મંજૂષા

વીનેશ અંતાણી

ટકી રહેવા માટે અટકવું પડે
અને અટકવા માટે સમય  કાઢવો પડે.
વિરામનો આવો સમય સૌથી વધારે ઉત્પાદક હોય છે

 

દર વર્ષે ૩૧મી ડિસેંબરે રાતે બાર વાગે એક સાલને થંભી જવું પડે છે. અટકવું જ પડે, નહીંતર ભવિષ્યની બીજી સાલ પ્રવેશ કરી જ શકે નહીં. ટ્રાફિક સિન્ગલ પર લાલ લાઇટ થાય તે સાથે વાહનોને થંભાવી  દેવાં પડે, નહીંતર અકસ્માત થાય. વયના જુદા જુદા તબક્કામાં આપણે અગાઉ કરતા તે બાબતો કરવી બંધ કરવી જ પડે. જૂનું અટકે તો એમાંથી નવું સર્જાય. આપણે એકના એક માર્ગ પર વણથંભ્યા ચાલ્યા કરીએ એને યાત્રા કહેવાય નહીં, એ તો નિરર્થક રઝળપાટ થઈ. પ્રવાસમાં નીકળેલા લોકો ક્યાંય થંભ્યા વિના ચાલ-ચાલ કર્યા કરે કે સડસડાટ પસાર થઈ જાય એમાં પ્રવાસનો ખરો આનંદ મળતો નથી. કોઈ જોવાલાયક સ્થળે અટકો, એનો આનંદ માણો, નવું જાણો અને પછી આગળ વધો તો પ્રવાસનો હેતુ સર થાય.

એક પિતા પરિવારને લઈને લોન્ગ ડ્રાઇવમાં નીકળ્યો. એ ઘણા કલાક સુધી કાર ચલાવતો જ રહ્યો, કોઈ જગ્યાએ ઊભો રહ્યો નહીં. સાંજ પડવા આવી ત્યારે  કંટાળેલાં સંતાનોએ એને કહ્યું: ‘પપ્પા, થોડી વાર તો ઊભા રહો.’ એ લોકો દરિયાકિનારા પાસેથી પસાર થતાં હતાં. પિતાએ કાર ઊભી રાખી. સૂરજ દરિયાની વચ્ચે આથમતો હતો. આકાશમાં અને દરિયાનાં મોજાં પર અવનવા રંગોની રંગોળી દોરાઈ હતી, સંતાનો આનંદથી બોલી ઊઠ્યાં: ‘અમે આવું કશુંક જોવા માટે તો તમારી સાથે નીકળ્યાં હતાં.’

શાણા માણસો જીવનમાં આગળ વધવાની શિખામણ આપે છે તેમ વચ્ચે વચ્ચે પોરો ખાઈ લેવાની સલાહ પણ આપે છે. તો જ થાક ઊતરે, તો જ નવી શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. જેટલું મહત્ત્વ સતત કશુંક કરતા રહેવાનું છે એટલું જ મહત્ત્વ યોગ્ય સમયે અટકવાનું કે ઘણું બધું હંમેશને બંધ કરવાનું પણ હોય છે. અમેરિકાના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પીટર ડ્રયુકેર કહેતા: ‘આપણે મેનેજમેન્ટ ટ્રેઇનિંગમાં લોકોએ શું કરવું તે શીખવીએ છીએ, પરંતુ એમણે એમના કામની વચ્ચે ક્યારે અટકવું તેની ટ્રેનિંગ આપતા નથી.’ સતત કામની વચ્ચે વેકેશન લઈને એકધારી રફતારમાંથી થોડો સમય બહાર નીકળી જતા લોકોની કાર્યક્ષમતા વધે છે તે વાત હવે સ્વીકાર્ય બની છે.

મહાન સર્જક અર્નેસ્ટ હેમિન્ગવે કહેતા કે દિવસ દરમિયાન લખવા માટે નિયત કરેલો સમય પૂરો થાય ત્યારે લખવાનું ગમે તેટલું સારું ચાલતું હોય, છતાં તે બંધ કરવું જોઈએ. ત્યાર પછી પણ મન-મગજના અજાણ્યા ખૂણામાં નવા સર્જનાત્મક વિચારોનો પ્રવાહ તો ચાલુ જ રહેશે. બીજે દિવસે લખવાનું શરૂ કરશો ત્યારે નવી તાજગી સાથે કામ કરી શકાશે. ઓસ્ટ્રેલિયાની નવલકથાકાર મેલિના મારકેટાએ કહ્યું છે: ‘થંભો. પુનર્જીવિત થાવ. ટકી રહો.’

