક સાંજે બધા ટોળે વળીને બેઠાં હતાં. શોમે પૂછ્યું, “દાદી તમારાં ને દાદાના લગ્ન કેવી રીતે થયા હતા?” દાદી જરા શરમાઈને હસુ હસુ થતાં બોલ્યાં. “અરે ધમાલ થઈ હતી. મને પરણવા શહેરથી છોકરો આયેલો. એકબીજાને જોયા નોતા. એ કહે કન્યાને જોયા વગર હું નહીં પરણું. મારા બાપા તો ગભરાયા પણ હું તો બનીઠનીને મળવા ગઈ. એ તો મને જોઈને ઘેલો થઈ ગ્યો. પણ હું તો ઉતારેથી ઘેર આવીને હઠ લઈને બેઠી કે આ શહેરી મને જરાય ગમતો નથી, એને નહીં પરણું. મારી મા કહે કે આ છોરીને કોણ પરણશે? એવામાં ગોર મહારાજને મદદ કરવા આવેલો છોકરો બોલ્યો…
“કે હું આને પરણીશ.” દાદાજીએ વચ્ચે ટહૂકો કર્યો અને બધા હસી પડ્યા.
“ઓહો, દાદી, આજ હું નવું શીખી, પોતાનું ધાર્યું કેમ કરાય.” પૌત્રી બોલી.
“અરે! જોજે એવું કંઈ શીખતી!!! મીઠડી! હવે તો સુવા જા…” અને બધા મલકાતાં વિખરાયા. શોમ ગોઆ જવાનો હતો એ દિવસે એક પડોશીનો ફોન આવ્યો. “મારા બહેન બહારગામથી ખાસ આવ્યા છે, અને તેમની દીકરી માટે શોમ સાથે વાત કરવા માંગે છે.” ગાંધીવાદી દેખાતા બુજુર્ગ બહેન અને ભાઈ, જોષી કુટુંબને મળવા આવ્યાં. બહેન સાદા અને વાતચીતમાં સરળ હતા.
બહેને કહ્યું કે, “હું અને મારી દીકરી પોંડિચેરીમાં રહીએ છીએ. મારી દીકરી મેડિકલના ત્રીજા વર્ષમાં ભણે છે. તેથી બે વર્ષ પછી જો…”
માહીએ જરા વિચાર કરી કહી દીધું, “માફ કરજો, પણ અમારે તો હમણાં જ શોમના લગ્ન કરવા છે. તેથી તમારી સાથે વાત આગળ નહીં ચાલે.” તે બહેન અને ભાઈ વિદાય થયા.
ફરી તે જ પાડોશીભાઈનો ફોન આવ્યો. “બીજું એક સૂચન છે…તમને વાંધો ન હોય તો મારી દીકરી કોલેજ પૂરી કરી, એક ‘Naturalist’ નામના સ્ટોરમાં કામ કરે છે. બહુ દૂર નથી. જો તમે જઈને માયાને જોઈ લો અને પસંદ પડે, તો પછી હું આગળ વાત ચલાવું.” માહી, રમેશ અને શોમ ખરીદી કરવાના બહાને એ સ્ટોરમાં ગયાં. માયાએ યોગ્ય વર્તાવથી મદદ કરી અને સામાન્ય વાતચીત કરી.
સ્ટોરમાંથી નીકળતી વખતે ડો.રમેશ બોલ્યા, “તમારા પિતાજીએ અમને તમારા વિશે આજે જણાવ્યું.” એ સાંભળી માયા ગંભીરતાથી માથું હલાવી જતી રહી.
શોમને માયા ઠીક લાગી. દાદાજીની ઇચ્છા અને ગોઆ જવાના ઉત્સાહની અસર નીચે માયા સાથે વાત આગળ વધારવાનું કહી, શોમ ગોઆ જવા નીકળી ગયો. તેને થયું,
“હાશ, હવે દસ દિવસ ચિંતા નહીં.”
ગોઆના આયુર્વેદ-આશ્રમમાં વૈદ્ય ભાણજીને મળ્યા પછી શોમને પોતાના ઘણા સવાલોના જવાબ મળ્યા અને કર્મપાથ ખૂલતો દેખાયો. એ દસ દિવસ શોમને અત્યંત અગત્યના લાગ્યા અને વૈદ ભાણજીનું માર્ગદર્શન ગુરુકૃપા. ભારે હૈયે ગોઆ છોડી તે મુંબઈ પાછો ફર્યો.
પાછલા દિવસો દરમ્યાન, માયાની પહેલા ‘ના’ આવી, પછી ‘હા’ આવી…એમ કરતા લગ્નની શક્યતાઓ વધતી ચાલી. શોમના આવ્યા પછી બે ત્રણ મુલાકાતો અને થોડી વાતચીત થઈ હતી.
“માયા, તમને અમેરિકામાં રહેવાનું ગમશે ને? પોતાના સ્વજનોથી દૂર…” શોમ સવાલ પૂરો કરે તે પહેલા માયા બોલી,
“હાં, હાં…જરૂર. એટલા માટે તો…” એકદમ અટકીને આંખ નીચી ઢાળી તેણે વાક્ય પૂરું કર્યું, “હાં મને અમેરિકામાં ગમશે.”
‘શરમાળ અને વ્યાકુળ હોવાથી માયા ઓછું બોલે છે… પછી પરિવાર સાથે ભળી જશે,’ એવી અટકળો સાથે લગ્ન નક્કી થઈ ગયા. છેલ્લા બે દિવસમાં કોર્ટમાં લગ્ન, અને માયાની immigration application થઈ ગયા. “વિધિસર લગ્ન અમેરિકામાં કરશું” એમ નક્કી થયું, તેથી સહી સિક્કા થયા પછી માયા પોતાના ઘેર ગઈ. ત્રણેક મહિનામાં તેણીને ગ્રીનકાર્ડ મળી જવાની શક્યતા હતી…
શોમને સંતોષ હતો કે લગ્ન કરી દાદા-દાદીને ખુશી આપી શક્યો.
ક્રમશઃ