-
‘કોઈ’ શબ્દવાળા ગીતો – (૪) – कोई ये कैसे बताये की वो तनहा क्यों है
નિરંજન મહેતા
આ શ્રેણીનાં ત્રણ લેખ અગાઉ ૨૫.૦૨.૨૦૨૩, ૨૫.૦૩.૨૦૨૩ અને ૨૨.૦૪.૨૦૨૩ના દિવસે વે.ગુ. પર મુકાયા હતા. આજે આ ચોથો અને છેલ્લો ભાગ રજુ કરૂ છું.
શરૂઆત કરીએ ૧૯૭૧ની ફિલ્મ ‘અધિકાર’નાં ગીતથી.
कोई माने या न माने
हम कल तक थे दीवानेઆ એક છેડછાડભર્યું ગીત છે જે દેવ મુકરજી અને નાઝીમા પર રચાયું છે. ગઈકાલ સુધી જે ‘કોઈ’ હતું તે હવે પોતાનું થઇ ગયું એવા ભાવવાળા આ ગીતના રચયિતા છે રમેશ પંત જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયક કલાકારો આશા ભોસલે અને કિશોરકુમાર.
૧૯૭૩ની ફિલ્મ ‘લોફર’નુ ગીત પણ છેડછાડભર્યું ગીત છે.
कोई सेहरी बाबू दिल लहरी बाबू
पग बांध गया घुंघरूફરીદા જલાલની છેડછાડ કરતા આ નૃત્યગીતનાં કલાકાર છે મુમતાઝ. આનદ બક્ષીના શબ્દો અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. કંઠ આપ્યો છે આશા ભોસલેએ.
૧૯૭૩ જ અન્ય ફિલ્મ ‘અભિમાન’નુ ગીત નવદંપતી વચ્ચે થતો પ્રેમાલાપ છે.
लुटे कोई मन का नगर
बन के मेरा साथीગીત ગાતા ગાતા એક બીજાની છેડછાડ કરતા અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી આ ગીતનાં કલાકારો છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના. સંગીત છે સચિન દેવ બર્મનનુ અને ગાયકો છે મનહર ઉધાસ અને લતાજી.
૧૯૭૩ની વધુ એક ફિલ્મ ‘ધૂંધ’નુ ગીત છે
उल्ज़न सुलज़े ना रास्ता सूजे ना……….
जो सांस भी आया तन चिर के आया
इस हाल से कोई किस तरह निभाया
……….
रुत गम के चले ना कोई आस पले नाમૂંઝવણમાં ફસાયેલી ઝીન્નત અમન આ ગીત દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરે છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે આશા ભોસલેનો. ગીતમાં દેની ડેન્ઝોગપા અને સંજય ખાન પણ દેખાય છે.
૧૯૭૪ની ફિલ ‘ઠોકર’નુ ગીત એક પ્રેમીની વ્યથા રજુ કરે છે.
अपनी आँखों में बसा कर कोई इकरार करूं
जी में आता है की जी भर के तुझे प्यार करूंબલદેવ ખોસલા આ ગીતના કલાકાર છે. શબ્દો છે સાજન દહેલવીનાં અને સંગીત છે શામજી ઘનશામજીનુ. દર્દભર્યો સ્વર છે રફીસાહેબનો.
૧૯૭૫ની ફિલ્મ ‘શોલે’નુ આ પ્રચલિત ગીત રિસામણા મનામણા પર આધારિત છે
कोई हसीना जब रूठ जाती है तो
तो तो तो और भी हसीन हो जाती हैરૂઠેલી હેમા માલિની જ્યારે પોતાનો ટાંગો લઇ નીકળી પડે છે ત્યારે તેને મનાવવા ધર્મેન્દ્ર તે ટાંગાની ઉપર સવાર થઈને આ ગીત ગાય છે. આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનુ સંગીત. નખરાળો સ્વર કિશોરકુમારનો.
૧૯૭૫ની ફિલ્મ ‘આંધી’નુ આ ગીત એક યુગલ જે વિયોગ અનુભવી રહ્યું છે તેમની ભાવનાઓને વ્યક્ત કરે છે.
तेरे बिना जिन्दगी से कोई शिकवा तो नहीं
शिकवा नहीं शिकवा नहीं शिकवा नहींસંજીવકુમાર અને સુચિત્રા સેન પર રચાયેલા આ ગીતના શબ્દકાર છે ગુલઝાર જેને સુંદર સંગીત મળ્યું છે આર. ડી. બર્મન પાસેથી. દર્દભર્યા સ્વર છે કિશોરકુમાર અને લતાજીનાં.
૧૯૭૬ની ફિલ્મ ‘લૈલા મજનુ’નુ આ ગીત પ્રેમીઓના એકબીજા પ્રત્યેના પ્રેમની ભાવનાને ઉજાગર કરે છે.
हुस्न हाजिर है मुहब्बत की सजा पाने को
कोई पत्थर से ना मारो मेरे दीवाने कोમજનુ રિશી કપૂરને લોકો પત્થર મારતા હોય છે ત્યારે લૈલા રંજીતા ત્યાં પહોંચે છે અને લોકોને સંબોધીને આ ગીત ગાય છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે મદનમોહનનુ. સ્વર છે લતાજીનો.
૧૯૭૭ની ફિલ્મ ‘પ્રિયતમા’નુ આ ગીત યુવા પેઢીને અનુરૂપ છે.
कोई रोको ना दीवाने को
मन मचल रहा कुछ गाने कोભેગા થયેલા મિત્રો સાથે રાકેશ રોશન આ ગીત ગાતા દેખાય છે. યોગેશનાં શબ્દોને રાજેશ રોશનનુ સંગીત મળ્યું છે અને તેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
૧૯૭૯ની ફિલ્મ ‘કર્તવ્ય’નુ આ ગીત એક રહસ્યગીત છે.
कोई आएगा कोई आएगा लाएगा दिल का चैन
सखी री मै तो नाचूंगी गाऊँगी दिन रेनઆ ગીત પાર્શ્વગીત તરીકે ધર્મેન્દ્ર પર રચાયું છે જેમાં મહિલા કલાકારને દેખાડી તો છે પણ તે કોણ છે તે જણાતું નથી. જો કે ફિલ્મમાં રેખા છે એટલે તે હોઈ શકે. વર્મા મલિકના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત છે જેને કંઠ આપ્યો છે લતાજીએ.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે જે રેખા પર રચાયું છે.
दूरी दूरी ना रहे कोई
आज इतने करीब आऊગીતકાર છે કૈફી આઝમી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે લતાજીનો.
૧૯૮૦ની ફિલ્મ ‘કુરબાની’નુ આ ગીત એક પ્રેમગીત રૂપમાં છે.
नसीब इंसान का चाहत से ही सवरता है
क्या बुरा इस में किसी पर कोई मरता हैઆ ગીતના આગળ ઉપરના શબ્દો અત્યંત પ્રચલિત છે
हम तुम्हे चाहते है ऐसे हम तुम्हे चाहते है ऐसे
मरनेवाला कोई ज़िंदगी चाहता हो जैसेગીતના કલાકરો છે વિનોદ ખન્ના અને ઝીનત અમાન. ઇન્દીવરના શબ્દોને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે જેના ગાયક કલાકારો છે મનહર ઉધાસ, કાંચન અને આનંદકુમાર.
આ જ ફિલ્મનું અન્ય બહુ પ્રચલિત ગીત છે
आप जैसा कोई जिंदगी में आये
तो बात बन जाएઝીનત અમાન પર રચિત આ ગીતના ગીતકાર છે બિડુ અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. સ્વર છે નાઝિયા હસનનો.
૧૯૮૧ની ફિલ્મ ‘લાવારિસ’નુ આ ગીત ફિલસુફીભર્યું છે.
जिस का कोई नहीं
उस का खुदा है यारोનિરાશ સુરેશ ઓબેરોય અને તેની સાથીદારને ઉદ્દેશીને અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે મન્નાડેનો.
૧૯૮૨ની ફિલ્મ ‘નિકાહ’નુ આ ગીત યુગલ વચ્ચેના તણાવને રજુ કરે છે.
दिल की आरज़ू थी के कोई दिलरुबा मिले
રાજ બબ્બર અને સલમા આગા આ ગીતના કલાકારો છે. શબ્દો છે હસન કમાલના અને સંગીત છે રવિનું. મહેન્દ્ર કપૂર અને સલમા આગા ગાયક કલાકારો.
૧૯૮૨ની ફિલ્મ ‘શૌકીન’નુ આ ગીત એક નટખટ પ્રકારનું ગીત છે.
जब भी कोई कंगना बोले
दिल मचल मचल जाएશરૂઆતમાં ટાઈટલમાં પાર્શ્વગીત તરીકે મુકાયું છે અને પછી અશોકકુમાર પર રચાયું છે આ ગીતની તેઓ જે મજા માણી રહ્યા છે તે જોવાલાયક છે. શબ્દો છે યોગેશનાં અને સંગીત છે આર. ડી. બર્મનનુ. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નુ આ સમૂહગીત યુવાનોની પ્રેમવ્યથાને ઉજાગર કરે છે
प्यार हमें किस मोड़ पे ले आया
के दिल करे हाये हाये कोई तो बताये क्या होगाઅમિતાભ અને તેના ભાઈઓ દ્વારા રજુ થતી આ વ્યથાના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયકો છે કિશોરકુમાર, સપન ચક્રવર્તી, ગુલશન બાવરા અને આર. ડી. બર્મન.
૧૯૮૩ની ફિલ્મ ‘અર્થ’નું આ ગીત શબાના આઝમીની વ્યથા જોઇને ગવાયું છે.
कोई ये कैसे बताये
की वो तनहा क्यों हैએક પાર્ટીઆ આ ગીત રાજ કિરણ ગાય છે. કૈફી આઝમીના શબ્દોને સંગીત સાંપડ્યું છે કુલદીપ સિંહ પાસેથી જેના ગાયક કલાકાર છે જગજીત સિંહ.
૧૯૮૫ની ફિલ્મ ‘સાહેબ’નુ ગીત એક ફેન્ટસી ગીત કહી શકાય.
प्यार बिना चैन कहा रे ………..
कोई नया सपना निगाहों में तो हैઅનીલ કપૂર અને અમૃતા સિંહ પોતાની સમક્ષ અન્યને નાચતા જોઈ તેને સ્થાને પોતાને જોતા હોય છે તેમ દર્શાવાયું છે. શબ્દો છે અનજાનનાં અને સંગીત છે બપ્પી લાહિરીનું. ગાયક કલાકારો છે એસ.જાનકી અને બપ્પી લાહિરી.
૧૯૮૭ની ફિલ્મ ‘કાશ’નાં આ ગીતમાં બે વ્યક્તિઓની વ્યથા દેખાય છે જે પાર્શ્વગીતના રૂપમાં છે.
छोटी सी है बात
कोई ये नहीं जानेટ્રેનમાં મુસાફરી કરતા જેકી શ્રોફ અને ડિમ્પલ કાપડિયા પર રચાયેલ આ ગીતના શબ્દો છે ફારુક કૈસરના અને સંગીત છે રાજેશ રોશનનુ. સ્વર છે મોહમ્મદ અઝીઝ અને આશા ભોસલેનાં.
૧૯૯૦ની ફિલ્મ ‘જુર્મ’નું આ ગીત એક પાર્ટી ગીત છે. ગીત એક સંદેશાત્મક ગીત છે.
जब कोई बात बिगड़ जाए
जब कोई मुश्किल पड जाए
तुम देना साथ मेरा हो हमनवाમીનાક્ષી શેષાદ્રી અને વિનોદ ખન્ના પર રચિત આ ગીતના ગીતકાર છે ઇન્દીવર અને સંગીતકાર છે રાજેશ રોશન. સાધના સરગમ અને કુમાર સાનુ છે ગાયકો.
આશા છે આ શ્રેણી સાથીઓને પસંદ આવી હશે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો – ૨૪ : વાત અમારી તસનીમની !
શૈલા મુન્શા
મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,
તે હળવે હળવે ચાલે છે,
તેના ડીલ પર ડાઘ છે,
તે મારા ઘરનો વાઘ છે!ચાર વર્ષની તસનીમને જોઈ મને આ બાળગીત યાદ આવી ગયું જે ગાઈ ગાઈને હું મોટી થઈ.
તસનીમ એક અરેબિક છોકરી. સોનેરી વાંકડિયા વાળ અને બિલાડી જેવી જ માંજરી આંખો. અરબી સ્ત્રીઓ રૂપાળી તો હોય જ છે, એમાં કોઈ બે મત નથી. તસનીમને પણ એ રૂપ ખોબલે ભરીને મળ્યું હતું, પણ એ રૂપને જાણે ગ્રહણ લાગી ગયું હતું.નાતાલની રજા પહેલા જ તસનીમ સ્કૂલમા આવી. ખુબ બોલકી અને આખો દિવસ એના મોઢે એના પિતાનુ નામ હોય. મારા ડેડીએ મને તૈયાર કરી, મને કુકી આપી, વગેરે વગેરે. એક મોટો અને એક નાનો ભાઈ, પણ દેખાઈ આવે કે તસનીમ ઘરમાં બોસ છે. તસનીમ ઘરની બિલાડી નહિ, પણ વાઘ છે એ દેખાઈ આવે!
શરૂઆતમાં જે મન થાય તે ડ્રેસ પહેરી આવે, સ્કૂલે આવવાનો કોઈ સમય નહિ, આઠ, નવ કોઈ પણ સમયે આવે. સ્કૂલના નિયમ અનુસાર એવું ના ચાલે, એટલે મીસ સમન્થાએ પહેલા ઘરે લેટર મોકલાવ્યો, પછી ફોન પર પિતા સાથે રૂબરૂ વાત કરી તસનીમને રોજ સમયસર સ્કૂલે મોકલવા કહ્યું. પિતાનુ કહેવું એમ કે આટલી ઠંડીમાં તસનીમને વહેલી કેવી રીતે ઉઠાડુ?
પછી ખબર પડી કે માતા પિતા છૂટાછેડા લઈ જુદા થયા છે, અને બાળકો પિતા પાસે છે. આટલા નાના બાળકોની કસ્ટડી પિતા પાસે એ જાણ થઈ એટલે જરૂર માતાનો કોઈ મોટો વાંક હશે એ તો ખ્યાલમાં આવી ગયું.
