વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • અભિગમ- ખંત

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    ગોકળગાય…. અત્યંત ધીમી ગતિએ આગળ વધતો જીવ. ન કોઇ ઉતાવળ ન કોઇ રઘવાટ કે ન કોઇ રેસ જીતવાના અભરખા. એ તો બસ પોતાની ગતિએ જ મસ્ત રહેતો જીવ. આપણે પણ કોઇ સાવ ધીમી ગતિએ કામ કરતી વ્યક્તિને ગોકળગાય સાથે જ સરખાવીએ છીએ ને?

    અહીં વાત કરવી છે આવે જ એક ધીમી ગતિના સમાચાર જેવી ગોકળગાયની. પુર બહારમાં ખીલેલી વસંતની મસ્તી ચારેકોર ફેલાયેલી હતી. આવી સરસ મઝાની મોસમમાં એક ગોકળગાયે એની મસ્તીમાં મતલબ એની ગતિએ ચેરીના ઝાડ પરનું ચઢાણ શરૂ કર્યું. ઝાડ પર બેઠેલા પક્ષીઓએ આ જોયું. પહેલા તો ગોકળગાયના આ પ્રયાસની ખાસ નોંધ ના લીધી. માન્યુ કે આમતેમ જરા-તરા ઝાડ પર ચઢીને આ ગોકળગાય પાછી વળી જશે પરંતુ થોડો સમય જતાં ફરી જોયું કે ગોકળગાયે તો નિશ્ચિત ગતિએ ઝાડ પરની પોતાની સફર ચાલુ જ રાખી હતી. આ જોઇને પક્ષીઓને નવાઇ લાગી અને ગોકળગાયના પ્રયાસ પર જરા હસુ પણ આવ્યું.

    ગોકળગાયની અવિરત સફર જોઇને એક પક્ષી ઊડીને તેની પાસે આવ્યું અને કહ્યું , “ તને ખબર તો છે ને કે ઝાડ પર એક પણ ફળ નથી?”

    “ જાણું છું”…ગોકળગાયે પોતાની ગતિને વળગી રહીને જવાબ આપ્યો.

    તો શા માટે વ્યર્થ મહેનત કરે છે?”

    “મને ઝાડની ટોચે પહોંચતા કેટલો સમય લાગશે એની મને જાણ છે અને હું જ્યારે ઝાડની ટોચે પહોંચીશ ત્યારે તો ફળો આવી ગયા હશે એની ય મને ખબર છે.” જરાય અટક્યા વગર કે ચલિત થયા વગર ગોકળગાયે જવાબ આપ્યો.

    સીધી વાત-સૌને આગળ વધવાની તમન્ના હશે . ક્યાંક કશુંક પામવાની ખેવના હશે. એ માટે કેટલા અને કેવા પ્રયાસો કરવા પડશે એનો ય કદાચ ક્યાસ કાઢેલો હશે પણ એ સેવેલું સપનું સિદ્ધ કરવા કેટલો સમય લાગશે એનો અંદાજ હશે ખરો? અને એ સ્વપ્ન સાકાર કરવાના તમામ અવરોધો પાર કરવાની હામ હશે ખરી? “હું જ્યારે ટોચ પર પહોંચીશ ત્યારે ઝાડ પર ફળો આવી ગયા હશે” એવો વિશ્વાસ ધરાવતી પેલી ગોકળગાયની જેમ સફર તય કર્યા પછી અવશ્ય મંઝીલ પ્રાપ્ત થશે જ એવી દ્રઢતા અને મંઝીલ પ્રાપ્ત કરવા માટે જરૂરી સમય ફાળવવાની તૈયારીની ય જરૂરી છે કારણકે સફળતાનો કોઇ શોર્ટકટ નથી હોતો. આંબો વાવ્યા પછી પણ એની પાછળ ખાતર-પાણી- માવજત અને લાં……..બા સમયની ધીરજ પણ જરૂરી છે. પેલી ગોકળગાયની જેમ મંઝીલે પહોંચવા ગમે તેટલો સમય લાગે એને પાર પાડવા મહેનત કરવાની મરજી ય હોવી જરૂરી છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ’ શ્રેણીના પ્રારંભે પૂર્વભૂમિકા

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    જેમ ફિલ્મી ગીતોની એક અલાયદી દુનિયા છે તેમ એ દુનિયાની ભીતરે ફિલ્મી ગઝલોનું પણ એક નાનકડું પણ અનોખું વિશ્વ છે.

    આ ફિલ્મી ગીતો, ગઝલો અને નઝ્મોની એક વિડંબના એ કે અનેક કિસ્સામાં એ રચનાની તરજ એવી મનભાવન હોય કે આપણે બહુધા એમાં જ ખોવાયેલા રહીએ અને એમાં નિહિત અદ્ભુત કવિતાતત્વને વણદેખ્યો કરી દઈએ. હકીકત એ છે કે એવા હજારો ફિલ્મી ગીત છે જે સ્વયંમાં ઉત્તમ કવિતાઓ પણ છે. 

    કોઈ બંદિશ ગીત છે કે નઝ્મ કે ગઝલ એ નક્કી કરવા એના શબ્દોને વાચ્ય સ્વરૂપમાં જોવું – વાંચવું અનિવાર્ય છે કારણ કે કવિતા એ લેખનની કળા છે. ગઝલના પરંપરાગત લહેજામાં ગાયેલી અનેક ચીજ વસ્તુત: ગઝલ હોતી નથી અને સરળ ગીત લાગતી કોઈ રચના વાસ્તવમાં ગઝલ હોય છે !

    મોટા ભાગના લોકો જાણે છે છતાં પુનરુક્તિનો દોષ વહોરી સાવ ટૂંકમાં કહી દઉં કે ગઝલમાં એક સમાન લંબાઈ અથવા બહરના ત્રણ, ચાર, પાંચ કે વધુ બંધ હોય છે જેને શેર કહે છે અને દરેક શેરમાં બે પંક્તિઓ હોય છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે જેમાં ( સામાન્યત: ) બન્ને પંક્તિઓના અંતે એક સમાન શબ્દ કે શબ્દ – ઝૂમખું હોય જેને રદીફ કહે છે અને એ શબ્દો પહેલાં એક પ્રાસમય શબ્દ ( જેમ કે કણ , મણ, જણ, ધણ ) આવે તેને કાફિયા કહે છે. મત્લા પછીના શેરોમાં માત્ર બીજી પંક્તિમાં આ કાફિયા અને રદીફ આવતા રહે છે. ગઝલના દરેક શેર વિચારની દ્રષ્ટિએ એક જ વાત કરતા હોય એ બિલકુલ જરૂરી નથી. ગઝલના અંતિમ શેરને મક્તા કહે છે જેમાં શાયરના તખલ્લુસનો ઉલ્લેખ હોય. જોકે બહુધા ફિલ્મી ગઝલોમાં મક્તા હોતો નથી. આ સામાન્ય નિયમો છે. બાકી આગળ ઉપર .

    આ લેખમાળાની પ્રેરણાનો સ્રોત એ કે  પુરાણા ફિલ્મી ગીતોના શોખીન એક મિત્રએ મને કહ્યું કે એમને સંગીતકાર રોશનની મોહમ્મદ રફીએ ગાયેલ લગભગ એક જ પ્રકારની બે ‘ ગઝલો ‘ ખૂબ ગમે છે. આ :

    અબ ક્યા મિસાલ દૂં મૈં તુમ્હારે શબાબ કી  (ફિલ્મ : આરતી ૧૯૬૨)

     

     

    જો બાત તુજ મેં હૈ તેરી તસવીર મેં નહીં (ફિલ્મ: તાજમહલ ૧૯૬૩)

    કબૂલ કે બન્ને બંદિશો ઉત્તમ છે પણ એમાંની એક પણ ગઝલ નથી ! (એટલા માટે કે બન્નેના શબ્દો ગઝલની ઉપરોક્ત વ્યાખ્યામાં સ્હેજેય બંધબેસતા નથી.)

    ‘ અનપઢ ‘ ફિલ્મની લતાની બે ‘ ગઝલો ‘ મશહૂર છે જેમાંની એક ગઝલ છે, એક નહીં ! [1]

    અલામા ઈકબાલની પ્રસિદ્ધ રચના ‘ સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા ‘ દરઅસલ એક ગઝલ છે કારણ કે એ ગઝલના શાસ્ત્રોક્ત બીબાંમાં છે.

    પોતાના ફિલ્મી ગીતોના કારણે સુવિખ્યાત એવા અનેક શાયરો છે ( જેવા કે સાહિર લુધિયાનવી, શકીલ બદાયુની, કૈફી આઝમી, મજરુહ સુલતાનપુરી, ગોપાલદાસ નીરજ ) જે ફિલ્મોમાં આવતાં પહેલાં જ પોતાની ગઝલો દ્વારા નામ કમાઈ ચૂક્યા હતા પણ ફિલ્મોના કારણે જ એ સૌ વિશાળ જનસમૂહ લગી પહોંચ્યા.

    આવા અને એમના જેવા બીજા સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા મેળવવાનો પ્રયત્ન શરુ કરીએ છીએ. પ્રયત્ન એ રહેશે કે દરેક ફિલ્મી ગીતકારની (હા – માત્ર સિત્તેર અથવા એ પહેલાંના દશકોના જ ગીતકારો !) બબ્બે એવી ગઝલોનું પઠન ( રસાસ્વાદ નહીં ! ) કરીશું જે બહુ જાણીતી ન હોય અને / અથવા એ  સાંભળતી વખતે શ્રોતા તરીકે આપણે ભાગ્યે જ વિચાર્યું હોય કે એ ગઝલ છે! સાથોસાથ જેમને રસ હોય એ ગઝલ સાથે આપેલી લિંકનો ઉપયોગ કરી એ ગઝલ સાંભળી પણ શકશે.

    કદાચ આ પ્રયાસ થકી સામાન્ય ભાવકને ગઝલ અને અ-ગઝલનો ભેદ પારખવામાં થોડીક મદદ મળશે.

    મળીએ છીએ, જુન ૨૦૨૩થી દર શનિવારે……..


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


    [1] ગઝલ , અ- ગઝલ અને મદન મોહન

     

  • પાતાળ ભુવનેશ્વર જવા કેસરિયાં

    નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

    આશા વીરેન્દ્ર

    ટ્રકની આડાઈને કારણે આજે પાતાળ ભુવનેશ્વર જવાની જે તક ગુમાવી હતી તે કાલે  ઝડપી લેવી કે કેમ એ મુદ્દે અમારૂં ગ્રુપ ‘હિંદુસ્તાન-પાકિસ્તાન’ જેવા બે વિરોધી પક્ષમાં વહેંચાઇ ગયું. ‘હિંદુસ્તાનવાળાં’ઓ કહે કે અહીં સુધી આવ્યાં છીએ તો પછી આવી પૌરાણિક ગુફા ન જોવાનું કેમ પાલવે. તે ઉપરાંત, આપણામાંનાં અડધાં તો હાલકડોલક થતાં સિનિયર સીટીઝનો છે, એમને ફરી અહીં આવવાનો મોકો ક્યારે મળે? સમે ‘પાકિસ્તાન પક્ષ’ની દલીલ હતી કે કૌસાનીમાં બીજી બે-ત્રણ જગ્યાઓ જોવા જેવી છે, અને વળી ત્યાં ગરમ વસ્ત્રોનું બજાર પણ બહુ વખણાય છે. એટલે અત્યાર સુધી ખરીદી કરવાની તકથી વંચિત રહેલી બહેનોના આનંદ ખાતર પણ પાતાળ ભુવનેશ્વર જવાનું માંડી વાળીને સવારે કૌસાની જવા જ નીકળવું જોઈએ. ખાસ્સી ચર્ચાઓને અંતે બન્ને પક્ષે સમાધાનકારી નિર્ણય લેવાયો કે જેમને ગુફા જોવા જવું હોય એમને બે ગાડીઓ ત્યાં લઈ જાય અને બાકીના જ્યાં કસ્તુરી મૃગનું સંવર્ધન થાય છે તે ડીયર પાર્ક જોવા જાય.

    આવી મુશ્કેલ ગુંચ આટલી સહેલાઈથી ઉકેલાઈ ગઈ એ જોઈને વિચાર આવ્યો કે કાશ્મીરનો આપણા દેશનો સળગતો પ્રશ્ન જો અમારાં આ ગ્રુપને સોંપવામાં આવે તો ચપટીમાં તેનો હલ આવી જાય ! ખેર, આવો સદવિચાર દેશના માંધાતાઓ સુધી પહોંચે તેની રાહ જોવી રહી !!

    નક્કી થયા મુજબ અમે નવ સાહસિકોએ પાતાળ ભુવનેશ્વર જવા કેસરિયાં કર્યાં. અહીં કેસરિયાં કર્યાં શબ્દપ્રયોગ વાપરવાનું કારણ અમારામાંથી પહેલાં પણ જઈ આવેલાં કેટલાંકે, અને એક-બે ડ્રાઈવરોએ કરેલું ગુફાનું વર્ણન હતું. ગુફામાં એકદમ અંધારૂં હોય એટલે બીક બહુ લાગે, ઓક્સિજનની કમીને કારણે ગુંગળામણ થાય, ગભરામણ પણ થાય વગેરે જેવાં કેટલાંય ભયસ્થાનો અમારી સમક્ષ રજુ થઈ ગયાં હતાં. પણ અમે નવ સાહસિક રત્નોએ તો ગુફામાં જવાનો મક્ક્મ નિર્ધાર કરી જ કાઢ્યો હતો. જોકે, જે કંઈ સાંભળ્યું તેને કારણે મન તો જોરથી ધક ધક કરતું હતું. પણ મનનો આ ગભરાટ છુપાવી ને પણ હસતે મોઢે સામા પક્ષની સામે અમે બધાં બહાદુરી દાખવી શક્યાં હતાં.

    ગુફાનું મોં ખરેખર બહુ સાંકડું હતું. વળી એમાં એકી સમયે એક જ વ્યક્તિ માંડ માંડ સરકી શકે તેમ હતું. અંદર ભીનું અને લપસણું પણ હતું, એટલે પડશું તો હાડકાં ભંગશે એવો ભય તો સતત લાગ્યા જ કરે. પણ સાથે આવેલા ગાઈડે બહુ સંભાળ અને ધીરજથી એટલો માર્ગ પાર કરાવી આપ્યો. એ પછી ગુફાનું પેટાળ તો બહુ વિશાળ હતું. અંદર લાઈટની સગવડ પણ હતી. એટલે જેટલી સાંભળી હતી એટલી મુશ્કેલી ન જણાઈ. વળી સંકટ સહન કરી શકવા અમે અમારી જાતને સાબદી કરી શક્યાં તેનો આનંદ પણ થયો.

    કહેવાય છે કે આ ગુફા પૃથ્વીના ઉત્પતિકાળથી જ અસ્તિત્વમાં છે. સૌ પ્રથમ ત્રેતાયુગમાં રાજા રુતુપર્ણે આ ગુફા જોઈ, એમાં પ્રવેશ કર્યો અને અંદર બિરાજેલ શિવલીંગની પૂજા-અર્ચના કરી. ત્યાર બાદ સ્વામી શંકરાચાર્ય આ ગુફાને જનસામાન્ય સમક્ષ લાવ્યા. ચુનામાંથી કુદરતી રીતે બનેલાં શંકર, પાર્વતી, ગણેશ, શેષનાગ, ઐરાવત  હાથી વગેરે મૂર્તિઓ જોઈને અચંબામાં પડી જવાયું. શંકરની જટા તો આબેહૂબ જટા જ લાગે, અને એમાંથી પાણી (ગંગા) પણ સતત વહ્યા કરતું  હોવા છતાં કદી પણ લીલ  જામે કે ચીકાશ ન થાય એ જાણીને આશ્ચર્યમાં ઉમેરો જ થયો.

    પાછા ફરતાં એ જ સાંકડા, ચીકણા અને દુર્ગમ જણાતા માર્ગેથી, બન્ને બાજુએ લટકતી લોખંડની સાંકળો પક્ડી પક્ડીને, બહાર નીકળવાનું હતું. પણ અમારામાં હવે એવરેસ્ટ સર કર્યાનો ઉમંગ અને વિશ્વાસ હતાં, એટલે એક એક કરીને વારા ફરતી અમે બધાં ‘વટથી’ ગુફાની બહાર આવી ગયાં. બહાર આવતાંની સાથે વિચાર આવ્યો કે આપણા આટલા વિશાળ દેશના કેટલાય ખૂણે-ખાંચરે આવી તો કંઈ કેટલી જાણી-અજાણી જગ્યાઓ લોકોની નજરમાં આવ્યા વિનાની પડી રહી હશે !

