ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

જેમ ફિલ્મી ગીતોની એક અલાયદી દુનિયા છે તેમ એ દુનિયાની ભીતરે ફિલ્મી ગઝલોનું પણ એક નાનકડું પણ અનોખું વિશ્વ છે.

આ ફિલ્મી ગીતો, ગઝલો અને નઝ્મોની એક વિડંબના એ કે અનેક કિસ્સામાં એ રચનાની તરજ એવી મનભાવન હોય કે આપણે બહુધા એમાં જ ખોવાયેલા રહીએ અને એમાં નિહિત અદ્ભુત કવિતાતત્વને વણદેખ્યો કરી દઈએ. હકીકત એ છે કે એવા હજારો ફિલ્મી ગીત છે જે સ્વયંમાં ઉત્તમ કવિતાઓ પણ છે. 

કોઈ બંદિશ ગીત છે કે નઝ્મ કે ગઝલ એ નક્કી કરવા એના શબ્દોને વાચ્ય સ્વરૂપમાં જોવું – વાંચવું અનિવાર્ય છે કારણ કે કવિતા એ લેખનની કળા છે. ગઝલના પરંપરાગત લહેજામાં ગાયેલી અનેક ચીજ વસ્તુત: ગઝલ હોતી નથી અને સરળ ગીત લાગતી કોઈ રચના વાસ્તવમાં ગઝલ હોય છે !

મોટા ભાગના લોકો જાણે છે છતાં પુનરુક્તિનો દોષ વહોરી સાવ ટૂંકમાં કહી દઉં કે ગઝલમાં એક સમાન લંબાઈ અથવા બહરના ત્રણ, ચાર, પાંચ કે વધુ બંધ હોય છે જેને શેર કહે છે અને દરેક શેરમાં બે પંક્તિઓ હોય છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે જેમાં ( સામાન્યત: ) બન્ને પંક્તિઓના અંતે એક સમાન શબ્દ કે શબ્દ – ઝૂમખું હોય જેને રદીફ કહે છે અને એ શબ્દો પહેલાં એક પ્રાસમય શબ્દ ( જેમ કે કણ , મણ, જણ, ધણ ) આવે તેને કાફિયા કહે છે. મત્લા પછીના શેરોમાં માત્ર બીજી પંક્તિમાં આ કાફિયા અને રદીફ આવતા રહે છે. ગઝલના દરેક શેર વિચારની દ્રષ્ટિએ એક જ વાત કરતા હોય એ બિલકુલ જરૂરી નથી. ગઝલના અંતિમ શેરને મક્તા કહે છે જેમાં શાયરના તખલ્લુસનો ઉલ્લેખ હોય. જોકે બહુધા ફિલ્મી ગઝલોમાં મક્તા હોતો નથી. આ સામાન્ય નિયમો છે. બાકી આગળ ઉપર .

આ લેખમાળાની પ્રેરણાનો સ્રોત એ કે  પુરાણા ફિલ્મી ગીતોના શોખીન એક મિત્રએ મને કહ્યું કે એમને સંગીતકાર રોશનની મોહમ્મદ રફીએ ગાયેલ લગભગ એક જ પ્રકારની બે ‘ ગઝલો ‘ ખૂબ ગમે છે. આ :

અબ ક્યા મિસાલ દૂં મૈં તુમ્હારે શબાબ કી  (ફિલ્મ : આરતી ૧૯૬૨)

 

 

જો બાત તુજ મેં હૈ તેરી તસવીર મેં નહીં (ફિલ્મ: તાજમહલ ૧૯૬૩)

કબૂલ કે બન્ને બંદિશો ઉત્તમ છે પણ એમાંની એક પણ ગઝલ નથી ! (એટલા માટે કે બન્નેના શબ્દો ગઝલની ઉપરોક્ત વ્યાખ્યામાં સ્હેજેય બંધબેસતા નથી.)

‘ અનપઢ ‘ ફિલ્મની લતાની બે ‘ ગઝલો ‘ મશહૂર છે જેમાંની એક ગઝલ છે, એક નહીં ! [1]

અલામા ઈકબાલની પ્રસિદ્ધ રચના ‘ સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા ‘ દરઅસલ એક ગઝલ છે કારણ કે એ ગઝલના શાસ્ત્રોક્ત બીબાંમાં છે.

પોતાના ફિલ્મી ગીતોના કારણે સુવિખ્યાત એવા અનેક શાયરો છે ( જેવા કે સાહિર લુધિયાનવી, શકીલ બદાયુની, કૈફી આઝમી, મજરુહ સુલતાનપુરી, ગોપાલદાસ નીરજ ) જે ફિલ્મોમાં આવતાં પહેલાં જ પોતાની ગઝલો દ્વારા નામ કમાઈ ચૂક્યા હતા પણ ફિલ્મોના કારણે જ એ સૌ વિશાળ જનસમૂહ લગી પહોંચ્યા.

આવા અને એમના જેવા બીજા સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા મેળવવાનો પ્રયત્ન શરુ કરીએ છીએ. પ્રયત્ન એ રહેશે કે દરેક ફિલ્મી ગીતકારની (હા – માત્ર સિત્તેર અથવા એ પહેલાંના દશકોના જ ગીતકારો !) બબ્બે એવી ગઝલોનું પઠન ( રસાસ્વાદ નહીં ! ) કરીશું જે બહુ જાણીતી ન હોય અને / અથવા એ  સાંભળતી વખતે શ્રોતા તરીકે આપણે ભાગ્યે જ વિચાર્યું હોય કે એ ગઝલ છે! સાથોસાથ જેમને રસ હોય એ ગઝલ સાથે આપેલી લિંકનો ઉપયોગ કરી એ ગઝલ સાંભળી પણ શકશે.

કદાચ આ પ્રયાસ થકી સામાન્ય ભાવકને ગઝલ અને અ-ગઝલનો ભેદ પારખવામાં થોડીક મદદ મળશે.

મળીએ છીએ, જુન ૨૦૨૩થી દર શનિવારે……..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


[1] ગઝલ , અ- ગઝલ અને મદન મોહન