પિતા હમેશ રઘવાયા લાગે. એક તો બાળકોની જવાબદારી એમના પર, સાથે એ પોતે પણ અમેરિકાની કોલેજ ડીગ્રી લેવા ભણવા જાય, એટલે બાળકોને લેવા કોઈવાર બીજા લોકો આવે. અલબત્ત બધાના નામ અમારા સ્કૂલના નિયમ અનુસાર રજિસ્ટર કરાવેલા જ હોય. બાળકોની સલામતી માટે એ ખૂબ જરુરી હોય છે, કારણ અમેરિકામાં છૂટાછેડા, સ્ટેપ મધર, સ્ટેપ ફાધરનુ પ્રમાણ કદાચ ભારત જેવા દેશ કરતાં વધારે છે અને બાળકોના અપહરણના કેસ પણ ઘણા થતાં હોય છે.
તસનીમ પિતાની ખૂબ લાડકી એ દેખાઈ આવે કારણ તસનીમ હમેશ એના પિતાની જ વાત કરતી હોય. ધીરેધીરે તસનીમ ક્લાસના નિયમનુ પાલન કરવા માંડી. સ્કૂલ બસમાં આવવા માંડી. મારી કોઈ દિવસ પિતા સાથે રૂબરૂ મુલાકાત થઈ નહોતી. મેં એમને અલપ ઝલપ જોયા હતા, કોઈવાર બાળકોને મુકવા આવે ત્યારે, પણ વાતચીત નહોતી થઈ.હમણાં જ વેલેનટાઈન ડે ગયો અને અમે બાળકો પાસે કાર્ડ બનાવડાવ્યા અને દરેક બાળકે પોતાના કાર્ડમાં “I love you Mom and Dad” એવું લખાવ્યું. કોઈએ વળી “I love you Mom” લખાવ્યું, પણ જ્યારે તસનીમને પુછ્યું તો એ તરત બોલી “I love my Daddy”.
જો કે નાનકડી બાળકી માતાની કમી તો જરૂર અનુભવતી હશે, કદાચ એટલે જ તસનીમને મારી અને મીસ સમન્થા સાથે ખૂબ ફાવે. તસનીમના સોનેરી ઝુલ્ફા પણ પિતાને કદાચ સરખી રીતે પોનીટેલ કે બે નાના ચોટલાં લેતા નહિ ફાવતું હોય એટલે જેમતેમ રબર બેન્ડ બાંધી આપે અને જેવી એ ક્લાસમાં આવે કે હું સરસ રીતે એના વાળ ગૂંથી આપું. ખાસ એના માટે રંગબેરંગી હેર બેન્ડ, બકલ વગેરે લઈ આવું. વાળ ગૂંથતા મને મારી નાનકડી શ્વેતા યાદ આવી જાય.
તસનીમને કોઈ પણ વાત કહેવી હોય તો અજબ લહેકાથી કરે. એકવાર એની ગાડી ખરાબ થઈ ગઈ હશે અને સ્કૂલે આવતાં મોડુ થયું તો જાણે મોઢું ફુલાવી ફરિયાદ કરવા માંડી. “ડેડી નવી ગાડી લાવતા નથી, મારી વાત સાંભળતા નથી, મને મોડું થાય છે, એમ માંજરી આંખો ગોળ ઘુમાવતી જાય અને વાત કરતી જાય!
બે દિવસ પહેલાં ઓફિસમાંથી ક્લાસમાં બઝર વાગ્યું, તસનીમને ઘરે લઈ જવા ડેડી આવ્યા હતા એટલે એને લઈને હું ઓફિસમાં ગઈ.
ડેડીને તસનીમ સોંપી કેમ છો કહ્યું. ડેડીએ મજામાં નો વળતો જવાબ આપી મને પુછ્યું “મીસ મુન્શા કોણ છે”? હું કાંઈ બોલું તે પહેલાં તસનીમ મને વળગતા કહે “આ મારી મીસ મુન્શા છે” હું તસનીમના ચહેરાની ખૂશી અને આંખની ચમક જોઈ જ રહી. તસનીમના પિતા મને કહેવા માંડ્યા કે ઘરે આવી તસનીમ ના મોઢે આખો દિવસ મીસ મુન્શા એ ગીત ગવડાવ્યા, મીસ સમન્થાએ એ.બી.સી.ડી કરાવી, મીસ મુન્શા બગીચામાં લઈ ગઈ, એ જ વાતો સાંભળવા મળે છે. હું ખરેખર ખુબ આભારી છું કે તમે મારી દીકરીનો આટલો ખ્યાલ રાખો છો અને પ્રેમ કરો છો. એ કહેતાં કહેતાં એમના ચહેરા પર જે આભારનો ભાવ, સંતોષની ચમક હતી એ કોઈ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
આ દિવ્યાંગ બાળકોને જરા સરખો પ્રેમ આપતા કેટલા વ્યાજ સહિત એમનો પ્રેમ અમે પામીએ છીએ એ તો અમે જ જાણીએ છીએ. કોઈવાર એમના ભલા માટે કડક થઈને વાત કરીએ પણ બીજી જ પળે દોડતાં આવીને વળગે ત્યારે બધો ગુસ્સો પળમાં ગાયબ થઈ જાય.
આજે પણ એ પળ મારી નજર સામે તરી આવે છે. તસનીમના પિતાના મોઢા પર છલકતી શાંતિ અને શિક્ષક પ્રત્યેનો અહોભાવ!!
આ નિર્દોષ બાળકોની આંખોથી છલકતો નિઃસ્વાર્થ પ્રેમ અમારા હૈયાને અનેરા આનંદ અને ગર્વથી ભરી દે છે. હર દિન એક નવી ઉર્જા લઈને આવે છે!!
તસનીમ આમ જ ચહેકતી રહે એ જ પ્રાર્થના સહિત,
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
વર્ગ વ્યવસ્થાપન કરશે, બાળ આસ્થાનું સ્થાપન
ચેલેન્જ.edu
રણછોડ શાહ
હું જાણું છું કે તમે શું બોલ્યા તે ભૂલાઈ જશે, તમે શું કર્યું છે તે પણ યાદ રહેશે નહીં, પરંતુ તમે શું અનુભવ્યું તે નિરંતર યાદ રહેશે.
માયા એન્જેલો (Maya Angelou)
શાળા-કૉલેજનો અભ્યાસ છોડયા પછી પણ દરેક વ્યકિત તેના વર્ગખંડની સ્મૃતિઓની સંદૂક સાથે લઈને ફરે છે. વર્ગખંડની સ્મૃતિઓ સદાય વાગોળાતી હોય છે. સમગ્ર જિંદગી દરમિયાન થયેલા અનુભવોનો સરવાળો વર્ગખંડના અનુભવોથી કદાચ વધારે નહીં જ હોય. શાળામાં પ્રત્યેક સવાર નવા પ્રસંગથી શરૂ થાય છે અને સાંજ એક નૂતન યાદ સાથે પૂર્ણ થાય છે. બાળપણના અનુભવોમાં સર્વશ્રેષ્ઠ પ્રસંગો વર્ગખંડમાં જ બન્યા હોય છે. કેળવણીનું ઉત્તમ સ્થળ વર્ગખંડ હોય છે. વર્ગખંડ માત્ર ભૌતિક ઓળખ નથી પણ આ તો ચીરકાળ યાદ રહેતી અને સદાય મમળાવવી ગમે તેવી જીવંત સ્મૃતિઓ છે. શાળામાંથી વર્ગખંડને બાદ કરવામાં આવે તો શાળા માત્ર અને માત્ર એક ઈમારત રહી જાય. તમામ ઉત્તમ શિક્ષકો સદાય તેમના વર્ગવ્યવહારને કારણે વિદ્યાર્થીઓના મન, હૃદય અને વર્તનમાં સચવાયેલા રહેલા છે અને ભવિષ્યમાં પણ રહેશે. શિક્ષકના જીવનમાં વર્ગખંડનું સ્થાન દેવસ્થાન કરતાં વધારે મહત્ત્વ ધરાવતું હોય છે.
શિક્ષણની સફળતાનો માત્ર એક જ આધાર હોય તો તે છે વર્ગખંડની ગતિવિધિ. વિદ્યાર્થી અને શિક્ષક બંનેના વ્યકિતત્ત્વને નિખારતું આ ઉત્તમ સ્થળ છે. વર્ગખંડનો યોગ્ય ઉપયોગ કરનાર શિક્ષક સફળતાને વરે જ છે. વિદ્યાર્થીના વિકાસના તમામ પાસાઓનું ઘડતર આ જગ્યાએ થતું હોવાથી સજાગ વિદ્યાર્થી અહીંયાંથી સૌથી વધ પ્રાપ્ત કરી શકે છે. બાળ મનોભાવોને જાગ્રત કરનાર અને શિક્ષકની ઓળખ ઉભી કરનાર વર્ગખંડ સમાજ જીવનનું પ્રતિબિંબ છે. આથી વર્ગખંડમાં વિષયના જ્ઞાનને પિરસતી વખતે ઘણા ભૌતિક અને માનસિક વ્યવસ્થાપનોની તેયારી કરવી પડતી હોય છે. અહીં આપણે વર્ગખંડમાં બાળકની આસ્થામાં ઉમેરો કરતાં માનસિક વ્યવસ્થાપનો અંગે વિચારીશું :

(૧) ઊર્મિઓનું વ્યવસ્થાપન : વર્ગખંડમાં પ્રત્યેક મિનિટે પરિસ્થિતિ બદલાય છે. નાની નાની ઘટનાઓ વિદ્યાર્થી અને શિક્ષકના સંબંધ પાતળા કે ગાઢ કરી શકે છે. શિક્ષકને જેટલું વહાલ વર્ગખંડના વ્યવહારને કારણે મળે છે તેટલું કદાચ
વિધિવત્ શિક્ષણ દરમિયાન પ્રાપ્ત થતું નથી. વિષય તો પુસ્તકમાંથી શીખી શકાય પરંતુ દયા, પ્રેમ કે લાગણી તો વર્તન ઉપર આધારિત છે. શિક્ષકના વર્તનમાં તે જેટલું અનુભવવા મળે તેટલું તે વિકસે. પ્રત્યેક પળે વિદ્યાર્થીને શિક્ષક “મારા” છે તેનો અનુભવ કરાવવાનું કાર્ય તો ઉત્તમ શિક્ષક જ કરી શકે. વારંવાર ગુસ્સે થતા કે ચિડાઈ જતા શિક્ષકને માન કેવી રીતે મળે? વહાલ અને સંવેદનશીલતા તો વર્તનમાં રહેલા હોવાથી જે શિક્ષક તેનો મહત્તમ ઉપયોગ કરે તે કદાચ વિષયવસ્તુમાં થોડાક અધૂરા હોય તો પણ વિદ્યાર્થીઓ તેમને નિભાવી લેતા હોય છે. નિર્વ્યાજ પ્રેમ વહેવડાવતો શિક્ષક જરૂરથી સફળતાના શીખરે આરૂઢ થાય છે.
મૃદુતા અને માયાળુતા તો
સામર્થ્ય અને દૃઢતાના સ્વરૂપો છે;
નિર્બળતા અને હતાશાની
નિશાનીઓ નહીં.(૨) ક્ષમાનું વ્યવસ્થાપન : વર્ગખંડના વિદ્યાર્થીઓ તેમની કિશોરાવસ્થા અને તરૂણાવસ્થામાં હોવાથી કરવા જોઈએ તેવા અથવા ન કરવા જેવા તોફાનો ન કરે તો જ નવાઈ. તેઓ દરેક ઘટનાનું પોતાની રીતે મૂલ્યાંકન કરતા હોવાથી તેમને યોગ્ય લાગે તેવી પ્રતિક્રિયા આપતા હોય છે. તેઓ શું કરે છે તેની કયારેક તેઓને તો ખબર પણ હોતી નથી પરંતુ શિક્ષકને તો જરૂરથી હોય છે. આ સંજોગોમાં તેમના અયોગ્ય વર્તનને ભૂલી જઈ માફ કરી દેવાની વિચારસરણી શિક્ષકમાં હોવી જોઈએ. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીના અયોગ્ય વર્તનને દાઢમાં રાખી તેમની સાથે વર્ગ વ્યવહાર કરે છે. પરંતુ તે યોગ્ય નથી. કદાચ જીવનનો આ અગત્યનો ગુણધર્મ શિક્ષક વર્ગખંડમાં પોતાના ઉદાહરણ દ્વારા જ શીખવી શકશે. ‘ભૂલો અને માફ કરો’નું સનાતન સત્ય વિદ્યાર્થીઓને ગળે ઉતારવામાં જે સારસ્વતને સફળતા પ્રાપ્ત થાય છે તે વિદ્યાર્થીઓના મન અને હૃદયમાં કાયમી સ્થાન જમાવી શકે છે. ભૂલ માફ કરતાં શિક્ષકનો સ્મિતસભર ચહેરો વિદ્યાર્થીઓની સ્મૃતિમાં કાયમ અંકિત થઈ જાય છે.
મૌન અને સ્મિત બે શક્તિશાળી હથિયાર છે.
સ્મિત ઘણી સમસ્યાના ઊકેલ લાવે છે
અને મૌન અનેક સમસ્યાઓને દૂર રાખે છે.(3) વર્તનનું વ્યવસ્થાપન: વર્ગનું વાતાવરણ હળવું, શિક્ષણાભિમુખ અને ખેલદિલીવાળું રાખવાની જવાબદારી શિક્ષકની છે. કેટલાક શિક્ષકો વર્ગમાં અત્યંત કડક રહેવાનો અભિગમ ધરાવતા હોવાથી વિદ્યાર્થીઓ તેમની સાથે ક્યારેય ખૂલીને અને ખીલીને વાત કરતા નથી. અસંખ્ય મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી વેરાયેલા વિદ્યાર્થીઓ મન મોકળું કરી શિક્ષક સાથે વાત કરવામાં સંકોચ અનુભવે તો વર્ગખંડનું વાતાવરણ જાણે-અજાણે તંગ રહેતું હોય છે. ‘સોટી વાગે…’ વાળી વાત આજે અપ્રસ્તુત બની ગઈ હોવા છતાં કેટલાક શિક્ષકો સમજી શકતા નથી અને તેથી વર્ગમાં સતત ‘ભારેલો અગ્નિ’ રહેતો જોવા મળે છે. વર્ગખંડનું આવું વાતાવરણ ક્યારેય સારા શૈક્ષણિક ભાવાવરણમાં પરિવર્તિત થઈ શકે નહીં. દરેક વ્યકિતમાં બધા સદ્ગુણોનો સરવાળો હોઈ જ ન શકે. વર્ગખંડના વાતાવરણને હળવું બનાવવામાં આ સમજ હંમેશા અગ્રસ્થાને રહેવી જોઈએ. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને દલીલોને માત્ર ઉતારી પાડવાથી તેના ઉકેલ આવતા નથી. તેમને સમજી હળવી વાતચીત દ્વારા ઉકેલ લાવવા ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ રચવું આવશ્યક છે.