    હવે અમારી રાહ જોતી, ઉચાટમાં ઊંચીનીચી થતી,  અમારી બાકીની મંડળીના ‘ક્યાં પહોંચ્યાં?’, ‘ક્યાં છો?’ એવી પૂછપરછના ચિંતાભર્યા ફોનો આવવા શરૂ થઈ ગયા હતા. એટલે અમે સમય બગાડ્યા વિના,જલ્દીથી ચૌકોરી તરફ મારી મૂક્યું.


    સાંદર્ભિક તસ્વીરો – નેટ પરથી


    ક્રમશ: 


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જૂનાં-નવાં અને એવાં બધાં પેન્શનની પારાયણ

    નિસબત

    ચંદુ મહેરિયા

    સંસદના અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભામાં નાણા ખરડો રજૂ કરતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન યોજનાની સમીક્ષા માટે સમિતિ રચવાની જાહેરાત કરી હતી. નાણા સચિવના વડપણ હેઠળની આ સમિતિ નવી પેન્શન યોજનાથી કર્મચારીઓ ખુશ છે કે કેમ તે જાણશે. કમિટી કર્મચારીઓ-અધિકારીઓની જરૂરિયાતોને રાજકોષીય ઉપલબ્ધતાના સંદર્ભે ચકાસીને ભલામણો કરશે. સમિતિની રચના અને તેની સંસદમાં જાહેરાતનું કારણ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર  અને રાજ્યોના અધિકારીઓ-કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરીને જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યા છે તે છે. દેશભરના ચારસો કર્મચારી મંડળોની સંકલન સમિતિએ સરકારની આ જાહેરાતનો વિરોધ કર્યો છે અને જૂની પેન્શન યોજનાની માંગણીનું તેમનું આંદોલન જારી રાખ્યું છે. કર્મચારી સંગઠનોએ તેમની માંગણી સ્વીકારવા સરકારને ત્રણ મહિનાનું આખરીનામુ આપીને જો માગણી નહીં સ્વીકારાય તો આગામી ઓગણીસમી સપ્ટેમ્બરે ભારત બંધની ઘોષણા કરી છે.

    ભારતમાં પેન્શનની શરૂઆત બ્રિટિશરાજમાં, ૧૯૨૪માં, થઈ હતી. ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારામાં પેન્શન યોજના સમાવી લેવાતાં આઝાદી પછી પણ પેન્શન યોજના ચાલુ રહી. એટલે કર્મચારી-અધિકારીઓ માટેની જૂની પેન્શન યોજના આઝાદી કાળથી અમલી છે. પેન્શનનો હેતુ નિવૃતિ પછીની વૃધ્ધાવસ્થામાં આર્થિક સલામતી પૂરી પાડવાનો છે. વય નિવૃત વ્યક્તિ તેની સરકારી નોકરી દરમિયાનની જીવનશૈલી આવક ઘટતાં અપનાવી ના શકે અને તેને લીધે તાણ તથા અસુરક્ષા અનુભવે તે અંશત: દૂર કરવાનો પણ પેન્શન યોજનાનો ઉદ્દેશ છે.

    ઓલ્ડ પેન્શન સ્કીમમાં સરકારી કર્મીને તેની નોકરીના છેલ્લા બેઝિક પગારના પચાસ ટકા પેન્શન  મળે છે. તે ઉપરાંત મોંઘવારી ભથ્થું, મેડિકલ એલાઉન્સ, ગ્રેજ્યુઈટી, હક્ક રજાનું રોકડ રૂપાંતર અને મોટી બીમારી કે સર્જરીના કિસ્સામાં મેડિકલ રિએમ્બર્સમેન્ટ પણ મળે છે. જૂની પેન્શન યોજનામાં મળતી રકમ એકંદરે પર્યાપ્ત અને સન્માનજનક છે. વળી આ પેન્શન સરકાર તરફથી મળે છે અને તે માટે સરકારી કર્મચારીએ કોઈ આગોતરી કપાત કરાવવાની રહેતી નથી.

    સરકાર અને કેટલાક અર્થશાસ્ત્રીઓને લાગ્યું કે સરકારના બજેટનો મોટો ભાગ પગાર અને પેન્શન પાછળ ખર્ચાય જાય છે, તેથી વિકાસ કામો માટે નાણા બચતા નથી. સરકારનું પેન્શનનું આર્થિક ભારણ હળવું કરવા ૨૦૦૩માં કેન્દ્રની કોંગ્રેસ સરકારે ઓલ્ડ પેન્શન યોજનાને બદલે નવી પેન્શન યોજનાનો વિકલ્પ વિચાર્યો હતો. જેનો અમલ તેની અનુગામી અટલબિહારી વાજપાઈના નેત્રુત્વ હેઠળની બીજેપી સરકારે કર્યો હતો. નેશનલ પેન્શન સિસ્ટમ તરીકે જાણીતી આ નવી પેન્શન યોજના ૧લી જાન્યુઆરી ૨૦૦૪થી સરકારી નોકરીમાં જોડાયેલ તમામને લાગુ પડે છે.

    જૂની પેન્શન યોજનામાં કર્મીએ કોઈ કપાત કે રોકાણ કરવાનું નહોતું અને તેને સરકારી તિજોરીમાંથી પેન્શન મળવાનું સુનિશ્ચિત હતું. જ્યારે નવી પેન્શન યોજનામાં કર્મચારીએ તેના પગારમાંથી માસિક દસ ટકાની કપાત કરાવવાની છે. એટલે કે તેના ભાવિ પેન્શન માટે તેણે સમગ્ર નોકરી દરમિયાન આર્થિક રોકાણ કરવાનું છે. કર્મચારીના જેટલી જ સરકારની કપાત તેના ખાતામાં જમા થતાં નિવૃતિ વખતે તેમાંથી તેને પેન્શન મળશે.કર્મચારીના રોકાણના નાણાનું સરકારે એક ફંડ બનાવ્યું છે. સરકાર આ ફંડના નાણાનું શેરમાં રોકાણ કરે છે અને તેમાંથી પેન્શન ચુકવવામાં આવશે. એટલે સરકારે કર્મચારીઓને શેર બજારના હવાલે કરી દીધા છે. સરકારે SBI, UTI  અને LICના શેરમાં રોકેલા નાણાનું જોખમ કર્મચારીના માથે હોય છે. તેના શેરની સ્થિતિ મુજબ પેન્શન મળી શકે છે. વળી આ પેન્શનની રકમ જૂના પેન્શનની તુલનાએ અતિ અલ્પ હોય છે. તેમાં મોંઘવારી ભથ્થું , તબીબી ભથ્થું જ મળતું નથી તો પછી મેડિકલા રિએમ્બસમેન્ટની તો કલ્પના જ ક્યાંથી થાય ? સરવાળે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને મોટો ગેરફાયદો છે. પેન્શનનો મૂળભૂત હેતુ નિવૃતિ પછીની આર્થિક સુરક્ષાનો અહીં છેદ ઉડી જાય છે. ભારત સરકારના સત્તાવાર પોર્ટલમાં એનપીએસનો હેતુ કર્મચારીઓમાં તેમના સુરક્ષિત ભવિષ્ય માટે રોકાણ અને બચતની ટેવ કેળવવાનો છે તેમ જે જણાવ્યું છે તે ઘા પર મીઠા જેવું છે.

    જૂની-નવી પેન્શન યોજના રાજકીય કે ચૂંટણી મુદ્દો બની ગઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારે આરંભથી જ તેમના રાજ્યોમાં નવી પેન્શન યોજના દાખલ કરી નથી. જ્યારે રાજસ્થાન, છતીસગઢ, ઝારખંડ , પંજાબ અને હિમાચલપ્રદેશની વિપક્ષશાસિત રાજ્ય સરકારોએ નવીને બદલે જૂની પેન્શન યોજના દાખલ કરી છે. હિમાચલપ્રદેશની વિધાનસભા ચૂંટણીનો મહત્વનો મુદ્દો જ પેન્શન  હતો. ભાજપને બદલે ત્યાં કોંગ્રેસ સત્તામાં આવતાં તેણે તુરત જ જૂની પેન્શન યોજના અમલી બનાવી છે. જોકે ત્રિપુરાની ડાબેરી સરકારને હરાવી સત્તાનશીન થયેલી બીજેપી સરકારે તે રાજ્યમાં જૂનીને બદલે નવી પેન્શન યોજના અમલી કરી છે. એ રીતે પેન્શનનો પ્રશ્ન સત્તા પક્ષ વિરુધ્ધ વિપક્ષનો કે બીજેપી અને તેના સમર્થિત પક્ષો વિરુધ્ધ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોનો બની રહ્યો છે.

    પેન્શન રાજ્યોનું આર્થિક ભારણ વધારે છે, લાંબા ગાળે રાજ્યોને દેવાદાર બનાવશે અને વિકાસ કામો માટેના નાણા સરકારી પેન્શનરો લઈ જાય છે તેવી દલીલોને ચકાસવી જોઈએ. ગુજરાત સરકારના વરસ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ૫,૧૩,૭૧૬ પેન્શનરો છે. તેમના પેન્શનનો અંદાજિત ખર્ચ રૂ. ૨૪,૯૭૮ કરોડ છે જ્યારે રાજ્યનું કુલ બજેટ રૂ. ૩,૦૧,૦૨૨ કરોડનું છે. એટલે કુલ બજેટમાં પેન્શન ખર્ચ માત્ર ૮.૩૦ ટકા જ છે. એ જ રીતે ભારત સરકારના ૨૩-૨૪ના રૂ. ૪૫,૦૩, ૦૯૭ કરોડના કુલ બજેટમાં પેન્શનનો અંદાજિત ખર્ચ રૂ. ૩,૧૫,૮૬૫ અર્થાત ૭.૦૧ ટકા જ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં ૬૪.૨૧ ટકા નાણા વિકાસકામો પાછળ ખર્ચાવાના હોય અને પેન્શન ખર્ચ માત્ર ૮.૩૦ ટકા જ હોય તો પેન્શનને લીધે વિકાસકામોને સહન કરવું પડતું હોવાની દલીલ પણ યોગ્ય નથી. જૂની પેન્શન યોજના આર્થિક ભારણને ઘટાડવા બંધ કર્યાનું કારણ જરાય સાચું નથી અને ખુદ સરકારી આંકડાઓની સરાણે ચકાસતા તે તથ્યહીન જણાય છે.

    ભારત સરકારે નવી પેન્શન યોજના ૨૦૦૯થી દેશના તમામ નાગરિકો માટે જાહેર કરી છે. અટલ પેન્શન યોજના પણ તેનો ભાગ છે. પરંતુ સશસ્ત્ર સેનાઓ માટે જૂની પેન્શન યોજના જ ચાલુ રાખી છે. સેનાના નિવૃત વિકલાંગકર્મીઓને પેન્શન ઉપરાંત સરેરાશ ૨૦ થી ૫૦ ટકા વિકલાંગતા પેન્શન મળે છે. ‘કેગ’ના રિપોર્ટમાં ૧૫ થી ૧૮ ટકા જવાનો દિવ્યાંગ છે પરંતુ સેવા નિવૃત ૩૦થી ૪૦ ટકા સેના અધિકારીઓ વિકલાંગતા પેન્શન મેળવે છે અને તેમાં ૪૫ ટકા તો સેનાના ડોકટરો છે, તેમ જે જણાવ્યું છે તે  પેન્શનના નામે થઈ રહેલી લૂંટ છે. ધારાસભ્યો અને સાંસદોને પણ અગાઉના જેવું જ પેન્શન મળે છે. એક કરતાં વધુ ટર્મનું પણ મળવું યથાવત છે.

    વિધવા, વિકલાંગ, વૃધ્ધને મળતા સરકારી પેન્શનની રકમ મજાક જેવી છે.ઔધ્યોગિક કામદારોને મળતું પેન્શન સાવ નગણ્ય છે. ખેડૂતો, ખેતકામદારો, કારીગરો, વેપારીઓ અને ગૃહિણીઓને કોઈ પેન્શન મળતું નથી. દેશમાં માત્ર ૧૨ ટકા લોકો જ પેન્શન મેળવે છે. બાકીનો ૮૮ ટકાનો મોટો સમૂહ કોઈ પણ પ્રકારનું પેન્શન મેળવતો નથી. પરંતુ પેન્શન મેળવતો વર્ગ બોલકો છે, સરકારોને રાજકીય નુકસાન પહોંચાડી શકે તેવો લોકમત ઘડવામાં પાવરધો છે એટલે તેની વાત કદાચ સંભળાશે..


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેનતનું મહેનતાણું

    વાર્તામેળો – ૫

    રુદ્ર પટેલ

    ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, અમદાવાદ

     

    Varta Melo 5 – 5 – Mahenta nu Mahehentanu – Rudra Patel

     


    સંપર્ક :  દર્શા કિકાણી –  darsha.rajesh@gmail.com

  • આ સાચુ કે તે સાચું?