ટકી રહેવા માટે અટકવું પડે અને અટકવા માટે સમય કાઢવો પડે. વિરામનો આવો સમય સૌથી વધારે ઉત્પાદક હોય છે. એવા સમયે વ્યક્તિ પોતાના વિશે લેખાંજોખાં માંડી શકે છે. અત્યાર સુધી શું સિદ્ધ કર્યું, કેવી ભૂલો કરી, હજી કેટલું કરવાનું બાકી છે – જેવી બાબતોનો પુન:વિચાર કરવાથી આગળનો માર્ગ સ્પષ્ટ બને છે. ઘણી વાર અતિ વ્યસ્તતામાંથી ચોરી લીધેલા વિસામાના સમયે જિંદગીને નવેસરથી જોઈ શકાય છે.

પચાસની આરે આવેલી એક મહિલા એની કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતી. એનો બધો સમય કંપનીની સફળતા માટે અને પતિ-સંતાનોની સગવડ સાચવવા પાછળ જ ખર્ચાતો હતો. એકધારા કામ અને જવાબદારીના વજન હેઠળ એ શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગઈ હતી. એક દિવસ એણે ઓફિસમાંથી થોડા દિવસની રજા લીધી અને એકલી દરિયાકિનારે ચાલી ગઈ. ત્યાં એણે નિરાંતે પોતાના વિશે ઊંડો વિચાર કર્યો. એને સમજાયું કે એ અત્યાર સુધી બીજા લોકો માટે જ જીવી છે, જાત માટે કશું કર્યું નથી. એ કરવા માગતી હોય તેવું કોઈ કામ કરી શકી નથી. લાંબો વિચાર કર્યા પછી એણે અણધાર્યો નિર્ણય લીધો. એ દરિયાકિનારેથી પાછી ગઈ પછી પહેલું કામ કંપનીમાંથી રાજીનામું આપવાનું કર્યું. ઘરની જવાબદારી ઓછી કરી. પરિવારના લોકો સાથે બેસીને પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. સંતાનોની ચિંતા નહોતી, એ લોકો ઘણા સમયથી એમની સ્વતંત્ર જિંદગી જીવતાં હતાં. પતિએ એના વિચારને માન આપ્યું. ત્યાર પછી એ મહિલા એને રસ પડતો હતો તેવી પ્રવૃત્તિ કરવા લાગી. એના જીવનનું ધ્યેય બદલાઈ ગયું. સાર્થકતાના અનુભવથી એ પ્રસન્ન રહેવા લાગી.

આપણું ધ્યેય પાર પાડવા માટે બધું કરી ચૂક્યા હોઈએ, છતાં ધાર્યું પરિણામ મળતું ન હોય ત્યારે પણ થોડો સમય થંભી જવું, રિલેક્સ થઈ જવું. શક્ય છે કે એ ટૂંકા વિરામમાં આપણે ધારેલાં કામ વિશે અલગ દૃષ્ટિકોણથી વિચારણા કરી શકીએ. એવી સલાહ પણ મળે છે કે એકીસાથે ઘણાં કામ હાથ ધરવાનું બંધ કરવું જોઈએ. પ્રાથમિકતા નક્કી કરીને એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લાંબા માર્ગનો વિચાર કરવો જોઈએ નહીં, બલકે એક ડગલું માંડો, પછી બીજું અને પછી ત્રીજું. દરેક પડાવ પર ઊભા રહી, શ્ર્વાસ ખાઈ, આગળનું ડગલું ભરવું જોઈએ. જીવનમાં કશુંક નવું અને મનગમતું કરવા માટે ક્યારેય મોડું થયું હોતું નથી. એની શરૂઆત ઉંમરના કોઈ પણ તબક્કે કરી શકાય.

જિંદગી ઝપાટાભેર જીવી લેવાની નથી. એની ક્ષણેક્ષણને સમજવાની અને માણવાની હોય છે. થોડી વાર માટે પણ થંભી શકે એ વ્યક્તિને સમગ્ર સમયને મોઢામોઢ થવાની તક મળે છે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.