કોઈ ચર્ચા વખતે શબ્દોને
ઊંચા કરો, અવાજને નહીં.
ફૂલ વરસાદથી ખીલે છે,
વીજળીના કડાકા-ભડાકાથી નહીં.(4) આત્મવિશ્વાસનું વ્યવસ્થાપન : વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રવચનને માત્ર સાંભળીને ભૂલી જતા નથી પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. તેઓ તેમની રીતે તેનું વિશ્લેષણ કરતા હોય છે. શિક્ષક વાચન અને અનુભવને આધારે પોતાના પ્રવચનમાં ઉદાહરણો ટાંકી બાળકોનો વિશ્વાસ સંપાદન કરે છે. આ ઘટનાઓની વિદ્યાર્થીના માનસ ઉપર ચોટદાર અસર થતી હોય છે. નેતૃત્વના પાઠ માત્ર અને માત્ર વર્ગખંડમાં શીખવાય છે. બાળકના આત્મવિશ્વાસનું જતન અને સંવર્ધન વર્ગખંડમાં થાય છે. સફળ નેતાનાં લક્ષણો કયાં હોઈ શકે તેનું ચિંતન વિદ્યાર્થીઓ શિક્ષકના પ્રવચનની વચ્ચે સંભળાતા અને સમજાતા વિધાનોમાંથી કરતા હોય છે. રાષ્ટ્રને ઉત્તમ નેતા પૂરા પાડવાની જવાબદારી શૈક્ષણિક સંસ્થાએ નિભાવવાની હોય ત્યારે વિશ્વના નિવડેલ નેતાઓની વાતો પ્રસંગોપાત શિક્ષક તેમના શૈક્ષણિક કાર્ય દરમિયાન કરે તે આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય નેતાઓના વ્યકિતવિકાસનાં પાસાંઓનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટપણે જોવા મળશે કે તેઓ પાઠશાળામાં જ સફળ નેતૃત્વના ઉત્તમ પાઠો ભણ્યા હતા.
(5) વર્તમાન ઘટનાઓનું વ્યવસ્થાપન: ભૂતકાળના સમયની વાતો કરવાની આદત મોટા ભાગના વડીલોમાં હોય છે. પરંતુ ભૂતકાળ કયારેય વર્તમાન બની શકતો નથી. આ સંજોગોમાં વર્તમાનની વાતો, ઘટનાઓ, પ્રસંગો અને વ્યવહારોની ચર્ચા વર્ગખંડમાં કરવાનો હવાલો શિક્ષકના શિરે છે. નાની બાબતો મહાન ઘટનાઓનું સર્જન કરતી હોય છે. વર્તમાનને એટલો ઉત્તમ બનાવો જેથી તે ભૂતકાળની ઈર્ષા કરી શકે. મોટાભાગના વિદ્યાર્થીઓ હાલમાં બનતી બાબતો ઉપર ઘ્યાન આપતા હોવાથી તેમને વર્તમાનની સાચી, યોગ્ય અને પૂરતી સમજ આપવાની જવાબદારી સારસ્વતશ્રીના શિરે હોય છે. જૂની પુરાણી વાતો કરી વિદ્યાર્થીઓને વર્તમાનથી દૂર લઈ જતા શિક્ષકો તરફ વિદ્યાર્થીઓ માનની નજરે ન જૂએ તે સ્વભાવિક છે.
(6) સામાજીકતાનું વ્યવસ્થાપન : વર્ગના વિદ્યાર્થીઓના સામાજિક, આર્થિક, કૌટુંબિક અને માનસિક સ્તર અલગ-અલગ હોય તે સ્વભાવિક છે. વર્ગના તમામ વિદ્યાર્થીઓને ક્રમચય અને સંચયના નિયમના આધારે છૂટા પાડીએ તો અનેક જૂથો પ્રાપ્ત થાય. બે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સરખી હોય તો પણ માનસિક કે સામાજિક સ્થિતિ અલગ પણ હોઈ શકે. આ પ્રકારના જુદા જુદા જૂથોનો તલસ્પર્શી અભ્યાસ કરી તેમની સાથે વાતચીત કરવામાં આવે તો જ તેની સાથે યોગ્ય વ્યવહાર થઈ શકે. બધાને “એક લાકડીએ હાંકવા’માં કોઈ તર્ક રહેલો નથી. બાળકના વંશ અને વારસાને જાણી તેની સાથે વાતચીત થઈ શકે. સામાન્યીકરણ કરતા શિક્ષકો મહદ્અંશે નિષ્ફળતાને વરે છે.
ખરો વિદ્યાભ્યાસ એ
કે જે વડે આપણે
આત્માને, આપણને, ઈશ્વરને
અને
સત્યને ઓળખીએ.(7) સંવાદિતાનું વ્યવસ્થાપન: શિક્ષકે વર્ગખંડના સૌ વિદ્યાર્થીઓને એક સાથે લઈને ચાલવાનું છે. માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપર ઘ્યાન આપવાને બદલે તમામ શૈક્ષણિક સ્તરના વિદ્યાર્થીઓ એક સાથે આગેકૂચ કરે તે અત્યંત આવકારદાયક અને આવશ્યક છે. આ સોથી કઠિન કાર્ય છે. બાળકોની વિવિધતાને ઓળખી, તેમની મર્યાદાઓ સમજી તેઓની વિશિષ્ટ શકિતઓ બહાર લાવવાની કામગીરી અત્યંત કપરી જરૂર છે. પરંત અશક્ય નથી. અલબત્ત, તે મહેનત અને સમય માંગી લે તેવી પ્રવૃત્તિ છે. સફળ શિક્ષકો આ કળા હસ્તગત કરી લેતા હોય છે. વર્ગખંડને સમતોલ રાખવાની કળા સૌ શિક્ષકોમાં હોય તે શકય નથી. તેથી તેમાં નિવડેલ સારસ્વતોની વર્તણૂકનો અભ્યાસ કરી તે રસ્તે ચાલનાર શિક્ષક પણ વર્ગખંડમાં એકરાગિતા લાવી શકે છે. શિક્ષક અને વિદ્યાર્થી તેની જિંદગીના જીવંત કલાકો વર્ગખંડમાં ગાળતા હોવાથી ત્યાં વાતાવરણ ઉત્તમોત્તમ હોય તો જ જીવન ઉત્સાહદાયક અને આનંદમય બની રહે. બંને જણે તાલથી તાલ મિલાવીને મળવું જોઈએ. શાળા સંચાલક અને આચાર્યશ્રીએ પ્રોત્સાહન પૂરું પાડવાની જવાબદારી નિભાવવાની હોય છે. કોઠારી કમિશને સાચું જ કહ્યું, ‘ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.’ આજે પણ આ વાત સો ટકા પ્રસ્તુત છે અને ભવિષ્યમાં પણ રહેશે જ.
આચમન:
વર્ગમાં જઈ મનગમતો વિષય
ભણાવવાનો પણ એક નશો હોય છે.
આવો નશો ન ચડતો હોય
એવા માણસે
શિક્ષક
થવાનું ટાળવું જોઈએ.
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
-
કોઈનો લાડકવાયો – (૨૪) – બિહારમાં વિદ્રોહ : (૨) : બાબુ કુંવરસિંહ
દીપક ધોળકિયા
એંસી વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ અંગ્રેજો સામે યુદ્ધે ચડનાર જગદીશપુરના જમીનદાર બાબુ કુંવરસિંહનું નામ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમર છે. વિદ્રોહમાં જોડાવાની મને બહુ ઇચ્છા નહોતી પણ ઘડપણ એમાં આડે નહોતું આવતું, બીજાં જ કારણો હતાં. અંગ્રેજો સાથે એમના સંબંધો સારા હતા અને એમની પાસેથી એમને મોટી લોન લેવી હતી. વિદ્રોહ શરૂ થયો ત્યારે એ અંગ્રેજોની ઑફિસોના આંટાફેરા કરતા હતા! આમ છતાં લોકો સાથે એ ન્યાયની ભાવનાથી વર્તન કરતા એટલે લોકોમાં એમનું બહુ માન હતું. દાનકુનીના બળવા પછી લોકો એમને જ નેતા માનતા હતા. અંતે અંગત હિતોનો ભોગ આપીને એ યુદ્ધમાં કૂદી પડ્યા.દાનાપુરમાં બળવો કરીને સિપાઈઓએ પોતાની હાક જમાવી દીધી અને તરત આરા તરફ કૂચ કરી ગયા. ત્યાં ૨૬મીએ પહોંચ્યા કે તરત કુંવરસિંહે બળવાની સરદારી હાથમાં લઈ લીધી. જો કે કમિશનર ટેઇલર એમનો મિત્ર હતો. એણે હજી બે દિવસ પહેલાં જ પત્ર લખીને સરકારને કહ્યું હતું કે કુંવરસિંહને બળવામાં નહીં જોડાય. બીજી બાજુ કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ અને બીજા એક જાગીરદાર નિશાન સિંહ બળવાખોરો સાથે હતા. એ વખતે નિશાન સિંહ સાઠ વર્ષની વય પાર કરી ચૂક્યા હતા.
જુલાઈના છેલ્લા અઠવાડિયાથી શાહાબાદ અંગ્રેજો માટે ઝંઝાવાત જેવું રહ્યું. ૨૬મીએ આરામાં વસતા બધા યુરોપિયનોને એક એંજીનિયરના બેમાળી મકાનમાં આશરો લેવો પડ્યો. આ બાજુ કુંવરસિંહ અને દાનાપુરના વિદ્રોહીઓએ અંગ્રેજ ગૅરિસનને ઘેરી લીધી. અંગ્રેજોના ચોકિયાત દળે પણ વિદ્રોહ કર્યો. અંગ્રેજ અફસરોને એની કલ્પના પણ નહોતી. આરાનો સેશન્સ જજ લખે છે કે ગાર્ડોનો ઉપરી અધિકારી મને મળવા આવ્યો ત્યારે મેં એને તિજોરીની રખેવાળી કરવાનો હુકમ આપ્યો અને સલાહ આપી કે વિદ્રોહીઓ ઓછા હોય તો જ સામનો કરવો, એ વખતે હું શીખોની ટુકડી લઈને મદદે આવીશ પણ વિદ્રોહીઓ બહુ ઘણા હોય તો પીછેહઠ કરી લેવી. પણ મેં જોયું કે વિદ્રોહીઓ તિજોરીએ પહોંચ્યા ત્યારે ગાર્ડોએ સામનો ન કર્યો, એટલું જ નહીં, એમના તરફ ગયા, જાણે સ્વાગત કરતા હોય!
અહીં વિદ્રોહીઓએ સહેલાઈથી તિજોરી લૂંટી પરંતુ એક પણ અંગ્રેજની હત્યા ન કરી. જે કેદ થયા તેમને કુંવરસિંહના સૈનિકોએ સારી રીતે સાચવ્યા.
શાહાબાદમાં કુંવરસિંહનું શાસન
કુંવરસિંહે શાહાબાદને અંગ્રેજોના હાથમાંથી ઝુંટવી લીધું અનેતરત વહીવટી વ્યવસ્થા ગોઠવી દીધી. કુંવરસિંહ વિચારોમાં પણ પ્રગતિશીલ હતા એટલે એમણે અંગ્રેજી હકુમતને તો ઉડાડી દીધી પણ એની સુવ્યવસ્થાના એ પ્રશંસક હતા એટલે જૂના દેશી ઢંગને બદલે અંગ્રેજી હકુમતની જેમ વ્યવસ્થા ગોઠવી. એમણે મૅજિસ્ટ્રેટ, ત્રણ-ચાર થાણાના પોલીસ વડાઓ અને બીજા અધિકારીઓ નીમ્યા.
પરાજય
અંગ્રેજોની ગૅરિસન છિન્નભિન્ન થવાની અણીએ હતી પણ નસીબ અંગ્રેજોની સાથે હતું. બેંગાલ રેજિમેન્ટના મેજર આયરના નેતૃત્વ હેઠળની ટુકડી કુંવરસિંહના સિપાઈઓ સાથે બીજે ક્યાંક લડાઈ પછી આરા તરફ નીકળી આવી. એના માટે કુંવરસિંહ તૈયાર નહોતા. આ મદદ કોઈ યોજના વિના જ આવી હતી. આયરે બીજી અને ત્રીજી ઑગસ્ટે વિદ્રોહીઓ પર જબ્બરદસ્ત હુમલો કર્યો. જે પકડાયા તેમને ઝાડેથી લટકાવી દીધા, જગદીશપુર પર કબજો કરી લીધો, લોકોનાં શસ્ત્રો ઝુંટવી લીધાં અને એક મંદિર તોડી પાડ્યું કારણ કે એ મંદિરને કુંવરસિંહે મોટી મદદ આપી હતી. એના સૈનિકોએ કુંવરસિંહના ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરી અને મકાનો જમીનદોસ્ત કરી દીધાં.
પરંતુ એનો અર્થ નથી કે અંગ્રેજો નિરાંતનો શ્વાસ લેવા લાગ્યા હતા. ગયા, મુઝફ્ફરપુર, મિર્ઝાપુર, પૂર્ણિયા, મૂંગેર, હઝારીબાગ, બૂઢી, બાગોદર, છોટા નાગપુર, માનભૂમ, સિંઘભૂમ અને પલામૂ તેમ જ બીજા કેટલાય વિસ્તારોમાં બળવો ફેલાઈ ગયો હતો અને અંગ્રેજો ભાગવા લાગ્યા હતા. જનવિદ્રોહની સૌથી સબળ અસર બિહારમાં દેખાતી હતી.