    હરેશ ધોળકિયા

    વ્યકિતના- એટલે કે આપણા- જીવનમાં અનેક વાર એકી સાથે વિરોધાભાસી બનાવો બને છે. એકી સાથે આનંદજનક ને દુઃખદાયક ઘટનાઓ સમાંતરે બને છે. દિકરો કે દિકરી પહેલે નંબર આવે અને તે જ પળે માતા પિતામાંથી કોઈનું મૃત્યુ થાય. માંડ માંડ સંતાનનો જન્મ થાય પણ માતા મૃત્યુ પામે. લગ્નના દિવસે જ વડીલ વિદાય લે. આવા તો અનેક બનાવો આપણા જીવનમાં અને ચારે બાજુ બનતા જોવા મળે છે. ત્યારે, જો વ્યકિત વિચાર કરતી હોય તો, તે અવશ્ય વિચારે છે કે કયો બનાવ સાચો ? સારો બનાવ કે અણગમતો બનાવ ? થોડું ધારે વિચારે તો બન્ને બનાવો એકી સાથે સારા પણ લાગે અને કદાચ ખરાબ પણ લાગે. અથવા જેને સારો માન્યો હોય તે અણગમતો બને અને ન ગમતો હોય તે સારો થાય. પસંદ કરેલ છોકરી સમય જતા ન ગમે અને પરાણે પરણ્યા હોય તે સમય જતાં સારી નીકળે. આવા તો અનેક બનાવો સમગ્ર જીવન દરમ્યાન બન્યા કરતા હોય છે.
    મોટા ભાગના વિચારતા ન હોવાથી સુખી હોય છે અને જે આવે તે ઈચ્છા અનિચ્છાએ સ્વીકારી લેતા હોય છે અથવા બળતરા કર્યા કરતા હોય છે. પણ કયારેક તો એમને પણ વિચાર ઝબકી જાય છે કે સાચું શું? આ બનાવ કે પેલો બનાવ ?
    ભારતીય વેદાંત સાહિત્યે આવા બનાવોનું પૃથ્થકરણ કરેલ છે અને તેના જવાબો શોધવાનો પ્રયાસ કર્યો છે. જે જવાબ હોય છે તે ખૂબ જ શુધ્ધ હોય છે તેથી સમજાતો નથી. શુધ્ધ વિચારને આમ પણ સમજવો કઠીન હોય છે. તેને વિવિધ ઉદાહરણોથી સમજાવો પડે છે. એટલે આ જવાબને પણ વેદાંત સાહિત્યે ઉદાહરણથી સમજાવેલ છે. શુધ્ધ જવાબને સમજવા એક વાર્તા કરેલ
    છે.
    ભારતીય સાહિત્યમાં રાજા જનક ખૂબ જાણીતા છે. આમ તો તે ઉપનિષદ અને અષ્ટાવક્ર સંહિતાના કારણે જાણીતા છે, પણ આ બત્ને તો ભાગ્યે જ કોઈએ વાંચેલ છે. એટલે તેના માધ્યમથી ઓછા લોકોએ તેમનું નામ સાંભળેલ છે. આપણે જે જનકને ઓળખીએ છીએ તે તો આપણે જેને ભગવાન માનીએ છીએ તે રાજા રામના સસરા તરીકે ઓળખીએ છીએ. વિશ્વામિત્ર સાથે યજ્ઞનું રક્ષણ કરવા ગયેલ રામ અને લક્ષ્મણ પાછા વળતાં જનકની નગરી મિથિલામાં રોકાયા હતા અને અકસ્માતે ત્યાં રામે સીતાના સ્વયંવરમાં ધનુષ્ય તોડયું. તેથી જનક પુત્રી સીતા સાથે તેમનાં લગ્ન થયાં. આ રામાયણ કથાથી આપણા માટે જનક પરિચિત છે.
    પણ જનક તો, આપણે જોયું તેમ, ઉપનિષદના કારણે તેનાથી પ્રાચીન છે. અષ્ટાવક્ર સાથેનો તેમનો અદભુત સંવાદ વાંચીએ ત્યારે આપણને જનકની મહાનતાનો ખ્યાલ આવે છે. જનક પરમ જ્ઞાની છે. પરમ વેદાતી છે. સાક્ષાત્કારી છે. આવા જનક જયારે હજી પૂરા જ્ઞાની થયા ન હતા અને અષ્ટાવક્ર પાસે જ્ઞાન મેળવતા હતા ત્યારનો એક પ્રસંગ ટાંકવામાં
    આવે છે.
    એક વાર રાતે જનક સૂઈ ગયા. ઊંઘમાં તેમને સ્વપ્ન આવ્યું. તેમાં તેમના રાજય પર દુશ્મન રાજાએ ચડાઈ કરી. જનકના સૈનિકો બહાદુરીથી લડયા પણ ન જીત્યા અને જનક હારી ગયા. દુશ્મન રાજાના સૈનિકોએ જનકને પકડી લીધા અને રાજા સમક્ષ હાજર કર્યા. જનક રાજા સામે હાથમાં બેડી સાથે ઊભા રહ્યા. રાજાએ કહ્યું કે, ” હે જનક, તમે મારા કેદી છો. સામાન્ય રીતે હું કેદી રાજાને મારી નાખું છું, પણ તમે એક સન્માનનીય રાજા છો. એટલે તમને મારી ન નાખતાં તમને તમારા જ રાજય બહાર ચાલ્યા જવા હુકમ કરું છું. તમને દેશનિકાલ કરું છું.” કહી સૈનિકોને જનકને સરહદ બહાર મૂકી આવવા આજ્ઞા કરી.
    સૈનિકો જનકને સરહદ સુધી લઈ ગયા અને પછી ધકેલી દીધા. જનક દેશનિકાલ થઈ ગયા. થાકેલા, ત્રસ્ત જનક લથડિયાં ખાતા આગળ વધ્યા. કડકડતી ભૂખ લાગી હતી. તેથી ચાલી શકાતું ન હતું. ખોરાકની શોધમાં તરફડતા હતા. કોઈ એક ગામ પાસે આવ્યા. ત્યાં ભૂખ્યા લોકોને જમાડતા હતા. જનક લાઈનમાં ઊભી ગયા. તેમનો વારો આવ્યો ત્યારે જ અન્ન ખૂટી પડયું. પેલાએ ના પાડી. જનક તેને કરગર્યા. જે હોય તે આપવા વિર્નાતિ કરી. પેલાએ તળીયામાં રહેલ અનાજના કણ એકઠા કર્યા અને એક વાટકામાં આપ્યા. જનક તો ઉતેજનાથી ખાવા ગયા. હજી તો વાટકો મોએ માંડે ત્યાં તો અચાનક આકાશમાંથી એક સમળીએ ઝાપટ મારી અને વાટકાને ધકકો માર્યો. વાટકો તેમના હાથમાંથી છટકી ગયો અને જે કણ હતા તે ધૂળમાં વેરાઈ ગયા. જનક ત્રસ્ત થઈ ઉઠયા અને ધૂળમાં લોટવા લાગ્યા અને બોલવા લાગ્યા, ‘ હાય, હાય ! મારું ખાવાનું ચાલ્યું ગયું.’ અને રડવા લાગ્યા.
    તે જ પળે તેમની ઊંઘ ઊડી ગઈ. જોયું તો તેમને પરસેવો વળતો હતો. તે ધ્રુજતા હતા. તેમની બૂમ સાંભળી બહાર ઊભેલ ચોકીદાર અંદર દોડી આવ્યો અને જનક સામે જોવા લાગ્યો. તેમની સ્થિતિ જોઈ ચિંતાપૂર્વક પૂછવા લાગ્યો, ” મહારાજ, કંઈ તકલીફ છે ?”’
    જનક તો સ્તબ્ધ હતા. પેલું દશ્ય હજી ભૂલાતું ન હતું. ત્યાં જ વર્તમાનમાં આવી ગયા હતા જયાં તે આરામથી તળાઈ પર સૂતા હતા. બે દશ્યો વચ્ચે ગુંચવાઈ ગયા. તે બડબડવા લાગ્યા, ” આ સાચું કે પેલું સાચું ?”
    દરવાન મૂંઝાઈ ગયો.
    સવાર પડી. રાજા તૈયાર થઈ દરબારમાં ગયા. દરબારમાં કામગીરી ચાલવા લાગી. પણ કોઈ કંઈ મુદો રજૂ કરે કે તરત રાજા જનક બોલતા, ‘ આ સાચું કે પેલું સાચું ?” દરબારીઓ અને મંત્રીઓ મૂંઝાઈ ગયા. કોઈ જવાબ આપી શકતા ન હતા. રાજા સતત બડબડયા કરતા હતા.
    આ સમાચાર અષ્ટાવક્રના કાને પહોંચ્યા. તે સમજી ગયા અને દરબાર ઉપડયા. દરબારમાં રાજા સામે ઊભા રહ્યા. જોયું તો જનક બડબડતા હતા, ” આ સાચું કે પેલું સાચું ?”
    અષ્ટાવકે જ્ઞાનથી મૂળ બાબત જોઈ લીધી. તેમણે રાજાને પૂછયું, ” રાજા, તમે જયારે ભૂખે મરતા હતા ત્યારે આ દરબાર હાજર હતો?”
    જનકે જવાબ આપ્યો, ” ના, ત્યારે દરબાર હાજર ન હતો. હું તો સરહદ બહાર હતો.”
    અષ્ટાવક્રે પૂછયું, ” અત્યારે તમે દરબારમાં છો. તો સરહદ બહારનું ગામ અત્યારે હાજર છે ? “
    જનકે નકારમાં મસ્તક હલાવ્યું.
    એટલે અષ્ટાવકે કહ્યું, રાજા, આ પણ સાચું નથી અને પેલું પણ સાચું નથી.”
    જનકને ઝાટકો લાગ્યો. તે બોલ્યા, ” તો પછી સાચું શું?”
    અષ્ટાવક બોલ્યા, ‘ સરહદ બહારના ગામમાં તમે રડતા હતા ત્યારે તમે હાજર હતા ? ”’
    રાજાએ મસ્તક હલાવ્યું. ” હા, હતો.”
    ” અત્યારે દરબારમાં બેઠા છો ત્યારે તમે હાજર છો ?”
    “હા, છું.”
    “‘ બસ, તો પછી ન તો સ્વપ્નું દશ્ય સાચું કે ન તો અત્યારનું દશ્ય સાચું. “
    “તો શું સાચું?”
    ‘” કેવળ તમે સાચા. બન્ને દશ્યોમાં તમે હાજર હતા. દશ્યો બદલી ગયાં, પણ તમે એ જ છો. માટે કેવળ તમે સાચા. ગમે તેટલાં દશ્યો બદલતાં રહે, પણ દરેકમાં તમે તો રહો જ છો. માટે કેવળ તમે જ સાચા.”
    બસ ! આ જ જવાબ છે. જીવનમાં કયારેક સુખ આવે, કયારેક દુઃખ આવે, કયારેક કંટાળો આવે, કયારેક તકલીફ આવે….દશ્યો બદલાતાં રહે છે, ઘટનાઓ બદલાતી રહે છે, સુખ-દુઃખ બદલાતાં રહે છે, પણ આ બધી બાબતોમાં, દશ્યો બદલાવા છતાં, જોનાર વ્યકિત હાજર હોય છે. જગત બદલાતું રહે છે, ” હું” કાયમ રહું છું. જો આ ” હું” – દષ્ટા-ની સભાનતા આવી જાય, તો ખ્યાલ આવશે કે ભલે બહાર બધું બદલાતું રહે, પણ “હું” તો કાયમી છું. શરીરમાં પરિવર્તનો આવતાં રહેશે, મનમાં પરિવર્તનો આવતાં રહેશે, જગતમાં પણ પરિવર્તનો આવતાં રહેશે, પણ આ બધાં જ પરિવર્તનો વચ્ચે તેને જોનાર ” હું” તો હશે જ. તે બધાં જ પરિવર્તનો વચ્ચે સ્થિર રહેશે. એટલે કેવળ ” હું” જ સાચો છે.
    ચિંતન આ “હું” નું કરવાનું છે, નહીં કે બહારનાં પરિવર્તનોનું. જયારે પણ કોઈ ઘટના બને- કહેવાતી સારી કે કહેવાતી ખરાબ-ત્યારે ઘટના પર ધ્યાન આપવાનું નથી. ઘ્યાન માત્રને માત્ર આ ઘટનાને જોનાર – હું- પર આપવાનું છે. આ હું હમેશાં સ્થિર રહે છે. જેમ સ્વપ્નું મિથ્યા છે, તેમ આ બહારનું જગત પણ મિથ્યા જ છે. પણ આ બન્ને મિથ્યાને જોનાર ‘ હું ‘ જ સાચો છે. મિથ્યા એટલે પરિવર્તનશીલ. સતત બદલનાર. અસ્થિર. બાકી બધું જ અસ્થિર છે. કેવળ તેને જોનાર, સાક્ષી, હું જ સાચો છે.
    ઘ્યાન-ફોકસ- બદલાવવાની જરુર છે. પરિવર્તનશીલતા પર ધ્યાન રહેશે તો સતત ડોલતા રહેવાશે. સતત આઘાતો સહન કરવા પડશે. સુખ-દુઃખ અનુભવાશે. પણ જો દષ્ટા, સાક્ષી એવા ” હું” પર ફોકસ રહેશે તો વ્યકિતત્વ સ્થિર થઈ જશે. અચલ થઈ જશે. અને ખુદ મન પણ અશાંત થઈ જાય, તો પણ તેને જોનાર “હું” તો હાજર રહેશે. શરીર-મન-બુધ્ધિ-જગત બધુંજ સતત પરિવર્તનશીલ રહેશે, તેની વચ્ચે તેને જોનાર -હું- સ્થિર રહેશે. આ જો, જયારે પણ શકય બન્યું, તે પળથી પરમ આનંદ, કેવળ આનંદ, આનંદ જ આનંદ. એટલે આ પણ સાચું નથી અને તે પણ સાચું નથી. કેવળ તેને જોનાર હું સાચો છે.
    આ દષ્ટાના દષ્ટા બનવું તે જ એક માત્ર સાધના.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • કલા અને કલાતત્વ

    મહેશ ચોકસી

    માનવનિર્મિત સુંદર રચના અને તેનું હાર્દ. માનવીના કૌશલ્યનું તે નિર્માણ છે અને એ રીતે તે કુદરતી – કુદરતસર્જિત પદાર્થથી તદ્દન જુદી છે. સૂર્યોદય સુંદર હોય પણ એ કલાકૃતિ નથી કારણ કે એનું નિર્માણ માનવે નથી કર્યું. કલા એ કુદરતની નહિ પણ માનવની નિર્માણપ્રવૃત્તિ છે એ વ્યાખ્યાની વ્યાપકતાને અનુલક્ષીને વિચારીએ તો ચિત્રકલા અને શિલ્પકલા જ નહિ પણ મકાનો, ફર્નિચર, ઑટોમોબાઇલ, શહેરો તથા કચરાના ઉકરડા પણ એક રીતે તેના કૌશલ્યનું પરિણામ હોઈ કલાનું નિર્માણ કહેવાય; પણ સામાન્ય રીતે આ શબ્દ આટલા વ્યાપક સંદર્ભમાં નથી વપરાતો.

    રોજિંદા વ્યવહારમાં કલાકૃતિનો ઉલ્લેખ કરતી વખતે અમુક મર્યાદિત પદાર્થોનો જ ઉલ્લેખ એટલે કે સૌંદર્યલક્ષી પ્રતિભાવ જન્માવે તેવા પદાર્થોનો જ ઉલ્લેખ અભિપ્રેત હોય છે. આ સીમિત ઉલ્લેખ મુજબની વસ્તુઓમાં લલિત કલા અને ઉપયોગી કલા એવો ભેદ પાડવામાં આવે છે. લલિત કલામાં એવી કૃતિઓની ગણના થાય છે, જે સૌંદર્યલક્ષી પ્રતિભાવ જન્માવી શકે અથવા સૌંદર્યલક્ષી સૂઝ પ્રગટાવી શકે (જેમ કે, ચિત્રકૃતિ, શિલ્પકૃતિ, કાવ્યરચના કે સંગીતરચના); એટલે કે કૃતિથી ઇતર બાબતો ખાતર નહિ પણ કૃતિ ખાતર જ કૃતિનો આસ્વાદ માણવાનો હોય એવી માનવસર્જિત કૃતિઓ.

    ઉપયોગલક્ષી કલામાં સૌંદર્યલક્ષી અને ઉપયોગિતાલક્ષી એમ બંને પરિણામ વણાયાં હોય એમ બને. ઑટોમોબાઇલ, કાચના પ્યાલા, ટેબલ-લૅમ્પ વગેરે જેવી હાથકારીગરીની અને યંત્રનિર્મિત થોકબંધ વસ્તુઓ એવી હોય છે, જે મૂળભૂત રીતે ઉપયોગિતાની ખાસિયત ધરાવતી હોય છે અને એ ઉદ્દેશથી તૈયાર કરાઈ હોય છે; પણ તેમાં સુંદરતાલક્ષી પરિમાણ પણ જળવાયું હોય છે; સુંદર પદાર્થો તરીકે પણ તેનો આનંદ માણી શકાય છે. એટલે સુધી કે કોઈ વ્યક્તિ અમુક બનાવટની મોટરગાડીને બદલે બીજી કોઈ નિશ્ચિત બનાવટની મોટરગાડી ખરીદે છે ત્યારે તેમાં યાંત્રિક સુવિધાનાં કારણો (જેની તેને બહુ ખબર પણ નથી હોતી) કરતાં સુંદરતાનાં કારણો ઘણી વાર મહત્વનો ભાગ ભજવે છે. આમાં સીમાવર્તી વિષય છે સ્થાપત્યનો. ઘણી ઇમારતો ઉપયોગી હોય છે પણ તેની સૌંદર્યલક્ષી કામગીરી સીમાંત પ્રમાણમાં હોય છે; કેટલીક ઇમારતો મૂળભૂત રીતે જ સુંદરતાના નમૂનારૂપ હોય છે. એમાં ઉપયોગિતાનું તત્વ આકસ્મિક હોય છે અથવા પછી રહ્યું હોતું નથી. (ગ્રીક દેવળો એક વખત ધર્મસ્થાનો હતાં પણ આજે તે કેવળ સૌંદર્યલક્ષી મહત્વ ધરાવે છે.) વ્યવહારુ પરીક્ષણ એવું રહ્યું છે કે કૃતિઓના સર્જકોએ એમની કયા ઉદ્દેશથી રચના કરી હતી એ નહિ, પણ સાંપ્રત અનુભવજગતમાં એમનું શું મહત્વ છે એ તપાસવું ઘટે.

    કલાનાં માધ્યમો : પ્રત્યેક કલાકૃતિના સંદર્ભમાં નીચેની ત્રણ બાબતો વિચારવાની રહે :

    કલાકૃતિનો ઉદભવ.

    કલાકારે સર્જેલી અને પ્રેક્ષક્ધો જાહેર સ્વરૂપે જોવા મળતી કલાકૃતિ.

    કલાકૃતિની પ્રેક્ષક પર થતી અસર.

    પ્રથમ મુદ્દામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે : કલાસર્જનમાં પ્રયોજાતી કલાકારની જાગ્રત અને અર્ધજાગ્રત મન:સ્થિતિ તેમજ કૃતિ વિશેનો તેનો ઉદ્દેશ તથા એ મન:સ્થિતિ માટે કારણભૂત બનેલાં પરિબળો; જેમકે યુગની ભાવના, તત્કાલીન સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ, અન્ય કલાકારો સાથે વિચારોની આપલે વગેરે. કલાકૃતિના સર્જનમાં કલાકારને જે કાંઈ અનુભવો થાય છે તે કલાલક્ષી અનુભૂતિ ગણાય છે.