હાથ જાતે કાપી નાખ્યો
ઈસ્ટ ઇંડિયા કંપનીએ વિદ્રોહને દબાવવા માટે નેપાલના રાણાની મદદ માગી. ૨૫મી ઑગસ્ટે નેપાલી મોકલેલી ટુકડીઓ આવી જતાં ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારોના જીવમાં જીવ આવ્યો. અને તે પછી વિદ્રોહને કચડી નાખવાનું સહેલું થઈ ગયું.કુંવરસિંહ માત્ર જગદીશપુર અને આરા કે આસપાસના પ્રદેશોમાં જ નહીં. આજના ઉત્તર પ્રદેશના ગાઝીપુર. બલિયા અને આઝમગઢ સુધી જઈને દુશ્મનને પડકારતા હતા. પરંતુ એમની પાસે સાધનો સીમિત હતાં, એટલે માત્ર ગેરિલા યુદ્ધ કરે તો જ ઓછા ખર્ચે વધારે નુકસાન કરી શકે. અંતે એમણે આરા પાછા જવા વિચાર્યું. ગંગા પાર કરતા હતા ત્યારે દુશ્મને હુમલો કરતાં એમને કાંડા ઉપર ગોળી વાગી. એનો ઉપાય થઈ શકે તેમ નહોતું એટલે એમણે પોતાનો હાથ જ કાંડાથી કાપી નાખ્યો!
૧૮૫૮ની ૨૬મી એપ્રિલે એમનું અવસાન થયું છેવટ સુધી અંગ્રેજો એમને પકડી ન શક્યા.
અમરસિંહ અને હરેકૃષ્ણ
કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ મોટા ભાઈની પાછળ વિદ્રોહમાં જોતરાવા નહોતા માગતા. પરંતુ કુંવરસિંહે એમને કેટલાક રાજાઓને પત્ર લખીને મદદ માગવા કહ્યું ત્યારે પહેલાં અમરસિંહે ના પાડી, પરંતુ તે પછી તૈયાર થઈ ગયા અને છેક સુધી સાથ આપ્યો એટલું જ નહીં, કુંવરસિંહના મૃત્યુ પછી પણ ભાઈનું અધૂરું કાર્ય ચાલુ રાખ્યું. કુંવરસિંહે બનાવેલી સ્વતંત્ર સરકાર એમના મૃત્યુ પછી પણ કામ કરતી રહી. એનું નેતૃત્વ અમરસિંહે સંભાળ્યું પણ એમના મુખ્ય સેનાપતિ હરેકૃષ્ણ સિંહનો એમાં બહુ મહત્ત્વનો ફાળો રહ્યો. હરેકૃષ્ણની બહાદુરીની નોંધ બ્રિટીશ લેખકો પણ લે છે. છેલ્લે ૧૮૫૯માં એ જ્યારે પકડાઈ ગયા ત્યારે એમને ફાંસી આપી દેવાઈ.
બિહારના વીરોને નમન.
સંદર્ભઃ
- 1857: बिहार में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)
(https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)
- https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm
- ભારતઃ ગુલામી– અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર: આઝાદી માટેનો સંઘર્ષ , પ્રકરણ ૩૫ (આ લેખકની વેબગુર્જરી પરની શ્રેણી).
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
‘સેલ્ફી’સંહિતા: સમજણ અને સંવેદનાનો સંગમ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માત્ર કેમેરા વડે છબિઓ લેવાનું ચલણ હતું ત્યારે ઘણા કેમેરામાં ‘સેલ્ફ ટાઈમર’ની સુવિધા આવતી, જેને કારણે છબિ ખેંચનાર ‘ક્લીક’નું બટન દબાવ્યા પછી ઝડપભેર કેમેરાની સામે આવીને ગોઠવાઈ જતું અને તેની છબિ આપોઆપ ખેંચાઈ જતી. કેમેરા પૂર્વેના યુગમાં ચિત્રકારો અરીસામાં જોઈને પોતાનું ચિત્ર ચીતરતા, જે ‘સેલ્ફ પોર્ટ્રેટ’ તરીકે ઓળખાતું. મોબાઈલ ફોનના આગમનને પગલે તેમાં અનેકવિધ સુવિધાઓ અનિવાર્યપણે આવતી થઈ, જેમાં કેમેરા લગભગ આવશ્યક બની ગયો. આ કેમેરાનો લૅન્સ સરળતાથી આગળપાછળ ફરી શકતો હોવાથી સ્વછબિ ખેંચવી અત્યંત સુગમ બની ગઈ. 2002માં એક નેથન હોપ નામના એક ઓસ્ટ્રેલિયને પોતે ખેંચેલી પોતાની છબિ માટે ‘સેલ્ફી’ શબ્દનો પહેલી વાર પ્રયોગ કર્યો. આ સુવિધા અને આ શબ્દ જાણે કે મોબાઈલ ફોન દ્વારા આવેલી ક્રાંતિ અને તેના ઉપયોગના અતિરેકના પ્રતિક સમો બની રહ્યો. હવે તો આ શબ્દ અને પ્રથાનું ચલણ એ હદે વ્યાપક બની ચૂક્યું છે કે લોકો કોઈ પણ સ્થળે અને સમયે ‘સેલ્ફી’ ખેંચીને તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મૂકતા થઈ ગયા છે. જાણેઅજાણે તેઓ પોતાની અંગત અને વ્યક્તિગત ક્ષણોને આ રીતે જાહેર કરી રહ્યા છે. આ પ્રથાનું વળગણ એટલું પ્રસરી ચૂક્યું છે કે તે ‘ન્યૂ નોર્મલ’ બની રહી છે. તેમાં સામાન્ય વિવેકનો સૌથી વધુ ભોગ લેવાઈ રહ્યો છે. પોતે અમુક સ્થળે હાજર છે એ દર્શાવવાની લ્હાયમાં ઝટપટ ‘સેલ્ફી’ ખેંચતા લોકો ભાન ભૂલી જાય છે, અને ઘણી વાર તો પોતાના જાનને જોખમમાં મૂકતાં ખચકાતા નથી. વિવિધ વન્ય પશુઓ સાથે ‘સેલ્ફી’ ખેંચવાનો પ્રયાસ કરતાં એ પશુના હુમલાનો ભોગ બનીને મોતને ભેટવાના અનેક કિસ્સા બનતા રહ્યા છે.

સાંકેતિક તસવીર – નેટ પરથી સાભાર જાનનું જોખમ હોય ત્યાં ‘સેલ્ફી’ ખેંચવાનો પ્રયાસ કરવો સાહસ નહીં, મૂર્ખામીયુક્ત વળગણ છે, પણ એ સિવાયનાં કેટલાંક સ્થળોએ ‘સેલ્ફી’ ખેંચવાનો પ્રયાસ મૂર્ખામી કરતાંય વધુ તો વિવેકહીનતા અને સંવેદનવિહીનતા કહી શકાય. એપ્રિલ, 2023માં વધુ એક વાર આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો અને તેની ઘણી ટીકા થઈ.
યુરોપના પોલેન્ડમાં આવેલું શહેર ઓશવિત્સ ત્યાંના સ્મારક માટે અતિ જાણીતું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન સરમુખત્યાર હીટલરના નાઝી સૈન્ય દ્વારા અહીં કોન્સન્ટ્રેશન કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા. માનવજાતના ઈતિહાસમાં કલંકરૂપ કહી શકાય એવો જઘન્ય હત્યાકાંડ અહીં આચરવામાં આવ્યો હતો, જેમાં લાખો નિર્દોષ યહૂદી મહિલાઓ, પુરુષો તેમજ બાળકોની નિર્મમપણે હત્યા કરવામાં આવી હતી. આવા શરમજનક ઈતિહાસનું પુનરાવર્તન ન થાય અને ભાવિ પેઢી સમક્ષ તેની સ્મૃતિ તાજી રહે એ બાબતને ધ્યાનમાં લઈને અહીં એક સંગ્રહાલય તેમજ સ્મારક ઊભું કરવામાં આવ્યું. વરસેદહાડે લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે અને એ હત્યાકાંડની ભયાનકતાને આટલા દાયકાઓ પછી પણ અનુભવે છે.
આ સ્થળે પણ કેટલાક ઉત્સાહી પ્રવાસીઓ ‘સેલ્ફી’ લેવાના ધખારા રાખે છે. જથ્થાબંધ યહૂદીઓને આ સ્થળે યાતના માટે લાવનાર ટ્રેનના પાટા પર મારીઆ મર્ફી નામની એક યુવતીએ એપ્રિલ, 2023માં ‘સેલ્ફી’ ખેંચી અને તેને પ્રસિદ્ધ કરી. આ તસવીર મૂકાતાં જ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર લોકોએ તેની પર ફિટકાર વરસાવ્યો. અલબત્ત, આ પ્રકારનો બનાવ કંઈ પહેલી વારનો નથી. આ પહેલાં પણ સમયાંતરે અમુક પ્રવાસીઓ આ સ્થળે ‘સેલ્ફી’ લઈને તેને જાહેર માધ્યમ પર મૂકતા આવ્યા છે. તેનું પ્રમાણ ઓછું છે, છતાં એમ થાય છે ખરું.
‘સેલ્ફી’ ખેંચવા અને તેને જાહેર માધ્યમ પર મૂકવા પાછળની માનસિકતા કંઈક એવી કહી શકાય કે પોતે અન્યોથી વિશેષ છે અને દુનિયાને તેઓ બતાવવા માગે છે કે કેવા વિશિષ્ટ સ્થળ સુધી પોતે પહોંચ્યા છે. ‘સેલ્ફી’ કોઈ પણ સ્થળની હોય, એને જાહેરમાં મૂકવા પાછળની માનસિકતા મોટે ભાગે આનાથી અલગ હોતી નથી. આ માનસિકતાને કારણે જે તે સ્થળની ગરિમા જળવાતી નથી.
આપણા દેશના પંજાબમાં આવેલા અમૃતસરમાંના જલિયાંવાલા બાગ સાથે પણ ભયાનક સ્મૃતિઓ સંકળાયેલી છે. એક મેદાનમાં ઉપસ્થિત નિ:શસ્ત્ર લોકો પર જનરલ ડાયરના હુકમથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, અને કેટલાય લોકોએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હતી. આ સ્થળે પણ લોકો ‘સેલ્ફી’ ખેંચતા જોવા મળે છે. કોઈક સ્થળની મુલાકાતની યાદગીરી તરીકે ત્યાં તસવીર ખેંચાવવી અને કોઈ સ્થળે ‘સેલ્ફી’ લેવી એ બન્નેમાં થોડો તફાવત છે. ‘સેલ્ફી’માં કેન્દ્રસ્થાને ‘સેલ્ફ’ એટલે કે ‘સ્વ’ હોય છે, અને તેનો મુખ્ય હેતુ અંગત યાદગીરી નહીં, પણ ઘોષણા માટે હોય છે. અનેક લોકોને કોઈ ને કોઈ જાણીતી વ્યક્તિ સાથે ‘સેલ્ફી’ ખેંચવાનો શોખ હોય છે. આવી તસવીરોમાં ઘણી બધી વાર એ જાણીતી વ્યક્તિનું ધ્યાન સુદ્ધાં ન હોય અને તેમની સાથે તસવીર ખેંચીને તેને જાહેર માધ્યમમાં મૂકવામાં આવે છે. એ તસવીર ‘સેલ્ફી’ લેનારની મૂર્ખામીને જ ઉજાગર કરે છે. ગમે તે સ્થળે, પોતે પોતાની તસવીર ખેંચવાની લ્હાયમાં ઘણી બધી વાર સામાન્ય વિવેક અને સામાન્ય બુદ્ધિ કોરાણે મૂકાઈ જાય છે. સંવેદનશૂન્યતા અને દેખાડાબાજી આવી તસવીરોમાં સાફ ઝલકે છે. હવે ઘણા લોકો સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમના શબની તેમજ અગ્નિદાહની તસવીરો સુદ્ધાં પ્રકાશિત કરતા જોવા મળે છે, જે સામાન્ય વિવેકનો અભાવ દર્શાવે છે.
નાગરિકધર્મના કેટલાક પાઠ કદાચ નવેસરથી શીખવાનો આ સમય છે, કેમ કે, નવિન આવિષ્કારોએ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી, પણ વિવેક તો આપણે જ કેળવવો પડશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૦૫ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – કોનો વાંક?
પુસ્તક પરિચય
રીટા જાની
મુનશીના સાહિત્યનો કસબ મેઘધનુષી છે. તેમની પ્રતિભામાં માત્ર એક રંગછટા નથી. ઐતિહાસિક, પૌરાણિક, આત્મકથાના રંગોને માણ્યા બાદ આજે એક નવીન પદચિહ્ન આપણને એક નવા સાહિત્યરસના રંગનો અનુભવ કરાવશે. તે છે તેમની સામાજિક નવલકથાઓ, જે મુનશીના એક નવા કસબનો પરિચય કરાવે છે.
રોજે રોજ વર્તમાનપત્રોમાં જુદી જુદી જગ્યાઓએ બાળકીઓ અને મહિલાઓ સામે થતા અત્યાચારોના પડઘા શમતા જ નથી. ત્યાંથી એક ચિત્કાર સંભળાય છે – કોનો વાંક? સમયના જુદા જુદા પ્રવાહો વચ્ચે વહેતો સમાજ ક્યારેક વિચિત્રતાઓ સાથે પણ જીવતો હોય છે. ક્યારેક સમાજની રૂઢિઓ એવો વળાંક લેતી હોય છે કે સમાજ વ્યક્તિના સુખ અને આનંદના સ્થાને દુઃખ, શોષણ અને ચિત્કારનું પ્રતિક બને છે. આવી વ્યવસ્થાઓ ત્યારે જ બદલાય જ્યારે રૂઢિગત માન્યતા બદલાય અને આ ભગીરથ કાર્યમાં ફાળો આપે છે સાહિત્યના જ્યોતિર્ધર લેખકો. આજે આવી જ એક અદભૂત કૃતિ આપની સમક્ષ પ્રસ્તુત છે. એ છે મુનશીની સામાજિક નવલકથા ‘કોનો વાંક?’