    ત્રીજા મુદ્દામાં કલાકૃતિની ભાવકના ચિત્ત વિશે નિષ્પન્ન થતી સૌંદર્યલક્ષી અને બિન-સૌંદર્યલક્ષી એમ બંને પ્રકારની અસરો; સંસ્કારજગત, જ્ઞાનજગત, સાંપ્રત નીતિમત્તા વગેરે પરત્વે કલાકૃતિનો પ્રભાવ જેવી બાબતો આવે. જે અનુભવથી પ્રેરાઈને કોઈ વ્યક્તિનું મન કલાકૃતિને કોઈ પરોક્ષ કારણસર નહિ પણ કલાતત્વના કારણસર જ જોવા પ્રેરાય એ સૌંદર્યલક્ષી અનુભવ કહેવાય. કલાલક્ષી અનુભવથી ઊલટું આ સૌંદર્યલક્ષી અનુભવ ભાવકના પક્ષે હોય છે, જ્યારે કલાલક્ષી અનુભવ કલાના સર્જકના પક્ષે હોય છે.

    બીજો મુદ્દો સ્વયં કલાકૃતિને લગતો છે. ઇટાલીના વિચારક ક્રોચે (1860–1952) જેવા કેટલાક લેખકોનું મંતવ્ય એવું છે કે કલાકૃતિનું અસ્તિત્વ કેવળ કલાકારના મન વિશે રહેલું છે; ભૌતિક કૃતિ એ કલાકૃતિના પરિણામરૂપ લેખાય છે;. પરંતુ સામાન્ય શબ્દપ્રયોગની ર્દષ્ટિએ તેમજ મોટાભાગના કલા-વિશારદોના શબ્દપ્રયોગની ર્દષ્ટિએ કલાકૃતિ એટલે ભૌતિક માધ્યમમાં પ્રગટ થતી (ભૌતિક) કૃતિ.

    પ્રત્યેક કલાકૃતિ માધ્યમ મારફત પ્રગટે છે; એટલે કે કોઈ ભૌતિક પદાર્થ અથવા ઘટનાશ્રેણી મારફત એ કૃતિનું ભાવક(એટલે શ્રોતા, પ્રેક્ષક કે વાચક)ને ઇન્દ્રિયો વાટે પ્રત્યાયન કરાય છે. ચિત્રકલામાં રંગ માધ્યમ છે, શિલ્પમાં પથ્થર, લાકડું કે પ્લાસ્ટિક જેવા પદાર્થો માધ્યમ હોય છે. સંગીત પૂરતું સૌપ્રથમ તો એમ લાગે કે સંગીતકારે તૈયાર કરેલ સ્વરલિપિની રચના એ સંગીતનું માધ્યમ; પણ લિખિત સ્વરાંકન એ સંગીત નથી. એ તો કેવળ જુદાં જુદાં વાજિંત્રોમાંથી સૂર પ્રગટાવવા માટેના ર્દશ્ય નિર્દેશો છે. પ્રત્યેક વાદકની યાદશક્તિ સારી હોય તો આવી નોંધની તેને જરૂર પડે પણ નહિ. વસ્તુત: આવી લિખિત સ્વરરચના ન હતી ત્યારે પણ સંગીતનું અસ્તિત્વ તો હતું જ અને કેવળ યાદશક્તિના આધારે વર્ષોવર્ષ અથવા પેઢી-દર-પેઢી સંગીત બજાવાતું કે ગવાતું રહ્યું હતું. એમ ચોક્કસપણે કહી શકાય કે સંગીતનું માધ્યમ છે ભૌતિક ધ્વનિતરંગો; તેમની મારફત ધ્વનિની અનુભૂતિ શ્રોતાના ચિત્તતંત્રમાં પ્રવેશે છે. સાહિત્યનું માધ્યમ શબ્દો જ છે એમ યથાર્થ રીતે કહી શકાય. પણ એ શબ્દો તે મનોજગતમાં કલ્પાયેલું અમૂર્ત અસ્તિત્વ નહિ પણ બોલાયેલા કે લખાયેલા શબ્દો. આમ સાહિત્યનું ભૌતિક માધ્યમ શ્રાવ્ય કે ર્દશ્ય છે; અલબત્ત, એ માધ્યમ દ્વારા થતી અભિવ્યક્તિ ર્દશ્ય કે શ્રાવ્ય નથી હોતી.

    કલાનું માધ્યમ અનુસાર વર્ગીકરણ : કલાનું વર્ગીકરણ ઘણી રીતે થઈ શકે, જેમ કે કલાના ઉદ્દેશ અનુસાર, કલાના પ્રભાવ અનુસાર વગેરે. પરંતુ સૌથી પ્રચલિત અને સૌથી મૂળભૂત પદ્ધતિ કલાનું માધ્યમ પ્રમાણે વર્ગીકરણ કરવાની છે.

    ર્દશ્ય કલાઓ : આમાં ચિત્રકલા જેવી દ્વિપરિમાણી તેમજ શિલ્પ તથા સ્થાપત્ય જેવી ત્રિપરિમાણી કલાઓનો સમાવેશ થાય છે. વળી આમાંની કેટલીક કલાઓને ર્દશ્ય-સ્પર્શલક્ષી (visuo-tactual) કલાઓ તરીકે ઓળખાવી શકાય. સામાન્ય રીતે ઇમારતોને જોઈ શકાય છે અને સ્પર્શી પણ શકાય છે. શિલ્પને તો જોવા ઉપરાંત સ્પર્શવામાં આવે તો જ સાદ્યંત માણી શકાય; અને ચિત્રોમાં પણ કેટલીક વાર એવી ત્રિપરિમાણી લાક્ષણિકતા હોય છે જેથી સ્પર્શાનુભૂતિનું વળતર મળી રહે. ટૂંકમાં, આ બધી કલાઓ સૌપ્રથમ ર્દષ્ટિની ઇન્દ્રિયને – આંખને અપીલ કરે છે અને કલાકૃતિ તે ર્દશ્ય માધ્યમમાં પ્રગટેલો પદાર્થ હોય છે.

    શ્રાવ્ય કલા (auditory art) : આ કલાપ્રકારમાં સંગીતનાં તમામ સ્વરૂપોનો સમાવેશ થાય છે. પરંતુ ગીતની, ઑપેરાની તેમજ સંગીત અને સાહિત્યનું જેમાં સંયોજન થતું હોય તેવી કલાની આમાં ગણના થતી નથી. ર્દશ્ય કલામાં જેમ રંગરૂપ રેખાનું તેમ શ્રાવ્ય કલામાં ધ્વનિનું માધ્યમ હોય છે.

    ર્દશ્ય કલાથી ઊલટું, શ્રાવ્ય કલામાં ઉપાદાનરૂપે કોઈ ભૌતિક પદાર્થ હોતો નથી (સિવાય કે સૂર, તાલ ને તદનુલક્ષી સ્વરાંકન, અને આગળ જોયું તેમ સ્વરાંકન એ સંગીત નથી.). એમાં કેવળ સમયક્રમમાં પથરાયેલી નાદશ્રેણી હોય છે; જુદાં જુદાં વાજિંત્રોમાંથી ઉદભવતા ધ્વનિતરંગો હોય છે. સ્વરાંકનની નોંધ રહે છે. જેના આધારે ફરી સંગીત રજૂ કરી શકાય છે. ચિત્ર તથા શિલ્પ જે રીતે અસ્તિત્વ ધરાવે છે એ રીતે સંગીતના ધ્વનિઓનું અવિરત કે સ્થાયી અસ્તિત્વ નથી હોતું. એનું અસ્તિત્વ એ ર્દષ્ટિએ છે કે લિખિત સ્વરાંકન પરથી તેનું પુનર્વાદન થઈ શકે છે.

    શબ્દલક્ષી કલા (verbal art) – સાહિત્યની કલા ર્દશ્ય તથા શ્રાવ્ય એ બંને કલાપ્રકારો કરતાં તદ્દન ભિન્ન છે. કાવ્યનું ખાસ કરીને મોટેથી પઠન કરવામાં આવે ત્યારે તેમાં ધ્વનિની સભરતા ઉમેરાય છે; પરંતુ એ ધ્વનિ એકલો હોય તો સાહિત્યની કલા સાવ સત્વહીન બની રહે. કવિતાનો ધ્વનિ એટલા માટે અસરકારક અને સફળ બની રહે છે કે એમાં સાંભળવા મળતા શબ્દોના અર્થની શ્રોતાને ખબર હોય છે. કોઈ અપરિચિત ભાષામાં ઉચ્ચારાતા કાવ્ય કે નાટકના ધ્વનિ સાંભળીએ ત્યારે સાહિત્યમાં શબ્દના અર્થ જાણવા-સમજવાનું કેટલું જરૂરી અને મહત્વનું છે તે સમજાઈ જાય છે. અંગ્રેજીમાં સૌથી મધુર નાદધ્વનિ ધરાવતા શબ્દો પૈકીના એક શબ્દ murmuringમાં લગભગ murdering જેવા જ ધ્વનિઓ છે. આથી શબ્દોના અર્થની જાણકારી હોય તો જ સાહિત્યિક કલાનો આસ્વાદ માણી શકાય છે.

    સાહિત્ય સંગીતના જેવી શ્રાવ્ય કલા નથી, તેમ ર્દશ્ય કલા પણ નથી. તેનું માધ્યમ શબ્દ છે. અલબત્ત સાહિત્યકૃતિનાં છાપેલાં પાનાં પરથી તેનું પઠન કરવાનું પ્રચલિત છે ખરું. મુદ્રિત કે લિખિત શબ્દ અથવા પ્રસ્તુત હેતુસર કહો કે ‘ઉચ્ચારાયેલો શબ્દ’ અર્થ વ્યક્ત કરવાનું સાધન છે. આથી સાહિત્યને શ્રાવ્ય કે શ્ય કલાપ્રકાર કરતાં શબ્દલક્ષી કલાના જુદા વર્ગમાં મૂકવાનું રહે.

    મિશ્ર કલાઓ(mixed arts)માં ઉપરની ત્રણેય પ્રકારની કલાઓનો જુદી જુદી રીતે સમન્વય થતો હોય છે. આ વર્ગમાં તમામ મંચનલક્ષી કલાઓ(arts of performance)ની ગણના થાય છે. નાટકમાં સાહિત્ય (શબ્દલક્ષી કલા) તથા વેશભૂષા, રંગમંચસજાવટ વગેરે જેવી ર્દશ્ય કલાઓનો સમન્વય સધાય છે. સંગીતનાટક(opera)માં સંગીતકલા(એના મુખ્ય ઘટકરૂપે)નો સાહિત્ય (એનો ગીતરૂપ ભાગ) તથા રંગમંચસજાવટની ર્દશ્ય કલાઓ સાથે સમન્વય સધાય છે. નૃત્યમાં નર્તનમય દેહછટા(એના મુખ્ય ઘટક રૂપે)ની ર્દશ્યાવલી સાથે સંગીતની સંગત તેમજ કેટલીક વાર શબ્દોનો સાથ તથા બહુધા રંગમંચસજાવટના સહયોગનો સમન્વય હોય છે. ગીતમાં શબ્દ તથા સંગીતનું સહકાર્ય હોય છે. ચલચિત્ર(motion picture)માં ર્દશ્ય ઘટકોની સાથે શાબ્દિક ઘટક (ચિત્રકથાનું લખાણ) તથા બહુધા અવાંતરે મુકાયેલા પાર્શ્વસંગીતનો સમન્વય સર્જાય છે.

    તમામ ર્દશ્ય કલાઓ સ્થળલક્ષી (spatial) કલાઓ પણ છે; સાહિત્યની અને સંગીતની કલાઓ સમયલક્ષી (temporal) કલાઓ છે. આ તાત્વિક ભેદને પરિણામે પ્રત્યેક કલાપ્રકારની અસરકારકતા તથા આસ્વાદ વિશે ખાસ્સો તફાવત નીપજે છે. સમયલક્ષી કલામાં કલાકૃતિના અંશો પ્રેક્ષક સમક્ષ એકસાથે સમગ્રપણે પ્રસ્તુત થતા નથી પણ સમયની ક્રમિકતા પ્રમાણે રજૂ થાય છે. પહેલી ક્ષણ પૂરી ન થાય ત્યાં સુધી પછીની બીજી ક્ષણનો પ્રારંભ થતો નથી. સ્થળલક્ષી કલામાં સમગ્ર કલાકૃતિ એકસાથે પ્રસ્તુત થાય છે; એના અંશો તરફ ધ્યાન આપવાનું પછીથી બને છે. સમગ્ર કૃતિ પ્રત્યે એકદમ એટલે કે પહેલી નજર પડતાંવેંત તેને એકાગ્રતાથી અવલોકવાનું બની શકે નહિ; પરંતુ કલાકૃતિ તેના સમગ્ર સ્વરૂપે રજૂ થાય છે અને દર્શક પોતાની ઇચ્છાનુસાર કૃતિના અંશોને અવલોકે અને આસ્વાદે છે. શિલ્પ તથા સ્થાપત્ય જેવી ત્રિપરિમાણી કલામાં પૂર્ણ કૃતિ પ્રસ્તુત કરાય છે પરંતુ તેની અખિલાઈ એકીવખતે અવલોકી તો શું જોઈ પણ શકાતી નથી. કોઈ શિલ્પનો આગળનો ભાગ જોતા હોઈએ ત્યારે તેનો પીઠભાગ જોઈ શકાય નહિ; કોઈ મંદિરનું ગર્ભગૃહ નિહાળી રહ્યા હોઈએ ત્યારે શિખરની શોભા માણી શકાય નહિ.

    સમયલક્ષી કલાઓ અમુક નિશ્ચિત ક્રમમાં જ માણી શકાય. કોઈ સંગીતરચના કે નાટક કે ચલચિત્ર અવળે છેડેથી એટલે કે આરંભથી નહિ પણ અંતથી શરૂ કરીને માણવાનું શક્ય નથી. અલબત્ત ટેક્નીકની ર્દષ્ટિએ એ શક્ય છે ખરું; દા. ત., કોઈ ચલચિત્રની કૅસેટ અવળેથી શરૂ કરી શકાય પણ આસ્વાદની ર્દષ્ટિએ એ કેવલ ઉત્પાત જ ગણાય. સમયલક્ષી કલાની કૃતિના વિવિધ અંશોનો આસ્વાદ કલાકારે અગાઉથી સુનિશ્ચિત કરેલા ક્રમ પ્રમાણે જ ભાવકે માણવાનો હોય છે. આ કારણસર જ નવલકથામાં જે રીતે વાર્તાકથન થઈ શકે છે એ રીતે ચિત્રકલામાં થઈ શકતું નથી. ચિત્રમાં ‘ક્ષુરસ્ય ધારા’ (razor’s edge) પર ઝિલાતો સમય  થોડી ક્ષણો જ આલેખાય છે જ્યારે નવલકથામાં અનેક પાત્રો-પ્રસંગોને આવરી લેતા વિશાળ સમયઘટકની ઘટનાઓ બનતી હોય એ ક્રમમાં અથવા પીઠઝબકાર (flash-back) પદ્ધતિએ બની ગઈ હોય એ ક્રમમાં આલેખાય છે. સાંપ્રત કલાપ્રવાહોમાં સમય અને સ્થળનાં પરિમાણો વચ્ચેનો આ ભેદ ટકાવી રાખવા કરતાં નિવારવાનો ઝોક વિશેષ રહેલો છે.

    કલાના માધ્યમગત તફાવત : જુદી જુદી કલાઓ વિશે જે માધ્યમગત તફાવત હોય છે તેના પરિણામે જે તે કલાઓ વિશે પણ મહત્વનો તફાવત સર્જાય છે.

    સાહિત્યિક અને સાહિત્યેતર કલાઓ : વિવિધ કલાઓ વચ્ચેનો સૌથી મોટો તફાવત તે આ : સાહિત્યિક અને સાહિત્યેતર કલા. સાહિત્યમાં સંકેતચિહનોનું એક રચનાતંત્ર હોય છે અને એ પ્રત્યેક સંકેતચિહનોનો અમુક નિશ્ચિત અર્થ હોય છે. શબ્દ એ કેવળ અવાજ નથી અથવા છાપેલા પાના પરની કોઈ નિરર્થક નિશાની નથી. શબ્દ નિશ્ચિત અર્થ ધરાવતો ધ્વનિ કે મુદ્રિત સંકેત છે. જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા સમૂહ માટે અર્થસંકેત નક્કી કરાયા છે અને જે તે ભાષાની કોઈ કૃતિ સમજવી હોય તો સંબંધિત ભાષા શીખી લેવાની રહે. બીજી કોઈ કલા વિશે આ સમસ્યા નથી. કોઈ પણ અંગ્રેજીભાષી વ્યક્તિ જર્મનભાષી વ્યક્તિ જેટલી જ સારી રીતે જર્મન સંગીત માણી શકે છે  અને એ ન માણી શકતી હોય તોપણ તેમાં ભાષાની જાણકારીનો અભાવ કારણભૂત નથી બનતો.