આ નવલકથામાં સામાજિક પરિસ્થિતિ અને પ્રશ્નોનું નિરૂપણ કેવળ સમાજ સુધારક તરીકે જ નહીં પરંતુ બળવાખોરોનું નિરૂપણ પણ મહત્વનું બન્યું છે. પોતાના અનુભવ જગતમાંથી કેટલીક સામગ્રી લઇને મુંબઇના ધમાલીયા જીવનમાં યુવાન હૃદયમાં ચાલતી મૂંઝવણો અને સમાજના અન્ય દૂષણો તથા બંધનોનું આલેખન મહત્વનુ બની રહે છે. 1915માં ‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર’ ના તંત્રી રતનલાલ શાહના દબાણને વશ થઈ મુનશીએ ‘કોનો વાંક’ નવલકથા શરૂ કરી. એના માટે કોલમ દીઠ 1રૂપિયો મળવાનો હતો જે તે સમયમાં સારું ગણાતું. ‘કોનો વાંક’ એ ‘વેરની વસૂલાત’ પછી મુનશીની બીજી સામાજિક નવલકથા છે. ન્યાતમાં એક મિત્રની પત્ની બાળવિધવા થઈ હતી. તેના દુઃખોની ઊંડી છાપ મુનશીના મન પર હતી, જે આ કથાના મૂળમાં છે. તેઓ જ્યારે એલ. એલ. બી. નો અભ્યાસ કરતાં ત્યારે કાંદાવાડી રહેતા તે વખતની મનોદશાની છાપ પણ આ કથા પર છે. તો મહાયોગી મહારાજની કથા પણ તેમના અનુભવની જ નીપજ છે. આ સમયની તેમની સામાજિક નવલકથામાં પોતાની, પોતાના મિત્રોની ને જગતની ઠેકડી કરવાનો ભાવ પણ સ્પષ્ટપણે ઉપસે છે. તો ક્યારેક નિર્દોષ વિનોદવૃત્તિ કરતાં ડંખભર્યો કટાક્ષ વધુ પ્રભાવી બને છે. ‘કોનો વાંક’માં બંડખોર સમાજલક્ષિતા છતી થાય છે. આ કથામાં મુનશીએ સમાજ સામે બંડ પોકારતી બાળવિધવા મણિનું જીવંત વ્યક્તિત્વ વાળું પાત્ર આલેખ્યું છે. સામાજિક નવલકથાઓમાં મુનશીના ધારદાર કટાક્ષ પ્રગટે છે. મુનશીની કથનશૈલી સીધી અને સચોટ છે, સાથે તેમના તેજસ્વી પાત્રો ને ઘટનાઓનો ધસમસતો પ્રવાહ વાચકોને જકડી રાખે છે.૮ વર્ષની મણિના બાળવિવાહ થાય છે. લગ્ન શું છે તેની સમજ પડે એ પહેલાં તો લગ્નના 3 મહિનામાં જ તે વિધવા બની. થોડાં વર્ષો વીત્યે પિતાએ વિધવા પુત્રીને ઘાતકીપણે રીબાવે એવા સાસરિયાંને આશરે મૂકી. અત્યંત રૂપવતી, કોડભરી મણિ ટ્રેનમાં એક નાના ગામડાના સ્ટેશને ઉતારી પડી. ને ત્યાં આખા ગામમાં પિતાતુલ્ય ગણાતા જોરા ભગતને ત્યાં તેણે દીકરીને જન્મ આપ્યો. દીકરીને જોરા ભગતને ત્યાં સોંપીને તે શહેરમાં જાય છે.
સંસારના અરણ્યમાં રઝળતી મણિને જુદા જુદા સમયે અલગ અલગ સંજોગોમાં કેવા લોકોનો ભેટો થયો અને એ સંજોગોનો તેણે કઈ રીતે સામનો કર્યો તે ઘટનાઓની વાતો હૃદયના ધબકારા વધારી દે છે. એક તરફ આજની પેઢીને આશારામ બાપુ કે રામરહિમની યાદ અપાવે એવા મહાયોગી મહારાજ છે તો બીજી તરફ સમાજ ઉદ્ધારિણી સભાના પ્રમુખ રાવસાહેબ ગંભીરલાલ છે, જે પોતાની આબરૂ – મોભાને ખાતર તેના સ્વચ્છંદનો ભોગ બનેલી મણિને ભોળવીને છોડી દે છે. આ સભાના બીજા સભ્યો છે વકીલ મિ. મારુતિ, ડૉ.ધનેશચંદ્ર અને પ્રેસવાળા મિ.તરફડદાસ, જેમને જાહેર ચળવળ કરવાનો અભરખો છે, ભાષણ કરવાનો લહાવો લેવો છે, છાપામાં જાહેરખબર આપવી છે. આમાંથી એક પણ વ્યક્તિને ખરેખર સંસાર સુધારણા માટે કામ કરવું નથી. પણ ફક્ત કામનો દેખાવ કરવો છે. ડૉ. ધનેશચંદ્ર વાત તો પ્રેક્ટીકલ પગલાંની ખામીની કરે છે. પણ જ્યારે ખરેખર વિધવાવિવાહ કરવાની વાત આવે છે, ત્યારે છૂટી પડે છે. આ ઉપરાંત એક ચંદુલાલ શેઠ છે, એક રામજણી તુંગભદ્રા છે , જે યેન કેન પ્રકારેણ મણિને ફસાવવા માગે છે. આ દુનિયા દ્વંદ્વથી ભરેલી છે. રાત દિવસ, પ્રકાશ અંધકાર, સુખ દુઃખ, સારું ખરાબ બધું સાથે જ હોય છે. મણિના જીવનમાં પણ એવા સારા લોકો આવે છે, જેમાં એક છે જોરા ભગત, જે તેને આશ્રય આપે છે, તેની દીકરીની જવાબદારી લે છે. એક છે મુચકુંદ, જે ભાગેલી મણિને સમાજ અને પરિવારના વિરોધની પરવા કર્યા વગર આશરો આપે છે, સાચી લાગણી ને હૂંફ આપે છે. તો એક છે મોઘારામ, જે ફક્ત માનવતાની રાહે મણિને મદદ કરે છે. અને મદદ કરતાં તેને જેલમાં જવું પડે છે તો પણ પીછેહઠ કરતા નથી.
જીવનની આ લડાઇમાં મણિ પોતાના સિદ્ધાંતો, આદર્શો કે વિચારો સાથે બાંધછોડ કરતી નથી. કઠિન પરિસ્થિતિઓનો મુકાબલો કરે છે. તેમાં તેની યુવાની, તેની આશાઓ, તેના અરમાનો, તેના પ્રેમ, એટલે સુધી કે તેની દીકરીના જીવનનો પણ ભોગ લેવાય છે. છતાં તે હિંમત હારતી નથી. અને સંજોગો અને સમાજની વિષમતાઓ સામે ઝઝુમે છે. અને તેથી જ મુનશી કથાના અંતે પૂછે છે કે કેટલીય મણિઓ અને કેટલાયે મુચકુંદો સમોવડા જોડા વિના, અસમાન જોડને સહન કરતાં, નરક સમા સંસારના ઉચ્છેદક અનુભવો કરતાં ભવ પૂરો કરે છે. કોનો વાંક?
જે સમાજ દૂષણને ભૂષણ માને તેનું ભાવિ અંધકારમય હોય છે. આવો સમાજ કાળના પ્રવાહ સામે ટકી શકતો નથી. આવા સમાજને સ્વસ્થતા તરફ દોરી જવાનું કાર્ય સમાજના જ્યોતિર્ધરનુ છે.
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
-
આયનો અને એક્સ-રે દેખાડતા લેખોનો સંચય
પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ

‘દલિત અધિકાર’ વિચારપત્ર સાથે સંકળાયેલા રહેલા ચંદુભાઈ મહેરિયા જાહેર જીવન અને લેખનના પ્રવાહોના ઊંડા અભ્યાસી રહ્યા છે. દલિત સમસ્યાઓ, દલિત સાહિત્ય અંગેનો તેમનો અભ્યાસ સઘન અને સાતત્યપૂર્વકનો રહ્યો છે. વિવિધ ઘટનાઓ કે સમસ્યાઓની અસલ છબી ઝીલતી દૃષ્ટિ; એક્સ રે જેવું આકલન કરવાની આગવી સૂઝ તથા પોતાના મુદ્દાઓને સરળ શબ્દોમાં કાગળ પર ઉતારવાની મહારત તેમની વિશેષતા છે. ચંદુભાઇએ ૧૪ નવેમ્બર ૨૦૧૮થી સંદેશની બુધવારની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં તાર્કિક, વૈચારિક તથા બૌદ્ધિક ચર્ચાઓ છેડતું કટારલેખન શરૂ કર્યું. આપણી આસપાસ ઘટતી જનનિસબત ધરાવતી ઘટનાઓ કેન્દ્રિત કટારનું નામ હતું ‘ચોતરફ’. કટારના ચોક્કસ માળખામાં સીમિત રહેવા છતાં તેમણે વિવિધ ઘટનાઓનાં કારણો, અસરો તેમજ અભિપ્રાયો પોતાની આગવી શૈલીમાં અને અસરકારક સરળ શબ્દોમાં આલેખ્યા. ચંદુભાઇનું પ્રથમ પુસ્તક ‘ચોતરફ’, જનનિસબત ધરાવતાં કુલ ૪૯ લેખોનોસંચય છે.
પુસ્તકમાં ગરીબો, દલિતો, કિસાનો, તથા રોજમદારોની રોજગારી અને ભૂખમરો; રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાઓ અને ચૂંટણી પ્રક્રિયા; શિક્ષણ અને શિક્ષણનીતિ; રાષ્ટ્ર તેમજ રાષ્ટ્રહિત; પોલીસની જવાબદારી, વર્તણૂક અને તેમની સમસ્યાઓ; ન્યાય વગેરે જેવા અનેક મુદ્દાઓ આવરી લેવાયા છે. આ સમસ્યાઓ કે ઘટનાઓ જે તે સમયે બની હોવા છતાં, તે ‘આઉટડેટેડ’ નથી. પુસ્તકમાં લેખકના સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક એમ વિવિધ મુદ્દાઓ પર અદભૂત નીરીક્ષણો તેમજ સચોટ વિશ્લેષણો જાણવા, વાંચવા તથા સમજવા મળે છે. વિવિધ સંસ્થાકીય તેમજ સરકારી આંકડાઓના અનેક સંદર્ભો આ લખાણોને પારદર્શી અને વિશ્વસનીય બનાવે છે. તેથી જ વાંચતી વખતે ક્યારેક વિચાર કરતા થઈ જવાય છે કે આ કયા ભારતની વાત છે.
કેટલીક શાશ્વત સમસ્યાઓ અંગે ચોંકાવનારી હકીકતો, મહત્વનાં અવલોકનો તથા લેખકની તાર્કિક દાખલા-દલીલો આધારિત અમુક સંક્ષિપ્ત નમૂના:
ભૂખમરો– આજે ભારત વિશ્વમાં અન્નની નિકાસ કરે છે, ત્યારે આ કેટલીક હકીકતો શરમ ઉપજાવે તેવી છે. તેમની નોંધો,
1) મૃતક ભૂખથી મૃત્યુ પામ્યો છે કે નહીં તે નક્કી કરવા 1880નો ફેમિન કોડ આજે પણ માન્ય છે. આ કોડ મુજબ મૃતકના પેટમાંથી અન્નનો એક સડેલો દાણો પણ મળી આવે તો તે વ્યક્તિના મૃત્યુનું કારણ ભૂખ નથી મનાતું.
2) ભુખમરાના ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’ મુજબ ધાનની નિકાસ કરતા ભારતનો દેખાવ એશિયાના માત્ર પાકિસ્તાન તથા અફઘાનીસ્તાન કરતાં જ બહેતર છે!
મજબૂત V/S મજબૂર સરકાર– અજીત ડોવાલના મતે રાષ્ટ્રિય સુરક્ષા માટે કેન્દ્રમાં એક જ પક્ષની પૂર્ણબહુમત ધરાવતી સરકાર મજબૂત છે. લેખકના મતે જો આમ સાચું હોત તો,
1) પૂર્ણબહુમત ધરાવતી ભારતની સરકાર વખતે 1962માં ચીન તેમજ પછીના વર્ષોમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયા જ ન હોત!
2) કથિત તોડજોડ ધરાવતી સરકાર ‘મજબુર’ રહેતી હોત તો પૂર્ણબહુમત ન ધરાવતી નરસિંહરાવની સરકાર અર્થતંત્રને નવી દિશા દોરતા જબરદસ્ત આર્થિક સુધારા ન કરી શકી હોત!
3) તે જ રીતે યુપીએ સરકારથી મનરેગા, શિક્ષણ અને માહિતીના કાયદા લાગુ થયા ન હોત. અને
4) ભાજપ અને ડાબેરી સમર્થન ધરાવતી વીપી સિંહની સરકાર મંડલ કમિશન લાગુ પાડી શકી ન હોત!
એક રાષ્ટ્ર એક ચુંટણી– લેખકના મતે આ મુદ્દે સાવધાની વરતવા જેવી છે, કારણ કે 1999થી 2014 સુધીની 6 રાજ્યોની 16 ચુંટણીઓની 2600 વિધાનસભા બેઠકોનો અભ્યાસે સાબિત કર્યું છે કે 77 ટકા મતદારો કોઈ એક જ પક્ષ તરફ ઢળ્યા હતા.
આમ, આ પ્રથામાં મતદારોની માનસિકતા કોઇ એક પલ્લે નમવાનું જોખમ સામેલ છે.
શિક્ષણ– આ બાબતે લેખકે વિશદ છણાવટ આપતાં અપૂરતું ભંડોળ તેમજ રાજકીય ઇચ્છાશક્તિના અભાવને મુખ્ય કારણ માન્યા છે. લેખકે કોઠારી કમિશનની જીડીપીનાં ૬ ટકા નાણાં શિક્ષણ માટે વાપરવાની ભલામણનો હવાલો આપી દલીલ કરી છે કે આજ સુધી કેન્દ્રની કોઇ સરકારે ૩ ટકાથી વધુ નાણાં ફાળવ્યા જ નથી.