    આકાર, રંગ અને સૂર માટે શબ્દની જેમ કોઈ અર્થ મુકરર કરાયા નથી. એનું તાત્પર્ય એવું નથી કે કલામાં અભિવ્યક્ત થતાં આ તત્વો ‘અર્થ’ શબ્દની કોઈ ભાવના ધરાવતા નથી. ‘અર્થ’ શબ્દના ઘણા અર્થ છે અને ઉદાહરણ તરીકે જોઈએ તો રંગ કોઈ ને કોઈક ભાવનું પ્રતીક બની રહે છે એટલે રંગ અમુક અર્થ ધરાવે છે એમ કહી શકાય; જેમ કે લાલ રંગ શૌર્યના પ્રતીકરૂપ છે; અથવા તેનાથી ઉદભવતા ઉગ્ર સાહચર્યના કારણે દર્શકના ચિત્તમાં પ્રબળ લાગણીઓ અથવા અન્ય કોઈ પ્રતિભાવ પણ જન્મી શકે. ટૂંકમાં, રંગનો કોઈ નિશ્ચિત અર્થ નથી હોતો. સંગીતમાં પણ વિવિધ સૂરનો કોઈ નિશ્ચિત અર્થ નથી હોતો  કેવળ અસર અથવા પ્રભાવ હોય છે; અને જેમ રંગની બાબતમાં તેમ સૂરની બાબતમાં, અર્થ વગર પણ એની અસરકારકતા માણી શકાય છે. સાહિત્યિક કલામાં આથી ઊલટું છે. કવિતામાં કોઈ શબ્દના અર્થની ખબર ન હોય તો એ કવિતાનો આસ્વાદ એટલે અંશે ઊણો રહે; કારણ કે કવિતાનું માધ્યમ અવાજ કે મુદ્રિત ચિહન નહિ પણ શબ્દો છે અને અવાજ તથા શબ્દ વચ્ચે એ જ તો તફાવત છે કે શબ્દ એ એવો ધ્વનિ છે જે અર્થ પણ ધરાવે છે.

    આ તાત્વિક તફાવતના કારણે સાહિત્ય અને અન્ય કલાઓ વચ્ચે ખાસ્સો ભેદ સર્જાય છે. સાહિત્યનું માધ્યમ શબ્દ છે એટલે સાહિત્યની કલામાં ભાષાંતરની સમસ્યા સર્જાય છે; સાહિત્યેતર કલાઓમાં એ સમસ્યા લેશમાત્ર હોતી નથી. ઇટાલીની અમર ચિત્રકૃતિઓ, ગ્રીસની ચિરંજીવ શિલ્પકૃતિઓ કે ભારતનું સૌંદર્યમંડિત સ્થાપત્ય માણવા માટે ભાષાભેદની આવી કોઈ બાધા નડતી નથી. કોઈ સાહિત્યકૃતિને અન્ય ભાષાભાષી વિશાળ ભાવક સમુદાય સમક્ષ રજૂ કરવાનું વિચારાય ત્યારે ભાષાંતરની આ પ્રક્રિયા ઉપસ્થિત થાય છે. પરંતુ સાહિત્યકૃતિની જે જે સુંદરતા મૂળ ભાષામાં પામી શકાય છે તે તમામ સુંદરતા ભાષાંતરની પ્રક્રિયા વડે અન્ય ભાષામાં અક્ષત ઉતારી શકાતી નથી અને એટલે અંશે મૂળ સાહિત્યકૃતિની સુંદરતા નષ્ટ થાય છે. સાહિત્યિક કૃતિની આ લાક્ષણિક માધ્યમગત મર્યાદા છે.

    કલા એટલે અનુકરણ : ‘કલા’ એ અનુકરણ છે એવો મત ગ્રીક તત્વવેત્તા પ્લૅટો (ઈ. પૂ. 428-327) જેટલો પ્રાચીન છે. આજે જોકે એનો પ્રભાવ રહ્યો નથી પરંતુ તેના સુદીર્ઘ અને વિલક્ષણ ઇતિહાસ પરથી જણાય છે કે માનવવિચારસરણી પર તેનો લગાતાર પ્રભાવ રહ્યો છે. પણ આમાં એક પારિભાષિક મુદ્દો પ્રસ્તુત છે. કોઈ કલાકાર વિશે વાત કરવી હોય તો તે તેની કૃતિઓમાં જગતનાં લોકો, વસ્તુઓ તથા ર્દશ્યોનું પ્રતિનિધાન (representation) કરે છે એમ કહી શકાય, જ્યારે અનુકરણ (imitation) તો તે બીજા કોઈ કલાકારનું કરે છે એમ કહી શકાય. આમ કોઈ ચિત્રકૃતિમાં કલાકારે ખેતર, વૃક્ષો, પનિહારી વગેરેનું પ્રતિનિધાન કર્યું છે એમ કહેવાય જ્યારે કોઈ કલાકારે અનુકરણ સોમાલાલ શાહનું કર્યું છે એમ કહેવાય. એટલે હવે આ અનુકરણના પરંપરાગત સિદ્ધાંતને બદલે પ્રતિનિધાન સિદ્ધાંતનો સવિશેષ ઉલ્લેખ થાય છે.

    કલાના વિકાસના અમુક તબક્કે એવો પણ આગ્રહ રખાતો હતો કે કલામાં પ્રકૃતિનું આલેખન ફોટોગ્રાફ જેવી સૂક્ષ્મતાથી થવું જોઈએ પણ સ્વયં ફોટોગ્રાફીની કલાનો જ ખૂબ વિકાસ થતાં ચિત્રકારના માથેથી એ ભારણ ઓછું થયું. જોકે કલામાં પ્રતિનિધાન તો વાસ્તવિકતાનું જ કરવાનું રહે, પણ ચિત્રકૃતિમાં આલેખાયેલું ઘર વાસ્તવિક ઘર જેવું ન હોય  અને હોઈ પણ ન શકે કારણ કે વાસ્તવિક ઘર ત્રિપરિમાણ ધરાવે છે, જ્યારે ચિત્રકલા દ્વિપરિમાણી છે  પણ દરેક વ્યક્તિ તેને ઘર તરીકે ઓળખી કાઢી શકે એટલું તો એમાં સરખાપણું હોવું જોઈએ.

    પ્રતિનિધાનનું પૃથક્કરણ : પ્રતિનિધાનમાં હંમેશાં અમુક પ્રમાણમાં તત્વતારણ(abstraction)ની પ્રક્રિયા સંકળાયેલી હોય છે; એટલે કે મૂળ પદાર્થ કે વસ્તુની એક યા વિશેષ લાક્ષણિકતા તારવી કે ગાળી લેવામાં આવે છે. આમેય કોઈ વ્યક્તિના ખાસ્સા વાસ્તવિક ગણાતા હોય એવા ચિત્રમાં પણ, મૂળ વ્યક્તિની લક્ષણવિશેષતાઓ જેવી કેટલીક ખાસિયતો અવ્યક્ત જ રહી હોય છે; પરંતુ આ તત્વતારણ એટલે કે એબ્સ્ટ્રૅક્શનનું પ્રમાણ એટલું વિશેષ હોય કે કૃતિમાં નિરૂપાયેલો આકાર માનવ-આકાર છે કે કોઈ વાસ્તવિક પદાર્થનો આકાર છે એ પણ ઓળખી ન શકાય ત્યારે એવાં ચિત્રોને બિન-પ્રતિનિધાનાત્મક (non-representational) કહેવાય છે; પ્રચલિત ભાષામાં એ ચિત્રો અમૂર્ત કે ‘એબ્સ્ટ્રૅક્ટ’ તરીકે ઓળખાય છે. જોકે આ પણ કંઈક ભ્રામક છે. દરેક પ્રતિનિધાનમાં તત્વતારણની પ્રક્રિયા અનિવાર્યપણે સંકળાયેલી જ હોય છે એટલે કે વાસ્તવિકતાના અમુક અંશો તારવી કાઢેલા હોય છે; એબ્સ્ટ્રૅક્શનના પ્રમાણમાં ફેર પડતો રહે છે એટલું જ.

    સાહિત્ય પણ પ્રતિનિધાનલક્ષી કલા છે પરંતુ એમાં થયેલું પ્રતિનિધાન ર્દશ્ય કલા જેવું હોતું નથી. નવલકથા કે નાટકમાં અનેક પાત્રો આવે અને ઘટનાનું પ્રતિનિધાન થાય એ ખરું, પણ એ પ્રતિનિધાન ર્દશ્ય નથી હોતું કારણ કે એ ભાષાગત હોય છે. ચિત્રકાર રંગ-રેખા વડે સિદ્ધરાજ જેવા કોઈ પ્રતાપી પાત્રનું વ્યક્તિચિત્ર બનાવે છે, લેખક એનું શબ્દચિત્ર વર્ણવે છે. ચિત્રકારથી ઊલટું લેખક કાર્યનું પણ નિરૂપણ કરી શકે છે; દાખલા તરીકે, સિદ્ધરાજનાં કાર્યો – પરાક્રમો તે ભાષા મારફત નિરૂપી શકે છે. શબ્દનું માધ્યમ આ રીતે રંગરેખાને મુકાબલે વધુ સક્ષમ લાગે. જે મિશ્ર કલાઓમાં માધ્યમ તરીકે શબ્દનો પણ ઉપયોગ થાય છે તેમાં એટલે કે નાટક તથા ફિલ્મમાં, સાહિત્ય જેવા શબ્દનિર્ભર પ્રતિનિધાન ઉપરાંત બીજો પણ લાભ મળે છે. શબ્દ વડે કાર્ય આલેખવા ઉપરાંત આ કલાપ્રકારો પ્રેક્ષક સમક્ષ એ પાત્રો પ્રત્યક્ષ રજૂ કરી શકે છે અને કાર્ય બનતું હોય એ રીતે દર્શાવી શકે છે. આ મિશ્ર કલાઓ ર્દશ્ય છે તેમજ શ્રાવ્ય પણ હોય છે; વળી ચિત્રકલા તથા શિલ્પની જેમ સમયની એકાદ ક્ષણપૂરતી સીમિત ન હોવાથી એ મિશ્ર કલાઓ દ્વિગુણિત સ્થળલક્ષી તથા સમયલક્ષી બંને છે; આથી આ કલાઓ દ્વિગુણિત પ્રતિનિધાન કરી શકે છે. સંગીતકલામાં આ શક્ય નથી; સંગીત પાત્રો કે પદાર્થોને નથી તો ર્દશ્યસ્વરૂપે દાખવી શકતું કે નથી તો શબ્દમાં વર્ણવી શકતું.

    કલા એક અભિવ્યક્તિ : કલા એ અનુકરણ (કે પ્રતિનિધાન) નથી એ ર્દષ્ટિબિંદુનો પ્રતિવાદ તો થયો જ છે, પણ અમુક કલાપ્રકારોમાં તો એકાદ સદી ઉપરાંતથી એ વાદ મૃતપ્રાય બની ગયો છે. એના સ્થાને મોટેભાગે એવો સિદ્ધાંત પ્રચલિત થયો છે કે કલા એ અભિવ્યક્તિ (expression) છે. બાહ્ય જગતની પરિસ્થિતિઓનું આલેખન કરવાને બદલે કલા કલાકારના આંતરિક જગતનું આલેખન કરે છે એવું મનાયું છે. ‘અભિવ્યક્તિ’ના હાર્દરૂપ અર્થમાં આવું જ અભિપ્રેત છે : આંતરિક અવસ્થાનો બાહ્ય આવિષ્કાર.

    કલાકૃતિનું સર્જન એટલે કોઈ માધ્યમમાં (સંગીતમાં સૂર, સાહિત્યમાં શબ્દ, ચિત્રકલામાં રંગરેખા એ પ્રમાણે) તત્વોનું નવેસર સંયોજન સિદ્ધ કરવું તે. એ તત્વોનું પૂર્વ-અસ્તિત્વ તો હતું જ, પણ આ પ્રકારના સંયોજન મુજબનું નહિ. કલાકાર પોતાની કૃતિમાં એ તત્વોના પુન:સંયોજનરૂપે સર્જન કરે છે.

    કલાનાં જુદાં જુદાં માધ્યમોમાં સર્જન થાય છે એ દેખીતી ઘટના હોવા છતાં અભિવ્યક્તિ વિશે બહુ જ થોડું કહેવાયું છે. અભિવ્યક્તિવાદી તરીકે ઓળખાતો વર્ગ એમ માને છે કે સર્જનાત્મક પ્રક્રિયા એ અભિવ્યક્તિની જ પ્રક્રિયા છે – અથવા અભિવ્યક્તિ માટે કલાકાર પાસેથી સર્જનકાર્ય કરતાં પણ કંઈક વિશેષ અપેક્ષા રહે છે. કેટલાકનું મંતવ્ય એવું છે કે કલાનું સર્જન એ આત્માભિવ્યક્તિ છે; બીજા કેટલાક એવું માને છે કે એમાં લાગણી(feeling)ની અભિવ્યક્તિ હોય છે; જોકે એવું નથી કે એ લાગણીઓ સ્વયં પોતાની જ હોય; એ પણ હોય અને એથી વિશેષ પોતાના સમુદાયની, રાષ્ટ્રની કે સમસ્ત માનવજાતની લાગણીઓ પણ હોય. અન્ય કેટલાક લોકો એવો મત ઉચ્ચારે છે કે સર્જન લાગણીઓ પૂરતું જ સીમિત હોય એ જરૂરી નથી; એમાં કલ્પના અને વિચારો પણ અભિવ્યક્ત થાય. પણ કલાલક્ષી સર્જન અભિવ્યક્તિની પ્રક્રિયા છે એવો અસંદિગ્ધ અભિપ્રાય એ રોમૅન્ટિક ઝુંબેશની નીપજ છે. એ મત અનુસાર તત્વજ્ઞાન અને અન્ય જ્ઞાનશાખાઓમાં જેમ વિચારોની અભિવ્યક્તિ છે તેમ કલાના સર્જનમાં ભાવ કે સંવેદનની અભિવ્યક્તિ છે. સર્વાંશે જોતાં, કલા એ વિવિધ ભાવોની અભિવ્યક્તિ છે એ મત ઐતિહાસિક મહત્વનો નીવડ્યો છે અને એમાં ભાવ એટલે લાગણી કે ઊર્મિ તથા મનોવલણ પણ અભિપ્રેત છે.

    કલાનું સ્વરૂપ : કલાની સ્વરૂપ તરીકેની વિચારણા અથવા સ્વરૂપવાદ એ ચોક્કસપણે વીસમી સદીની ઘટના છે. એ પણ ચોક્કસ કે એનો આવિષ્કાર અમુક વિચારસરણીની પ્રતિક્રિયારૂપે થયો છે એટલે સ્વરૂપવાદનું તાત્પર્ય પામવું હોય તો તે વિચારસરણીઓ જાણી લેવી ઘટે. કલા પ્રતિનિધાન છે, કલા અભિવ્યક્તિ છે, કલા સત્ય કે જ્ઞાન કે નૈતિક ઉત્કર્ષ કે સામાજિક સુધારણા માટેનું સાધન છે; કલા આ બધી કામગીરી પાર પાડી શકવા સમર્થ નથી એવું સ્વરૂપવાદીઓ માનતા નથી; તેઓ એમ માને છે કે કલાને આવાં કાર્યો માટે પ્રયોજવાથી કલાનો સાચો ઉદ્દેશ માર્યો જાય છે. આ સ્વરૂપવાદીઓનો ધ્યેયમંત્ર – જીવન ખાતર કલા નહિ, પણ કલા ખાતર કલાની જિકર છે.

    રેખા અને રંગની, સંગીતના સૂરોની તથા શબ્દોની જટિલ ગૂંથણી તથા એ બધાંનાં સંયોજનોને સમજવા-માણવાના આસ્વાદ તથા આનંદ માટે કલા છે. આ બધાં માધ્યમો વડે કલા દુન્યવી પદાર્થોનું પ્રતિનિધાન કરી શકે, જીવનમાંનાં ર્દશ્યો આલેખી શકે અને વાસ્તવિક જિંદગીના અનુભવ વ્યક્ત કરી શકે એ સાચું, પણ સ્વરૂપવાદીઓની ર્દષ્ટિએ કલાના પ્રધાન ઉદ્દેશ સાથે આ બધું અપ્રસ્તુત અને અસંગત ગણાય છે. હકીકતમાં કોઈ વાર્તા કહેવી અથવા જગતનું નિરૂપણ કરવું એના કરતાં રંગોને રંગ ખાતર, સૂરોને કેવળ સૂર ખાતર અને એવાં બીજાં તત્વોને એ તત્વો ખાતર જ કલાના માધ્યમમાં પ્રસ્તુત કરવાનો ઉપક્રમ હોવો જોઈએ.

    કલાના સાચા ઉદ્દેશ પરત્વે ચર્ચા કરનારા કલાસંપ્રદાયો વચ્ચે મતભેદ છે. પણ એક વાતમાં એ સૌ એકમત છે કે કલા એ અમુક સાધ્ય માટેનું સાધન તો છે જ. એમાં ઇન્દ્રિયોને આનંદ આપવો કે વિશ્વનાં રાષ્ટ્રોમાં બિરાદરી જન્માવવી કે માનવજાતમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવવી કે વાચક અથવા પ્રેક્ષકની નૈતિક માન્યતાઓમાં સુધારણા કરવી એવો કોઈ પણ ઉદ્દેશ હોઈ શકે; ઉદ્દેશ કોઈ પણ હોય, એમાં કલા કલા સિવાયના કોઈ સાધ્ય માટેનું સાધન બની રહે છે. એટલે અંતિમ પૃથક્કરણમાં કલાના પ્રકારનું મહત્વ રહેતું નથી, પણ ભાવક પર તેની શી અસર ઝિલાય છે એ જ ગણતરીમાં લેવાય છે; એ અસર ચાહે ઇંદ્રિયગમ્ય હોય યા બોધલક્ષી; સામાજિક હોય યા ધાર્મિક કે નૈતિક હોય.

    એક વાદ એવો પણ છે કે ભાવકના ચિત્ત વિશે એક જ પ્રકારની અસર જન્માવવી એટલે કે આનંદ જન્માવવો. કલામાં બોધ હોય કે માહિતી, નિરૂપણ હોય કે અભિવ્યક્તિ; પણ તેનું મુખ્ય કાર્ય તે આનંદ આપવાનું. વિશેષ આનંદ આપે તે વિશેષ સારી કલાકૃતિ. આ સિદ્ધાંતને આટલી સરળતાપૂર્વક રજૂ કરવામાં આવે તો ઉપલક ચળકાટવાળી અને છીછરી કૃતિઓ તેમજ ઊંડાણ કે સ્પષ્ટતા વગરની કૃતિઓને ઉત્તમ કલાકૃતિઓ ગણવી પડે; અને એટલું સ્વીકારીએ તો શેક્સપિયર કે પિકાસો કે પિરાજી સાગરાની કૃતિઓને લાગફેલોનાં કાવ્યો અથવા રાજા રવિવર્માનાં ચિત્રો કરતાં ઘણું નીચું સ્થાન આપવાનું થાય; કેમ કે, શેક્સપિયરની કે પિકાસોની અથવા એવા અન્ય સર્જકોની ગહન, ગંભીર કે વિચારપ્રેરક કૃતિઓ સમજવામાં ઘણાને મુશ્કેલી પડે છે અને ઘણા તો સમજી પણ શકતા નથી. પણ આવા સમર્થ સર્જકોની કૃતિઓમાંથી આનંદ નથી મળતો એવું નથી; એટલું કે એ આનંદ માટે અધિકાર કે યોગ્યતાની અપેક્ષા રહે છે તેથી ઘણી વાર અમુક કક્ષાના ભાવકોને તેમાંથી આનંદનો અનુભવ થતાં વાર લાગે છે. લાંબે ગાળે, એ કૃતિ સમજાય ત્યારે કલાગત આનંદનો અનુભવ થાય છે. આનું બીજું ફલિત એ પણ થાય છે કે જે કલાકૃતિઓ સરળ, સ્વયંસ્પષ્ટ અને સુગમ હોય તેને ઘણો વિશાળ ભાવકસમુદાય સમજી-માણી શકે છે.

    કલા કેવળ ‘આનંદ’ આપે એવા ઉપરના વાદમાં ઉમેરણ કરીને એમ પણ કહેવાયું છે કે કલા સૌંદર્યલક્ષી આનંદ (aesthetic pleasure) આપે છે. આમાં પણ ‘સૌંદર્યલક્ષી’ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવે છે તેના પર જ બધો આધાર રહે. વળી સૌંદર્યલક્ષી આનંદને અન્ય પ્રકારના આનંદથી તારવી બતાવવા માટે કોઈ તૈયાર કે સરળ ઉપાય નથી. વસ્તુત: ઉત્તમ કલાકૃતિની વાચક, પ્રેક્ષક કે શ્રોતાના ચિત્ત વિશે જે અસર જન્મે છે તે કેવળ આનંદલક્ષી હોય છે એમ કહેવું પૂરતું નથી. કલા આનંદ આપી શકે છે અને કલાએ આનંદ આપવો ઘટે એનો તો ભાગ્યે જ કોઈ ઇનકાર કરે; પણ કલામાંથી કેવળ આનંદ મળી રહેવો જોઈએ એવું તો જૂજ લોકો કહેવાના. ઉત્તમ કલા આનંદની અનુભૂતિ તો કરાવે જ; પણ એ ઉપરાંત ક્યારેક એ ભાવકને હચમચાવી મૂકે, એના ચિત્તમાં આઘાત જન્માવે કે પડકાર પણ પેદા કરે અથવા એનો ગહન અનુભવ કરનારના જીવનમાં પરિવર્તન પણ લાવી શકે. ટૂંકમાં આનંદ એ કલાની બહુવિધ અસરો પૈકીની એક છે; એકમેવ અસર નહિ.

    કલા સત્ય કે જ્ઞાન માટેનું સાધન : કલાપક્ષે જે એક બીજો ઉદ્દેશ નિરૂપાયો છે તે છે તેની જ્ઞાનલક્ષી કામગીરી; સત્યની પ્રાપ્તિના સાધન તરીકે કલાની કામગીરી. માણસને પ્રાપ્ત ઉત્તમોત્તમ જ્ઞાન મેળવવા તેમજ બીજા કોઈ ઉપાયોથી મેળવવું દુષ્કર બનતું જ્ઞાન મેળવવા માટેનો માર્ગ તે કલા એમ પણ કહેવાયું છે. એનો સૌથી પ્રચલિત અર્થ ઘટાવીએ તો એમ કહી શકાય કે જ્ઞાન કોઈ વિધાન(proposition)ના સ્વરૂપે વ્યક્ત થાય છે. ઇન્દ્રિયગત અવલોકન પરથી જાણી શકાય છે કે સૂર્ય આથમે છે – આ જ્ઞાન થયું. કલાકૃતિના પરિચયથી પ્રાપ્ત થતું જ્ઞાન આ જ પ્રકારનું હોય છે ? એ ખરું કે કલાકૃતિનો પરિચય કર્યા પછી એવાં કેટલાંક વિધાનો કરી શકાય છે, જે તેના પરિચય વિના શક્ય બનત નહિ; જેમ કે, આ ચિત્રમાં લાલ રંગનું વર્ચસ્ છે, આ શિલ્પકૃતિ ઈસુ પૂર્વે 400 વર્ષ આસપાસની હોવાનો સંભવ છે. પ્રશ્ન એ રહે છે કે કલાકૃતિમાંથી એવું કંઈ પ્રાપ્ત થાય છે જેને સત્ય અથવા જ્ઞાન કહી શકાય ? કદાચ સાહિત્યિક કૃતિ આવો દાવો કરી શકે. સાહિત્ય સર્જાય છે શબ્દો વડે; શબ્દોનું સંયોજન થતાં વાક્યો રચાય છે અને વાક્યોમાંથી વિધાન રચાય છે. સાહિત્યમાં આવાં વિધાનો આલેખાયાં હોય છે; પણ એમાંનાં કેટલાંક વિધાનો સાચાં ન હોય તો વિસ્મય પામવા જેવું નથી. શેક્સપિયરે ‘ધ વિન્ટર્સ ટેલ’માં અમુક ઘટના બોહેમિયાના દરિયાકાંઠે બનતી હોવાનું આલેખન કર્યું છે; પરંતુ બોહેમિયાને દરિયાકાંઠો જ નથી. આથી આ વિધાન ભૌગોલિક ર્દષ્ટિએ સાચું ન ગણાય પણ એથી શેક્સપિયરની સાહિત્યકૃતિને કશી આંચ નથી આવતી. મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ તથા ભૂગોળ સાચાં ન હોય તોપણ તે કારણે તેમની એ કૃતિઓની રસાત્મકતાને કશો બાધ આવતો નથી. હકીકતમાં સાહિત્ય ઇતિહાસ કે ભૂગોળ કે કોઈ જ્ઞાનશાખા નથી. એથી સાહિત્યની કૃતિમાં ઇતિહાસ કે ભૂગોળ, વિજ્ઞાન કે વિદ્યા કે શાસ્ત્રનાં સત્યો ન હોય તો વાંધો નહિ. પણ સૌ સાહિત્યકારોએ એક સત્ય તો અવશ્ય નિરૂપવું ઘટે – અને તે છે માનવહૃદય વિશેનું સત્ય. સાહિત્યનો સર્જક પરિણામોની પરવા કર્યા વિના બીજાં બધાં સત્યો વિશે ચેડાં કરે તો પાલવે પણ માનવહૃદયની સચ્ચાઈ આલેખવાની બાબતમાં તે ઉદાસીન, બેદરકાર કે અસાવધ રહે તો તે પોસાય નહિ. તેનાં પાત્રો જીવંત અને સ્વાભાવિક લાગવાં જોઈએ. એ પાત્રો પ્રેમ, ક્રોધ, ઈર્ષ્યા અને એવી જ બીજી માનવસહજ લાગણીઓ ધરાવતાં ન હોય તેમજ વાસ્તવજગતના માનવો જે રીતે વર્તવા પ્રેરાય એ જ રીતે વર્તતાં ન હોય તો મૂળભૂત રીતે જ વાચક તેમને સમજી પણ નહિ શકે. એ પાત્રો અજાણ્યાં, અપરિચિત કે અસંગત અને અસ્પષ્ટ બની રહેવાનાં. આથી જ સાહિત્યનો સર્જક બીજું જે કરે તે, પણ તેનું નિરૂપણ માનવપ્રકૃતિ પરત્વે સત્યનિષ્ઠ રહેવું જોઈએ.

    સાહિત્યેતર કૃતિમાં માનવપ્રકૃતિનું સત્ય હોય ખરું ? ચલચિત્રો અને ઑપેરા તેમજ બીજી મિશ્ર કલાઓ સ્પષ્ટત: આવું સત્ય નિરૂપી શકે; પણ તેમનું ઉપાદાન છે શબ્દો, અને આવા નિરૂપણમાં સાહિત્ય મુખ્ય અંગભૂત ઘટક બની રહે છે; પણ જે કલાઓમાં શબ્દનું ઉપાદાન નથી તેમનું શું ? ચિત્રકલા અને શિલ્પ સમયલક્ષી કલાઓ નથી અને તેથી એમાં કાર્યનું નિરૂપણ થઈ શકતું નથી, પણ માનવચરિત્રના આલેખનમાં કાર્યનું સર્વોપરી મહત્વ છે. આ કલાઓમાં કલ્પિત કે વાસ્તવિક પાત્રોનું નિરૂપણ થાય છે પણ તેમાં સમયની સ્વલ્પ ક્ષણો જ ઝિલાય છે. એથી વાસ્તવિક માનવપ્રકૃતિની સચ્ચાઈ નિરૂપવાનું શક્ય બનતું નથી. એ જ રીતે, સંગીતની કલામાં (એટલે કે શબ્દની સંગત વગરના સંગીતમાં) તો આવું સ્વલ્પ સમયગત નિરૂપણ પણ નથી હોતું; બહુ તો એમાં માનવલાગણીઓ વ્યક્ત થાય પણ એ નિરૂપણમાં માનવપ્રકૃતિ અને સ્વભાવ વિશેની સચ્ચાઈ વ્યક્ત થઈ શકતી નથી. પાત્રોના નિરૂપણમાં માનવપ્રકૃતિ વિશેનું સત્ય કલાતત્વની ર્દષ્ટિએ સુસંગત હોય, પણ કલાકૃતિની ઉત્તમતા માટે એ એક જ માપદંડ છે એમ કહેવું એ એક અતિશયોક્તિ બની રહેશે; એવી અતિશયોક્તિ કરવાથી કલાની ઉત્તમતા માટે રંગ અને આકૃતિ અને અભિવ્યક્તિના જે માપદંડ છે તેની અવહેલના કરવા જેવું થાય. કલાના જુદા જુદા પ્રકારો સત્યના નિરૂપણ વિના પણ ટકે છે એ લક્ષમાં લેતાં એમ પણ જણાય છે કે કોઈ પણ સંજોગોમાં સત્ય (કે માનવપ્રકૃતિ વિશેનું સત્ય) કલાકૃતિમાં અનિવાર્ય નહિ બને. કલાકૃતિમાં એવું સત્ય નિરૂપાયું હોય અને સત્યની એ ઉપસ્થિતિથી કલાકૃતિની ગુણવત્તામાં વધારો થતો હોય (આનો પણ ઘણા પ્રતિવાદ કરવાના) તોપણ એ નિરૂપણ કલાકૃતિની અનેક વિશેષતા પૈકીની જ એક વિશેષતા લેખાવાની. આથી કલાનો ઉદ્દેશ કે કલાનું કાર્ય સત્ય દાખવવાનો છે એવો મત નિ:શંક ભ્રામક છે. જે કોઈને સત્ય પામવાની અપેક્ષા હોય અને સત્ય સિવાયનાં તત્વોની ઉપસ્થિતિ વિશે ઉદાસીનતા હોય તેમણે કલાનો નહિ પણ વિજ્ઞાન કે તત્વજ્ઞાનનો આશરો લેવો ઘટે.

    કલા નૈતિક સુધારણાનું ઉપાદાન : કલાકૃતિ સુંદરતાની ર્દષ્ટિએ સારી છે અથવા એમાં સૌંદર્યતત્વોની ગુણવત્તા છે એમ કહેવું એ એક વાત થઈ અને કલાકૃતિ નૈતિકતાની ર્દષ્ટિએ સારી છે અથવા એમાં લોકોની નીતિમત્તા સુધરે એવો પ્રભાવ પાડવાની શક્તિ છે એમ કહેવું એ બીજી વાત થઈ. આ બંને અભિપ્રાય જોકે એકબીજાથી તદ્દન ભિન્ન છે પણ એ સાવ અસંલગ્ન પણ નથી. કલાના નીતિ વિશેના સંબંધ અંગે ત્રણેક મતો પ્રચલિત છે.

    નીતિવાદ : એક ર્દષ્ટિબિંદુ એવું છે કે કલાનું મુખ્ય કે એકમેવ કર્તવ્ય નીતિના અનુચર બની રહેવાનું છે. જે કલા આવા ઇચ્છિત પ્રકારની નૈતિક અસરકારકતા ન પ્રગટાવે તેને નીતિશાસ્ત્રીઓ શંકાસ્પદ નજરે જુએ છે; કારણ કે કલા લોકોના મન વિશે અરૂઢ વિચારો – અપ્રચલિત ખ્યાલો જન્માવે છે; લોકોને સંકુચિત ર્દષ્ટિના ચોકઠામાંથી છોડાવે છે; તે અજંપો અને વ્યાકુળતા જન્માવે છે કારણ કે તેમાં એકવાક્યતા ઉપર નહિ પણ વ્યક્તિત્વ પર ભાર મુકાતો હોય છે. ઘણીય વાર કલાકૃતિઓ સ્થાપિત વ્યવસ્થાતંત્ર સામેની ક્રાંતિ કે તે વિશેની નિર્ભાન્તિમાંથી આવિષ્કાર પામી હોય છે. આમ જે માન્યતાઓ અને મનોવલણો પર સમાજનું કલ્યાણ અવલંબતું હોવાનું મનાય છે તેને જ કલા અવગણે છે કે ગૌણ ગણે છે અને એવી જ રૂઢિના રક્ષકો કલા પ્રત્યે સાશંક ભાવે જુએ છે.