રાજકીય ઇચ્છાશક્તિ કેવાં પરિણામો આપી શકે તે માટે તેમણે બહુચર્ચિત ચારા કૌભાંડમાં દોષિત લાલુ પ્રસાદ યાદવનો કિસ્સો ટાંક્યો છે. તે મુજબ, ચૂંટણી પ્રચાર સમયે લાલુપ્રસાદને ‘ભૈયા’ કહી પોકારતી લક્ષ્મીનિયાનો ભેટો થયો. કાખમાં છોકરું તેડી આવેલી ચીંથરેહાલ લક્ષ્મીનિયા બિહારની અત્યંત પછાત એવી મુસહર જાતિની હતી. લાલુએ લક્ષ્મીનિયા અને તેની કાખમાં તેડેલા સંતાનને યાદ રાખી સત્તામાં આવતાં મુસહરોને શિક્ષણ સુલભ કરાવવા નક્કી કર્યું. લક્ષ્મીનિયાના ગામ પુનપુનથી શરૂઆત કરી તેમણે 300 જેટલી શાળાઓ સ્થાપી હતી.
વંદેમાતરમ ગાન – લેખકના મતે વંદેમાતરમનું ગાન ધાર્મિક નહીં પણ રાજકીય મુદ્દો છે. પોતાની આ વાત રજૂ કરવા લેખકે નોંધ્યું છે કે 1905માં વંદેમાતરમ સ્વીકૃતિ પામ્યું તે વખતે કોંગ્રેસનાં અધિવેશનો અને આઝાદીના આંદોલનોમાં સહુ એકી અવાજે વંદેમાતરમનું ગાન કરતા હતા. કારણ કે ત્યારે અલગ મઝહબી રાષ્ટ્રની માનસિકતા નહોતી પ્રગટી.
કાયદો, વ્યવસ્થા અને પોલિસ– આ બાબતે પણ પુસ્તકમાં સારી એવી ચર્ચા છેડાઇ છે. તેમાં કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓ તથા જાતિ અંગે પોલિસનાં માનસિક વલણો દર્શાવી પોલિસનો બિહામણો ચહેરો રજૂ કર્યો છે; તો સાથે તેમની અપૂરતી સુવિધાઓ, અપૂરતું સંખ્યાબળ, કામના અનિશ્ચિત કલાકો વગેરે બાબતે ચિંતા પણ વ્યક્ત કરી છે.
પુસ્તકમાં આવી અનેક બાબતે પર પ્રકાશ ફેંકતી ચર્ચાઓ ઉપરાંત કેટલીક અજાણી માહિતી પીરસતા નહેરુ, આંબેડકરના બીજાં પત્નિ માઇસાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, ઠક્કરબાપા, જલિયાંવાલાબાગના હત્યાકાંડ પરથી ‘ખૂની બૈસાખી’ કવિતા લખનાર નાનકસિંહ વગેરે જેવા બાર વ્ચક્તિવિશેષોના ચંદુભાઇએ કરેલા આલેખનોનો પણ સમાવેશ છે.
*
એક સમયે વિવિધ મુદ્દે અખબારોમાં છેડાયેલી ચર્ચાઓના પડઘા ગલીના નાકે અને ગામને ચોતરે પડઘાતા. દ્રશ્ય સામગ્રી પર આધારિત ટીવી અને મોબાઇલની હોડમાં ઝંપલાવી અખબારોએ ‘વાચક’ને ‘દર્શક’ બનાવવા સાથ આપ્યો. લોકોની વાંચનરૂચિ ઘડતા લખાણનું સ્થાન માનુનીઓની તસવીરોએ રોક્યું. વેચાણ વધારવા અને નંબર વનની દોડમાં અખબારોએ માર્કેટીંગના અવનવા નુસખાની અજમાયશ કરી એક સમયના ‘વાચક’ને ક્રમશઃ ‘ગ્રાહક’માં તબદીલ કરી દીધો! પુસ્તક ચોતરફના આરંભે લેખક ચંદુભાઇએ કેફિયતમાં સખેદ એ મતલબની નોંધ આપી છે કે, એક સમયે દરેક રીતે ‘જગાડવા’નું કાર્ય કરતા અખબારો આજે એ બરના રહ્યા નથી. જો કે તેમાં ‘ચોતરફ’ સુખદ અપવાદોમાંની એક કટાર છે.
આ પુસ્તક વાંચતા સમજાય છે કે પંડીતાઇના દેખાડા રહિતની વિદ્વતા તથા આડંબર રહિતની રજૂઆત ચંદુભાઇના લેખનનુ આગવું પાસું છે. આ એક બેઠકે વાંચી કાઢવાનું પુસ્તક નથી; બલકે વાંચ્યા બાદ મનન કરવાથી લખાણોનું હાર્દ સમજાય છે. લેખકની તટસ્થતા તેમજ સ્પષ્ટતા ઉડીને આંખે વળગે છે. લેખકે વિવિધ મુદ્દાઓ ચર્ચા કરી છોડી નથી દીધા, પણ લેખના સમાપનમાં તેનું મૂળ તથા શું કરવું ઘટે એ પણ સૂચવ્યું છે. પુસ્તકના આરંભે ચંદુભાઇએ આલેખેલા જીવનવૃતાંતના અત્યંત ટૂંકા છતાં સચોટ પરિચયમાં તેમના આ ઘડાયેલા લેખનનો રાઝ જાણવા મળે છે. તેઓએ નોંધ્યું છે કે “તેમણે કશાં વિચારબંધનો ને વાચનપ્રતિબદ્ધતા વિના તમામ ‘વાદ’ના પુસ્તકો, છાપાનાં તંત્રીલેખો તથા ખાસ કરીને પ્રકાશ શાહ, ભાનુભાઇ અધ્વર્યુ જેવા એક કરતાં વધુ લેખકોના દ્રષ્ટિકોણ જાણવા, તેના આધારે પોતાનો દ્રષ્ટિકોણ વિકસાવવા પર ધ્યાન આપ્યું છે.” પુસ્તકના પ્રારંભે સંજય સ્વાતિ ભાવેએ પુસ્તક ‘ચોતરફ’ને આવકારતો અને મુદ્દાસર પરિચય આપતો લેખ લખ્યો છે, જેમાં તેમણે ચંદુભાઈની કાર્યશૈલીનો સુપેરે પરિચય કરાવ્યો છે. તેમાં સહર્ષ નોંધ્યું છે કે “છાપાંના લેખો છીછરા હોય છે એવી છાપને દૂર કરનારાં જૂજ ગુજરાતી પુસ્તકોમાંનું આ એક પુસ્તક છે.” પુસ્તક વાંચતા આ ટીપ્પણી સર્વથા યોગ્ય જણાય છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
ચોતરફ: ચંદુભાઇ મહેરિયા
પૃષ્ઠસંખ્યા : 196
કિંમત : રૂ. 230/
આવૃત્તિઃ પ્રથમ આવૃત્તિ-2022પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : સાર્થક પ્રકાશન; 14 ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર સામે, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, વાસણા, અમદાવાદ-390007 | વીજાણુ સંપર્કઃ spguj2013@gmail.com ; http://www.saarthakprakashan.com
વિક્રેતા: બુક શેલ્ફ; 16 સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૩ – અંશ : ૩
આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર
પણ સમજવું તો જોઇએ
દિવ્યભાષ સી. અંજારીઆ
પ્રકરણ # ૩ – અંશ : ૨ થી આગળ
સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રનાં પરિપ્રેક્ષ્યમાં ખર્ચાઓ અને લાભાલાભનું વિશ્લેષણ
વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ ઘણી આર્થિક બાબતો વિશે આગાહીઓ કરવામાં ખોટા પડતા હોય છે. તો, સંસાધનોના વપરાશની સામે લાભોની આપણી અપેક્ષાઓ જેવી કેટલીય બાબતોમાં તેઓ સાચા પણ પડતા હોય છે. આપણને સમજાય એવી ભાષામાં એમ કહી શકાય કે અર્થશાસ્ત્રનું વિજ્ઞાન, તત્ત્વતઃ, ખર્ચાઓ અને લાભાલાભનું વિશ્લેષણ છે. જે મુજબ અર્થશાસ્ત્રીઓ એમ માનવા, અને અનુમાન કરવા, માગતા હોય છે, કે તર્કને અનુસરતાં માનવીઓ તરીકે આપણે ઓછામાં ઓછે ખર્ચે વધારેમાં વધારે લાભ મેળવવા માગતાં હોઈએ છીએ. ઘણે અંશે, આ અનુમાન સાવ ખોટું પણ નથી.
ખર્ચાઓ અને લાભાલાભનાં વિશ્લેષ્ણનો દૃષ્ટિકોણ પોતે ખોટો નથી, પણ અર્થશાસ્ત્રીઓ અર્થવ્યવસ્થાનાં માપનનાં મૂળમાં માત્ર નાણાં હોવાની બાબતે ખોટા પડતા હોય છે. એમના માટે નાણાં એ ફક્ત વિનિમયો માટેના સર્વમાન્ય આધારને બદલે, કે પછી વિનિમયોને સરળ કરી આપનાર સાધનને બદલે, અર્થશાસ્ત્રનાં દરેક પાસાંનો અનિવાર્ય આધાર છે.
પરિણામે, ખર્ચ અને લાભાલાભનાં સહિતનાં અર્થવ્યવસ્થાનાં બધાં જ વિશ્લેષણો નાણાંને પ્રાથમિક સંદર્ભ ગણીને જ કરાતાં હોય છે. માનવી તર્કસંગત પ્રાણી છે તે પૂર્વાનુમાનની સાથે ખર્ચા અને લાભાલાભની બધી ગણતરીઓમાં નાણાને જ આધાર ગણી લેવાથી આપણી સાથેના વ્યવહારોની બાબતમાં અર્થશાસ્ત્રીઓ મુશ્કેલીમાં આવી પડતા હોય છે. આચરણમૂલક અર્થશાસ્ત્રીઓ પણ આપણી વર્તણૂકોને નાણાના સંદર્ભના તર્કની દૃષ્ટિ જ જોતા હોય છે અને અભ્યાસ કરતા હોય છે. કલ્પનાશીલ રચનાત્મકતાથી દોરવાતાં આપણા જેવાં આર્થિક નિર્ણયકર્તાઓનાં ઘણા નિર્ણયો નાણાના આધાર સિવાયના, બિનતાર્કિક, હોય છે. આપણા જેવાં બિનઅર્થકારણી સામાન્ય લોકો પોતાની મરજીના માલિક હોય છે. એમને દરેલ બાબતોમાં નાણાની જ પરવા નથી હોતી કે નથી તો દરેક વખતે તેઓ ખર્ચા અને લાભાલાભની ગણતરીઓ કરતાં. તેનું સીધું એક પરિણામ એ આવે છે કે અર્થશાસ્ત્રીઓ આપણી બધી વર્તણૂકોની સાચી આગાહીઓ તો નથી જ કરી શકતા પણ આપણા નાણાને કેંદ્રમાં રાખ્યા સિવાયના આપણા અંગત નિર્ણયોની સામુદાયિક અસરો જેમના પર પડતી હોય છે એવાં સામુહિક સ્તરનાં અર્થશાસ્ત્રની બધી ઘટનાઓની પણ તેઓ ચોક્કસપણે આગાહી નથી કરી શકતા.
સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રની આપણને જરૂર પણ છે
આપણે જે અર્થવ્યવસ્થામાં રહીએ છીએ તેને અર્થશાસ્ત્રીઓ માલની ખપત, ઘરેલુ બચત, રોકાણો કે તેનાં પરનાં વળતરો અને નાણાંનાં ભાવિ મૂલ્યો જેવી બાબતોના સંદર્ભોમાં સામુહિક સ્તરે જ જુએ અને સમજે છે. જોકે એ સ્તરનાં તેમનાં ઘણાં તારણો, તેમની કેટલીક આગાહીઓ અને તેમની મોટા ભાગની ચિંતાઓ આપણને વ્યક્તિગત સ્તરની આપણી ખુશીઓ અને આપણી જીવન વ્યવસ્થાને કંઈકને કંઈક અંશે અસર પણ કરે છે. જેમકે, ભાવવધારાની આપણી ખરીદશક્તિ પરની કે આપણા રોકાણોનાં અસરકાર વળતર પરની અસરો.
બહુ સરળ ભાષામાં એમ કહી શકાય કે અર્થશાસ્ત્રીઓના અભ્યાસોનું હાર્દ નાણાકીય ખર્ચાઓ અને તેની સામેના નાણાકીય લાભાલાભોનાં વિશ્લેષણ સાથે સંકળાયેલું રહેતું હોય છે. આપણે જે સંસાધનો વાપરીએ છીએ કે જે નાણાકીય ‘ખર્ચા’ કરીએ છીએ તેમાં કઈ રીતે મહત્તમ ‘મૂલ્યવર્ધન’ કરવાથી આપણને વધારેમાં વધારે લાભ મળે તેનું મહત્ત્વ તેમના સામુદાયિક સ્તરના અભ્યાસોમાં વધારે હોય છે. એ લોકો જે સામુદાયિક સ્તરે જે બાબતોની શોધમાં રહે છે એ જ બાબતો, ભલે અલગ પ્રકારે, આપણને આપણાં વ્યક્તિગત સ્તરે પણ પ્રસ્તુત રહે છે.
સામુદાયિક સ્તરનાં અર્થવ્યવસ્થાનાં પરિબળો વિશે આપણે સામુદાયિક અર્થશાસ્ત્રનાં સરળમાં સરળ મોડેલને સમજી લીધા પછીથી મોડેથી વાત કરીશું.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનના પદાર્થપાઠો અનુસાર આપણી આગવી અર્થવ્યવસ્થાના નિયમોની ગોઠવણી
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનના પદાર્થપાઠો શીખવાની શરૂઆત આપણે અર્થવ્યવસ્થાનાં માળખાંને સમજવાથી કરવી જોઈશે. ખર્ચ ને લાભાલાભનાં વિશ્લેષણ અર્થશાસ્ત્રનાં માળખાનું એક એવું સરળ પાસું છે જે આપણે બહુ ભારીખમ આર્થિક સિદ્ધાંતોની જંજાળમાં પડ્યા સિવાય પણ આપણાં અંગત જીવનમાં અપનાવી શકીએ તેમ છીએ.