    પશ્ચિમની દુનિયામાં કલાના નીતિમય પાસાના સૌપ્રથમ પુરસ્કાર કર્યો પ્લૅટોએ – ખાસ કરીને The Republic અને Laws નામના ગ્રંથોમાં. પ્લૅટોએ કવિઓની પ્રશંસા કરી છે; અમુક અંશે એ પોતે પણ કવિતા કરતા. પરંતુ પોતાના આદર્શ મુજબના રાજ્યની  કાગળ ઉપર – સ્થાપના કરવાનો પ્રસંગ પડ્યો ત્યારે પ્લૅટોને ખાતરી થઈ કે ઘણીખરી કલાપ્રવૃત્તિ તથા હોમરના કેટલાક ફકરા સુધ્ધાં યુવાન અને પ્રભાવક્ષમ વર્ગ પર માઠી અસર કરે તેમ હતા. આથી તેમણે તેનો નિષેધ કરવા ઠરાવ્યું. જે લખાણમાં ઈશ્વરને લગતાં અનિષ્ટ ઉચ્ચારણો હોય કે તેના અસ્તિત્વ વિશે શંકા ઉઠાવાઈ હોય, જે લખાણમાં અતિશય કામવાસનાનું નિરૂપણ હોય તેવાં લખાણ તથા આત્મા તથા ઇન્દ્રિયો વિશે ક્ષોભ અને અશાંતિ પ્રગટાવે તેવું સંગીત પણ તેમણે નિષિદ્ધ ગણ્યું. આમાં પ્લૅટોની ચિંતા એ હતી કે પોતાના સૂચિત રાજ્યના રાજ્યકર્તાઓની પરિષદમાં જોડાનારનો આત્મા શુદ્ધ હોવો જોઈએ; સમસ્ત લોકસમુદાય માટે આવું નિયંત્રણતંત્ર સેન્સરશિપ હોય એવો તેમનો મત ન હતો. પરંતુ યુવાનવર્ગમાંથી કયા લોકોની રાજકર્તા-પરિષદ માટે પસંદગી થશે એ ભાખવું મુશ્કેલ તો હતું જ; વળી કલાકૃતિઓનો લાભ સમુદાયના અમુક વર્ગને જ મળે અને અમુકને એથી વંચિત રખાય એવું તંત્ર ગોઠવવાનું શક્ય હતું જ નહિ (છે પણ નહિ). આથી પ્લૅટોને જે પ્રકારનું નિયંત્રણ અભિપ્રેત હતું તેનો પ્રકાર સાર્વત્રિક રાખ્યા સિવાય ઉપાય ન હતો. પ્લૅટોના Ion તથા Phaedrus નામના બીજા જે ‘ડાયલૉગ્ઝ’માં રાજ્યની રચનાનો કોઈ ઉદ્દેશ ન હતો તેમાં તેમણે કલાના સદગુણોની પ્રશંસા કરી છે અને કલાકારને દૈવી પ્રકૃતિ(એટલે કે આવેશપૂર્ણ દૈવી પ્રકૃતિ)નો કહ્યો છે પણ જે કલા અને નીતિ વચ્ચે સંઘર્ષની સમસ્યા હોય તો જતું કરવાનું તો કલાના પક્ષે જ હોય.

    સૌંદર્યવાદ : નીતિવાદના ર્દષ્ટિબિંદુથી તદ્દન વિરોધી મત તે સૌંદર્યવાદ. એ મત મુજબ કલા(અને અન્ય તમામ પ્રવૃત્તિ)એ નીતિના અનુચર કે દાસી બની રહેવાને બદલે નીતિ(અને અન્ય તમામ પ્રવૃત્તિ)એ કલાના અનુચર બની રહેવું જોઈએ. આ મતના સમર્થકોનું કહેવું એવું છે કે માનવજીવનને સુલભ થયેલી અનુભૂતિ પૈકી કલાની અનુભૂતિ સૌથી ઉત્કટ અને અતિવ્યાપક છે અને એ અનુભૂતિમાં કશાનોય વિક્ષેપ કે અંતરાય ન રચાવો જોઈએ. કલા નીતિમત્તા સાથે વિરોધાતી હોય તો એ નીતિમત્તાની અવદશા ગણાય. લોકસમુદાય તે માણી શકે નહિ અથવા તેમાંની અનુભૂતિ ઝીલી શકે નહિ તો એ લોકસમુદાયની કરુણતા ગણાય. સૌંદર્યાનુભૂતિની ચેતનાસભર ઉત્કટતા એ માનવજીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે. નીતિની ર્દષ્ટિએ કલાની અહિતકર અસર પડતી હોય તોપણ કલા નિમિત્તે મળતા સર્વાધિક અગત્યના અનુભવની તુલનામાં ખરેખર તેનું કશું મહત્વ નથી. કલાકૃતિની અનુભૂતિ એ માનવજીવનની સર્વોત્તમ અનુભૂતિ ખરી, પણ માનવજીવનની એ એકમેવ અનુભૂતિ નથી. જીવનમાં મૂલ્યોની બહુલતા છે અને સૌંદર્યલક્ષી મૂલ્યો મોટાભાગના લોકો ધારે છે તે કરતાં વિશેષ ઉમદા છે પણ જીવનમાં એ મૂલ્યોનો એકાધિકાર નથી; જીવનનાં સંખ્યાબંધ મૂલ્યો પૈકીનાં તે અમુક જ મૂલ્યો છે.

    નીતિલક્ષી અને સૌંદર્યલક્ષી ર્દષ્ટિબિંદુઓ એ બંને અંતિમવાદી છે; સત્ય તો એ બંનેના મધ્ય માર્ગે જ સાંપડવાનો સંભવ છે. વસ્તુત: કલા અને નીતિ અત્યંત નિકટપણે સંકળાયેલાં છે; એકબીજાના સહયોગ વગર બંનેની કામગીરી અધૂરી જ રહે. જોકે એ બંનેનો સંબંધ ચોકસાઈપૂર્વક દર્શાવવો સહેલો નથી પણ નવો પ્રચલિત થયેલો શબ્દ ‘આંતરસંબંધ-વાદ’ (interactionism) વાપરીને એટલું કહી શકાય કે સૌંદર્યલક્ષી મૂલ્યો તેમજ નૈતિક મૂલ્યો – એ બંનેનું જગતમાં આગવું સ્થાન અને વિશિષ્ટ કાર્ય છે પણ એ બંને એકબીજાથી અલગ કે સ્વતંત્ર રહીને નહિ પણ પરસ્પર નિર્ભર રહીને સહકાર્ય વડે જ આ સિદ્ધ કરી શકે.


    સંપાદકીય નોંધ: 

    ૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
    ૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘કલાતત્ત્વ’ વિષયમંથી પસંદ કરેલ છે.
    આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
  • મને મનગમતી સાંજ એક આપો :

    અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
    મને મનગમતી સાંજ એક આપો :
    કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

    ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
    પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
    થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને અર્જુનનો મત્સ્યવેધ આપો.

    મને આપો એક સાંજ, મને આપો એક રાત મને આપો એક એવો આશ્લેષ –
    ફરફરવા લાગે આ સાતસાત જન્મોના તાણીને બાંધેલા કેશ !
    મારાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો !

     જગદીશ જોશી

  • ઊર્મિલ સંચાર – પ્રકરણ ૧૦ : મધરાતે સૂર્ય

    અંજલિ અને શોમના વિવાહ પહેલા હલદી અને સંગીતના આનંદ વચ્ચે દાદાની નારાજગી અંજલિ અને તેની માતાને દુખી કરી દે છે. શોમ સાથે પોતાની દીકરી માયાએ કરેલા દગા માટે અંજલિના મામા શોમની માફી માગે છે. 

    આગળ વાંચો…

    સરયૂ પરીખ

    અંજલિ, શોમ અને મિત્રો નાચતાં હતાં. આનંદના એ માહોલમાંથી અંજલિના મમ્મી, મંજરીને જરા ખેંચીને દાદા સામે હાજર કરવામાં આવ્યાં. અંજલિએ જોયું અને તે પણ પોતાની મમ્મી પાછળ આવી. “આ શું સાંભળું છું? મારી પૌત્રી એક મુસલમાન માવડીના છોકરા સાથે પરણે છે? મારો દીકરો જીવતો હોત તો આવું ન થવા દેત!” આ સાંભળીને અંજલિએ જોયું કે તેની મમ્મીને ચાબખો વાગ્યો હોય તેમ વળ ખાઈ ગઈ.

    “ભાઈ! દાદાજીને તમારે ઉતારે લઈ જાવ, હું હમણાં આવું છું.” અંજલિએ જરા સખ્તાઈથી આદેશ આપ્યો. એ સાંભળી મંજરી અંજલિને વારતી હોય તેવી નજરે જોઈ રહી.

    “મહા અનર્થ…!” એમ બોલતા બોલતા, દાદા લાકડીને ટેકે ભત્રીજા સાથે જતા રહ્યા. મમ્મીને લઈને અંજલિ પાછી બધા સાથે સંગીતમાં જોડાઈ. વેવાણનો ચહેરો જોઈ માહી ‘કંઈક અણઘટિત’ છે તે સમજી ગઈ.

    કાર્યક્રમ પૂરો થયો અને બધા વિખરાયા. અંજલિનો ગંભીર ચહેરો જોઈ, તેના બંને હાથ પકડી શોમ તેની આંખોમાં આંખ પરોવી પ્રશ્ન ભરી નજરે જોઈ રહ્યો.

    “મારા દાદાએ ધમાલ કરી મૂકી છે, અને વચ્ચે મારી મમ્મી સોરાઈ રહી છે.” અંજલિ રડમસ ચહેરે બોલી.

    “પણ શું થયું? મને કહે,” શોમ ઉત્સુકતાથી બોલ્યો.

    “મારા દાદા તમારા અબ્બાસમામાને મળ્યા અને જાણ્યું કે, માહીમમ્મી મુસ્લિમ છે. એકદમ આપણા લગ્નનો વિરોધ જણાવ્યો. પોતાની માન્યતાને અનુસરે તેનો વાંધો નથી પરંતુ ‘મારો દીકરો હોત તો આવું ન થવા દેત’ એમ કહીને મારી મમ્મીને બહુ આઘાત આપ્યો છે.” અંજલિની આંખો ભરાઈ આવી.

    “પણ તારા પપ્પા તો એવા વિચારના હતા જ નહીં, ચાલો આપણે દાદા સાથે વાત કરીએ, ભલે ને મોડી રાત છે.” શોમ બોલ્યો અને બન્ને દાદાના ઉતારા તરફ વળ્યાં.

    “હું તને ઇતિહાસ જણાવું.” અંજલિ બોલી, “મારા પપ્પાને દાદાના સંકુચિત વિચારો માટે અત્યંત અણગમો હતો અને દાદાને પપ્પાના સિધ્ધાંતો માટે નફરત. દાદાએ કદી પપ્પા વિશે વખાણનો શબ્દ કહ્યો નથી, બલકે પપ્પાની પ્રવૃત્તિઓ શર્મજનક લાગતી. દાદીનાં અવસાન પછી મારા પપ્પા ગામડેથી ઘર છોડી નીકળી ગયા હતા. મમ્મી સાથે લગ્ન કરવાના હતા ત્યારે, મમ્મીના આગ્રહને લીધે દાદાને મળવા ગયા હતા. બસ, પછી મમ્મી કાગળ લખી સંબંધ રાખતી…એ સિવાય ખાસ મનમેળ નહોતો.”

    આવાસ પર આવીને બારણે ટકોરા માર્યા અને ભત્રીજાએ તરત બારણું ખોલ્યું. દાદા પથારી પર સંકોડાઇને બેઠા હતા. શોમ નજીક ખુરશી ખેંચી બેઠો અને અંજલિ નારાજગીના ભાવ સાથે ઊભી રહી. “દાદા, તમને મારી સામે તો વાંધો નથી તો મારી મમ્મી મુસ્લિમ છે એ એટલું બધું અગત્યનું છે?” શોમ સમજાવતા બોલ્યો.

    દાદા સખ્ત અવાજમાં બોલ્યા, “ના, આવા લગન થાય જ નહીં. અમારી આબરૂના કાંકરા થઈ જાય.”

    “દાદાજી! તમારી એવી માન્યતા છે, પણ તમે વચ્ચે મારા પપ્પા પણ ‘આ લગ્ન ન થવા દેત’ એવું કેવી રીતે માન્યું? તમે મારા પપ્પાના શું વિચારો હતા એ જાણવા કોઈવાર પ્રયત્ન કર્યો છે કે આજે આવો મોટો ચાબખો તમે મમ્મીને માર્યો?” અંજલિ વ્યાકુળતાથી બોલી.

    “તમને જેમ ફાવે તેમ કરો. હું કાલે સવારે જ અહીંથી હાલ્યો જઈશ.” બેદરકારીથી તેમણે નિર્ણય જણાવ્યો.

    “દાદા એવું ન કરો,” શોમે કહ્યું…પણ દાદાએ ગુસ્સામાં મોઢું ફેરવી લીધું.

    “ભલે, જેવી તેમની મરજી,” કહીને અંજલિ દાદાના ચરણ સ્પર્શ કરી બારણા તરફ ચાલી. “ભાઈ, દાદાને સાચવીને લઈ જજો.” શોમે બહાર નીકળતા પહેલા, પાકીટમાંથી રૂપિયાની થોકડી કાઢી ભત્રીજાને આપી દીધી.

    બહાર નીકળી અંજલિને કમ્મરે હાથ મૂકી વ્હાલ કરી કહ્યું, “જવા દે…Life is too short to waste and too long to ignore.”

    ઘરે જઈને અંજલિએ મંજરીને બધી વાત જણાવી અને ખાસ ચેતવણી આપી, “જો મમ્મી, તેં દાદાને સન્માન આપવાના બનતા પ્રયત્નો કર્યા છે. કાલે તેઓ જઈ રહ્યા છે તે બાબત તારે બિલકુલ પોતાનો વાંક નથી ગણવાનો.” કહીને અંજલિ તેની મમ્મીને ભેટી. “ઓ મારી વ્હાલી મમ્મી! મારે ખાતર, પપ્પાના સિધ્ધાંતોને ખાતર, no regrets…કબૂલ?” અને મંજરીએ હળવા દિલથી “બહુ રાખતા ના રહે, તેને વહેતા રે મૂકીએ” ગાઈને દીકરીને સંમતિ આપી દીધી.

    અંજલિએ સુવાની તૈયારી કરી પણ ઊંઘ તો ક્યાંય વર્તાતી ન હતી. કુમારિકા તરીકે છેલ્લી રાત!
    તે બારીની ઓથે બહાર વરસતી ઝરમરને ઘેલછાભરી જોઈ રહી.

    ધુમ્મસની આછેરી  ચાદર ત્યાં દૂર સુધી,
     
    નીતરતા ટીપાની ઝાલર ત્યાં દૂર સુધી.
     
    વૃક્ષો નમાવીને મસ્તક  દે  તાલ  સુધીર,
     
    પત્તા ને ફૂલોનો  થરથરાટ  ધીર અધીર.
     
    ઊંચેરી   બારીની   કાંગરીની   કોર  પર,
     
    નર્મીલા નમણાં એક ચહેરાની  આડ પર.
     
    નીલમ સી આંખોની  કાજળની કોર પર,
     
    નર્મિલી ભીની ભીની પાંપણની છોર પર.
    આંસુનાં આવરણ ઉતારવાને, ઓ સજન!
    આળું મન ઘેલું ને વ્યાકુળ, ઓરે સજન!
    પાંખો  ફફડાવું,  તું   આવે,   ઓ રે સજન!
     
    અવની ને અંબરનું ઝરમર મીલન, સજન!

    “હવે ઊંઘી જા બેટા,” એવું બે ત્રણ વખત સાંભળ્યા પછી અંજલિ મીઠી નીંદરમાં ખોવાઈ ગઈ.

    અરૂણોદય સુરખીમાં, દરિયા કિનારે શોમ રોજના નિયમ પ્રમાણે દોડી રહ્યો હતો. તેને લાગ્યું કે પાછળથી કોઈ બોલાવી રહ્યું હતું. શોમે ધીરા પડી પાછળ જોયું તો એક સજ્જન આશ્રમના પાછલા દ્વારમાંથી નીકળી, તેના તરફ આવી રહ્યા હતા. નવાઈથી તે જોઈ રહ્યો અને પરિચીત ચહેરાની યાદ સાથે અણગમાનો ભાવ ઉપજ્યો.

    “માફ કરજો, હું અંજલિના મામા.” વડીલ હાંફતા બોલ્યા. “હું તમને એકાંતમાં મળવાની રાહ જોતો હતો.”

    “હાં મને ખ્યાલ આવી ગયો…નમસ્તે.” શોમે જરા રૂક્ષતાથી અભિવાદન કર્યું.

    “મારી દીકરી માયાએ તમારી સાથે જે કપટ કર્યું તેની હું માફી માગું છું. તેણે પણ હાથ જોડીને માફી માંગી છે.” સજ્જન ગળગળા થઈ બોલ્યા.