આર્થિક જેલની અંદરનાં, અને બહારનાં પણ, જીવનને સ્પર્શતા સામુદાયિક અર્થતંત્રના અન્ય આવશ્યક સિદ્ધાંતોને આપણે જરૂરથી સમજીશું. પરંતુ એમ કરીને આર્થિક જેલની કોટડીમાં આપણે ગોંધાઈ નથી રહેવું. એ સિદ્ધાંતોની જ મદદથી જ્યાં નાણાની જરૂર નથી એવાં, જેલરને પણ સ્વીકાર્ય એવાં, ખુલ્લાં આકાશની નીચે વહેતી તાજગીભરી હવાની લહેરખીઓમાં આપણે ભમવું છે. નાણાની જાળમાં વીટાલાયેલા જેલના નિયમો આપણે પાળવા છે તે જેટલું સાચું છે એટલું જે નાણાં સિવાયનાં આપણાં જીવનનાં પાસાંઓ વડે આપણા જીવનને સંવારવાનું સાચું છે.
એટલે, અર્થશાસ્ત્રનાં માળખાંની અંદર રહીને આપણે આપણા પોતાના નિયમોથી ચાલતી આપણી આગવી અર્થવ્યવસ્થાની દુનિયાને વિકસાવવાની છે અને તેને અનુરૂપ થઈને આપણાં જીવનને ઘડવાનું છે.
આપણી અર્થવ્યવસ્થા અનુસાર અર્થશાસ્ત્રનાં મૂળભુત માળખાંની ગોઠવણી
અર્થશાસ્ત્રીઓનાં ખર્ચ અને લાભાલાભનાં વિશ્લેષણનાં મૉડેલને આપણે આપણી અંગત અર્થવ્યવસ્થાના ઢાંચામાં ગોઠવાવાની સાથે સાથે આપણે આપણાં બીનનાણાકીય સાધનોના વપરાશના ખર્ચા અને જીવનમાં સુખની આભા ફેલાવતા તેમાંથી મળતા બીનનાણાકીય લાભાલાભના હિસાબ પણ આપણે માંડીશું.
આપણી પાસે ઉપલબ્ધ એવાં અનેક સંસાધનોને અસરકારક રીતે કામે લગાડીને આપણાં સુખનાં આપણાં પોતાનાં લક્ષ્યોને આપણે સિદ્ધ કરીશું.
સુખના આપણા અન્ય અનેક સંભવિત લાભાલાભની ગણત્રીઓ આપણે માત્ર રૂપિયા પૈસામાં જ નહીં પણ બીનનાણાકીય પ્રમાણો અનુસાર પણ કરીશું.
બીજા શબ્દોમાં કહીએ તો અર્થશાસ્ત્રીનાં નાણાકીય ખર્ચને લાભાલાભનાં સરળ મૉડેલને અપનાવીને આપણે આપણા જીવનના હિસાબ રૂપિયા આના પુરતા મર્યાદિત નહીં કરી નાખીએ, પણ સંસાધનોના વપરાશનાં ખર્ચનાં તેમ જ તેમાંથી પરિણમતા લાભાલાભનાં દરેક શક્ય પરિમાણોના સંદર્ભમાં ગણત્રીઓ માંડીશું.
હવે પછી આપણી પાસે કયાં કયાં સંસાધનો છે, નાણાના પ્રભાવને હાવી થવા દેવા સિવાય તેમને કેમ કામે લગાડવાં અને આપણાં વ્યક્તિગત જીવનને સ્પર્શતા તેમાંથી પરિણમતા નાણકીય અને બીનનાણાકીય લાભો કયા હોઈ શકે તેની વાત કરીને આ પ્રકારણ પુરૂં કરીશું.
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
મહિલાઓને પીરિયડ લીવ આપવી વાજબી છે ?
નિસબત
ચંદુ મહેરિયા
વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી, સરકારની નીતિ વિષયક બાબત ગણાવી, સર્વોચ્ચ અદાલતે સુનાવણી માટે સ્વીકારી નથી. જોકે અન્ય પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટે માસિકસ્ત્રાવ દરમિયાનની સ્વચ્છતા અંગે સમાન રાષ્ટ્રીય નીતિ ઘડવા અને તમામ સ્કૂલ ગલ્સને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવા નિર્દેશ આપ્યો છે. તેને કારણે માસિકસ્ત્રાવ, મોનોપોઝ, પીરિયડ લીવ અને સેનેટરી નેપકિન જેવી શરમ અને સંકોચને કારણે ભાગ્યે જ જાહેરમાં ચર્ચાતી બાબતો સપાટી પર આવી છે.
મલયાલમ લેખક પી. ભાસ્કર રુન્નીના પુસ્તક ‘ કેરલ ઈન નાઈનટીન્થ સેન્ચુરી’માં ઈ.સ. ૧૯૧૨માં કેરળના કોચીન રજવાડાના( હાલનો અર્નાકુલમ જિલ્લો) ત્રિપુનથુરા ગામની સરકારી કન્યા શાળાએ વાર્ષિક પરીક્ષામાં પણ મહિલા શિક્ષકો અને વિધ્યાર્થીઓને પીરિયડ લીવ આપી હોવાનો ઉલ્લેખ છે. સોવિયત સંઘે ઈ.સ. ૧૯૨૨માં નેશનલ પોલિસી થકી મહિલા કામદારોને માસિકસ્ત્રાવની રજા આપી હતી. આ તો હવે સદી પુરાણી વાત થઈ.
પણ નવેમ્બર ૧૯૯૧માં મુખ્યત્વે કેન્દ્રના ધોરણે પગાર અને પગાર વિસંગતતા નાબૂદી માટેના બિહારના સરકારી કર્મચારીઓના આંદોલનની એક ગૌણ માગણી મહિલા કર્મચારીઓને માસિકસ્ત્રાવની પીડાના દિવસોની સવેતન ખાસ રજા આપવાની હતી. માધ્યમોએ ગંવાર તરીકે ચિતરેલા લાલુપ્રસાદ યાદવ તે સમયે બિહારના મુખ્યમંત્રી હતા. કર્મચારી આગેવાનો સાથે મંત્રણાના મેજ પર લાલુપ્રસાદે પીરિયડ લીવની માંગણી ક્ષણના ય વિલંબ વિના સ્વીકારી લીધી હતી. અને ૧૯૯૨ની પહેલી જાન્યુઆરીથી તેનો અમલ થઈ રહ્યો છે.
પછાત, સામંતી અને બીમારુ રાજ્ય બિહારના મહિલા કર્મચારીઓ લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પીરિયડ લીવ મેળવે છે.પરંતુ ભારતનું એકેય પ્રગતિશીલ, વિકસિત કે વાઈબ્રન્ટ રાજ્ય જમાના કરતાં આગળના બિહારના આ પગલાંનું અનુકરણ કરી શક્યું નથી. (અપવાદરૂપે હજુ હમણા કેરળની સામ્યવાદી સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની છાત્રાઓને પીરિયડ લીવ આપવાનું ઠરાવ્યું છે ) એટલે દુનિયાના લગભગ એકાદ ડઝન દેશોમાં મહિલાઓને માસિકસ્ત્રાવના દુખાવા માટે ખાસ રજા મળે છે અને તાજેતરમાં સ્પેનની સંસદે આ માંગ સ્વીકારતાં તે પીરિયડ લીવ આપનારો પહેલો યુરોપિયન દેશ બન્યો છે. તેની યાદ ભારતને આપવાનો અર્થ નથી.
તમામ મહિલાઓ દર મહિને એકાધિક દિવસોની માસિકસ્ત્રાવની પીડા ભોગવે છે. એક મહિલા તેની જિંદગીના કુલ વરસોમાંથી સરેરાશ દસ વરસ કે ત્રણ હજાર પાંચસો દિવસ માસિકની પીડા વેઠે છે. તેમાં બે વરસનો ગાળો તો ભારે મુશ્કેલ હોય છે. તેમાં અસહ્ય પીડા, દર્દ અને રક્તસ્ત્રાવ સહેવા પડે છે. આ વિષયના એક વિદેશી નિષ્ણાતના મત પ્રમાણે માસિકનો દુ:ખાવો હ્રદય રોગના હુમલા જેટલો હોય છે. માસિકના દિવસોમાં લગભગ ૨૦ ટકા મહિલાઓ તો ચાલી પણ શકતી નથી. મહિલાઓ જે શારીરિક-માનસિક મુશ્કેલીઓ ભોગવે છે તેમાં માથું, પેટ અને પગનો દુખાવો, શરીરમાં કળતર, ઉલટી, તાવ, ચક્કર , ચીડિયાપણું, બેચેની, મૂડ ખરાબ હોવો, ઉંઘ અને ભૂખ ઘટવાં જેવી બાબતોનો સમાવેશ થાય છે.
મહિલાઓને આ દિવસોમાં આરામની સખત જરૂર હોય છે એટલે જો તે આ સમયે કામ કરે તો કામને અને મહિલાને બંનેને અસર થાય છે. તેને કારણે કામની ગુણવત્તા જોખમાય છે અને ઉત્પાદન ઘટે છે. જો માસિકના દુખાવાની પીડાના સમયે તેને રજા કે આરામ મળે તો પછીના દિવસોમાં તે વધુ સારી રીતે કામ કરી શકે છે અને ધાર્યું ઉત્પાદન થઈ શકે છે. એટલે મહિલા અને નોકરીદાતાના લાભમાં છે કે તેને આરામ કે રજા મળે.
કામગરા દેશની વાજબી છાપ ધરાવતા જાપાનમાં ૧૯૪૭થી મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે છે. માસિકસ્ત્રાવ અને તેની પીડા એક જૈવિક પ્રક્રિયા છે. મહિલાઓ આ દિવસો અને તેની પીડા વિશે ખુલીને પુરુષકર્મી સાથે સહજતાથી વાત કરી શકતી નથી. ઘણી મહિલાઓ રજોનિવ્રુતિકાળની મુશ્કેલીઓને કારણે નોકરી છોડે છે. દેશમાં સરેરાશ ૫૭.૬ ટકા મહિલાઓ જ સેનેટરી પેડ વાપરે છે. બાકીનાને તે પોસાય તેમ નથી તેથી તેઓ હાથવગા ઉપાય કરે છે. દેશની શ્રમિક અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને પીડા વેઠીને પણ કામ કરવું પડે છે. નહીં તો તેને ભૂખે મરવું પડે છે.
આમ પણ સવેતનિક કામ માટે મહિલાઓની પસંદગી ઓછી જ થાય છે. ૧૯૬૧ના માતૃત્વ લાભ અધિનિયમ પ્રમાણે મહિલાકર્મીને પ્રસૂતિ, ગર્ભપાત, ફેમિલીપ્લાનિંગ સર્જરી જેવા કારણોસર પેઈડ લીવ આપવી નોકરીદાતાને ગમતી નથી. જો તેમાં પીરિયડ લીવ ઉમેરાય તોમહિલાઓને શાયદ નોકરીએ જ ના રાખે..આ સૌથી મોટો ગેરફાયદો છે. જાપાનમાં કાયદા છતાં પાત્રતા ધરાવતી ૦.૯ ટકા મહિલાઓ જ પીરિયડ લીવનો લાભ લે છે.તે હકીકત પણ નજરઅંદાજ કરવા જેવી નથી.
જોકે સ્ત્રી-પુરુષ સમાનતાની દ્રષ્ટિએ આ માંગનો વિરોધ યોગ્ય નથી. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે, બાળક્ને જન્મ આપે છે, માસિક્ની પીડા વેઠે છે. આ કશું ય પુરુષને ભાગે આવતું ના હોઈ સમાનતાની આડ લેવી યોગ્ય નથી. માસિકની રજા મહિલાઓનો કાનૂની અને માનવીય અધિકાર છે અને તે તેમને આરામ અને રાહત આપશે તે નિર્વિવાદ છે. દેશની દોઢ ડઝન ખાનગી કંપનીઓ અને બિહાર રાજ્ય જો પીરિયડ લીવ આપતાં હોય તો બીજા પણ આપી શકે.
પીરિયડ લીવના મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. સંસદમાં આ અંગેના બે બિનસરકારી વિધેયકો પર સરકારનો અભિગમ નકારાત્મક હતો.. લોકસભામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રવર્તમાન કાયદાનો હવાલો આપીને માંગ નકારી છે. તો આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે માસિકસ્ત્રાવને સામાન્ય શારીરિક પ્રક્રિયા ગણાવીને ગંભીર પીડા કે મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓનું પ્રમાણ ઓછું છે તેમ જણાવી રજાની માંગણી ઈન્કારી છે. કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુ માસિકના ગાળાને મહિલાઓ માટે ઈમોશનલ રોલર કોસ્ટર જેવો ગણાવે છે ખરા પણ રજા તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પૂરતી જ આપે છે !