    ‘શું કહું!’…ના સંકોચ સાથે, શોમ ગૂંચવાઈને બોલ્યો, “તમને પણ આંચકો લાગેલો, ખરું? અંજલિએ કહેલું કે તમારા પરિવાર અને માયાની વચ્ચે સમાધાન કરાવવા તેણે પ્રયત્ન કરેલો. હવે બધું ઠીક છે? ખેર, મને એ અનુભવથી ઘણું શીખવા મળ્યું…અંત ભલા તો સબ ભલા. આપણે હવે તે ભૂલી જઈએ. તમે લગ્નમાં આવ્યા તે સારું કર્યું, સ્વાગત.” કહીને શોમે હસીને હાથ જોડ્યા અને દોડવાનું શરૂ કર્યું.

    સવારમાં પ્રાર્થના હોલમાં વૈદ્યજીના આદેશ મુજબ અંજલિના મમ્મી વ્યવસ્થા કરાવી રહ્યાં હતાં.
    સફેદ અને પીળા ફૂલોથી  શણગારેલો હોલ પવિત્ર મંત્રોથી ગુંજતો હતો. બધા સમજી શકે તે પ્રમાણે વૈદ્યજી મંત્રોચ્ચાર બોલ્યા, અને શુકનની ઉબટન શોમ અને અંજલિના ગાલે લગાડવામાં આવી.  “રમેશભાઈ અને માહીબેન, આજના લગ્ન અનોખા પ્રકારના થશે.” વૈદ્યજીએ હસતાં હસતાં કહ્યું.

    “અમારું દિલ આનંદથી હર્યુંભર્યું છે અને વાતાવરણ પવિત્ર લાગે છે. અમારામાંથી કોઈ ચુસ્ત કર્મકાંડમાં માનતા જ નથી.” ડો.રમેશ માહીને આગળ કરી બોલ્યા. માહી ભારે સાડીમાં સજ્જ અને વાળમાં વેણી…અહા! રમેશ નવા પરણેલા હોય તેવી રસભરી નજરથી પત્નીને જોઈ રહ્યા હતા…જે નીના અને આસપાસના જાનૈયાઓએ નોંધ્યું.

    ત્યારબાદ મહેંદી લગાવવાનો શોખ પૂરો કરવા, અંજલિએ નાની કલાકારી ‘શોમ’ના નામ સાથે પોતાના હાથમાં કરાવી અને નીનાએ બન્ને હાથ બરાબર મહેંદીથી સજાવવાનો લ્હાવો લીધો. આરી અને સ્ટિવન પણ છોકરીઓ સાથે જોડાયા. શોમે દૂરથી અંજલિને ઈશારો કરીને બોલાવી અને બંને દરિયા કિનારા તરફ નીકળી ગયા.

    મંડપનું બાંધકામ  અને સજાવટ અંજલિની યોજના પ્રમાણે થઈ રહ્યું હતું. સફેદ તંબુની આસપાસ લાલ, લીલા પડદા અને તોરણ પર સુંદર ફૂલો ઝૂલતાં હતાં. શોમ ચારે બાજુ નિરીક્ષણ કરી ખાતરી કરી રહ્યો હતો કે પવનની ગતિ વધે તો પણ મંડપ હલે નહીં.

    “હું પણ અત્યારે બધું જોઈ લઉં. દુલ્હન બનીને આવીશ ત્યારે તો કોણ જાણે, મારી આંખ ઊંચી થશે કે નહીં!” અંજલિ શોમના હાથમાં હાથ પરોવી બોલી. વર-કન્યા મંડપ, દરિયો અને પોતાના સૌભાગ્ય પર હરખાઈ રહ્યાં.

    વૈદ્યજીએ તેમના કાર્યકરો દ્વારા અંજલિના દાદા માટે સવારની ટ્રેઇનની વ્યવસ્થા કરી દીધી હતી. તો પણ હજી વ્યથિત મંજરીનું મન ડંખતું હતું. “અંતે તો તેઓ ઘરના વડીલ છે. બાબા! હું સવારે પ્રાર્થના હોલમાં આવતા પહેલા શ્વસુરને મળવા ગઈ હતી, પણ તેમના નિર્ણયમાં ફેર ન પડ્યો.” દાદા ગાડીનો સમય થતા નીકળ્યા અને મંજરીએ ભારે હૈયે વિદાય આપી. બાબાએ મંજરીને કહ્યું, “આજે અંજલિનો ખાસ દિવસ છે. તેની ખુશી આજે આગવું સ્થાન લે છે. દાદાને ધર્મના વાડાનું મહત્વ છે અને આપણને માનવીના સદગુણોનું…”

    કરતા  ફરિયાદ  રૂંધી અંતરનું  વ્હાલ,
    ભલે, સાચું કે ખોટું છે તેનું અભિમાન.
    અંતરથી  આપીએ શુભેચ્છા  સન્માન,
    સમજણ  સિદ્ધાંતોનું જાળવી  સ્વમાન.


    ——   ક્રમશઃ


    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com

  • ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૬) – તંતુવાદ્યો (૧) – વાયોલીન (૩): શંકર-જયકિશનનાં ગીતો

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    વાયોલીન્સ વિશેની શ્રેણીની પહેલી કડીમાં જણાવ્યું હતું તેમ શંકર-જયકિશને પોતાના વાદ્યવૃંદમાં વાયોલીન્સનો પ્રચૂર ઉપયોગ કર્યો છે. એ કારણથી આ કડી તે સંગીતકાર બેલડીનાં ચુનંદાં ગીતોને સમર્પિત છે, જેમાં વાયોલીન્સ સમગ્ર રચનાના આધારસ્થંભ બની રહ્યાં છે. આ સંગીતકારોએ સેબેસ્ટીયન ડી’સોઝા નામના તેમના સહાયક અને અતિશય કુશળ વાદકો સાથે મળીને અસંખ્ય ગીતોમાં વાયોલીન્સના અવનવા અને અસાધારણ પ્રયોગો કર્યા છે. ગીતના પૂર્વાલાપ/Preludes,  મધ્યાલાપ/Interludes, કાઉન્ટર મેલોડીઝ/Obligetos માં તો વિશિષ્ટ પ્રયોગો ખરા જ, સાથે ગીતને સમાંતર એકધારું દ્વીસ્તરીય કે ત્રિસ્તરીય વાયોલીન્સવાદન ચાલ્યા કરે તેવાં ગીતો પણ આ સંગીતકારોએ સર્જ્યાં છે. આજે લગભગ સાડાપાંચ દાયકા પછી પણ ચાહકો તો ખરા જ, સંગીતના ઊંડા જાણકારો પણ આવાં ગીતોને માણતાં અને તેમાંના વૈવિધ્યપૂર્ણ વાયોલીનવાદનની બારીકીઓની ચર્ચા કરતાં થાકતા નથી.

    ફિલ્મી ગીતોમાં વાયોલીન્સના પ્રયોગોની પ્રાથમિક સમજણ એવી છે કે એકસાથે અનેક વાદકો વગાડી રહ્યા હોય તે ધૂન ‘ગ્રુપ વાયોલીન્સ’ અથવા સ્ટાફ વાયોલીન્સ’ વાદન તરીકે ઓળખાય છે. મોટા ભાગે આ પ્રકારના પ્રયોગો જ થતા રહ્યા છે. અમુક ખાસ કિસ્સામાં એક જ વાદક ચોક્કસ અંશ વગાડી લે , તે ‘સોલો વાયોલીન’ અથવા ‘એકલ વાયોલીન’ વાદન કહેવાય છે. કોઈ કોઈ વાર એકસાથે વાયોલીન્સ, વાયોલા અને સેલોના સામુહિક વાદન વડે વિવિધ સ્તરીય વાદન પણ સર્જાયું છે. ખેર, એ બધી ક્લીષ્ટ ચર્ચા છોડી, ગીતો માણીએ. આ ગીતોની પસંદગી બહુ મુશ્કેલ બની રહી છે. એક કરતાં એક ચડીયાતાં વાયોલીનપ્રધાન ગીતોમાંથી કેટલાંયે ગીતોને સામેલ ન કરવાનું ઘણું મુશ્કેલ બન્યું છે. દરેક ભાવકને પોતાની પસંદગીનું ગીત ન સમાવાયાની ફરિયાદ રહેશે.

    શરૂઆત કરીએ ૧૯૫૩ની ફિલ્મ ‘આહ’ના મુકેશે ગાયેલા ગીત ‘રાત અંધેરી દૂર સવેરા’ થી. સામાન્ય છાપ એવી રહી છે કે આ જોડીના વાદ્યવૃંદમાં ઓછામાં ઓછા ૨૫-૩૦ વાયોલીનવાદકો રહેતા હતા. પણ આ ગીત સાંભળતાં ખ્યાલ આવે છે કે તેમાં સમુહ વાયોલીનવાદન છે ખરું પણ મહદઅંશે એકલ વાયોલીનનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે.

    ૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હલાકુ’નું ગીત ‘આજા કી ઈંતેજાર મેં’ સાંભળીએ. પૂર્વાલાપથી શરૂ થઈ જતું વાયોલીનવાદન ગાયકીને સમાંતર ઓબ્લિગેટોઝમાં અને મધ્યાલાપમાં તો ખરું જ, ગીતનું સમાપન પણ તેના થકી જ થાય છે. આમ, આ એક સર્વાંગ વાયોલીનપ્રધાન ગીત ગણાવી શકાય.

    ફિલ્મ ‘અનાડી’ (૧૯૫૯)નાં ગીતો અપ્રતિમ સફળતાને વર્યાં હતાં. આજે પણ તે ફિલ્મના એકેએક ગીતની લોકપ્રિયતા બરકરાર છે. તે પૈકીનું ‘તેરા જાના દિલ કે અરમાનોં કા લૂટ જાના’ સાંભળીએ. ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે મધ્યાલાપમાં ગ્રુપ વાયોલીન કાને પડે છે. રસપ્રદ પ્રયોગ એ છે કે મધ્યાલાપ પૂરો થાય અને ગાયકી શરૂ થાય તે તબક્કે એકલ વાયોલીનનો નાનકડો પણ એકદમ કર્ણપ્ર્રિય ટહૂકો પ્રયોજાયો છે. ટાઈમર ચાલુ રાખીને સાંભળતાં આ બાબત પહેલા મધ્યાલાપ પછી 1.12 ઉપર અને બીજી વાર 2.37 ઉપર સાંભળી શકાય છે.

    હવે પછીનું ગીત ૧૯૬૦માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જીસ દેસ મેં ગંગા બહતી હૈ’નું ‘આ અબ લૌટ ચલે’  છે. હિન્દી ફિલ્મોનાં ગીતોના ઈતિહાસમાં આ ગીત પોતાનું આગવું સ્થાન જમાવીને બેઠું છે. જાણકારો દ્વારા આ ગીતને શકવર્તી ગણાવાયું છે. આ ગીતના રેકોર્ડીંગ વિશે પણ દંતકથાસમ વાતો ચાલતી રહે છે. એક આદર્શ ગીતમાં અપેક્ષિત હોય તેવા બધા જ ઘટકો અહીં છે. અનેકવિધ વાદ્યોના અને કોરસના અવિસ્મરણિય પ્રયોગો વચ્ચે વાયોલીન્સ પોતાની હાજરી પૂરાવતાં રહે છે.

    https://youtu.be/nMgxhBJ7UWo

    હવે પછીનું ગીત ફિલ્મ ‘પ્રોફેસર’ (૧૯૬૨)નું ‘મૈં ચલી મૈં ચલી, પીછે પીછે જહાં’ છે. નોંધનીય છે કે મધ્યાલાપમાં વાગી રહેલા વાયોલીન્સના અંશો ચાલી રહેલી ટ્રેનના લયમાં સાથ પૂરાવતા હોય તેમ પ્રયોજાયા છે.

     

    ૧૯૬૨ની ફિલ્મ ‘દિલ તેરા દિવાના’ ના શિર્ષકગીતના પૂર્વાલાપમાંનું વાયોલીનવાદન સાંભળતાં ખ્યાલ આવે છે કે તે સમયે ફિલ્મમાં બતાવેલા વીજળી અને તોફાનના ઘટનાક્રમ સાથે તે વાદન કેટલું સુસંગત છે.

    ફિલ્મ ‘દિલ એક મંદીર’ (૧૯૬૩)ના ગીત ‘યાદ ન જાયે બીતે દિનોં કી’ ના શબ્દોમાં સમાયેલા કરુણ ભાવને વાયોલીનવાદન બરાબર ઉઠાવ આપે છે.

    ૧૯૬૫માં પ્રદર્શિત થયેલી ‘ગુમનામ’ એક રહસ્યપ્રધાન ફિલ્મ હતી. તેના શિર્ષકગીતમાંનું વાયોલીનવાદન આ ગીતના સમયે પાત્રો ઉપર છવાયેલા ખોફના માહોલને બરાબર ન્યાય આપે છે.

    https://www.youtube.com/watch?v=Kjyr9JYd3-I

    ફિલ્મ ‘ગબન’ (૧૯૬૬)ના ગીત ‘તુમ બિન સજન, બરસે નયન’માં એટલું તો પ્રભાવક વાયોલીનવાદન છે કે ગીત યાદ આવે ત્યારે પણ સાથેના વાયોલીનના અંશો મનમાં ગૂંજવા લાગે છે.

    https://www.youtube.com/watch?v=Pk1J8p2jUiw
    ફિલ્મ ‘છોટી સી મુલાકાત’ (૧૯૬૭)ના ગીત ‘તુઝે દેખા તુઝે ચાહા’માં અંતરા ગવાતા હોય તે દરમિયાન વાયોલીનવાદન થકી ચાલતા રહેતા ઓબ્લીગેટોઝ/ કાઉન્ટર મેલોડી બહુ જ રોચક છે. અલબત્ત, તે પ્રચ્છન્નપણે વાગી રહ્યા હોવાથી ધ્યાનથી સાંભળવા જરૂરી છે.

    ૧૯૬૭ની જ ફિલ્મ ‘રાત ઔર દિન’નું ગીત ‘દિલ કી ગિરહ ખોલ દો’ સાંભળતાં જ તેમાંના વાયોલીનના અંશો ધ્યાન ખેંચી લે છે.

    ૧૯૬૭નું જ એક વધુ ગીત માણીએ. ફિલ્મ ‘ગુન્હાઓં કા દેવતા’ના આ શિર્ષકગીતનું વાયોલીનવાદન તે ગીત સાથે ચાલી રહેલા નૃત્ય સાથે તાલ મિલાવતું હોય એવી અસર ઉભી થાય છે.

     

    ફિલ્મ ‘ઝૂક ગયા આસમાન’ના પ્રસ્તુત ગીત ‘કૌન હૈ જો સપનોં મેં આયા’ સાથેનું વાયોલીનવાદન તે ગીતના તોફાની અંદાજને બરાબર ખીલવે છે.

    https://youtu.be/9n_R4Vfu-bo

    ફિલ્મના ગીતનું રેકોર્ડીંગ થતું હોય ત્યારે એકસાથે ઘણાં વાદ્યોને ઉઠાવ આપવાનો હોય છે. આથી કેટલાંક ગીતો સાથેનું વાયોલીનવાદન પ્રચ્છન્ન રહી જવા પામે છે. આ કારણથી ફિલ્મ ‘બ્રહ્મચારી’ (૧૯૬૮)ના ગીત ‘મૈં ગાઉં તુમ સો જાઓ’ની એક સ્ટેજ કાર્યક્રમની પ્રસ્તુતિ સાંભળીએ. આ ક્લીપને માણતાં ખ્યાલ આવશે કે વાયોલીનવાદન બહુ અસરકારક રીતે ઉપસી આવ્યું છે. આ ક્લીપની પસંદગી જીવંત વાયોલીનવાદનના આધારે કરવામાં આવી છે.

                                              

     

    શંકર-જયકિશને બનાવેલાં ગીતો માણ્યા પછી તેમનું જ બનાવેલું ફિલ્મ ‘હલાકુ’નું નૃત્યસંગીત સાંભળીએ. એમાંનું વાયોલીનવાદન સાંભળતાં તે પણ નૃત્યની સ્ફૂર્તીથી વાગી રહ્યું હોવાની અનુભૂતિ થાય છે.

    યુ ટ્યુબ ઉપર શંકર-જયકિશનનાં બનાવેલાં અલગઅલગ ગીતોમાંના વાયોલીનવાદનના અંશો ભેગા કરીને બનાવેલી ક્લીપ્સ The Magic Violins Of Shankar Jaykishan Part 1, The Magic Violins Of Shankar Jaykishan Part 2 અને The Magic Violins Of Shankar Jaykishan Part 3 શિર્ષકથી ઉપલબ્ધ છે, તે માણતી વેળાએ શંકર-જયકિશનની સાથે સેબેસ્ટીયન ડી’સોઝાને યાદ કરવાની પણ ભલામણ છે.


    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com