મહિલાઓની માસિક્સ્ત્રાવની રજાની માંગ સ્વીકારીને સરકાર કદાચ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં મહિલાલક્ષી સવલતો અને સુધારા કરવામાંથી મુક્તિ મેળવી લેશે. વળી બહુ મોટો ગરીબ મહિલાઓનો વર્ગ તો તેમાંથી બાકાત હશે.સિંદૂર, કાજલ, ચાંદલો જેવા મહિલા સોંદર્યપ્રસાધનના સાધનો જીએસટી મુક્ત હોય પણ સેનેટરી નેપકિન જીએસટીયુક્ત હોય તેવી સરકારી નીતિ અને માસિક્સ્ત્રાવની જૈવિક પ્રક્રિયાને પણ ધર્મ સાથે જોડી માસિકધર્મ તરીકે ઓળખાવતા સમાજ સામે મહિલાઓએ અનેક મોરચે લડવાનું છે. એટલે સરકારસહિતના સમગ્ર સમાજની સંવેદનશીલતા જરૂરી છે
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
લક્ષ્ય સિદ્ધિ – યોગવિધિ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
પ્રાચીન ભારતની શિક્ષણ પદ્ધતિ કેવળ પુસ્તક આધારિત હતી જ નહિ..તમામ પ્રકારની વિદ્યા અને જીવન ઘડતર પણ શિક્ષણનો જ ભાગ હતો.આ વાત આપણે વારંવાર જાણીએ -સાંભળીએ છીએ શિક્ષણમાં પૂર્વતૈયારી રૂપે સજ્જ થવું આવશ્યક છે.અમૃતનાદ ઉપનિષદ આ રીતે પ્રારંભ કરે છે. शास्त्राण्यधीत्य मेधावी अभ्यस्य च पुनः पुनः । ‘જ્ઞાનવાન મનુષ્યનું એ કર્તવ્ય છે કે શાસ્ત્રાદિનું અધ્યયન કરીને વારંવાર અભ્યાસ કરતા રહેવું .અને આગળ કહે છે કે ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् ।.’ ૐ કાર રૂપી રથમાં આરૂઢ થઇ,ભગવાન વિષ્ણુને સારથી બનાવી પરમપદનું ચિંતન કરતાં કરતાં જ્ઞાની પુરુષ ઉપાસનામાં તલ્લીન રહે.’ લક્ષ્ય પ્રાપ્તિ માટે સ્પષ્ટ કહે છે કે ‘ જ્યાં સુધી એ ( પ્રણવરૂપી ) રથ દ્વારા ત્યાં સુધી ચાલવું જોઈએ, જ્યાં સુધી રથને ચાલવા યોગ્ય માર્ગ પૂર્ણ ન થાય.’ स्थित्वा रथपथस्थानं रथमुत्सृज्य गच्छति|
યોગ અને પ્રાણાયામ વિષે ભારતનો સામાન્ય નાગરિક તો છેલ્લા થોડાં વર્ષોથી જ સુપરિચિત થયો છે.પરંતુ યોગ અને પ્રાણાયામની આવશ્યકતા અને ઉપયોગીતાનું મૂલ્ય તો આપણા તમામ પ્રાચીનશાસ્ત્રોમાં છે જ. ઉપનિષદોમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ છે.અને શ્રેષ્ઠ તન અને શ્રેષ્ઠ મન માટેની તેની પ્રાથમિક જરૂરિયાત બતાવીને તેનાથી પ્રાપ્ત અંતિમ લક્ષ્ય પણ જણાવ્યું છે. કૃષ્ણ યજુર્વેદ સંબંધિત અમૃતનાદ ઉપનિષદ યોગની વ્યાખ્યાથી માંડી પુરેપુરી સમજ પાડે છે. અહીં આ મંત્રમાં યોગની પૂર્ણ વ્યાખ્યા કરવામાં આવી છે.प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।sतर्कश्चैव समाधिश्च षडङ्गो योग उच्यते ॥ ‘પ્રત્યાહાર ,ધ્યાન,પ્રાણાયામ ,ધારણા તર્ક અને સમાધિ આ છ અંગોથી ચુસ્ત સાધનાને યોગ કહેવામાં વાવે છે.’
પ્રાણાયામથી થતા શ્રેષ્ઠ લાભોને એક નક્કર ઉદાહરણથી સમજાવીને સાધકની શ્રદ્ધા વધારે છે.’ અગ્નિમાં તપાવવાથી સોનુ વગેરેનો મેલ ભસ્મ થાય તેમ સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલ દોષ, પ્રાણાયામની પ્રક્રિયા કરવાથી ભસ્મ થઇ જાય છે.’ यथा पर्वतधातूनां दह्यन्ते धमनान्मलाः। तथेन्द्रियकृता दोषा दह्यन्ते प्राणनिग्रहात् ॥
પ્રાણાયામની જેમ જ યોગ્ય રીતે કરેલ ધારણા.ધ્યાન, પ્રત્યાહારથી પણ થતા ઉત્તમ લાભ કહીને સાધકનું આત્મબળ અને સાથે યોગ વિશેની મહત્તા વધારે છે. प्राणायामैर्दहेद्दोषान्धारणाभिश्च किल्बिषम् । प्रत्याहारेण संसर्गाद्ध्यानेनानीश्वरान्गुणान् ॥ किल्बिषं हि क्षयं नीत्वा रुचिरं चैव चिन्तयेत् ॥ પ્રાણાયામથી જેમ દોષ વિકાર જાય તેમ ધારણાના માધ્યમથી પાપો ,પ્રત્યાહારથી ઇન્દ્રિય સંસર્ગથી ઉત્પન્ન દોષો,અને ધ્યાન દ્વારા અનીશ્વરીય ગુણોનો નાશ થાય છે .અને આ પ્રમાણે સંચિત પાપો અને કુસંસ્કારોનું શમન કરતાં કરતાં પોતાના ઇષ્ટનું ચિંતન કરવું.’
सव्याहृतिं सप्रणवां गायत्रीं शिरसा सह । त्रिः पठेदायतप्राणः प्राणायामः स उच्यते આ શુદ્ધ પ્રાણાયામની વ્યાખ્યા કરીને ‘રેચક’, ‘પૂરક’ અને કુંભક વિષે પણ સ્પષ્ટ સમજણ અહીં અપાઈ છે. (નાક વાટે ) પ્રાણવાયુને બહાર કાઢીને મન સ્થિર કરવું તે ‘રેચક’, शून्यभावेन युञ्जीयाद्रेचकस्येति लक्षणम् ॥ ધીમી ગતિથી પ્રાણવાયુને પોતાનાં અંતઃકરણમાં ધારણ કરે તે ‘પૂરક’ નું લક્ષણ છે. एवं वायुर्ग्रहीतव्यः पूरकस्येति लक्षणम् ॥ અને શ્વાસને ન તો અંદર ખેંચવામાં આવે અને ન તો બહાર કાઢવામાં આવે તથા શરીરમાં કોઈ જાતની હલચલ પણ ન કરવામાં આવે .આ રીતે પ્રાણવાયુને રોકવાની પ્રક્રિયાને ‘ કુંભક ‘ પ્રાણાયામનું લક્ષણ કહે છે. नोच्छ्वसेन्न च निश्वासेत् गात्राणि नैव चालयेत् । एवं भावं नियुञ्जीयात् कुम्भकस्येति लक्षणम् ॥
પ્રાણાયામથી આગળ ધારણાની દ્રઢતા માટેનો અમૃતનાદ ઉપનિષદનો આગ્રહ પણ કેવો અદભુત છે. मनः सङ्कल्पकं ध्यात्वा संक्षिप्यात्मनि बुद्धिमान् । धारयित्वा तथाऽऽत्मानं धारणा परिकीर्तिता ॥ ‘બુદ્ધિમાન મનુષ્ય મનને સંકલ્પિત કરી આત્મામાં લય કરી દે પછી એ આત્મારૂપી સદબુદ્ધિને પણ પરમાત્મ સત્તાના ધ્યાનમાં સ્થિર કરી દે. આ રીતની ‘ધારણા;ની સ્થિતિ કહે છે..’ ‘તર્ક’ સંગત વિચાર કરી ,ભૌતિક પદાર્થોને તુચ્છ માનીને મન સ્થિર કરે તેને ‘સમાધિ’ કહે છે.समं मन्येत यं लब्ध्वा स समाधिः प्रकीर्तितः ॥
તમામ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ નીતિ નિયમોનો હંમેશ આગ્રહ ઉપનિષદ રાખે જ છે.તો અને તો જ ઉત્તમ પરિણામ મળે .યોગ,પ્રાણાયામનો પ્રારંભ કરવા પહેલાની પૂર્વશરતો વિષે અમૃતનાદ ઉપનિષદ સ્પષ્ટ છે. શરૂઆત સ્થળથી થાય.’ ભૂમિને સ્વચ્છ ,સમતળ અને સર્વદોષથી વિમુક્ત કરીને પછી જ પ્રારંભ કરવો’. भूमिभागे समे रम्ये सर्वदोषविवर्जिते । પદ્માસન,સ્વસ્તિકાસન કે ભદ્રાસનમાં ઉત્તરાભિમુખ બેસીને પ્રાણાયામ કરવાનું સૂચન છે. पद्मकं स्वस्तिकं वापि भद्रासनमथापि वा ।बद्ध्वा योगासनं सम्यगुत्तराभिमुखः स्थितः ॥
અને શરૂઆત કરવાની સૂચનામાં પણ પદ્ધતિની ઝીણામાં ઝીણી બાબત મંત્રમાં કહેવામાં આવી છે ‘નાસિકાના જમણા છિદ્રને એક આંગળીથી બંધ કરી બીજાન ખુલ્લા છિદ્રથી વાયુ ખેંચી ,પછી બંનેય નાસિકા બંધ કરીને એ પ્રાણવાયુને ધારણ કરો.અને એ સમયે તેજ સ્વરૂપ શબ્દ ( ૐ કાર ) નું ચિંતન કરો..’ नासिकापुटमङ्गुल्या पिधायैकेन मारुतम् ।आकृष्य धारयेदग्निं शब्दमेवाभिचिन्तयेत् ॥ અને બહુવાર તેનું ઉચ્ચારણ કરતાં કરતાં રેચક ( વાયુ ધીરે ધીરે બહાર કાઢીને ) કરતી વખતે ચિત્તના મેલ ( વિકાર ) દૂર કરવા. कुर्यादात्ममलच्युतिम् ॥ કરેલા નિયમિત પ્રાણાયામના તુરંત અને ઉત્તમ ફળ માટે કેટલીક આવશ્યક વાત કહી છે.स्थिरस्थायी विनिष्कम्पः સાધક સ્થિરતાપૂર્વક અને નિષ્કમ્પ ભાવથી બેસીને અભ્યાસ, પહેલેથી સુનિશ્ચિત્ત યોજના અનુસાર કરે તો તાડના વૃક્ષની જેમ થોડા જ સમયમાં ફળ મળે છે.. तालमात्राविनिष्कम्पो धारणायोजनं तथा ।
શ્રેષ્ઠત્તમ યોગાભ્યાસ પછીની ગતિ માટે અમૃતનાદ ઉપનિષદ આગળ કહે છે કે ‘વાયુના પ્રવેશનો માર્ગ હૃદય છે, એ દ્વારા જે પ્રાણ સુષુમ્ણાના માર્ગમાં પ્રવેશે છે.એનાથી ઉપર ઉર્ધ્વગમન કરવાથી સહુથી ઉપર મોક્ષનું દ્વાર, બ્રહ્મરંધ્ર છે.યોગીઓ તેને સૂર્યમંડળ રૂપમાં ઓળખે છે.’ हृद्द्वारं वायुद्वारं च मूर्धद्वारमतः परम् । मोक्षद्वारं बिलं चैव सुषिरं मण्डलं विदुः ॥
‘ કઠોર તપસ્યા તો હોવી જ જોઈએ.ભય ક્રોધ,આળસ,વધારે ઊંઘવું,વધારે જાગવું,વધારે ભોજન કરવું,અથવા તો બિલકુલ નિરાહાર રહેવું વગેરે દુર્ગુણો યોગી હંમેશ છોડી દે છે ‘ એમ પણ એક મંત્રમાં ભાર મૂકે છે અને ‘જો આ રીતે નિયમપૂર્વક જે કોઈ સાધક ઉત્તરોત્તર પ્રગતિ કરતો, નિયમિત અભ્યાસ કરે તો એને ત્રણ માસમાં જ જ્ઞાન પ્રાપ્તિ થઇ જાય તેમાં સંશય નથી.’ એવું વચન અમૃતનાદ ઉપનિષદ આપે છે.अनेन विधिना सम्यङ्नित्यमभ्यसतः क्रमात् । स्वयमुत्पद्यते ज्ञानं त्रिभिर्मासैर्न संशयः ॥ ‘ અને ચાર માસમાં દેવદર્શન ,પાંચ માસમાં દેવગણ સમાન સામર્થ્યવાન ,છ માસમાં પોતાની ઇચ્છાનુસાર નિઃસંદેહ કૈવલ્ય ( મોક્ષ ) ને મેળવવા સમર્થ બની જાય છે.’
चतुर्भिः पश्यते देवान्पञ्चभिस्तुल्यविक्रमः । इच्छयाप्नोति कैवल्यं षष्ठे मासि न संशयः ॥ આ તાકાત કેવળને કેવળ ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્ર સિવાય કોની પાસે હોઈ શકે ?
એ જ રીતે આગળના મંત્રોમાં ધારણાની પ્રક્રિયા આપીને અમૃતનાદ ઉપનિષદ કહે છે,’ આ રીતે પ્રણવની ધારણા દ્વારા પંચભૂતો પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરે છે.’ વેદકાળના ગણિતની મજા તો જુઓ.પ્રાણવાયુના આશ્રયરૂપ શ્વાસ સાડી ત્રીસ આંગળ લાંબો છે બાહ્ય પ્રાણમાં એક લાખ તેર હજાર છસો એંસી નિઃશ્વાસનું આવાગમન એક દિવસ અને રાત્રિમાં થાય છે. अशीतिश्च शतं चैव सहस्राणि त्रयोदश । लक्षश्चैकोननिःश्वास अहोरात्रप्रमाणतः ॥ અને તે શરીરના ક્યાં અંગમાં,ક્યાં રંગ કે સ્થિતિમાં રહે તે પણ અહીં બતાવાયું છે.જેમ કે લાલ રંગમાં મણિ સમાન रक्तवर्नो मणिप्रख्यः અને નાભિમાં તો ગાયના દૂધ જેવો શુભ્ર કાંતિયુક્ત છે. समानस्तु द्वयोर्मध्ये गोक्षीरधवलप्रभः ।
સાચા યોગીની ઉચ્ચત્તમ સ્થિતિથી અમૃતનાદ ઉપનિષદ પોતાની વિચારધારાનું સમાપન કરે છે. यस्येदं मण्डलं भित्वा मारुतो याति मूर्धनि । यत्र तत्र म्रियेद्वापि न स भूयोऽबिजायते । न स भूयोऽभिजायत इत्युपनिषत् ॥ જે શ્રેષ્ઠ યોગી કે સાધકનો પ્રાણ આ મંડળનું વેધન કરીને મસ્તકમાં પ્રવેશી જાય છે, તે પોતાના શરીરનો ગમે ત્યાઁ ત્યાગ કરી શકે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઇ જાય છે.આ ઉપનિષદનું રહસ્ય છે.’
વર્તમાન સમયમાં માનવ શરીર સ્વાસ્થ્ય માટે સારો એવો જાગ્રત થયો છે.પણ જયારે હજારો વર્ષ અગાઉ ઉપનિષદ યોગ પ્રાણાયામની મહત્તા અને પરિણામના પ્રમાણ આપે ત્યારે તેની શ્રદ્ધા ચોક્કસ બેવડાય જ. જન સામાન્યમાં એક ગ્રંથિ છે પ્રાચીનમાંથી ગ્રહણ કરવું ઘણું કઠણ છે પણ યોગ પ્રાણાયામ જેવી અતિ આવશ્યક વાતો સહજ સ્વીકારી વ્યક્તિમાત્ર જીવન ઉત્કર્ષની દિશામાં ચોક્કસ આગળ વધી શકે.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
